સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ચુનીલાલ મડિયા/પંથ વિનાનો પંથ


૧૩
પંથ વિનાનો પંથ

પ્રેમ... બે જ અક્ષરનો સાવ સાદો સરળ શબ્દ, પણ સંસારમાં એ કેવું ઘમસાણ મચાવે છે એ ઈશ્વર પેટલીકરની નવલકથા ‘પ્રેમપંથ’ વાંચનારને પાનેપાને પ્રતીત થાય છે. કથામાંનું એક પાત્ર વિશાખા કહે છે : ‘...પ્રેમના વિરાટ સ્વરૂપને આપણે ઓળખ્યું નથી. એનું એકાદ અણકલ્પ્યું પાસું જોતાં આપણે આશ્ચર્ય અનુભવીએ છીએ ત્યાં સુધી તો ઠીક છે, પણ આઘાત અનુભવીએ છીએ ત્યારે એના એ રૂપની કદર કરવાનું ચૂકી જઈએ છીએ. પ્રેમ અગ્નિસ્વરૂપ પણ છે, એટલે એનાથી કોઈ દાઝે છે ત્યારે મીરાંબાઈની જેમ આઘાતમાં ગાય છે :

જો મેં ઐસા જાનતી,
પ્રીત કિયે દુઃખ હોય;
નગર ઢિંઢોરા કહાવતી,
પ્રીત ન કીજો કોય.

‘પરન્તુ, એ જ પ્રેમનું અમૃતપાસું પણ છે. એનો સ્વાદ ચાખનાર એનાં ગુણગાન કરતાં તૃપ્તિ જ અનુભવતો નથી. પ્રેમરૂપી હીરાનાં અનેક પાસાં સમજીને જે એને ભજે છે તે મહાસુખ માણે છે. અને ન સમજનારા દૂર રહ્યાં દાઝે છે...’ પ્રેમના વિરાટનાં આ બે સ્વરૂપો—અગ્નિસ્વરૂપ અને અમૃતસ્વરૂપ—નો અનુભવ કરનાર પાત્રો વડે આ નવલકથા ઊભરાય છે. ‘ઊભરાય છે’ ક્રિયાપદ એના વાચ્યાર્થમાં પણ સાચું છે. ‘કોઈ સાર્વજનિક દવાખાનામાં જેમ દર્દીઓ ઊભરાય તેમ માતૃછાયામાં પોતાના સામાજિક પ્રશ્નોની દવા શોધતી સ્ત્રીઓ ઊભરાતી.’ માતૃછાયા સંસ્થા અંગેનું લેખકનું આ વર્ણન એમની નવલકથાને પણ એટલે જ અંશે લાગુ પડે છે. કથાની મુખ્ય નાયિકા જ્યુથિકા વાતવાતમાં એક સ્થળે જેને પ્રેમજ્વર કહે છે એ જ્વરથી પિડાતાં પાત્રોની, આ કથામાં કમીના નથી. અને એ જ્વર પણ એક જ પ્રકારનો નથી. (એવું હોત તો તો આ નવલકથા લખવાનું પ્રયોજન પણ શાનું રહેત?) દરેક પાત્રના પ્રેમજ્વરનો પ્રકાર એકબીજાથી જુદો છે. અને તેથી જ એમને માટે કર્તાએ યોજેલાં નિદાન-ચિકિત્સા તથા એને અનુરૂપ દવાદારૂ પણ જુદાં જુદાં જ છે એ રીતે જોઈએ તો નવલકથા વિવિધ જિન્સીશાસ્ત્રીય તથા સમાજશાસ્ત્રીય સમસ્યાઓ ધરાવનારાં પાત્રોની ‘કેઇસ-હિસ્ટરી’ની એક દળદાર ફાઇલ બની રહે છે. આમાં કુંવારાં, પરણેલાં, માંડેલાં, છાંડેલાં, ભાંગેલાં, નાસી છૂટેલાં, ફરી પાછાં વળેલાં, ઠંડાં, ગરમ, તરુણ, મુગ્ધ, યુવાન, પ્રૌઢ, વૃદ્ધ, જોડાં, સજોડાં, કજોડાં, સગવડિયાં, તાલમેળિયાં, ગુપ્તલગનિયાં, ગંધર્વ લગનિયાં, પ્લેટોનિક-લગનિયાં, પશુ-લગનિયાં, આદિ તરેહતરેહનાં માણસોનો જબરો જમેલો જામ્યો છે. અને છતાં આ નવલકથાનું નામ છે ‘પ્રેમપંથ’. પણ એમાં જ તે ‘કલા’ રહેલી છે. કથા વાંચનારની આંખ સામે એક વિરાટનગરનું ચિત્ર ઊપસે છે. આ પ્રેમનગરમાં સહુ પ્રવાસીઓ પ્રેમ નામના પદાર્થની ખોજમાં નીકળ્યાં છે. પણ પ્રેમ વેચનારી બજાર ને એની હાટડીઓ ક્યાં આવી એની કોઈને જાણ નથી. (એક મરાઠી બોલપટના ગાયનની તૂક યાદ આવે છે : પ્રીતિ મિળેલ કા હો બાઝારી...) કોઈ અજાણ્યા શહેરમાં આવી ભરાયા જેવી એ પાત્રોની સ્થિતિ છે. આ નગરની રચના એવી છે કે એમાં કોઈ સીધોસપાટ આસ્ફાલ્ટનો રાજમાર્ગ નથી. સઘળા માર્ગો, વિથિઓ અને ગલીકૂંચીઓ એક અજબ જિટલ ભૂલભૂલામણી રચી રહે છે. પ્રેમપંથના આ યાત્રીઓને—બલકે શોધકોને—સહાય કે દિશાસૂચન કરવા માટે ટ્રાફિક પોલીસ તરીકે તરેહતરેહનાં માણસો કામગીરી બજાવતાં જણાય છે : સમર્થલક્ષ્મી જેવાં જૂનવાણી ગૃહિણી વડીલોની દોરવણી તળે પરણી જવાનો માર્ગ બતાવે છે, પણ જ્યુથિકા જેવી નવયુવતીને એ માર્ગ ‘ઢોરની ગુજરી’ ભણી દોરી જતો જણાય છે. દુખિયાંઓના વિસામા સમી માતૃછાયા સંસ્થા અને એમનાં મંત્રી નિર્મળાબેન કે પ્રમુખ મીનાકુમારીબેન વળી જુદા જ માર્ગો બતાવે છે. પણ એ લત્તો વળી ઢોરની ગુજરી નહિ તો શક્કરવારી ગુજરી જેવો લાગે છે. ત્યાં પ્રેમનો ભંગાર જ વધારે પ્રમાણમાં એકઠો થાય છે. માતૃછાયા સંસ્થા એ ભગ્ન ને ખંડિત ક્લેવરોને સાંધાસુંધી ને રેણ-રિપેરની મરામત જ કરે છે. આ થાગડથીગડ પ્રવૃત્તિમાં એમને કાવાદાવા ને કોરટબાજીનો પણ આશરો લેવો પડે છે, અને એમાં જ્યુથિકા જેવી નવોદિત ને નરહરિપ્રસાદ જેવા વયોવૃદ્ધ વકીલો અવૈતનિક ધારાશાસ્ત્રીની સેવાઓ આપે છે. આ નગરનું માહાત્મ્ય એવું છે કે એમાં ટ્રાફિક પોલીસ તરીકે પોંડિચેરી આશ્રમના સાધકો—શ્રી અરવિંદ અને શ્રી માતાજી સુદ્ધાં—દૂર બેઠેબેઠે, રિમોટ કન્ટ્રોલની ઢબે, પ્રેમપંથીઓની ચેતના જાગૃત કરીને પોતાની ફરજ બજાવતાં રહે છે. ભૂદાનયજ્ઞ માટે ભારતમાં દૂર દૂર પદયાત્રા કરી રહેલા વિનોબા ભાવે પણ પ્રત્યક્ષ નહિ તો પત્ર મારફત નરહરિપ્રસાદ જેવાના વૃદ્ધલગ્ન બાબતમાં દિશાસૂચનની ફરજ બજાવી ચૂકે છે. ઉપરાંત, મિલમાલેકો, મિલમાલેકણો, વકીલો, પત્રકારો, અવેતન રંગભૂમિનાં નાટકિયાંઓ, ચેટકિયાંઓ, વૃત્તાંતનિવેદક, સામાજિક કાર્યકરો, અને રાધાબાઈ જેવી રસોયણો સુદ્ધાં આ પ્રેમપદાર્થની પ્રાપ્તિમાં પોતાનો યત્કિંચિત્‌ ફાળો આપી રહે છે. અને છતાં એ પ્રેમ નામનો પદાર્થ કોઈનેય પ્રાપ્ત થાય છે ખરો? લેખકે નવલકથાના નામકરણથી માંડીને એના અંતિમ નિર્વહણ સુધીમાં જાણ્યે કે અજાણ્યે પણ એક કાતિલ વ્યંગ યોજ્યો છે. કથામાંની એક ઉકિત અનુસાર આ જાથુકી પાત્રસૃષ્ટિ એના સર્જક સમક્ષ, ‘દાયણ આગળ પેટ ન છુપાવાય’ એમ સમજીને પોતાની સઘળી સમસ્યાઓ અને સઘળી ‘પેટછૂટી’ વાતો કહી દે છે : એક જ આશાએ, કે સર્જક એમને પ્રેમનો પંથ દાખવશે. પણ લેખક એમને જે રસ્તો ચીંધે છે એ તો પેલા જાણીતા કાવ્યના શીર્ષક જેવો – ‘પંથહીણ પંથ’ છે. એ માર્ગે તૈયાર પ્રેમપદાર્થ રેઢો નથી પડ્યો. આ નવલકથાના ઉપરણા ઉપર ચિત્રકારે આલેખ્યો છે એવો કોઈ ધોરી રાજમાર્ગ જેવો પંથ કથામાંથી નથી મળતો. એ ચિત્રમાં એક યુગલ જે આસાનીથી પ્રેમપંથે આગેકૂચ કરતું બતાવાયું છે એટલી આસાનીથી બે પૂઠાં વચ્ચેની સૃષ્ટિમાં કોઈ પાત્રો પ્રેમનો લક્ષ્યવેધ નથી કરી શકતાં. વડીલ-યોજિત લગ્નોને ઢોરની ગુજરી કહીને ધુત્કારી કાઢતી, આંતરિક પ્રતિભાની આગ્રહી, નવયુવતી જ્યુથિકાને કથાના આખરી પ્રકરણમાં વયોવૃદ્ધ, પિતાતુલ્ય વકીલ નરહરિપ્રસાદ જોડે સ્વેચ્છાએ જ સંલગ્ન થવા દઈને લેખક આખીય પાત્રસૃષ્ટિને ‘બનાવી ગયા’ છે. છેલ્લું પ્રકરણ લખી રહ્યા બાદ કર્તા જાણે કે આ પાત્રો ભણી મૂછમાં હસી રહ્યા છે : ‘લેતાં જાઓ! કેવાં બનાવ્યાં તમને! તમે અહોનિશ પ્રેમ પ્રેમ ધૂણી રહ્યાં છોને, તો લો, આનું નામ પ્રેમ, અને આ એ પ્રાપ્ત કરવાનો પ્રેમપંથ!’ મોટાભાગની પાત્રસૃષ્ટિનો અણસાર તો પેટલીકરે પોતાનાં અસીલોમાંથી જ ઊંચક્યો જણાય છે. વળી લેખક પોતે પત્રકાર અને સામાજિક કાર્યકર રહ્યા, એટલે જિવાતા સામ્પ્રત જીવનની પણ ઘણી ઘટનાઓને કથામાં ગૂંથી લે એ સમજી શકાય એમ છે. જ્યુથિકા એ રમણલાલ વસંતલાલ દેસાઈની તેજસ્વી ‘અર્વાચીના’ઓની નાતની છે. એનામાં રમણલાલી રસિકતા કરતાં પેટલીકરશાઈ બળવાખોરી અને સુધારકવૃત્તિની માત્રા વિશેષ જણાય છે. એક દૃષ્ટિએ રમણલાલની રંજન અને પેટલીકરની જ્યુથિકા એક જ પંગતમાં બેસી શકે એવી છે. ‘દિવ્યચક્ષુ’માં રંજન આખરે અંધ અરુણને પરણે છે, તો અહીં જ્યુથિકા વયોવૃદ્ધ નરહરિપ્રસાદને પ્રેમપૂર્વક પરણે છે. અહીં ગુજરાતનું આ પ્રકારનું એક વિખ્યાત લગ્ન વાચકોને યાદ આવશે જ. એમ તો, શેરલોક હોમ્સનું સામર્થ્ય ધરાવનારાં વાંચકો આ કથામાંથી અમદાવાદની ઘણી યે સંસ્થાઓને અને વ્યક્તિઓને ઓળખી કાઢે તો નવાઈ નહિ. કેતકી ખૂનખટલા પરથી સૌરાષ્ટ્રના એક પુત્રવધૂ ખૂનખટલાના કાવાદાવા તાજા થાય છે. આ દસ્તાવેજી સામગ્રીઓમાંનાં પાત્રો, સ્વાભાવિક જ, અખબારી કાપલીઓ જેવાં ચપટાં, દ્વિપરિમાણ ધરાવનારાં છે. એ પાત્રોનો ઉપયોગ પણ લેખકે પોતાનાં અમુકતમુક મંતવ્યોને પુષ્ટિ આપવા પૂરતો જ કર્યો છે. જૂના કથાકારો અને પુરાણીઓ મૂળ કથાનકના ધ્વનિને પુષ્ટ કરવા આડકથાઓ અને ઓઠાં આપતા, એમ અહીં પણ લેખકે પ્રેમ કે લગ્નના અમુક પાસાને વધારે ઉઠાવ આપવા કોઈ કોઈ સ્થળે એનો વિરોધાભાસ પણ યોજ્યો છે. અને એવી સમતુલા યોજવામાં તેઓ આવાં ‘દૃષ્ટાંતો’ આપતા રહે છે. વિશાખા જિન્સી દૃષ્ટિએ ઠંડી સ્ત્રી છે, તો એને સામે પડછે બકુલાનો પતિ ગણપત પણ એ જ પ્રકારનો પુરુષ છે. આવાં તો આ નવલકથામાં જથ્થાબંધ ગૌણ પાત્રો છે એમની કનેથી લેખકને તાત્કાલિક કથાપ્રવાહ કે પ્રસંગ પૂરતી અછડતી કામગીરી લેવા સિવાય વિશેષ ગરજ નથી. જે પાત્રોની એમને વિશેષ અને સતત ગરજ રહે છે, એ તો આપમેળે જ પેલાં અખબારી છાપચિત્રો મટીને ત્રીજું પરિમાણ પ્રાપ્ત કરી રહે છે. જ્યુથિકા અને નરહરિપ્રસાદ એનાં ઉદાહરણો છે. અમુક અંશે સમર્થલક્ષ્મી તથા ભાઈસાહેબ પણ એ વર્ગનાં પાત્રો છે. રાધાબાઈ રસોયણ એ ગૌણ છતાં જીવંત, ધબકતું પાત્ર બન્યું છે. મીનળ કથાના આરંભમાં એક વર્ગીય પાત્ર જેવી લાગે છે, પણ અંત ભાગમાં અન્ય પાત્રોની જેમ એ પણ કર્તાના દોરીસંચારને ન ગાંઠતાં સ્વયંસ્ફુરણથી વર્તવા માંડે છે, અને એમાં જ આ કલ્પનાસૃષ્ટિના સર્જકની બલિહારી છે. પ્રેમ પાછળ આંધળી દોટ મૂકી રહેલાં આ પાત્રો વચ્ચે એક વ્યક્તિ જુદી તરી આવે છે. એ છે, મૂળ મુંબઈગરી પણ સ્વેચ્છાએ જ ઢોરની-ગુજરી-ઢબે સતીશ વેરે પરણીને સમર્થલક્ષ્મીની પુત્રવધૂ બનેલી પ્રતિભા. આમ તે એ ગોવર્ધનરામની ગુણસુંદરીનું ૧૯૫૯નું મૉડેલ છે, પણ આ કથામાં એ ગુણસુંદરી ઉપરાંત ઘરની ધારધણી થઈને અલકકિશોરી પણ બનવા મથે છે અને એ રીતે ‘ડબલ રોલ’ની ભૂમિકા ભજવે છે. પ્રેમમાં પરવશ બનેલી આ સૃષ્ટિમાં એકમાત્ર પ્રતિભાનું જ કાળજું ઠેકાણે લાગે છે. અભિનેતા અવિનાશ પાછળ પાગલ બનેલી મીનળને જયંત તરફ વાળવા માટે શ્રી માતાજીની શ્રદ્ધાનો ઉપચાર પ્રતિભાને જ સૂઝે છે, અને એ માટે એ મીનળ તથા સમર્થલક્ષ્મીને છેક પોંડિચેરી સુધીનો પ્રવાસ કરાવે છે. આ ગણતરીબાજ ગુણસુંદરી નણંદોની જીવન-શતરંજમાં સૂક્ષ્મ ગણતરીઓ કરી કરીને ચાલ ચલાવવા મથે છે, અને કથાના મધવહેણ સુધી તો એને એમાં સારી સફળતા પણ મળતી જણાય છે. પણ પ્રેમપંથમાં ગણતરી વડે ડગ ભરનારાં કદી આગળ વધી શકે ખરાં? જ્યુથિકા અને મીનળ આખરે આ ઉસ્તાદ ભાભીને જીવનશતરંજમાં ‘શીંહ’ કરીને આગળ નીકળી જાય છે. કથાના આરંભમાં લાગતું હતું કે જ્યુથિકા અને મીનળ જેવા બબ્બે સાપના ભારા વેંઢારનાર ભાઈસાહેબ કથાન્તે દયાજનક ‘વિલન’ બની રહેશે. પણ છેવટ જતાં, વધુ સફળ સમર્થ ને સુખી પાત્ર ભાઈસાહેબ જ સાબિત થાય છે અને ‘વિલન’ તરીકેનો ફજેતો પેલી ડાહીડમરી, ઠાવકી, ઠરેલી પ્રતિભાનો જ થઈ રહે છે. પ્રેમના સ્વભાવમાં જ કશુંક એવું છે કે એમાં બહુ લાંબી ગણતરીઓ કરનારાં ગોથાં જ ખાય, એમાં તો યા હોમ કરીને ઝુકાવનારાઓ જ જીતે. સિંધુમાંથી મોતી લેવા ઝુકાવનાર મરજીવાઓમાં તો જે મરણ આંગમે તે ભરે મૂઠી...... એ દૃષ્ટિએ જોતાં, ભાઈસાહેબની બંને પુત્રીઓને પ્રેમનાં મોતી સાંપડી રહ્યાં છે. જ્યુથિકા ભલભલા યુવાનોને કોરે મૂકીને નરહરિપ્રસાદ સાથે સંલગ્ન થઈ. મીનળે પણ છેક છેલ્લી ઘડીએ જયંત જેવા સમકક્ષ ભદ્રવર્ગી ધનિકને જતો કરીને અવિનાશ જેવા અલગારી અભિનેતાને વરમાળા આરોપી, પુત્ર કુમારપાળે ઇંગ્લૅન્ડમાં અંધ યુવતીને પોતાની વાગ્દત્તા તરીકે સ્વીકારી. ત્રણેય કિસ્સાઓ બાપોકાર જાહેર કરે છે કે હજાર-લાખ ગણતરીઓ પણ હૃદયના અવાજની તોલે કાંઈ વિસાતમાં નથી. આ ‘હૃદય’ની વાત ઉપર વધુ પડતો ઝોક આપવામાં જોખમ પણ છે. જેને નામે આટલો શોરબકાર થઈ રહ્યો છે એ ‘પ્રેમ’ જેવી કોઈ ચીજ ખરેખર અસ્તિત્વ ધરાવે છે, કે પછી કવિ લોકોએ ચગાવેલો એ એક ગબારો જ છે? આવા જ કોઈ પ્રશ્નથી પ્રેરાઈને પેરિસના એક સામયિકે થોડાં વર્ષ પહેલાં એક સંવિવાદ યોજેલો અને એમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોએ આખરે જાહેર કરેલું કે જિન્સી જીવન અને લગ્નજીવનનું ચાલકબળ પ્રેમ નહિ પણ ‘હોર્મોન’ જ છે, હૃદય નહિ પણ હોર્મોનની જ આ સઘળી લીલા છે. ‘પ્રેમપંથ’ના લેખકે લગ્નજીવનની જિન્સી બાજુને અવગણી નથી. વિશાખા અને બકુલાનાં દામ્પત્ય જિન્સી દુર્મેળને પરિણામે જ છિન્નભિન્ન થતાં દર્શાવાયાં છે. અન્ય પાત્રોની જિન્સી જરૂરિયાતોનો પણ લેખક ડગલે ને પગલે સ્વીકાર કરે જ છે. લગ્ન કર્યા વિના પણ છડેચોક પતિપત્ની તરીકે જીવનારા મનસુખલાલ–ભાનુબેનનો કિસ્સો આ જિન્સી ક્ષુધાનો જ મુકદ્દમો રજૂ કરે છે. મુંબઈવાસી ભ્રમર જયંતને અનુલક્ષીને લેખકે યોજેલું એક પ્રકરણશીર્ષક ‘શુનિમન્વેતિ શ્વાઃ’ બહુ સૂચક છે. એ શબ્દો આ કથામાંની ૯૯ ટકા જેટલી પાત્રસૃષ્ટિને લાગુ પડી શકે એવા છે. પણ બાકીના એક ટકા માટે લેખક જાણે કે બાઈબલમાંની ઈસુખ્રિસ્તની લઢણે કહેતા સંભળાય છે : ‘માનવી કેવળ હોર્મોન વડે જ નહિ જીવી શકે.’... એટલે કે એને હૃદયનો પણ ખપ પડશે જ. હૃદય આમ તો રક્તાભિસરણના પમ્પ સિવાય બીજી કશી કામગીરી નથી બજાવતું. પણ માનવજીવનની કેટલીક ઉમદા પ્રવૃત્તિઓનું એ ચાલકબળ બની શકે છે, એ હકીકતની પ્રતીતિ, સાઠી વટાવી ચૂક્યા બાદ જ્યુથિકાના જીવનને ખાતર પોતાનો ‘વૈધુર્યભંગ’ થવા દેનાર નરહરિપ્રસાદના પાત્રમાંથી સાંપડી રહે છે. કોઈ વાચક પોતાની પ્રેમવિષયક કે લગ્નવિષયક સમસ્યાના ઉકેલની આશાએ આ નવલકથા વાંચશે તો એ નિરાશ થશે. લેખકે પ્રણય તેમ જ પરિણય અંગેની એકેએક સંભવિત સમસ્યા છેડી છે, પણ એકેય સમસ્યાનો એમણે તૈયાર સીધોસુતર ઉકેલ નથી રજૂ કર્યો. એ દૃષ્ટિએ આ નવલકથા જિન્સી કે સામાજિક સુધારણાનો નિબંધ મટીને એક કલા-કૃતિની કક્ષાએ પહોંચી શકે છે. સામાન્ય રીતે સમાજસુધારણા ઉપર ઝોક આપનાર પેટલીકર માટે સમસ્યાના ઉકેલો ન સૂચવવાનો આ સંયમ પ્રશંસાપાત્ર ગણાય. કદાચ એમ પણ હોય કે આ કથામાં એમણે વિષય જ એવો લીધો છે, કે જેની સમસ્યાઓ સીધાં સમીકરણોને ગાંઠે જ નહિ. પ્રેમના ગણિતમાં કોઈ ત્રિરાશી કે પંચરાશી સાચી નથી પડતી. એવો આ કથાનો ધ્વનિ છે. આ નવલકથા ‘જનમટીપ’ના લેખકની ક્રમિક ઉત્ક્રાન્તિની દૃષ્ટિએ પણ અવલોકવા જેવી છે. ‘જનમટીપ’ પેટલીકરનું બે દાયકા પહેલાંનું સર્જન હતું. આજે ભીમા અને ચંદાની એ ગ્રામસૃષ્ટિથી તેઓ ઘણા વેગળા નીકળી ગયા છે. લેખક ઘણી વાર વાતવાતમાં કહે છે કે આજે હું ઇચ્છું તો પણ જનમટીપની દુનિયા ભણી પાછો ન વળી શકું... અને એમ કરવાની જરૂર પણ નથી. સર્જક પોતાની કીર્તિદા કૃતિનું પુનર્લેખન ન કરે એમાં પ્રમાણિકતા છે. આજે તો, પેટલીકરની નાયિકાઓએ ચંદામાંથી જ્યુથિકા સુધીની ઉત્ક્રાન્તિ સાધી છે. એ દૃષ્ટિએ જોતાં કર્તાની આંતરસૃષ્ટિનું પણ નગરીકરણ થઈ ગયું જણાય છે. આવું પરિવર્તન હજી વધારે નવલકથાકારોના કિસ્સામાં પણ થવા પામે તો ગુજરાતી નવલકથા ગ્રામજીવનના કૌતુકપ્રિય કાવ્યાભાસી આલેખનમાંથી મુક્ત થઈને સૌષ્ઠવપ્રિય અને વાસ્તવલક્ષી બનવાની આશા બંધાય છે. ‘પ્રેમપંથ’ વાંચનારને એક વાતની તો પ્રતીતિ થશે જ કે લેખકે નગરજીવનનું એની સઘળી કક્ષાઓને ઝીણી નજરે નિરીક્ષણ કર્યું છે. વિશાખાએ મુંબઈવાસી અંગ્રેજ કનેથી બારસો રૂપિયા ચૂકવીને ખરીદેલ એલ્સેશિયન ઓલાદની કૂતરી અસૂ પણ લેખકની ચકોર નજરની બહાર નથી રહી શકી. ઔદ્યોગિક ક્રાંતિમાંથી પસાર થઈ ચૂકેલા અમદાવાદ અંગે લેખક લગીરેય ભ્રમમાં નથી. એમની કલમ ઉદ્યોગો, અખબાર, સમાજસેવકો સઘળાને ચાબખા લગાવતી ચાલે છે. એ દૃષ્ટિએ આ કથા સામ્પ્રત શહેરી જીવનનું એક દસ્તાવેજી ચિત્ર પણ બની રહી છે. ‘જનમટીપ’ સર્જનાર કલાકાર અત્યારે તો સામ્પ્રત જીવનવહેણમાં એવા તો ગળાબૂડ છે કે એ જીવનવહેણને તીરે ઊભીને એનો નિર્લેપતાથી તાગ લેવાનો એમની કને ઝાઝો અવકાશ રહેતો નથી. તેથી જ, ‘પ્રેમપંથ’માં પેટલીકર અંતર્મુખ કરતાં બહિર્મુખ વિશેષ દેખાય છે. પણ એ બહિર્મુખતાની માત્રા ઘટશે અને અંતર્મુખતા વધશે તેમતેમ તેઓ પ્રેમના અગ્નિસ્વરૂપ કે અમૃતસ્વરૂપ કરતાંય એની અનંત રહસ્યમયતાને વધારે વાચા આપી શકશે. પ્રેમ આમ તો દુનિયાભરનાં સાહિત્યમાં અત્યંત ચવાઈ ગયેલી વસ્તુ છે. અને છતાં એ હરહંમેશ કલાકૃતિઓ માટે નિત્યનવો વિષય બનતો જ રહે છે એનું કારણ પણ એની રહસ્યમયતામાં જ રહેલું છે. કથાનાયિકા જ્યુથિકાને મુખેથી લેખકે એક સ્થળે કટાક્ષમાં કહેવરાવ્યું છે : ‘પ્રેમ તો ઈશ્વર જેવો સર્વવ્યાપક છે.’ આ કટાક્ષોક્તિ વાસ્તવમાં તો સત્યોક્તિ છે. ઈશ્વરના અસ્તિત્વને નકારનારાઓ પણ પ્રેમમાં રહેલી દિવ્યતા તો સ્વીકારે જ છે. ‘પ્રેમપંથ’માં કર્તાએ પ્રેમની માનવ બાજુનું તો આમૂલ અવગાહન કરી બતાવ્યું છે. હવે પ્રેમની દિવ્ય બાજુનું દર્શન કરાવવાનું પેલા કલાકારને આહ્‌વાન આપીએ. જુલાઈ ૮, ૧૯૬૦

(‘ગ્રંથગરિમા’)