સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામપ્રસાદ બક્ષી/ગોવર્ધનરામ અને શોપનહાઉઅર

૧૪. ગોવર્ધનરામ અને શોપનહાઉઅર :
મહેચ્છાતત્ત્વ અને Will Force : એક તુલનાત્મક અધ્યયન

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી માત્ર વિદ્વાન નહોતા, સુંદર જીવનસમીક્ષા કરતી અને ભવ્ય તત્ત્વમીમાંસામાં આરોહણ કરતી નવલકથાના સર્જક અને સાહિત્યતત્ત્વના મીમાંસક સાહિત્યકાર જ નહોતા, કેવળ તત્ત્વજ્ઞાની પણ નહોતા, પરંતુ પોતે જે જ્ઞાનમય, શાન્ત, તટસ્થ, નિર્દ્વન્દ્વ, ઉદાત્ત જીવન્મુક્ત જેવું જીવન જીવનનો પોતાની તત્ત્વમીમાંસામાં ઉપદેશ આપે છે એવું આધ્યામિક જીવન જીવનાર મૃદિતાશય જીવન્મુક્ત જ્ઞાની હતા. આ વાતની પૂર્વપ્રતીતિ સ્ક્રૅપબુક્સ કરાવે છે. એમાં નિરૂપેલી પોતાની Philosophy of Consumptionમાં રહેલી, કુટુંબ-સમાજ-દેશ-માનવતા એ ક્રમે શક્તિ અનુસાર અને નિકટતમ કર્તવ્ય અનુસાર ઉચ્ચતર અને વિશાલતર બનતી જતી, સમર્પણરૂપે નિજનો વ્યય કરવાની – ખપી જવાની – ભાવનાને જીવનમાં આચરનારા એઓ હતા. પોતાની ઇચ્છાને મહેચ્છાથી અભિન્ન અને સંવાદી કરનારા હતા. Philosophy of Consumptionનો, અર્થાત્‌ એમણે સ્વીકારેલા પર્યાય પ્રમાણે ઉત્સર્ગસિદ્ધિનો સિદ્ધાંત–અને જગતના આદિ અને અંતિમ પરમતત્ત્વરૂપે એમણે માનેલી મહેચ્છા-મહાશક્તિ સિદ્ધાંત, એ બે સિદ્ધાંતોમાંથી એમની આધ્યાત્મિક જીવનસરણિ વહી છે. શોપનહાઉઅર આવું સ્થિતપ્રજ્ઞ જીવન જીવનારો હતો કે નહિ, કોણ જાણે? પણ એણે પણ, જગતના બીજભૂત ઇચ્છાતત્ત્વને, Willને, ચિત્તમાંથી નિર્મૂલ કરીને આવું આધ્યાત્મિક, ‘નિસ્ત્રૈગુણ્ય’ જીવન જિવાય તો જ સુખી થવાય એમ કહ્યું છે. વિચારસામ્ય, એક સમ-ઘટના વિખ્યાત જર્મન તત્ત્વજ્ઞાની શોપનહાઉઅરનો ‘The World as Will and Idea’ એ ગ્રંથ ઈ. સ. ૧૮૧૮માં પ્રથમ પ્રકટ થયો હતો. એ યુગમાં યુરોપની વિદ્યાપીઠમાં તત્ત્વજ્ઞાન શીખવતા પ્રાધ્યાપકો એ ક્ષેત્રમાં આવા બાહ્ય વિચારકોના પ્રયત્નોને અવગણતા, એમના પ્રત્યે મક્કમ ઉપેક્ષાવૃત્તિ જાળવતા. આ કારણે શોપનહાઉઅરનો જગત ઇચ્છાનિયમિત છે અને વિચારસ્વરૂપે જ એની પ્રતીતિ થાય છે, એ સિદ્ધાન્ત એને યોગ્ય હતો તેવો વ્યાપક સત્કાર અને પ્રચાર પામ્યો નહોતો. ૧૮૧૮માં એનું વિશાળ વિસ્તીર્ણ ચિન્તનફલ એક જ ગ્રંથમાં પ્રકટ થયું હતું. ૧૮૪૪માં એણે પોતાના મૂળ મન્તવ્યને અને એના નિરૂપણને કાયમ રાખીને એમાં વસ્તુનું વિસ્તરણ અને દૃષ્ટાન્તો દ્વારા પ્રતિપાદન અને વિશદીકરણ કરનારો ભાગ ઉમેરીને પાતાનું ચિન્તન ત્રણ ગ્રંથોમાં પ્રસિદ્ધ કર્યું હતું. ગોવર્ધનરામે પોતાની પરમતત્ત્વની શોધનો અને એના પોતે સ્વીકારેલા મહેચ્છા અથવા મહાશક્તિ એવા સ્વરૂપનો પ્રકટ ઉલ્લેખ ૧૮૮૮માં (જે લભ્ય અને પ્રકટ થયેલ છે તેથી અગાઉ એનો આરંભ ન થયો હોય તો ૧૮૮૮માં) શરૂ કરેલી સ્ક્રૅપબુક્સ[1] નામની, અંગ્રેજીમાં લખેલી, મનનનોંધોમાં કરેલો મેળ છે. અને તે ૧૭ મી માર્ચ ૧૮૯૧ની નોંધમાં, તેથી પહેલાં નહિ. આમ એક પશ્ચિમનો અને બીજો પૂર્વનો–ભારતનો એ બે વિચારકો પોતાના મનોમંથનના ફલરૂપે Force અથવા Willનું પરમનિયામક તત્ત્વ તરીકે પ્રતિપાદન કરે ત્યારે એ સમ-ઘટના એકના અન્ય ઉપર થયેલા જ્ઞાનપ્રભાવનું પરિણામ હશે કે પ્રત્યેકનું સ્વતંત્ર દર્શન હશે એ પ્રશ્ન સ્વાભાવિક રીતે ઊપજે; અને એ બેમાં એક અન્યનો ઋણી હોય તો જેનું દર્શન મોડું, પાછળથી પ્રકટ થયું તે પૂર્વગામી-આગલા-નો ઋણી હોય એમ મનાય તો તેમાં આશ્ચર્ય નહિ. આ રીતે પૌર્વાપર્યને આધારે વિચાર કરનાર અલબત્ત ગોવર્ધનરામ શોપનહાઉઅરના ઋણી હશે એવું અનુમાન કરે.

સામ્યનાં કારણો

પણ વસ્તુતિથિ જુદી છે. પ્રત્યેકનું આ Will-Forceનું દર્શન-પ્રતિપાદન અન્યથી સ્વતંત્ર છે. દૂર દૂરના બે વિચારકોના દર્શનનો આવો સંવાદ થયો, બન્નેનાં દર્શનોમાં આશ્ચર્યકારક સામ્ય આવ્યું, એ આશ્ચર્યકારક લાગે તેવો સંવ્યતિકર છે પણ એ સંવ્યતિકર, એ આકસ્મિક એકરૂપતા ખરું જોતાં આશ્ચર્યકારક નથી. કારણ કે એક વિચારકને ભારતીય દર્શનોની સંપત્તિ વારસારૂપે ઉપરાંત અભ્યાસ દ્વારા પ્રાપ્ત થઈ હતી, અન્ય વિદેશીય વિચારકે ભારતના દાર્શનિક ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો હતો એથી એ બંનેની એક જ દિશામાં એક સમાન લક્ષ્ય પ્રત્યે વહેલી વિચારધારાનું મૂળ, એનું પ્રેરણાસ્થાન, એક જ હતું. પણ Will-Forceનો આ સિદ્ધાન્ત ઉભયને કેવળ ભારતીય દર્શનોના જ્ઞાનમાંથી જ સાંપડ્યો હતો એમ નહિ. એમનો અભ્યાસ માત્ર એ પ્રાચીન દર્શનગ્રંથોનો જ હોત તો બેમાંથી એકેયના ચિન્તનનું વહન એ દિશામાં ન થાત એવું માની શકીએ. પણ બંનેએ અર્વાચીન ભૌતિક અને રાસાયણિક વિજ્ઞાનનો પણ અભ્યાસ કર્યો હતો; અને એમનું આ Will-Forceનું દર્શન ભારતીય વેદાન્ત અને યુરોપીય વિજ્ઞાનના સંયોગનું સંતાન હતું. શોપનહાઉઅરે પોતાના ગ્રંથમાં વેદાન્તના સિદ્ધાન્તોના પ્રશંસાભર્યા ઉલ્લેખો અનેકવાર કર્યા છે, ગોવર્ધનરામે પોતાને વેદાન્તના અમુક સિદ્ધાન્તોથી રહી ગયેલો થોડોક અસંતોષ અને એ અસંતોષનો ઉપાય થાય – પોતાની તત્ત્વજિજ્ઞાસા તૃપ્ત થાય – એ માટેનો ચિન્તનપ્રયાસ સ્ક્રૅપબુક્સમાં અવારનવાર નોંધ્યો છે. એમાં એક વાત તો સ્પષ્ટ પરખાય છે કે એમનું મનોમંથન જે જિજ્ઞાસાની તૃપ્તિ ઇચ્છતું હતું એ જિજ્ઞાસા વેદાન્તના અને અર્વાચીન વિજ્ઞાનના એમના જ્ઞાનના સંઘર્ષમાંથી ઊપજી હતી, અને વૈજ્ઞાનિકોમાં પ્રચલિત થયેલા materialismનું – ભૌતિક તત્ત્વવાદનું – એમને ગ્રાહ્ય થાય તેવું ખંડન કરવાની વૃત્તિમાંથી જન્મી હતી. શોપનહાઉઅર પણ મનોમંથનમાં, તત્ત્વના ચિન્તનમાં અને પોતાને – અને અન્યને – ગ્રાહ્ય થાય એવા તત્ત્વના અન્વેષણમાં, પ્રેરનારી મનોદશા એવી જ હોય એ સંભાવ્ય છે.

બંનેના નિજસિદ્ધાન્ત વિશે ઉદ્‌ગારો

શોપનહાઉઅરે પોતાના ગ્રંથમાં પ્રથમ The World as Idea એ અને પછી The World as Will એ પોતાના મન્તવ્યનું પ્રતિપાદન કર્યું છે. The World as Idea એ મન્તવ્ય વેદાન્તના દૃષ્ટિસૃષ્ટિવાદનું સ્મરણ કરાવે છે. શોપનહાઉઅરે પોતે કહ્યું છે કે એ મન્તવ્ય નવીન કે અપૂર્વ નથી, ભારતના વેદાન્તદર્શન જેટલું જૂનું છે...એ કહે છે.... “This truth is by no means new... How early this truth was recognized by the wise men of India, appearing indeed as the fundamental tenet of the Vedanta philosophy, is pointed out by Sir William Jones...” ગોવર્ધનરામે આ પ્રકારનો સિદ્ધાન્ત પ્રતિપાદિત કર્યો નથી કારણ કે એમને એમ કરવાની જરૂર નહોતી. વેદાન્તનો દૃષ્ટિસૃષ્ટિવાદ, ને માયાવાદ, અજગતના પદાર્થો પારમાર્થિક સત્ય નથી, વ્યાવહારિક સત્ય છે–મૂળ સ્વરૂપે એ બ્રહ્મ છે પણ માયાની નામરૂપની ઉપાધિ વડે, જે સ્વરૂપ આપણી આંખને પરિચિત છે એ સ્વરૂપે પરખાય છે – એ સિદ્ધાન્ત એમની સમક્ષ હતો. એ એમને સ્વીકાર્ય હતો. એમનું નવું અને સ્વતંત્રદર્શન તે વિશ્વના મૂળમાં મહેચ્છા અને મહાશક્તિ એ દ્વિવિધ પ્રકારે જેને ઓળખાવી શકાય તેવું એક, અદ્વિતીય પરમતત્ત્વ છે તેનું દર્શન. આ દર્શનની નવીનતાને કારણે એમના ઉદ્‌ગારો એને લગતા જ છે એ સ્વાભાવિક છે. શોપનહાઉઅરના મંતવ્ય જોડે પોતાના મંતવ્યનું સામ્ય એમના જાણવામાં આવ્યું ત્યારે એમણે સ્ક્રૅપબુક્સમાં આ પ્રમાણે નોંધ્યું હતું. (એનો હું ગુજરાતી અનુવાદ જ આપું છું.) : “બીજી આશ્ચર્યકારક સંઘટના – મેં મારા Will-Forceના મંતવ્યને છેલ્લા દોઢ વર્ષ દરમ્યાન વિચારી કાઢ્યું હતું. આજે હીરાલાલ ધોળેનો ‘વેદાન્તસાર’ મારા હાથમાં આવે છે અને એની પ્રસ્તાવનામાં હું શોપનહાઉઅરનો Will-Forceનો સિદ્ધાન્ત જોઉં છું. એ સિદ્ધાંત મારા સિવાય બીજા કોઈના મગજને સૂઝ્યો હોવાની જાણ મને પ્રથમ આજે જ થાય છે. x x અસંશય, જેમ વેદાન્તથી મારો મત જુદો પડે છે તેમ અમે [પોતે અને શોપનહાઉઅર] મુખ્ય વિગતોમાં જુદા પડતા હોવા જ જોઈએ.” (તા. ૧-૩-૧૮૯૨) ત્યાર પછી એક મહિને તેઓ નોંધે છે. (ફરી અનુવાદ આપું છું.): “થોડા દિવસો પહેલાં મને આ સત્ય જડ્યું કે ચેતનતંત્ર કે ભૌતિક પદાર્થ વસ્તુસત્‌ નથી, હું મહાશક્તિનું એક અણુ-અગ્ર (point) જ છું, એ શક્તિ જીવન્ત છે, અને જે એક જ સત્‌તત્ત્વ છે એવા એ સર્વવ્યાપી, સર્વને પોતામાં સમાવતા જીવનતત્ત્વનું હું માત્ર લક્ષ્ય (patent) રૂપ છું. આ સત્ય વીજઝબકાર જેનું મને જ્યારે દેખાયું ત્યારે મેં અપૂર્વ, શાન્ત, ઊભરાઈ જતો હર્ષ અનુભવ્યો. xxxમને લાગે છે કે હું ઉન્નતતર બન્યો છું, બલવત્તર અને શુચિતર બન્યો છું. દિવ્ય ઓષ્ઠો મારા સ્મિતને છાઈ રહીને સ્મિત કરતા હોય અને પોતાના પ્રાણદ શ્વાસથી મને વ્યાપ્ત કરતા હોય એવું મને લાગે છે. મારી શંકાવૃત્તિ કટાક્ષમય સ્મિત કરે છે, પણ એ હારી ચૂકી જણાય છે.” આ ઉદ્‌ગારો ગોવર્ધનરામના મહેચ્છા-શક્તિના સિદ્ધાન્તની સ્વતંત્રતાની, મૌલિકતાની, ખાતરી કરાવવાને પૂરતા છે. જગત મનોવિભાવના છે : The World as Idea જગત વિભાવનારૂપ છે, મનથી વિભાવિત છે, એ વ્યાવહારિક દૃષ્ટિએ સત્‌ જણાય, મનાય ત્યારે પણ તે પરમસત્‌ બ્રહ્મ એનું અધિષ્ઠાન હોવાને કારણે સત્‌ છે, બાકી જે રૂપે એ દૃશ્યમાન છે એ રૂપે જગત ‘મિથ્યા’ છે, અનેક પદાર્થોનાં અનેક નામો છે તે તેનાં વ્યાવહારિક દૃષ્ટિએ દેખાતાં રૂપોનાં નામો છે એવો વેદાન્તનો સિદ્ધાન્ત ગોવર્ધનરામને માન્ય હતો. વેદાન્તથી એમને મતભેદ એ હતો કે એઓ કેવળ બ્રહ્મજ્ઞાનને જ નહિ, માયાની સૃષ્ટિના જ્ઞાનને પણ મહત્ત્વ આપતા. કેવળ બ્રહ્મને જ જ્ઞાનનું એકમાત્ર લક્ષ્ય ગણવામાં આવે તો અન્ય લૌકિક વિષયોના જ્ઞાન પ્રત્યે વિમુખતા ઊપજે એ એમને ઇષ્ટ નહોતું. ગોવર્ધનરામ કહે છે કે ભૌતિક પદાર્થો “હોય અને નયે હોય.” ભૌતિક જગત વસ્તુત : સત્‌ છે કે નહિ એનું પ્રમાણ નથી. જ્ઞાનનો વિષય બનતું, ‘પ્રમેય,’ જગત છે તે માયાકૃત આભાસ છે – માયા જ પ્રમેયભાનનું કારણ છે. ભૌતિક જગત, દેહ અને પુત્રદારાદિ દેહસંબંધ એ ગુણ અને ક્રિયાનો સંવ્યવહાર છે. પૃથ્વી, પાણી અને અન્ય દ્રવ્યરાશિ, જીવ અને જડ એવી મેદદૃષ્ટિ, એ સર્વ ગુણ-કર્મ – જાલ છે. એક અલક્ષ્ય સદ્‌ – વસ્તુ, સત્‌તત્ત્વ, લક્ષ્યરૂપે અનેક ભાસે છે. શોપનહાઉઅર કહે છે કે અસંદિગ્ધ અને અન્ય સત્યપ્રતીતિથી સ્વતંત્ર, જેને પ્રમાણોથી પ્રમાણિત કરવાની અપેક્ષા ન રહે એવું સ્વતઃસિદ્ધ કોઈ સત્ય હોય તો તે એ છે કે જે કંઈ પદાર્થ જ્ઞાનનો વિષય છે તે સર્વ અર્થાત્‌ આ જગત જ્ઞાતાની અપેક્ષાએ જ્ઞાનવિષય છે, જ્ઞેય છે. જ્ઞાતા છે તો જ્ઞેય છે. જગત તે જ્ઞાતાના મનમાં થયેલી બાહ્ય પદાર્થોની વિભાવના છે; પદાર્થ તે વસ્તુતઃ “મનોઽર્થ” છે. ખ્યાલ છે, idea છે. માનવના અનુભવમાત્રનો ideaમાં અન્તર્ભાવ થાય છે. એ અનુભવમાં વિષયી એટલે જ્ઞાતા અને વિષય એટલે જ્ઞેય જગત–Subject and Object—એવી બે વિરુદ્ધ કોટિઓ છે. શોપનહાઉઅરનો આ મત આપણને શંકરે કરેલા, વિષય અને વિષયી એ બે કોટિ તમસ્‌ અને પ્રકાશ જેવી અન્યોન્યવિરુદ્ધ છે એ વિધાનનું સ્મરણ કરાવે છે (જુઓ બ્રહ્મસૂત્રના શાંકરભાષ્યનો આરંભ). જગત “મનોઽર્થ” રૂપ છે, idea છે, એ મન્તવ્ય, અને શોપનહાઉઅર અને ગોવર્ધનરામ ઉભયનું ઐકમત્ય, વેદાન્તનું ઋણી છે. આ મન્તવ્ય કેવળ idealism નથી એ દર્શાવવા માટે શોપનહાઉઅરે જે દલીલો કરી છે એમાં ઊતરવું અહીં અસ્થાને છે. જગત એ “મનોઽર્થ” છે, idea છે, એ મન્તવ્યમાં ગોવર્ધનરામ અને શોપનહાઉઅર વચ્ચે ભેદ નથી એમાં આશ્ચર્ય નથી, કારણ કે બંનેને એની પ્રેરણા વેદાંતે આપી છે. જગત ઇચ્છાકાર્ય છે : The World as Will જગતમાં જે કાંઈ છે તે જ્ઞાતૃસાપેક્ષ છે, વિષયી-સાપેક્ષ છે, અને એ વિષયીને અર્થે જ તેનું અસ્તિત્વ છે. જગત એટલે વિચાર. જગતનું આવું દર્શન રજૂ કરીને પછી શોપનહાઉઅર કહે છે કે એ સત્ય છે, પણ પૂર્ણ નથી, એકપક્ષીય છે. એક દૃષ્ટિથી જગત એક આભાસ છે, પણ અન્ય દૃષ્ટિથી એ સ્વયમ્‌ ઇચ્છાસ્વરૂપ છે. જગત વિચારરૂપ છે એ સત્યની નિશ્ચિત પ્રતીતિ આપણને સદ્ય થાય છે; પણ જગત ઇચ્છાસ્વરૂપ છે એ સત્યની પ્રતીતિ ઊંડા મંથન પછી થઈ શકે. આ અતિગંભીર અને વિસ્મયકારક સત્યની પ્રતીતિ થતાં માનવ કહી શકે, માનવે કહેવું જ પડે, કે “The world is my Will” – જગત ઇચ્છાસ્વરૂપ છે. જે ઇચ્છારૂપ કાર્યમાંથી જગતનો ઉદય થાય છે તે આપણું પોતાનું છે. જગત વિચારરૂપ છે એ સત્ય જગતના બાહ્યાકારને લગતું છે; “ઇચ્છા” – Will એ જગતનું આન્તર સ્વરૂપ છે અને એ જ જગતને સ્વપ્નવત્‌ શૂન્ય બનવું નિવારે છે, એ જ જગતનું નિયમન કરે છે, એ જ જગતમાં પ્રવર્તતા અનિવાર્ય કારણકાર્યસંબંધનું જનક છે. ભાવોના અવશ્યંભાવિત્વનું કારણ છે, law of necessityના મૂળમાં છે. જગતમાં Force, શક્તિ, અનેક પ્રકારે પ્રવર્તે છે એ સર્વ પ્રકારોનું આદિસ્વરૂપ છે આ Will. ગોવર્ધનરામને Great Willના તત્ત્વનું જે દર્શન થયું તેનું સ્વરૂપ આવું જ છે, છતાં એ ભારતીય હતા તેથી ભારતની પરંપરાગત સંસ્કૃતિના, તત્ત્વજ્ઞાનના, વારસાના પ્રભાવથી નીપજતો ભેદ એમાં છે. એ ભેદ આ છે કે જ્યારે શોપનહાઉઅર જગતમાં નિયામકરૂપે પ્રવર્તતી ઇચ્છારૂપ શક્તિને માનવેતર પ્રાણીઓમાં પ્રવર્તતી instinct–સહજ પ્રેરણાશક્તિ જેવી માને છે, જગતની અંદર રહીને પ્રવર્તતી અન્તર્ગત શક્તિ માને છે, ત્યારે ગોવર્ધનરામ એને એવી માનવા છતાં–વેદાન્તીઓ બ્રહ્મને માને છે, તે પ્રમાણે અન્તર્ગત છતાં તેનાથી અતિક્રાન્ત, પુરુષસૂક્તમાં પુરુષ, બ્રહ્મ પરત્વે ‘અત્યાતષ્ઠદ્‌દશાગુલમ્‌’ એ વચનમાં છે તે પ્રમાણે, ગીતામાં ‘ન ચાહં તેષુ તે મયિ’ કહ્યું છે તે પ્રમાણે, મહાન શક્તિ માને છે. એટલું જ નહીં, વારંવાર “જેવી મહેચ્છાની ઇચ્છા” –“The Great Will wills” એવા જ ઉદ્‌ગાર કરનારા ગોવર્ધનરામ કોઈક વાર Great Will, Great Force, Great God, God is Great, એવા ઉદ્‌ગાર પણ કરે છે. ગોવર્ધનરામ સાકાર પ્રભુની માન્યતાને પારમાર્થિક સત્ય ન માને તો તે તો શાંકર વેદાન્તને અનુસરતી વાત છે. અને તે છતાં તેઓ આવા ઉદ્‌ગાર કરે, તો તેને તે તત્ત્વજ્ઞાનની પુરઃસરી કવિતા માને છે. ધર્મસંપ્રદાયો બ્રહ્મના સગુણ સ્વરૂપને અંગે અનેક કલ્પના કરે છે તેને ગોવર્ધનરામ કવિતા કહે છે. એઓ માને છે કે કલ્પના તે કવિતા છે. “Even if there were superstition somewhere, what is imagination but a way to superstition? But imagination is Poetry. Poetry heralds Philosophy, ગોવર્ધનરામની આ સર્વગ્રાહક દૃષ્ટિ શંકરાચાર્યની પારમાર્થિક સત્તા અને વ્યાવહારિક સત્તા એવી વ્યવસ્થાનું અને વ્યાવહારિક સત્તામાં ઈશ્વરના અને પૂજનાદિ વ્યવહારના સ્વીકારનું સ્મરણ કરાવે છે.

Materialism–ભૌતિકવાદનો–અનાદર

આ બંને ચિન્તકો Materialismને, ભૌતિકતત્ત્વવાદને અંતિમ સત્ય તરીકે અનાદર કરે છે અને ભૌતિક દ્રવ્યોમાંથી શક્તિનો પ્રાદુર્ભાવ માનવાને બદલે ઇચ્છારૂપ શક્તિને ભૌતિક જગતનું કારણ માને છે. શોપનહાઉઅર કહે છે કે ભૌતિકતત્ત્વવાદ ભૌતિકશાસ્ત્રે અને રસાયણશાસ્ત્રે સ્વીકારેલાં બળોને જીવનની ઉત્પત્તિનું કારણ માને છે, અને વૈજ્ઞાનિક બળોની ઉત્પત્તિ પરમાણુઓના સ્થાન, આકાર, ગતિમાંથી થતી કલ્પે છે. શોપનહાઉઅર Willને, ઇચ્છારૂપ શક્તિને, જગત્કારણ માનો છે, એને જ સર્વ શક્તિઓની પ્રાણભૂત શક્તિ માને છે. ગોવર્ધનરામ પણ આવો, લગભગ આવી જ દલીલો સાથેનો, ભૌતિકવાસ્તવવાદનો અનાદર કરે છે. એઓ કહે છે કે ઇન્દ્રિગ્રાહ્ય ભૌતિક પદાર્થો દેખાય છે તે રૂપે સત્ય છે કે નહિ તેનું કાંઈ પ્રમાણ નથી. પણ શક્તિના અસ્તિત્ત્વ વિશે કોઈને શંકા નથી. શક્તિની પ્રવૃત્તિ ભૌતિક પદાર્થોમાં છે, પ્રાણીઓના ચેતનધર્મમાં અને અચેતન દેહના ધર્મમાં છે, અને તે ઉપરાંત સ્વતઃસિદ્ધ સ્વતંત્ર પ્રવૃત્તિ પણ છે, એની કોઈથી ના કહેવાય તેમ નથી. આમ ભૌતિક પદાર્થો પ્રમાણસિદ્ધ છે, શક્તિ સ્વતઃસિદ્ધ અને સર્વજનપ્રત્યક્ષ છે એ કારણે ભૌતિક પદાર્થોમાંથી શક્તિનો ઉદ્‌ભવ માનવો તેનાં કરતાં શક્તિમાંથી જ ભૌતિક જગતનો આવિર્ભાવ માનવો એ યથાર્થતર છે. ભૌતિક જગતની પ્રત્યે એમણે રાખેલી દૃષ્ટિમાં તથા એના સમર્થનાર્થે યોજેલી દલીલોમાં સામ્ય છે તેથી નિકટતર સામ્ય શોપનહાઉઅર તથા ગોવર્ધનરામે સ્વીકારેલા Willના લક્ષણમાં પ્રતીત થાય છે. શોપનહાઉઅર કહે છે કે ચિત્તનું સ્વરૂપ, એનું પ્રધાનતત્ત્વ, વિચાર છે–પ્રજ્ઞા છે, એવું જમાનાઓથી મનાતું આવ્યું છે, પણ એ ભૂલ છે. પ્રજ્ઞાના મૂળમાં સભાન અથવા અભાન ઇચ્છા-Will રહેલી છે. એ ઇચ્છાશક્તિ સતત ક્રિયાશીલ છે, સ્વતઃપ્રવૃત્ત છે, સર્વાધીશ સત્તા ભોગવે છે, શાશ્વત પ્રાણદાત્રી છે. પ્રજ્ઞા તો કેવળ એ ઇચ્છાશક્તિની પરિચારિકા છે. પ્રજ્ઞાને તો કુદરતે ઇચ્છાશક્તિ. સામ્રાજ્ઞીની સેવા અર્થે જ નીમી છે. ઇચ્છાશક્તિ અને પ્રબળ અન્ધપુરુષને સ્થાને છે. એનામાં જ દૃષ્ટિયુક્ત પ્રજ્ઞાને પોતાના ખભા ઉપર ઊંચકીને જવાનું સામર્થ્ય છે. ઇચ્છાશક્તિ એ જ ચિત્તગત સનાતન અને અવિકાર્ય તત્ત્વ છે, શોપનહાઉઅરે એક સરળ સૂત્ર આપ્યું છે : No will : no idea : no world ઇચ્છા ન હોય તો ધી (ખ્યાલ) નથી; ધી (ખ્યાલ) ન હોય તો જગત નથી. અને ગોવર્ધનરામ પણ કહે છે કે વિશ્વવ્યાપક શક્તિમાં ઇચ્છાજનિત પ્રયત્ન અને ધી (વિચાર) અંતર્ગત છે; એ શક્તિ સ્વતઃપ્રવૃત્ત અને સ્વયંભૂશક્તિ છે. શોપનહાઉઅર વ્યક્તિને માયાજનિત આભાસ માને છે, phenomenon માને છે, પારમાર્થિક સત્ય નથી માનતો. ગોવર્ધનરામ પણ કહે છે કે અહમ્‌ એ અસત્કલ્પના છે, મહાશક્તિના એક અણુ-અગ્રનું નામ છે; વસ્તુતઃ એ અહમ્‌નું, એ અણુ-અગ્રનું અખિલરૂપ પરમતત્ત્વથી-શક્તિથી પૃથક્‌ અસ્તિત્ત્વ નથી.

વ્યક્તિએ, મહેચ્છાના અણુ-અગ્રભૂત અંશે, પોતાની ઇચ્છાને મહેચ્છાથી, મહાશક્તિની ઇચ્છાથી, સંવાદી અભિન્ન એકરૂપ કરવી જોઈએ એમ ગોવર્ધનરામ કહે છે. મહેચ્છાનું અનુવર્તન તે નિજ ઇચ્છાનું જ અનુવર્તન છે એવી ભાવના હોવી જોઈએ. વ્યક્તિ બોલે છે, કાર્ય કરે છે, સહન કરે ત્યારે એ વ્યક્તિ નહિ પણ મહાશક્તિ જ બોલે છે, કાર્ય કરે છે સહન કરે છે, એનું જ્ઞાન થાય, મહેચ્છા તથા નિજઇચ્છાના અભેદની, ઐક્યની, પ્રતીતિ થાય તે જ જીવન્મુક્તિ છે. આની સાથે શોપનહાઉઅરનું આ કથન સરખાવો. જેણે પોતાની ઇચ્છાને હંમેશ માટે મૂક બનાવી દીધી છે એ માણસ કેવો આનંદ અનુભવે છે? વ્યક્તિની ઇચ્છા જેટલી પ્રબળ તેટલો એના આવિષ્કારમાં ક્લેશ અને સંઘર્ષ વિશેષ. ખરો મોક્ષ, જીવન અને જીવનનાં કષ્ટોમાંથી મુક્તિ, એ ઇચ્છાના સંપૂર્ણ શમન વિના કલ્પી પણ શકાય નહિ. આટલું સામ્ય આપણે જઈ શક્યા. એ સામ્ય પરિભાષામાં સામ્ય છે. Will અને Force એ પ્રચલિત શબ્દો બંનેએ પોતપોતાની પરિભાષામાં અપનાવ્યા તેમાં રહેલું સામ્ય છે. એ સામ્ય છતાં ગોવર્ધનરામના અને શોપનહાઉઅરના દર્શનમાં, એમણે માનેલા ઇચ્છાના સ્વરૂપમાં, આપણે જોઈ ગયા તેવો ફરક છે. ગોવર્ધનરામે કરેલી ઇચ્છાશક્તિની તત્ત્વમીમાંસામાં એક અન્ય તત્ત્વની વિશિષ્ટતા લક્ષયોગ્ય છે, અને એ છે એમની આ શક્તિ બ્રહ્મ પ્રમાણે સત્‌-ચિદ્‌-આનન્દ રૂપ છે કે નહિ એ પ્રશ્નની વિચારણા. અખિલ જગતનું આદ્યતત્ત્વ, પરમતત્ત્વ, સદ્‌વસ્તુરૂપ તત્ત્વ જેને એમણે માનેલ છે એ શક્તિ, એ Will સત્‌ છે એ તો સ્વતઃસિદ્ધ છે. ૧૮૯૧ના માર્ચની નોંધમાં કહે છે કે આ શક્તિ ચિન્મય અને આનંદમય છે કે નહિ એનો નિર્ણય પોતે હજી કરી શક્યા નથી, ત્યાર પછી, બ્રહ્મ સચ્ચિદાનંદરૂપ છે એ સિદ્ધાન્તની પરીક્ષા અને મીમાંસા કર્યા પછી, એ જ વર્ષના સપ્ટેમ્બરમાં તેઓ કહે છે કે (શક્તિમાં બૌદ્ધિક શક્તિ, પ્રજ્ઞાશક્તિ અંતર્ગત છે તેથી) ચિત્‌ તેનો ઇચ્છાશક્તિ સહવર્તી (latent) અલક્ષ્ય પ્રજ્ઞાશક્તિ છે; અને આ ઇચ્છાશક્તિ સતત ક્રિયાશીલ છે એટલે, આનન્દ એટલે ક્રિયાની સફળતા સાધનારું તત્ત્વ, એમ માની શકાય; અને ઉમેરે છે કે મેં હજી આ નિર્ણય વિચારપૂર્વક પ્રાપ્ત કર્યો નથી. અને ૧૮૯૨ના ફેબ્રુઆરીમાં તો વેદાન્તીઓની આ સ્વયંપ્રકાશ ચિત્તને સર્વગત અલક્ષ્ય શક્તિથી અભિન્ન માને છે. શક્તિ જડચેતન સર્વ પદાર્થોમાં વસે છે, પણ ચિત્ત માત્ર ચેતન પદાર્થોમાં રહે છે એ ભેદનું અને તજ્જન્ય મુશ્કેલીનું તેઓ વેદાન્તની રીતે જ સમાધાન કરે છે અને કહે છે કે ચિત્ત પણ સર્વગત છે, પશુપ્રાણીના અને માનવના જીવનમાં એ ચિત્તમાં રજસ્‌ અને સત્ત્વ ગુણો પ્રતિબિમ્બત થાય છે પણ જડસૃષ્ટિમાં રહેલી ચિત્ત તમસ્‌ના જડ, પ્રકાશરોધક આવરણને લીધે પ્રકાશતી નથી, તેથી જડ પદાર્થો જડ જણાય છે. ગોવર્ધનરામ અનેક સ્થળે નોંધે છે કે પોતાને પોતાની શક્તિ-તત્ત્વની મીમાંસાને અંગે-પોતાના The Great Force–Great Willના સિદ્ધાન્તને અંગે–વિશેષ ચિન્તન-પરીક્ષણ કરવું છે. પણ ૧૯૦૭માં ૫૨ વર્ષની વયે એમણે દેહ છોડ્યો ત્યાં સુધીમાં એઓ એ કરી શક્યા નહિ. જ્યારે શોપનહાઉઅરે પોતાનો સિદ્ધાંત ૧૮૧૮માં થયેલા The World as Will and Idea એ ગ્રંથમાં સુવ્યવસ્થિત રૂપે રજૂ કર્યો હતો અને ૧૮૪૪માં એક પુસ્તકને બદલે ત્રણ પુસ્તકો પ્રકટ કર્યાં તેમાં પોતાના સિદ્ધાન્તની વિસ્તીર્ણ, વિશદતર, દૃષ્ટાંતસમર્થિત મીમાંસા કરી હતી. ગોવર્ધનરામે એ કૃતિનો આશ્રય લીધો નહોતો એનો પ્રબળ પુરાવો આ છે કે જો તેમણે એ આશ્રય લીધો હોત તો પોતાના સિદ્ધાંતને વિશદતર અને સંપૂર્ણ બનાવવા માટે એમને-પ્રેરણા એની સહાયતા મળી હોત. ગોવર્ધનરામનો સિદ્ધાંત જે સ્થિતિમાં સાંપડ્યો છે એ સ્થિતિ સ્વયં એની મૌલિકતાનું, શોપનહાઉઅરથી એની સ્વતંત્રતાનું પ્રમાણ છે.

પાદટીપ

  1. Goverdhanram Madhavram Tripathis’ Scrap-Book (ત્રણ ભાગ, ૧૯૫૭, ૧૯૫૯, ૧૯૫૯), પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી, મુંબઈ

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.

(ગોવર્ધનરામનું મનોરાજ્ય)