સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/અંતિમ રસસ્થિતિની અવ્યાખ્યેયતા

અંતિમ રસસ્થિતિની અવ્યાખ્યેયતા

શાસ્ત્ર તો વિશ્લેષણ અને વર્ગીકરણથી ચાલે. એ રસોને જુદા પાડીને ઓળખાવે ને એની લક્ષણબંધી કરે. પણ એનો અર્થ એવો નથી કે કાવ્યમાં રસોનું આલેખન આમ જ થવું જોઈએ. શૃંગાર રસનું ચિત્ર તે શૃંગાર રસનું જ ને કરુણ રસનું તે કરુણ રસનું જ એવી સ્પષ્ટતા ને પૃથક્તા રહેવી જોઈએ એવું કંઈ નથી. વસ્તુસ્થિતિ એવી છે કે કોઈ એક રસના નિર્ભેળ આલેખન કરતાં એમાં અન્ય રસની છાયા ભળે છે ત્યારે એમાં નૂતનતા ભાસે છે અને એ વિશેષ ચમત્કારક બને છે. અભિનવગુપ્તે શૃંગાર રસ વિશે કહ્યું છે કે એના બે ભેદો – સંભોગ અને વિપ્રલંભનું મિશ્રણ થાય ત્યારે અતિશય ચમત્કારયુક્ત બને છે. જેમ કે, સંભોગશૃંગારમાં વિપ્રલંભની સંભાવનાનો ભય આલેખાય, વિપ્રલંભમાં સંભોગની કામના આલેખાય. (નાટ્યશાસ્ત્ર, ૬, શૃંગારરસપ્રકરણ, અભિનવભારતી ટીકા) અભિનવગુપ્તના આ અભિપ્રાયને વિવિધ રસભાવના મિશ્રણ સુધી જરૂર લઈ જઈ શકાય. ને એથી એવી સ્થિતિ પણ કલ્પી શકાય કે જ્યાં કાવ્યમાંથી સમગ્રપણે થતી રસાનુભૂતિને કાવ્યની અંતિમ રસાનુભૂતિને નામ પાડીને ઓળખાવવાનું મુશ્કેલ બને. ‘નદીકાંઠે સૂર્યાસ્ત’ સ્થૂળ રીતે પ્રકૃતિરતિનું કાવ્ય છે. પણ ‘તિમિરજલમાં એકાકી હું સરું જલદીપ શો!’ એ અંતિમ પંક્તિમાં ભાવવળાંક આવતો હોય એમ નથી લાગતું? પેલી ખેડુકન્યાની જેમ પોતાનેયે જાણે કવિ પ્રકૃતિના ભાગ તરીકે અનુભવે છે – જલદીપ રૂપે. આ શું માત્ર પ્રકૃતિદર્શન છે? એ આત્મદર્શન પણ નથી? અને એ આત્મદર્શન કેવા પ્રકારનું છે? દીવો સર્વ કંઈને પ્રકાશિત કરનાર છે. રૂપાયિત કરનાર છે. તો અહીં કવિ પણ પ્રકૃતિસૃષ્ટિ જે છે તેને અનુભવનાર માત્ર નથી, એને પ્રકાશિત કરનાર છે, એને જ્ઞાત કરનાર છે. કવિનું માત્ર ભોક્તૃત્વ નથી, કર્તુત્વ પણ છે એમ સૂચવાય છે. પ્રકૃતિસૌંદર્ય છે કેમ કે એને અનુભવમાં આણનાર કોઈ છે. આત્મદર્શનનો આ ભાવ આપણા રસશાસ્ત્રમાં ક્યાં ગોઠવાશે? એને શાંતરસના ખાનામાં નાખીએ તો એ વાજબી લેખાશે કે જે કંઈ બીજે ન ગોઠવાય ત્યાં શાંતરસનું નામ પાડી દેવાનો સહેલો માર્ગ આપણે લીધો ગણાશે? એ તો નક્કી જ છે કે કાવ્યનો પ્રકૃતિરતિનો ભાવ કાવ્યાન્તે એક જુદી ભાવછટામાં પરિણમે છે. આ જ રીતે, દિનેશ કોઠારીના ‘અઢળક ઢળિયો’ એ કાવ્યમાં પણ ‘ભેંકાર હતો જે ભૂત હુંય તે દેવલોકમાં ભળિયો’ એ છેલ્લી પંક્તિ કાવ્યમાંના વિસ્મયાનંદના ભાવને જુદી ભૂમિકાએ લઈ જતી નથી લાગતી? પ્રાકૃતિક પરિવર્તન નહીં પણ આત્મિક પરિવર્તન અહીં આલેખાયેલું છે. વિસ્મય તો અહીં છે જ, પણ વિસ્મય સાથે જોડાયેલી જે આધ્યાત્મિક વિકાસની પ્રતીતિ છે તેનો રસશાસ્ત્રમાં કેમ સમાસ કરીશું? શું અહીં પણ વિસ્મય સાથે શાંતની છાયા ભળેલી છે એમ કહીશું?