સફરના સાથી/મસ્ત હબીબ સારોદી
મસ્ત હબીબ સારોદી... આ નામની સાથે સ્મૃતિમાં એક વિશાળ લૅન્ડસ્કેપ, આખી આકૃતિ અને ક્લૉઝઅપનો મેળો સાકાર થાય છે. એ માણસ મળ્યો તો હતો. પ્રથમ અમીન આઝાદના સાઇકલોના સ્પેરપાર્ટ્સની દુકાને બગડેલી સાઇકલો વચ્ચે, એક બાજુમાં ટેબલખુરસી ને સાથે ખૂણે લોખંડની ખુરસી પર બેઠેલો. મારા ગઝલપ્રવેશથી તેમના મૃત્યુ સુધી મારી સામે છેવટ સુધી રહ્યો હોય તો એ એક જ માણસ, તે પછી શાયર! એ માણસનું રહેઠાણ, ચાલીની ઓરડી ખૂબ સૂચક છે. ચાલીની સામે જ લાંબા ટેકરા પર વિશાળ કબ્રસ્તાન. જીવતા માણસો કરતાં મરહૂમો ઊંચી જગ્યા પર વિશાળ જગ્યામાં એકબીજા વચ્ચે ખાસ્સું અંતર રાખીને રહેતા જીવતા હોવાથી ચાલીના માણસો ખૂબ નજીક રહેતા. આજે પણ રહે છે, પણ મસ્ત હબીબ રહ્યા નહીં એટલે એ દિશા પછી રહી નહીં… માણસ હોય, અંગત માણસ હોય છે ત્યારે માર્ગ હોય છે, દિશા હોય છે, બાકી તો પૈડાં અને પગનો ટ્રાફિક જ હોય છે. જીવનમાં એવી નિવારી ન શકાયલી એવી અપૂર્ણતા આવી કે કાંઈ જ કેમેય કરી ન શકું..ચાર માસના હોસ્પિટલના ઉપચારો પછી માત્ર સારા થવાની ભ્રમણા દૂર થઈ. મળું કે મળે એકમાત્ર મસ્ત હબીબ. ભાગળ પર એક નિયત ખૂણે ખાખી બીડી ફૂંકતા… બીચ બજારે વાતો ચાલે. શાયરી કરતાં વાસ્તવિકતા વધારે કહો કે ‘હાડોહાડ’ હતી. બજારેથી એમની સાથે ઓરડીએ જાઉં ત્યારે કબ્રસ્તાન પાસેથી જ ત્યાં પહોંચવાનું, મારી નજરે પેલા ઊંચા ટેકરે લીલા ઘાસ વચ્ચે ઊભેલી કબરો—વાતોમાં મારા પક્ષે યાંત્રિકતા આવી જાય. કહેતો નહીં, પણ દિવસોથી મનમાં આપઘાતના વિચારો ચાલે તેમાં કબરો, કબ્રસ્તાનનું અનુસંધાન જોડાઈ જાય. આપોઆપ ઓરડીએ પહોંચીએ. પ્રથમ પત્ની મરહૂમ હતી. જાતે ચા ઉકાળે. લટકતા નૈક્ષના પરદા પાછળ ત્યારે ય ગુફતગુ ચાલતી હોય બે કપ લઈને બહાર આવે. મારી ગમગીની દૂર કરવાનો કોઈ સભાન પ્રયત્ન નહીં, વાત આખરે તો વાહિયાત દુનિયા અને શાયરી પર, નવું વાંચ્યું હોય—સાચા અર્થમાં પરંપરિતથી ઊફરું એટલે નવું - તે પર ચર્ચા ચાલે. ઓરડીમાં અનિવાર્ય એટલી જ સાદી ચીજો. ઉર્દૂના મેગેઝિન કરતા શાયરી અને વિવેચનના તોતિંગ ખાસ અંકો. અહીંના જ નહીં, ઠેઠ પાકિસ્તાનના મિત્રો પાસે ઉછીના પૈસા લઈને, કોઈ સંબંધ શોધી કાઢીને વિવેચનના તોતિંગ ખાસ અંકો એમની પાસે મળે. ઘણી આઝાદ નઝમો લખેલી, એવી ઉર્દૂ નઝમો લખનારાનાં નામે મોઢે ઉદાહરણો મોઢે, પછી એનું અર્થઘટન અને પોતાનાં તર્કસંગત કલ્પનો. મૃત્યુ પછી એમની એક જ આઝાદ નઝમ કેમ મળી એ આશ્ચર્ય છે. ઠેઠ વીસમી સદીના સમયથી એ ગઝલો લખતા આવે છે. આખા એક પાના પર શણગાર સાથે પ્રગટ થયેલી એમની ગઝલોનાં કટિંગો મેં જોયાં છે, પણ સુ.જો.એ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ રદ કર્યો તેમ આ માણસે ૧૯૪૨માં તમામ રચનાઓ પસ્તીમાં કાઢી નાખેલી. મુ. ગુ. સા. મંડળના સમયની પોતાની અને બીજાઓની ઘણી ગઝલો તે કંઈ ગઝલ છે એવું બેધડક એ શાયરોની મંડળીમાં બોલેય, ચર્ચામાં ઊતરી પડે… પણ ત્યારે એવી ચર્ચામાં રસ લેનાર સુરતમાં કોણ? મસ્ત હબીબ જાતે તાલીમ પામેલો સૈનિક! કોઈનીય સાથે વાચિક કુસ્તીમાં ઊતરી પડે. કે. કા. શાસ્ત્રીએ ફારસી એટલે ગઝલના છંદશાસ્ત્ર પર લખ્યું તો આ માણસે ઉદાહરણો, આધારો પોતાની સાધાર દલીલો કરતાં પાંચેક લેખ લખ્યા તે આજે મારા સિવાય ગુજરાતમાં કોણ જાણે છે? મુસ્લિમો માટેના સામયિકોમાં એવું વિવેચનીય એ માણસે ઘણું ઘણું લખ્યું છે પણ સમાધાનકારી નહીં. પણ વાસ્તવદર્શી હબીબે કદી ઉપેક્ષાની કશી ફરિયાદ વાતચીતમાંય કરી નહોતી. હા, પોતે ઉઠાવેલા મુદ્દા ચર્ચામાં ઊપસાવે ખરા. ‘ભેંસ આગળ ભાગવત!’ ના વિષાદે એ માણસ વારંવાર શાયરીનું ક્ષેત્ર છોડી ગયેલો! એ માણસ ભાગેડુ નહોતો પણ નિરર્થકતાનો બોધ એમને નેપથ્યમાં લઈ જતો. એ મંચનો માણસ હતો જ નહીં, મહેફિલનો પણ નહીં, કાવ્ય, સાહિત્યમર્મજ્ઞોમાં પ્રગટ થતો માણસ હતો. સ્ટેજ પર ઊભો થાય. સાદ સામાન્ય અને ઝડપી ગતિએ બોલે ને બેસી જાય! પણ જીવનના છેલ્લાં વરસોમાં નોકરીની બધી ડિપોઝિટ ઉઠાવી બૉક્સ બનાવનાર ચતુર માણસ મળ્યો તો તે કામ શરૂ કર્યું. તે માણસ મૂળ યુ.પી.નો, શાયરી સમજે. કંઠ ગાયકનો. બેએક મુશાયરામાં એણે હબીબની ગઝલો તરન્નુમમાં રજૂ કરી અને શ્રોતાઓએ મંત્રમુગ્ધ થઈ સાંભળી. દાદ આપી! એ જ ગાયકે પછી અવ્યવહારુ મસ્ત હબીબનો ધંધો પોતે જ સેરવી લીધો ને એ ઉર્દૂનો શાયર બની ગયો! બૌદ્ધિક પ્રતિભા વ્યવહારમાં ટકી શકે, ચાલાકો સામે? એવા આઘાતો એ માણસે સહ્યા હતા અને પ્રોવિડન્ટ ફંડની જમારાશિ ગુમાવી હતી. વિચારપ્રધાન કવિતાના સમયમાં કોઈ ગઝલકારે આવી આઝાદ નઝમ લખી હોવાની કોઈને જાણ હશે ખરી?
હું કોણ છું?
ઘંટનાદો થયા
પ્રાતઃ પણ જો થયું
સૂર્યોદય થઈ જતાં હુંય ચાલ્યો જઈશ
કો અજાણી, અદીઠી જ રાહો ઉપર
નૈનનું પાત્ર લઈને વિલોકીશ હું.
સૌ જતી, આવતી રાહે મુખાકૃતિ,
ઓફિસો, કારખાનાંઓ, સંસ્થાઓમાં
મૂલ્ય અંકાવવા મારું, યત્ન કરીશ.
પ્રિયે, મારા પ્રતિ
એકદૃષ્ટિ ફરી જોઈ લે
સાંજ પડતાં સુધી વેચી આવીશ અગર
નિષ્કપટ આ હૃદય, શુદ્ધ શોણિત હું,
ને ભરી ઝોળીમાં ચંદ ચાંદીના ટુકડા.
જો, ફરીપાછો અહીંયાં આવીશ તો
તે સમે તું મને ઓળખી ના શકીશ,
જઈને કોને કહીશ
જો ને, હું કોણ છું?
બધી પંક્તિ છંદમાં, છંદભાગમાં છે. આ કવિતા કહે છે કે આ કોઈ શાયર, ગઝલકારની સરેરાશ ઓળખ બની છે તે ફ્રેમની બહારનું ચિત્ર. આવી આઝાદ નઝમો એણે ઘણી લખી હતી તે એમની સંવેદનશીલ માણસની છબિ પ્રગટ કરતી હતી. મેં માત્ર એક કે બે આઝાદ નઝમ લખેલી તેમાંની એકની જ શરૂની પંક્તિ
યાદ છે :
જગતમાં કોઈ પણ ઘટના
જો નિશ્ચિત હોય તો મૃત્યુ.
મગર અફસોસ, સદ્ અફસોસ,
એ નિશ્ચિત બીનાનો કાળ કંઈ નિશ્ચિત નથી હોતો…
ઉ, જો.ની નજરે એ પડતાં એક મિત્ર સમક્ષ એનો ઉલ્લેખ કરેલો. તે પરથી લાગે છે કે સાહિત્યિક માસિકોમાં મસ્ત હબીબની આઝાદ નઝમો પ્રગટ થઈ હોત તો કંઈ નહીં તો અંગત નોંધ લેવાઈ હોત. મસ્ત હબીબે પુષ્કળ ગઝલો લખેલી પણ ગઝલકાર તરીકેની એક છબિ રચી આપે એટલી સંખ્યામાં સંગ્રહરૂપે ગઝલો પ્રાપ્ત નથી. ‘મોજ મસ્ત’ સંગ્રહ એમની હાસ્ય-કટાક્ષ, હઝલ રચનાનો સંગ્રહ છે એમાં માત્ર થોડી ગઝલ મળે છે, તે પણ પરંપરિત લહેજાની નથી. એણે ઉર્દૂ ગઝલો પણ લખેલી પણ સ્થાનિક અને વળી પરંપરિત ડાયરામાં એ ભળી શકે એવા હતા નહીં. એટલે કદાચ એમણે ઉર્દૂ રચના કરવાનું બંધ કર્યું હશે.
હકીકત મેં હો તુમ દુનિયા સે અચ્છે
હકીકત મેં મગર, દુનિયા હી ક્યા હૈ?
આવો વિદ્રોહી સ્વર ટોળામાં ભળે ખરો? ટોળું એ સાંખે ખરું? આ દુનિયા તો, એને સુધારવા માટે પયગંબરો અને દસ દસ અવતારોને જન્મ લેવો પડે એવી છે. અને ઈશ્વર એવા કંટાળી ગયા છે કે અગિયારમો અવતાર લેવાનું માંડી વાળ્યું છે! ગુજરાત ત્યારે મુંબઈ ઇલાકામાં સમાઈ જતું એટલે ઉર્દૂ હેડમાસ્તર માટેની ટ્રેનિંગ કૉલેજ ત્યારે પૂનામાં હતી. ટ્રેનિંગના સમયે હબીબ પૂનામાં હતા અને ટ્રેનિંગ કૉલેજની પાસે જ મહારાષ્ટ્રના જાણીતા કેળવણીકાર છતાં લેખકરૂપે વધારે ખ્યાત આચાર્ય અત્રે રહેતા હતા. હબીબ ઘણીવાર અત્રે અને તેમના સંબંધી સોલ્લાસ વાતો કરતા. મરાઠી સાહિત્યના પરિચયમાં એ સમયે આવેલા. એણે ઘણી હાસ્યરસિક, કટાક્ષરચના કરી છે પણ તે, પછીની છે. એમાં ઉલ્લાસના નહીં, વેધક કટાક્ષનું બૌદ્ધિક દર્શન છે. પૂનાનો ઉલ્લાસ એ હેડમાસ્તરની નોકરી કરે છે ત્યારે હોતો નથી. મેં સુરતમાં જેટલા ઘર બદલ્યાં તે કરતાં વધારે સ્કૂલમાં એમની બદલી થઈ પણ મોટે ભાગે મેં ઘર બદલ્યું હોય તેની નજીકની ઉર્દૂ સ્કૂલમાં એમની બદલી થતી એટલે ઘરે કામ કરતો ત્યારે બપોરની છુટ્ટીમાં હું એમની સ્કૂલે જતો અને આશ્ચર્ય એ કે શાયરીને બદલે ઉર્દૂના શિક્ષણ અને વિદ્યાર્થીઓની વાત થતી, તેમાં એનો ઉકળાટ અને વિષાદ ઊભરતો. ગરીબ વિસ્તારનાં બાળકોને નાનપણમાં કોઈ વૈતરા માટે પણ ન રાખે, ઘરમાં સચવાય, સંખાય નહીં, એટલે ત્રણ ચાર ધોરણ સુધી સ્કૂલે મૂકે. કશી રિમાર્ક કે ફરિયાદ કરી હોય તો છાતી કાઢી વાલિદ ‘તુમ કૌન હો?’ એવા તેવર ને મિજાજમાં સીધો હેડમાસ્તર પાસે પહોંચે. છોકરાને ક્યાંય કામ મળી જાય કે ગેરહાજર! બૉર્ડમાંથી તુમાર, સકર્યુલર આવે. હાજરીના તોલમેલ માગે તે મળે નહીં. એક ધર્માદા હૉસ્પિટલમાં દર્દીના કેસ નોંધવાનું કામ સ્વીકાર્યું અને અવસાન પામ્યા... એમનું સ્મરણ વિષાદનીયે સીમા વટાવી જાય છે. એમના જીવનનો આનંદી સમય પૂનામાં ટ્રેનિંગ લીધી, કદાચ એટલો જ. એકવાર મને સ્કૂલમાં કહે, કેટલાક છોકરા તો ગજવામાં રોટલાના કટકા લઈને આવે અને ક્લાસમાં મોઢે માંડે... એકવાર એ ચાલીની ઓરડીમાં એટલા કંટાળ્યા કે માસિક પચ્ચીસ રૂપિયા ભાડે સારા સંપૂર્ણ ભોગવટાના ઘરમાં રહેવા ગયા. કહે કે કંઈ નહીં તો હવા તો ખાવા મળે. પણ ચારેક માસમાં પાછા જૂની ઓરડીએ રહેવા આવી ગયા. પગાર થયો હોય તે દિવસે એ ભેગા થયેલા શિક્ષક મિત્રોને ઉછીના લીધેલા પૈસા પરત કરતા હોય અને પાંચમી છઠ્ઠી તારીખે એ જ શિક્ષકમિત્રો પાસે નાની નાની રકમ ઉછીની લેતા હોય! અને આવા માણસને ત્યાં અમીન આઝાદ અને કોઈવાર ગની દહીંવાળા, હબીબે જાતે પકાવેલી સ્વાદિષ્ટ જિંગા માછલી ખાવા જતા.. અમીન આઝાદ ખૂબ જ ઉદ્દામ વિચારના હતા. એમનો ગુસ્સો અને બંડ અંગત મિત્રોની મંડળીમાં પ્રગટ થતાં, પણ મોટાભાઈ અરબીમાં ધાર્મિક શિક્ષણ આપે, સંયુક્ત કુટુંબ એટલે એકંદરે હિતવિચારથી બાહ્યરૂપે વ્યવહારુ અને શાંત રહેતા. ફદફદતા આંધણ પરનું ઢાંકણ વાસણ પર જ વરાળથી ઊંચુંનીચું થાય, પણ વાસણ પર જ રહે પણ મસ્ત હબીબ સલામતી માટે પણ પોતાને અપ્રગટ રાખવા જેટલા ‘વ્યવહારુ’ નહીં, સાહિત્ય અને બેચાર મિત્રો વચ્ચે ફરજિયાત મર્યાદિત રહેવું જ પડે અને મિત્રોમાં વળી શાયરીનો વિષય છેડાય એટલે ખંડન કરતી દલીલો શરૂ……. મૂળ ભરૂચ જિલ્લાના સારોદ ગામના વતની. આખું ગામ પરંપરિત, ધર્મચુસ્ત. પાટલૂન ખમીસવાળા, દાઢીમૂછ વગરના, નમાજી પણ નહીં એવા હબીબ ગામે જાય તો અકળાઈ, ગૂંગળાઈને બે દિવસમાં સુરત ભાગી આવે. ગામની છોકરી સાથે શાદી થયેલી એની સાથે તો ઘર માંડ્યા પહેલાં જ તલાક… મુલ્લા, મૌલવી તો ઠીક, બાંગી પણ જેમની કલમની હડફટે ચઢતો હોય, જાહેર લેબાસ નીચેનો મૂળ માણસ જેમની કલમે ઉઘાડો પડી જતો હોય એવા માણસે પોતાની એકલતા સ્વમાનભેર સ્વીકારવી રહી અને હબીબે સ્વીકારેલી. બાકી એ હતા મૈત્રીભૂખ્યા. હબીબનાં પ્રથમ પત્ની યુ.પી.નાં—બંનેનો સ્વભાવમેળ એ એમના અંગત જીવનનું સુખદ પાસું હતું પણ એ અકાળે અવસાન પામ્યાં. બીજી ખર્ચાળ શાદી શક્ય નહીં તે કેરળની કન્યાને વર્યા. ત્યાંની ગરીબીનાં વર્ણન એમને મોઢે સાંભળી મૂંગા રહી જવાય. પણ તેને વિધવાસ્વરૂપે કુટુંબનો બોજ તેના પર મૂકીને એ માણસ દુનિયા છોડી ગયો… મહાગુજરાત ગઝલ મંડળ રહ્યું ત્યાં સુધી એના કારોબારી સમિતિના સભ્ય એ રહ્યા. પ્રમુખ બેકારમાં સૌને સાચવવા, સાંકળી રાખવાની ક્ષમતાને કારણે વિવિધ સ્વભાવ,વિચારના શાયરો છેવટ સુધી સાથે રહ્યા. બેકાર તો રખડુ જીવ—નોકરીને કારણે પ્રવાસમાં ને પ્રવાસમાં ઉતારો મળ્યો હોય ત્યાં કશી માનસિક મૂંઝવણ વિના નિયમિત કટારો, કટાક્ષ લેખો અને હઝલ લખે. એમને સમય, સ્થળ, વાતાવરણનાં બંધન નહીં. હબીબ, બેકાર - બંને ભરૂચ જિલ્લાના, આટલી જ બંને વચ્ચે એકતા. હબીબે કટાક્ષ રચના કરવા માંડી. વિવેચન તો કરતા જ હતા એટલે બંને વચ્ચે આભ- જમીનનું અંતર છતાં છેલ્લે બંને વચ્ચે ગાઢ મેળ હતો. હબીબ વૈચારિક અસંમતિના માણસ પણ ચળવળ કે સ્થૂળ પ્રતિક્રિયાનો સંપર્ણ અભાવ એટલે એની અસંમતિ સહ્ય બની રહેતી. મસ્ત હબીબે બેકારના માસિકમાં પાંચ પાંચ અંક સુધી વિવેચનીય ટીકા કરતાં લેખો લખ્યા તે વાંચી હું ખરેખર વિચારમાં પડી ગયો. આવી કેટલીયે ઘટનાઓએ મને અજાણ્યે ઘડ્યો હશે. એવો વિચાર આવ્યા વિના રહેતો નથી. મૂળે શિક્ષક કોઈ ગંભીર પ્રશ્ન છેડાય, તે વિશે એમનો પ્રાથમિક પ્રતિભાવ જુદો હોય તો, ઘરે મધરાત સુધી સંદર્ભસાહિત્ય લઈને બેસી અભ્યાસ કરે. મુદ્દા ને આધારો તારવે, ટાંકે, પછી લેખિત કે મૌખિક ચર્ચામાં ઝુકાવે. આજની ગઝલનો પાયો બની એ ‘નવી ગઝલ’ મંચની ગઝલ, ગ્રંથની ગઝલ બની એમાં આવાં પરિબળોનો પ્રભાવ ખરો, પણ તે નેપથ્યમાં રહી ગયો. મસ્ત હબીબે ‘રમા’નામને કેન્દ્રમાં રાખી રમાકાવ્યો લખેલાં, પણ રચાતા સાહિત્ય અને વિવેચનના અભ્યાસે એમણે લખેલાં તમામ રમા-કાવ્યો રદ કરી નાખ્યાં. એમની વિકસતી વિવેચનીય તેમ વાસ્તવદૃષ્ટિએ રમા કાવ્યોનો પ્રેમ, શૃંગાર, રોમેન્ટિકતા યોગ્ય ન લાગ્યાં. આવું કોઈ ગુજરાતી કવિએ કર્યું હોત તો તે નોંધપાત્ર બન્યું હોત. મંગળદર્શી ગુજરાતી વિવેચકોમાં કટાક્ષ પ્રત્યે સૂગ ન હોય તોયે ઉપેક્ષાનો અભિગમ રહ્યો જ છે. જયંતી દલાલની તીવ્ર અને સૂક્ષ્મ દૃષ્ટિ અને શક્તિ એમના કટાક્ષ, કટાક્ષલેખનમાં અનુભવાય છે. વિશાળ વાંચનસાહિત્યનો જ નહીં, માણસ અને માણસનો સૂક્ષ્મ અભ્યાસ એમના કટાક્ષોમાં અનુભવાય છે હબીબ ગઝલકારરૂપે જાણીતા નહોતા, એ સંજ્ઞાએ કોઈ રીતે પરિચિત નહોતા, હતા તે બેકાર અને શેખચલ્લી. તેમાં શેખચલ્લી વધારે બુદ્ધિપ્રવીણ, પણ ત્રણેના સમગ્ર પ્રદાનની તુલના કરતાં મસ્ત હબીબે કરેલું પ્રદાન સરખામણીએ વધારે નોંધપાત્ર છે. એમના સતત પ્રશ્નો કરતાં બુદ્ધિ, મન, તેમજ તીવ્રદૃષ્ટિ વ્યાપક છે. શ્રીમતીને હાસ્ય માટે પાત્ર બનાવતા હાસ્યલેખકો જેવી કોઈ પૂર્વપરિચિત વ્યવસ્થા નથી, ઘણું બધું જુએ છે અને જે જુએ છે તેને વિશેનો પ્રતિભાવ હાસ્ય, કટાક્ષનો વિષય બને છે. એમની નિર્ભિકતા સુધારકની કક્ષાએ એમને એવા જોઈ બાહ્ય અભિનિવેશ વિના પહોંચાડે છે. ‘તુલસી ઈસ સંસારમેં’ એ પહેલા સંગ્રહમાં હબીબની રમૂજ, કટાક્ષમય ચોપાઈઓ છે. માત્ર માધ્યમ સ્વીકાર્યું છે. રચનાઓ નિજી, સ્વતંત્ર છે પણ એ માણસને કબરોની આરસની તખતી પર આલેખાતા ગૌરવપ્રદ પ્રશિસ્ત વચનોએ રમૂજ પ્રેરી અને એમણે સંખ્યાબંધ કબર—મુક્તકો (કહેવાય છે તેમ કબરકાવ્યો નહીં) લખ્યાં એ એમની મૌલિક શોધ અને સાહસ હતાં. મરણ વિશે સારામાં સારું કહેવાય. વિષાદઘેરું મૌન મૃત્યુ સાથે છેડછાડ ન થાય, મોતનો મલાજો પળાય. અતિશયોક્તિ કાવ્યનો અલંકાર પણ બને છે, તો ઉપહાસ પણ બની શકે છે એ જોઈ શકનાર હબીબે કબરમુક્તકો લખ્યાં. પણ ગુજરાતમાં ગઝલકાર તો ઉપેક્ષિત! એક કવિએ હબીબના કબર-મુક્તક જોઈ સુરેશ જોષી અને ઉમાશંકર જોષી પર કબરમુક્તક લખ્યાં તો તે તરફ ધ્યાન ખેંચાયું, ચર્ચા થઈ, પણ હબીબની શોધ અને પ્રયોગ અંધારામાં રહ્યાં. મૂળે શિક્ષક એટલે શિક્ષકનો આ કબરલેખ વાંચો.
આમને ફાળો કરી દફનાવિયા,
પ્રાથમિક શાળાના એ શિક્ષક હતા.
એમને ભક્ષી ગઈ ઇન્સાનિયત
વેદિયા નવ્વાણું નહિ, પણ સો ટકા!
મુલ્લા રમૂજીને નામ આવી રચના કરતા એટલે જીવતા જ પોતાનો કબરલેખ આવો લખ્યો:
આ કબ્ર છે ‘મુલ્લા રમૂજી’ની છતાં
એમણે જનતાને ખુશ કરવા કવિતાઓ લખી,
પણ એમના જીવનકવન પર લોકમાં મતભેદ છે,
કો’ક કે’ છે જન્નતી તો કો’ક કે’ છે દોજખી.
શ્રેષ્ઠ મુક્તક કદાચ, આ છે :
આ કબ્રમાં સૂતા છે તે મશહૂર નામાંક્તિ હકીમ
જેમણે હિકમતમાં નિત નોખી કરામત દાખવી,
એમની હિકમત, કરામતને જ છે આભારી આ
જેટલી દેખાય છે અહીં આપને કબરો નવી.
અને આ તો નર્યો નિઃશ્વાસ છે :
જિંદગીભર જેણે મઝદૂરી કરી,
તે જ અહીં સૂતો છે ગેમલ ચાવડો,
નામ પર પોતાના ખુદ કરતો ગયો
માત્ર કોદાળી ને જૂનો પાવડો.
એ પ્રામાણિક માણસ સાથે આ દંભી સેવકની છબી જુઓ:
પુત્રને નામે બધી મિલકત કરી
થઈ ગયા ભૂદાનના જે કાર્યકર,
સર્વોદય કરવા તૂટેલી કબ્રનો
આવી સૂતા છે હવે આ ધામ પર.
વિજ્ઞાનના પ્રોફેસર પણ એમની સ્મૃતિ અને ઉદ્દગાર બને છે :
આ તો પ્રોફેસર હતા વિજ્ઞાનના
રાચતા’તા એ સદા વિજ્ઞાનમાં
ચન્દ્ર પર જઈ એમને વસવું હતું,
પણ સૂતા આવી આ કબ્રસ્તાનમાં.
આ કબર-મુક્તક નથી પણ કુર્આનના હાફિઝ એવા પ્રોફેસરનું શબ્દચિત્ર છે :
ગ્રીષ્મમાં મલમલ, શિયાળામાં ગરમ વસ્ત્રો અમાપ,
ગર્વ લે છે બાપદાદાની કરીને ફેંકછાપ,
માત્ર લે છે બે જ પિરિયડ એ કરી એટેન્ડ ક્લાસ,
ના તમા વિદ્યાર્થીની, પાસ થાએ કે નપાસ,
પાંચસો છે માસિક વેતન ને વળી લૉજિંગ છે ફ્રી,
આ જમાનાની છે કેવી વિશેષતા આગવી.
કુર્આનના હાફિઝનું જીવન કેટલું વન્ડર, જુઓ
આ લખનવી ટાઇપ અપટુડેટ પ્રોફેસર જુઓ.
આવાં તો અનેક સચોટ શબ્દચિત્રો એમણે આલેખ્યાં છે અને હઝલમાં એ બેકાર અને શેખચલ્લીથીયે કેટલા આગળ હતો એનો અનુભવ કરાવે છે. સુરત ઠઠ્ઠાનગરનું ચિત્ર અમે સાથે જોયું છે અને રસ્તા ઉપર ઊભા રહીને એની ચર્ચા પણ કરી છે. જે કંઈ નજરે પડે તેના પર વિચાર અને પ્રતિભાવ, તેય સાવ સ્વાભાવિક, કશા પ્રયાસ વિના, એટલા એ જાગ્રત અને જીવંત હતા. આ ‘મુલ્લા’ વળી ‘તુલસી’ પણ છે તો એના ઉદાહરણ પણ જોઈએ:
‘રામ’ ઑફિસમેં બેઠ કે સબકા મુજરા લેત,
જૈસી જીનકી લાગવગ વૈસા ઉસકો દેત!
અને આ કટાક્ષમાં કરુણને અનુભવો :
મુલસી બાત અમીરકી કભી ન ખાલી જાય
ગરીબ લોગ કે ચામ સે જૂતે ભી સિલ જાય!
અને આ યુગમાં તો ધન જ ‘ઈશ્વર’ છે!
પ્રધાન આવત દેખ કે ચરનો લાગો પાય,
ક્યા જાને કિસ ભેગ મેં ધન આખિર મિલ જાય.
આ તો હબીબની બીજી બાજુ છે. એના ગાંભીર્યમાં પણ કેવો કટાક્ષ છે!
કરતું નથી અધર્મનો કોઈ મુકાબલો,
જાણે હજીય કોઈ પયગંબર છે આવનાર !
* * *
ભાગ્ય પણ મારું લખ્યું તો મારી મંજૂરી વગર!
આ વિદ્રોહી માણસે સાહિત્યના વિવેચકનીયે ‘વ્યાખ્યા’ કરી છે. વ્યાકરણની ભાષામાં :
છીછરાં નીરને કરી ડહોળાં,
ઊંડા હોવાનો ભ્રમ કરે પેદા!
* * *
છે સ્વયં—જેમ કે અવયવ
મસ્ત હબીબ – એક સદાય વ્યાકુળ જીવ, સતત પ્રશ્નો કરતું મન, પરિણામ કે પ્રતિભાવ વિના મુખરિત થતો પ્રતિભાવ. શાયરોના મોટા સંઘમાં એ એક નાનો માણસ સાવ જુદો માનવીય સંવેદને મોટો હતો…
જે ગમ્યું, ગાયું ગઝલમાં પ્રેમથી નિત્યે ‘હબીબ’,
એ ખરું કે મારી ગઝલોમાં મનોરંજન નથી.
... ઊઠી ચાલ્યો જઈશ
સિતારાથી ભર્યો શ્યામલ હવે પાલવ ઉઠાવી દે,
ઉઠાવ એ આવરણ, સંધ્યા - સવારનું વદન પરથી,
અદાઓ એકધારી જોઈ કંટાળી ગયો છું હું.
નજર થાકી ગઈ છે નિત્ય એનાં એ જ દર્શનથી!
* * *
અને આ ભૂખથી ત્રાસી ઊઠેલાઓનાં જીવન તો જો!
અરે આ મ્લાન ચહેરાઓ! સિતારાઓના પુલકિત મન!
ખુશાલીના જનાઝામાં આ સ્મિત કરતાં વદન તો જો!
જરા સૃષ્ટિ તો કર કે આ પુરાતન અંજુમન તારી!
પ્રતીક્ષા, મીટ માંડીને કરે છે નવ – પ્રકાશોની!
નવા દશ્યો તું સર્જી દે, બધું વાતાવરણ પલટાવ!
હવે તું ખત્મ કર જૂનું જગત. સૃષ્ટિ નવી સર્જાવ!
નવી દ્રષ્ટિ તેં આપી તો નવાં દૃશ્યોનું કર સર્જન!
નહીં તો આ જગત, સર્જન—પરિષદ’ ને વિસર્જન કર!
ઊઠી ચાલ્યો જઈશ નહિતર હું તારી અંજુમનમાંથી!
આદિવાસી અંતરાત્મા
કે શાએરીમાં અભિપ્રેત છે અહીં તો ગઝલ,
ન કાવ્ય કોઈ સુણાવે ન કોઈ ગીત ભલા,
અહીં છે પ્રાસ—અનુપ્રાસની જ છે બાજીગરી,
અહીં ગણાય છે શબ્દોના સાથિયા જ કળા!
પુરાણી અહીં તો છે મૃતપ્રાય કલ્પના—ઉપમા.
ન એમાં આજના પ્રશ્નો કે આજના છે વિષય,
સનમની આંખ ને જુલ્ફોના અહીં તો પડઘા છે,
અહીં ગવાય છે પોતાનો નહીં, પરાયો પ્રણય!
ગઝલના બેચાર પુસ્તકોને વાંચીને,
સગર્વ નિજને એ ‘ગાલિબ’ સમાન સમજે છે.
જગતને નિજની સમક્ષ શૂન્ય પોતે લેખીને,
સ્વયંને જાણે અનંત આસમાન સમજે છે!
નવી કળાથી નથી એમને કશી નિસબત,
પુરાણા રંગને જેઓ વિસાત માત્ર ગણે,
કોઈ સુણાવે અગર આજનું નવું સર્જન,
કહીને એને ‘બકવાદ’ હાસ્યપાત્ર ગણે!
છે જૂનું એટલું સોનું છે મંત્ર અહીંયાંનો,
નવા પ્રદેશો, ક્ષિતિજો પર આક્રમણ ન કરો!
અનુકરણ છે અહીંની કળાનો ધર્મ પ્રથમ,
તજી ને ચાલ ને ચીલા નવું ભ્રમણ ન કરો!
કોણ જાણે શું હશે?
કોણ જાણે શું હશે પરલોકમાં કોને ખબર?
જાય છે અહીંથી બધા, તે પણ કશા કારણ વગર!
ધીર ધરવી જોઈએ એ વાત સાચી છે મગર,
કોઈ એ કહેતું નથી કે ક્યાં સુધી તું ધીર ધર!
એટલે એને કહું છું એકપક્ષી ન્યાય હું,
ભાગ્ય પણ મારું લખ્યું તો મારી મંજૂરી વગર!
મ્હેલ જોઈ કોઈના મેં ઝૂંપડી બાળી નથી,
એટલો કાબૂ હજી રાખું છું મારા મન ઉપર.
રંગ ખુદ એમાં ભરી લે છે એ સંજોગવશાત્
માનવીનું હોય છે મન, પાપ ને પુણ્યોની પર.
અંજુમનનું શોકમય વાતાવરણ પલટી દીધું,
ખોટ વર્તાશે નહીં, મારી હવે મારા વગર.
મસ્ત એ પોતે વિચારોની ખુમારીમાં હતો,
એટલે મયખાનું એ છોડી ગયો પીધા વગર.
આ દશામાં પણ જીવનનું હીર જળવાયું ‘હબીબ’,
કોઈને શું, ખુદ મને વિસ્મય છે મારા હાલ પર.
ત્યાં જવાને મારું મન સંકોચ પામે છે ‘હબીબ’,
ખોટ ના વર્તાય જ્યાં મારી કદી મારા વગર.
▭