સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નીતિન મહેતા/કાવ્યભાષા

૨. કાવ્યભાષા

સાહિત્યકૃતિ એ પદાર્થ નથી, એક જીવંત અનુભૂતિ છે. વાચને વાચને તેની ભાષાથી ભાવકની ચેતના તરફ તે વહે છે. અને તેની ચેતનાને ભાવક, કવિએ કરેલી સમ્યક્‌-શબ્દયોજનાથી, અજવાળે છે. સર્જકને મજા આવે છે માટે લખે છે. શબ્દને ગોઠવવાની, તેનાં નવાં નવાં સંયોજનો-વિયોજનો કરવાની, તેને સાદૃશ્ય-વિરોધ સંગતિ, તેનાં અર્થ-આરોહ-અવરોહ, લય – આ બધાંની અલગ અલગ ડિઝાઇનમાં ગોઠવણી કરવાની તેને મજા આવે છે. માટે સર્જક શબ્દ સાથે, શબ્દમાં અને શબ્દથી ક્રીડા કરે છે. સર્જક ભાષા સાથે અને ભાષાની અંદર રહીને આ કામ કરે છે. ઇમ્પ્રોવાઇઝેશન્સ તે સદા કર્યા જ કરતો હોય છે. કૃતિએ કૃતિએ આ ક્રીડાનું સ્વરૂપ બદલાય છે. પોતાની આજુબાજુ ઉચ્ચારાતી, જીવાતી ભાષાની અનેક ઉક્તિઓનું કેલિડોસ્કોપ એની પાસે છે તેથી આ જગતને તે સજીવતાથી સ્પર્શી શકે છે. તેનો હાથ ફરતાં આ ડિઝાઇન બદલાય છે, જગત બદલાય છે અને શબ્દો પ્રથમ વાર કવિતામાં જન્મ પામે છે. આ રમતનો નિર્હેતુક આનંદ સર્જન અને ભાવન બંને પક્ષે છે. કવિતામાં ભાષા બોલે છે, દેખાડે છે અને અનુભવ કરાવડાવે છે. ભાષા એ અસ્તિ છે. ભાષા એ સંરચના કે discourse હોવાની સાથે સર્જકની અનેક વિશૃંખલ ચેતનાનાં પ્રતિરૂપો છે અને વાચનની પ્રક્રિયા દરમિયાન ભાવકની અનેક ચેતના જોડે અનુસંધાન અને વિચ્છેદ બંનેની બેવડી પ્રક્રિયાઓ એક સાથે જ સાધતી આવે છે. કૃતિના ભાષા-વિશ્વને સંક્રમણની પદ્ધતિઓથી અને કવિએ યોજેલી રચનાપ્રક્રિયાની પ્રતીકાત્મકતા પદ્ધતિઓથી પામી શકાય. હાઇડેગરે વિશિષ્ટ સંદર્ભમાં કહ્યું છે કે Language is the house of Being. અનુભવ અને ભાષા સામસામા છેડાનાં તત્ત્વો નથી. ભાષામાં અનુભવ ઓગળી ગયો હોય છે. અનુભવની વાત ભાષાક્રીડા દ્વારા કાવ્યમાં રચાતી આવતી હોય છે. આથી જ ભાષાની મુદ્રાથી જીવનની મુદ્રાઓ કે સંરચનાઓ પામી શકાય છે. નવ્યવિવેચનથી વિઘટનવાદ સુધીની બદલાતી વિવેચનાની વિભાવનાના કેન્દ્રમાં ભાષાનો મુદ્દો વિવાદને સ્થાને રહ્યો છે. રશિયન સ્વરૂપવાદીઓ, સોસ્યુર અને યાકોબસન જેવા ભાષાવિદોએ કાવ્યના સંદર્ભમાં જે વિચાર-વિમર્શ કર્યા તેની અસર પણ એક બાજુથી જોઈ શકાય છે. ભાષાના મુદ્દાની આજુબાજુ સર્જકો, વિવેચકો, સમાજવિજ્ઞાનીઓ, ફિલસૂફો, માનવશાસ્ત્રીઓ અને નૃવંશશાસ્ત્રીઓ ટેબલ પર હાથ પછાડતા રહ્યા છે, ક્યારેક તો એવું લાગે છે કે વિભાવનાઓના જંગલમાં ભાષાનો શિકાર કરવા નીકળેલાઓ બધા ભૂલા પડ્યા છે કે આપણને ભૂલા પાડી રહ્યા છે! નવ્યવિવેચકને આ જ ભાષાના મુદ્દા પર જમણી બાજુના બારણેથી હાંકી કાઢવામાં આવ્યો હતો પણ સંરચનાવાદી, વિઘટનવાદી કે ભાવન-ભાવકકેન્દ્રી વિવેચનાએ અથવા તો ‘પ્રોએટ્રી એઝ ડિસ્કોર્સ’ની વાત કરનાર તેને પાછળના ડાબી બાજુના બારણેથી બોચી પકડીને પ્રવેશ એક કે બીજી રીતે આપતા રહ્યા છે. ભાષાનો લય (ડૉ. ભાયાણીના મતે વર્ણસંવાદ) અને તેની સામે ભાષાકીય સંરચનાગત અર્થને મૂકવામાં આવે છે. વિવેચનામાં આ પાસાંને અનુલક્ષીને ઘણા વિતંડાઓ થતા રહ્યા છે. અનુભવ અને અભિવ્યક્તિના કોઈ કેન્દ્ર પર આ ચર્ચાઓ વિકસતી વિફળતી જોવા મળે, ‘ભાષાને શું વળગે ભૂર’ અખાની આ ઉક્તિને ખોટી રીતે સમજતા-સમજાવતા અને ભાષા એ જ વાસ્તવને રચતું અસ્તિત્વ છે એવું કહેતા અભિપ્રાયો પાછળ દરેકનાં પોતાનાં કારણો છે, માન્યતાઓ અને પૂર્વગ્રહો છે, તેને પુરવાર કરવાની તર્કલીલાઓ, રૂપકગ્રંથિભરી કથાઓ છે. આ નિમિત્તે દરેકને કશું કહેવું છે. હજી ભાષા ઉપર વિવેચન, ફિલસૂફી અને ભાષાવિજ્ઞાનની પરિભાષાઓનાં આક્રમણ થતાં રહેશે. ખમતીધર છે ભાષા. સંકુલ પણ. અભેદ્ય. કાવ્યમાં કવિએ યોજેલી વિવિધ નિરૂપણ-પદ્ધતિ (ટેકનિક્સ ડિવાઇસ) કલ્પન, પ્રતીક, મિથનો વિનિયોગ, અલંકાર-યોજના, છંદસ-અછાંદસના સ્તરે વિવિધ પ્રકારના સીધા સંકુલ વાક્યઘટકો, વિરામચિહ્નો, સંદર્ભો, સંસ્કારો, વગેરેને પોતાના વક્તવ્યમાં રસકીય સ્તરે, અનુરૂપ ગોઠવવાની જે આશ્ચર્યભરી રમત છે તે સર્વનો ‘કાવ્યભાષા’ એવા બૃહત્‌ પરિપ્રેક્ષ્યમાં વિચાર કરવાનો હોય (અહીં મધ્યકાલીન કવિતા અને લોકસાહિત્યની કવિતાનો વિચાર જુદા સંદર્ભમાં કરવાનો હોય. મૌલિકતા, વ્યક્તિચેતના, પાઠંતરો ઇત્યાદિ પ્રશ્નો તેની સાથે સંકળાયેલા છે.). આ કાવ્યભાષા સમયનાં અનેક પરિમાણો અને અર્થઘટનોના સંકેતો વ્યક્ત કરે. વાચનની ક્ષણે. શબ્દ કવિને પડકાર રૂપે મળે છે અને શબ્દની સમ્યક્‌ સંદર્ભયુક્ત યોજનાથી કાવ્ય તેના સમગ્ર રૂપે વ્યંજિત થતું હોય છે. અહીં જ વારંવાર પ્રશ્ન પૂછાય છે, આ શબ્દ કવિ ક્યાંથી લાવે છે? આમ કાવ્યભાષા અને વ્યવહારભાષાના સંબંધની તપાસ આરંભાય છે. શબ્દાંતરે પૂછાતા આ પ્રશ્નના જવાબો અલગ સમયે, અલગ રીતે, સર્જકો, વિવેચકો, મીમાંસકો દ્વારા અપાતા રહ્યા છે. તેમાંના કેટલાક જોઈએ : કાવ્યભાષાની એક દસ્તાવેજી મુદ્રા તૈયાર થઈ જાય; તે રૂઢ, નિષ્પ્રાણ કે લપટી પડી જાય ત્યારે વ્યવહારભાષામાંથી નવતર પ્રયોગો અપનાવી સર્જક તેને સમૃદ્ધ કરે. પ્રચલિત ભાષાના પ્રયોગો નવા જ સંદર્ભમાં કાવ્યમાં આવી જુદો જ અર્થ પ્રગટાવે. કવિ શબ્દ જોડે આપણાં જે-તે પ્રકારનાં સાહચર્યો, ભાવપ્રતિભાવ સંસ્કારો હોય છે તેને ગાળી નાખે અને વ્યવહારભાષાના વિનિયોગથી તેને સમૃદ્ધ પણ બનાવે. આને જ વાલેરી જેવા કવિ Language in language કહે છે, અને પ્રાચીન અલંકાર શાસ્ત્રીઓ ‘કાંતિગુણ’ કહે છે. વ્યવહારની ભાષામાંથી આવતા શબ્દો કાવ્યમાં આવે ત્યારે તેનું એક કાર્ય મુખ્યાર્થ પાસે પૂરું થાય છે. અને તે જ શબ્દો સંદર્ભબળે કાવ્યમાં પાસે પાસે મુકાય છે અને કાવ્યનો પ્રતીયમાન અર્થ નિષ્પન્ન થાય છે. અહીં એ યાદ રાખવાનું છે કે શિષ્ટભાષા જોડે કવિનો કોઈ વિરોધ હોતો નથી. કાન્ત જેવા કવિએ તેની શક્યતાઓ દર્શાવી કાવ્યત્વ સિદ્ધ કર્યું જ છે પણ આ ભાષા પાંડુરોગી છે એમ પણ કહેવાયું છે. કેટલાકને મતે વ્યવહારભાષા અને કાવ્યભાષાને અલગ માનવાનું કોઈ કારણ નથી. ઇઝાબેથ હંગરલૅન્ડની દૃષ્ટિએ કાવ્યભાષા તેમ જ શાસ્ત્રીય ભાષા નિત્યની ભાષાનાં રૂપાંતર પામેલાં વિશિષ્ટ રૂપો છે. કાવ્યના અર્થની શોધમાં બે પાસાં કામ કરે છે, જુલિયા ક્રિસ્તેવાની દૃષ્ટિએ સંજ્ઞાથી પ્રતીક સુધી કવિએ પહોંચવાનું છે. કવિતામાં ખાસ વિશિષ્ટ પ્રકારની જ ભાષા હોવી જોઈએ એ મતને તેના અંતિમે જઈ સ્વીકારીએ તો રોજબરોજની આપણી ભાષાના ઘણા બધા પ્રદેશો બાકાત રહી જાય. અમુક જ શબ્દો કવિતામાં પ્રયોજાય, અમુક ન પ્રયોજાય. જો આ માન્ય રાખીએ તો એક નિશ્ચિત રૂઢિગત ભાષાનું માળખું હાથવગું તૈયાર થાય. કોઈ પણ ભાષાનો ઉપયોગ કાવ્યમાં થવો જોઈએ. આ સંદર્ભમાં સિતાંશુ યશશ્ચંદ્રનાં મગનકાવ્યોની ભાષા તથા ‘પ્રલય’, ‘ભાષા’, ‘ઘેરો’, અને ‘જટાયુ’ની ભાષા તપાસી શકાય. લાભશંકર ઠાકરની ‘તડકો’, ‘પ્રવાહણ’ અને ‘લઘરો’ની ભાષા પણ તપાસી શકાય. ભાષાનાં બે સ્વરૂપોમાં કામ કરતા રાજેન્દ્ર શુક્લની ગઝલોની ભાષાને પણ અહીં યાદ કરીએ. વિરહકાવ્યમાં માત્ર સંસ્કૃત પદાવલિ જ પ્રયોજાય તેવો આગ્રહ ન રાખી શકાય. રાવજી પટેલ જેવો કવિ ‘એક બપોરે’માં વિરહનું સંવેદન તળપદી ભાષાયોજનાથી ઉત્કટતાથી આલેખી શકે છે. ‘લઘરો’ કાવ્યોમાં આશ્ચર્ય, ઇનકાર અને વિડમ્બનાની ભાષાનાં સ્તરો લાભશંકર ઠાકરે લીલયા પ્રગટાવ્યાં છે. કાવ્યમાં અપભાષાથી આર્ષભાષા સુધીના અનેક પ્રદેશો આવરી લેવાતા હોય છે. વૈજ્ઞાનિક પરિભાષા, અશ્લીલભાષાનો વિનિયોગ ચેક કવિ મીરોસ્લાફ હોલુબનાં કાવ્યો, એલન ગિન્સબર્ગની કેટલીક રચનાઓ, મરાઠી કવિ અરુણ કોલ્હટકર તથા નામદેવ ઢસાળની કવિતાઓની કાવ્યભાષા આ સંદર્ભમાં તપાસી શકાય. કાવ્યભાષામાં જે ચૈતન્ય છે તે બોલાતી ભાષાનું જ છે એ અર્થમાં કવિતા વ્યવહારની ભાષાથી દૂર ન જઈ શકે અને દૂર જાય તો તેનાં માઠાં પરિણામ આવે. પ્રતીકવાદનાં કેટલાંક કાવ્યો આનાં ઉત્તમ દૃષ્ટાંતો છે. વ્યવહારની ભાષાના અનુભવ કરતાં કવિતાનો અનુભવ ઉત્કટ હોય છે? આના બે જવાબ છે. ભાષાવિજ્ઞાનીએ આપેલા અને સાહિત્ય વિવેચકે તથા રસમીમાંસકે આપેલા. એક પોતાની વિભાવનાને તપાસવા સાધન તરીકે સાહિત્યભાષાનો ઉપયોગ કરે છે, બીજા કૃતિના સંદર્ભમાં તેનાં સૌંદર્યત્મક અને પ્રતીકાત્મક પાસાંઓની તપાસ કરે છે. બંનેનાં કારણો, તપાસની ભૂમિકાઓ અલગ અલગ છેડાનાં છે. સુરેશ જોષી કહે છે કે, ‘કવિ વ્યવહારની ભાષામાંથી શબ્દો લે, તેને તોડેફોડે, તેનું ઝારણ કરે, નવે રૂપે ફરી આપણને આપે. આમ કવિ એ કીમિયાગર છે.’ કવિતાની ભાષા પોતાનું counter grammar કે aesthetics રચે તો બીજી બાજુ રૂઢિપ્રયોગો, બોલાચાલની ભાષાની લઢણો – આ બધાંને સૂક્ષ્મતાથી તપાસીશું તો વ્યવહારની બોલચાલની ભાષા માત્ર વાચ્યાર્થના સ્તરે કામ કરે છે તે અભિપ્રાય ફેર-તપાસ માગી લેશે. આપણે રોજબરોજના વ્યવહારમાં લક્ષણાનો ઉપયોગ નથી કરતા એમ તો નહીં જ કહીએ. કાવ્યમાં ધારો કે, કોઈને સપાટી પરના જીવનની વાત કરવી છે તો ત્યાં તે વાચ્યાર્થનો એક પ્રયુક્તિ તરીકે વિનિયોગ કરશે. ખાસ કરીને વ્યંગ-કટાક્ષ, સપાટી પરની એકવિધતાને નિરૂપવા માટે વ્યવહારની લઢણોનો, વાચિક સ્ખલનોના સ્તરે રહી, આગવો સંદર્ભ નિરૂપવા કવિઓએ વિનિયોગ કર્યો છે. સિતાંશુ યશશ્ચંદ્રના મગનકાવ્યો, લાભશંકર ઠાકરનાં લઘરા વિશેનાં કાવ્યો, રાવજી પટેલનું ‘સ્વ.હુંશીલાલની યાદમાં’ જેવી રચનાઓ જોઈ શકાય. ભાષાવિજ્ઞાનીઓએ સામાન્ય વ્યવહારની referential ભાષાનો ઊંડો અભ્યાસ કર્યો છે. ચોમ્સ્કીના મતે તો ભાષાનો અભ્યાસ એ ભાષામાં રહેલાં સાર્વત્રિક અને સર્વવ્યાપી તત્ત્વોનો અભ્યાસ છે. બધી ભાષામાં કેટલાક સમાન ગુણો હોવાના અને તેના મૂળમાં જગતને જોવા-જાણવાની માનવજાતની જન્મસિદ્ધ ખાસિયત રહેવાની. તેમના મતે કવિતા પણ ‘સાહિત્ય’ સંજ્ઞા હેઠળની જનરલ કેટેગરીમાં આવે. આ અને આવા મતોની મુશ્કેલીઓ ઘણી છે. કવિને પણ બાહ્યજગતની સાથે અનિવાર્ય સંબંધ છે અને ભાષા સ્વયં સંસ્કૃતિ છે તથા બૃહત્‌ વાસ્તવની અને સંસ્કૃતિની એક કૃતિ છે તેવું સૂચવવું છે. આ દિશામાં સંરચનાવાદ અને અનુસંરચનાવાદમાં મહત્ત્વનું કામ પણ થયું છે. ‘ડિઝાયર ઇન લૅંગ્વેજ’માં જુલિયા ક્રિસ્તેવાએ ખૂબ જ પાયાનું કાર્ય કર્યું છે તેની નોંધ પણ લઈએ. વ્યવહારની ભાષા ઘણી રીતે કવિને પડકારે છે. કવિ અને ભાષા વચ્ચે સતત મુકાબલો થાય છે. પછી વાચ્યાર્થને ઓળંગી, સંદર્ભના બળે, અનેક અર્થઘટનોમાં વિકસતી કવિતાની ભાષા અદ્‌ભુત જાદુઈ પુષ્પવત્‌ બની રહે. આમ જોઈએ તો સર્જક તો પરંપરાગત ભાષા અને રોજબરોજની ભાષા બંનેથી બચવાનું છે. બંનેનું વર્ચસ્‌ વિરુદ્ધ દિશાનું છે. બંને વચ્ચે સમતોલન તો ભાગ્યે જ સંભવી શકે. ભાષા પોતે કાવ્યાત્મક કે અકાવ્યાત્મક હોતી નથી, આ ભેદ વાહિયાત છે. શબ્દોના અર્થો કાવ્યના સંદર્ભથી નવાં નવાં પરિણામો સિદ્ધ કરતા હોય છે. શબ્દ માત્ર હોય છે. કવિ તેનો અવાજ તરીકે, પ્રાસની રમત તરીકે, પ્રલાપ, તરીકે, લયની વિવિધ રમતો તરીકે વિનિયોગ કરતો હોય છે. આ અર્થમાં કાવ્ય સ્વયં ભાષા તરીકે બોલે છે. દિવસ દરમ્યાન અનેક ભાષાઆક્રમણો સર્જક પર પણ થતાં હોય છે. તેમાંથી બચી જઈ, સર્જકે પોતાની નિજી મુદ્રાવાળી ભાષા, હઠપૂર્વક, ઉપજાવી લેવાની હોય છે. અતિશયોક્તિનો આશરો લઈ કહી શકાય છે કે આપણે ચારેબાજુથી કવિતાથી ઘેરાયેલા છીએ. બાળજોડકણાં, રેડિયો અને ટી.વી.ની જાહેરાતો, સંસ્થાકીય-રાજકીય ચૂંટણીઓના સૂત્રોચ્ચારો, પોપગીતો, સિનેમા, સંગીત – આ બધામાં વ્યવહારની ભાષાની કવિતા મોટાભાગે ઊંડાણવિના, પથરાયેલી પડી છે એવું વ્યાપક વિધાન દેખીતી રીતે કરી શકાય. સાધારણ રીતે જાહેરખબરોમાં કવિતાની ભાષાનો, તેના લયનો વિનિયોગ થાય છે. અહીં અર્થનું પાસું લગભગ દૂરની વાસ્તવિકતા બની જાય છે. અહીં ક્રમ તો વિરુદ્ધ ગતિનો હોય છે. તેથી તે સ્થિર અને એકાર્થી હોય છે. અહીં કાવ્ય સાધ્ય વસ્તુ નથી, સાધન છે. પણ એ જ જાહેરખબરની ભાષા જ્યારે કાવ્યમાં એક પ્રયુક્તિ તરીકે આવે, રચનારીતિના અનિવાર્ય અંગ તરીકે આવે છે ત્યારે રૂપાંતર પામી કાવ્યભાષા બનતી હોય છે. સાથે સાથે કેટલાક કૃતક કવિઓ આધુનિક કાવ્યનાં બધાં ઓજારોથી સજ્જ થઈ કાવ્યાત્મક સ્તરે કામ કરી રહ્યા છે એવો દેખાડો કરતા હોય છે. તેઓ બધી યુક્તિ-પ્રયુક્તિઓ જાણે છે પણ કાવ્યના લોહી સાથે તેનો સંબંધ જોડાતો નથી. શરીર નકામી વસ્તુઓને સંઘરતું નથી તેમ આવી કૃતકતાને, બનાવટને કવિતા પણ ઉશેટીને ફેંકી દે છે. આ માટે પણ રચનારીતિની તપાસ અનિવાર્ય બને છે. દરેક યુગમાં શિષ્ટ, વ્યવહારુ અને કૃતક લઢણોવાળી કવિતાનો પ્રવાહ વહેતો જોવા મળે છે. ભાષા એ સંસ્કૃતિની સંપત્તિ છે. તેમાંથી ઉત્તમ, મધ્યમ, અવર કવિ અને કવિબ્રુવો કશુંક લે છે અને તેને અનેકગણું કરી પાછું આપે છે. જોકે આપવાની રીત ઘણી અલગ હોય છે. આમ આપણી ચારેબાજુ કવિતા જ છે. પાઠ્યપુસ્તકોમાં, મુશાયરાઓ-કવિસંમેલનોમાં, સ્કૂલ અને યુનિવર્સિટીની લાયબ્રેરી ભરીને સાચી-બનાવટી કવિતાઓ જ છે આપણી ગુજરાતી ભાષામાં. અન્ય ભાષામાં પણ.

કાવ્યનો અર્થ હંમેશાં વાચનની પ્રક્રિયાથી જ નિર્માણ પામતો હોય છે, રચાતો હોય છે. ભાષા પ્રજા પાસેથી આવે છે કવિના ચિત્તમાં, ત્યાંથી રૂપાંતર પામી આવે છે કાગળ પર અને ત્યાંથી ફરીફરી રૂપાંતર પામતી ભાવકની ચેતનાને, વાચનની ક્ષણે અજવાળતી રહે છે. હવે બે-ત્રણ રચનાનો સંક્ષિપ્તમાં નિર્દેશ કરીએ. સિતાંશુ યશશ્ચંદ્રની ‘પ્રલય’ કાવ્યરચનામાં સર્જન-વિસર્જન, નારી, કામ-મૃત્યુ, જાગતિક સંદર્ભમાં ભાષાનું લુપ્ત થવું અને ફરી ભાષાને પામવાની મથામણ કર્યા કરવી – આ ‘પ્રલય’ના મેટાફર દ્વારા કવિએ સિદ્ધ કર્યું છે. આ પ્રલય પાણીનો જ પ્રલય નથી પણ સંસ્કૃતિના થરેથરને વ્યાપી વળતો, નાશ કરવા તત્પર એવો પ્રલય છે. તેમાં સર્જનથી, ભાષાથી જ અંતે બચવાનું છે તે કવિએ અનેક ભાષાકીય સંરચનાઓથી કાવ્યમાં ઉઘાડી આપ્યું છે. આમ ‘પ્રલય’નો મેટાફર કાવ્યના તંતેતંતમાં મળી જાય છે. તેનાં ભાષાસ્તરો, વાક્યલઢણો, મધ્યકાલીન કથાઘટકો, બાળપાઠ, વિચલનો જોવાં-તપાસવા જેવાં છે. ભાષા, પરંપરા અને સર્જક ચેતના અહીં સમવાય સંબંધ રચતાં આવે છે. ભાષાને ભાષાથી જ ભૂંસી નાખવાની અને તેમાંથી જ ભાષા દ્વારા કાવ્યસર્જનની, અસ્તિત્વની ક્ષણભંગુરમાં ટકી રહેવાની મથામણ જોઈ શકાય છે. લાભશંકર ઠાકરકૃત ‘પ્રવાહણ’માં સર્જક-સર્જન તેની કુંઠા ભાષાની બદલાતી પરિપાટીઓથી સિદ્ધ થતું આવે છે. અહીં જીવાતી ભાષા સાથેના ગાઢ સંબંધને કવિએ અનેક રીતે પ્રગટાવ્યો છે. દિલીપ ઝવેરીના ‘મુંબઈ : એક પાંડુ પ્રહેલિકા’માં મધ્યકાલીન કથાઘટક ભાષા દ્વારા બે સમયનાં સંવેદનોને ભાવકની ચેતનામાં વિસ્તારે છે. પરંપરાપ્રાપ્ત ભાષાનો વિનિયોગ હરીશ મીનાશ્રુએ પણ તેની રીતિકાલીન વ્રજભાષાની છાંટવાળી ‘ધ્રિબાંગસુંદરકાંડ’ની કેટલીક રચનામાં લયનાં આવર્તનો-વિવર્તનો દ્વારા રૂપકની યોજનાથી, કર્યો છે. ‘હું ચા પીતો નથી’ એ ભૂપેશ અધ્વર્યુની કવિતા પણ ભાષાસંદર્ભે તપાસવા જેવી છે. કવિતાની ભાષાને તેના સ્થૂળ અર્થમાં નહીં પણ એક discourseરૂપે લેવાની છે. ભાષાથી જ વાસ્તવનાં અનેક અર્થઘટનો શક્ય બને છે અને સ્થળમાંથી સમયમાં કૃતિ ભાષાથી જ ગતિ કરે છે. પરંપરા અને વ્યક્તિચેતના વચ્ચે જે પ્રકારનાં આદાન-પ્રદાન થાય તે રીતે શબ્દોની યાત્રા સર્જકથી કાગળ પર, કાગળથી ભાવકના ચિત્ત સુધીની હોય છે. આમ બંનેની ચેતનાને જોડનાર, મૂંઝવનાર, આનંદ અને વેદનાથી છલોછલ કરનાર સૂત્ર તે ભાષા છે. ઉપર ઉપરથી અનિયંત્રિત અને અરાજકતાભર્યું દેખાતું આ બધું કાવ્યમાં અર્થ, લય, આકાર, વસ્તુવિચાર અને અર્થઘટનોના સ્તરે કાવ્યાત્મક સંગતિ રચે છે. અલબત્ત કાવ્યભાષા વિશે કોઈ સામાન્ય તારણો ન આપી શકાય, કારણ કે એની સામે બીજાં તારણો તલવાર કાઢીને ઊભાં જ હોય છે. છતાં માનવસંદર્ભ પૂરી વ્યંજનાથી કાવ્યભાષામાં પ્રગટે તે અનિવાર્ય જ છે. કવિતામાં કવિ આખરે તો માણસની જ ભાષા બોલતો હોય છે. સિતાંશુ યશશ્ચંદ્રની ‘ભાષા’ કવિતામાં આવે જ છે : ‘બોલ માણસ, માણસની ભાષા બોલ.’ કાવ્યભાષાના બે દુશ્મનો છે : એક તો ધર્મની ભાષા અને બીજી રાજ્યની ભાષા. આ બંનેના પડકારને કવિએ ઝીલવાનો છે. બંનેથી બચવાનું પણ છે અને નિજી મુદ્રા ઉપસાવતી ભાષાની શોધ કવિતા-કવિતાએ કરવાની છે.

(એતદ્‌, ઑક્ટોબર-ડિસેમ્બર, ૧૯૮૭)