સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/અભિધામૂલ વ્યંજનાનો કાવ્યમાર્ગ
અભિધામૂલ વ્યંજનાનો કાવ્યમાર્ગ
અભિધામૂલક પણ વ્યંજના હોય છે એ ભલે આપણાથી વીસરાઈ જતું હોય, એવાં કાવ્યો આપણી સામે આવે જ છે, એટલું જ નહીં એને આપણે ઉત્તમ તરીકે પ્રમાણીએ પણ છીએ. કાન્તના ‘ઉદ્ગાર’ કાવ્યમાં ભાષાનો કોઈ વ્યવસ્થાભંગ નથી, કોઈ લક્ષણાપ્રયોગ નથી, અલંકારરચના પણ એમાં સમ ખાવા પૂરતી – એક જ – છે. કાવ્ય આત્મકથનાત્મક ઉદ્ગાર છે – એક સ્ટેટમેન્ટ – બયાન છે. આ કાવ્યનો શબ્દવ્યાપાર અભિધાનો જ છે એમ કહેવાય. પણ આ રચનાને એક ઉત્તમ કાવ્યરચના તરીકે સ્વીકારવામાં કશો બાધ આપણને નડતો નથી. પોતીકાં અને વિશિષ્ટ ભાષાકર્મોથી આપણને પ્રભાવિત કરનાર આધુનિક કવિ રાવજી પટેલનું જાણીતું કાવ્ય ‘એક બપોરે’ પણ કેવળ અભિધાના આશ્રયથી ચાલે છે – એમાં ભાષાની કોઈ તોડફોડ નથી, રોજિંદા વ્યવહારમાં સાંભળવા મળતા તળપદી ભાષાના ઉદ્ગારમાત્ર છે. કાન્તના ‘ઉદ્ગાર’ કાવ્યમાં છંદ-પ્રાસનાં જે વૈચિત્ર્યો છે એ પણ ‘એક બપોરે’માં નથી. આ રચનાઓ બતાવે છે કે અભિધાવ્યાપારનો આશ્રય લઈને પણ કાવ્યસર્જન થઈ જ શકે છે, શરત એટલી હોવાની કે કાવ્ય અભિધેયાર્થ પાસે, વાચ્યાર્થ પાસે અટકી ન જાય, એમાં પરિસમાપ્તિ ન પામે, વાચ્યાર્થ વ્યંગ્યાર્થને અવકાશ આપે. ‘ઉદ્ગાર’ કાવ્યમાં પ્રેમમસ્તીનો ભાવ, કેટલીક આનુષંગિક ભાવવિચારની છાયાઓ સાથે વ્યક્ત થાય છે અને ‘એક બપોરે’માં નાયકનો એક વિશિષ્ટ વિષાદનો ભાવ મૂર્ત થાય છે – વ્યંજિત થાય છે એ કાવ્યોના અભિધેયાર્થનું – કથનવર્ણનપ્રપંચનું પરિણામ છે અને એમાં કાવ્યત્વની સિદ્ધિ છે. એવું નથી કે સંસ્કૃત કાવ્યશાસ્ત્ર કાવ્યરચનાના બંને માર્ગો બતાવીને પણ લક્ષણાના કાવ્યમાર્ગને વિશેષ મહત્ત્વ આપતું હોય, એને રાજમાર્ગ લેખતું હોય. સ્થિતિ તો એનાથી ઊલટી ભાસે છે. ધ્વનિકાવ્યના જે ૫૧ પ્રભેદો ગણાવવામાં આવે છે એમાંથી ચાર જ પ્રભેદો જેમાં વાચ્યાર્થ વિવક્ષિત ન હોય તેવા એટલે કે લક્ષણામૂલ ધ્વનિના છે. બાકીના ૪૭ ભેદો વાચ્યાર્થ વિવક્ષિત હોય તેવા એટલે કે અભિધામૂલ ધ્વનિના છે. લક્ષણામૂલ ધ્વનિનું પ્રવર્તન પદ અને વાક્ય સુધી સીમિત છે, જ્યારે અભિધામૂલ ધ્વનિ તો આ બાજુ પદ ઉપરાંત પદાંશ એટલે કે પ્રત્યય અને વર્ણ સુધી, તો આ બાજુ વાક્ય ઉપરાંત સંઘટના અને પ્રબંધ સુધી પ્રવર્તી શકે છે. આનો અર્થ એ થાય કે અભિધામૂલ વ્યંજનાનો કાવ્યમાર્ગ અનેકવિધ શક્યતાઓથી ભરેલો માર્ગ છે. આ કે તે કાવ્યમાર્ગની હિમાયત કરવા માટે હું અહીં નથી પરંતુ એટલું તો અવશ્ય કહું કે અભિધામૂલ વ્યંજનાનો કાવ્યમાર્ગ ઉવેખવા જેવો નથી, અને અભિધામૂલ વ્યંજનાનું આપણા કાવ્યશાસ્ત્રીઓએ કરેલું વિશ્લેષણ ગંભીર અભ્યાસને પાત્ર બનવા યોગ્ય છે. એમાંથી આપણને ઘણાં ઉપયોગી સૂચનો મળવા સંભવ છે. દિગ્દર્શન રૂપે આપણે થોડું જોઈએ.