સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/ઉમાશંકર જોશીનું સંશોધનકાર્ય
(૧) ઉમાશંકર જોશીનું સંશોધનકાર્ય
ઉમાશંકર જોશીનાં સર્જનેતર પ્રકાશનોમાં એમના સંશોધનગ્રંથો સૌથી વહેલા છે—‘અખો : એક અધ્યયન’ ૧૯૪૧માં અને પુરાણોમાં ગુજરાત’ ૧૯૪૬માં. અલબત્ત, એમના પહેલા વિવેચનસંગ્રહ ‘સમસંવેદન’ (૧૯૪૮)–માંના લેખો ૧૯૩૭ જેટલા પાછળના છે, ને એમાં ‘કાકાસાહેબની કવિતા’ (૧૯૩૭) જેવો આસ્વાદ-વિવેચનનો અને ‘સૉનેટ’ (૧૯૩૯) જેવો સ્વરૂપઅભ્યાસનો —એવા બે સુદીર્ઘ લેખો એમણે આરંભે જ આપ્યા હતા. અખા વિશેના અભ્યાસપ્રબંધનો આરંભ મોડામાં મોડો ૧૯૩૯માં થયાનું સમજાય છે.(જુઓ ‘અખો એક અધ્યયન’ની પહેલી આવૃત્તિના પ્રાકથનમાં એમના આ શબ્દો : પૂરાં બેત્રણ વરસ આ સૂકો ગણાતો કવિ મારા મગજનો કબજો લેશે એનો તો મને સ્વપ્નેય ભય ન હતો.’ જે સંશોધન ગ્રંથમાળાના ભાગ રૂપે આ પુસ્તક (અને પછી ૧૯૪૬માં ‘પુરાણોમાં ગુજરાત’ પણ) પ્રગટ થયું એની સરકારી મદદ પણ ગુજરાત વિદ્યાસભાને ૧૯૩૯ની શરૂઆતમાં મળી હોવાનો ઉલ્લેખ આ ગ્રંથના પ્રકાશકીય નિવેદનમાં થયેલો છે. એટલે એની આસાપાસ ઉમાશંકર જોશીએ આ કામ સ્વીકાર્યું-આરંભ્યું હોય એવી સંભાવના છે.) આમ, વિવેચન—સંશોધનનો આરંભ એમનામાં લગભગ એક સાથે જ થયો ગણાય. એ વખતે એમની ઉંમર ૨૭-૨૮ આસપાસ. સંશોધન જેવી કામગીરી માટે તો એ પ્રમાણમાં નાની વય ગણાય. પરંતુ એમના કામમાં આ વયની કોઈ કચાશ દેખાતી નથી; ઊલટું અહીં તો પદ્ધતિ ને નિરૂપણ બંનેની પ્રૌઢિ વરતાય છે. બંને ગ્રંથો સંશોધનની તત્ત્વનિષ્ઠા અને સત્યશોધનની દૃષ્ટિએ નમૂનેદાર છે. મતસમર્થનના આધારો આપવામાં દેખાતાં શ્રમ અને ચીવટ તથા યોગ્ય પદ્ધતિ નિપજાવવામાં પ્રગટતાં સૂઝ—સમજ ઉમાશંકરને ઊંચી કોટિના સંશોધક ઠેરવે છે. આ બંને સંશોધનો વિશે વિગતે ને ઝીણવટથી લખવું તે વધુ સમયને મોટું આયોજન માગી લેનારી બાબત છે. એટલે, અહીં તો ઉમાશંકરના સંશોધનકાર્યની પદ્ધતિ ને એની ગતિ વિશે કેટલાંક નિરીક્ષણો આપવાનો પ્રયાસ છે.
૦
‘અખો : એક અધ્યયન’ વિષયના વ્યાપ અને ઊંડાણની દૃષ્ટિએ એક મોટા ગજાનું, ને ઉમાશંકરનું મહત્ત્વાકાંક્ષી કામ છે. અખાના અભ્યાસને, એમના જ શબ્દોમાં કહીએ તો, એક ‘મુખ્ય મથક (હેડકવાર્ટર) રાખીને લગભગ આખાય મધ્યકાલીન સાહિત્યને તે ખૂંદી વળ્યા છે અને એમાંથી અખાના જીવન અને સર્જન અંગે જે તથ્યો લાધ્યાં તે, અને તેટલાં જ, અખાના નામે જમા કરતા રહ્યા છે. દંતકથાના ખડકલાને દૂર ખસેડયો છે. આ માટે, આપણાં રેઢિયાળ બની ગયેલાં (ને મૂળ અર્થ—મર્મ પણ ગુમાવી બેઠેલાં) ‘અધ્યયનો’માં થાય છે એમ અભ્યાસવિષય કવિની પ્રાપ્ત બધી જ જીવનવિગતો મૂકી આપવાને બદલે, આરંભે એમણે અખાની જીવન-ચર્ચાકરી છે. એમાં સાચા સંશોધક માટે અત્યંત આવશ્યક એવો દૃષ્ટિકોણ એમણે અપનાવ્યો છે : અખા વિશે તપાસ કરતાં, પ્રથમ તો બધી જ વીગતોને એમણે ચિંત્ય કોટિની ગણી. પછી ઊંડા ઊતરતાં તેમાંથી કેટલીક પ્રમાણસિદ્ધ નીવડી આવી તો કેટલીક પોકળ નીકળી અને કેટલીક ચિંત્ય કોટિની જ રહી. છાતી ઠોકીને જેને વિશે કહી શકાય કે આ હકીકત છે તેનું જ હકીકત તરીકે આ નિબંધમાં ‘સમર્થન’ કર્યું છે.’ (પ્રાકથન). આછોપાતળો મેળ પાડી દેતા અનુમાનને જોરે કે એકાદા હાથવગા તથ્યને આગળ ધરીને પરિહાર કે સ્થાપના કરવા એ લલચાતા નથી. (કોઈ મધ્યકાલીન કવિના કોઈક બોધક પદની પંક્તિઓમાં વયદર્શક સંજ્ઞાઓ ગૂંથાતી જતી હોય ને એમાં છેલ્લી સિત્તેરની હોય, તો પદરચના ટાણે એ કવિ સિત્તેરની વયનો હશે એવું બેધડક કહી દેનારા સંશોધકો પણ આપણે ત્યાં નથી એમ નહીં !) એથી ઊલટું, ચર્ચાસ્પદ વિગતોનો પરિહાર કરવા ને હકીકતને સ્થાપવા, એ સંશોધિત તથ્ય ચારે બાજુથી પુષ્ટ થાય ત્યાં સુધી થોકબંધ સમર્થનો ઉમાશંકરે પૂરાં પાડ્યાં છે. ‘ગુરુ બ્રહ્માનંદ ?’ એ મુદ્દા પરની વીસેક પાનાં સુધી ચાલતી ચર્ચા આનું એક સમર્થ દૃષ્ટાન્ત છે. એમનું સંશોધક માનસ લીધેલા વિષયને ઘેરો ઘાલીને પડ્યું હોય એવો અનુભવ આ બધી ચર્ચાઓ કરાવે છે. અભ્યાસી તરીકેનો એમનો દૃષ્ટિવ્યાપ મોટો છે અને એમની સ્મરણશક્તિ પણ ઘણી સતેજ છે એથી દૂરદૂર અને ખૂણેખાંચરે વેરાયેલી બાબતોનું પણ એ સુવ્યવસ્થિત આકલન કરી શક્યા છે. અલબત્ત, એનીપાછળ શ્રમસાધના પણ ઓછી નહીં જ હોય. સર્જકની સૂઝ ને વિવેચકની સજ્જતા પણ એમને ઘણાં ઉપયોગી થયાં જણાય છે. ‘અખો અને માંડણ’ તથા ‘કૃતિઓ અને એમનો ક્રમ’ એ બંને પ્રકરણો એની પ્રતીતિ કરાવે છે. કવિતાની સર્જકરગમાં એમની કવિસંવેદના ફરી વળે છે ને વિવેચકની મૂલ્યાંકનદૃષ્ટિ તારણો ઉપસાવવામાં કામે લાગે છે. અલબત્ત, એની પાછળ મથન સંશોધકનું હોય છે. અખાની કવિતામાંનાં વિષય, દૃષ્ટાન્તો ને ક્યાંક તો પંક્તિઓ સુધ્ધાંમાં વિસ્તરેલી માંડણની અસરો વિગતવાર બતાવીને, ‘તો પછી અખાનું મૌલિક શું?’—એ તારવતાં એમણે એક દ્યોતક વિધાન કરેલું છે : ‘લોકોક્તિની કોટિએ પહોંચતી વાણી એની પરિણત પ્રજ્ઞાનું બાળક છે.’ (સંવર્ધિત આવૃત્તિ, ૧૯૭૩, પૃ. ૧૧૮). આ તો તારણોનું તારણ છે જ્યાં પહોંચતાં પહેલાં એમનામાંના સર્જક-વિવેચકે પણ અખા—માંડણની કવિતા ઉથલાવી છે. ત્રણે શક્તિઓની આવી યુગપત્ ઉપસ્થિતિ બલકે સક્રિયતા રસપ્રદ છે. અખાના જમાનાની ચર્ચા સાચા અર્થમાં પુનર્મૂલ્યાંકન બને છે – મધ્યકાલીન યુગનું જ નહીં, મધ્યકાલીન સાહિત્યનાં ઇતિહાસવિષયક લખાણોનું પણ. ગેરમાર્ગે દોરનારી ને ગતાનુગતિક રીતે વણાતી રહેલી આવી વિગતોને એમણે પૂરેપૂરી ઉખેળી છે, ને સાફસૂફ કરી સાચી રીતે ફરી ગૂંથી છે. મુનશીના જાણીતા અભિપ્રાયના પરિહારનિમિત્તે એમણે અખા-પ્રેમાનંદ-શામળના જમાના વિશેની અનેક બાબતોને માંજી-ઘસીને પારદર્શક કરી છે. અખાની કૃતિઓના રચનાસમય અને ક્રમની ચર્ચા એમણે અનેક આંતરપુરાવાઓની મદદથી, તુલનાત્મક દૃષ્ટિએ કરી છે. અહીં પણ એમની ઉત્તમ આકલનશક્તિ દેખાય છે. સંશોધકની ખણખોદ’વૃત્તિ અહીં સફળ બની રહી છે. અખાની ભાષા મનાય છે એટલી કૂટ નથી એની ચર્ચા અનેક રીતે નોંધપાત્ર, અને સંશોધક તરીકેનાં ઉમાશંકરનાં ઘણાં આયામોને બતાવી આપનારી છે. ભ્રષ્ટ પાઠોની ચકાસણીમાં દેખાતાં સજ્જતાનો અભાવ અને પ્રમાદ અખાને સમજવામાં નડે છે; એટલું જ નહીં, ઘણી જગાએ તો mis-reading જ મુશ્કેલી સરજનારું બની રહે છે એ એમણે અનેક દૃષ્ટાન્તોથી બતાવી આપ્યું છે. (‘દરિદ્ર ન વધે ન સુખનું માન’ એવી સ્પષ્ટ પંક્તિ ‘દરિદ્ર નવ ઘેન સુખનું માન’ એમ ખોટી વંચાતાં ઊભી થયેલી અકારણ દુબોધતા આવું એક મહત્ત્વનું દૃષ્ટાન્ત છે. ‘દરિદ્ર ન દગ્ધે—’ એવા અન્ય પાઠથી એમણે સાચા પાઠના પોતાના અનુમાનને સમર્થિત પણ કર્યું છે.) આવી તર્કકઠોર ચકાસણીમાં એમનું ભાષાજ્ઞાન ને કાવ્યસૂઝ મદદે આવ્યાં છે. અખાના સમયની ભાષાના સંદર્ભે એમણે કરેલી વ્યાકરણચર્ચા (જુઓ, પૃ. ૨૪૩ થી ૨૫૧) પણ અખાની કવિતાની ભાષાસંશુદ્ધ શાસ્ત્રીય વાચનાની દિશામાં એક મહત્ત્વનું પ્રદાન બની રહે એવી છે. સંશોધનનાં આવાં અનેક ઓજારો પરની ઉમાશંકરની પકડ પ્રભાવિત કરનારી છે. આ સંશોધનપ્રબંધની એક મહત્ત્વની વિશેષતા તે ઉમાશંકરની શૈલી છે. સંપૂર્ણ વૈજ્ઞાનિક દૃષ્ટિને પ્રયોજતું હોવા છતાં એમનું લખાણ દુર્બોધ કે ભારેખમ બની ગયું નથી. એમાં વિશદતા ને પ્રવાહિતા છે. એથી એ ઘણી જગાએ તો સુવાચ્ય જ નહીં, સુખવાચ્ય પણ બને છે. એમાં અધ્યાપકની વક્તવ્ય-ઉદ્બોધન-રીતિની પ્રતીતિજનકતા ને જીવંતતા પણ છે. ઉમાશંકરની મર્મશક્તિ પણ એમાં પ્રગટ થતી રહી છે. ‘તિલક કરતાં ત્રેપન વહ્યાં’ એ પંક્તિને આધારે, અખાએ ત્રેપનની વય પછી કવિતા કરી હશે એવા કોઈકના ઉભડક તારણ સામે એ લખે છે : ‘એટલે આ છપ્પાઓની રચના માટે અખાને ત્રેપન’ વરસ સુધી અદબપલાંઠી વાળી બેસાડી રાખવાનો અત્યાચાર આપણી વિદ્વત્તાએ કરવો ઠીક નથી.” (પૃ. ૭૨). એમની નર્મ-મર્મવાળી હળવાશભરી લેખનરીતિનાં બીજાં એકબે દૃષ્ટાન્ત પર્યાપ્ત થશે. (૧) ‘એટલું જ કહેવાનું છે કે અખાની લેખનપદ્ધતિ તે ઉડઝૂડિયા અથવા શિષ્ટ શબ્દ વાપરીને કહું તો “મૌલિક” નથી પણ પરંપરાપુષ્ટ’ છે (પૃ. ૯૪). (૨) ‘પણ આપણે જોઈશું તેમ માંડણમાંથી કેટલુંક તો, અત્યારનો કોલેજોમાં પ્રચલિત એક પ્રયોગ વાપરું તો, ‘બેઠું ને બેઠું’ અખાએ ઉપાડીને પોતાની રચનામાં મૂકી દીધું છે.’ (પૃ. ૯૬) અખાની સર્જકતાને લક્ષ્ય કરીને થયેલી સંશોધનચર્ચા તેમ જ આવી લેખનરીતિને કારણે, નિવેદનમાં યશવંત શુકલે આપેલી ઓળખ-રસિક પાંડિત્યની દીપ્તિવાળો ગ્રંથ’—યથાર્થ ઠરે છે.
૦
‘પુરાણોમાં ગુજરાત’ એ સાહિત્યસંશોધન નથી. સંશોધનની એક નવી જ, ને વધુ આકરી શિસ્તની આવશ્યકતા અહીં હતી. પુરાણોમાં ગુજરાતનાં ભૌગોલિક સ્થાનો—સ્થળનામો—ની ગંજાવર સામગ્રી વેરાયેલી પડી છે (ને ઉમાશંકરે મૂળ આધારોમાં પણ મોટી બાથ ભીડી છે. ગુજરાત અંગે સૌથી વધુ સામગ્રી ધરાવનાર ‘સ્કંદપુરાણ’, અન્ય પુરાણો, વૈદિક સાહિત્ય, ‘બૃહત્ સંહિતા’, ‘મહાભારત’ આદિના, હરિપ્રસાદ શાસ્ત્રીએ તારવ્યું છે એમ લગભગ છ લાખ શ્લોકોમાંથી પસાર થવા ઉપરાંત પ્રાચીન ઉત્કીર્ણ લેખો. તામ્રપત્રો, સિક્કાઓ આદિ શ્રદ્ધેય સાધનોને એમણે જોયાં છે ને એમમાહિતીના એક મોટા જંગલ સાથે જ કામ પાડ્યું છે.) આ બધું જોવાનું હતું એટલું જ નહીં, એમાંથી વિગતોનું પૃથક્કરણ કરીને એનું સંકલન કરવાનું હતું એથી એમાં જાણકારી—સજ્જતા જ નહીં, યોગ્ય પદ્ધતિની શોધ પણ એટલી જ જરૂરી હતી. ઉમાશંકરે પૂરા સંશોધન-કૌશલથી આ બધું પાર પાડ્યું છે. ગુજરાતનાં સ્થળનામોના સંદર્ભકોશ રૂપે એમણે આ સંશોધનને આકાર આપ્યો છે. અકારાદિક્રમે મુકાયેલી આ સામગ્રીમાં પ્રતિનિર્દેશો (cross-references) આપીને એમણે ભૌગોલિક એકમોને તથા પરસ્પર સંબંધ ધરાવતાં નામોને સાંકળ્યાં છે. આવી પદ્ધતિને કારણે સામગ્રીનું સંકલન ઉપયોગી ને સ્પષ્ટતાદર્શી થઈ શક્યું છે. સ્થળનામો સાથે વિગતનિર્દેશો કરતા જઈને પાદટીપોમાં એમણે મૂળ આધારે ટાંક્યા છે જેથી અભ્યાસીઓ માટે તુલના આદિ તરત હાથવગાં બને. અંગ્રેજીમાં અંકનિર્દેશની રોમન આંકડા જેવી એકાધિક કોટિ છે. એની મદદથી સંદર્ભપદ્ધતિ સુકર બને છે. ભારતીય ભાષાઓમાં આવી સગવડ નથી. એથી, આંકડાઓનાં બેથી વધારે સ્તર, ગુંચવાડો ન થાય એ માટે, ટાળીને એમણે પર્વનામ આદિના સંક્ષેપાક્ષરોની મદદ લેવાની પ્રયુક્તિ અજમાવી છે. સંશોધકના આયોજનકૌશલનો આ એક ભાગ છે. સંશોધકની એક મહત્ત્વની, ને હંફાવી દેનારી કામગીરી તે જરૂરી વિગતોને ચકાસવા ઉપરાંત બિનજરૂરી વિગતોને ટાળતા જવું તે છે. પોતાની કાર્યદિશાના સંદર્ભમાં ઉમાશંકરે એક તરફ પુરાણોમાંના કાળક્રમની ચર્ચાને ટાળી છે તો બીજી તરફ, પુરાણો પોતે જ લૌકિક વ્યુત્પત્તિઓને બહેલાવતાં રહ્યાં છે એટલે એમાંથી તથ્યપૂર્ણ ઐતિહાસિક સામગ્રી તારવી લેવા એમણે સાધક સાંયોગિક પુરાવાઓથી તથા મૂળ વ્યુત્પત્તિ તરફ નજર રાખતા રહી પુરાણકારોના તરંગ શોખને પકડી પાડીને બધું બિનજરૂરી બાજુમાં રાખ્યું છે. આછાંપાતળાં અનુમાનોથી નિર્ણયો આપી દેવાની લાલચમાં સંશોધક ભવિષ્યના અભ્યાસીને ગેરમાર્ગે જ દોરે. આપણે ત્યાં આવાં સાહસિક સંશોધનોની ખોટ નથી. (ગુજરાતી સાહિત્યકોશની કામગીરી દરમ્યાન આવા ઠીકઠીક સાહસવીરોની સામગ્રીનો રમૂજપ્રદ પરિચય મને પણ થયેલો છે). ઉમાશંકરે પોતાની પદ્ધતિના જ ભાગ રૂપે, ‘મળેલા પુરાવાઓ ઉપરથી જેટલું અને જે સ્થિતિમાં તથ્ય સમજાય તેટલું તે સ્થિતિમાં રજૂ કરી છૂટવું અને કંઈ જ હઠાગ્રહને તેમાં પ્રવેશવા દેવો નહીં એવો સંકલ્પ કરીને મથન-સંશોધન પછી પણ અસ્પષ્ટ રહેતી ને કશા તારણ—નિર્ણય સુધી ન પહોંચતી બાબતોને તટસ્થભાવે જ નિર્દેશી આપી છે. સંશોધનની પદ્ધતિ માટે આવી વિવિધ પ્રયુક્તિઓ અને ઓજારો સ્વીકારીને થયેલું એનું વિનિયોજન ઉમાશંકરની વૈજ્ઞાનિક દૃષ્ટિના પ્રમાણરૂપ છે. સ્થળનામો-સંજ્ઞાઓ-ની ચર્ચામાં એમણે ઘણાં મહત્ત્વનાં પ્રતિપાદન કર્યાં છે. ‘અપરાન્ત’ની ચર્ચામાં, આજ સુધી ઉત્તર કોંકણનો ગણાતો આ પ્રદેશ ખરેખર તો ઉત્તર વાયવ્યનો પ્રદેશ છે એવી સ્થાપના એમણે અનેક સંદર્ભો-આધારો આપીને કરી છે. હરિપ્રસાદ શાસ્ત્રી કહે છે એમ, ઉમાશંકરનું આ ‘એક નોંધપાત્ર મૌલિક પ્રદાન છે.’ (‘કવિનો શબ્દ’, પૃ. ૧૨૯). અર્બુદ, અવન્તિ, નર્મદા આદિ સંજ્ઞાઓની ચર્ચામાં એમણે ક્ષેત્રવ્યાપી અનેક નામો અને અસંખ્ય તીર્થસ્થાનો નિર્દેશ્યાં છે. એમાં પણ, વિશાળ સંદર્ભને જોઈને એનું શ્રમભર્યું ઉત્તમ સંકલન કરવાની શક્તિ દેખાય છે. દ્વારકાની સંજ્ઞાચર્ચા તો દ્વારકા અંગેનો ૨૦-૨૫ પાનાંનો એક વિસ્તૃત સંશોધન—લેખ બની રહી છે. ‘આનર્ત’ની ચર્ચા સૌથી વધુ સક્ષમ ને દ્યોતક છે. ઉત્તર ગુજરાત ને સૌરાષ્ટ્ર મળીને થતા લાંબા પ્રદેશ માટે મહાભારત-ભાગવતમાં આ સંજ્ઞા પ્રયોજાયેલી છે. પણ મહાભારતમાં જ આ પ્રદેશની એક લાક્ષણિક ઓળખ ‘નટનર્તક ગાયકા’ના પ્રદેશ તરીકે થયેલી છે. એના પરથી –‘આનત’માં ‘નૃત્’ ધાતુ સાથે સંબંધની શક્યતા જોઈને એમણે એના અનેક પ્રતીતિકર આધારો સાથે ચર્ચા કરી છે, અને મહાભારતમાં ‘નટનાયક:’ નામનું પાઠાંતર મળે છે તથા ઈડર આસપાસના પ્રદેશમાં ‘નાયક’ નામની ગાયન-વાદન—અભિનયન સાથે જ સંકળાયેલી જ્ઞાતિ મળે છે એ પરથી એમણે ઉત્તર ગુજરાતને આનર્ત પ્રદેશ તરીકે ઓળખાવ્યું છે. વ્યુત્પત્તિકોશોની મદદથી પણ આ ચર્ચાનું સમર્થન કર્યું છે. ઉમાશંકરનું આ બીજું મહત્ત્વનું પ્રદાન ગણાય. શાસ્ત્રીયતાની ઊંચી પરિપાટીની દૃષ્ટિએ, તર્કકઠોર વિગત—ચકાસણીની દૃષ્ટિએ તેમ જ કલ્પનાશીલતાને વૈજ્ઞાનિક પદ્ધતિમાં પ્રયોજવાની દૃષ્ટિએ આ બંને સંશોધન—ગ્રંથો ઉમાશંકરને એક વિચક્ષણ સંશોધક ઠેરવે છે.
* ‘ભાષાવિમર્શ’ જાન્યુઆરી- માર્ચ ૧૯૮૯
‘વિવેચનસંદર્ભ’ બીજી સંવર્ધિત આ.૨૦૦૩, પૃ. ૨૨ થી ૨૭