સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/રસશબલતા

રસશબલતા

અતુલચંદ્ર ગુપ્તે દ્રૌપદીચિત્રમાંની ભાવોની રમણા આબાદ પ્રગટ કરી આપી છે. પણ એમણે રૌદ્ર રસને મુખ્ય રસ કહ્યો એ વિશે કોઈને પ્રશ્ન પણ થાય. ખાસ કરીને દ્રૌપદી રૌદ્રમૂર્તિ તરીકે આપણને પ્રતીત થાય છે કે કરુણ મૂર્તિ તરીકેનો એનો આપણને સંશય થાય. કદાચ આપણને દ્રૌપદી રૌદ્ર અને કરુણ બંનેની સાથેલાગી મૂર્તિ છે એમ કહેવાનું મન થાય. કાવ્યશાસ્ત્ર ભાવસંધિ કે ભાવશબલતાનો ખ્યાલ સ્વીકારે છે પણ રસસંધિ કે રસશબલતાનો ખ્યાલ સ્વીકારતું જણાતું નથી. આપણને એ ખ્યાલ પણ સ્વીકારવા જેવો લાગે. આ સંદર્ભમાં મને મારો એક અનુભવપ્રસંગ યાદ આવે છે. એમ.એ.ની પરીક્ષામાં અમને એક પ્રશ્ન પુછાયો હતો – પ્રેમાનંદના ‘દશમસ્કંધ’નો મુખ્ય રસ કયો? ‘દશમસ્કંધ’માં મુખ્ય રસના પદના અધિકારી બે રસો ગણાય – વાત્સલ્ય અને કરુણ. એ બેનું એમાં પ્રભાવક નિરૂપણ છે. વિદ્યાર્થી સામાન્ય રીતે આ બેમાંથી કોઈ એક ઉપર પસંદગી ઢોળે પણ મને લાગ્યું કે આ બંને રસ પરસ્પરઆશ્રિત છે અને એમને છૂટા પાડવા મુશ્કેલ છે. તેથી મેં જવાબ આપ્યો કે ‘દશમસ્કંધ’નો મુખ્ય રસ વાત્સલ્યજનિત કરુણ કે કરુણગર્ભ વાત્સલ્ય છે. મારા મિત્ર નટુભાઈ રાજપરાને મારો આ જવાબ નવીન પણ પ્રતીતિકર લાગ્યો તેમ પરીક્ષકોને પણ લાગ્યો હશે એમ મારા પરીક્ષાના પરિણામ પરથી સમજાય છે. ન્હાનાલાલની ‘વીરની વિદાય’નો વિચાર કરો. એમાં રતિભાવનું ચિત્રણ છે ને યુદ્ધોસાહનું પણ. વીરપત્નીના વીર પ્રત્યેના ભાવનું મુખ્ય સૂત્ર હોઈ એને શૃંગાર રસના કાવ્ય તરીકે ઓળખાવવાનું સહજ છે. યુદ્ધોત્સાહ એ શૃંગારને વિચિત્રિત કરતો એક સહચારી ભાવ. પણ બીજી રીતે વિચારીએ તો સ્ત્રીના જે અનુભાવો વર્ણવાયા છે એ માત્ર રતિના નથી, યુદ્ધોત્સાહના પણ છે. એક જ અનુભાવ – દા.ત. બખ્તર વજ્રની સાંકળી ગૂંથવી તે – રતિના ભાવને તેમજ યુદ્ધોત્સાહને બંનેને વ્યક્ત કરે છે. રણાંગણમાં પ્રિયના સહચારની ભાવનામાં પણ રતિ ને યુદ્ધોત્સાહના ભાવો એકબીજામાં ભળી જાય છે. આથી એમ લાગે કે આ સંકુલ પરિસ્થિતિને તો કાવ્યનો રસ ‘શૃંગાર’ નહીં પણ ‘વીરશૃંગાર’ છે એમ કહીએ તો જ ન્યાય મળે. ન્હાનાલાલના જ ‘કાઠિયાણીનું ગીત’ને ‘વીરની વિદાય’ સાથે વિરોધાવો. ‘કાઠિયાણીનું ગીત’માં પણ શૃંગારચિત્ર છે – વિરહશૃંગારનું ચિત્ર, અને કાઠિયાણીના રતિભાવનું આલંબન ધીંગાણે ગાજતો કાઠી વીર છે તેથી શૃંગારચિત્રમાં વીરની છાયા ભળે છે, પણ એ છાયા જ. શૃંગાર ને વીર અહીં સંપૃક્ત નથી, કેમ કે ‘વીરની વિદાય’ની જેમ અહીં કાઠિયાણી પોતે રતિભાવની સાથે યુદ્ધોત્સાહનો ભાવ અનુભવી નથી રહી. એવા એના કોઈ અનુભાવો નથી. આથી આ કાવ્યના રસનું ‘વીરશૃંગાર’ એવું નામાભિધાન કરતાં આપણે અચકાવું પડે. પણ ‘કાઠિયાણીનું ગીત’નો વિરહશૃંગાર અન્ય ઘણાં કાવ્યોના વિરહશૃંગારથી જુદો તો રહેશે જ. ભાનુપ્રસાદના ‘દીવો બળે ને’ કાવ્યમાં પણ વિરહશૃંગારનું આલેખન છે. ‘કાઠિયાણીનું ગીત’ તથા ‘દીવો બળે ને’ બંનેમાં પ્રતીક્ષાનિમિત્તક વિરહશૃંગાર છે, તેમ છતાં બંનેનો વિરહશૃંગાર કંઈ એકરૂપ નથી. કાઠિયાણીએ શૃંગારસાજ સજેલાં છે એને ભાલે ટીલડી ટમકે છે, હાથે હેમત્રિશૂળનાં છૂંદણાં છે, એણે સિંદૂરરંગી ચૂંદડી ઓઢી છે, એ હિંડોળાખાટે હીંચતી વહાલમની વાટ જોઈ રહી છે અને પિયુની પરાક્રમશાલિતાનો ઉમંગ એના મનમાં છે, ત્યારે ખારવણ તો રાતોની રાતો સાદડીઓ ગૂંથી રહી છે, ઊંડા દરિયાને એનાં આંખનાં કૂંડાં ઉલેચી રહ્યાં છે, એની આજુબાજુ વાવડો રાડ્ય પાડે છે, નાળિયેરી તાળી પાડે છે. એમ કહેવાય કે કાઠિયાણીના વિરહશૃંગારમાં રમ્યતા છે, ગરિમા છે, જ્યારે ખારવણના વિરહશૃંગારમાં કંઈક ભીષણતા છે, સંત્રસ્તતા છે, દયનીયતા છે.