સફરના સાથી/અજિત ઠાકોર
સુરેશ જોષીના આધુનિક સાહિત્યના દોરમાં ઉચ્ચ શિક્ષણ લેતા કેટલાક જુવાન મિત્રોની ગૃહમંડળી, ચર્ચામંડળી મળી. તેમાંના એક મૂળે કોસંબા પાસેના એટલે કે છેવાડાના રહેણાકના. હવે સંસ્કૃતના અધ્યાપક, સંસ્કૃત વિભાગના અધ્યક્ષ અજિત ઠાકોર પણ ખરાં. જેમના ખોરડા પાસે ઘાસ આચ્છાદિત ગાયનું ગમાણ પણ ખરું એ ‘ઘાસલ છાતી’વાળો યુવાન, ગ્રામ સંસ્કૃતિમાં ઊછરેલો ક્ષત્રિય, બ્રાહ્મણ પરંપરાની સંસ્કૃત ભાષાનો અભ્યાસ પસંદ કરે એનું મને આશ્ચર્ય ખરું જ! પણ વ્યવહાર, વર્તન, બોલચાલમાં ગામડાના રજપૂતનું જ પોત, પ્રતિભા શબ્દ માટે કદાચ એણે સંસ્કૃત ભાષા, અભ્યાસ વિષય માટે પસંદ કરી હોય. આદર્શ શિક્ષક એવા પિતાએ પુત્રમાં સાહિત્યપ્રેમ જોયો, કદાચ સર્જક પણ જોયો હોય એટલે એ સુરતની આર્ટ્સ કૉલેજમાં દાખલ થયો ત્યારે એમના પરિચિત, હવે તો પ્રકાશક, પણ ત્યારે સામયિકોના સંપાદક અને કટારલેખક શ્રી નાનુભાઈને કહ્યું: ‘આને કોઈ યોગ્ય સાહિત્યકાર, મિત્ર બને એવા માણસ સાથે મેળવી આપો’ અને નાનુભાઈએ અજિતને મારી પાસે મોકલ્યો, તે ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યું ત્યાં સુધી સાથે રહ્યો. ગોષ્ઠિઓ અને ચર્ચામાં ભાગ લેતો સાથી થયો, પણ સંસ્કૃત સાહિત્ય, આધુનિકવાદ સાથે વધારે નિસબત. એક દાયકામાં તો ખાસ્સી અ—પ્રતિષ્ઠ ઠેરવવામાં આવેલી તે ગઝલના પાઠ લેવા લાગ્યો અને ગઝલ પણ લખવા માંડી. મેં કે મારા સહકારે યોજાયેલા પરંપરા બહારના કાવ્યવાચન જેવા કાર્યક્રમોમાંય ભાગ લેવા માંડ્યો. એ સાચું કહે છે: ‘ચીલા ચાલ્યા ગામ છોડીને, ગામ ગયું ખોવાઈ.’ અને એ સુરત છોડી ગયો ત્યારથી મારે માટે ખોવાઈ ગયો. એની જીવનભૂમિ નહીં, જાણે જુદાં જુદાં ભૂમિખંડો છે! હા, જિવાઈ આપે તે ભૂમિ તો નિવૃત્ત થવાય ત્યાં સુધી સાચવી રાખવી જ પડે. અત્યારે એ વલ્લભવિદ્યાનગર યુનિવર્સિટીમાં છે. મારે તો નજીકની ભૂમિમાં વડવાઈ મૂળ નાખે એને જ સાથીદાર માનવાનીઃ તે વળી ક્યાં જવાની? એ અછાંદસ લખે અને ગઝલ પણ લખે. સુ. જો. સાથેની બેઠકોમાં તો હોય જ. એને બંનેમાં ઊંડો રસ, પણ એણે ગઝલો ઓછી એથી ઓછાં ગીત અને સવિશેષ અછાંદસો લખ્યા છે. સંસ્કૃત અભ્યાસ વિષય પણ સંસ્કૃત ખંડકાવ્યો, તેની સુભદ્ર રસિકતા, સૌંદર્ય, જીવનભાવનાનો પાશ એમાં નહીં. એ સમયે જે જુવાન ગઝલસર્જકો મળ્યા તેમાં અલગારી, બેફિકરો, હોનહાર હેલ્પર ક્રિસ્ટી અને અજિતે પોતાની ગઝલને પોતીકું, છતાં આધુનિક સ્વરૂપ આપ્યું. એકમાં માત્ર પોતીકો અભ્યાસ તો બીજાનો અભ્યાસ સંસ્કૃત, ગુજરાતી થઈને વિદેશી આધુનિક સાહિત્ય સુધી પહોંચતો હતો. એક નિમિત્ત હું ખરો, પણ ‘કંકાવટી’ માસિકને કારણે જ ટોળી, ચર્ચા અને બીજાં નામ જોઈ ન છાપે એવી કૃતિનું કારણ લાગે છે. કોઈ નવી ગઝલની વાત કરે અને હેલ્પર ક્રિસ્ટી અને અજિત ઠાકોરને યાદ ન કરે તો મને તો લાગે સાર્વભોમ દૃષ્ટિવિહોણા પસંદ કરેલી શેરીઓમાં આંટાફેરા કરનારા છે. ગામડાની ધૂળિયા શેરી, પગદંડી કે ખેતરાઉ જમીન પર વાતોડિયો નહીં તોય એકાદ શબ્દ બોલી બીજો શબ્દ શોધવા માટે થોડીવાર મૂંગો રહે તો મને બોલવાની તક આપે એવા સાથી સાથે અંધારી રાતે દૂર દૂર સુધી ટહેલવાનું ગમે, પણ કોણ જાણે અજિતે ગામનું, તેના અંધકારનું એવું એક રૂપ જોયું કે રાતે કોઈ ડાકણ કોઈ ઘરે ફાનસ મૂકવા ફરતી દેખાય! થોર પર બેઠેલી જાણે બે દેવચકલી! ગઝલ પ્રત્યેક શેરે વિશૃંખલ છે, પણ હેલ્પર અને અજિતની, થોડીક જ લખી છે તે ગઝલ એક સંપૂર્ણ ભાવ, લાગણીનું સાતત્ય રચે છે. ઘણા પેલા પરિભાષાપ્રેમીઓ ઉછીના જુદાં જુદાં શેરે જુદાં જુદાં વિચારે, પણ આખી ગઝલ એક સંપૂર્ણ પ્રભાવ પાડે. પરચૂરણ બાંધો રૂપિયો લાગે. આમેય એ બંનેએ પરંપરિત શૈલીએ પરંપરિત વિષયો અપનાવ્યા જ નથી. સુ. જો. યુગની થોડીક આવી ગઝલો ઉદાહરણરૂપ છે. ચારેક વર્ષમાં તો કશા જ ખચકાટ વિના નાનકડો સંગ્રહ બને એટલી કવિતા થઈ, પણ સંગ્રહ કોણ પ્રગટ કરે? આમેય અમે ધંધાદારીઓના અ—મિત્ર. મૂળ માધ્યમિક શાળાના હેડમાસ્તર તે બરોડા બૅન્કની એક સુરત શાખાના મૅનેજર થયેલા. પત્રકારરૂપે એમનો ક્યારેક સંપર્ક થતો. એક મુલાકાતમાં વાત કરી. અજિતના સંગ્રહ માટે મેં ‘કંકાવટી’ માટે લોન લીધી, એમણે આપી એમ કહો: અને અજિતનો ‘અલૂક’ સંગ્રહ પ્રેસમાં આપ્યો, ને ‘કંકાવટી’યે ચાલુ રહ્યું. બંનેએ લોનનાં નાણાં નિયમ અનુસાર હપ્તે હપ્તે કરીને સંપૂર્ણ રકમે પાછાં વાળેલાં. કેશૌર્યથી તે યૌવન સુધી ગામ આત્મસાત થયેલું તે જાણે સુરત શહેરનાં ચાર વર્ષોમાં કાવ્યરૂપ પામ્યું. ગઝલ, ગીત, અછાંદસના સ્વરૂપે. એમાં શબ્દગતિ સાથે ભાવની તેજગતિ છે. માંદલો સાદ તો ક્યાંય નથી. એ કાળે ચીલા બહારના નવલોહિયાઓના સફળ મુશાયરા યોજાયા તેમાં પરંપરાના અનુભવ તે રચનાએ નહીં એવા કિસન સોસા, અજિત ઠાકોર અને હેલ્પર ક્રિસ્ટીને શ્રોતાઓ સાંભળતા, ઝીલતા...જૂનું નહીં, નવું નહીં, પરંપરા નહીં, પરંપરાના મેળામાં વિખૂટું પડેલું બાળક નહીં, પરંપરા સમય અને જીવનની, એ આપે તે કવિતાની. મારો પાશ લાગ્યો હોય તો કળારીતિ પૂરતો પણ આધુનિક કળારીતિ માટે તો દૂરદૂરના શુક્ર તારા જેવા સુ. જો. જ. એ દિવસોમાં જાણે ઘટનાઓ હતી જ નહીં, સળંગ વર્ષો જ એક ઘટના… અને હા એ સુરતની જ પોતાના ગામ અને ન્યાતબહારની છોકરીને સાહસ કરીને પરણ્યો. સિવિલ મૅરેજ કર્યા. કંઈ થાય તો તેને પહોંચી વળે એવો વકીલ રાખીને! હજી કોઈ હાઈસ્કૂલમાં ભણાવે છે, પણ કોણ જાણે બંને પહેલા બાળકનાં માતાપિતા થવાનું સાહસ ન કરી શક્યાં...
લોકટોળામાં ફરું અફવા સમો,
સંશયોનું ટોળું મારામાં ફરે!
છતાં ઇચ્છા તો આવી:
પાંપણની પછવાડે જઈએ,
આંખોના અજવાળે જઈએ.
એવી આરત અને છતાં સંશયોનું ટોળું ફરેઃ
કરોળિયાના જાળા શું ઘર,
જઈએ તોયે ક્યાં રે! જઈએ?
એવી ગૂંગળામણ પણ ખરી. એણે ગામ છોડ્યું, ઘણા ધંધાર્થે છોડે છે, છેવટે શિક્ષણ લીધું એ નગર છોડે છે, પણ આ પણ સાચું કહે છે:
ઉંબરે આવીને ઘર અટકી ગયું,
તે મુસાફર કોઈ લાગે છે જવા.
અને એ મુસાફરીએ નીકળી જ ગયો! સગાઈ સંબંધે ક્યારેક ગામે ઘડી બે ઘડી રિવાજે આવી જતો હશે પણ ગયો તે ગયો જ…
હેલ્પર ક્રિસ્ટીના આ બે શેર:
રસ્તામાં રસ્તો ભળશે તો શું કરશું?
ત્રીજી કેડી આંતરશે તો શું કરશું?
થરથરતો ડિસેમ્બર ઊભો છે ઓવારે,
ઈસુ જેવું અવતરશે તો શું કરશું…
અને આ અજિત :
પથ્થર તરશે તો શું કરશું?
સીતા મળશે તો શું કરશું?
પરપોટાના ઉંબરમાં કો
પાછું ફરશે તો શું કરશું?
મૃત્યુ
૧
…ને ફળીની વેલ ઝૂકી જાય નૈ,
ને પરિચયની કળી ડોકાય નૈ.
બાળપણ આવ્યું પગેરું કાઢતું,
પણ સમયનો ઉંબરો ઠેકાય નૈ.
ભીંત પરથી કો’ ઉતારી લો મને,
ઉંબરોનો ભાર તો રોકાય નૈ.
નીકળી પડવું હતું ખેતરભણી,
રક્ત ધુમ્મસ તો કદી વિંખાય નૈ.
પાતળી કેડી ઊભી રે ભાંભરે,
મુઠ્ઠીઓની બ્હાર પણ નીકળાય નૈ.
આવ, મારા ઘર તને ચૂંટી ખણું,
સાવ ખાલી હાથ તો નીકળાય નૈ.
૨
ટેકરીઓ મૌનની ખોદાઈ ગૈ,
શબ્દની ચપટી હવા ફેલાઈ ગૈ
આયનાના હાથ ફેલાતા રહ્યા,
ઓરડાની શૂન્યતા ભીંસાઈ ગૈ.
ટોડલે રામણ રડે મધરાતથી,
ટેકરી સિંદૂરિયા તરડાઈ ગૈ.
બંધ ઘરમાં ભીંત સૌ વાતે વળી,
ને છબિને વાત કૈં સમજાઈ ગૈ.
આસફાલ્ટની ટેકરીઓ
લીલુંછમ ચીતરામણ કરીએ,
શે’ર ગમી લો, પાછા વળીએ.
આસફાલ્ટની ટેકરીઓ પર
ચાલો દોટમદોટા કરીએ.
ચરણો ચાલ્યાં જાય બધેબધ,
આંખોની ભીડોમાં ફરીએ
કેટકેટલા ઉજ્જડ ચ્હેરા
કેટકેટલી આંખો તરીએ.
ભીંતો આગળ, ભીંતો પાછળ,
સંબંધોની વાતો કરીએ.
કો’ક અજાણ્યું સામે આવે,
ઝટપટ સ્મિત પહાડે ચઢીએ.
આજે ભીની ભીની ભીંતો,
સંભાળો! ગાંડા ના ઠરીએ!
▭