સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી/વેઇટિંગ ફૉર ગોદો

૧૬. સેમ્યુઅલ બેકેટના ખ્યાત નાટક
વેઇટિંગ ફૉર ગોદો
વિશે

પહેલા વિશ્વયુદ્ધના પરિણામરૂપ બે વિશિષ્ટ કૃતિઓ અંગ્રેજીમાં મળી, જેમ્સ જૉય્‌સકૃત ‘યુલીસીસ’ અને ટી. એસ. એલિયટકૃત ‘ધ વેઈસ્ટ લૅન્ડ’ (‘વેરાન ભૂમિ’). હોમરના મહાકાવ્ય ‘ઑડિસી’ – જેને વિશ્વસાહિત્યની પ્રથમ નવલકથા કહેવા પણ કેટલાક પ્રેરાય છે તેના નાયક ‘યુલીસીસ’નાં ભ્રમણો અનેક દેશોમાં, ગેબી ટાપુઓમાં અને મૃત્યુલોકના ઉંબર સુધી વિસ્તર્યાં અને દસ વરસ ચાલ્યાં. નવીન નવલકથાના એક ઉત્તમ નમૂના રૂપ નીવડનારી પોતાની કૃતિને જૉય્‌સે ત્રણ હજાર વરસથી વધુ પ્રાચીન પ્રતીકથી અંકિત કરી, પણ એની કથા ભાર મૂકે છે આંતરિક ભ્રમણો ઉપર, સમય લે છે માત્ર એક દિવસ જેટલો અને તેનો કથાપ્રદેશ છે એક આધુનિક મહાનગર. એલિયટની કાવ્યકૃતિ – પાંચ વિભાગમાં વહેંચાયેલું ૪૩૩ પંક્તિનું ખંડકાવ્ય – તે પણ વિષય બનાવે છે આધુનિક મહાનગરને અને વિવિધ પાશ્ચાત્ય પુરાકથાઓ અને પૂર્વના બૃહદારણ્યકની પણ એક બોધકથાની મદદથી આકારિત થાય છે. બીજા વિશ્વયુદ્ધના પરિણામરૂપ જે વિશિષ્ટ સાહિત્યરચનાઓ મળી તેમાં સેમ્યુઅલ બેકેટકૃત નાટક ‘વેઇટિંગ ફૉર ગોદો’ સહેજે સૌથી આગળ તરી આવે છે. એમાં ઈસુ આરંભમાં જ એક મહત્ત્વના અંશ તરીકે સીધા પ્રવેશ્યા વગર ધ્યાનકેન્દ્ર બની રહે છે અને અંતભાગમાં પણ ઈસુ તેમ જ આદમના બે પુત્રો અર્થવાહી ઉલ્લેખ પામે છે. પાશ્ચાત્ય સમાજની અન્ય મહત્ત્વની અનુભૂતિઓના પણ ઇશારા કૃતિના અંગભૂત બન્યા છે. નાટકનો કાર્યપ્રદેશ છે વેરાન વગડો. આવી સાહિત્યરચનાઓનું મુખ્ય આકર્ષણ કલાકૃતિઓ તરીકે જ હોવું જોઈએ. પણ તેઓ કાલપ્રવાહમાં તે તે ક્ષણે જ ઉદ્‌ભવી શકી હોત એ પણ ભૂલવું ઠીક નથી. તે ક્ષણ સુધીની માનવજાતિની યાત્રામાંથી કશુંક જાણે તે તે કલાકૃતિનું રૂપ ધારણ કરી રહ્યું ન હોય. એ રૂપના આલોકમાં માનવની થઈ ચૂકેલી અને થનારીય તે યાત્રા કાંઈક અજવાળાય પણ ખરી. પણ કળાકારનું મૂળ લક્ષ્ય એ ન હોય. વિવેચકો એને જ વધુ પડતું મહત્ત્વ આપે ત્યારે કર્તાએ ખુલાસા કરવા પડે છે. એલિયટે ચોખવટ કરી : વિવિધ વિવેચકોએ સમકાલીન જગતના વિવેચનના લેખે કાવ્યનું અર્થઘટન કરવા પ્રેરાઈ અને માન આપ્યું છે, ખરેખર તેમણે એને સામાજિક વિવેચનના એક મહત્ત્વના અંશરૂપ લેખ્યું છે. મારે મન તો એ જિન્દગી સામેની એક અંગત અને સંપૂર્ણપણે નિરર્થક ફરિયાદમાંથી નર્યા છુટકારારૂપ હતું; એ રચના છે. કેવળ લયબદ્ધ બડબડાટ (rhythmic grumbling).’ કર્તાનો ખુલાસો સ્વીકારવા ભાવક બંધાયેલો છે એવું નથી. ભાવક તો કૃતિને કલા તરીકે આસ્વાદશે, – અને પછી પોતે એ આસ્વાદને અવિઘ્નકર હોય એ રીતે એમાંની સમાજવિવેચનાને અંદાજવા સ્વતંત્ર છે. કલા સ્વયં, સ્વભાવથી, સમસ્યારૂપ છે. આકારરૂપે પણ તે કોઈ જડ ભૌમિતિક ચોકઠું નથી, જીવનવિષયક નિર્દેશરૂપે પણ તે બીજગણિતનું રોકડું સૂત્ર કે સમીકરણ નથી. કલા છે રહસ્યમય આકાર, આકારમય રહસ્ય. બેકેટે પોતાની કૃતિ ઉપર કામ કર્યું છે એટલું બહુ ઓછા કળાકારોએ કર્યું હશે. શીર્ષક, ઉપશીર્ષક, સ્થળનિર્દેશ, અંકોનુ વિભાજન, અંકમાં એક પછી એક આવતી વીગતો, કાર્ય અને કાર્યનો અભાવ અથવા માત્ર મૌન અભિનય, ઉક્તિઓ, ઉક્તિ વચ્ચેના ખંચકાટ આક્રોશ કાકુ, તે તે ક્ષણે પાત્રનાં અંગવિન્યાસ ગતિ સ્થિતિ, મંચન અંગેની ઝીણીઝીણી સૂચનાઓ – એકેએક અંશ આખી કૃતિના સંદર્ભમાં પૂર્ણપણે સંવાદી અને સુરેખ દીપી રહે છે. કૃતિનો ગમે તે ખંડક હોય, સમગ્ર કૃતિની કલામયતાના ચિંતવન તરફ ચિત્તને પ્રેર્યા વગર રહેતો નથી. વાત બે રઝળુઓ(ટ્રેમ્સ)ની છે. બંને ઘરડા, ખખડી ગયેલા, ખભે કમ્મરે, વળેલા, ઢીંચણે જાણે ઢીલાઢચ છે. પચાસ વરસથી તો એકમેકના સાથમાં રખડપાટો કરતા રહ્યા છે. આજે સાંજે વેરાન રસ્તે આ ઝાડ પાસે ગોદો(Godot)એ મળવાનું કહેલું છે એટલે આવી પહોંચ્યા છે અને રાત પડે ત્યાં સુધી એની રાહ જુએ છે. ગોદો કોણ છે એ બરોબર ખબર નથી, તેમાંનો એક તો કહે છે કે મળે તો ઓળખી પણ ન શકું. પણ એણે દાદ સાંભળી અને મળવા આવવા કહ્યું તો જોઈએ ‘એને શું આપવાનું છે’, ગોદો છે તારે એવો – એટલે બંને આવ્યા છે ને રાહ જોઈ રહ્યા છે. છેવટે એક છોકરો આવે છે અને ગોદોનો સંદેશો લાવે છે કે તે આજે નહિ આવે પણ આવતી કાલે નક્કી આવશે. અહીં પહેલો અંક પૂરો થાય છે. દ્વિતીય અંકમાં બીજી સાંજે બંને જણા આ જગાએ મળે છે ને રાત સુધી રાહ જોયા કરે છે. એક છોકરો સંદેશો લઈને આવે છે કે ગોદો આજે નહિ આવે પણ આવતી કાલે આવશે. ફરી બીજે દિવસે અહીં આવીશું, ચાલો જઈએ, એમ બંને તૈયાર થાય છે ત્યાં નાટકનો અંત આવે છે. ‘Waiting For Godot’ – ગોદોની રાહ જોતાં – એ નાટક રાહ જોવાનું, વાટ જોવાનું, પ્રતીક્ષાનું નાટક છે. રાહ જોવી એ દરેકના અનુભવની વાત છે. કશુંક સારું બનવા સંભવ હોય ત્યારે રાહ જોવી એ દરેક જીવ માટે ગમતી વાત છે. નાટક રોપાયું છે સર્વસામાન્ય એવી એક પાયાની આ લાગણીમાં. લોકકથાઓમાં અને વિશ્વની ભાષાઓની સાહિત્યકૃતિઓમાં આ લાગણી ભાગ ભજવતી જોવી સુકર છે. એલિયટ ‘ધ વેઈસ્ટ લેન્ડ’માં ટાયરેશ્યસના મુખમાં શબ્દો મૂકે છે : ‘I too awaited the expected guest’ – મેં પણ અપેક્ષિત અતિથિની પ્રતીક્ષા કરી છે (પં. ૨૩૦). બીજા અંકમાં પોઝ્‌ઝો ‘આંધળો થયો છે એમ જાણવા મળતાં એક રઝળુ કહે છે કે તો તો ‘કદાચ એ ભવિષ્ય ભીતર જોઈ શકતો હશે’, ત્યાં સંદર્ભ જોતાં ટાયરેશ્યસ અભિપ્રેત છે. એલિયટે કરેલી અપેક્ષિત વ્યક્તિની પ્રતીક્ષાની, ગ્રીક પુરાકથાના પ્રસિદ્ધ અંધ નજૂમી ટાયરેશ્યસ દ્વારા ઉચ્ચારાતાં વિશેષ ઉઠાવ પામતી, વાત બેકેટના ધ્યાન બહાર નયે હોય. પેરિસનું પતન થયું તેવામાં જ જોગાનુજોગ રવીન્દ્રનાથના ‘પોસ્ટ ઑફિસ’ નાટકનો પ્રયોગ થયો હતો. તે નાટકમાં પણ અમલ રઝળપાટોનાં સ્વપ્ન સેવતો મકાન સામે નવી પોસ્ટ ઑફિસ સ્થાપનાર રાજાના પત્રની અતિઆતુરપણે રાહ જુએ છે. રાજાનો સંદેશવાહક ખબર લાવે છે કે રાતે રાજા આવશે. અમલ ઊંઘી જાય છે ‘ક્યારે જાગશે?’ ‘જેવો રાજા આવે ને એને બોલાવે તે સમયે.’ બેકેટનું જીવન રઝળુ જેવું રહ્યું. છેવટે પેરિસમાં સ્થિર થયા. ૧૯૪૨ પછી પેરિસ છોડી દુશ્મનોના કબજા નીચે નહિ આવેલા વિસ્તારમાં રહ્યા. બીજા વિશ્વયુદ્ધ સમયની ભીષણ ભીંસ વચ્ચે ફ્રેંચ નાઝી-વિરોધીઓની ભૂગર્ભ હિલચાલોમાં ચિંતાભરી પ્રતીક્ષાઓની ક્ષણો પણ અનેક ગુજરી હશે. બેકેટ પોતાના નાટક માટે બે રઝળુઓને પસંદ કરે છે અને તેઓને રાહ જોઈ રહેલા નિરૂપે છે. જે રઝળુઓ પચાસ વરસથી તો રખડપાટ કરતા રહ્યા છે એમના રાહ જોવા ન–જોવાનો એવો તે શો મહિમા? પણ કોઈ એમે કહી શકે કે એવાઓને જ રાહ જોવાની ગરજ, કદાચ કંઈ સમું પડે જીવતરમાં. તેમ છતાં રાહ જોવાની તકનો લાભ લેવા માટેનું પૂરતું મનોબળ પણ એમનામાં દેખાતું નથી. સાંજે એક જણ વહેલો આવી પહોંચેલો છે તેને બીજો આવતાં વેંત કહે છે કે તો તું આવી પહોંચ્યો ખરો! મેં તો માનેલું કે તું હંમેશ માટે ચાલ્યો ગયો! આ જ જગ્યાએ મળવા બોલાવેલા છે એ અંગે પણ બંનેને ખાતરી નથી. રાહ જોવાની વાતના સમ ઉપર એમની વાતચીત વારંવાર, આવીને ઊભી રહે છે, છતાં વચ્ચે વચ્ચે, વારંવાર, ચાલો જાઉં ત્યારે – એવા ઉદ્‌ગાર આવ્યા કરે છે. રાહ જોવા દરમ્યાન શું કરીશું? તો બેહૂદો લાગે એવો – રાહ જોવાનો કોઈ અર્થ જ ન રહે એવો પ્રસ્તાવ એક જણ ગંભીરપણે મૂકે છે, લટકી મરીએ તો કેવું! છતાં બીજા દિવસે ગોદો આવશે એ જાણવા મળતાં તેઓ બીજા દિવસે આવવા માટે છૂટા પડે છે. બીજા દિવસે આવે પણ છે. એક જણ કહે છે, ‘આપણે કાંઈ સંતો નથી, પણ આપણે મુલાકાતનો સમય પાળ્યો છે. આટલી પણ કેટલા લોકો બડાશ મારી શકે?’ ત્યાં ગોદો બીજા દિવસે આવશે એવો સંદેશ મળતાં વળતા દિવસે આવવાની તૈયારી સાથે તેઓ ફરી છૂટા પડે છે. રાહ જોવાની–પ્રતીક્ષાની વૃત્તિની ખેંચ આ બધી સંકુલ અટપટી માનસ-પરિસ્થિતિઓ વચ્ચે નિરૂપાઈ છે એવી પ્રબળ કદાચ ભાગ્યે જ બીજી રીતે નિરૂપાઈ શકી હોત. રાહ જોવી – વાટ જોવી એમાં આપણો શબ્દ રાહ-વાટ ચાડી ખાય છે તેમ રંગભૂમિ ઉપર ઓછામાં ઓછી એક રસ્તાની તો જરૂર રહે, બેકેટ એક કન્ટ્રી રોડ — ગામડાંનો રસ્તો, એક ઝાડ, – એવો સ્થળનિર્દેશ કરે છે. પશ્ચિમના સમાજની વિશિષ્ટ પરિસ્થિતિમાંથી નાટક નીપજ્યું છે, પણ કોઈ ધમધમતા શહેર કે એનાં મકાનોના વિવિધ સઘન માનવપ્રવૃત્તિના કેન્દ્ર સમા કોઈ કમરાની નાટકકારને જરૂર નથી. ગોદોને બૅંક એકાઉન્ટ હોય એવો ઉલ્લેખ છે એટલે નજીકમાં કોઈ ગામ કસબા શહેરની સંભાવના જાગે, પણ તેનો સંદેશવાહક છોકરો પોતે એનાં બકરાં ચરાવવાનું કામ સંભાળે છે એમ જણાવે છે. અણુયુગમાં શહેરોનું શું થશે એનું ભલું પૂછવું. રસ્તો, માણસોને માણસોથી જોડતો રસ્તો, અરે રસ્તાનો નાનકડો ટુકડો નાટકકાર માટે ઘણો છે. રસ્તાના મુખ્ય અધિપતિ, રસ્તા ખાતર રસ્તાનો આનંદ લૂંટનારા, તે તો રઝળુઓ. એવા બે એકમેકથી તદ્દન ભિન્ન પણ પોતપોતાની રીતે આકર્ષક રખડુઓ વ્લાદિમીર અને એસ્ત્રાગોંનું આ નાટક છે. બંને દિવસ, સાંજથી રાત પડવા સુધી, કલાકેક ઉપરનો સમય તેઓ રાહ જુએ છે. એમ લાગે કે જાણે રાહ જોવાની એમની કંગાળ શક્તિને દાદ આપી નાટકકાર બંને દિવસ બીજાં બે પાત્રો – શ્વેતકેશી ગુલામ લકી અને એની પાસે પેટી, ખોરાક-ટોકરી વગેરે બોજ ઊંચકાવી એના ગળામાં રસ્સી નાખી ચાબૂક ફટકારતો ચાલતો પોઝ્‌ઝો –ને દાખલ કરે છે, પણ તેમની ગતિવિધિ નાટકના ઉપવસ્તુ તરીકે નહિ, પણ મુખ્ય વસ્તુના – રાહ જોવાની વાતના – અનિવાર્ય અંશરૂપે કૃતિમાં એકરસ બની રહે છે. બંને દિવસે સંદેશ લઈ આવતો જુદોજુદો ‘છોકરો’ ઉમેરતાં અને રંગભૂમિ ઉપર પ્રત્યક્ષ નહિ આવતા ગોદોને ગણતાં કુલ સાત પાત્રો છે. ચાર પાત્રોનાં નામ આપ્યાં છે તે અચૂકપણે એટલું સૂચવી રહે છે કે યુરોપના ચાર દિશાખૂણેથી આ ચાર માનવીઓ અહીં યોગાનુયોગ ભેગા થાય છે. વ્લાદિમીર-(દિદિ) સ્પષ્ટ રશિયન છે, એસ્ત્રાગોં(ગોગો) ફ્રાન્સનો છે, લકી બ્રિટિશ છે અને પોઝ્‌ઝો છે ઇટાલીનો. રસ્તા બંધાય છે અને તેનો ઉપયોગ માનવીઓ પરસ્પરને બાંધવામાં પણ કરે છે. પોઝ્‌ઝો રખડુઓને જરીક ટપારે છે પોતાની જમીન ઉપર તેઓ કેમ ઊભા છે એ માટે. લકી (અંગ્રેજોના તમામ સામ્રાજ્યવાદી ગુનાઓની સજા વેઠી રહ્યો હોય એમ?) પોઝ્‌ઝોના પાશવી સકંજામાં ભારે સપડાયેલો છે. દરેક અંક ત્રણ ભાગમાં વહેંચાય છે. પહેલાં દિદિ-ગોગો એકલા, પછી પોઝ્‌ઝો-લકીના સાથમાં અને અંતે સંદેશવાહક છોકરા સાથે. દિદિ-ગોગો રાહ જોવાની અવધિ દરમ્યાન અનેક નુસખાઓ અજમાવી સમય ગુજારે છે, ઈસુ સાથે લટકાવવામાં આવેલ બે ચોરની વાત અને બીજા તુક્કા કહે છે, ફિલસૂફ કે કવિની જેમ વિચારે – કલ્પનાએ ચઢે છે, ઝપાટાબંધ આંટા મારે છે, ભેટે છે, એક ઊંઘે તો બીજો એકલવાયું લાગતાં તેને જગાડે છે અથવા ક્યારેક પોતાનો કોટ ઓઢાડે છે, ખીજે છે, મનાય છે. એકમેકને ભાંડે છે, આત્મહત્યાના ખ્યાલને અમલમાં ન મૂકી શકાતાં મુલતવી રાખે છે, વ્યાયામ કરે છે, સૂર્યાસ્ત છે કે સૂર્યોદય એની ચર્ચા કરે છે, સરકસ, મૂકદૃશ્ય કે મ્યુઝિકહૉલના પ્રયોગોમાંથી કાંઈ ને કાંઈ પ્રસ્તુત થયે જતું હોય એવી અદા ધારણ કરે છે. પોઝ્‌ઝો-લકી આવતાં લકીની ગરદન છોલાયેલી જોઈ બંને એ વસ્તુને નિંદનીય ગણે છે. લકી પેટીને નીચે કેમ મૂકતો નથી એનો ખુલાસો પોઝ્‌ઝો એવો આપે છે કે એ રીતે મને એ પ્રભાવિત કરવા માગે છે, એને હું છોડી ન દઉં એ માટે. પણ મારે એને મેળામાં વેચી દેવો છે. સાંભળીને લકી રડે છે. ગોગો આંસુ લૂછવા જાય છે અને લકીનો પ્રબળ લાતપ્રહાર પામે છે. એકમેકની સંગતમાં વિચિત્ર પ્રકારે કંટાળામાંથી છુટકારો અનુભવવા જેવું પોઝ્‌ઝોને અને દિદિ-ગોગોને થાય છે. પોઝ્‌ઝો લકી પાસે નૃત્ય કરાવે છે અને પોતાને બદલે વિચારવાનું કહે છે. લકી અસંબદ્ધ છતાં પાંડિત્યપ્રાચુર્યનો આભાસ ઊપજે એવા ગાળા ચાવે છે જે સહન ન થઈ શકતાં બાકીના ત્રણે એની ઉપર તૂટી પડે છે. એને માથેથી હેટ લઈ લેવામાં આવે તો એનું વિચારતંત્ર ઠપ થઈ જતું હોઈ, દિદિ હેટ ઝડપે છે, અંદરથી તપાસે છે ને પગ નીચે કચડે છે. બીજા અંકમાં ગોગો લકી-પોઝ્‌ઝોને આવતા જોઈ ગભરાય છે. રઝળુઓને જોઈ લકી થોભે છે. પોઝ્‌ઝો તેની સાથે અફળાય છે અને બંને ગબડીને ભોંય ભેગા થાય છે. વચગાળામાં પોઝ્‌ઝો આંધળો થઈ ગયો છે, લકી મૂંગો. પોઝ્‌ઝો ‘મદદ!’ – એમ બૂમો પાડ્યા કરે છે. દિદિ-ગોગો ગોદો માટે રાહ જોઈ રહ્યાની અને બીજીત્રીજી વાતોમાં લાંબી વાર સુધી, પોઝ્‌ઝો એક સોના વધારીને બસો ફ્રેન્ક આપવા કહે છે છતાં, રાહ જોવામાં ચકચૂર બંને જણા તેની ઉપેક્ષા કરે છે અને અંતે એને ઉઠાડી ઊભો કરે છે. લકીને ગોગો લાતો મારે છે અને બાજુએ જઈ ઊંઘે છે. પોઝ્‌ઝો ગઈ કાલે મળ્યાની વાતનો દિદિ આગળ ઇનકાર કરે છે અને લકીથી દોરવાતો વિદાય થાય છે. બે રઝળુઓની રસ્તા પર રાહ જોતાં થંભી જવું એના વિરોધમાં પોઝ્‌ઝોનો On! On! (આગળ આગળ) – ઉદ્‌ગાર સ્થળ અને સમય બંનેમાં સંચાર ઉત્પન્ન કરે છે. લકીનું તો નામ લકી (નસીબદાર) છે એટલું જ. બાકીના ત્રણ પણ જીવવાની યાતનાના પૂરા અનુભવી છે. ગોગો પોતે કવિતા લખતો અને ચીંથરેહાલ પહેરવેશ બતાવી એ વાત દેખાઈ આવતી નથી? – એમ જાત પર કટાક્ષ કરે છે. ગોગો એક વાર હાથ વીંઝીને દિદિની ઓળખ આપે છે : તારું તો આ વિશ્વ સ્વપ્ન છે. પોઝ્‌ઝો કબૂલ કરે છે કે હું કોઈ ખાસ એવો માનવતાથી વર્તનારો નથી. પણ ત્રણે જણા, ખાસ કરીને દિદિ અને પોઝ્‌ઝો થોડી વાર પછી જોવાનો પ્રસંગ આવશે તેમ, માનવી જીવન વિશે ખૂબ માર્મિકતાભર્યાં નિરીક્ષણો કરી શકે એવા છે. દુનિયા વિશે તેઓ કોઈ જ ભ્રમમાં નથી. દિદિ રસ્તા સામેના ભાગ તરફ (પ્રેક્ષકવૃંદને લાગુ પડે તેમ) ‘પેલી કળણભૂમિ’ એવો ઉદ્‌ગાર કરે છે. પોઝ્‌ઝો ‘આ કૂતરી પૃથ્વી’નો તો ગોગો ‘આ ગંદકીના ઢેર’નો ઉલ્લેખ કરે છે. દિદિને ઉઠાડતાં ગોગો ભોંય પર પટકાય છે તો ‘મીઠી પૃથ્વી મૈયા!’ – કહી કરડાકીભર્યું હસે છે. દિદિ માનવીને ‘આ ભૂંડી ઓલાદ’ કહીને ઓળખાવે છે. ગોગો કહે છે ગઈ કાલે આપણે અહીં ન હતા ત્યારે દિદિ પૂછે છે – ‘તો ક્યાં હતા?’ ત્યારે એ જવાબ આપે છે, ‘બીજા કોઈ ખાનામાં. શૂન્યતાનો કોઈ તોટો નથી.’ યુદ્ધોત્તર અણુયુગના પાશ્ચાત્ય માનવીને જીવવાની વાતમાં, જોવા જતાં, કશું હાથમાં આવે નહિ એવો સામાજિક પરિવેશ સર્જાઈ રહ્યો. બેકેટ એક કલાકાર તરીકે કોઈ રંગીન આસમાની સ્વપ્નિલ આદર્શવાદી છટકબારીઓ શોધતા દેખાતા નથી. જીવની એકલતા, જીવનની યાતનામયતા, કંઈ પણ કરવા જાઓ તેની નિરર્થકતા, આખા જગતપ્રપંચ – વિશ્વપ્રપંચની અસારતા એ બધાથી ડઘાવાનું તો દૂર રહ્યું, એક કલાકાર તરીકે એવું જે કંઈ સામે આસપાસ હાથવગું ચિત્તવગું હોય તેને સૂઝપૂર્વક નાટકાકારે ગૂંથે છે. નાટકનું સ્વરૂપ સ્વીકાર્યું એમાં જ એમની અધઝાઝેરી સફળતા છે. જે જે વાત મુકાતી આવે તે ઓછી એમની છે? તે તે પાત્રની છે. એ પોતે કોઈ ઉક્તિથી બંધાતા નથી, દૂર, અળગા, ન્યારા રહે છે. કંઈ કંઈ કટાક્ષ, ટીકા ટકોર, મજાક, ઉપહાસ, અપહાસ, વ્યંગને સ્ફુરવા દે છે અને એને પોતાને જ બોલવા દે છે. આખા સંદર્ભમાં એના યોગ્ય સ્થાને ગોઠવાવા દે છે. પણ બેકેટની નાટકસૃષ્ટિનાં પાત્રો નખશિખ વાસ્તવિક છે એમ કોઈ ભાગ્યે જ કહી શકશે. રઝળુઓને ભલે થોડોક લોકકથા, લોકરંગભૂમિનો વધુ રંગ ચઢ્યો હોય, પણ તોયે તે છે રઝળુઓ તરીકે ઓળખાય એવા. પણ પોઝ્‌ઝો-લકી કોણ જાણે કયાયે મલકમાંથી – બેકેટના કલ્પનામલકમાંથી ટપકી પડ્યા છે. જગતની કોઈ વાસ્તવિકતાનું સીધું પ્રતિબિંબન તેઓમાં જોવું સહેલું નથી. કેટલાક સંકેત કવિસમય તરીકે ભાવકે સ્વીકારવા રહે છે. દા.ત., લકીને માથે હૅટ ન હોય તો એની ચિંતનધારા આગળ ન ચાલી શકે. શા માટે? ચોવીસ કલાક જેટલા સમયમાં માણસ આંધળો તો થઈ જાય એવું બને, પણ સાથે બીજો કોઈ મૂંગો થઈ જાય છે એમ નિરૂપવામાં આવે ત્યારે તે અંગેનું કોઈ વિશ્વસ્ય કારણ જાણવાની અપેક્ષા રહે. પણ માનવજીવનનું કોઈક વાસ્તવ સૂચવવા માટે કલાકાર બાહ્ય વાસ્તવિકતાને અતિક્રમવા કરતી સૃષ્ટિનું નિર્માણ કરવા મુખત્યાર છે. ખરું જોતાં, બેકેટે વીસમી સદીના મધ્યમાં પાશ્ચાત્ય સભ્યતાના પરિણમનની કહો કે એક મિથ નિપજાવી છે, દિદિ-ગોગો લકી-પોઝ્‌ઝો ગોદો સ્વરૂપે. બેકેટ આ નાટક દ્વારા શું કરી રહ્યા છે? સાદો અને તત્ત્વતઃ સાચો જવાબ એ હોઈ શકે કે ‘નાટક’. પણ નાટક રંગભૂમિ ઉપર જોઈએ છીએ તેટલો સમય એક કલાપદાર્થ જ, નાટક જ, હોય છે, છતાં પાછળથી ઘણી વાર ખાસ તો કોઈ પ્રબળ અનેકપાર્શ્વ કલાકૃતિ સાક્ષાત્કરી હોય ત્યારે, ચિત્તમાં – સમગ્ર ચેતનામાં એક પછી એક પ્રશ્ન તરંગિત થતા રહે છે. આ નાટકમાં પહેલો જ સવાલ સહજપણે ધસી આવતો હોય તો તે છે : બે રઝળુઓ ગોદોની રાહ જુએ છે એમ કહ્યું છે તેમાં ‘ગૉડ’(પ્રભુ)ની રાહ જુએ છે એ સૂચન તો લપાયેલું નહિ હોય? નાટક લખાયેલું મૂળ ફ્રેન્ચમાં ‘En Attendant Godot’ (આનાતાન્દાં ગોદો) ‘વેઇટિંગ ફૉર ગોદો’ એ અંગ્રેજીમાં બેકેટે પોતે કરેલો (ક્વચિત્‌ ફેરફારયુક્ત) અનુવાદ છે. અંગ્રેજીમાં ફ્રેન્ચ વિશેષનામનો ફ્રેન્ચ રીતે ઉચ્ચાર કાયમ રહેતા ગોદો ભારે કુશળતાથી ‘ગૉડ’ શબ્દથી દૂરતા સધાઈ, પણ લખાણમાં તો ‘Godot-માં ‘ગૉડ’ અંશ એટલો બધો બોલકો છે કે ધ્યાન ખેંચ્યા વગર ભાગ્યે જ રહે. મારી પાસે ગ્રોવ પ્રેસની આવૃત્તિ છે તેમાં વળી મથાળું બે પાનાં ઉપર ત્રણ શબ્દો સીધી પંક્તિમાં ન લખતાં અક્ષરો ઉપર નીચે ગોઠવીને આપ્યું છે તેમાં God અંશ જુદો તરી આવે એ રીતે રજૂ થયો છે. ફ્રેન્ચમાં ‘ગૉડ’ માટે Dieu શબ્દ હોઈ અંગ્રેજીના જેવો સવાલ નથી, તો પણ અગાઉના એક પ્રસિદ્ધ લેખિકાના ભગવાનની રાહ જોતાં એવા પુસ્તકના મથાળાની યાદ અપાવીને ભગવાનને સંડોવવા જેવું એ કરી બેસે છે. બીજે દિવસે દિદિ સંદેશવાહકને પૂછે છે : ‘ગોદો’ શું કરે છે?’ ‘એ કંઈ કરતા નથી, સાહેબ.’ ‘દાઢી ખરી, ગોદોને?’ ‘હા જી.’ ‘ધોળી કે કાળી?’ ‘હું ધારું છું ધોળી, સાહેબ.’ જરીક મૌન બાદ દિદિ પોકારે છે : ‘ઈસુ આપણી પર રહેમ કરે.’ ગોગો પછીથી પૂછે છે, ‘આવતી કાલે ન આવ્યા પાછા તો શું થઈ ગયું?... એને પડતો મૂકીએ તો?’ દિદિ બોલે છે, ‘આપણને એ સજા કરે. (મૌન. ઝાડ સામે એ જુએ છે.) બધું મૃત છે, સિવાય કે આ ઝાડ.’ ગોદો મૃત્યુમાંથી બચાવનાર નીવડી શકે (એનું ન માન્યું તો સજા પામવાનું આવે.). કમરપટાથી લટકવા વિચાર્યું પણ એ તૂટી ગયો. બંને નક્કી કરે છે કે કાલે દોરડું લેતા આવીએ ને લટકીએ ‘સિવાય કે ગોદો આવી પહોંચે.’ ગોગો : ‘અને એ આવી પહોંચે તો?’ દિદિ : ‘આપણે બચી (તરી) જઈએ.’ નાટકનો આ અંતભાગ પહેલા અંકના ઉઘાડના એક ખંડકના અનુસંધાનમાં સંવાદી રીતે આકારિત થયો છે. અત્યંત આંતરવેદનાથી રિબાતો હોવા છતાં સંઘર્ષ ચાલુ રાખવાના નિરધાર સાથે નાટકના આરંભે દિદિ પ્રવેશે છે અને ગોગોને જોડો કાઢવામાં પડેલી રિબામણી અંગે કહે છે કે એ ‘પોતાના પગનો વાંક જોવાને બદલે જોડાનો વાંક કાઢે છે.’ મતલબ કે કંઈક ખોડ છે આપણા પોતામાં, નહિ કે જગતમાં. વળી કહે છે, ‘આ ભયજનક બનતું જાય છે.’ મૌન રહી, ઊંડા વિચારમાં પડી ઉમેરે છે : ‘એક ચોર તરી ગયેલો.’ ગોગોને પછી સૂચવે છે : ‘ધાર કે આપણે પશ્ચાત્તાપ કરીએ.’ દિદિ પોતાના જ વિચારમાં ડૂબેલો છે અને પશ્ચાત્તાપ કરનાર ચોર તરી ગયો તે યાદ કરી એ માર્ગે પોતે આ જીવવાના ભારમાંથી ઊગરી જઈ શકે – એવું કાંઈક જોઈ રહ્યો છે. ગોગોને આ મુદ્દો જ સ્પર્શતો નથી. પૂછે છે, પશ્ચાત્તાપ કરીએ આપણા જન્મ્યા હોવાનો? બાઇબલ વાંચ્યું છે? તેના જવાબમાં કહે છે, કે પોતાને પવિત્ર ભૂમિના નકશા યાદ રહી ગયા છે, મૃતસમુદ્રનો રંગ તો એવો ગમી ગયેલો કે મનમાં થતું કે પરણ્યા પછી મધુરજની ગાળવા ત્યાં જવું. દિદિ લંબાણથી આપણા તારણહારની સાથોસાથ બે ચોરને ક્રોસ પર ચઢાવેલા એમ કહે છે ત્યારે પૂછે છે, ‘આપણા કોણ?’ કંટાળીને એ જવા કરે છે. દિદિ કહે છે કે હવેની વાતનો એને કંટાળો નહિ આવે અને પોતાની અંદર જ રત હોય એમ આગળ ચલાવે છે : ‘એ શી રીતે કે ચાર પ્રેષિતોમાંથી એક જણ એક ચોર ઊગર્યાની વાત કરે છે, તેઓ ચારે ત્યાં હતા – અથવા એટએટલામાં હતા અને એક જ જણ એક ચોર ઊગર્યાની વાત કરે છે. (વિરામ) ચાલ, આવ જોઉં, દિદિ, વળતો ઉત્તર દે જોઉં, તારાથી નહિ બને, અમસ્તું એકાદ વાર?’ દિદિ એટલો બધો નિજમાં રત છે કે ગોગોને નહિ – પોતાને ઉદ્દેશીને વાત કરતો થઈ ગયો છે. ગોગોને હવે કંઈક ગમ્મત પડે એવું આ લાગે છે. દિદિ : ‘ચારમાંથી એક જ જણ. બીજા ત્રણમાંથી બે તો કોઈ ચોરોનો ઉલ્લેખ સરખો કરતા નથી અને ત્રીજો કહે છે કે બંને તેને ગાળો દેતા હતા... કેમ કે તે એમને ઉગારતો ન હતો.’ ‘નરકમાંથી?’ દિદિ ‘મૃત્યુમાંથી, મૃત્યુમાંથી.’ દિદિ ઉમેરે છે, ‘પણ ચારમાંથી એક કહે છે કે બેમાંથી એક જણ ઊગરી ગયો... પણ બધા ચારે જણા ત્યાં હતા અને એક ચોર ઊગરી ગયાનું એક જ જણ કહે છે. બીજાઓનું ન માનવું અને એનું જ કેમ માનવું?... દરેક જણ એનું માને છે.’ ગોગો ‘લોકો મહાઅજ્ઞાની મર્કટો છે’ કહી વાત તુચ્છકારી કાઢે છે, દિદિ સંશયાત્માની દશામાં રહે છે. ગોગો કહે છે, ચાલો જઈએ, ત્યારે દિદિ કહે છે, ‘નહિ જઈ શકાય.’ ‘કેમ નહિ?’ ‘આપણે ગોદોની રાહ જોવાના છીએ.’ પ્રભુ (ગૉડ) અંગેની વાત મૌલિક અને સચોટપણે નિરૂપાયા પછી જ, અને તે પણ ‘ગૉડ’ સાથે અનુસંધાન થઈ જાય એ રીતે, ગોદો પ્રથમ વાર પ્રસ્તુત થાય છે તે હકીકત અને નાટકના આરંભમાં ‘ગૉડ’ દ્વારા મૃત્યુમાંથી ઉગારવાની તેમ જ અંતમાં ગોદો દ્વારા મૃત્યુમાંથી બચી જવાની વાત છે એ હકીકત ગોદોમાં ‘ગૉડ’ અંશ કેવળ અકસ્માતથી નથી રહેલો એટલું તો સૂચવે. બીજા અંકમાં લકી-પોઝ્‌ઝો આવી રહ્યા છે ત્યારે દિદિ ‘વિજયપૂર્વક’ કહે છે, ‘એ ગોદો જ! આખરે! ગોગો! એ ગોદો જ! આપણે ઊગરી ગયા!’ ગોગો ગભરાયેલો છે, ‘હું નરકમાં છું.’ ગભરાટની પરાકાષ્ઠાએ ગોગો સરળપણે પુકારે છે : ‘પ્રભુ (ગૉડ) મારી ઉપર દયા કરે!’ ત્યારે દિદિ ચિઢાઈને’ પૂછે છે : ‘અને મારી ઉપર?’ ગોગો વળી પુકારે છે : ‘મારી ઉપર! મારી ઉપર! દયા! મારી ઉપર!’ નાટકના અંત ભાગમાં ગોગો જ કહે છે. ઉઘાડા પગે ચાલવાનું આવે છે ત્યારે, કે ઈસુ ઉઘાડા પગે ચાલતા જ ને? અને આપ-કબૂલાત કરે છે ‘સારી જિંદગી મેં મારી સરખામણી એમની જોડે કરી છે.’ ગોદો અને ‘ગૉડ’ને સાંકળવામાં આવ્યા છે, પણ નાટકમાં એ વાતની મુખ્યતા રહેવા પામે નહિ એ રીતે નાટકકાર એને સતત વીંખીપીંખી નાખતા રહ્યા છે. કાંઈ નહિ તો તે તે પાત્રોના એવા અભિગમો છે તેનું પોતે નિરૂપણ કરી રહ્યા છે એમ કહી એ અળગા રહી શકે છે. નાટકને અંતે ગોગો કહે છે કે ગોદોને પડતો મૂકીએ ત્યારે દિદિ કહે છે કે તો આપણને એ સજા કરે એમાં માણસે પોતાને માટે કરેલી ‘ગૉડ’ની પ્રકલ્પનાનો અણસારો જોઈ શકાય અને નાટકકારને એવું સૂચવતા પણ કલ્પી શકાય કે માણસે પોતાનું કામ કરાવવા યંત્રમાનવ રોબોટ (Robot) રચ્યો છે તેમ અગોચર વસ્તુઓ વચ્ચે ટકી રહેવામાં મદદરૂપ (માનવની પ્રતિકૃતિરૂપ – ઇન ધિ ઇમેઇજ ઑફ મેન) ‘ગૉડ’-ગોદો (Godot)નું નિર્માણ એણે કર્યું હોય. કોઈએ પૂછ્યું કે નાટકમાં તમારે શું કહેવું છે ત્યારે બેકેટે કહ્યું કે હું જાણતો હોત તો નાટકમાં કહેત નહિ? કલાકૃતિને જે કહેવું છે તે આખી કલાકૃતિ કરતાં ઓછા શબ્દોમાં કહી શકાય એવું હોતું નથી. કલાકૃતિથી બહાર ઉમેરણ રૂપે કહેવાય એ તે કલાકૃતિનો જીવાતુભૂત અંશ નથી, કેવળ બહારનો, અપ્રસ્તુત, અંશ છે. આ નાટક વિશે બેકેટનું બીજું એક નિરીક્ષણ વધુ મહત્ત્વનું છે. એ કહે છે કે પોતે સેઇન્ટ ઑગસ્ટાઇનના એક કથનના સંતુલનનું સૌન્દર્ય ખૂબ માણ્યું છે. બે ચોર અંગે સેઇન્ટ ઑગસ્ટાઇન નોંધે છે : હામ ગુમાવશો નહિ, એક ઊગરી ગયો હતો. ભુલાવામાં રહેશો નહિ. એક નષ્ટ થયો હતો. સંત ઑગસ્ટાઇનને તો સીધો બોધ ઇષ્ટ છે. કલાકારને કોઈ પક્ષ લેવા કરતા ઉદ્‌ગારનું, પ્રતીતિના નિરૂપણનું જે સંતુલનસૌન્દર્ય છે એ આકર્ષે છે. એમાં એ રત છે, એને એ ચિંતવી રહે છે. આ નાટકમાં ગોદો=‘ગૉડ’ એવો પક્ષપાત દાખવવાનો સવાલ ન હોય એ સ્થિતિમાં બીજા કયા નિર્દેશ (કે નિર્દેશો) સાથેના સંતુલનને અવકાશ છે? બીજો એક નિર્દેશ મૃત્યુ અંગેનો જોઈ શકાય છે. ગોગો જન્મ્યા હોવાના પશ્ચાત્તાપની વાત કરે છે. સૉફોક્લીસની એક ઉદ્‌ગીતિમાં ન જન્મવું એ સૌથી સારું, તે પછીની સારી વસ્તુ એ કે મરવું, એવો ઉદ્‌ગાર છે. મરવાનું તો દિદિ આરંભમાં જ કહે છે તેમ બંને જણા ‘લાખો વરસ પૂર્વે’ ચૂકી ગયાં, આઇફેલ ટાવર તૈયાર થયો તેવામાં હાથમાં હાથ રાખીને પડતું મેલી શક્યા હોત. નાટકના આરંભમાં ગોદોની રાહ જોતાં શું કરીશું એમ મૂઝાતાં લટકી મરવાના પ્રસ્તાવને તેઓ મનમાં રમાડે છે. નાટકને અંતે પણ ફાંસો ખાવાના પ્રયત્નમાં નિષ્ફળ જતાં બીજા દિવસ ઉપર મુલતવી રાખે છે અને તેમ છતાં ઈસુ ચોરને ‘નરક’માંથી બચાવે છે તે કરતાંય તે ‘મૃત્યુ’માંથી ઉગારે છે એ ઉપર ભાર મૂકનાર દિદિ એને ગોદો મળી જાય તો મોતમાંથી બચાવે એમ નાટકને અંતે કહે છે. (કદાચ ‘અશક્તિ આત્મહત્યાની એને આશા કહે જનો.’) આ મૃત્યુના નિર્દેશ સાથે જ વણાયેલો નિર્દેશ છે સમયનો. પોઝ્‌ઝો અંધ થયો તે પછી એનો સમયનો ખ્યાલ બદલાઈ ગયો છે, બલકે નાબૂદ થયો છે. ક્યારથી લકી મૂંગો થયો એવા દિદિના સવાલ સામે એ એકાએક પ્રકોપ સાથે બોલે છે : ‘તમારા શાપિત સમયથી મને તમે રિબાવ્યે રાખ્યો નથી? આતો ગર્હિત વસ્તુ છે! ક્યારે! ક્યારે! એક દિવસ, એ તમારે માટે પૂરતું નથી, એક દિવસ એ મૂંગો થઈ ગયો, એક દિવસ હું આંધળો થઈ ગયો, એક દિવસ અમે બહેરા થઈ જઈશું, એક દિવસે અમે જન્મ્યા હતા, એક દિવસ અમે મરી જઈશું, એ જ દિવસે, એ જ સેકન્ડે, એ તમારે માટે પૂરતું નથી? (વધુ ઠંડો પડીને) તેઓને કબરની આરપાર પ્રસવ થાય છે, પ્રકાશ એક ક્ષણ માટે ઝબકે છે. પછી વળી ફરી વાર રાત્રિ.’ દિદિ ભાષ્ય કરે છે તેમ, ‘ખાડામાં નીચે, ખચકાતો ખચકાતો ઘોરખોદુ પ્રસૂતિસહાયક ફોરસેપ્સ વાપરે છે.’ અને ઉમેરે છે કે ‘આપણને તો વૃદ્ધ થવાનો સમય મળ્યો.’ જોકે પોતાને અંગે પણ ભ્રૂણ-મૃત્યુના અનુભવનું નાટક તેઓ ક્વચિત્‌ કરતા રહે છે. ગોગો ગર્ભાવસ્થાના આકારમાં, બે ઢીંચણો વચ્ચે માથું રાખે છે અને એને ઊંઘાડવા દિદિ ગાય છે : ‘બાય બાય!’ (દ્વિઅર્થી-૧ હાલરડાનો શબ્દ, ૨. વિદાયવચન. અહીં બીજા અર્થનું સૂચન પણ છે, – ‘આવજો, રામરામ!’) આમ, કશાકને (કહો કે, દા.ત., ભગવાનને) માટે રાહ જોવી અને રાહ જોવાની વાતનો જ અંત લાવે એવું મૃત્યુ મળે એમ ઇચ્છવું એ બે વસ્તુઓને જોડાજોડ મૂકી તેના સંતુલનના સૌન્દર્યને જોવાની આ કલાકૃતિમાં શક્યતા છે. (જુદા પ્રકારના નાટક ‘ડાકઘર’માં પણ એ બે વસ્તુઓ જોઈ શકાય એમ છે, પણ ત્યાં એ બે વાતના સંતુલન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો ઉપક્રમ નથી.) એવી બીજી એક શક્યતા તરફ ધ્યાન ખેંચવા જેવું છે, કશુંક સારું – એને ભેટવાનું મળે ત્યાં સુધી રાહ શી રીતે જોવી, સમય શી રીતે ગાળવો? સમય અટકતો નથી. પહેલા અંકમાં દિદિથી કહેવાઈ ગયું, ‘સમય થંભી ગયો છે’ ત્યારે માંધાતા જેવા પોઝ્‌ઝોએ એને કાને પોતાની ઘડિયાળ ચાંપીને કહ્યું – માનશો નહિ, તમને જે ઠીક લાગે તે માનજો, પણ તે વાત નહિ. વિદાય વખતે પોઝ્‌ઝોને ઘડિયાળ જડતું નથી એટલે વાંકો બેવડ વળી પેટ પાસે ટિકટિક સાંભળવા પ્રયત્ન કરે છે. દિદિ-ગોગો પણ વાંકા વળી સાંભળવા કરે છે. ગોગો : ‘મને કંઈક સંભળાય છે.’ દિદિ : ‘તે તો હૃદય.’ ગોગો બોલે છે : ‘કદાચ તે બંધ પડી ગયું છે.’ વાતચીતના એક અંશનો બીજાની સાથે સંબંધ થઈ જાય એના આ કૃતિમાં જે અનેક ઉપહાસમય ચમત્કારક દાખલા છે તેમાંનો આ એક ઉત્કૃષ્ટ નમૂનો એટલું જરૂર સચોટપણે સૂચવે છે કે – સમય બંધ, હૃદય બંધ. સમયને શી રીતે વિતાવવો? કંટાળો, એકલતા, વંચિતપણું, અનિશ્ચિતતા, વિચાર કરવાનો તકાજો (ટુ હેવ થૉટ), એ બધામાંથી બચી સમય કેમ વીતાવવો? બીજે દિવસે અંધ પોઝ્‌ઝો અને લકી પ્રવેશે છે અને બંને અફળાઈને પટકાય છે ત્યારે ગોગો પૂછે છે કે શું ગોદો આવ્યો? પણ દિદિ આનંદવિભોર બન્યો છે : ‘છેવટે! પુરવઠો આવ્યો આખરે!... આપણે કમજોર થતા જતા હતા. હવે આપણે સાંજ પસાર કરી શકવાના. ... (વચ્ચે પોઝ્‌ઝો ‘મદદ!’-ની બૂમો પાડતો રહે છે.) હવે આપણે રાતની રાહ જોતાં, ગોદો માટે રાહ જોતાં, રાહ જોવા માટે... રાહ જોતાં (waiting for... waiting) એકલા નથી. આખી સાંજ આપણે મથતા રહ્યા, મદદ વગર હવે એ પૂરું થયું. આવી પહોંચી આવતી કાલ... સમય પાછો વહેવા પણ માંડ્યો.’ એમ લાગે કે દિદિને ધ્યેય સિદ્ધ થવા અંગે, ગોદો આવવા અંગે, એટલો બધો રસ નથી જેટલો સમયના વહેતા થવામાં છે. જાણે માણસ માટે સૌથી અનિવાર્ય અગત્ય(જેના વગર ગતિ નહિ, જેના વગર અ-ગતિ તે)ની વાત તે છે વર્તમાન કૃદંત(ing)થી નિર્દેશ પામતી ક્રિયાશીલતા. તે Ingness ઉપર જાણે આ નાટક ધ્યાન કેન્દ્રિત કરતું ન હોય? ‘ટુ બી ઑર નૉટ ટુ બી ધેટ્‌’સ ધ ક્વેશ્વન’ એને બદલે આ નાટકમાં દિદિ કહે છે : ‘What are we doing here, that is the question (આપણે અહીં શું કરી રહ્યા છીએ તે પ્રશ્ન છે).’ બેકેટે આ સવાલ એમની અપાર ‘આય્‌રની’ની સૂઝથી રજૂ કર્યો છે. ગોગો અને પોતે પોઝ્‌ઝોના ‘મદદ! મદદ!’ – એવા અનેકાનેક ઉદ્‌ગારો વચ્ચે ખૂબ લાંબા સમય સુધી મદદ આપવા સિવાય બીજું મન ફાવે તે કરતા રહે છે. પોતે જોઈ શકે છે કે તક છે તો આપણે કંઈક કરી છૂટીએ. કાંઈ રોજરોજ આપણે ખપમાં આવીએ એવું બનતું નથી. ...એ સાચું છે કે અદબ વાળીને આપણે જ્યારે તરફેણની અને વિરુદ્ધની દલીલોનો તોલ કરીએ છીએ ત્યારે આપણે માનવજાતિના છીએ એ વાતને જેબ આપી રહ્યા નથી હોતા. વાઘ પોતાના હમજિન્સીઓને મદદ કરવા જરીકે વિચારમાં પડ્યા વગર કૂદી પડે છે અથવા તો પછી ઝાડીનાં ઊંડાણોમાં સરકી જાય છે. પણ તે પ્રશ્ન નથી. આપણે અહીં શું કરી રહ્યા છીએ તે પ્રશ્ન છે. અને પછી નિશ્ચયાત્મકતાથી એ જે ઉમેરે છે તે મહત્ત્વનું છે : ‘અને આપણે એ બાબતમાં પરમસુખી છીએ કે જવાબ આપણી જાણમાં છે. હા, આ પારાવાર ગોટાળામાં એક વસ્તુ જ સ્પષ્ટ છે, આપણે ગોદો આવે તેવી રાહ જોઈ રહ્યા છીએ.’ ‘આય્‌રની’ એમાં છે કે બેકેટ તમામ ડી-ક્રીએશન(વિ-ઘટન)ની શક્તિ યોજીને ઉપરની વાતની સામે બીજી ઊલટી જ વાત કેવી મજબૂત ખોડાયેલી ઊભી છે તેની ઉપર પણ પ્રકાશ પાડે છે. દિદિ કહે છે : ‘હું જે બધું જાણું છું તે એ કે કલાકો લાંબા છે, આ સંજોગોમાં, અને તે આપણને ફરજ પાડે છે કે આપણે તેમને એવા કામકાજ દ્વારા વ્યતીત કરવા કે એ પ્રથમ દૃષ્ટિએ બુદ્ધિસંગત લાગે, ...એ નરી ટેવ (હેબિટ) ન બની બેસે ત્યાં સુધી.’ દરમ્યાન પોઝ્‌ઝો મદદ માટે સોના વધારીને બસો ફ્રેન્ક આપવા તૈયારી બતાવે છે. દિદિ રાહ જોવાની વાત પર મુસ્તાક છે. ‘આપણે રાહ જોઈ રહ્યા છીએ. આપણે કંટાળી ગયા છીએ. ...એકાદ મનોરંજનની વસ્તુ આવી મળે તો આપણે શું કરીએ છીએ? આપણે એને વેડફી દઈએ છીએ. ક્ષણ વારમાં બધું નાશ પામશે અને આપણે ફરી એકલા પડવાના, શૂન્યતા વચાળે.’ પોઝ્‌ઝોના ‘બસો ફ્રેન્ક!’-ની બૂમ બીજી વાર સાંભળી દિદિ એને ઉઠાડવા જાય છે ને પોતે ગબડી પડે છે અને એનાથી બોલી જવાય છે, ‘મદદ!’ પોઝ્‌ઝો ને દિદિ વારાફરતી ‘મદદ! મદદ!’ એવા પોકાર કરે છે. દિદિને ઉઠાડતાં ગોગો પણ ગબડે છે. દિદિ પડ્યોપડ્યો પોઝ્‌ઝોને લાત લગાવે છે. ગોગો એને એક પછી એક આદમના બે દીકરાને નામે ‘એબલ!’ ‘કેઇન!’ કહીને બોલાવે છે, પોઝ્‌ઝો બંને વખત ‘મદદ!’ પોકારે છે. એટલે ગોગો ટકોર કરે છે, ‘આખી માનવજાતિ છે એ.’ છતાં તેઓ એની ઉપેક્ષા કરે છે. કંઈ નવું ગતકડું કાઢીએ કહીને ઊભા થવાનું વિચારે છે. ઊભા થયા. હવે? ફરી ‘મદદ!’ની ચીસ સંભળાઈ. ગોગો : ‘ચાલ જઈએ.’ એને અહીંથી ચાલ્યા જવાની વાત સમજી દિદિ કહે છે : ‘નહિ જઈ શકાય આપણાથી.’ ગોગો : ‘શા માટે નહિ?’ ‘આપણે ગોદો માટે રાહ જોઈ રહ્યા છીએ.’ ગોગો : ‘આહ! (નિરાશ થઈ) આપણે શું કરીશું, આપણે શું કરીશું?’ રાહ જોવાના જીવલેણ કંટાળાના ઓછાયાથી એ ત્રસ્ત થઈ ઊઠે છે. ત્યાં ફરી ‘મદદ!’-નો પોકાર આવતાં દિદિ સૂચવે છે : ‘એને મદદ કરીએ તો?... ઊભો થવા એ મદદ માગે છે.’ ગોગો : ‘તો આપણે કેમ મદદ આપતા નથી? આપણે શાની રાહ જોઈએ છીએ?’ ગોગોના ઠપકાભર્યા આ છેલ્લા શબ્દો ‘What are we waiting for?’ – સુધી વાતને નાટકકાર લઈ આવે છે. લકીને ઈજા થઈ છે કે કેમ એ જોવા પોઝ્‌ઝો સૂચવે છે ત્યારે કાલે તેની લાત ખાધેલી તેથી ગોગો દિદિને ખબર કાઢવા કહે છે. પોઝ્‌ઝો : ‘એ (દિદિ) શાની રાહ જુએ છે? (What is he waiting for?)’ દિદિ ગોગોને જ પૂછે છે : ‘તું શાની રાહ જોતો? (What you waiting for?)’ થોડી વાર પહેલાં પોઝ્‌ઝોને મદદ ન કરવા બદલ દિદિને ઠપકો આપનાર ગોગો પોતે હવે છૂટી પડે છે – ‘હું ગોદોની રાહ જોઈ રહ્યો છું (I’m waiting for Godot).’ આ નાટકકારે બે પ્રતીક્ષાઓ વચ્ચે તણાવ રચ્યો છે. કંઈક સારું (ગોદો) એને માટે રાહ જોયે જવાની છે. પણ તે દરમ્યાન કોઈક મદદ માગે છે તે વખતે રાહ જોયા કરવી – મદદ કરવા દોડું કે કેમ, કંઈક સારા (ગોદો) માટે રાહ જોઈ રહ્યા છીએ તેમાં સમયયાપનના એક તરીકા રૂપે જ મદદ માટેના પોકારોનો ઉપયોગ શા માટે ન કર્યે જવો, એમ મદદ પહોંચાડવાની પ્રક્રિયા આદરવામાં રાહ જોયા કરવી – આ સમાન્તર પ્રતીક્ષાનો મૂળ ગોદો (કંઈક સારું) માટે રાહ જોયે જવાની વાત સાથે તણાવ રચાય છે. બીજા અંકનો મુખ્યાંશ એ રોકે છે. સ્ફોટ રૂપે એ પ્રગટે છે, પોઝ્‌ઝો-લકીની વિદાય પછી એકલું લાગતાં, ઊંઘતા ગોગોને જગાડ્યો અને અર્ધી સદીનો રઝળપાટ કરનાર ગોગો જોડા કઠતાં ‘મારા પગ!’-ને રડે છે અને જોડા કાઢવા જતાં ‘મદદ’-ની બૂમ મારે છે તે ક્ષણે, દિદિની ઉક્તિમાં : ‘શું હું ઊંઘતો હતો, જ્યારે બીજાઓ સહન કરી રહ્યા હતા ત્યારે?’ દિદિની ભીતર કોઈ મીંડ છેડાઈ છે. કહે છે : ‘હું અત્યારે ઊંઘતો છું? આવતી કાલે જ્યારે હું જાગું, અથવા માનું કે જાગતો છું, ત્યારે આજને વિશે હું શું કહીશ? શું એમ કહીશ કે મારા મિત્ર એસ્ત્રાગોં સાથે, આ સ્થળે, રાત પડી ત્યાં સુધી, મેં ગોદોની રાહ જોઈ હતી? ...પણ એ બધામાં સત્ય કેવુંક હોવાનું? (ગોગો... પાછો ઝોકાં ખાવા લાગે છે)... હવા આપણી ચીસોથી ભરીભરી છે. (એ સાંભળવા કરે છે.) પણ ટેવ (હેબિટ) ભારે બુઠ્ઠા બનાવી દેનારી છે. (એસ્ત્રાગોં સામે ફરી જુએ છે.) મારી સામે પણ કોઈક જોઈ રહ્યું છે, મારે વિશે પણ કોઈ કહી રહ્યું છે, – એ ઊંઘતો છે, એ કશું જ જાણતો નથી, એને ઊંઘતો રહેવા દો. (વિરામ.) હું આગળ વધી શકતો નથી! (વિરામ.) હું શું બોલી બેઠો?’ દિદિની આ ઉક્તિ નાટકના પરાકોટિબિંદુએ આવે છે. એ બોલી રહ્યો અને ગોદોનો સંદેશવાહક આવે છે. આ ઉક્તિ વખતની અવસ્થામાં એ ચાલુ રહેતો નથી, બલકે બધું ખંખેરી નાખે છે. તેમ છતાં એક મહત્ત્વની મીંડ છેડાઈ છે. ખાસ કરીને પોઝ્‌ઝો એ ગોદો હોય એવો આભાસ રચાયો છે એ કારણે. પોઝ્‌ઝો ગયા પછી દિદિએ ગોગોને જગાડયો ત્યારે એ કહે છે : ‘મને લાગ્યું કે એણે મને જોયો – મને એ જોતો હતો.’ (પોઝ્‌ઝો-લકી પ્રવેશ્યા ત્યારે ગભરાયેલા, પ્રભુશરણ વાંછતા, ગોગોએ દિદિને પૂછ્યું હતું : ‘તને લાગે છે પ્રભુ મને જુએ છે?’) કોણે તને જોયો એમ દિદિ પૂછે છે. ગોગો કહે છે : ‘ગોદોએ.’ દિદિ : ‘પણ કોણે?’ ગોગો : ‘પોઝ્‌ઝોએ.’ બેકેટ ત્રણ પગલાં માંડે તો બે-અઢી ભૂંસવામાં પાવરધા છે. નિશ્ચયાત્મકતાથી કોઈ પાત્ર બોલી શકે એમ છે નહિ. પણ એક વાત ઊડીને આંખે વળગે એવી રીતે નિરૂપાઈ છે તે એ છે કે ખુદ (ભલેને જુલમી) પ્રભુ પધાર્યા અને એને રિબાતા ઉવેખવામાં આપણે મણા ન રાખી એ વાત જવા દઈએ, પણ એક માનવી, પોઝ્‌ઝો, તેમ જ એનો સાથી રિબાતા હતા ત્યારે ‘ટેવ’(હેબિટ)ને વશ થઈ બુઠ્ઠાપણાથી તેમની તરફ ધ્યાન સરખું ન આપ્યું એ અંગે દિદિ રોમરોમ જાગ્રતિ – સભાનતા (અવેરનેસ) અનુભવે છે. ‘આપણને તો વૃદ્ધ થવાનો સમય મળ્યો,’ જન્મતાં જ ન મરી ગયા, પણ વચલા સમયયાપનને અંગે કંઈ ખુશ થવા જેવું છે ખરું? સમયયાપનનો એક મહામાર્ગ (મૃત્યુની સમીપનો) તે ઊંઘ છે... લકી તો ઊભો ઊભો ઊંઘી શકે છે. ગોગોને ઊંઘવું એ સહજ છે. પણ દિદિ આ દિવસોમાં ગોદો માટે રાહ જોવાનો પ્રસંગ આવ્યો છે તે દરમ્યાન ઊંડાણથી અનુભવે છે કે હું આ ગોગોની જેમ ઊંઘી જઈને બેખબર રહેતો નથી, જાગતો છતાં – જાગું છું એમ માનું છું એ સ્થિતિમાંય તે – ઊંઘતો જ છું, બીજાઓ શું સહન કરી રહ્યા છે તેનાથી બેખબર છું એ કારણે. ...પહેલા અંકનો પડદો ઊપડે છે ‘કાંઈ થઈ શકે એમ નથી’ – એ શબ્દોથી અને વારંવાર એ શબ્દો પડઘાયા કરે છે, ખાસ કરીને પહેલા અંકમાં, પણ કાંઈ થઈ તો શકે એ જાતનો ઇશારો બીજા અંકનું મહત્ત્વનું બિંદુ બની રહે છે અને નાટકના બે અંકમાં થયેલા વિભાજનને સમતોલ સપ્રમાણતા અર્પી રહે છે. કશુંક – સારું(ગોદો)-ની રાહ જોયાં કરાતી હોય અને એમ કરવામાં જ કશુંક – સારું કરવા, મદદરૂપ થવા અંગે રાહ જોવાયાં કરે (એ કરવાનું ચૂકી જવાતું હોય) – આ બે સમાન્તર રેખાઓનું, નૈતિક અંશ તરફ ચિત્તને ખેંચાવા દીધા વગર, સંતુલન નીરખ્યા કરવું એને માટે નાટકમાં અવકાશ છે. નૈતિક અંશ આ છે : કશુંક-સારું અંગે રાહ જોયા કરીએ ત્યારે સતત સંપ્રજ્ઞતા (અવેરનેસ) રહેતી નથી, સતત બુદ્ધિસંગત લાગે એવા કામકાજમાં કલાકો વ્યતીત કરવા જોઈએ પણ ટેવ (હેબિટ) બુઠ્ઠાપણું જન્માવે છે અને બુદ્ધિસંગત કામકાજ દા.ત., બીજા કોઈને જરૂર હોય તો મદદ કરવા દોડી જવું એ બનતું નથી, આ જ બીજાઓ જ્યારે સહન કરી રહ્યા હોય ત્યારે આપણું ઊંઘવું, સમયની સુરા ઢીંચ્યે રાખી તન્દ્રામયતામાં ગુજરવું. ઘણા બધા, દા.ત., લગભગ બધા ભગવાનભક્તો – ભગવદાતુરો, આવી બુઢ્‌ઢાપણાની ઊંઘના – અસંપ્રજ્ઞતાના (અવેરનેસના અભાવના) ભોગ બને છે, અને એમની એ દશામાં કશું સત્ય રહેવા પામતું નથી. આ નાટકના શીર્ષકમાં સૌથી મહત્ત્વનો અંશ – ing છે. દિદિનું અંતર અંતભાગમાં ચિત્કાર કરી ઊઠે છે તેમ ‘આપણે અહીં શું કરી રહ્યા છીએ તે પ્રશ્ન છે.’ પણ આ ingness ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નાટકકારે બે સમાન્તર પ્રતીક્ષાઓ(ગોદો માટેની અને પોઝ્‌ઝોને મદદ કરવા અંગેની)ના સંતુલનના સૌન્દર્યને વિલોકવાની કલાપ્રક્રિયા ઉપર મદાર બાંધ્યો છે. કોઈ કોઈ કલાકૃતિ તેના સૌન્દર્યને પહોંચવા અનેકવિધ તકો-શક્યતાઓ પૂરી પાડે છે. જુદા જુદા ભાવકો, જુદા જુદા જમાનાઓ એનો લાભ લેતા રહે છે. ‘હેમ્લેટ’ની જેમ ‘વેઇટિંગ ફૉર ગોદો’ અંગે પણ એવું બન્યાં કરવાનું. આ નાટકને લેખકે ‘એક ટ્રેજીકૉમેડી’ બે અંકમાં એવું ઉપશીર્ષક આપ્યું છે. પોઝ્‌ઝોનું એક નિરીક્ષણ છે : ‘દુનિયાનાં આંસુનો જથ્થો એ ને એ જ રહેતો હોય છે. જે પ્રત્યેક જણ રડવા માંડે છે તેને બદલે ક્યાંક બીજે બીજો કોઈ એક રડતો અટકે છે. હસવાની બાબતમાં પણ આ જ વાત સાચી છે.’ આ ગાણિતિક વ્યાખ્યાના પ્રકાશમાં જગતનું જીવન ટ્રેજીકૉમેડી ઠરે. પણ કલાકારે વૃક્ષ દ્વારા આ વાત પ્રત્યક્ષ કરાવવાનું પસંદ કર્યું છે. પહેલા અંકમાં વૃક્ષ ‘મરેલું’ છે. (કદાચ વિલોવૃક્ષ – વીપીંગ વિલો હોય અને તેથી તો હવે એને રડવાવારો રહ્યો નથી એમ પણ એક રઝળુની ટકોર છે) પોઝ્‌ઝો કહે છે : ‘હવામાં શિશિરનો સ્પર્શ છે.’ બીજા અંકમાં વૃક્ષ પલ્લવિત થઈ ગયેલું છે, રાતોરાત, ગોગો કહે છે : ‘વસંત હોવી જોઈએ.’ નાટકકાર એમની રીત પ્રમાણે આ પગલું પણ થોડુંક ભૂંસે છે, એ રીતે કે ગોગો વૃક્ષના પલ્લવિત થવાપણા વિશે સ્પષ્ટ પ્રતીતિ દાખવતો નથી. કૃતિના બંને અંક ટ્રેજિક તત્ત્વની લીલાથી તેમ જ ટ્રેજિક તત્ત્વની સરસાઈ કરતા પ્રહસનની અનેકવિધ નિરવધિ ભંગિમાઓથી સભર છે. વિરોધાભાસ જેવું એ છે કે બીજા અંકમાં દિદિની યા નિશાની યાદ આપે એવી ઉક્તિમાં ટ્રેજિક તત્ત્વની મીંડ છેડાય છે એમાં જ સાચું ‘કૉમેડી’(સુખપર્યવસાયિતા)નું તત્ત્વ ડોકિયું કરવા માંડે છે. સંદેશવાહક પણ આવી પહોંચે છે અને કાલે ગોદો આવશે એવો સધિયારો મળે છે. કલાકારે તેમ છતાં શબ્દો કરતાં મૂંગા વૃક્ષ દ્વારા આ વાતને ઉઠાવ આપ્યો છે. અને એ રીતે વૃક્ષ એ આ નાટકનું એક પાત્ર (આઠમું પાત્ર) બની રહે છે. દિદિ અંતભાગમાં ગોગોને દર્શાવે છે : ‘બધું જ મૃતાવસ્થામાં છે. સિવાય કે આ વૃક્ષ.’ વૃક્ષમાં ધરતીનો રસ ચઢ્યો છે અને ખીલી રહ્યો છે તો આ બે રઝળુ માનવોમાં... .... ...? ગમે તેમ પણ આવતી કાલે ગોદોને મળવા તો આવવાનું જ છે. નાટક આવતી કાલનું થવા જાય છે. ‘એબ્સર્ડ થિયેટર’ (અસારતા-નિર્દેશક રંગભૂમિ)ના આવતાં પહેલાં સાડી ત્રણસો વરસ પૂર્વે શેક્સપિયર મેકબેથ પાસે જાણે એબ્સર્ડ રંગભૂમિનું ભરતવાક્ય જ બોલાવતા ન હોય? – ‘આવતી કાલ પછી આવતી કાલ ને પછી આવતી કાલ!... જિન્દગી છે કથા કો બુદ્ધુએ કથેલી શોર ને આક્રોશભરી અને એનો અર્થ ત્યારે શૂન્ય.’ મેકબેથ માટે આવતી કાલ નથી. પણ એબ્સર્ડ રંગભૂમિના પરમોચ્ચ સર્જક બેકેટના બે રઝળુઓ પાસે આવતી કાલ છે. નાટક, જે રસ્તા ઉપર એ બે ઊભા છે તેની જેમ, ખુલ્લા-અંત-વાળું (ઓપન-એન્ડેડ) રહે છે. તાક. :– ભાઈ લાભશંકર અને અન્ય કવિમિત્રોના કહેવાથી થોડાં વરસો ઉપર બે કલાક આ નાટક વિશે હું વાતો કરી બેઠો. એ શબ્દો તો સદ્‌ભાગ્યે ‘હવામાં વહી ગયા.’ પણ સુરેશભાઈ, તમારું માનીને થોડુંક આ શું ચીતરી દીધું? એટલું કહું કે બીજા જ ક્ષેત્રની કૃતિઓ – ઇશાવાસ્યમ્‌ કે ભગવદ્‌ગીતા જે જાતનાં ભેજાંઓની નીપજ છે તેવા પ્રકારના ભેજાની કૃતિ આ નાટક હોય એવો આનંદ એનું વારંવાર સેવન-ચિંતવન કરતાં મેં અનુભવ્યો છે અને એમાં ધબકતી એક પ્રકારની આધ્યાત્મિક નિરાકુલ – દશા(સ્પિરિચ્યુઅલ સીરીનિટી)ને કારણે આધુનિક સમયના એક ઋષિના સાન્નિધ્યનો લાભ પામ્યો છું. ચાલો, પણ પૂરું કરું. દિદિ અને ગોગો સમયયાપનના એક કાર્યક્રમ રૂપે પરસ્પરને અપશબ્દોથી નવાજવા માંડે છે ત્યારે સૌ ગાળોને ટપી જાય, દિદિ ‘મહાત’ થઈ જાય એવી જે ગાળ ‘અંતિમતાપૂર્વક’ દાંત કચકચાવીને ગોગો ઉચ્ચારે છે તે છે ‘Crritic! (વ્વિવેચક!)’ એનું વિસ્મરણ આપણને ભાગ્યે જ પોસાય.

અમદાવાદ : ૯-૮-૧૯૮૫
‘સાયુજ્ય’, સંપા. સુરેશ જોષી (૧૫ ઑગસ્ટ, ૧૯૮૫)માં છપાયું.
‘કાવ્યાનુશીલન’-ઉમાશંકર જોશી, ૧૯૯૭માં પ્રકાશિત