સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/લક્ષણાનું કાર્ય – વ્યંગ્યાર્થસ્ફુરણ

લક્ષણાનું કાર્ય – વ્યંગ્યાર્થસ્ફુરણ

લક્ષણા એ કાવ્યનું એક ઘણું મહત્ત્વનું ઓજાર છે, તેમ છતાં એ નોંધપાત્ર છે કે સંસ્કૃત કાવ્યશાસ્ત્ર લક્ષણાનું લક્ષણા તરીકે કોઈ કાવ્યમૂલ્ય હોવાનું સ્વીકારતું નથી. લક્ષણા પ્રયોજનવતી હોવી જોઈએ, એ દ્વારા કશો વિશિષ્ટ અર્થ ઉદ્દિષ્ટ થવો જોઈએ, એમાંથી વ્યંગ્યાર્થ કે ધ્વનિ સ્ફુરવો જોઈએ. એમાં જ કાવ્યનું ચારુત્વ છે. રૂઢિલક્ષણા જેવી કોઈ ચીજ જરૂર હોય છે પણ એ અભિધાથી તત્ત્વત: જુદી નથી. એવી લક્ષણા તો, કાવ્યચરિત્રની દૃષ્ટિએ, અમુખ્યપણે પ્રવર્તતું વાચકત્વ જ છે, અભિધાપુચ્છ જ છે. લક્ષણાના વ્યવહારમાત્રથી કોઈ રમ્યતા સર્જાતી નથી કાવ્યમાં મુખ્યાર્થની અસંગતિ દૂર કરતા અર્થ આગળ અટકી જવાનું નથી હોતું. ‘કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે’ એ પંક્તિનો ‘કેસરી સાફાવાળો વર ઘરના ફળિયામાં ખેલતી-કૂદતી કન્યાને લઈને જાય છે’ એવો અર્થ સમજીએ એટલે લક્ષણા તો રહેતી નથી, પણ એટલો જ અર્થ સમજીને આપણે બેસી રહેવાનું છે? ના, આપણે વિચારવાનું છે કે આમ સીધી વાત કહેવાને બદલે ‘કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે છે’ એમ કહેવાનું શું પ્રયોજન છે, એમ કહેવાથી શું વિશેષ સિદ્ધ થાય છે? અને આપણે આગળ નિર્દિષ્ટ કર્યા તેવા અર્થો સુધી પહોંચીએ તેમાં જ કાવ્યની લક્ષણાની સાર્થકતા છે. આજે આપણે ભાષાકર્મ ખાતર ભાષાકર્મને આસ્વાદવાની વાત કરીએ છીએ પણ એ ખરેખર ક્યાં સુધી શક્ય છે એ વિશે મને શંકા છે. આપણું વિવેચન પણ કેટલીક કવિતામાં જોવા મળતા ભાષાના વ્યવસ્થાભંગની તરાહોનું વિશ્લેષણ કરીને અટકી જાય છે ને જાણે વ્યવસ્થાભંગ ખાતર વ્યવસ્થાભંગનો મહિમા કરતું હોય એમ લાગે છે. કેવળ વ્યવસ્થાભંગને સંસ્કૃત કાવ્યશાસ્ત્ર ન સ્વીકારે. કુંતક રૂઢિ કે પ્રયોજન વગરના લાક્ષણિક પ્રયોગને નેયાર્થ નામનો દોષ ગણાવે છે અને આનંદવર્ધન તો ધ્વનિનો એટલે વ્યંગ્યાર્થના પ્રાધાન્યવાળી કાવ્યરચનાનો વિષય ન બનતા લક્ષણાપ્રયોગમાં કવિની અશક્તિ કે અવ્યુત્પત્તિ રહેલી માને છે. [1]વિવેચન ભાષાનો વ્યવસ્થાભંગ એટલે કે લાક્ષણિક પ્રયોગ બતાવીને અટકી જાય એ તો એ કેમ સ્વીકારી શકે? મને તો એવું લાગે છે કે વ્યવસ્થાભંગનું વિશ્લેષણ એક રસપ્રદ વિદ્વત્પ્રવૃત્તિ જરૂર બની રહે, એનાથી ભાષાવિષયક આપણું કૌતુક પણ જરૂર પોષાય. પણ એટલું કરવામાત્રથી વ્યવસ્થાભંગનો ખરો પૂરો ચમત્કાર પ્રગટ થતો નથી. એ તો વ્યવસ્થાભંગના સ્વરૂપથી આગળ જઈ એના કાર્યને સ્ફુટ કરીએ ત્યારે જ થાય છે. લાક્ષણિક પ્રયોગની પણ ઘણી વાર રૂઢિ બંધાઈ જતી હોય છે અને એવું થાય છે ત્યારે એ અર્થવાહકતા ગુમાવી દે છે. આજની કવિતામાં એવું નથી થતું એમ આપણે નહીં કહી શકીએ. સાચા કવિનું કાર્ય એ છે કે એ લાક્ષણિક પ્રયોગના નવા સંદર્ભો રચે, એનું નવું પ્રયોજન સિદ્ધ કરે, એમાં નવા વ્યંગ્યાર્થો સ્ફુરાવી એને તાજગી અર્પે. આજની કવિતામાં લક્ષણા કદાચ અતિપ્રયુક્ત પણ થતી લાગે. આપણે જાણે લક્ષણાનો વ્યાપાર, ભાષાનો વ્યવસ્થાભંગ એ જ જાણે એકમાત્ર કવિવ્યાપાર છે, કવિનું એક માત્ર ભાષાકર્મ છે એમ માનવા લાગ્યા હોઈએ એવો પણ ક્યારેક ક્યારેક ભાસ થાય છે. લક્ષણાના અતિપ્રયોગને સંસ્કૃત કાવ્યશાસ્ત્ર દોષ માને છે, તે ઉપરાંત લક્ષણા એકમાત્ર કવિવ્યાપાર હોવાનું એ નથી જ માનતું. એણે તો, મેં આરંભમાં જ કહ્યું તેમ, અભિધા, લક્ષણા અને વ્યંજના એ ત્રણ શબ્દવ્યાપારોની એક સુસંકલિત વ્યવસ્થા નિપજાવી છે. એની દૃષ્ટિએ કાવ્યની રમ્યતા વ્યંજનાથી આવે છે, અભિધાથી નહીં તેમ લક્ષણાથી પણ નહીં. લક્ષણાનું મૂલ્ય એ વ્યંજનાને અવકાશ આપે છે તે કારણે છે ને વ્યંજનાને અવકાશ લક્ષણાપ્રયોગમાં જ હોય છે એવું નથી, અભિધા પણ વ્યંજનાને અવકાશ આપી શકે છે. અભિધામૂલ અને લક્ષણામૂલ વ્યંજના એવા વ્યંજનાના બે પ્રકારો એ પાડે છે. આમ અભિધા અને લક્ષણા એ તો વ્યંજનાના પ્રવર્તન માટેની ભૂમિકા છે. એ સાધન છે, સાધ્ય તો છે વ્યંજના દ્વારા પ્રાપ્ત થતી અર્થસમૃદ્ધિ. આનંદવર્ધનના શબ્દોમાં કહીએ તો ધ્વનિ એટલે કે પ્રતીયમાન અર્થ – વ્યંગ્યાર્થ કાવ્યનો આત્મા છે.


  1. ૨. અવ્યુત્પત્તેરશક્તેવૉિનબન્ધો યઃ સ્ખલદ્ગતેઃ ।
    શબ્દસ્ય સ જ્ઞેનોય: સૂરિભિર્વિષયો ધ્વનેઃ || ૨.૩૨ ॥