સત્યના પ્રયોગો/મરણપથારીએ

૨૮. મરણપથારીએ

રંગરૂટની ભરતી કરતાં મારું શરીર ઠીક ઘસાયું. એ વખતે મારો ખોરાક મુખ્યત્વે ભૂંજેલી ખાંડેલી ભોંયસીંગ અને ગોળની મેળવણી, કેળાં, ઇત્યાદિ ફળ અને બેત્રણ લીંબુનું પાણી એ હતો. સીંગ વધારે પ્રમાણમાં લેવાય તો નુકસાન કરે એમ હું જાણતો હતો. એમ છતાં એ વધારે ખવાઈ. તેથી સહેજ મરડો થયો. મારે વખતોવખત આશ્રમમાં આવવાનું તો થતું જ. આ મરડો મને ગણકારવા જેવો ન લાગ્યો. રાત્રીએ આશ્રમે પહોંચ્યો. દવાઓ એ વખતે હું ભાગ્યે જ કરતો. એક વખત ખાવાનું છોડી દઈશ એટલે મટશે એમ વિશ્વાસ હતો. બીજે દિવસે સવારે કંઈ નહોતું ખાધું, એટલે દરદ લગભગ શાંત થયું હતું. પણ હું જાણતો હતો કે, મારે ઉપવાસ લંબાવવો જોઈએ, અથવા ખાવું જ જોઈએ તો ફળના રસ જેવી કંઈક વસ્તુ ખવાય.

આ દિવસ કોઈ તહેવારનો હતો. બપોરના પણ હું નહીં જમું એમ મેં કસ્તૂરબાઈને કહી દીધું હતું એવું સ્મરણ છે. પણ તેણે મને લલચાવ્યો અને હું લાલચમાં પડયો. આ સમયે હું કોઈ પણ પશુનું દૂધ નહોતો લેતો, તેથી ઘીછાશનો પણ ત્યાગ હતો. એટલે મારે સારુ તેલમાં ભરડેલા ઘઉંની લાપસી બનાવી હતી એ અને આખા મગ મારે સારુ ખાસ રાખી મૂક્યા છે એમ મને કહ્યું. અને હું સ્વાદને વશ થઈ પીગળ્યો. પીગળતાં છતાં ઇચ્છા તો એવી હતી કે, કસ્તૂરબાઈને રાજી રાખવા પૂરતું થોડુંક ખાઈશ, સ્વાદ પણ લઈશ અને શરીરની રક્ષા પણ કરીશ. પણ શેતાન પોતાનો લાગ જોઈને બેસી જ રહ્યો હતો. ખાવા બેઠો અને જરાક ખાવાને બદલે મેં પેટ ભરીને ખાધું, સ્વાદ તો પૂરો લીધો, પણ સાથે જ યમરાજાને આમંત્રણ મોકલી દીધું. ખાધાનો કલાક પણ નહીં થયો હોય ને સખત મરડો ઊપડી આવ્યો.

રાત્રીના નડિયાદ તો પાછું જવાનું હતું જ. સાબરમતી સ્ટેશન સુધી ચાલતે ગયો, પણ એ સવા માઈલનો રસ્તો કાપવો કઠણ લાગ્યો. અમદાવાદ સ્ટેશને વલ્લભભાઈ જોડાવાના હતા. એ જોડાયા ને મારો વ્યાધિ વર્તી ગયા હતા, છતાં એ વ્યાધિ અસહ્ય હતો એમ મેં તેમને કે બીજા સાથીઓને ન જાણવા દીધું.

નડિયાદ પહોંચ્યા. ત્યાંથી અનાથાશ્રમ પહોંચવાનું અર્ધા માઈલથી અંદર હતું, છતાં દસ માઈલ જેટલું લાગ્યું. ઘણી મુશ્કેલીથી ઘરભેળો થયો. પણ આંકડી વધતી જતી હતી. પાયખાનાની હાજત પા પા કલાકે થાય. છેવટે હું હાર્યો. મારી અસહ્ય વેદના જાહેર કરી અને પથારી લીધી. આશ્રમને સામાન્ય પાયખાને જતો તેને બદલે મેડી ઉપર પેટી મગાવી. શરમ તો બહુ આવી, પણ લાચાર થયો, ફુલચંદ બાપુજી વીજળીને વેગે પેટી લઈ આવ્યા. ચિંતાતુર થઈ સાથીઓ મારી આસપાસ વીંટળાઈ ગયા. તેમણે પ્રેમથી મને નવડાવ્યો. પણ મારા દુઃખમાં એ બિચારા શું ભાગ લઈ શકે? મારી હઠનો પાર નહોતો. દાક્તરને બોલાવવાની મેં ના પાડી. દવા તો નહીં જ લઉં, કરેલા પાપની સજા ભોગવીશ. સાથીઓએ આ બધું વીલે મોંએ સહન કર્યું હતું અને પહેલા દિવસોમાં તો ફળના રસો પણ ન લીધા. લેવાની રુચિ મુદ્દલ નહોતી.

જે શરીરને હું આજ લગી પથ્થર જેવું માનતો તે શરીર ગારા જેવું થઈ ગયું. શક્તિ હણાઈ ગઈ. દાક્તર કાનૂગા આવ્યા. તેમણે દવા લેવા વીનવ્યો. મેં ના પાડી. તેમણે પિચકારી આપવાનું સૂચવ્યું. એ પણ મેં ના પાડી. પિચકારીને વિશેનું એ વખતનું મારું અજ્ઞાન હાસ્યજનક હતું. હું એમ જ માનતો કે, પિચકારી એટલે કોઈ પણ પ્રકારની રસી હશે. પાછળથી હું સમજ્યો કે, આ તો નિર્દોષ વનસ્પતિની ઔષધિની પિચકારી હતી. પણ જ્યારે સમજ આવી ત્યારે અવસર વીતી ગયો હતો. હાજતો તો જારી જ હતી. ઘણા પરિશ્રમને લીધે તાવ આવ્યો અને બેશુદ્ધિ પણ આવી. મિત્રો વિશેષ ગભરાયા. બીજા દાક્તરો પણ આવ્યા. પણ જે દરદી તેમનું માને નહીં તેને સારું તેઓ શું કરી શકે?

શેઠ અંબાલાલ અને તેમનાં ધર્મપત્ની નડિયાદ આવ્યાં. સાથીઓની સાથે મસલત કરી મને તેઓ તેમના મિરજાપુરને બંગલે ઘણી જ સંભાળપૂર્વક લઈ ગયાં. આ માંદગીમાં જે નિર્મળ, નિષ્કામ સેવા હું પામ્યો તેનાથી વધારે સેવા તો કોઈ ન પામી શકે એટલું તો હું અવશ્ય કરી શકું છું. ઝીણો તાવ વળગ્યો. શરીર ક્ષીણ થતું ચાલ્યું. મંદવાડ સારી પેઠે લંબાશે, કદાચ હું બિછાનાથી નહીં ઊઠી શકું, એમ પણ મને થયું. અંબાલાલ શેઠના બંગલામાં પ્રેમથી વીંટળાયેલો છતાં હું અશાંત બન્યો, અને મને આશ્રમમાં લઈ જવાને તેમને વીનવ્યા. મારો અતિશય આગ્રહ જોઈને તેઓ મને આશ્રમમાં લઈ ગયા.

આશ્રમમાં હું પીડાઈ રહ્યો હતો તેટલામાં વલ્લભભાઈ ખબર લાવ્યા કે, જર્મનીની પૂરી હાર થઈ છે અને રંગરૂટની ભરતી કશી આવશ્યકતા નથી એમ કમિશનરે કહેવડાવ્યું છે. એટલે ભરતીની ચિંતામાંથી હું મુક્ત થયો ને તેથી શાંતિ થઈ.

હવે પાણીના ઉપચાર કરતો અને તેથી દેહ ટકી રહ્યો હતો. દરદ શમ્યું હતું, પણ શરીર કેમે ભરાઈ શકાતું નહોતું. વૈદ્યમિત્રો અને દાક્તરમિત્રો અનેક પ્રકારની સલાહ આપતા, પણ હું કંઈ દવા પીવાને તૈયાર ન થયો. બેત્રણ મિત્રોએ દૂધનો બાધ હોય તો માંસનો સેરવો લેવાની ભલામણ કરી અને ઔષધિ તરીકે માંસાદિ ગમે તે વસ્તુ લઈ શકાય એવાં આયુર્વેદનાં પ્રમાણ ટાંક્યાં. એકે ઈંડાં લેવાની ભલામણ કરી. પણ તેમાંની કોઈ સલાહ હું સ્વીકારી ન શક્યો. મારો જવાબ એક જ હતો.

ખાદ્યાખાદ્યનો નિર્ણય મારે સારુ કેવળ શાસ્ત્રોના શ્લોકની ઉપર આધાર નહોતો રાખતો, પણ મારા જીવનની સાથે સ્વતંત્ર રીતે ઘડાયેલો હતો. ગમે તે ખાઈને અને ગમે તે ઉપચારથી જીવવાનો મને મુદ્દલ લોભ નહોતો. જે ધર્મનો અમલ મેં મારા પુત્રોને વિશે કર્યો, સ્ત્રીને વિશે કર્યો, સ્નેહીઓને વિશે કર્યો તે ધર્મનો ત્યાગ મારા વિશે કેમ કરું?

આમ મારી આ બહુ લંબાયેલી ને જીવનમાં પહેલી આટલી મોટી માંદગીમાં મને ધર્મનિરીક્ષણ કરવાનો, તેની કસોટી કરવાનો અલભ્ય લાભ મળ્યો. એક રાત્રે તો મેં તદ્દન હાથ ધોઈ નાખ્યા. મને લાગ્યું કે મૃત્યુ નજીક જ છે. શ્રીમતી અનસૂયાબહેનને ખબર કહેવડાવ્યા. તે આવ્યાં. વલ્લભભાઈ આવ્યા. દાક્તર કાનૂગા આવ્યા. દાક્તર કાનૂગાએ નાડી જોઈ અને કહ્યું: ‘મરવાનાં હું પોતે કંઈ ચિહ્ન જોતો જ નથી. નાડી સાફ છે. તમને કેવળ નબળાઈને લીધે માનસિક ગભરાટ છે.’ પણ મારું મન ન માન્યું. રાત્રી તો વીતી. હું તે રાત્રીએ ભાગ્યે ઊંઘી શક્યો હોઈશ.

સવાર પડી. મૃત્યુ ન આવ્યું. છતાં જીવવાની આશા તે વખતે ન બાંધી શક્યો, અને મરણ સમીપ છે એમ સમજી જેટલો સમય બની શકે તેટલો સમય સાથીઓની પાસે ગીતાપાઠ સાંભળવામાં ગાળવા લાગ્યો. કંઈ કામકાજ કરવાની શક્તિ તો નહોતી જ. વાચન કરવા જેટલી પણ શક્તિ તો નહોતી. કોઈની સાથે વાત કરવાનું પણ મન થાય નહીં. થોડી વાત કરું તો મગજ થાકી જાય. તેથી જીવવામાં કશો રસ નહોતો. જીવવાને ખાતર જીવવું મને કદી પસંદ જ નથી પડયું. કંઈ કામકાજ કર્યા વિના સાથીઓની સેવા લઈને ક્ષીણ થતા જતા દેહને લંબાવ્યા જ કરવો એ મહા કંટાળાભર્યું લાગતું હતું.

આમ મરવાની રાહ જોઈ બેઠો હતો. તેટલામાં દાક્તર તળવળકર એક વિચિત્ર પ્રાણી લાવ્યા. એ મહારાષ્ટ્રી છે. તેમને હિંદુસ્તાન ઓળખતું નથી. પણ એ મારા જેવા ‘ચક્રમ’ છે એટલે હું તેમને જોતાં સમજી શક્યો. એ પોતાના ઉપચાર મારી ઉપર અજમાવવાને આવ્યા હતા. દા. તળવળકર જેમને ભલામણ ખાતર લાવ્યા તેમણે દાક્તરીનો અભ્યાસ ગ્રýટ મેડિકલ કૉલેજમાં કર્યો હતો, પણ દ્વારકાની છાપ નહોતા પામ્યા. પાછળથી જાણ્યું કે તે બ્રાહ્મસમાજી છે. તેમનું નામ કેળકર. સ્વભાવે બહુ સ્વતંત્ર છે. તેઓ બરફના ઉપચારના ભારે હિમાયતી છે. મારા દરદ વિશે સાંભળવાથી તે બરફના ઉપચાર મારી ઉપર અજમાવવાને આવ્યા ત્યારથી અમે તેમને ‘આઇસ દાક્તર’ના ઉપનામથી ઓળખીએ છીએ. પોતાના અભિપ્રાયને વિશે તેઓ અતિશય આગ્રહી છે. છાપવાળા દાક્તરોની પણ તેમણે કેટલીક વધારે સારી શોધો કરેલી છે એમ તેમને વિશ્વાસ છે. તેમનો વિશ્વાસ તે મારામાં પેદા નથી કરી શક્યા એ તેમને અને મને બંનેને દુઃખની વાત રહેલી છે. અમુક હદ સુધી તેમના ઉપચારોને હું માનું છું; પણ મને લાગ્યું છે કે, કેટલાક અનુમાનો બાંધવામાં તેમણે ઉતાવળ કરી છે.

પણ તેમની શોધો યોગ્ય હો કે અયોગ્ય, મેં તેમને મારા શરીર ઉપર અખતરાઓ કરવા દીધા. બાહ્ય ઉપચારોથી સાજા થવાય તો મને ગમે, ને તે પણ બરફના એટલે પાણીના. એટલે તેમણે મારે આખે શરીરે બરફ ઘસવાનું શરૂ કર્યું. તેથી તે માને છે એટલું પરિણામ જોકે મારે વિશે ન આવ્યું, છતાં રોજ મરણની વાટ જોઈને હું બેઠો હતો તેને બદલે હવે કંઈક જીવવાની આશા બાંધવા લાગ્યો. કંઈક ઉત્સાહ આવ્યો. મનના ઉત્સાહની સાથે શરીરમાં પણ ઉત્સાહ અનુભવ્યો. કંઈક વધારે ખાવા લાગ્યો. પાંચદસ મિનિટ રોજ ફરતો થયો. ‘જો તમે ઈંડાના રસ પીઓ તો તમને આવ્યો છે તેના કરતાં વધારે ઉત્સાહ આવે એવી હું તમને ખોળાધરી આપી શકું છું. અને ઈંડાં દૂધના જેટલો જ નિર્દોષ પદાર્થ છે, એ માંસ તો નથી જ. દરેક ઈંડામાંથી મુરઘી થાય જ એવો નિયમ નથી. જેમાંથી મુરઘી ન જ થાય એવાં નિર્બીજ ઈંડાં સેવવામાં આવે છે. એ હું તમારી પાસે પુરવાર કરી શકું છું.’ પણ એવાં નિર્બીજ ઈંડાં લેવાને સારુંયે હું તૈયાર ન થયો. છતાં મારું ગાડું કંઈક આગળ ચાલ્યું. અને હું આસપાસનાં કામોમાં થોડો થોડો રસ લેવા લાગ્યો.