સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી/કાકાસાહેબના પત્રો
અમદાવાદ-૬
સપ્ટેમ્બર ૧૦, ૧૯૫૮
પ્રિય ભાઈ સતીશ,
હું તો તમને જ લખીશ. પછી ભલે ને ‘આમુખ’ લખવા મને અ. સૌ. ચંદનબહેને કહ્યું હોય. તમને લખું એથી એમને માઠું લાગવાનું છે એમ પણ નથી. આ બધા કાગળો વાંચતાં, એમને માઠું લગાડતાં ક્યારેય આવડ્યું હોય એવી એમની આબરૂ પણ દેખાતી નથી. અને ખરું જોતાં, એક રીતે આ પત્રોનો મુખ્ય વિષય પણ તમે છો. સંપાદકને ઉમેરવી પડેલી નોંધો એ વાતની સાક્ષી પૂરે છે. પત્ની ઉપરના પત્રોમાં પત્નીના અર્ધાંગ બલકે અધઝાઝેરા અંગ(બેટર હાવ્)નું મહત્ત્વ આવી વસે તો એમાં આશ્ચર્ય પણ શું? તમારા નામ અંગેના ફેરફારથી માંડીને, પ્રત્યક્ષ વાતચીત કરતાં પણ કાગળમાં વધુ સહેલાઈથી ટપકી પડે એવી જીવનસંબંધોની રહસ્યવાર્તાઓ આ પત્રસંપુટમાં સંચિત થઈ છે. નામ પાડવાની કાકાસાહેબની શક્તિ (જેનો તાજો દાખલો ભારત સરકારને એમણે ભેટ આપેલું નામ ‘અપ્સરા’) વિશે મને એટલું બધું માન છે કે ગીતાના વિભૂતિયોગવાળા અધ્યાયમાં મને તક હોય તો ‘फोईओमां हुं काका छुं.’ એવો શ્લોકાર્ધ (હા, ગદ્યમાં લાગે છે પણ એ છે અનુષ્ટુપની પંક્તિ) હું દાખલ કરી દઉં. તમારું નામ, પિતાની આજ્ઞાથી, એમણે જ પાડેલું. પણ તમે રહ્યા જીવનભરના આપકર્મી. નામનો ‘સ્વયંવર’ કર્યો ત્યારે પણ કાકાસાહેબ જેવા નિષ્ણાતની મદદ, એ પિતા છે એટલા કારણે, તમે શેના લો? તેમ છતાં તમારા નામમાં તમારી પોતાની મૌલિકતા ભાગ્યે જ જણાય છે, એમ કહું તો ક્ષમા કરશો. ચંદનબહેનની છાયા નીચે આવ્યા પછી તમને ‘સતીશ’ (સતી-ઈશ) સિવાય બીજું નામ સૂઝે પણ શી રીતે? (ભાઈ, આ પત્રોમાં ક્યાંય ભાઉ, શંકર, સતીશ, એ બધાં તમારાં નામોની સાથે આપણા એલ્ફીન્સ્ટન કૉલેજ-સમયના તમારા ‘શંકરન્’ નામનો અણસારો પણ કેમ મળતો નથી? સદ્ગત સાક્ષર શ્રી નરસિંહરાવ દિવેટિયા એ મદ્રાસીકરણ ઉપર સહેજ ગિન્નાતા તે બધાંની જાણમાં હોત તો સૌ જરૂર જરીક રાજી પણ થાત.) આ પત્રસંપુટમાં કાલેલકર કુટુંબના સૂક્ષ્મ સંબંધોની કથા પણ અનાયાસે વણાઈ છે. જીવનસંગીતના આરોહઅવરોહ, તાન, પલટા, આલાપ, મીંડ, એ બધું કુટુંબકથામાં કેવું પ્રતીત થાય છે એ હંમેશાં એક મોટો રસનો વિષય છે. એક વાત નિઃસંશય છે. જીવનસંગીતને સમ હંમેશાં પ્રેમ ઉપર આવીને પડે છે. વચમાં વચમાં બીજા અનુભવો ભલે વરતાય. અરે, કેટલીક વખત શૂન્યતાનો પણ અનુભવ થાય. પણ તાલમાં ‘તાલી’ના જેટલો જ ‘ખાલી’ પણ ફાળો આપે છે, ‘ખાલી’ને સંગીતના વિધ્વંસરૂપે કોઈ જોતું નથી. જીવનમાં પ્રત્યક્ષ આત્મીયતાવ્યવહારનો અભાવ ભાસતો હોય એવા સમયો આવે છે, પણ સંવાદનું વ્યાકરણ જેઓ સમજે છે, તે જાણે છે કે એવી ‘ખાલી’ જીવનસંગીતના એક પોષક ભાગ રૂપ હોઈ શકે છે. ક્યારેક ‘તાલી’ તો ક્યારેક ‘ખાલી’ – એ લીલા જોવા જેવી છે અને એ બંને મળીને રચે છે તાલબદ્ધતા. જીવનને લાંબા પટ ઉપર જોવા ટેવાઈએ છીએ ત્યારે પ્રેમ કેવી વિવિધ રીતે સાફલ્ય સાધે છે એ જોવા મળતાં તાજુબ થઈ જવાય છે. પ્રેમ હોય અને અને ફળવાની તક મળી ન હોય એવું બનવું અસંભવ છે. પુત્રની કિશોર અને કુમાર અવસ્થામાં કોઈ પણ કારણે એને કાકાસાહેબનો પ્રેમ પહોંચવા આડે મુશ્કેલીઓ હોય એમ લાગે છે. પણ પછીથી પુત્રને પિતા તરીકે નહિ તો એની પત્નીના સસરા તરીકે પ્રેમ પહોંચાડવાનો એમને અવસર મળી જ જાય છે, અને સૂર્યનાં કિરણો ચંદ્રની મારફત પહોંચતાં સહેજે હૃદયંગમ નીવડે છે. આ સંગ્રહના અડધા જેટલા પત્રો તમારા ને ચંદનબહેનના સંવનન સમયના છે. કાકાસાહેબ ચંદનબહેને તમારું હૃદય ‘પોતાનું કર્યું તે માટે તારું અભિનંદન કરું કે તારી અદેખાઈ કરું?’ – એમ પૂછે છે. તમારું સંવનન કરવામાં એ બંનેની જાણે કે હરીફાઈ ચાલતી ન હોય! અને કાકાસાહેબનું તમારે માટેનું સંવનન તો સમગ્ર પત્રસંગ્રહમાં ચાલુ છે. કાકાસાહેબની કળા તે તમને ક્યાંય ‘મારો’ કરવાને બદલે ચંદનબહેનને ‘તારો સતીશ’; ‘તારો સતીશ’, એમ દૃઢાવવામાં રહેલી છે, કહો કે એ જ ‘મારો’ કરવાની એમની વેદાન્તી રીત છે. પણ કોઈક વાર એમનામાંનો વેદાન્તી ઓસરી જાય છે, રહે છે નર્યો પિતા : ‘મને બે રાતથી ઊંઘ બરાબર નથી આવતી કારણ સતીશનો કાગળ નથી એનું આશ્ચર્ય થાય છે.’ પત્રો લખાય ગમે તેને, એ પ્રગટ કરે છે લખનારને. આ પત્રોમાં પહેલી જોવા મળે છે કાકાસાહેબની એકલાપણાની લાગણી : ‘વાસરી(ડાયરી) એ જ એક પરમ મિત્ર બનાવી શકાય. હું હાથે ઝાઝું લખી નથી શકતો એટલે એ પણ મિત્ર મારે માટે નથી.’ (૧-૧-’૩૯.) આ વાંચીને મને ‘સંસ્કૃતિ’ના મે ૧૯૫૭ના અંકમાં પ્રગટ થયેલ ગોવર્ધનરામની સ્ક્રૅપ બુકમાંની એક એવી જ નોંધ યાદ આવી : ‘... મારા દિલને આ કાગળો ઉપર રેડીને હું એને લગાર હળવું કરું છું. મારે વાતો કરવા પૂરતોય કોઈ દોસ્ત હોય તો તે હું પોતે જ છું.’ (૧૦-૭-૧૮૯૧) તમારા; ખાસ કરીને નાનપણના, એકલપણાને એ અવારનવાર યાદ કરે છે (પૃ. ૧૨૮), ત્યારે એમાં સાચા સમભાવનો રણકો હોય છે. બીજી આગળ તરી આવે છે કાકાસાહેબની તટસ્થ રહીને રંગાવાની અથવા તો તરંગાવા છતાં તટસ્થ રહેવાની મથામણ. પત્રસંગ્રહમાં કાકાસાહેબની નિવૃત્તિ માટેની ઝંખનાનો તાર વાગ્યા કરે છે, અને છતાં પ્રવૃત્તિમાંથી છુટાતું નથી એ તો માત્ર આ બધા કાગળોને મથાળે નિર્દેશાયેલાં સ્થળો પર નજર નાખતાં પણ ખ્યાલમાં આવી જાય છે. પ્રવૃત્તિ પરત્વેનો ‘મારો રસ ઓસરે એ શા કામનો?’ એમ ગાંધીજીના અવસાન બાદ એ પ્રશ્ન પણ કરે છે. વાચન-લેખન માટેની ઝંખના પણ ક્યાંક ક્યાંક ઝબકી જાય છે, ચંદનબહેનને અમેરિકા લખે છે : ‘તારે ભણવાના વિષયો ખૂબ મજાના છે. મન થાય છે કે તારી પાસેથી તારી બધી ચોપડીઓ મંગાવી વાંચી કાઢું.’ ભાવી પુત્રવધૂને તેઓ પોતાની ઓરડીની કાંઈક મગરૂરીપૂર્વક ‘second-hand book-stall’ તરીકે ઓળખાણ આપે છે. અને તમારા વિલાયતથી પાછા આવ્યા પછી સાતેક વરસે જતાં ગાંધીજીની ‘ઇચ્છા પ્રમાણે’ તમને વર્ધામાં હિન્દુસ્તાનીનું અધ્યાપનમંદિર ખોલવાની યોજના હતી તેની પ્રિન્સિપાલશિપની ઑફર માસિક બસો રૂપિયા અને ‘ઘર રહેવા આપશું’ એમ કહીને મોટે મોભારે પહોંચાડે છે, તેની પાછળ પણ ‘ધીરે ધીરે મારું સ્થાન સતીશ લેશે એટલે હું નિવૃત્ત થઈ લેખનકાર્ય કરીશ’ એવી મહદ્ આકાંક્ષા પ્રગટ થાય છે. ‘મારું સ્થાન સતીશ લેશે’ – પાછળ પોતાને માટે કોઈ આશા હોય તે કરતાંય તમે દેશની સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં વધુ સક્રિય ભાવે જોડાઓ એવો ભાવ વધુ છે. તમારી પાસે ચંદનબહેન ‘creative કામ’ કઢાવે, તમે ‘કોઈ ખાસ વિષયમાં પ્રવીણ’ થાઓ, ‘જીવનનું અને વિદ્વત્તાનું ઊંડાણ’ કેળવી કંઈક નક્કર આપો એ આકાંક્ષા સતત ગુંજ્યા કરે છે. ‘ચિ. સતીશ કોઈ ચોપડી લખવાનો છે?’ એમ એ ચંદનબહેનને પૂછે છે અને એમને પણ ટપારે છે : ‘તું તો અમેરિકા વિષે લખવાનો સંકલ્પ ભૂલી જ ગઈ હઈશ. હવે મને લાગે છે કે તારો સંકલ્પ ચિ. શૈલા જ પૂરો કરશે.’ કાકાસાહેબે ચંદનબહેનના મંથનસમયમાં એમના ચિત્તની જે માવજત કરી છે તેમાં એમનાં તટસ્થતા અને વાત્સલ્ય એકીસાથે જોવા મળે છે. ‘પૂ. બાપુજીના મંદવાડનાં કારણોમાં એક કારણ... ભાઈ પ્રકરણ પણ છે.’ (પૃ. ૧૦), એવું કાકાસાહેબ જેને વિશે માને છે તેને પોતે ડહોળવા જેવું કરતા નથી : ‘આ બાબતમાં કેટલુંયે લખવાનું મન થાય છે. પણ તટસ્થતા જાળવવાનો મારો નિશ્ચય હું છોડવા નથી માગતો.’ તેમ છતાં એ પ્રકરણ અન્વયે જેને મનથી ખૂબ સોસવું પડ્યું તે ચંદનબહેનની માનસશુશ્રૂષા કરવામાં પોતે પાછી પાની કરતા નથી. (એ પ્રકરણ વિશે આપણી એક પ્રમાણરૂપ વ્યક્તિએ અત્યાર પહેલાં લખેલું છે, એટલે આટલે વરસે જતાં એનો નિર્દેશ એક સંપાદનનોંધમાં થયો છે તો છો થયો. કોઈ વ્યક્તિ અંગે કશું નોંધવા કરતાં કન્યાઓને અને એમના શિક્ષકોને ભવિષ્યમાં કાંઈક ચેતવણી મળે એમ કરવાનો જ આશય હવે હોય એ સ્પષ્ટ છે.) ચંદનબહેન તમારી ગેરહાજરીમાં અહીં બીમાર પડ્યાં ત્યારે કાકાસાહેબમાં માતૃત્વ ઊભરાતું જોઈ શકાય છે. શ્રી અમતૃલાલભાઈને આ શુશ્રૂષા માટે મોકલી આપે છે. સો ઉપર આ પત્રોમાં સંબોધન કાં ‘ચિ. ચંદનબહેન’ કાં ‘ચિ. ચંદન’ છે, ‘ચિ. વહાલી ચંદન’નું મોંઘું સંબોધન તો બે વાર જ, સુકલકડી ‘મજનૂન’ દશાને એ પામે છે ત્યારે એમને મળે છે. એ પત્રમાં કેવા વહાલથી બીમાર દીકરીને એ સાક્ષાત્ કરે છે! ‘તારું સુકલકડી શરીર આજે નજર આગળ દેખાય છે અને એની સાથે તારી તેજસ્વી પણ હેતાળ આંખો પણ દેખાય છે. હવે જલદી સાજી થઈ જા.’ આટલું કહી, સ્ત્રીહૃદયને જે જાતની વિગતો પકડવાની ફાવટ હોય છે તેવી એક એ નોંધે છે : ‘તારા આ કાગળમાં તારા અક્ષરો નબળા દેખાતા નથી એથી આનંદ થયો.’ અક્ષરો જેવી વિગત દ્વારા સામાના બિનનબળાપણાને વરતી જવું એ સ્ત્રીહૃદયની આગવી સૂઝનું દૃષ્ટાંત છે. પોતે જેમ હંમેશાં બીજાને હાથે લખાવે છે તેમ કરવા ચંદનબહેનને એ સૂચવે છે : ‘મારી પાસેથી આટલું તો શીખશ કે નહિ. કાગળો તો બીજાને હાથે જ લખાવવા?’ માતૃહૃદયનો પરચો કાઠિયાવાડી પ્રયોગ ‘શીખશ’માં રહેલા લાડભર્યા ઠપકામાં છે. કાકાસાહેબની લાક્ષણિકતા – વિનોદ તે આ પત્રમાં પણ ભરપૂર મળે છે. “ ‘કેમલ’ પેન કેમ ચાલે છે?” – જેવામાં માત્ર શ્લેષ છે. ‘ડુંગરા નજીકથી પણ રળિયામણા’ એ કહેવતમાં એકાદ શબ્દ બદલીને, તો ‘આપ ભલા તો અન્તે જગ ભલા – અન્તે નહિ તો અનન્તે. એ મારો વિશ્વાસ છે’માં ઉમેરણથી રમત કરી છે. ‘મેં જે કાગળ તને લખ્યો તે ચિ. બાળે “સેવવા” માટે પોતાની પાસે જ રાખ્યો લાગે છે!’ –માં અને અભિનંદનનો “મુરબ્બો”માં શબ્દને નવીન સંદર્ભમાં યોજીને વિનોદ ઉપસાવ્યો છે. ચંદનબહેનને અમેરિકા લખેલા પત્રમાં એ ઠાવકાશથી પૂછે છે : ‘ત્યાંનો દરિયો તો અહીંના દરિયા જેવો જ હશે. મોજાંઓ પણ અહીંની પેઠે જ ઘૂઘવતાં હશે.’ ચંદનબહેને acculturation વિશે ત્યાં કાંઈક ચર્ચા ઉપાડી હશે, પણ એ શબ્દ ઑક્સફર્ડ કોશમાં કે વિશ્વકોશમાં ન મળતાં સામેથી પુછાવે છે અને પછી જવાબ મળતાં લખે છે : ‘Acculturationનો અર્થ સમજ્યો. સતીશનું ગુજરાતી થવું એ જ એનો અર્થ છે ને?’ કેટલીક વાર દુઃખને એ વિનોદથી હસી નાખે છે : ‘એક કાન ઉપર બંનેનો ભાર પડ્યો એટલે એ હડતાલ પાડવા તૈયાર થયો. પણ એ હડતાલ અહિંસક નથી. કાન કામ તો આપતો નથી અને છતાં સખતમાં સખત દુખે છે.’ વિલાયતથી તમે તમારા બે ફોટા એમને મોકલેલા. ચંદનબહેનને એ લખે છે : ‘માનું છું એક તારે માટે અને બીજો બાળ માટે છે.’ (પોતાનો પ્રશ્ન જ નથી.) ‘બે ફોટામાંથી કયો સારો તે ઓળખી કાઢવા જેટલી મારી આંખો ચતુર નથી એટલે બંને ફોટા તને જ મોકલું છું. પછી તું જ એમાંથી મનપસંદ બાળને મોકલજે.’ એટલે કે ‘મનપસંદ’ રાખીને બીજો મોકલી આપવામાં આવશે એવું સૂચવીને ભાવી પુત્રવધૂની જરીક મજાક કરી લીધી છે. અને ક્યારેક તમને બંનેને ભેગાં લે છે : ‘સતીશે તે (ચંદનબહેનનો) નિબંધ વાંચ્યો છે? એણે શું કહ્યું? એણે જો વખાણ કર્યાં તો એ નાલાયક છે. એણે તો તારી આગળ એમાંની ખામીઓની સહસ્રાવલિ બતાવવી જોઈશે; અને બીજા આગળ એની અનહદ તારીફ કરી બાઘા બનવું જોઈએ!’ આ પત્રાવલિમાં મોંઘા જીવનપાથેયરૂપ સામગ્રી પીરસાઈ હોય તો તે છે સ્ત્રીજાતિના મહિમા અંગેનું અને સ્ત્રીપુરુષ સંબંધ – દામ્પત્ય અંગેનું કાકાસાહેબનું દર્શન. સ્ત્રીજાતિની અવદશા જોઈ એમનું હૃદય ચીસ પાડી ઊઠે છે : ‘સ્ત્રીની નબળાઈને કારણે સમાજે જે વેઠ્યું છે તેનો ખ્યાલ સમાજને આવે તે સ્ત્રીને મજબૂત અને નિર્ભય બનાવવા માટે સમાજ ગમે તે જોખમ ખેડે.’ ‘પણ સ્ત્રીજાતિની સ્થિતિ વિચારતાં મારું હૃદય રડે છે. જેમને પેટે જન્મ લઈએ છીએ, અથવા જેમના સહવાસમાં જીવનની સુવાસ વધે છે, તે જ સ્ત્રીજાતિ પ્રત્યે માણસ આટલો નગુણો અને અવ્યવસ્થિત કેમ રહેતો હશે?’ એક ઠેકાણે કાકાસાહેબ સ્ત્રીનું મહિમ્નસ્તોત્ર ઉદ્ગારે છે : ‘...અદ્યતન (up-to-date) સમાજશાસ્ત્ર, સુપ્રજાનિર્માણશાસ્ત્ર, આરોગ્યશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર (ethnology) અને સૌંદર્યશાસ્ત્ર, આદિ સુસંસ્કૃત જીવનશાસ્ત્રનો વિનિયોગ (application) જેમાં થાય છે એવી ગૃહસંસ્થા અને કુટુંબસંસ્થા ચલાવી બતાવે તે રાષ્ટ્રનિર્માત્રી (nation-builder) પણ છે અને સમાજની આધારસ્તંભ (pillor of society) પણ છે; સંસ્કૃતિરક્ષક (guardian of culture) તો છે જ. રાજ્યસંસ્થા ચલાવવા કરતાં કુટુંબસંસ્થા ચલાવવામાં વધારે મોટાઈ છે.’ આદર્શ સ્ત્રીપુરુષ સંબંધના – દામ્પત્યના પાયામાં પ્રેમ અને નિષ્ઠાને ઓતપ્રોત થવાપણાને તેઓ મૂકે છે. ‘... “માબાપોની એકબીજા પ્રત્યેની ઉત્કટ નિષ્ઠા” એ બાળકોનો birth-right છે. તમે એને વખતે pre-birth-right કહેશો.’ ‘વિવાહસંસ્થા સ્ત્રીપુરુષ બંનેની હાજતમાંથી ઉત્પન્ન થઈ છે. એની પવિત્રતા તો પ્રેમ અને નિષ્ઠાના ઊંડાણ પર આધાર રાખે છે.’ ‘એકબીજામાં ઓતપ્રોત થવું એનું નામ લગ્ન. સંભોગજીવન (sex-life) અને પ્રેમજીવન (love-life) એક જ દિશામાં વહે અને પ્રેમજીવન(love-life)ના આદર્શને અનુસરીને જ સંભોગજીવન (sxe-life) મર્યાદિત થાય એ જ લગ્નજીવનનું સારસર્વસ્વ છે.’ ‘પતિપત્ની વચ્ચે સ્વરાજ્ય સંભવતું જ નથી. એ તો પરસ્પરનું પરસ્પર ઉપર ચાલતું સામ્રાજ્ય જ હોય છે. અને દરેક જણ તકરાર કરે છે કે મારે નમતું આપવું પડે છે. બન્ને સાચાં!’ એક વાર કાગળમાં ચંદનબહેને કદાચ તમારા તરફથી થયેલ ‘અપમાન અને અવગણના’ની વાત કરી હશે ત્યારે કાકાસાહેબની સાન્ત્વનાવાણી કેવી પ્રગટે છે! – ‘વાત એમ છે કે જ્યાં પ્રેમ છે (ચંદન-સતીશ જેવો પ્રેમ છે) ત્યાં માન-અપમાન કે ગણના-અવગણના પાસે આવી જ ન શકે... પોતાની જાતને ભૂલી જવું એ પ્રેમનું પ્રથમ લક્ષણ છે.’ આવતી કાલે તમારા વિવાહ છે ને એ લખે છે : ‘હવે પૂર્ણ અને દૃઢ શ્રદ્ધાથી એકબીજામાં ઓતપ્રોત થાઓ. આને માટે એકબીજાના દોષ, અથવા સ્વભાવભેદ સહન કરવાની તો શું પણ મીઠા માની લેવાની ટેવ પાડી લેવી જોઈએ.’ તમે સિવિલ મેરેજ કર્યાં. ગાંધીજીની જેમ કાકાસાહેબ પણ ધાર્મિક વિધિના પક્ષપાતી. પણ ધાર્મિકતાને એ શામાં જુએ છે? ‘તમે બન્ને એકબીજાને ચાહો છો તેની અસાધારણ ઉત્કટતા હું જાણું છું એ જ તમારા વિવાહની પૂર્ણ ધાર્મિકતા છે.’ એક તાજા કલમમાં ટાગોરની ‘ઘરેબાહિરે’ની નાયિકા અને ગ્યુઈથેની માર્ગરિટ ને હોમરની હેલનની મદદથી સ્ત્રીપુરુષ સંબંધ અંગે એમણે માર્મિક પ્રશ્નો છેડ્યા છે (પત્ર ૭) તો ક્યારેક બાળકોના ‘સ્પેસિંગ’ જેવા વિષય ઉપર ગાંધીજીના અને પોતાના વિચારો પણ નિઃસંકોચ આપ્યા છે (પત્ર ૯૪). સ્ત્રીપુરુષ સંબંધ અંગેનાં કાકાસાહેબનાં અહીંતહીં વેરાયેલાં ચિંતનો સર્વજનીન રસનાં છે અને આ પત્રસંગ્રહનું એ એક મુખ્ય અર્પણ બની રહેશે. પત્રસંગ્રહના અંત તરફ જઈએ છીએ તેમ બાળકો ઉપર લખાયેલા પત્રો મળે છે. મૂડી કરતાં વ્યાજ વહાલું – એ ન્યાયે કાકાસાહેબનું હૃદય પૌત્રપૌત્રી તરફ વળે છે. પત્રસંગ્રહ જાણે કહે છે : કાલેલકર કુટુંબમાં પુત્રયુગ ગયો, પુત્રવધૂયુગ ગયો, પૌત્ર-પૌત્રીયુગ શરૂ થયો! —જીવનની રફતાર તો જુઓ! આ કાગળો છપાશે એવો એ લખનાર કે મેળવનારને એ વખતે ખ્યાલ પણ નહિ હોય. એ રીતે લખાયેલા કાગળોમાં નિવ્યાર્જ રમણીયતા આવે છે. ઉપરાંત, સામી વ્યક્તિને કાગળમાંના એક શબ્દમાં પણ રસ ન પડે તો એ રીતે લખાયેલો પત્ર તે પત્ર નથી. કાકાસાહેબ બહુશ્રુત વિચારક હોવા છતાં કોઈનું નામ આરંભમાં લખી એને ખીંટી બનાવી પત્રને બહાને નિબંધ લખવા કદી લલચાતા નથી. વાર્તાલાપમાં – એમનો શબ્દ વાપરું તો ‘વાગ્યજ્ઞ’ ચલાવવામાં – એમનો ઠીક ઠીક વખત જતો હોય છે. એમના પત્રોમાં પણ એમનો વાર્તાલાપ જ ચાલતો હોય છે. ‘When I read your letter, I here you talk.’ એમ એમને વિશે કહી શકાય. સૌથી મોટી વાત તો, આ પત્રોમાં ચંદનબહેન સાથે બન્યું છે તેમ તેઓ જાણે કે સામી વ્યક્તિના સમકક્ષ બનીને પત્ર લખતા હોય છે. સામાના વ્યક્તિત્વ માટે પૂરા આદરથી, પૂરી સહઅનુભૂતિથી એ પત્ર લખે છે. અઢી હજાર વરસ પૂર્વે ડિમેટ્રિયસે fellow-feeling (philophronesis) – માનવબંધુઓ માટેના સમભાવ – ને પત્રના પ્રાણરૂપ ગણાવેલ, એનો આ પત્રસંગ્રહમાં ભરપૂર અનુભવ થાય છે. આપણે ત્યાં પત્રસાહિત્ય બહુ નથી. આપણા યુગમાં રવીન્દ્રનાથ, શ્રી અરવિંદ અને ગાંધીજીએ હજારો – બલકે લક્ષાવધિ પત્રો લખ્યા છે, પણ હજી તે ધીમે ધીમે સુલભ થતા આવે છે. ગુજરાતીમાં કિશોરલાલભાઈ અને પ્રો. ઠાકોરના પત્રો એકત્રિત કરી પ્રગટ કરવા જેવા છે. કાકાસાહેબના પત્રો સમભાવ, બહુશ્રુતપણું, વિનોદવૃત્તિ આદિ એમના વ્યક્તિત્વનાં વિવિધ સમૃદ્ધ પાસાંનું મનભર પ્રતિબિંબ પાડનારા છે. વાસરી અને પત્રસાહિત્યને સ્વાભાવિક સાહિત્ય ગણવાનો એમનો સહજ પક્ષપાત સમજી શકાય એવો છે. કાકાસાહેબનું કુટુંબ બહોળું છે. કાલેલકરની કુલવધૂએ પોતાને મળેલા પત્રો સાચવીને આટલે વરસે કાકાસાહેબના એ વિશાળ કુટુંબ સુધી પહોંચાડવા માટે પ્રગટ કર્યા એ માટે સૌ એમના ઋણી રહેશે. તમારાં પત્ની – અને બાળકો – ઉપરના તમારા પિતાના પત્રોની ચોપડીમાં તમારી ઉપર એક પણ પત્ર ન હોય (પત્ર ૬૬માં મથાળે ચંદનબહેન ભેગું તમારું નામ છે એટલાથી ચાલે?) એ તમારા મિત્રને કેમ ગમે? અ. સૌ. ચંદનબહેને આ પત્રસંપુટ માટે ‘આમુખ’ માગીને એવો એક પત્ર ઘુસાડી દેવાની મને તક આપી તે માટે એમનો ખૂબ ખૂબ આભાર.
સ્નેહાંકિત
ઉમાશંકર જોશી
પાદટીપ
- ↑ શ્રી કાકાસાહેબ કાલેલકરના પત્રોનો સંગ્રહ ‘ચિ. ચંદનને’નો આમુખ.
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.