સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી/ન હન્યતે

૧૭. ‘ન હન્યતે’

શ્રી મૈત્રેયીદેવીની આ કથાનું મુખ્ય લક્ષણ એ છે કે એમાં કશુંય કૃતક નથી, એટલે કે બનાવટનો ક્યાંય પ્રયત્ન નથી, મહોરું રજૂ કરવાનો છૂપો છૂપો પણ આશય જણાતો નથી. એથી જ આખી કથા વાંચતા જઈએ છીએ તેમ તેમ એક વધુ ને વધુ સાચો ચહેરો ઊપસતો આવે છે. અઠ્ઠાવને પહોંચ્યા પછી એકાએક ચેતનાનાં સર્વ પડ ભેદીને સોળની ઉંમરે થયેલા પ્રણયાનુભવની પ્રબળ સ્મૃતિ ઊછળી આવે છે. ઊંઘ માંડ એક કલાકની થઈ જાય છે. આ ‘સ્મૃતિનો પ્રકોપ’ આઠેક મહિના ચાલે છે. આમ જુઓ તો કથા આ આઠ મહિનાની છે, પણ તે મહિનાઓમાં પાછલાં વરસોનું જીવન – ખાસ તો સોળમા વરસનું પ્રણયજીવન વાગોળવાનું માત્ર બનતું નથી, એ જીવન એની નાનામાં નાની વિગતો સાથે કહો કે દેહમનના તંતુએ તંતુમાં – સમગ્ર ચેતનામાં અમૃતા ફરીથી જીવે છે. એટલે આ કથામાં એક પણ અક્ષર ટાઢા લોહીએ કહેવાયેલો નથી. ભૂતકાળ એ ભૂતકાળરૂપે રજૂ થયો નથી, પ્રત્યક્ષ જિવાતો વર્તમાન ન હોય એવી એની તાત્કાલિકતા પ્રતીત થાય છે. વિશ્વવિખ્યાત તત્ત્વજ્ઞાની પિતાએ ભારતીય સંસ્કૃતિના એક ત્રેવીસ વરસના ગ્રીક વિદ્યાર્થી મિર્ચા યુક્લિડને પોતાને ઘેર રાખવાને કવયિત્રી પુત્રી અમૃતા આગળ પ્રસ્તાવ મૂક્યો. ભોંયતળિયે એને માટે એક ઓરડીનો ભાગ ફાજલ પાડવામાં આવ્યો. મહિનાઓ બાદ ખબર પડી કે બંને વચ્ચે પ્રેમસંબંધ વધતો આવે છે. પિતાએ મિર્ચાને ઘરનિકાલ કર્યો. કાગળપત્ર પણ ન લખનાર પશ્ચિમના એ ‘મૃગયા’-પટુ માણસને અમૃતા વરસો સુધી ભૂલી ગઈ છે. પ્રૌઢ ઉંમરે અવારનવાર યુક્લિડ મોટો વિદ્વાન પ્રોફેસર થયો હોવાના સંકેતો મળતા રહ્યા છે એટલું જ. આજે તે અમૃતાનો ભર્યોભાદર્યો સંસાર છે. પૌત્રપૌત્રીનો ઘરઆંગણે કિલ્લોલ છે. સાંસ્કૃતિક અને સમાજસેવાના ક્ષેત્રમાં એક ગણનાપાત્ર સ્ત્રીનેતાનું પોતાનું ગરવું સ્થાન છે. ત્યાં અચાનક અમૃતાના આંતર જીવનમાં ભારે ભૂકંપ જેવું થાય છે. જન્મ-દિન – ૧૯૭૨ના સપ્ટેમ્બરની પહેલી-ની સવારે મિર્ચાનો શિષ્ય સેરગેઈ આવેલો છે તેને પોતે મળવા જાય છે અને એ જ્યારે કહે છે કે પોતે મિર્ચાની ચોપડી દ્વારા ગ્રીસમાં પરીકથાની નાયિકા બની ગઈ છે ત્યારે પૂછે છે કે એ ચોપડીમાં એવું કશું તો નથી કે પોતાને શરમાવું પડે? સેરગેઈએ નીચું જોઈને કહ્યું : ‘તેણે લખ્યું છે કે તમે રાત્રે એના ઓરડામાં જતાં. બેશક, મને તો એમાં શરમાવા જેવું કશું લાગતું નથી.’ અમૃતા બોલી ઊઠે છે : ‘સત્યાનાશ! કેવો અન્યાય! સાચું કહું છું સેરગેઈ, આ સાચું નથી, બિલકુલ સાચું નથી.’ સેરગેઈ ઘણું કહે છે કે એ તો વાર્તા છે. અને પોતાની યાતનામાંથી છૂટવાનો મિર્ચા માટે કથાલેખન એ એક જ માર્ગ હતો, ચોપડીને અડીએ તો લોહી ટપકે, અમૃતાની વ્યથાનો પાર નથી : મારું નામ દઈને એણે ચોપડી લખી. અપરાધ કરીને ભાગી ગયો ને ઉપરથી કલંક લગાડ્યું. જીવનમાં જેણે કશું જ આપ્યું નથી તેણે ફક્ત કલંક જ આપ્યું. આરંભમાં લાગે છે કે આ કથા એ ઘવાયેલા સ્ત્રીત્વનો દારુણ ચિત્કાર છે. અમૃતાની ચેતના એક દૂરના દેશમાં પોતાને વિશે ચાળીસ વરસથી ચાલતા જૂઠાણાના આઘાતથી ઉપરતળે થઈ છે. સવાર-સાંજ દિવસ-રાત એકાકાર થઈ ગયાં છે. આસપાસના જગતનું, પરસ્પર વ્યવહારનું, પૂરું ભાન રહેતું નથી. ૧૯૭રમાં તો શ્વાસ લેવાનું ચાલે છે એટલું જ, ૧૯૩૦નું મિર્ચા સાથેના જીવનનું ઘોડાપૂર જીર્ણ શરીરમનના કાંઠાઓ છલકાવતું ધસી રહે છે. બધું જ પોતે જાણે કે ફરીથી જીવે છે. કથા, જોતજોતામાં, જૂઠ પ્રત્યેના તીવ્ર પ્રત્યાઘાતની માત્ર ન રહેતાં સોળમા વરસના પ્રણયાનુભવના – પૂર્વરાગના સુરેખ પ્રત્યક્ષીકરણની બની રહે છે. ચિત્તનદી ઉભયતવાહિની જોવા મળે છે : એક તરફ એ વિતથ આળને ધોવા દોડે છે, તો બીજી તરફ એક વેગભર્યા રસપ્રવાહરૂપે ધસે છે. તરુણ અમૃતા મિર્ચાની મર્યાદાઓ, ઊણપો, દોષો સ્પષ્ટ જુએ છે ત્યારે પણ પ્રણયસંવેદન આગળ એમાંનું કશું એના મનમાં વસતું નથી. આ બધાનો ૧૯૭૨ની અમૃતા સર્વભાવે સ્વીકાર કરે છે. આ નિખાલસતા, કૌટુમ્બિક-સામાજિક મોભાના ખ્યાલથી ખંચકાયા વગર સત્યનો સામનો કરવાની ને સમજવાની તૈયારી એ આ કથાનું જીવાતુભૂત તત્ત્વ છે. અને એ જ આ કસોટીભર્યા આઠ મહિનામાં અમૃતાનું મુખ્ય સંબલ બની રહે છે. ૧૯૭૨માં જૂઠના ડંખનું ઝેર જેમ જેમ જીરવવું મુશ્કેલ થતું જાય છે તેમ તેમ ૧૯૩૦નો માધુર્યનો ઉત્સ એના રોમેરોમના મૂળમાં સંજીવનીનું સિંચન કરે છે. ૧૯૩૦માં પૂર્વરાગનો પાછલો અધ્યાય પૂર્ણ રૂપે જિવાયો ન હતો તે જાણે હવે નિઃશેષ અનુભવવિષય બની રહેતો ન હોય. રસમીમાંસકોએ નિર્દેશેલી પ્રિયની અપ્રાપ્તિમાં પરિણમતા પૂર્વરાગની છેવટની અવસ્થાઓ અલ્પ નિદ્રા, કૃશતા, દુન્યવી વાતોમાં રસ ન પડવો, લોકલજ્જા અંગે લાપરવાહી, ઉન્માદ, મૂર્છા... વગેરે સ્વાભાવિક ક્રમે હવે ઊપસતી રહે છે. પુત્રવધૂ લેખા આંખો લાલ જોઈ દુખવા આવી છે શું, દવા મૂકું, – એમ પૂછે છે... બેતાળીસ વરસ પહેલાં મિર્ચાની ઓરડીમાં ફૂલ ફેંકીને ચાલી જતી વખતે પાછળથી સંભળાયેલી ‘અમૃતા!’ ‘અમૃતા!’ બૂમમાંથી અચાનક જાગીને તે ‘મા, મા, મા’ એવી છોકરાની બૂમ સાગરના સામે છેડેથી જાણે સાંભળે છે અને જુએ છે તો હાથ ટેલિફોન ઉપર છે, ઘંટડી વાગી રહી છે, પણ હાથ જાણે જૂઠો પડી ગયો છે... લેખા કહે છે : ‘સૂવા ચાલો.’ અમૃતાનો જીવ સોરાયાં કરે છે અને ક્યાંક ચાલ્યા જવા તલસે છે. કહે છે : ‘ચાલ જઈએ, ચાલ જઈએ, ચાલ જઈએ’...૧૯૩૦ની વાત : મિર્ચાએ જમવાના ટેબલ નીચે અમૃતાના પગ પોતાના પગ નીચે જોરથી દબાવેલા છે. ઊંઘમાં ઑથાર લાગતાં માણસ ઝબકી ઊઠે એમ અમૃતા જાગી ઊઠે છે. માથે ઠંડો હાથ મૂકી લેખા પૂછે છે, ‘મા, આપનું એવું કોઈ નથી, જેને મનની બધી વાત કહી શકો?’.... મિર્ચાએ હાથ પકડેલો અને તે એક અંગ મટી જઈ એક આખું વિશ્વ બની રહેલો તેની સ્મૃતિથી ઓશીકું ભીંજાઈ ગયું છે. કોણી પર ટેકો દઈ સ્વામી જોઈ રહ્યા છે : ‘તને શું થયું છે, મને નહિ કહે?’ ... એક વાર રાતે નીચેના મિર્ચાના રૂમમાંથી ઊભરાઈને પિયાનોના સૂર ઉપરના પોતાના રૂમમાં આવતા હતા. અમૃતાથી એ સહ્યું જતું નથી, એને બંધ કરવાનું કહેવા માટે જવા કરે છે. હંમેશ સાથે સૂતી પડોશની દુખિયારી છોકરી શાંતિ ધ્યાન ખેંચે છે કે રાતના બે વાગ્યા છે, ન જવાય. માનતી નથી એટલે સોટી ઉગામે છે અને બૂમ પાડી માને જગાડવાની ધમકી આપે છે. અમૃતા ખાટલામાંથી ઊતરવા જાય છે – કોઈ બોલ્યું, ‘ક્યાં જાય છે?’ ‘નીચે—’ ‘નીચે ક્યાં જવાની? રાતના બે વાગ્યા છે?’ હાથ છોડાવી લેવા જાય છે ત્યારે તેને દેખાય છે કે ૧૯૩૦માં શાંતિ નહિ પણ ૧૯૭૩માં પતિ એને પકડી રહ્યા છે... પૂર્વરાગની છેલ્લી અવસ્થા મરણની, તેને પણ અણસારો મળે છે. બાંગ્લાદેશથી આવેલાં નિર્વાસિતોના શિબિર પાસે રસ્તા ઉપર ઝાડ નીચે પોતાની વયની મૃત સ્ત્રીને જુએ છે ત્યારે : ‘હું જાણે મારી પોતાની મૃત્યુશય્યા જોવા પામી.’ અમૃતાની અવસ્થા જોઈ રશીદ બોલી ઊઠ્યો, ‘માસીમાને અહીંથી લઈ જા!’ પૂર્વરાગની માત્ર, એક વધુ, છોકરો-મળ્યો છોકરીને કથા જ આ નથી. એ કથા બેતાળીસ વરસ પછી ફરી તંતોતંત જિવાયાની આ કથની છે. સોળમા વરસનો જીવનખંડ કાળમાંથી ઊંચકાઈને કાલાતીતમાં પ્રત્યક્ષ થાય છે. સાઠેક વરસની અમૃતાને પ્રતીતિ થાય છે કે પેલો જીવનખંડ એ પોતાનો એક અવિનાશી અંશ છે. એને મૃત્યુ નથી. કેમે કર્યો એ હણાય એમ નથી — न हन्यते. પૂર્વરાગની કથાની અંતિમ અવસ્થા મૃત્યુની ભલે ગણાવાતી હોય, પૂર્વરાગને પુનઃ જીવવાની આ કથાની ફલશ્રુતિ તો આત્માના—પ્રેમના અ-મૃત તત્ત્વની અનુભૂતિ છે : ‘મરતો નથી, મરતો નથી, પ્રેમ મરતો નથી.’ ૧૯૫૦માં ‘ઉત્તરરામચરિત’નો સમશ્લોકી ગુજરાતી અનુવાદ આપતાં પ્રેમ એ આત્માની અ-મૃત (મૃત્યુહીન તેમ જ સુધામય) કલા એટલે કે અંશ છે. એવું એ કૃતિનું અર્થઘટન મેં આપ્યું હતું. એમાં મને કવિના પ્રથમ શ્લોકના છેલ્લા શબ્દો अमृकाम आत्मनः कलाम्ની મદદ પણ હતી. દૈવી વાણી — વાઙ્‌મય કલા – એ આત્માનો અમૃત અંશ છે એમ આરંભના જ નાન્દી-શ્લોકમાં કહી દેતી વખતે ભવભૂતિએ કૃતિની કેન્દ્રીય અનુભૂતિ – પ્રેમ એ આત્માનો અ-મૃત અંશ છે એ – પણ સૂચવી દીધી છે. ત્યાં પણ પંચવટીમાં રામ (અને સાથે સાથે છાયા-સીતા) કેટલાંક વરસો પહેલાં જિવાયેલા જીવનને વિગતમાં જેમ જેમ ફરી જીવે છે તેમ તેમ પ્રેમ એ કેવો મરણની પાર ટકી રહે છે – આત્માનો અમર અંશ છે તે રામને મન જે વિલુપ્ત થયેલી છે તે સીતાને પ્રતીત થતું આવે છે. નાટકમાં સીતાની હિરણ્યમયી પ્રતિમાના ઉલ્લેખ દ્વારા વર્તમાન સુધી અનુસંધાન છે, જ્યારે આ કથા કેવળ ૧૯૩૦ના કાલખંડની શાશ્વતતા નિર્દેશે છે, એટલો ફેર છે. પ્રાચીન ગ્રીક લોકોમાં પણ આને મળતો વિચાર પ્રચલિત જોવા મળે છે. પ્લેટોના ‘સિમ્પોઝિયમ’માં સૉક્રેટિસ ડાયોટિમા નામની સન્નારી પાસેથી પ્રેમ વિશે ‘Love is of immortality’ પ્રેમ એ અમરતાનો હોય છે એવું પરમ રહસ્ય પોતે પામ્યાની વાત કરે છે. આ આઠ મહિનાના જીવનનો ઉલ્લેખ મેં પૂર્વરાગની પ્રાચીન પરિભાષાથી કર્યો, પણ હું એને એક જાતનો લય-યોગ કહેવાનું વધુ પસંદ કરું. કહો કે જ્યાં વર્તમાન અને અતીત એકમેકમાં ભળી ગયા છે અને ચેતના તે સાથે એકરૂપ બની છે એ પ્રકારનો એ લય-યોગ છે. અમૃતા ઠીક જ કહે છે : અનુભૂતિઓ મહાકાલમાં પ્રવેશ પામી ચૂકી છે... મને અમરત્વનો અનુભવ થાય છે... અમરત્વનો આસ્વાદ પામું છું, કારણ જે મરી ગયું હતું તેના સંજીવિત રૂપને હું મનથી સ્પર્શી શકું છું... મને પોતાને જ પામું છું... આ જગતને જોવાનું એક ત્રીજું નેત્ર જ હું પામી. સત્યનું મુખ પ્રગટ થાય એ અમૃતાના હૃદયમાં ઊંડે ઊંડે સ્ફુરતી અપાવરણ – પ્રાર્થના ફળી. સત્યના, આત્માના, પ્રેમના અમૃત સ્વરૂપનું દર્શન તે આ આઠ મહિનાની યાતના કહો તો યાતનામાંથી નીતરેલી બોધના છે.

આ કથા આત્મચરિતાત્મક નવલકથા હોઈ, બેત્રણ સવાલો સહેજે વાચકના મનમાં ઊઠવાના. સાઠે પહોંચેલી એક સંભાવિત સન્નારીને પતિ, બાળકો અને મિત્રો આગળ, પોતે જે સમાજમાં સંમાન્ય સ્થાન મેળવ્યું છે તેની આગળ, પોતાની પ્રતિમા વિક્ષુબ્ધ કરી બેસે એવો પોતાનોે સોળમા વરસનો પ્રણયાનુભવ કહેવા બેસવાનું કાંઈ કારણ? બીજો અને પરંપરાવાદી હિંદુ ભારતીય માનસ માટે વધુ ગંભીર સવાલ એ કે આટલી પરિપક્વ વયે ચાર દસકાઓથી ચેતનામાં ભંડારાઈ રહેલા અનુભવની સ્મૃતિથી એ અભિભૂત કેમ થઈ જાય છે અને અસહાયપણે એને વશ કેમ થાય છે અને તે એટલી હદ સુધી કે બધું જ રજેરજ જાણે કે ફરીથી જીવે છે? વળી, વધુમાં, એ અગાઉના અનુભવતંતુને પકડીને આગળ વધી પેલા પ્રણયીનો પત્તો મેળવવા અને મળવા જવા શા માટે પ્રેરાય છે? આ સવાલો આપણા હાથમાં આત્મચરિતાત્મક નવલકથા છે એથી મનમાં ઊભા થવા પામ્યા છે. એટલે સૌથી વધુ સુસંગત સવાલ તો એ છે કે લેખિકાએ આપણી આગળ પ્રસ્તુત કરેલા આ બયાન દ્વારા પોતે ભાવાત્મક અને ચૈતસિક રીતે હળવી થઈ એવો વ્યવહારુ આશય માત્ર સરે છે કે આખુંય એક કલાકૃતિ બનવા પામે છે? પતિના આગ્રહથી અમૃતા મિર્ચાને સાક્ષાત્‌ મળવા ગઈ ત્યારે એને એ કહે છે કે આ હિંમત તેનામાં ગાંધીને લીધે આવી છે. જાહેર છે કે ગાંધીએ તો પોતાની પૂર્વવયની ગંભીર ત્રુટિઓ જગતના ચોકમાં મૂકતાં તલભાર સંકોચ અનુભવ્યો નથી. સાંભળ્યું છે કે અનુસૂચિત જ્ઞાતિઓ અને અનુસૂચિત જાતિઓના અપૂર્વ સેવક ઠક્કરબાપાએ એમની એંશીમી વરસગાંઠે એમને અભિવંદન કરવા રાજધાનીમાં ભેગા થયેલા નેતૃમંડળ અને પ્રતિષ્ઠિત નાગરિકોને એક પછી એક પોતાનાં પાતકો સંભળાવીને ભારે મૂંઝવણમાં મૂકી દીધા હતા. ઇબ્સનનું તો એક આખું નાટક ‘સમાજના સ્તંભો’ આ વિષય ઉપર છે. જેઓએ પોતાનાં માનીતાં નરનારીઓની નૈતિક દૃષ્ટિએ સુરેખ સોજ્જી પ્રતિમાઓ મનમાં પધરાવી હોય અને પછીથી સમય કાંઈક ઇદમ્‌-તૃતીયમ્‌ બહાર લઈ આવે ત્યારે એ પ્રતિમાઓને મઠારવા તૈયાર જ ન હોય તેમને માટે કોને સહાનુભૂતિ હોઈ શકે? આજકાલ તો પરદેશનાં જાણીતાં ગ્રંથસમીક્ષાનાં સામયિકો ખોલીએ છીએ ને મનમાં ફડક રહે છે કે આ વખતે કયા આપણા કોઈ લાડીલા મોટા લેખકની મૂર્તિ પર તેના કોઈ નવા ચરિત્રલેખકે સામાજિક-મનોવૈજ્ઞાનિક સંશોધન દ્વારા કેવાય ટચકા કર્યા હશે! સત્ય બુતપરસ્તોની દયા ખાવા ઓછું જ રોકાય છે? સત્યથી ખંડિત થતી લાગતી મૂર્તિઓ, ખરું જોતાં તો, ચારુતર નિર્મિતિ નીવડતી હોય છે. ચાર દસકાઓ પછી પૂર્વરાગના આવેગમાં અવશપણે તણાવાનું થાય છે એની તો, ઉપર કહ્યું તેમ, આ કથા છે, પણ કેમ એવું બન્યું એનો ખુલાસો અને એનું વાજબીપણું જોવાનું એટલું સરળ ન પણ હોય. લેખિકા સાચું જ કહે છે કે પોતાની જીવન-કથામૂલક નવલકથા પ્રગટ થાય તો કદાચ મનોવિજ્ઞાનીઓ એનું કારણ, ઉત્પત્તિ વગેરે બધું નક્કી કરી શકશે. જેઓ સોળમા વરસે થયેલા પ્રથમ પ્રણયને એક ‘કિસ્સા (ઍફેર)’ તરીકે હજી ચલાવી લે તેઓને પણ એ પ્રણયમાં ચાર દસકા પછી ફરી લીન થવાની વૃત્તિને અને જૂના પ્રણયીની મુલાકાત લેવાની જરૂરિયાતને નભાવી લેવામાં મુશ્કેલી પડે તો નવાઈ નહિ. વિદ્વાન પિતાએ મુશ્કેલી ઊભી કરી. તેજસ્વી ગોરા યુવકને ઘરમાં રાખતાં પુત્રી સાથેના એના સંભવિત સંબંધનો વિચાર જ ન કર્યો, મિર્ચાના મનમાં તો એને એ રીતે રાખવા પાછળ મુરતિયા તરીકે પોતે સ્વીકારાયો છે એવો ભાવ એમણે ઊભો કર્યો. અને બંનેનો પ્રેમસંબંધ જાણવા મળતાં તત્કાલ તેનો નિષ્ઠુર વિચ્છેદ કર્યો. સાચું વાત્સલ્ય અમૃતાને રવીન્દ્રનાથ તરફથી મળ્યું છે. અમૃતાને ગોરા યુવક સાથે વાત કરતી જોયા પછી કવિએ એને કહ્યું હતું : ‘અમૃતા, તારી ઉંમર નાની છે. મનને આટલું બધું ડખોળીશ નહિ. એ સ્વાસ્થ્ય માટે સારું નથી. મનને સ્વચ્છ નીતર્યા સરોવર જેવું સ્થિર રાખ.’ મિર્ચાની વિદાય પછી એમના સાંત્વનશબ્દો છે : ‘... દિવસે દિવસે વેદનાને બોધનાને સ્તરે લઈ જઈ કઠોરને લલિતમાં, ખટાશને માધુર્યમાં પરિપક્વ કરવાં એનું જ નામ વિકાસ... પોતા પર શ્રદ્ધા રાખજે, ચારે કોરથી પોતાને વિચ્છિન્ન કરી લઈને તે ગંભીર એકાન્તમાં પોતાને શાંત કરજે, જ્યાં તારો મહિમા તારા ભાગ્યને પણ અતિક્રમી જાય...’ બેત્રણ વરસ પછી મુરતિયો મળ્યો તેની સાથે, રૂબરૂ જોયા પણ વગર, અમૃતા લગ્ન કરે છે. પિતાની વિદ્યાર્થિની રમાએ માનો સંસાર બેસ્વાદ કરી મૂક્યો છે એટલે એ ઘરમાંથી છૂટવાનો પણ ખ્યાલ છે. શાંતિનિકેતન જવાની સ્વતંત્રતા રહેશે એ પણ મનમાં છે. લગ્ન પછી કવિને મળવા ગઈ ત્યારે એમણે કહ્યું : ‘બીજું કોઈ આપણા હાથમાં નથી, આપણે પોતે જ આપણા હાથમાં છીએ... પરિસ્થિતિ ગમે તેવી હોય, ભાગ્ય ગમે તેવું હોય, તારે તેના કરતાં મોટા થવાનું છે. જો તું સુખી નહિ થાય અમૃતા, જો ભાંગી પડી... તો હું માનીશ કે એ મારી જ હાર છે... જો તું એક સુંદર માળા રચી શકે, જ્યાં તારા આનંદના સંસારમાં સૌ કોઈ આનંદમાં રહેતાં હોય, તો હું વચન આપું છું કે હું તારા તે ઘરમાં આવીશ.’ બે વરસ પછી જન્મેલી છોકરી બે વરસની થઈ છે. કવિ ભારે માંદગીમાંથી બહાર આવ્યા છે અને નિર્જન ગિરિવાસમાં અમૃતા પોતાને ત્યાં આવવા નોંતરે છે. ૧૯૩૮-૩૯-૪૦ એ ત્રણ વરસમાં, એક જગાએ બે વાર જવાનું ટાળનારા કવિ અતિ જઈફ ઉંમરે અને ખખડેલી તબિયતે જ્યાં નાની ઉંમરનાઓ સહેજે જવા ન આકર્ષાય એવી જગાએ ચાર વાર ગયા. અમૃતાનો ઉદ્‌ગાર સ્વાભાવિક છે : ‘એ ત્રણ વરસના પરિપૂર્ણ દાનથી મારી બધી ખોટ અને નુકસાન ભરપાઈ થઈ ગયાં... એ ત્રણ વરસ દરમ્યાન જ મારું તે અસ્તિત્વ તૈયાર થયું છે જે પોતાને સમયની સીમા વટાવીને જોતાં શીખ્યું છે – મેં અનિર્વચનીયનો અનુભવ કર્યો છે.’ એક વાર અમૃતા નિખાલસપણે કબૂલ કરે છે કે પોતે તેમને છેતરી રહી છે અને પોતે ખરેખર તો એકલતા અનુભવી રહી છે. કવિ ફરી એને ટપારે છે : ‘શા માટે નકામી આત્મપીડન કરે છે?... માણસ પોતાને જે આપી શકે છે તે દેશ કાળ પાત્રથી મર્યાદિત હોય છે. બધું જ આપી શકાતું નથી, પામી પણ શકાતું નથી, તેથી જે ન મળ્યું તેને માટે હાયવોય કરવાથી લાભ શો? જે થયું છે તે જ શું પૂરતું નથી?’ અને જતાં જતાં એને માટે, ગાંધીજીએ જે કર્યું હોત, તે કરતા જાય છે. પહાડી રસ્તે જતાઆવતા મજૂરો તરફ ધ્યાન ખેંચી એમણે સંજીવની ચીંધી : ‘તો પછી તમે એકલા શાથી? એ લોકો શું માણસ નથી? એ લોકોને તારા ઘરમાં બોલાવ, એ લોકોની પાસે જા... એમનાં મિત્ર કેમ નથી થતાં?’ અમૃતાને માટે સામાજિક કામગીરી જડીબુટ્ટી નીવડે છે. પહાડોમાંથી, કવિના મૃત્યુ પછી ચૌદ વરસે કલકત્તામાં સ્થિર થવા કુટુંબ પાછું ફરે છે ત્યારે અમૃતાના જીવનમાંથી પહેલાંનો પેલો ‘ખાલીપો’ દૂર થયો છે. કવિએ અમૃતાને વાત્સલ્યપૂર્વક સમગ્ર અસ્તિત્વના પરિપ્રેક્ષ્યમાં જીવનસાફલ્યની ચાવી બતાવી અને ઊર્ધ્વીકરણની પ્રત્યક્ષ કામગીરી ચીંધી. રવીન્દ્રનાથનું આ કથામાં આવડું મોટું સ્થાન એક મંગળમૂર્તિ તરીકેનું છે એટલે જ અમૃતાના પતિની ઓળખ મંગળમૂર્તિ તરીકે આપવાનું કદાચ ચૂકી જવાય. અમૃતા સદ્‌ભાગી હોય તો તે એના પતિની બાબતમાં. અરણ્યવાસમાં ‘અમારી વચ્ચે પ્રેમ થઈ ગયો હતો’ એમ એનું મન સાક્ષી પૂરે છે. પરદેશી છોકરાની વાત પતિને એણે કરેલી છે અને વરસો પછી પૅરિસમાં એને લંડન મળવા આવવા માટે લખેલી ચિઠ્ઠી પણ એમના હાથમાં સહજભાવે મૂકી છે. રવીન્દ્રનાથની અનુપસ્થિતિમાં જે વિષમ કસોટીમાં અમૃતા મુકાઈ તેમાંથી એનું પાર ઊતરવું આ નોખી માટીના બનેલા પતિની નર્યા સદ્‌ભાવથી ભરેલી સ્નેહાળ માવજત વગર કલ્પવું મુશ્કેલ છે. મિર્ચાની સ્મૃતિ બેતાળીસ વરસમાં અવારનવાર થાય એવા પ્રસંગો આવતા રહ્યા છે, પણ આપણા દુહામાં કહે છે તેમ ‘સૂરત ભૂલી સાયબા’ – એનો ચહેરો પણ અત્યારે તો યાદ આવતો નથી. જે સાંભળવા મળે છે તે ક્યારેક બહુ ગમે એવું પણ હોતું નથી. મિર્ચાએ તને એક ચોપડી અર્પણ કરી છે એમ પિતાએ કહેલું, અને ઉમેરેલું કે પૉર્નોગ્રાફી (અશ્લીલ લખાણ) માટે એને સજા થઈ હતી. યુરોપના પ્રવાસો દરમ્યાન એક સભા પછી એક છોકરીએ તે મરી ગયો છે – અમારે મન મરી ગયો છે, ફાસિસ્ટ થઈ ગયો છે, એમ કહેલું. પેલી ચોપડીથી પોતે યુરોપીય સમાજના કેટલાક ભાગમાં પરિચિત છે એવું ‘તમે જ યુક્લિડનાં ફસ્ટ ફ્લેઇમ?’ એમ એક સન્નારીના પ્રશ્ન પરથી પણ જાણવા મળ્યું હતું. યુક્લિડ એક વિખ્યાત વિદ્વાન છે એવું સાંભળવા મળે છે પણ તેનું મૂલ્ય મનમાં વસતું નથી. સન્નારીએ યોગ ઉપરનો, પિતાને અર્પણ થયેલો, ગ્રંથ હાથમાં મૂક્યો ત્યારે એને થાય છે : ‘આ તો નર્યો કચ જ જોઈ લો, કૅરિયરિસ્ટ... ઘૃણાપાત્ર છે. આ પાંડિત્ય, આ કીર્તિલોભ...’ અમૃતાના સ્વમાનને પહેલી વાર ડંખ લાગે છે વડીલ સત્યેન બાબુએ મિર્ચાની ‘ચોપડી વાંચીને હું સમજી શક્યો કે તમને રવિ ઠાકુર ઉપર પ્રેમ હતો’ એમ એને કહ્યું ત્યારે, મિર્ચા અમૃતાના રસવિશ્વને—કાવ્યલોકને સમજી જ ન શકતો. સિત્તેર વરસના માણસ પ્રત્યે આ તે કેવું આકર્ષણ એમ એ મૂંઝાતો અને કહેતો, ‘અમૃતા, મારી એક વાત સાંભળ, એક જ વાત. રવિ ઠાકુરને ભૂલી જા.’ (રવીન્દ્રકવિતાકલાપની વાત તો દૂર રહી, પાઠ્યપુસ્તક બહાર કવિતાની બે લીટી જેણે વાંચી હોવા સંભવ નથી, એવા પતિનો પ્રતિભાવ નોંધવા જેવો ગણાય. અરણ્યવાસમાં અમૃતા મહેમાન કવિનાં કપડાં ધોવાથી માંડીને અનેક સેવાકાર્યોમાં લગાતાર ગૂંથાયેલી રહેતી. પતિને એણે પૂછ્યું, ‘તમને ઈર્ષ્યા નથી આવતી?’ કોને માટે ઈર્ષ્યા? તું જો મીરાંબાઈ હોત તો શું હું ઈર્ષ્યા કરત?’) પોતાને વિશેની કોણ જાણે કેવીય ચોપડી હશે એ જાણ્યું તોપણ મનમાં હજી કોઈ વિક્ષોભ થયો નથી. બારેક વરસ પછી બાંગ્લાદેશના પ્રશ્નમાં સૌ ગૂંથાયાં છે ને સરખી સખીઓ એક વાર હળવાશથી વાતો કરે છે તેમાં પાર્વતીએ અમૃતાદીના પરદેશી પ્રશંસકની વાત છેડી. અમૃતાને જાણે પાલવ સળગ્યો હોય એવું લાગ્યું. વાત જરીક ચગી. ઓળખીતા જ. ને યુક્લિડે અમૃતાદીના સમાચાર પૂછેલા. ચાલીસ વરસે પહેલી વાર મિર્ચાએ પોતે ભાળ કાઢ્યાનું જાણવા મળ્યું. અમૃતાએ પાર્વતીની મદદથી જ, તેની પાસેથી સરનામું મેળવીને મિર્ચાને ત્રીજી અને છેલ્લી વાર કાગળ લખ્યો, હું ઓળખું છું એ જ તું હોય તો કાગળ લખજે. જવાબમાં રામ તારું નામ. આ સમયથી, દૂર દૂર ચાલ્યા જવાની એક અસ્પષ્ટ આકાંક્ષા અમૃતાના હૃદયમાં સળવળ્યા કરે છે. સ્ત્રીઓ આગળ અને તે પણ પોતાના સમાજની સરખેસરખી બહેનપણીઓ આગળ ઉઘાડા પડ્યા અંગેની બેચેની પણ એ કદાચ હોય. વરસ પછી જન્મદિવસના પ્રભાતે, ક્યાંયથી ટપકી પડેલા સેરગેઈને મોંએ મિર્ચાએ ચોપડીમાં જૂઠ લખ્યાનું જાણી જ્વાલામુખીનું ઢાંકણ ખૂલી ગયું હોય એટલો ઉત્તાપ, એટલો ઉત્પાત અમૃતાના આંતર જીવનમાં થાય છે. એની સમગ્ર હસ્તી એ જૂઠનો પ્રતિકાર કરી રહે છે. અને એ જ પ્રક્રિયા એની સમગ્ર ચેતનાને ૧૯૩૦ના અનુભવમાં ડુબાડી દેનારી નીવડે છે. હૃદય-ભાવની ઉભયમુખતા(ambivalence)નો પ્રભાવ કામ કરી જાય છે; નિગ્રહ-(repression)નું ચાલતું નથી. યુરોપના મૃગયાપટુ નાગરિકનું ‘ઝેરી બાણ’ કાઢી નાખવા પોતાની ઉપર ઓછું બળ નહોતું અજમાવ્યું. કવિએ ગોખાવેલા ‘આનન્દમ્‌ પરમાનન્દમ્‌’નું તો ઠીક પણ એમણે આપેલી પ્રત્યક્ષ સાન્ત્વનાનું અને ચીંધેલી સમાજસેવાનું પણ, પતિની સ્નેહાળ સુજનતાનું પણ, આ આંતર વિસ્ફોટને રોકવાનું ગજું નથી. પ્રેમ શાને કહ્યો છે? પતિને બધી વાત કરી અને એમણે મિર્ચાને મળી આવવા કહ્યું. મિત્રોના મનમાં અવઢવ છે, પણ પોતાને થયાં કરે છે કે એ પત્ર લખતો નથી. કદાચ લખી શકે એમ નથી, એક વાર મળી લઉં. મિર્ચાએ ગંગાકાંઠેથી ખોકાને અમૃતાને વંચાવવા લખેલા પત્રોમાંથી બચેલા ત્રણ બેતાળીસ વરસ પછી વૃદ્ધ ખોકા પાસેથી મળતાં એ વિશ્વાસઘાતી હતો એવું અમૃતાના મનમાં રહ્યું નથી. પણ જ્યારે વિદેશ જઈ સાક્ષાત્‌ મળે છે ત્યારે મિર્ચાની આંખમાં ૧૯૩૦નું તેજ વરતાતું નથી. કદાચ સ્ત્રી માટે પ્રણય એ ચેતનાની જીવવૈજ્ઞાનિકથી માંડીને આધ્યાત્મિક સુધીની બધી કક્ષાઓએ વધુ પ્રભાવક અનુભવ હશે. ૧૯૭૨–૭૩ની અમૃતા ૧૯૩૦ની ઘટનાઓને પોતાની નાડીઓ ઉપર ફરી અનુભવે છે અવશપણે, પણ મિર્ચાને મળી લેવા વિચારે છે ને પ્રવાસ કરે છે સંકલ્પપૂર્વક. આ બંનેને કારણે એના વ્યક્તિત્વની એકાત્મતા નંદવાય છે એવું લાગતું નથી, કારણ કે સત્યની ખોજના આશય વિશે સંદેહ ઊઠવા પામતો નથી. આઠ મહિનાની તાવણી એક તપસ્યારૂપ બની રહે છે એમ હું લગભગ કહેવા જતો હતો. ૧૯૩૦નો સમય ૧૯૭૨માં ફરી જિવાતાં વ્યક્તિત્વોની મર્યાદાઓથી ઊંચો ઊઠે છે. એક જાતનું સામરસ્ય, સૌમનસ્ય પ્રગટે છે. માનિની અમૃતા પોતાને કહે છે કે મિર્ચાએ ‘આપેલો અપવાદ પણ હું માથે ચડાવી લઉં છું.’ પિતા પ્રત્યે કોમળ ભાવ પ્રગટે છે. રમાને પણ પોતે માફ કરી શકે છે. આ કથાનાં ત્રણ પરિમાણ ચોખ્ખાં જોઈ શકાય છે. એક તો ૧૯૩૦ની સીધીસાદી રોમાંચક પ્રણયકથાનું. બીજું બેતાળીસ વરસ પછી એ બધાને ફરી જીવતી અમૃતાની કથાનું, ત્રીજું એ બંનેની પારસ્પરિક ક્રિયામાંથી પ્રગટતા, પ્રેમ આત્માનો અમૃત અંશ છે, – એવા અનુભવની વાતનું. કલાનું ચોથું પરિમાણ ઉમેરાતાં આ બધું જ કાલમાંથી કાલાતીતમાં ઊંચકાય છે. કૃતિ અનેક-પરિમાણી હોઈ એક જાતની રહસ્યમય (enigmatic) સુન્દરતા ધારણ કરે છે.

‘આ મારું જીવનચરિત્ર નથી – આ તો મારા જીવનનો માત્ર એક અંશ છે. એમાં નાયક મિર્ચા છે’ – એ વાત ખૂબ સાચી છે. પણ તે ૧૯૩૦નો ત્રેવીસ વરસનો મિર્ચા. પાછળના પ્રસિદ્ધ વિદ્વાન પ્રોફેસર યુક્લિડ સાથે કથામાં સંધાન થવા પામતું નથી. પેલા અંશ પૂરતી નાયિકા સોળ વરસની અમૃતા છે. પણ આરંભમાં કહ્યું છે તેમ આ ‘ન હન્યતે’ કૃતિ માત્ર ૧૯૩૦નાં બે પ્રણયીઓની કથની નથી, ૧૯૭૨–૭૩માં એ પ્રણયની અમૃતાને થતી પુનર્‌-અનુભૂતિની કથા છે, પ્રેમની નહિ, પ્રેમના સ્વરૂપ (નેચર ઑવ લવ)ની – પ્રેમ એ આત્માનો અમૃત અંશ છે એવી પ્રતીતિની કથા છે. અને નાયિકા છે અઠ્ઠાવન-સાઠ વરસની અમૃતા. નાયક, કહેવો હોય તો કહો, સત્ય છે. ‘મિર્ચા તો નિમિત્તમાત્ર છે. બીજું કોઈ મારા આખા મનને પલટી નાખે છે... તે કદી મારે પૂર્વ પરિચિત અર્ધવિસ્તૃત એક માણસમાત્ર હોઈ ન શકે.’ એટલે નવલકથાના અંતની બાબતમાં મુશ્કેલી થઈ છે. પ્રેમને લગતી નવલકથાના અંત માટે બે મુખ્ય વિકલ્પ છે : લગ્ન એટલે કે મિલન, અથવા મૃત્યુ. અમર આશાપંખીના, ‘આકાશગંગામાં તમારો મેળાપ થશે અને તેને હવે ઝાઝી વાર નથી’ – એ શબ્દો દ્વારા મિલન અને મૃત્યુ બંનેના સૂચનથી કથા આટોપાય એવો રસ્તો કાઢવામાં આવ્યો છે. રસ્તો કાઢવામાં આવ્યો છે એમ જ કહેવું પડે. આત્મચરિત માટે કદાચ આવો કોઈ અંત જરૂરી બની રહે, નવલકથા જે ૧૯૭૨–૭૩ અને ૧૯૩૦ની પારસ્પરિક પ્રતિક્રિયા ઉપર આધારિત છે તેને માટે ભાગ્યે જ જરૂરી હોય. નવલકથા અતીતના એક કાલખંડની શાશ્વતતાને આલોકિત કરે છે, નવલકથાની ફલશ્રુતિ ૧૯૭૨ પછીના મિર્ચા સાથેના સંબંધ પરત્વે નથી, ૧૯૩૦ના અનુભવની અત્યારે થતી સંવિત્તિ પરત્વે છે. અમૃતા મિર્ચાને જ્યારે કહે છે કે પોતે સિમ્બૉલ નથી, નથી મિથ, નથી બિએટ્રિસની જેમ કોઈ પરલોકનું સત્ત્વ, ત્યારે પળવાર યુરોપીય લોકો પર જે ‘ઉપયોગિતાવાદ’નો આક્ષેપ પોતે મૂકતી હોય છે તેનો તો એ ભોગ બનતી નથી? કદાચ પથપ્રદર્શિની બિએટ્રિસ બનવા માટે મરવું પડે છે. ‘હે મૃત્યુ, તું હવે મારા માટે સદૈવ સુંદર બની ગયું કેમ કે તને મેં પ્રિયતમામાં જોવું છે.’ દાન્તે માટે મૃત્યુલોક આખો અ-મૃત પ્રેમમયી પથપ્રદર્શિનીની હૂંફથી સૌન્દર્યલોક બની રહે છે. મરવું પડે છે એનો અર્થ એ કે સિમ્બૉલ (પ્રતીક) બનવું પડે છે. આ બધી વસ્તુઓ જે સાક્ષાત્‌ દેખાય છે તેના કરતાં પ્રતીકની સત્તા ઓછી માનવાનું કારણ નથી. આત્મચરિતના અંશનું અંતભાગ ઉપર કંઈક ભારણ આવી જાય છે, પણ બાકીની આખી મુખ્ય, કથામાં આત્મકથન ગૌણ બની ગયું છે. અને એક વિશિષ્ટ અનુભૂતિ જ આગળ ઊપસી રહે છે. અમૃતા નીકળી હતી મિર્ચાની ચોપડીમાં ‘સત્યની સેળભેળ’ છે, ‘ચોપડીમાં ભારોભાર જૂઠ છે’, “એણે મારા મોઢામાં એવા બધા શબ્દો મૂક્યા છે જે હું બોલી ન શકું, જે મારી ભાષા જ નથી’ અને એને પોતાને પ્રત્યક્ષ પૂછે છે તેમ ‘મારું એ તે કેવું ચરિત્ર ચીતર્યું છે?’ —તે બધાનો પ્રતિકાર કરવા, મિત્રો પણ મિર્ચાના પુસ્તકની પૂર્તિ કરવાની જરૂરિયાત સૂચવે છે. ‘જૂઠના ઉકરડા વડે સત્યનું મોં ઢંકાયેલું હોય છે, તેને જ તો અપાવૃત કરવું પડશે. એટલા માટે જ આ કલમ પકડી છે.’ પણ અમૃતા ખરેખર કરી બેસે છે કંઈક બીજું જ. વ્યાવહારિક આશય ધીમે ધીમે અલોપ થઈ જાય છે. મિર્ચા તે શું ‘નવસ્ત્રી’ કરતો હતો, પોતે જ પોતાનાં એક પછી એક ભય, સન્માન, સંસ્કારનાં આવરણ દૂર કરીને ખડી રહે છે હિંમતપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, નમ્રતાપૂર્વક, પોતાની સામે – સારી માનવજાતિ સામે, અને જીવનની ‘ચરમ ઉપલબ્ધિ’ પામે છે. મિર્ચાની અસત્ય રજૂઆતની વાત સાંભળીને એકાએક યાતના ભભૂકી ઊઠી, પણ અંતે એમાંથી અનુભૂતિ તો સત્યના સ્વીકાર દ્વારા આત્માના અ-મૃત એવા પ્રેમ અંશની થઈ. આ જ તો છે અપાવરણ. આ નવલકથાના રહસ્યમય આકર્ષણનું મુખ્ય કારણ એનાં ત્રણે પરિમાણો એકમેકના પ્રકાશમાં અને ક્યારેક એકસાથે અજવાળાય છે એ છે. આ કથાનો સાર આપવા જતાં એ મુશ્કેલી સમજાશે કે એક પરિમાણનો જ નિર્દેશ થાય તો બીજાં પરિમાણોના સંદર્ભની ગેરહાજરીમાં એ અપૂરતો અથવા ગેરરસ્તે દોરવનાર નીવડે છે. વિગતોનું, કેટલીક તો રાગદ્વેષથી રંગાયેલી વિગતોનું, એવું નાજુક સંતુલન થયું છે કે કથામાં એ વિગતો જે રૂપે મુકાઈ છે તેથી અન્ય રીતે કહેવા જતાં એમાં ખલેલ પહોંચે. પિતા, માતા રમા, પતિ, – એ બધાં અંગેના સારાબૂરા બધા જ નિર્દેશોના સંદર્ભમાં અમૃતાના હૃદયમાં પડેલી તે તે-ની છબીનું યથાર્થ રૂપ મળવું શક્ય છે. મિર્ચા અંગે અણગમો, ઉપેક્ષા, ઘૃણા – એ બધા ભાવોની સામે, અને ઘણી વાર તે સાથે, એથી વિરુદ્ધના ભાવો પણ પ્રબળ રૂપે પ્રગટે છે તે એ સ્વીકારે છે અને આલેખે છે, નિર્બળતા છતી થઈ જાય તેને ભોગે પણ, તારુણ્યમાં પાવિત્ર્ય જળવાયું હોત તો સારું એવા સતત આક્રોશપૂર્વક પણ. મિર્ચાને જવું પડ્યું તે પછી અમૃતાએ ખોકા દ્વારા કાગળ જોડે પોતાની કવિતાની ચોપડી મોકલી તેમાં લખ્યું હતું કે મેં માને કહ્યું છે કે તેં મને માત્ર મારા કપાળ પર જ ચુંબન કર્યું છે, – એટલે કે જીવનની બનેલી હકીકત અંગે એણે અસત્ય લખ્યું હતું. તો પછી મિર્ચાએ તો એક વિયોગાન્ત કથા લખી હતી તેમાં કોઈ ઉપજાવેલી વાત હોય તેનો એણે આવડો વાંધો શા માટે લીધો? મિર્ચાને મળવાનું થાય છે ત્યારે એ પણ સેરગેઈની જેમ એ ચોપડીને fantasy (તરંગકથા, સ્વૈરગાથા) કહે છે. અમૃતા આ નથી જાણતી એમ નથી, પણ ચોપડીનું નામ અમૃતા છે. અને અર્પણમાં પણ અમૃતા નામ આપેલું છે. પરદેશમાં રહેતી મિત્ર સુમિતા ત્યાંના સાહિત્યિક મિત્રોનો મત જણાવે છે તેમ ચોપડી કોઈને યાદ નથી રહી પણ અમૃતાની identity disclose કરી (કઈ વ્યક્તિ છે તે ખુલ્લું કરી દીધું) એ ઠીક થયું ન હતું. અમૃતાનો પણ અનુભવ રહ્યો છે કે યુરોપમાં અહીં તહીં કોઈ ને કોઈ એને એ કથાની નાયિકા તરીકે ઓળખી પાડનારું મળે છે. પણ પોતાને વિશે યુરોપમાં અને હવે ઘરઆંગણે ચગડોળે ચઢેલા આળ અંગે અંદર ક્રોધાગ્નિ ભડભડે છે ત્યારે પણ હૃદય તો જુદું જ કહે છે એ વાત એ ચોરી રાખતી નથી. સુમિતાને ભારતીય નારીનું ગૌરવ ખંડિત ન થાય તે જોવા એ લખે છે પણ પોતાની આગળ કબૂલ કરે છે કે મન તો જુદી જ વાત કહેતું હતું. એક એક વાર તો કવિ વિશે એનાથી લખાઈ જાય છે કે આ અનુભૂતિ એટલી પ્રબળ છે કે તમારા રવીન્દ્રનાથ ઠાકુર સુધ્ધાં તણાઈ જાય છે ત્યારે સુમિતા એને સામેથી યાદ આપે છે : ‘પરંતુ તમારા અંતરની અંદર બેસીને જેઓ સત્યનો સ્વીકાર કરવાનો આદેશ આપે છે, તે શું રવીન્દ્રનાથ ઠાકુર નથી?’ –અને અમૃતા આ ટકોરની નોંધ લે છે. ભીતર ઊઠતા વિરોધી સૂરોને અમૃતાએ દબાવી દીધા નથી, પણ પ્રાંજલતાપૂર્વક તેમનું સંતુલન સિદ્ધ કર્યું છે. સોળમા વરસની પ્રેમની વાત લગભગ સાઠે પહોંચેલી વ્યક્તિને થતા પુનર્‌-અનુભવ રૂપે પ્રત્યક્ષ કરાવાય છે એથી આ કથામાં એકીસાથે તાજગી અને પ્રૌઢતા બંને આવ્યાં છે, એક જાતની ઉષ્મા અને ધબકની સાથે સાથે પ્રગલ્ભતા એમાં વરતાય છે. પુસ્તકની કલામયતાને ઉઠાવ આપનાર બેત્રણ વસ્તુઓ ધ્યાનાર્હ છે. કોઈ અચિન્તિત કલાવિધાનથી મિર્ચાના પુસ્તકના પ્રતિવાદનો સસ્તો ઉપક્રમ સ્વીકારવાને બદલે આખુંય લખાણ રજૂ થયું છે પાર્વતી, ગૌતમી, આદિ સરખે-સરખી અને નાનેરી સખીઓ આગળ – જેઓ પોતાને સમજે (પછી આખી દુનિયા ભલેને ગમે તે માને) એવી અંતરમાં ઊંડી ઊંડી આકાંક્ષા રહે તેઓની આગળ – મુકાયેલા અહેવાલરૂપે. આપણે તો એ વાંચી જવા પામીએ છીએ, મૂળ નિર્માયો છે પાર્વતી આદિ માટે. સેરગેઈએ આવીને રાતે પોતે મિર્ચા પાસે જતી એ આળની વાત ન કરી હોત તોપણ એની પહેલાં પાર્વતીએ અમૃતાદીના પ્રશંસકની વાત કરી હતી તે અંગેનું કંઈક સ્પષ્ટીકરણ એની આગળ પોતે રજૂ કરવું જોઈએ એમ માનવામાં એક નાજુક ઉપચાર છે. ‘પાર્વતી, જીવનમાં જે ક્યાંય નથી, તેની સાથે જ મરણમાં મારે બંધાઈ રહેવું પડશે.’ અને પોતાનું સારું દેખાઓ, ખરાબ દેખાઓ, જે બન્યું છે તે બધું તેમની આગળ એ મૂકે છે. અને નાની ઉંમરની બહેનપણીઓ ‘મારા આ અસામાજિક અને અસમયના મનોવિકારથી’ ત્યાગ કરશે એમ માનેલું, પણ શો અનુભવ થાય છે? ‘મારા જીવનના સત્યના પ્રકાશને કારણે હું એમને વધારે પ્રિય થઈ પડી. અમારા જમાનામાં આવું ન બનત. હું આ યુગને વંદન કરું છું. એક અર્થમાં એ સત્યયુગ છે.’ નવલકથાને બીજો લાભ મળ્યો છે લેખિકાની કટાક્ષવૃત્તિનો. પતિનું મૌન સહ્ય, કહો કે આસ્વાદ્ય, બને છે તેમની લાજવાબ હાસ્યવૃત્તિથી. (પરદેશ જવાની ટિકિટ ઍર ઇન્ડિયાના શ્રી પુરોહિતે તૈયાર કરી આપી તે વખતે અમૃતા પોતાને યાત્રા અંગે બીક લાગે છે એમ કહે છે ત્યારે બીક તો મને લાગવી જોઈએ, તું પુરોહિતની મદદ લઈ રહી છે એટલે—એ એમનો ઉદ્‌ગાર એનો ઉત્તમ નમૂનો છે.) તો અમૃતાને બધું આત્મકથાત્મક લખવાની પાળી આવી છે એમાં એનો ઉગારો છે આ કટાક્ષવૃત્તિ, જે ક્યારેક તો પોતાને ભોગે હોય છે અને ક્યારેક ‘આયર્‌ની’ બની રહે છે. રોઈને રાતી થયેલી આંખમાં લેખા દવા મૂકવા કહે છે ત્યારે પોતે કહે છે ‘મૂક.’ મિર્ચાને લીધે આંખમાં આંસુ આવ્યાં, વિદ્વાન પિતાએ કહ્યું, સુંદર પ્રકૃતિદૃશ્યો જોઈ અમૃતાની આંખો ભીની થઈ જાય છે! મિર્ચાના ચુંબન પછી ઉલ્લાસથી ઊડું ઊડું થતી અમૃતાને દાદર ઉપરથી શાંતિ જોઈ રહી છે : ‘તેની આંખમાં ઈર્ષ્યા નથી, ના, ના, નિંદા પણ નથી, માત્ર ‘જ્ઞા’ ધાતુ પછી ‘સન્‌’ પ્રત્યય છે. જિજ્ઞાસા, જિજ્ઞાસા.’ એક સૅન્ડવિચ મોંમાં મૂકી ખૂબ નિર્વિકાર ભાવે મેં શ્રીમતી સ્તાનેસ્કુને પૂછ્યું : ‘યુક્લિડ નામના એક લેખકને તમે ઓળખો છો?’ – માં પોતાને અંગેનો કટાક્ષ છૂપો રહેતો નથી. ‘શ્રીમતી પાર્વતી બોલ્યે જ જાય છે’-માં સખી માટે વાપરેલા ‘શ્રીમતી’ શબ્દનો કાકુ તરત ધ્યાન ખેંચે છે. ‘તેં પહેલવહેલો પ્રેમ કોના ઉપર કર્યો હતો, બોલ, બોલ – એક ઝાડ ઉપર રે એક ઝાડ ઉપર. –હવે ઝાડે વળગી રહે!’ આમાં કરુણ આય્‌રની છે. આખી આ રામાયણ જેને કારણે ઊભી થઈ તે તો રાતે મિર્ચા પાસે પોતે જતી એવા એના જૂઠાણાને લીધે. તેના જવાબરૂપ પ્રસંગ છે. શાંતિ એને પિયાનો બંધ કરવા મિર્ચા પાસે રાતે બે વાગ્યે જતી રોકવા માટે સોટી ઉગામે છે એ. પોતે ખાટલા પરથી ઊતરીને ચાલવા કરે છે ત્યારે પાછળથી શાંતિએ ૧૯૩૦માં પકડી રાખી છે એમ પોતે માને છે પણ જુએ છે તો ૧૯૭૩માં પતિ એને ઝાલી રહ્યા છે – આ નિરૂપણમાં રહેલું, પતિ ભવિષ્યમાં તો ખરા જ પણ ભૂતકાળમાં પણ પશ્ચાદ્‌વર્તી રીતે એના પાવિત્ર્યરક્ષણમાં મદદ કરતા હોય એવું, સૂચન આય્‌રનીનો સુંદર નમૂનો છે. આ કૃતિની આસ્વાદ્યતાનું એક મુખ્ય અને અનોખું કારણ એ રહેશે કે એ વિવિધ ભાવભંગિઓને સ્ફુટ કરતી દ્યોતક હૃદયંગમ માર્મિક કાવ્યપંક્તિઓના સમૃદ્ધ મધુકોશ સમી બની રહી છે. લખાણની આ શૈલી પુસ્તકિયા લાગવાનો જરીકે ડર નથી. અમૃતાની સંવેદનશીલતા એટલી ધારદાર છે – એનામાં નાની ઉંમરે પણ એક એવી પરિપક્વતા – મર્મજ્ઞતા (Precocious maturity) છે કે પ્રત્યેક ભાવપરિસ્થિતિનું સુરેખ સ્વરૂપ એ પિછાણે છે અને એની કાવ્યરસિકતા અને સ્મૃતિ એટલાં સજ્જ છે કે તે તે ભાવ પરિસ્થિતિની ઉચિત-તમ કાવ્યાભિવ્યક્તિ, બને ત્યાં સુધી તો રવીન્દ્રનાથની જ, એને જિહ્‌વાગ્રે હોય છે. ‘આ ગીત તો મારા શરીરમાં અર્થ પામે છે.’ રવીન્દ્રનાથની તરત પછીની પેઢીમાંનું જ કોઈક આ સિદ્ધ કરી શકત. એક વાર અમૃતા રવીન્દ્રનાથ ઉપર જવાબદારી ઓઢાડે છે એમાં કાંઈક તથ્ય છે : ‘અમે જેઓ તેમનાં ગીતો મારફતે જગતને જોઈએ છીએ અને જેઓ એ રીતે જોતા નથી એ બંનેનાં જગત ભિન્ન થઈ ગયાં છે એમાં શંકા નથી. એ બે જગતનો ચાલવાનો છંદ મળતો આવતો નથી.’ અમૃતાને ‘રવિબાબુની પ્રેમની કવિતામાં અને ઈશ્વરને લગતી કવિતામાં કશો ફેર જ જણાતો નથી’ એ ‘મહામુશ્કેલી’નું આરાધના માટે અઠ્ઠાવીસ પાનાનો પ્રેમપત્ર પોતે સોળની વયે લખી આપ્યો ત્યારથી, ભાન છે પણ એના તથ્યનો સાક્ષાત્કાર મુશ્કેલ માર્ગે પરિપક્વ વયે મહિનાઓની યાતના દ્વારા થાય છે. ‘Who then devised the torment? Love.’ ભાવકોષની શુદ્ધિ માટેનો પાવક-યાતનાનો ઉપાય યોજનાર પ્રેમસ્વરૂપ પરમાત્મા છે એમ એલિયટે એક ઠેકાણે કહ્યું છે. અમૃતાને સાઠેકની વયે આઠ મહિનાની સંતપ્તતા દ્વારા આની ઝાંખી થવા પામે છે. એટલે એ અવસ્થાને તપસ્યાનું નામ મારાથી અપાઈ ગયું. એ તપસ્યા સ્તો શાંતિની ગંગોત્રી છે. ૧૯૭૨–૭૩માં તપસ્યાના આઠ માસના ગાળામાં અમૃતા ૧૯૩૦ના પ્રણયજીવનની પુનર્‌-અનુભૂતિમાંથી પસાર થતાં પ્રેમના સ્વરૂપની ઝાંખી પામે છે. ૧૯૭૩ના અંતભાગમાં એક મહિનો આ કથા એ લખે છે ત્યારે વળી સઘનભાવે એની ચેતના ૧૯૩૭ અને ૧૯૭૨–૭૩ની યુગપત્‌ અનુભૂતિનો આકાર, ‘ન હન્યતે’ કૃતિરૂપે, ધારણ કરે છે. આત્મચરિત આપવાનો કોઈ વ્યવહારુ આશય હવે રહ્યો નથી, સિવાય કે To write — to sit on one’s own judgement.’ લખવું – પોતાની જાતનો ન્યાય તોળવા બેસવું, એ ઇબ્સને સૂચવેલા અર્થમાં આ કથાલેખનની કલાસર્જનપ્રવૃત્તિ દ્વારા પણ સૂક્ષ્મ રૂપે એ આશય સરે. દેખીતી રીતે આ કલારચના ‘યશસે’ યશ અર્થે આરંભાઈ ન હોય તોપણ તે લાંબા સમય સુધી યશ તેમ જ ‘સદ્ય પરનિર્વૃત્તિ’ – તરત પરમ શાતા-આનંદ આપનારી નીવડે એવી છે.

અમદાવાદ : ૨૯-૬-૧૯૭૮
(શબ્દની શક્તિ)