સફરના સાથી/અહમદ આકુજી ‘સીરતી’
‘વાંકડિયા એ ઝુલ્ફોની મગરૂબ હશે કો’ માતા’ એ પંક્તિ સાથે જ સબધા શરીરનો ઘેઘુર પહાડી સ્વર કંઠનો એક ચહેરો આંખ સામે તરવરે છે. રહે કઠોરમાં પણ વારંવાર સુરત આવે. ખભે ઝૂલતો હોય બર્મિઝ થેલો, તેમાં હોય ઉર્દૂનાં અદબી ને ઈલ્મી મૅગેઝિનો, મળી ગયો હોય તો નવો ઉર્દૂ દીવાન (ગઝલસંગ્રહ) હોય, સુરત સ્ટેશને ઊતરી બસમાં બેસી ટાવરના થોભે ઊતરી જાય, કારણકે તેનાથી થોડે દૂર આવેલી માર્કેટમાં હતો અદબ બૂક ડીપો. અદબ એટલે સાહિત્ય. એ દુકાને ઉર્દૂ પુસ્તકો અને સાહિત્યિક અને ધાર્મિક ઉર્દૂ મૅગેઝિનો મળે. એને પ્રિય મૅગેઝિનના તાજા અંક જુએ તો ખરીદે. પછી નવા દીવાનો, કોઈક પ્રિય લેખકની નવલકથા કે વિવેચન ગ્રંથ હોય તે ખરીદી થેલામાં નાખે પછી ભાગળ સુધી જાઉં કે ઝાંપાબજાર? આ પ્રશ્નનો ઝટ નિર્ણય કરી કોઈવાર ઝાંપાબજારની તો કોઈવાર ભાગળ પરની પોતાની વિશ્વાસુ મીઠાઈની દુકાને પહોંચે. મીઠાઈ બંધાવે અને થોડી મોઢામાં નાખે અને આવે કરવા રોડ પર - અમીન આઝાદની દુકાને મીઠાઈનું પડીકું ખોલે, ટેબલ પર મૂકી અમીનને કહે, ‘હાથ ચલાવ!’ અને બીજો કોઈ હાજર હોય તો તે પણ સહભોક્તા બને. સાંજ પછી કઠોર જતી કે ત્યાંથીયે આગળ જતી બસ તો પકડવાની હોય એટલે કલાકોના વાર્તાવિનોદ પછી એ ઉપડી જાય. એને ગમતી ફિલ્મ સુરતના કોઈ થિયેટરમાં ચાલતી હોય તો તે જોવા એ ઊપડી જાય. એક સાંજે મારા ઘરે આવ્યા. મને કહે ચાલ! ખેતરે ભોંયસિંગનો પાક કર્યો હશે. તેની શેરે’ક સિંગની ઝોળી, તે ખાલી કરી, ‘ખાજો!’ કહીને મને સાથે લઈ ગયો. એને એકલા મીઠાઈ ખાવી ન ગમે, કોઈ ઉર્દૂ ગઝલ ધ્યાનમાં આવી હોય તે પણ વાંચીને કે ગાઈને સંભળાવે! ‘શું શેર છે.’ એ શબ્દો તો સાંભળવા મળે જ, તો ક્યારેક આખી ગઝલ, ખભે હાથ મૂકે ને હલાવી દઈને કહે, ‘સાલ્લા, સાંભળ, શું ગઝલ છે.’ એના એ અભ્યાસે કોઈ પોતાની ગઝલમાં પ્રાસંગિક શેર ઉમેરતા હોય તો તેના પર વરસી પડે. ગઝલ કંઈ સમાચાર નથી. સાહિત્યિક, ગઝલી ધોરણે પ્રાસંગિક ઘટના પરથી સ્ફુરેલો, લખાયેલો ઉર્દૂ શેર યાદ આવે તે ઉદાહરણરૂપે સંભળાવે. ગઝલ ગાવાની તો હોય પણ એના ખાસ તરન્નુમ હોય છે. એ કંઈ કોઈ લોકપ્રિય ફિલ્મના ફિલ્મીગીત કે ગઝલના લયમાં ગાવાની ન હોય — એ એની જીદ અને તે રીતે ગાનાર શાયરને મોઢામોઢ પાંચ માણસની હાજરીમાં પણ કહી નાખે. બેકાર જેવા વડીલ સાથે પણ દોસ્તરૂપે અને એવી જ મિત્રો વચ્ચે વાતચીતમાં યોજાતી ભાષામાં જ વાત કરે. દંભી વિવેકથી એ જોજનો દૂર! દિલમાં જરાયે ડંખ નહીં. એના મગજમાં કે કંઠમાં રચાતી ગઝલનો કોઈ શેર પણ સંભળાવે. દાદની કોઈ અપેક્ષા ન તો મુશાયરામાં, ન તો અંગત મંડળીમાં. કઠોર ગાયકવાડી ગામ. સફરી સોદાગરોનું ગામ. આજથી એંસી વર્ષ પર ગામમાં સ્કૂલ, મદરેસા, પુસ્તકાલય, વીજળીની લાઈટ અને ઘરેઘર પાણી પહોંચાડતી પાણીની ટાંકી. બજાર તો નાનકડું. પણ ત્યાં આવેલી જાહેર સંસ્થાની બહાર બાંકડા હોય. તે પર બેસીને દોસ્તો સાથે બેસી સવારે સાંજે વાતો કરતો હોય. એમાં ગઝલ કે સાહિત્યની ચર્ચા હોય. ગુજરાતી સાહિત્ય પરિષદે આપવું શરૂ કરેલું ગલિયારા પારિતોષિક, તે આપનાર ગલિયારા કઠોરના! આજેય કઠોરમાં ગલિયારા હાઈસ્કૂલ છે. રમણલાલ વસંતરાય દેસાઈ ગાયકવાડી સૂબા. એક સમયે તે કઠોર અને આસપાસના વિસ્તારના સૂબા, પણ રહે કઠોરમાં. તો આ સાહેબ અને બીજા એમને ત્યાં, ઉતારે પહોંચી જાય અને ‘બા અદબ’ તેમની સાથે અદબી—સાહિત્યિક ચર્ચા કરે. માત્ર ઉર્દૂ નહીં, પણ ગુજરાતી સમકાલીન સાહિત્ય પણ વાંચેલું. ૨. વ. દેસાઈ, ધૂમકેતુ, મેઘાણીનાં પુસ્તકો વાંચેલાં. પણ એ તો એમનો પરિચય થયો તે પહેલાંની વાત. બીજા વિશ્વયુદ્ધમાં છેલ્લે જાપાન ઝુકાવે છે, રંગૂન, બર્માના પ્રદેશો સર કરે છે તે પહેલાં એમનું જીવન સરળ હતું, પણ એમની સાથેનો ગાઢ પરિચય તો મ. ગુ. ગ. મંડળની સ્થાપના પછીનો બીજા વિશ્વયુદ્ધના અંતિમ કાળ પછી આ માણસના જીવનમાં શું, મારી બહેન બનેવી, મામાના જીવનમાંયે કપરા પલટા આવેલા. રંગૂનમાં બર્માના વ્યાપારના મથક જેવું બજાર તે સુરતી બજાર. રાંદેરી, સુરતી લુંગી આખા બર્મામાં ત્યાંથી થઈને પહોંચે. જાપાને બર્મા સર કર્યું તે સાથે રાંદેર, સુરત અને આસપાસના સફરીઓના ગામોના જીવનમાં કસોટી કરે એવો પલટો આવ્યો. રાંદેરી, સુરતી લુંગી બર્મામાં પહોંચી. કેટલાય રાંદેરી, સુરતીઓની ત્યાં દુકાનો, પેઢીઓ, ઘણાં કુટુંબો ત્યાં વસે. મારી મોટી બહેનની ખાક તો બર્માના અકિયાબ કસબા કે શહેરમાં પડી હતી. રંગૂન પડયું. જાપાનીઓએ તે સર કર્યું તે સાથે ત્યાં વસતા ગુજરાતીઓ કપડાંભેર મણિપુરના જંગલમાંથી થઈ કલકત્તે અને ત્યાંથી વતનભેગા થયેલા. સીરતીના કુટુંબની માલિકીની રંગૂનના સુરતીબજારમાં પોતીકી મિલકત. તેની આવક પર કુટુંબ જીવે. સીરતીની ત્રણેક ગાળાની બર્માના મોલમીનના મશહૂર ઊંચા લાકડાની બનેલી મિલકત. પાસે નાનકડો બાગ સુધ્ધાં. એક દિવસ ત્યાં રાત ગાળી ત્યારે મિલકતનો રંગ રહેલો નહીં, લાકડાં જ દેખાય, એક બારીનો નકૂચો તૂટેલો તે દોરડીથી બારીને બાંધેલી. પણ એ અલગારી માણસનો મિજાજ એ જ પહેલાંનો અલગારી! ખિલાફત ચળવળમાં એણે ભાગ લીધેલો. ત્યારની તસવીરમાં એ સાવ જ જુદો લાગે. પાકો રાષ્ટ્રવાદી—મુસ્લિમ લીગનું રાજકારણ ચાલ્યું ત્યારે પણ રાષ્ટ્રવાદી. બર્માની આવક એટલે ખાનદાની વાતાવરણમાં ઊછરેલો, જીવેલો, ખાનદાની શોખો કોઠે પડેલા. તેમાં સાહિત્યનો પ્રાણ જેવો પ્રેમ એનામાં જીવનમાં ભારે પલટો આવ્યો ત્યારેય રહેલો. મોલમીનના લાકડાની બનેલી ત્રણેક ગાળાની હવેલીમાં ઊછરેલા સીરતીને લુંગી, સામાન્ય પહેરણ, ખુલ્લા માથે હાથમાં ધારિયું લઈને આવતો, બજારના બાંકડે બેસીને મેં જોયો છે. રંગૂનની આવક શું, મિલકત પણ ગયા પછી એના જીવનમાં ભારે પલટો આવ્યો. એ અધભાગે ખેતી કરે, પાંજરાપોળને ઘાસ પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ રાખે. એકવાર એણે હેરતભર્યા તેમ આક્રોશના જુસ્સામાં કહેલી વાત હૈયે વસી ગઈ, હજી રહી છે. કહે: ‘આ ધર્માદા પાંજરાપોળોનું ગણિત અને વ્યવસ્થા કેવાં અમાનવીય છે.’ સંસ્થા ત્યારે જીવદયાની પણ ગણિત અને વ્યવસ્થા રૂઢ, જડ! પાંજરાપોળમાં ઢોર વધ્યાં હોય, ઘાસના ભાવ સ્થાપનાકાળે હતા ત્યારે રહ્યા ન હોય, પણ પહેલાં જેટલાં નાણાંની જોગવાઈ થઈ હોય તે જ પછી પણ જડ નિયમરૂપે ચાલે! ઢોરોને પૂરતું ઘાસ શી રીતે મળે! વ્યવસ્થાપકોને કોઈવાર ગુસ્સામાં મારી સાથેની વાતમાં ‘બોણાટે’ પણ ખરો! એ એક માણસને કારણે કઠોર અને ખોલવડમાં જાણે કોઈ પરિષદ મળી હોય એવા મુશાયરાના શામિયાનામાં ગાદીતકિયા સજ્જ ઊંચી બેઠકો પરથી શાયરોએ હકડેઠઠ છતાં શાનદાર સમજુ શ્રોતાઓ સમક્ષ શાયરના ખાસ મિજાજથી ગઝલો સંભળાવી છે. એક મુશાયરાના પ્રમુખ તો જ્યોતીન્દ્ર હ. દવે થયા. આફ્રિકાથી કોઈ સફરી શેઠ કઠોર, ખોલવડ પોતાની જન્મભૂમિમાં આવે ત્યારે સ્કૂલ, મદરેસાને સારી રકમનું દાન કરે એવી પરંપરા. શાદીપ્રસંગે એ કાળે કવ્વાલના જલસા કે કોઈ ખ્યાતનામ ગાયિકાનો મુજરો થાય. પણ આ માણસે એવા અવસરે મુશાયરા થાય એવી શરૂઆત કરાવી. એ કારણે કઠોર અને ખોલવડ —પડોશી ગામોમાં શાનદાર તો ખરા જ પણ યાદગાર મુશાયરા થયા—તેમાં મંડળને કારણે ગુજરાતભરના તમામ નામી તેમ અમારા જેવા યુવાન પણ પલોટાઈ ચૂકેલા વછેરા જેવા યુવાન શાયરો પણ હોય અને બુઝુર્ગોએ પણ એમને દાદ આપી હોય એવા સ્વાનુભવો થયા છે. મુસ્લિમો માટે ગુજરાતી ગઝલ નવી હતી, પણ ઉર્દૂની ગઝલ અને મુશાયરા પરંપરા હતી, ગઝલની પરંપરા, તેના આસ્વાદ નહીં તોયે માણવાનો પ્રેમ અને શોખ હતા. કઠોર, ખોલવડ તો ઠીક, સુરત, ભરૂચ જિલ્લાનાં ગામો અને અમદાવાદ જિલ્લાના દહેગામમાં, ગોધરામાં થયેલા મુશાયરા, સુરત, મુંબઈ, અમદાવાદ, રાજકોટ, ભાવનગરમાં થયેલા શહેરી મુશાયરા કરતાં વધારે સ્મરણીય અને આત્મીયતાભર્યા ભવ્ય અને સ્વાભાવિક તેમ આત્મીય પણ મેં તો અનુભવ્યા છે. રાંદેર, કઠોર, ખોલવડ બ્રિટિશ શાસન કાળનાં છેલ્લાં વર્ષોમાં અદ્દલ સફરીઓનાં ગામો હતાં. આફ્રિકા, બર્મા, કોઈ સિંગાપુર ને કોઈ હોંગકોંગમાંય વ્યાપાર- ધંધાર્થે કે ઊંચી નોકરીએ હોય. કમાણી ગામોમાં ખર્ચાય એટલે શિક્ષણ, ધાર્મિક શિક્ષણની સંસ્થાઓ સહિત ક્રિકેટ જેવી રમતનો શોખ પણ ખરો. વિખ્યાત ક્રિકેટર બપોરિયો રાંદેરનો, તે બપોર પછી રમતમાં ખીલતો એટલે બપોરિયો. કેટલાંય મુસ્લિમ ઘરાનામાં તો રહેણીકરણી અને શોખ, સભ્યતા, વિવેકમાં જાણે મોગલ પરંપરા અનુભવાય. એટલે સામાજિક અવસરે કે કોઈ બીજા નિમિત્તે ઉજવણી, મેળાવડા જેવું હોય ત્યારે સંગીત, મુશાયરાને પણ સ્થાન હોય. મેં હજી અહમદ આકુજીના પાછોતરા જીવનની વાત કરી. એમાં એના પૂર્વ જીવનની આછી ઝલક ક્યાંક ઉલ્લેખ જેવી છે. પણ મારો એમની સાથેનો પરિચય એમની કપરી, કસોટી કરે એવી પાછોતરી અડધી જિંદગી સુધીનો. એ માણસને ખેતીમાં નવરાશ હોય તો એકાદ ખેતમજૂરને લઈ કોઈની હોડી લઈને તાપીમાં સફર કરવા ઊપડી જાય. જિંગામાછલી પણ પકડે ને એનો સ્વાદ પણ માણે. કોઈવાર અમીન આઝાદ કહે: ‘કંઈક ગોઠવ’, એટલે સીરતી, કોઈનો તાપીકાંઠે બંધ બંગલો હોય તેની કૂંચી મેળવી નોતરે. આપણે કંઈ સ્વતંત્ર નહીં, પણ અમીન આઝાદ અને ગનીભાઈ ઊપડે, બે દિવસ જાણે હિલસ્ટેશન રહી આવે. ગનીભાઈએ સવારે ખજૂરી પરથી ઊતરાવી નીરો પીધેલો તેની વાત કરેલી. ભોજનમાં જિંગામાછલી ખરી જ. છેલ્લો પ્રસંગ સાંભરે છે સીરતીના અવસાન પહેલાંના દોઢેક વર્ષ પરના મુશાયરાનો જ. સીરતી, શેખચલ્લી તો ગામના, બહારના મને ને વજ્ર માતરીને નોતરેલા. એ યોજના સીરતીની. એક બાજુ આછા પરદા ઓથે બાનુઓ અને સામે પુરુષો. ગઝલનો દોર ચાલ્યો. મને કહેવાયું કે તમારી કટાક્ષકૃતિ સંભળાવો. તે સંભળાવી તો કહે ચાલુ રાખો. પરદા પાછળ બેઠેલી બાનુઓની માંગ તે ચલાવ્યું, મિત્રો ઉદાર. તેઓ પણ ખુશ. એના ત્રીજા દિવસે મને એકલાને ખાસ આગ્રહપૂર્વક તેડું કર્યું. પણ ન ગયો. મારા મિત્રોનો મને ખ્યાલ હતો, આદર હતો. મુસ્લિમ ગુજરાતી સાહિત્ય મંડળે’ યોજેલા પાંચમા મુશાયરાની ગઝલોના સંગ્રહ પર ૧૯૩૨ની સાલ વંચાય છે. એમાં સીરતી, શેખચલ્લી (ત્યારે એ પેટલાદમાં હતા, મૂળ ગામે) એમાં એ બંનેની ગઝલો છે. આમ શયદા સહિત શરૂઆતથી જ સુરતી અને શેખચલ્લી મુશાયરામાં ભાગ લેતા હતા. એ મુદ્રિતરૂપે પણ જોઈ શકાય છે. પણ મને લાગે છે કે સીરતીએ પોતાના આગલા સમયની બધી કૃતિઓ વિસારી દીધી હતી અને પોતીકી મસ્તી અને મૂળ મિજાજનો પરિચય આપતી માત્ર એક પ્રતીતિ તો એ અગાઉ, શાયરીના ક્ષેત્રમાં આવ્યો તે પહેલાં અનાયાસ મળી ગયેલી. આજે તો કેટલાક કવિઓની કવિતાની કૅસેટોય બહાર પડી છે, કમ્પ્યુટરે તો ગજબની ફાયબરક્રાંતિ કરી છે. એક ઈજનેરી વિદ્યાર્થીએ મારી ગઝલ સ્વેચ્છાએ ઈન્ટરનેટ પર મૂકી છે, પણ સાઠેક વર્ષ પર માત્ર ઝવરેચંદ મેઘાણીની જ એકાદ રેકર્ડ ઊતર્યાનું જણાય છે. એ યુગ ગ્રામોફોનનો હતો અને એક ગઝલ નાનપણમાં વારંવાર સાંભળવા મળતી.
અય હકીમો જાવ, દુનિયામાં દવા મારી નથી;
હું ઇશ્કનો બીમાર છું કંઈ બીજી બીમારી નથી!
મોહનકુમાર ઊનવાળાના સુરીલા કંઠે ગવાયેલી એ ગઝલ સીરતીની હતી એ જાણ્યું ત્યારે આશ્ચર્યનો પાર રહ્યો નહીં. એ એમની યુવાનીની ઊપજ. એ ઉર્દૂ ગઝલ અને એનાં વિવેચનો વાંચે છે તે સાથે ચુસ્ત પરંપરાવાદી બની રહે છે. પછીની ગઝલો ચુસ્ત, જાણે ગઝલના તેમ પ્રેમાચારની પરંપરિત હદમાં જ રહે છે. પ્રેમની જ પરંપરા પાબંદીની હદમાં જ રહે છે. પણ એમને જાણનારને તો:
મસ્ત રહેવું હોય જેને રાત દિન,
તેને મારી આંખનો આસવ મળે.
એ શેર એમની સાચી ઓળખ આપનારો બની રહે છે.
લાખ મર્મો એક પંક્તિ માંહ્ય સુણ ઓ ભગવતી,
એક જામે લાખ જીવનની ફળે યૌવનગતિ;
પી, વધુ પી, જેટલું પીવાય પી, પીતો રહે;
પ્રેમ અમૃતપાન છે: એની મણા શી ‘સીરતી’.
આ એમનો મિજાજ છે, એમાં વેગ છે, છાક નથી.
પણ એમની પેલી જાણીતી રેકર્ડ ગઝલનો ભાવાવેગ અહીં મળે છે:
મરવા પછી દિલદારનાં આંસુ વડે નવડાવજો,
તેના કદમની ખાક મારી આંખમાં અંજાવજો,
કાફૂરને બદલે કફનમાં ખાક એ છંટાવજો,
‘સીરતી’ તણા શબને સનમના દ્વાર પર દફનાવજો.
* * *
લાખો બિચારા દેહના બલિદાન અંતે દઈ ગયા;
આશા મહીં અથડાઈને જીવતી નિરાશા થઈ ગયા,
એ બંધ જળમોજાં મહીં લાખો જનો ખેંચાઈ ગયા.
માત્ર બે જ મુક્તક એમની શરૂઆતની ગઝલનાં મુક્તકના મળે છે, ‘વીસમી સદી’માં એમની ગઝલ પ્રગટ થઈ ચૂકી છે, પણ પછી એ ઉર્દૂ ગઝલો અને એના વિવેચનના અભ્યાસે શાંત, વિનયી બને છે, પણ એમની મોટાભાગની ગઝલોનો વિષય એ જ રહે છે. મને તો એમની ‘જીવન વહેતું પાણી છે’ એ ગઝલ અનેક રીતે ગમે છે. એક તો મેં એમના કંઠે એમના પૂર જેવા વહેતા લયમાં, ગતિમાં ગવાતી મહેફિલોમાં નહીં, માત્ર એક શ્રોતારૂપે સાંભળી છે, એનો ભાવાવેગ, લયાવેગ જાણે સાક્ષાત્કારરૂપે અનુભવ્યો છે અને એનો છંદ ગુજરાતમાં એમના સિવાય કોઈએ પ્રયોજ્યો નથી:
જાગો ઉમંગો જાગો, જુઓ આકાશમાં સંધ્યા ખીલી છે,
મોત સમી રે મીઠી હૂંફાળી સોડ તમે શું તાણી છે?
જુઓ એનો લયવેગ, ભાવાવેગ, અનુભવો. ‘સુરતી’ તખલ્લુસથી ગઝલ લખવાની શરૂઆત કરનારે ‘સીરતી’ તખલ્લુસ સ્વીકાર્યું, ત્યારથી એમની ગઝલો એમણે સ્વીકારેલા વિવેકે, એની સપાટી નક્કર રાખીને ચાલે છે. એ મૂળે સાહિત્યનો જીવ. એણે ૧૯૪૨ના અરસામાં પોતીકા સાહસે ‘ઇકબાલ ગ્રંથાવલિ’ શરૂ કરી હતી અને એને પ્રચારવા ગામેગામ ભટકવાનું પસંદ કર્યું હતું. અમે ત્રણેક મિત્રોએ ખાસ તો શેખચલ્લીની વિચારણાએ — ગઝલનું સાહિત્યિક ગૌરવ દાખવવા, ગઝલકારો માત્ર ગઝલમાં જ નહીં, સાહિત્યનાં બધાં સ્વરૂપોમાં સાહિત્યિક રસ તેમ દક્ષતાય ધરાવે છે એ ગુજરાત જાણે, માત્ર મુશાયરાનો મંચ જ ગઝલકારોનું ક્ષેત્ર નથી એવી સમજ પ્રગટે એ હેતુએ ડેમી સાઈઝના અડતાળીસ પાનાંનું ‘કિતાબ’ માસિક શરૂ કરેલું. મારી હેસિયત તો પ્રેસમાં મેટર આપ્યા પછી અંક તૈયાર થઈને હાથમાં આવે એટલી મર્યાદિત. શેખચલ્લી સંપાદક. સહસંપાદક સીરતી, પણ વાસ્તવમાં એને પ્રચારવા, ગ્રાહકો મેળવવાની જહેમત, રઝળપાટ સીરતી કરે. એના છ અંક પ્રગટ થયા— કારણ, અમે બધા જ સુદામા હતા. પણ એણે ગઝલ એટલે કે. ઉ. જો. જેને ‘નવી ગઝલ’ કહે છે તેની સામે, ગઝલકારો વિશે જે ધૂંધળી સમજ હતી તેને સ્પષ્ટ કરવાનું થોડું કામ તો કર્યું જ. જીવનનાં છેલ્લાં વર્ષોમાં કોઈ ઇલમી, કહો કે દિની માસિકના આખેઆખા અંકનું મેટર એ તૈયાર કરતા હતા, અનુવાદ કરતા હતા. નામ તો નહીં, પણ ‘નામનું’ કહેવાય એટલું મહેનતાણું એમને મળતું હતું. સીરતી અને મસ્ત હબીબ ઠેઠ ‘વીસમી સદી’ના સમયથી ગઝલો લખતા હતા, છપાતીયે હતી, પણ એમણે ૧૯૪૨ પહેલાની બધી રચના રદ્દ કરી અને નવેસરથી, ગઝલ તેમ સાહિત્ય અંગેની સૂઝ અભ્યાસે પાકી થઈ તે પછી થયેલી રચનાઓ જ રાખી.
છેલ્લી માંદગી અશક્તા આશ્રમમાં એમના દેહને લઈ ગઈ અને ત્યાં જ જીવનનું પૂર્ણવિરામ આવ્યું.
જીવન વહેતું પાણી
દુ:ખની ઘેરી છાયા મુખ પર આંખમાં શાને પાણી છે?
પ્રેમ-વ્યથાઓ હાથે કરી દિલ, તેં જ તો તાણી આણી છે!
નિર્જન એકલતાથી ભરેલી પાછલી રાત અનેરીમાં,
મહેકે દિલમાં યાદ કોઈની જાણે રાતની રાણી છે.
જાગો ઉમંગો જાગો, જુઓ, આકાશમાં સંધ્યા ખીલી છે,
મોત સમી રે મીઠી હૂંફાળી, સોડ તમે શું તાણી છે?
બચપણ વીત્યું વીત્યે જવાની, વૃદ્ધાવસ્થા આવે છે,
દુનિયા કેરા ફાની પટ પર જીવન વહેતું પાણી છે.
ખેલાડી તો તે જ છે સાચો, ખેલ જીવનના ખેલીને,
ખેલદિલીથી દુ:ખની લિજ્જત જેણે માણી જાણી છે.
છાયા ચારે કોર તિમિર ગાઢાં છે ઘોર નિરાશાના,
આશાદીપક થાજે દર્શક, પ્રેમની વાટ અજાણી છે.
રાજાની રાણી હો ભલેને ‘સીરતી’ વાણીની રાણી,
તે જ ‘ગઝલગૌરવ’ છે, જેના મુખમાં પ્રેમની વાણી છે.
દર્શન બનીને
દર્શન બનીને આવો પધારો,
યાચે નયનનાં ઊઘડેલ દ્વારો.
એને કદાપિ વાચા મળે તો
આ મૌન સર્જે આફત હજારો.
આંખોનાં આંસુ આંખોમાં પીને,
ખામોશ રે’ છે દિલની પુકારો.
મારું અનોખું વ્યક્તિત્વ જાણે
નભમાં હસે છે એકાકી તારો.
તુજ વિણ કહેને કોણ છે બીજો
હૈયાની શય્યામાં આળોટનારો!
લાંબા સમયથી સૂના પડેલા,
તેડે છે તમને દિલના વિહારો.
જીવનના રણમાં વીરડી સમો છે,
ઓ દર્દ! તારો સહારો.
તો, તું જ બદલો શાને બને ના?
બદલાથી પર છે જો ત્યાગ મારો.
ઇચ્છા જ એવી છે નાખુદાની
દૂર જ રહે નૌકાથી કિનારો.
દુનિયાના વિધવિધ સંતાપ તાપે,
ભડકે બળે છે દિલના વિહારો.
ઓ બેવફા દિલ! શાને હઠીલું
યાચે હંમેશાં તારો પનારો.
ગુર્જરગિરામાં આજે ગઝલનો,
ઝળકી રહ્યો છે કેવો સિતારો!
સાબિત થયો છે આ ‘સીરતી’ શું,
ઉન્નત થવામાં ઉન્મત્ત થનારો?
કોઈની આંખોનો
હું કોઈની આંખોનો બીમાર થયો અંતે,
ગમ મારો સકળ રીતે આધાર થયો અંતે.
બરબાદ જવાની હો ઉમ્મીદ ચિરંજીવી,
એ પ્રેમના હેતુનો હું સાર થયો અંતે.
ઓ હોશની બેહોશી! ઓ હાલની બેહાલી!
હું કોઈની ચિંતાનો ઉદ્દગાર થયો અંતે.
આપે છે ગવાહી આ રાહના કાંટાઓ,
જીવનનો તમારાથી ઉદ્ધાર થયો અંતે
હું કાળની આંખોના અંગાર નિહાળીને
ઉલ્ફતની મદિરાનો પીનાર થયો અંતે.
તૂટેલ હૃદયવીણાના તાર સજાવીને,
હું પ્રેમનાં ગીતોનો ગાનાર થયો અંતે.
દિલ આપો અને દિલ લો એ રીત છે ઉલ્ફતની,
દિલ આપીને કોઈને હું દિલદાર થયો અંતે.
વશ ‘સીરતી’ હૈયાને શી રીતથી રાખું હું,
જીવનનો અધિકાર જ્યાં પ્યાર થયો અંતે.
▭