સફરના સાથી/હેલ્પર ક્રિસ્ટી

હેલ્પર ક્રિસ્ટી

હવે એ તરુણ આ દુનિયામાં નથી એ વાસ્તવિકતા સ્વીકારવા હજી સ્મૃતિ આનાકાની કરે છે. મારા ગઝલપ્રવાસમાં કેટકેટલા વડીલ અને તરુણ સાથીઓનો કારવાં હતો! ના, ના, આ કાફલાની ધૂળ, કાફલા સાથે એની પાછળ પાછળ પાગલ થઈને, બહાવરી બહાવરી જતી હતી. કોણ જાણે આ શેર જાતઅનુભવથી પર, કાફલાને બદલે એ એક હોવાથી મેં લખ્યો હશે.

ધસી આવે છે રસ્તા પર કોઈ વાહન જો અણધાર્યું,
તરત ખિજાઈને પાછળ પડે છે ધૂળ રસ્તાની...

પણ હું માંડ આરામ કરતી રસ્તાની ધૂળ નહોતો, કાફલાના માણસોનાં ગતિશીલ ચરણોએ જ મને ગતિ આપી હતી. આમ તો, નજીકમાં જ કહી શકાય એવી સુધરાઈના ભવનના છાપખાનેથી છૂટી કોઈ કોઈ વાર તેમ ક્યારેક વારંવાર કવિ કિસન સોસા ‘ગુજરાત મિત્ર’ના ભવને આવે, મારેય ઓફિસ છોડવાટાણું, છૂટી એ ટાણું નહીં તો બીજું શું? વળી એ ટાણું રવિવાર સિવાય રોજ આવે, સાથે થઈએ નજીકના તાપીકાંઠે કસ્તૂરબા બાગના કિનારાના બાંકડે બેસીએ, કિસન સોસામાં સતત કવિતા ઊગ્યા કરે! ભારે સદ્દભાગી; ભલે એમની ગઝલમાં ઋજુ કરુણ હોય. એક દિવસ સાંજ ટાણે ઓફિસથી બહાર આવ્યો ત્યારે પાતળી કાઠી (કાઠી શબ્દ જ યોગ્ય એવું એનું ચૈતસિક કાઠું હતું એ તો પછીથી પ્રમાણ્યું) માથે જુલ્ફાં, ધારદાર દૃષ્ટિ ધરાવતી આંખો, ક્ષીણ નહીં, પણ મીઠો, પણ એમાં પેલા ઉદ્દીપક પેયની જલદ નહીં, પણ સૌમ્ય ઉષ્ણતા એવો તરુણ હતો. સોસાએ પરિચય કરાવ્યો. આ હેલ્પર ક્રિસ્ટી. દોસ્ત છે. બીજી કે ત્રીજી મુલાકાતે એણે ગઝલ બતાવી. લઈ લીધી! જેમાં સુ. જો. સહિત એવા વડેરાઓનું ગદ્ય ને કવિતા છપાતી એ કંકાવટી’ના ડેમી, ૬૪ પાનાનાં સ્વરૂપના અંકમાં છાપી. ફરિયાદ તો ન જ મળી, પણ ‘આ કોણ?’ એવા પ્રશ્નો તો પુછાયા, તેમાંના એક અજિત ઠાકોર તો સોસા જેવો હેલ્પરનો અંગત મિત્ર બની ગયો. સોસાના સહવાસે એણે ગઝલ જાણી અને માણી હતી. બંને સૈયદપરે રહે એટલે દોસ્ત. પછી તો રોજ ઓફિસથી ઊતરું. એ સિગારેટ પીતો ઊભો હોય, ક્યારેક કોઈ હોટલમાં બેસીએ, બાકી ચાલતાં. વાતો કરતાં મારા ઘરે તે રાતના અગિયાર સુધી અગાસીમાં બેસી ગઝલ—સાહિત્યની ચર્ચા ચાલે. એ સાંભળે ઘણું. બોલે બહુ ઓછું, પણ બોલે તે ધારદાર પ્રશ્ન હોય. ક્યારેક ચર્ચાનું અઘરું તારણ હોય. જ્યારે પણ એનો ઝીણો સાદ એકાંતમાં અણધાર્યો સંભળાય છે ત્યારે હું વિહ્વળ થઈ જાઉં છું. એ સમયે પ્રખર સૂર્ય જેવા સુ. જો.નો સાહિત્યમાં પૂર્ણરૂપે ઉદય. અમારી ચર્ચામાં ગઝલ ઓછી અને સુ. જો.એ દરેક સાહિત્યસ્વરૂપમાં ક્રાંતિ આણી હતી તેની ચર્ચા હોય. બાઇબલ કરતાં વધારે ધ્યાનપૂર્વક ઊંડા મનન સાથે એણે ‘ક્ષિતિજ’ની આખી ફાઇલ અક્ષરેઅક્ષર વાંચેલી. બેકારની વિદાય, ‘કંકાવટી’નું સંપાદન, એક ઉત્સાહી પ્રેરક વાતાવરણ પછીથી જેઓ સાહિત્યમાં સિદ્ધ પુરવાર થયા એ તરુણ મિત્રોની ખાસ્સી ટોળી જ થયેલી. ગઝલમંડળના વિલય પછી ‘શ્રેયસ’ સંસ્થા શરૂ કરેલી. ભંડોળને નામે શૂન્ય, પણ સુરત આવતા બ્રોકરથી માંડીને સુ.જો. સુધીના સાહિત્યકારોના વાર્તાલાપો યોજાયા કરે. એમાં તરુણટોળીના વ્યવસાયશક્તિ કામે લાગે અને ગમે ત્યાં વાર્તાલાપ રખાયો હોય—ભરપૂર શ્રોતાઓ આવે. આવા વાતાવરણમાં અજિત ઠાકોર, હેલ્પર, સોસા આદિ તરુણ મિત્રો જાણે પોતાની ભવિષ્યની સાહિત્યિક કારકિર્દીની નક્કર ભૂમિકા અનાયાસ તેથી ખંતપૂર્વક, રચતા હતા. મારે માટે ગઝલકાર મિત્રો સાથે વર્ષો સુધી વ્યાપક પરિપ્રેક્ષ્યમાં તેમ ઉર્દૂ કવિતા અને પ્રાગતિક સાહિત્યની અથાક ચર્ચાના દિવસ પૂરા થયા અને તમામ સાહિત્યિક સ્વરૂપો અંગે ખંતીલી તેમ તંતીલીયે બનતી ચર્ચાના વિષયો બન્યા. એક ભણતર પૂરું થયું ને જાણે નિશાળ છૂટી તે કૉલેજપ્રવેશ થયો. મને તો પ્રશ્ન થાય છે એમના ઘડતરમાં મારા ફાળાનો નહીં, મારા ઘડતરમાં એમનો કેટલો ફાળો? એવો વિચાર જ આવે છે. સુ. જો.ના આગમન સાથે સાહિત્યક્ષેત્રે જે ઉદ્દામ અને જીવંત, ચર્ચા વિચારણાનું હવામાન રચાયું તેમાં ગઝલકારમિત્રો પણ સરાબોર હતા. ગઝલમાં આધુનિકતાનો આછોઘેરો સ્પર્શ ક્યારનો શરૂ થઈ ગયો હતો, પણ સ્વરૂપે નહીં, આંતરસત્વ કેટલું અને હવામાનનો પ્રભાવ કેટલો એ પ્રશ્ન તો રહે જ, રહે. આધુનિકતાના અમલદારોને પૂછવું જ રહ્યું. હેલ્પરની ગઝલને જાણી, પ્રમાણી છે? એના એક અછાંદસને તો ચોખ્ખી દાનતે તપાસ્યું છે? તાપીને પેલે પાર આવેલી સવારની આર્ટ્સ કૉલેજમાં એ ભણતો. વહેલી સવારે શિયાળુ ઝાકળના બોગદામાંથી એ બેઠો હોય એ બસ તાપીના પુલ પરથી પસાર થાય એ સમયની એની વિશિષ્ટ અનુભૂતિ વાતોમાં સાંભળી છે અને એક અછાંદસમાં તો તે આપોઆપ અવતરીય છે. સતત સિગારેટ ફૂંકે… એકવાર મારી સાથે વડોદરે આવેલો ને સુ. જો સાથે વાત ચાલે તે દરમિયાન પણ સિગારેટ ફૂંકે! સુ. જો. એ એક નકશીદાર સોહામણું પાત્ર મગાવ્યું તે એની એશ ટ્રે બની. સુ. જો.એ અત્યંત માર્મિકતાથી સિગાર, મયપાન, માથે છટાદાર જુલ્ફો અને બેફિકરા દેખાવ, વર્તન અને આધુનિકતાને સાત ગાઉનું છેટું છે એ વાતવાતમાં સોંસરા લાઘવથી કહ્યું તે શબ્દો નહીં, પણ એનો બોધ મને બરાબર પહોંચેલો તે હજી છે. એના સહવાસમાં મેં પણ કોઈ કોઈ વાર સિગારેટ મોઢે માંડેલી. મરીઝ, ઘાયલની જેમ એના ગજાનો મય-પ્રિય! એના અકાળ અવસાનમાં એ વ્યસનનો ફાળો ખરો જ. હેલ્પર સારામાં સારો ખોજી પત્રકાર થઈ શક્યો હોત. એના રખડુ સ્વભાવને કોઈ વિલક્ષણતા દેખાય, સ્પર્શે તો એનો તાગ કાઢે જ. તે માટે ભયપ્રદેશમાં પણ કુશળતાથી પહોંચી જાય. એક સાંજે શહેરના ગાંધીબાગ પાસેથી પસાર થતા હતા. અંદર આવેલી કબરની લાઇનમાં કેટલાક જુવાનો બેઠેલા. એ કહે, ‘મુજાવર સેલ્સ સપોર્ટિંગ ધંધો કરે છે. પેલા બધા ચરસ અને પેલા ધોળા પાઉડરની કેફી સિગારેટ ફૂંકવા બેઠેલા છે. કસ્તૂરબાબાગ ‘ગુજરાતમિત્ર’ની ઓફિસની નજીક તાપીકાંઠે પસાર થતાં વચમાં દરગાહ આવે ત્યાં જ પેલો સેલ્સ સપોર્ટિંગ ધંધો ચાલે.’ એક રાત્રી ઉતારાની હોટલની બહાર એક મોટર થોભેલી તે બતાવી કહે કે તે કોની છે, અને શા કારણે થોભી છે. ઓટોરિક્સામાં ફરે. આંગળી ચીંધી કહે કે એ કોણ અને ખાસ આવક શેની કરે છે. કોઈ નામી હોટલની બહાર પરિચિત પ્રોફેસરને ઊભેલો જુએ તો શ્યોર આગાહી કરે, તે કોની રાહ જુએ છે. હોટલના છોકરા પાસે બહાર બેસી ચા મગાવી પેલો ન જાણે અને સહજભાવે કહી દે એ વાસ્તવમાં ‘રહસ્ય’ હોય. મૂળે જે વ્યક્તિ, ઘટના એનું ધ્યાન ખેંચે એનો તાગ એ કાઢી લે. બસ દુનિયાને જાણવાની એક સ્પૃહા અને પામવાની અજબ જેવી કુશળતા. એનું ગઝલે ધ્યાન ખેંચ્યું. ઊંડો રસ લીધો, મથામણ કરી અને પોતીકી મુદ્રાની ગઝલ સિદ્ધ કરી અને સમય આવ્યે એનાથી વિમુખ તો ન થયો પણ તટસ્થ તો થયો જ. પરીક્ષાનો દિવસ, સાંજે મળવા આવ્યો તે રાત્રે અગિયાર વાગ્યા સુધી સાથે રહ્યો. મારું આશ્ચર્ય શેં રોકાય. આજે તો તારી પરીક્ષા? કહે: ‘પરીક્ષા આપવા ગયું છે જ કોણ?’ ‘તે ઘરના માણસો પૂછશે નહીં? તારે પાસ થવું જ જોઈએ. તારી એટલી યોગ્યતા છે જ!’ મારા આ પ્રશ્નનો ખુલાસો એ કે, ‘મારી મા શિક્ષિકા છે. મને પણ પાસ થયા પછી એજ્યુકેશન કૉલેજમાં મોકલી માસ્તર બનાવવો છે. મને માસ્તરડો બનાવવો છે! પરિણામ જાહેર થશે ત્યારે જાણશે કે હું નાપાસ થયો છું…’ એનો આ મિજાજ જ કહે છે કે એ વિલક્ષણ હતો. નિશ્ચયાત્મક પણ હતો, અને સાહસિક નહીં? એકવાર અમે સાથે મારા ઘરે જઈએ. શેરીના નાકે ગણેશોત્સવનો સંગીત કાર્યક્રમ ચાલે. મને ઊભો રાખી સ્ટેજ પર ગયો. એકની પાસેથી વાર્જિત્ર લઈ વગાડવા ને ગાવા લાગ્યો અને ગાવાનું પૂરું થયે મારી પાસે આવી ગયો! એ તરુણ ખરેખર વિલક્ષણ હતો. જેમાં રસ પડે તેમાં પડે, તાગ કાઢીને પાછો ફરી જાય. માત્ર મારી સાથે, સાહિત્યસાથ એકધારો સાથે રહ્યો. પૂરી લગનથી. કટુંબની મરજી નહીં એવી નર્સ સાથે લગ્ન કર્યા. અલગ ઘર માંડયું અને ખર્ચ કાપવા આધુનિક બિલ્ડિંગ અને આધુનિક રેસ્ટોરાં સહિત બીજા ધંધા કરનાર સાથે જોડાયો અને સ્ટીલના સોદા કરી રેલવે દ્વારા સુરત આણવા કલકત્તે પહોંચ્યો અને બધું કામ પાર પાડયું એ તો મળ્યો ત્યારે જાણ્યું. એનામાં ગજબની હિંમત અને પારદર્શિતા હતી. મને લાગે છે એના લગ્નજીવને જ એના જીવનનો વહેલો અંત આણ્યો. એની માતાનો અભિપ્રાય પણ એ જ. એને પરણ્યાનો તો કેટલો ઉલ્લાસ હશે તે તો તેણે ત્યારે લખેલી આ ગઝલનો આ શેર જ કહે છે :

એ બંધ બારી ખોલતાં વર્ષો વહી ગયાં,
સૂરજને ઘરમાં લાવતાં વર્ષો વહી ગયાં.

બીજી પંક્તિ ગુજરાતી ગઝલમાં અવિસ્મરણીય બની રહે એવી છે. એ પછીનો શેર જુઓ :

આખા ગણિતમાં ક્યારનું ભટકે છે શૂન્ય,
પણ એ એકડાને જોડતાં વર્ષો વહી ગયાં.

માથાની વચ્ચેથી હવે જુઓ ફૂટ્યો છે પીપળો,
ને બોધિજ્ઞાન લાધતાં વર્ષો વહી ગયાં.

ભડકે બળી રહ્યો છે લક્કડકોટ છાતીએ,
ફાયરબ્રિગેડ આવતાં વર્ષો વહી ગયાં.

રોકી શકે તો રોક ને તોડી શકે તો તોડ,
પત્તાંનું ઘર બનાવતાં વર્ષો વહી ગયાં.

એની આગાહી સાચી ઠરી. પત્તાંનું ઘર થોડા સમયમાં જ તૂટી ગયું. પરણ્યા પછી એ સજોડે મને મળવા આવ્યો ને એ વાતે ચઢ્યો ત્યારે પેલી બોલ્યા કરતી હતી: ‘ગો! ગો!’ ટૂંકા સમયમાં તલાક અને એ મૂળ ઘરે. પગે લગભગ અપંગ જેવો છતાં છેલ્લા દિવસોમાં ‘ગુજરાત મિત્ર’ની ઑફિસમાં સાથીના સહારે સાંજે આવ્યો. મને, બીજા શાયરસાથીઓને મળ્યો. ખુરસીમાં બેસી સહેજ બોલતો અને સિગારેટ ફુંકતો. એ એનું છેલ્લું દર્શન માતા કહેઃ ‘બારી પાસે બેસી રહે, બહાર મૂંગો મૂંગો જોયા કરે અને એમ જ એક દિવસે શ્વાસ છોડ્યો.’ એ વિલક્ષણ તરુણ વાસ્તવમાં એક નાનકડી પ્રતિભા હતી, પોતીકા સ્વરૂપની, અમેરિકા કે બ્રિટનમાં જન્મ્યો હોત તો તે ઝાઝું જીવ્યો હોત એમ કહી શકતો નથી, પણ એની વિલક્ષણ પ્રતિભાએ જે ક્ષેત્રમાં કામ કર્યું હોત તેના ઇતિહાસમાં એનું નામ નોંધાયું જ હોત. એની બધી કવિતા મેં મેળવી, પોતે પ્રેસકોપી કરી રાખી હતી. ઇચ્છા બતાવી ભોળાભાવે સંગ્રહ માટે આપી. જાતે સંગ્રહ કર્યો. પણ એમાં એવી રમત રમાઈ કે એ અનાકર્ષક સંગ્રહ ગુજરાતમાં પહોંચ્યો નહીં, એની નોંધ લેવાઈ નહીં. પૈસાનો જોગ થાય તો, યોગ્ય સ્વરૂપે પ્રગટ કરું. એવી એક જ ઇચ્છા સાથે હું જીવું છું. એનું નાનકડું કામ પણ શિલ્પ જેવું છે. ગઝલનું સ્વરૂપ વિશૃંખલ છતાં એણે એક ગઝલને સમગ્ર એકભાવ, એકધ્વનિ શાંત સ્વરૂપે પોતીકી સહજ ભાષામાં સાતત્ય સિદ્ધ કર્યું છે એ કેવળ કળાકાર જ કરી શકે એવું નિર્માણ છે. એ પોતે જે રીતે જીવ્યો, જે ભાવ એનામાં સ્વરૂપે હતો તે એણે કૃતિમાં સિદ્ધ કર્યો છે. કશા જ ભાવાવેશ કે બાહ્ય દેખાવે નહીં, કળાકારની ધીરજ, કાર્યને છેલ્લો ટચ આપવા સુધીના શાંત કામે.

ધમણનાં આંગળાં થાકી ગયાં છે,
હવે શમતો જતો ધબકાર હું છું.
હતો ક્યારેક હું ટહુકાર મીઠો,
હવે ચિત્કારનો વિસ્તાર છું હું.

આ આત્મોદ્દગાર હતો. આ મિથ્યા, તે મિથ્યા, હું આવો હું તેવો. આ અસ્તિત્વ, એવો ફૅશનિયા ઉદ્દગાર આ નથી.

ભીતર કશીક આગનો આભાસ થાય છે,
તડકાને ખોબલે ભરીને પી જવાય છે.
એમ કહ્યા પછી એમ પણ કહે છે :
રસ્તો ને જિંદગી ફંટાય છે હવે,
ચાલો ને, જોઈએ કે ફરી ક્યાં જવાય છે!

એ ફંટાયેલે માર્ગે એ ગયો, ક્યાં જવાય છે એ જાણતો નહોતો શું? એ ઉપરથી શાંત, પણ એક તડકો, એક આગ, જે ઉષ્મા ન બની શકી તે લઈને જાણે વિસર્જનની ભૂમિએ એકલો, બધા સાથીઓને તેમના સ્થાને રહેવા દઈ જઈ રહ્યો હતો. એ માર્ગ મૃત્યુ તરફ જતો હતો.

બિમ્બને પણ આયનાની છે સ્પૃહા,
કોઈની કીકીમાં દેખાયા કરું.

એવી અદમ્ય ઇચ્છાને પ્રતિબિંબ ન ઝીલતો જાડો કાચ જાણે મળ્યો અને છેવટે એ નિરાકાર થઈ ગયો... બહારથી શાંત મૂંગી, આગ પણ જાણે આરપાર જોવા માગતી અને તે ન દેખાતાં હૈયું જ જ્વાળામુખીનું મુખ નહીં, પણ ‘વમળ’ થાય છે. એની માનસિક કલ્પના કરી જુઓ. તમે અશાંત આગના વમળના ચકરાવાની કલ્પના કરો...અને એને જ ‘થરથરતા ડિસેમ્બરમાં જુઓ, ઈસુ અવતરશે તો શું કરશું?’ એવો પ્રશ્ન કરતો જુઓ — એ બે દ્રશ્યમાંથી જે વ્યાકુળ છબી દેખાય તે હેલ્પર ક્રિષ્ટી. માણસને અનુભવ્યા વિના ઈસુ અવતરશે તો શું કરીશું? આ પ્રશ્નમાં માણસમાંથી પસાર થયા વિના ઈસુ પાસે પહોંચવા એનું હૃદય ના પાડે છે.

અને અડધે રસ્તેથી પાછો ફર્યો,
ને ત્યાં મૌન લાંબી સફરનું હતું.

રણકતી સ્વરલહરીની આંગળી પકડી
સ્લો મોશનમાં
દૂરના ઝાંખા ગ્રહ તરફ
નીકળી ચૂક્યો હોઉં છું.

કહેનાર સ્લો મોશનમાં નીકળી ગયો, અશબ્દ થઈને.

આપણે, નામો

આપણે નામો રૂપે મળતા રહ્યા,
અર્થના સંકેત ઓગળતા રહ્યા.

ખીણનું પોલાણ ના પૂરી શક્યા,
ખીણના સેતુયે પીગળતા રહ્યા.

કોઈની પાસે જવાનું ક્યાં હતું?
જાતને પણ ક્યાં સતત મળતા રહ્યા?

હસ્તરેખા ના બની મળવાનો માર્ગ,
બંધ મુઠ્ઠીમાં જ સળવળતા રહ્યા.

પંથ કોઈ કાપવાનો ક્યાં હતો ?
ભીંતના પડખાને સાંકળતા રહ્યા.

સૂર્ય નીચે મીણના માઈલસ્ટોન,
દૂરતાના આંક ઓગળતા રહ્યા.

આપણા જેવું કશુંય ક્યાં રહ્યું?
કાળને ‘નામો’ રૂપે મળતા રહ્યા.

હું

સમયનું ઓજ છું, અંધાર છું હું.
સમયમાં છું, સમયને પાર છું હું.

નથી આ હસ્તરેખામાં સમાયો,
ઘણીયે સરહદોને પાર છું હું.

ફરું છું શૂન્યબિન્દુની સીમાએ,
ખબર છે, બંધ ઘરનો દ્વાર છું હું.

પવનની પાંખ પર અસ્તિત્વ ક્યાં છે?
કહે છે, શ્વાસ એવો ભાર છું હું.

ધમણનાં આંગળાં થાકી ગયાં છે,
હવે શમતો જતો ધબકાર છું હું.

હતો ક્યારેક હું ટહુકાર મીઠો,
હવે ચિત્કારનો વિસ્તાર છું હું.

ચ્હેરા

આંખોમાં તરવરતા ચ્હેરા,
ઊંડાણે ઊતરતા ચ્હેરા.

સિંદૂરિયા રંગ ભરતા ચ્હેરા,
સરતા ને ઓસરતા ચ્હેરા.

ચ્હેરા આગળ, ચ્હેરા પાછળ,
આજુબાજુ તરતા ચ્હેરા.

ઝાકળનો ઘૂંઘટ ખેંચીને,
ભીનાં ભીનાં ફરતા ચ્હેરા.

નજરોની વીજળી ચમકાવે,
ફોરાં શા ઝરમરતા ચ્હેરા.

ઝાંખા ઘરના ફાનસ જેવા,
વર્ષોના વીસરતા ચ્હેરા.

ખૂણે ખૂણે આંસુ શોધો,
આંખોમાં કંઈ ફરતા ચ્હેરા...

એક જ ક્ષણના અજવાળામાં,
કેટકેટલા ફરતા ચ્હેરા.