સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નવલરામ પંડ્યા/દેશી પિંગળ

૫. દેશી પિંગળ

છંદનાં સ્વરૂપ સમજાવનારા શાસ્ત્રને પિંગળ કહે છે. સંસ્કૃતમાં પ્રથમ એ શાસ્ત્ર પિંગળ નામના નાગે રચ્યું, તે ઉપરથી એ આચાર્યનું નામ જ એ શાસ્ત્રવાચક થઈ પડ્યું છે. પિંગળનાગે દર્શાવેલ છંદો સિવાય પાછળથી એ શાસ્ત્રમાં ઘણા છંદો વધારવામાં આવેલ છે, અને વ્રજ ભાષામાં તો મૂળ સંસ્કૃતમાં જણાયેલા નહિ એવા ઘણા છંદો લખાયા, તથા એ છંદોનું નિરાકરણ થયું, તો પણ તે વિષયના ગ્રંથો પિંગળ નામથી જ ઓળખાતા આવે છે. કોઈપણ પિંગળમાં જેનાં નામ શોધ્યાં ન જડે એવા ઘણી તરેહના પદ્યબંધ ગુજરાત પ્રાંતમાં અસલથી આજપર્યંત ચાલ્યા આવ્યા છે, એ કોઈને અજાણ્યું નથી. એ પદબંધને દેશી કહે છે, કેમ કે બીજા પ્રાંતોમાંથી અથવા સંસ્કૃતમાંથી એ રીતો આવી નથી, પણ આપણા પ્રાંતોની ખાસ રીતિઓ છે. કેટલાએક લોકો પ્રેમાનંદ વગેરે વાર્તિક લખનાર જે રૂપનું પદબંધ કરી ગયા છે તેને જ દેશી કહે છે, અને સંગીત કવિતાની રીતિને દેશી કહેવા ઇચ્છતા નથી. એ વિચારે તો ગરબી, ધોળ, પદ, પ્રભાતિયાં વગેરે જે અનેક દેશી રીતિઓ છે તેને દેશી નહિ કહી શકાય. અમારા મતે તો એ પ્રમાણે એ શબ્દનો સ્વાભાવિક અર્થ ખરો હોય તો અમે એને સાંકેતિક અર્થમાં વિસ્તીર્ણ રીતે વાપરીએ છીએ એમ જાણવું. પિંગળપ્રદર્શિત રીતિ વિના જેટલી રીતિ ગુજરાતમાં ચાલે છે તેને અમે દેશી કહીએ છીએ.

આખા હિંદુસ્તાનમાં બે તરેહના પદ્યબંધ ચાલે છે, એક સંસ્કૃત અને એક દેશી. દક્ષિણમાં ઓવી, અભંગ, કટાવ વગેરે ચાલે છે તે ત્યાંના દેશી પદ્યબંધ જ છે; અને વ્રજભાષામાં દોહરા, ચોપાઈ, છપય, કુંડળિયા, કવિત વગેરે ઘણી રીતિઓ ચાલે છે તે પણ ત્યાંની દેશી જ છે. માત્ર વ્રજભાષામાં કાવ્યશાસ્ત્ર વધારે ખેડાયાથી ત્યાંના પંડિતોએ દેશીઓનું પૃથક્કરણ કરીને તેના નિયમો બાંધ્યા, અને એમ સંસ્કાર પમાડી તેને છંદ એવા શાસ્ત્રીય નામે પિંગળમાં જગા આપી. ગુજરાતની એકે દેશી હજી એવો સંસ્કાર પામી નથી. કદાપિ સોરઠો ગુજરાતમાંથી વ્રજપિંગળમાં ગયો હોય, તોપણ એને સંસ્કાર પમાડનાર તો બેશક વ્રજભૂમિ જ હશે.

ગુજરાતી કવિતા તો બધી દેશીમાં જ લખાઈ છે એમ કહેવામાં કાંઈ ઘણી અતિશયોક્તિ નથી. દયારામભાઈના વખત સુધી તો પ્રાચીનકાળથી ગુજરાતી કવિઓ દેશીમાં જ લખતા આવ્યા છે. માત્ર સામળ કવિએ જ વ્રજદેશના થોડાએક છંદ સર્વત્ર ઠેકાણે વાપર્યા, અને દેશીનો ત્યાગ કર્યો. એને અનુસરી બે ત્રણ કવિઓ કોઈ કોઈ વખત પરદેશી પદબંધને પોતાની કવિતામાં વાપરી ગયા છે. બાકીના બીજા તો ગરબી, ધોળ કે બીજી જાતની દેશીમાં જ પોતાની વાણી પ્રકાશ કરી ગયા છે. હાલના વખતમાં છંદનો કાંઈ વધારે પ્રસાર થવા લાગ્યો છે ખરો. કવિ દલપતરામે પ્રથમ છંદનો સામળ કરતાં ઘણો વધારે ઉપયોગ કીધો, અને ઘણા માત્રામેળના તથા કેટલાએક અક્ષરછંદથી ગુજરાતીઓને જાણીતા કીધા. પછી નર્મદાશંકરે તો અક્ષરછંદનો મહિમા ઘણો જ ગજાવ્યો. એવામાં નર્મદાશંકર, દલપતરામ, અને હીરાચંદનાં પિંગળ બહાર પડ્યાં, અને છંદનું જોર મજબૂત પાયા ઉપર આવ્યું. એ સ્થિતિમાં સ્વાભાવિક રીતે દેશી લખનારાઓ હલકા ગણાવા લાગ્યા, અને છંદમાં લખવું એ કવિનું પરમ પુરુષાર્થ છે એમ માનવામાં આવ્યું. તે છતાં પણ દેશીઓનું પ્રબળ બહુ ઓછું થયું એમ સમજવામાં બહુ ભૂલ છે. એ કદાપિ કોઈને આશ્ચર્ય જેવું લાગશે, પણ નિઃસંશય ખરું છે કે છંદનો એ પ્રમાણે ગુજરાતમાં અપૂર્વ પ્રસાર કરાવનારા કવિઓ નર્મદાશંકર અને દલપતરામની કવિતાનો પણ ઘણો ભાગ છંદમાં નથી, પણ દેશીઓમાં જ છે. એ બેઉની અજમાયશ ઉપરથી એ તો સિદ્ધ જ થઈ ચૂક્યું છે કે સંગીત કવિતામાં તો દેશીઓ જ રહેવાની, અને મોટા કાવ્યમાં અક્ષરછંદ બધે ફતેહમંદીથી ગુજરાતીમાં વાપરી શકાય એ વાત પણ અસંભવિત સરખી બધાને લાગે છે. અર્થાત્‌ દેશીઓ ગુજરાતીમાં ઘણી વપરાતી આવી છે. અને આગળ પણ વપરાવાની જ. વળી હાલ પ્રાચીન કવિતાનો અભ્યાસ નિશાળોમાં દાખલ થયો છે, અને તેથી તે કવિતાનાં બંધારણ જાણવાની ઘણી જરૂર છે. એ સઘળાં કારણોને લીધે એ દેશીઓનું પિંગળ રચાવું હાલ અવશ્ય થઈ રહ્યું છે. આ બારીક વિષય ઉપર અમે થોડું થોડું લખવાનો વિચાર રાખીએ છીએ. આ જાતનો ગુજરાતી ભાષામાં પ્રથમ જ પ્રયત્ન થાય છે, અને તેથી આશા છે કે વિદ્વાન મિત્રો એનું ઉદાર દૃષ્ટિથી અવલોકન કરશે. એક ભાષાનું પ્રથમ વ્યાકરણ રચવું એ કઠિન અને મહાભારત કામ છે. વ્યાકરણ રચનારને બોલાતી ભાષાનું ઘણું જ અવલોકન કરવું પડે છે, અને જો અવલોકન કરવામાં કોઈ ખામી રહી જાય છે તો તે દોષ તેને આગળ નડ્યા વિના રહેતો નથી. જેમ દૂધમાંથી અતિ શ્રમે માખણ નીકળે છે તેમ ભાષામાંથી ભાષાના નિયમ ખેંચી કાઢતાં પરિશ્રમ અને બુદ્ધિબળનો બહુ જ ખર્ચ કરવો પડે છે. એ સઘળી મુશ્કેલીઓ પેલાં પિંગળકારને નડે છે, અને તેમાં વિશેષ એ કે તેને ઘણી જ શ્રવણશુદ્ધિ અને કાવ્યશાસ્ત્રની સ્વાભાવિક સમજ જોઈએ છીએ. જો તેનો કાન જરા પણ કાંઈ ભૂલ કરે તો તેની બધી રચના મિથ્યા જાય, અને જો તે છંદશાસ્ત્રના ઊંડા મર્મ સમજતો ન હોય તો દેશીઓની ખરી પદ્ધતિને ખોટી ગણી સ્વછંદી નિયમ જ ગોઠવવા તત્પર થઈ જાય. અમે જાણીએ છીએ કે ગુજરાતમાં છંદશાસ્ત્રનું જ્ઞાન ઘણું જ થોડું છે, તે છતાં જે બે ચાર વિદ્વાન મિત્રો એ વિષયમાં નિપુણ છે તેમને આર્જવપૂર્વક વિનંતી કરીએ છીએ કે એ વિષયમાં જ્યાં પણ કોઈ મતભેદ જેવું લાગે ત્યાં અમને સૂચવતા આંચકો ખાવો નહિ. અમારો હેતુ દેશીઓનું પૃથક્કરણ કરી ખરા નિયમ બાંધવાનો છે, મતભેદ ખેંચવાનો નથી. દેશીપિંગળનો આરંભ કરવાની પૂર્વે પિંગળશાસ્ત્રનાં સામાન્ય મૂળતત્ત્વ સમજવાં જોઈએ. પિંગળના ગ્રંથોમાં તે શાસ્ત્રના વિશેષ નિયમો બહુ આપ્યા હોય છે, પણ સામાન્ય મૂળતત્ત્વને બિલકુલ છેડતા જ નથી. આ છંદમાં આટલી માત્રા, ગણ, તથા આ ઠેકાણે યતિ, અને આ છંદમાં આ પ્રમાણે, એ બહુ જ વિસ્તારથી લખ્યું હોય છે, એટલે સુધી કે ગુજરાતીઓને મન પિંગળનો અર્થ નકામું લાંબું કથન જ થઈ રહ્યો છે. પણ તેનાં કારણ લેશમાત્ર પણ આપતાં નથી. પિંગળના મૂળ સમર્થ ગ્રંથકારો એ કારણોથી અજાણ્યા હતા એમ અમારો કહેવાનો હેતુ નથી; એથી ઊલટું તેઓએ કેટલાએક સૂક્ષ્મ નિયમો બાંધ્યા છે તે ઉપરથી સાફ લાગે છે કે તેઓ એ કારણ બરાબર જાણતા હતા; પણ આપણા સઘળાં શાસ્ત્રોના ગ્રંથોની પેઠે પિંગળમાં બોધનશૈલી જ વાપરી છે, અને શોધનનો જરા પણ ઉપયોગ કીધો નથી, તેથી કારણોની સમજ તે સમજનારમાં જ રહી, અને પાછળથી તો ઘણા પિંગળપાઠી વેદપાઠીના જેવા જ વિવેકરહિત થયા. પિંગળ એ પદ્યરચનાનું શાસ્ત્ર છે, ત્યારે પ્રથમ જ એ પ્રશ્ન ઊઠે છે કે પદ્ય એટલે શું? ઘણા લોકો પદ્ય ને કવિતામાં શો ભેદ છે તે ન સમજી તે બંનેને એકરૂપ ગણે છે, પણ ખરું જોઈએ તો દેહ અને આત્મા એ બે જેવી નિરાળી વસ્તુ છે, તેવી જ કવિતા પદ્યથી જુદી જ વસ્તુ છે. કવિતા અર્થમાં રહેલી છે, અને પદ્યરચના શબ્દના ધ્વનિમાં રહેલી છે. અજાણી ૫રભાષાના પદ્યની ખૂબી આપણે અનુભવી શકીએ, પણ તે ભાષા સારી પેઠે ભણ્યા સિવાય તેનો કવિતારસ ક્યારે પણ સમજાવાનો નહિ. એ વાત ખરી કે કવિતા અને પદ્ય બહુધા જોડે જ જોવામાં આવે છે. અને કવિતાનો સંપૂર્ણ સમાવેશ પદ્ય વિના બીજા રૂપમાં થઈ શકતો નથી, તોપણ એ નિરાળી વસ્તુઓ છે એ જાણવું બહુ અગત્યનું છે. પદ્ય કવિતા વિનાનું હોય, અને ગદ્યમાં કવિતારસ કેટલોએક તો ઘણી વાર આવી શકે છે. પદ્ય જેમ એક બાજુએ કવિતાની હદમાં પેસી જાય છે, તેમ બીજી બાજુએ તે સંગીતની હદમાં જતું રહે છે. ઘણા લોકો ગાયન ને પદ્ય એકરૂપ જ ગણે છે. અને ખરેખર એ બે વચ્ચેનો ભેદ તો ઘણો જ સૂક્ષ્મ છે. એ બન્ને એટલે પદ્યશાસ્ત્ર અને સંગીતશાસ્ત્રને અર્થની સાથે કામ નથી, પણ શબ્દના ધ્વનિ સાથે કામ છે. એ શબ્દમાધુર્યના નિયમોનાં શાસ્ત્ર છે, અને ખરું જોઈએ તો સંગીતશાસ્ત્રનો જ પદ્યશાસ્ત્ર એક વિષય છે. સંગીતશાસ્ત્રના બે વિષય છે – સ્વર અને તાલ : સ્વર એ સંગીતશાસ્ત્રનો ખાસ વિષય છે, અને તાલનું જ્ઞાન એ બંનેમાં જોઈએ છીએ. હાલ આપણામાં જે કવિતા ગણાય છે તેમાં અવશ્ય કાંઈ સ્વરભેદ થાય છે ખરો, પણ તે એટલો નથી કે સંગીતશાસ્ત્રની ગણતરીમાં ગણવાજોગ કહેવાય, અને જેમ જેમ ભાષાઓ વધારે ખેડાતી જાય છે તેમ તેમ તેનું વલણ એ સ્વરભેદ દૂર કરવા તરફ છે. ઘણી ખેડાયેલી ભાષાઓમાં, જેવી કે ઇંગ્રેજી, વ્રજ વગેરેમાં છંદ ગવાતા નથી પણ બોલાય છે. પંડિતકવિઓની ક્ષણે ક્ષણે અનેક રસમાં ઊડતી વાણીને ગાયનનો એક રસ ઉદ્દીપન કરવાને બદલે તેને પ્રતિકૂળ થઈ પડે છે, માટે પદ્યની વ્યાખ્યા એમ કરીએ તો ચાલે કે શબ્દના ઉચ્ચારણ સંબંધી સ્વરભેદ વિના બીજા કાંઈ નિયમો રાખીને જે રચના કીધી હોય તે પદ્ય. ગદ્યમાં શબ્દરચના અર્થ અને વ્યાકરણના નિયમને અનુસરી જ કરવામાં આવે છે, પણ પદ્યમાં તે ઉપરાંત શબ્દના સ્વરૂપ ઉપર જ, અને તે સ્વરૂપના સંયોગે ઘડાતા શ્રવણમાધુર્ય ઉપર અવશ્ય ધ્યાન આપવામાં આવે છે. દુનિયામાં પદ્યરચનાનાં બે ધોરણ જાણવામાં આવ્યાં છે. એ બે સિવાય બીજાં છે, પણ તે આ બેના પેટામાં જ મૂકી શકાય છે. મુખ્ય તો એ રીત છે કે પદ્યની પ્રત્યેક લીટીના અમુક ભાગ પાડ્યા હોય તો તે દરેક ભાગને બોલતાં સરખો જ કાળ જાય. એ રીતે સરખો કાળ જવાથી ઉચ્ચારણ નિયમિત થાય છે, અને કાનને સ્વાભાવિક રીતે જ પ્રિય લાગે છે. એ પ્રત્યેક કડકો બોલતી વખતે કાંઈ ભાર મૂકવામાં આવે છે, અને એ કડકા સમાન કાળ અંતરે હારબંધ સ્વરનો કડકો લેતા લેતા હારબંધ ચાલ્યા જાય છે. કાંઈ વધારે બોલવાનું આવે છે ત્યારે એમ કહેવાય છે કે લીટી અથવા ચરણ પૂરું થયું. અને એવા ચરણના અમુક જૂથને છંદ કહે છે. ઘણું કરીને આપણા દેશના છંદ ચાર ચરણના હોય છે. સંગીતકવિતા વિના ત્રણચરણી શ્લોક જોવામાં આવતો નથી, પણ બેચરણી દોહરો અને છચરણી છપ્પો તો બધે પ્રસિદ્ધ છે. ઉપર કહ્યું તે સિવાય બીજી રીત પદ્યરચનાની છે. પ્રથમની રીત તો આપણા દેશની સામાન્ય રીત છે એટલે ઉદાહરણ વિના પણ સમજાઈ હશે. તથાપિ આ રીતનું ઉદાહરણ વિના સ્પષ્ટીકરણ કરવું અશક્ય છે. ઇંગ્રેજી વગેરે કેટલીએક યુરોપીયન ભાષાઓમાં એ ચાલે છે. સંસ્કૃત, ગ્રીક, લેટિન, સઘળી હિંદુસ્તાની પ્રાકૃત, આર્બી વગેરે ઘણી પ્રાચીન અને અર્વાચીન ભાષાઓમાં પહેલી રીત ચાલે છે. એ બધાના પદ્ય સમકાળી વિભાગની ઉપર આધાર રાખે છે. પણ એ સમકાળી વિભાગ કઈ ભાષાઓમાં થઈ શકે કે જેના ઉચ્ચારણમાં હ્રસ્વદીર્ઘનો ભેદ ચોખ્ખો રહેલો છે. ઇંગ્રેજી ભાષામાં એ ભેદ ચોખ્ખો નથી, અને લિપિ તો એ ભેદ સમજતી જ નથી, ત્યારે એવી ભાષાઓએ પદ્યરચનાની બીજી યુક્તિ કાઢી છે, અથવા ખરું જોઈએ તો સંસ્કૃત, ગ્રીકમાં જે ઊંચી પદ્ધતિ ચાલતી હતી તેની સ્વસામર્થ્યને અનુકૂળ પડતી એક અપભ્રંશ રીત પકડી છે. એ બે ભાષાઓએ સમકાળી નિયમ સિવાય એક વધારે નિયમ સ્વીકાર્યો હતો. સમભાગમાં અક્ષરસંખ્યા પણ સરખી જ રાખતા હતા, કે તે ભાગ સઘળી રીતે સરખા જ થઈ જાય. એ વિશેષ નિયમ એ ભાષાઓએ રાખ્યો. પ્રત્યેક ભાગમાં જેમ ભાર મૂકવામાં આવતો હતો તેમ મૂકવાનું કાયમ રાખ્યું, પણ સમકાળની વાત પોતાની અશક્તિ જાણી છોડી દીધી. એ રીત આપણને એવી નવી છે કે વખતે એમ પણ લાગે કે એમાં તે પદ્યપણું ક્યાં રહ્યું, તો પણ એ રીતથીયે કેટલુંએક શબ્દમાધુર્ય સંપાદન થઈ શકે છે, અને કવિતારસનો ભાગ બેશક તે ઝીલવાને સમર્થ છે; ટૂંકામાં સમકાળ ભાગની, અને સમસંખ્યા વર્ણવાળા ભાગની એવી બે રીતિઓ પદ્યરચનાની છે. હવે ગુજરાતી દેશીઓનું બંધારણ કઈ રીતિનું છે? પહેલી કે બીજી? એ જાણવું બહુ જ અગત્યનું છે, પણ એનો ઉત્તર કાંઈ અઘરો નથી. બીજી રીતિએ અક્ષરના સામ્ય ઉપર તો દેશીઓ નથી રચાઈ. એ તો જરા કોઈ મહેનત લઈને ગમે તે દેશીનું પૃથક્કરણ કરશે તો તેને ઝટ માલમ પડશે. એક લીટીમાં સોળ અક્ષર માલમ પડશે તો બીજીમાં ચૌદ, અને ત્રીજીમાં ૨૦, અને ચોથીમાં અઢાર. અક્ષરનો નિયમ છે જ નહિ. ત્યારે માત્રાનો નિયમ હોવો જોઈએ જ, કેમકે જો તે નિયમ પણ નહિ હોય તો તે એ પદ્ય જ નથી, અને જો પદ્ય જ નથી તો ગાંધર્વો જે સારંગી નરઘાં લઈ ગાય છે, અને ગુજરાતીઓ હરખથી સાંભળે છે તે બધું પશુથી પણ અધમ પ્રાણીના જેવો ખેલ જ સમજવો. આ ઠેકાણે અમારે એક વાત સંભારવી જોઈએ. પદ્યના નિયમ પાળવા અને મજૂરની માફક મહેનતે માત્રેમાત્રા મેળવી જવી એ બન્ને જુદી જ વાત છે. ખરા કવિને માત્રા ગણવી પડતી નથી, ને ગણતા નથી જ, અને જગતમાં જેટલા મોટા કવિઓ થઈ ગયા છે તેમની વાણી સ્વાભાવિક જ છે. જેમ ગદ્યનો કોઈ પણ સારો લખનારો લખતી વખતે વ્યાકરણ નિયમનો વિચાર કરતો નથી, પણ પોતાની કલમને ઉછાળાબંધ મનના વેગની પછાડી ફેંકતો ચાલ્યો જાય છે, તેમ કવિઓના મુખારવિંદમાંથી સરસ્વતી આપોઆપ ખળખળાટ ચાલી જ જાય છે, અને તે વખતે પિંગળશાસ્ત્રના બંધનમાં ચાલું છું એમ તેને લેશમાત્ર પણ માલમ પડતું નથી. એ ખરું કે એટલો સ્વચ્છંદ વેગ છતાં પિંગળશાસ્ત્રનું બંધન બરાબર જળવાય છે. પણ તે તો સ્વાભાવિક રીતે જ તેનાથી થઈ જાય છે. જેમ સાધારણ લોકોથી બોલતાં અને વિદ્વાનોથી લખતાં વ્યાકરણ નિયમ સહજ પળાઈ જાય છે, તેમ ખરા કવિની ઊભરાતી વાણીમાં સ્વાભાવિક જ પિંગળનિયમ રહેલા છે. ખરે, જો એ પિંગળનિયમ એ પ્રમાણે સ્વાભાવિક નહિ હોય તો પછી એ શાસ્ત્ર જ શેનું, અને એને માન્ય પણ કોણ કરે? ઉપર કહ્યું તે પ્રમાણે ગુજરાતી કવિઓ સ્વાભાવિક જ કવિતા કરી ગયા છે, અને તેમાં કાંઈ નિયમ હોવા જ જોઈએ. પણ ફક્ત સ્વાભાવિક રીતે જ અને શાસ્ત્રની સહાયતાની સાથે જે કામ કરવામાં ફેર પડે છે તે બેશક અહીંયાં નજરે પડે છે. શાસ્ત્રના નિયમ જાણવાથી કળા સંપૂર્ણ થાય છે. પદ્યનો લખનાર લખતી વખતે વ્યાકરણનિયમ ખોળીખોળીને લખતો નથી, તે છતાં વ્યાકરણજ્ઞાનથી તેનું લખાણ નિર્દોષ જ થાય છે. તેમ સ્વાભાવિક કવિઓ પિંગળ ન ભણ્યા હોય તો છૂટ વધારે લે, એટલે તે પોતાના ઉત્સાહમાં જે અક્ષર લઘુ બોલાતો હોય તેને ગુરુ કરે, અને ગુરુને લઘુ કરે, અને તેને ખબર ન પડે કે હું આ ઠેકાણે છૂટ લઉં છું. તેનો કાન તો તેના ઉચ્ચારણ પ્રમાણે પદ તાલબંધ છે કે નહિ તે કહે, પણ જ્યાં તેનું ઉચ્ચારણ જ ભાષાના નિયમથી ઊલટું હોય તો ત્યાં તેને કોઈ સહાય કરી શકતો નથી. ખરું કે એના ઉચ્ચારણ પ્રમાણે એ લીટી તાલબંધ જ છે, તથાપિ બીજા વાંચનારે જો ઉચ્ચારણ ભિન્ન કીધું તો તે ઝટ તૂટવાની. આ ઠેકાણે શાસ્ત્રનો અભ્યાસ ખપમાં આવે છે, એ પિંગળ જાણતો હોય તો સમજે કે આ ઠેકાણે દીર્ઘ ઉચ્ચારણ હું કરું છું. પણ ભાષામાં તો હ્રસ્વ છે જો. આટલું જ્ઞાન તેના ઉપર હમેશાં અંકુશરૂપ રહેવાનું, અને છૂટ લઉં છું એમ સમજ્યો કે તેને જેમ બને તેમ થોડી જ છૂટ લેવાનું મન થવાનું. સંસ્કૃત કવિઓ ઘણું કરીને કાંઈ જ છૂટ લેતા નથી. વ્રજભાષાના કવિઓ ઇકાર ને ઉકારવાળા અક્ષર સિવાય બીજે ઠેકાણે થોડી જ લે છે. અને આપણા જૂના ગૂર્જરકવિઓ તો સઘળા સ્વાભાવિક કવિ જ છે, એટલે મરજીમાં આવે ત્યાં અને મરજીમાં આવે તેટલી છૂટ લે છે, તે છતાં તેમનું લખાણ નિયમિત છે એ તો નિઃસંશય જ, પણ ઉચ્ચારણની છૂટ ઘણી લીધી છે. સારા કવિઓમાં એ છૂટ પણ ઘણી નથી, અને જ્યાં છે ત્યાં રસમાં વધારો કરનારી છૂટ છે. પણ એ વિષય આગળ કાંઈક વિસ્તારથી આવશે.

૧૮૭૩