સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામપ્રસાદ બક્ષી/રસાસ્વાદની પ્રક્રિયા

૧૦. રસાસ્વાદની પ્રક્રિયા

ભરતના રસસૂત્રના અભિનવગુપ્ત પૂર્વના ટીકાકારો— આ પ્રકારે પ્રેક્ષક દૃષ્ટિથી આલંબન વિભાવને અને ઉદ્દીપન વિભાવને નિરખે છે. (ગીતાદિ શ્રવ્ય ઉદ્દીપન હોય તો શ્રવણથી સાંભળે છે.) અનુભાવોનું દૃષ્ટિથી અને શ્રવણથી પ્રત્યક્ષ ગ્રહણ કરે છે, અને એ દ્વારા આલંબન વિભાવનની અને અનુભાવનામક અભિનયથી સૂચવાતા સ્થાયીભાવની તથા વ્યભિચારી ભાવોની માનસિક પ્રતીતિ કરે છે. આ ઘટનામાં સ્થાયીભાવનો અનુભવ કરાવવો એ મુખ્ય ઉદ્દેશ છે; વિભાવ, વ્યભિચારીભાવ અને અનુભાવ એ મુખ્ય ઉદ્દેશની પ્રસિદ્ધિ માટેનાં ઉપકરણો છે. એ ઉપકરણોના વ્યાપારથી પ્રતીત થયેલો અને પરિપુષ્ટ થયેલો સ્થાયીભાવ પ્રેક્ષકના ચિત્તમાં કેવળ આનન્દમય રસરૂપે આસ્વાદ્ય બને છે. આ પ્રક્રિયાનો ભરતમુનિએ નાટ્યશાસ્ત્રના છઠ્ઠા અધ્યાયમાં એક ટૂંકા સૂત્રમાં સમાવેશ કર્યો છે :

विभात्त्वानुभावव्यभिचारिसंयोगाद् रसनिष्पत्तिः

ભરતમુનિનું આ પ્રખ્યાત રસસૂત્ર સર્વે રસમીમાંસકોને રસનિષ્પત્તિની પ્રક્રિયા દર્શાવનારા પ્રમાણભૂત સૂત્ર તરીકે સ્વીકાર્ય બન્યું છે. આ સૂત્રનો અર્થ સરલ છે. “વિભાવો અનુભાવો અને વ્યભિચારીભાવોના સંયોગથી ‘રસનિષ્પત્તિ’ (થાય છે)” આ સૂત્ર પરત્વે પ્રથમ વાત એ લક્ષમાં આવશે કે એમાં ભરતે વિભાવ અનુભાવ અને વ્યભિચારીભાવ એ ત્રણ તત્ત્વોનો નિર્દેશ કર્યો છે પણ સ્થાયી ભાવનો એમાં સમાવેશ કર્યો નથી. સૂત્રનો શબ્દાર્થ સરલ જણાય છે, તે છતાં આ એક સૂત્રના ભિન્ન ભિન્ન પર્યાલોચકોએ ભિન્નભિન્ન અર્થો કર્યા છે, આ સૂત્રથી સૂચવાયેલી રસનિષ્પતિની પ્રક્રિયાનું પ્રેક્ષકના મનોવ્યાપારની દૃષ્ટિએ સાચું સ્વરૂપ શું છે, એ વિષયમાં મતભેદ રહ્યો છે. એ મતભેદનું બીજ ઉક્ત સૂત્રમાં ભરતે યોજેલા ‘સંયોગ’ અને ‘નિષ્પત્તિ’ એ શબ્દોમાં રહેલું છે. આ સરખામણી સ્થાયીભાવ અને રસ વચ્ચેના સંબંધને લાગુ પાડી શકાશે. સ્થાયીભાવ અને રસ બંને વસ્તુ તત્ત્વમાં ભલે એક રહ્યાં; પણ સ્થાયીભાવ વિભાવ અનુભાવ અને વ્યભિચારી ભાવની સામગ્રીથી રસસ્વરૂપે અનુભવાય છે ત્યારે એ આસ્વાદ જુદો જ હોય છે. સ્થાયીભાવ એ રામાદિ અનુકાર્યનો મનોગત ભાવ છે. એની પ્રતીતિ પ્રેક્ષકને અનુભાવદ્વારા થાય છે. વ્યભિચારી ભાવો (અથવા સંચારી ભાવો) પણ એ પ્રકારના મનોગત ભાવો છે અને નટના અનુભાવ વિના એની પણ પ્રતીતિ થઈ શકતી નથી.

આલંબન વિભાવ

દુષ્યન્તની રતિનો આલંબન વિભાવ શકુન્તલા અને શકુન્તલાની રતિનો આલંબન વિભાવ દુષ્યન્ત એ બંને એ રૂપે સજ્જ થયેલા નટના રૂપમાં પ્રેક્ષકને પ્રત્યક્ષ છે, પ્રેક્ષક એમને અન્ય સહાયતા વિના જોઈ શકે છે. અર્થાત્‌ આલેખન વિભાવ બનતાં પાત્રો બાહ્ય મૂર્ત વ્યક્તિઓ છે. પણ એટલું લક્ષમાં રાખવાનું છે કે એ પાત્રનું વિભાવત્વ તો એ ભૂમિકા ભજવનાર નટનો અભિનય જોઈને જ પ્રતીત થાય છે. દુષ્યન્ત શકુન્તલાને જુએ, અને પોતામાં પ્રકટેલા અનુરાગને સૂચવતો અભિનય—અંગચેષ્ટા વડે કે મુખરેખા વડે કે દૃષ્ટિ વડે અને વાણી વડે–કરે ત્યારે જ પ્રેક્ષક દુષ્યન્તનો રતિભાવ જાણી શકે અને શકુન્તલા એ રતિભાવનો આલંબન વિભાવ છે એ સમજી શકે.

ઉદ્દીપન વિભાવ

બહુધા બાહ્ય છે અને ઇન્દ્રિયગમ્ય છે. અનુભાવ એટલે નટનો અનેક પ્રકારનો ભાવવ્યંજક અભિનય; એ પણ ઇન્દ્રિયગમ્ય છે. વિભાવ અને અનુભાવ દૃષ્ટિગમ્ય અને શ્રવણગમ્ય છે. સ્થાયીભાવ અને વ્યભિચારી ભાવો સ્વયમેવ દૃષ્ટિગમ્ય કે શ્રવણગમ્ય નથી, પણ વિભાવ અને અનુભાવ દ્વારા મનોગમ્ય બને છે. નાટ્યશાસ્ત્ર ઉપર અનેક ટીકાઓ લખાઈ હશે પણ એ અત્યારે લભ્ય નથી. કાશ્મીરના તત્ત્વવિદ્‌ અને અનેક શાસ્ત્રમાં પારંગત એવા આચાર્ય અભિનવ ગુપ્તની ‘અભિનવભારતી’ નામની ટીકા એકલી આજે લભ્ય છે. ભટ્ટ લોલ્લટ, અને ભટ્ટ શંકુક, ભટ્ટ નાયક એ ત્રણ પંડિતોની ટીકાઓ તો ઉપલબ્ધ નથી પરંતુ એમણે કરેલી ભરતમુનિના રસસૂત્રની વિવેચનાનો અભિનવગુપ્તે પોતાની ટીકામાં ઉલ્લેખ કર્યો છે તેમાંથી (તેમ જ મમ્મટ વગેરે આલંકારિકોએ આપેલા સારાંશમાંથી) આ ત્રણ વિવેચકોનું દૃષ્ટિબિન્દુ આપણે જાણી શકીએ છીએ. અભિનવગુપ્તે એમના મતની પરીક્ષા કરી છે, ન્યૂનતાઓ દર્શાવી છે, અને છેવટે પોતાનો મત દર્શાવ્યો છે જે ત્યારપછીના રસ પર્યેષકોમાં બહુમાન્ય બન્યો છે. ભટ્ટ લોલ્લટનો મત ઉત્પત્તિવાદ તરીકે ઓળખાય છે, ભટ્ટ શંકુકના મતને અનુમિતિવાદ કહેવામાં આવે છે, અને ભટ્ટ નાયકે રજૂ કરેલી રસમીમાંસા ભુક્તિવાદ તરીકે પ્રસિદ્ધ છે. આપણે એ મતોનો સંક્ષિપ્ત પરિચય કરીશું.

ભટ્ટ લોલ્લટનો ઉત્પત્તિવાદ

આગળ આપણે જોઈ ગયા કે રસાસ્વાદ કરનાર પ્રેક્ષક છે, સહૃદય છે. અનુકાર્ય રામાદિ પરત્વે રસાસ્વાદ અસંભાવ્ય છે; અને નાટ્યસર્જક કવિ અથવા રામાદિનું અનુકરણ કરનાર અનુકર્તા અર્થાત્‌ નટ રસાસ્વાદ કરી શકતા હોય તો તેમને પણ રસાસ્વાદક સહૃદયના વર્ગમાં જ મૂકવા પડે. ભટ્ટ લોલ્લટનો મત તદ્દન જુદો છે. એ કહે છે કે અનુકાર્ય અર્થાત્‌ રામાદિ વ્યક્તિ તે જ રસનો મુખ્ય આશ્રય છે, શકુન્તલા પ્રત્યે રતિ દુષ્યન્તને જ હતી અને એને જ હોઈ શકે દુષ્યન્તની સમક્ષ શકુન્તલારૂપ વિભાવ હતો, એના અનુભાવો હતા, રતિભાવના આનુષંગિક સંચારી ભાવો હતા; અને એ સામગ્રીના સંયોગથી દુષ્યન્તના ચિત્તમાં શૃંગાર રસની ઉત્પત્તિ થઈ હતી. ભરતના રસસૂત્રમાંના ‘રસનિષ્પતિ’ શબ્દનો લોલ્લટ રસની ઉત્પત્તિ એવો અર્થ કરે છે. ત્રણે પ્રકારની આવશ્યક સામગ્રીનો ઉપચય થયો એટલે દુષ્યન્તના ચિત્તમાં શકુન્તલા માટે રતિભાવ પ્રકટ થયોઃ એ રતિભાવ તે જ રસશાસ્ત્રની પરિભાષામાં શૃંગાર રસ. આમ લોલ્લટને મતે રસનો મુખ્ય આશ્રય ભૂતકાલીન ઐતિહાસિક દુષ્યન્ત છે. અને એ દુષ્યન્તની ભૂમિકા ભજવનાર અનુકર્તા નટ દુષ્યન્તના સ્વરૂપનું અંનુસંધાન કરે છે, દુષ્યન્તનો જે મનોભાવ હતો એવો મનોભાવ અનુભવે છે, તેથી એ નટમાં પણ એ રતિભાવ-મુખ્યતઃ જે અનુકાર્ય દુષ્યન્તના ચિત્તમાં ઉત્પન્ન થયેલો હતો. એવો રતિભાવ ઉત્૫ન્ન થાય છે. પ્રેક્ષકને શી રીતે રસનો અનુભવ થાય તેનો સંતોષજનક ખુલાસો ભટ્ટ લોલ્લટના આ ઉત્પત્તિવાદથી થઈ શકતો નથી. દુષ્યન્તને શકુન્તલા માટે સાચો રતિભાવ ઉપજ્યો હતો, અને એ જ દુષ્યન્તનો શૃંગાર રસ છે એમ લોલ્લટ કહે છે. દુષ્યન્તની ભૂમિકા ભજવનાર નટ રંગભૂમિગત સામગ્રી ભૂતકાળમાં હતી તેવી હોવાને કારણે પોતાનામાં એ રતિભાવની ઉત્પત્તિ થઈ છે એવી ભાવના સેવે અને પ્રેક્ષકને એવું બતાવે; નટ અથવા અનુકર્તા સાચે સાચો રસનો આશ્રય નથી. કારણ કે એ રસનો સાચો આશ્રય તો દુષ્યન્ત પોતે જ હતો. આવો લોલ્લટનો મત છે. આ મત માત્ર નટના અનુભવપર્યન્ત જ પહોંચે છે, એટલે કે રંગભૂમિ ઉપર નટના ધર્મને જ અનુલક્ષે છે, એમ આપણે માની લેવું પડે છે, કારણ કે અભિનવગુપ્તે કરેલા ભટ્ટ લોલ્લટના મતના ઉલ્લેખમાં પ્રેક્ષકના રસાસ્વાદવિધિનો ઉલ્લેખ નથી.[1] મમ્મટે કાવ્યપ્રકાશમાં લોલ્લટના મતનો ઉલ્લેખ લગભગ અભિનવગુપ્તે વાપરેલા શબ્દોથી જ કર્યો છે—એટલે એમાં પણ પ્રેક્ષકનો ઉલ્લેખ નથી. પણ લોલ્લોટના નટ પરત્વે વપરાયેલા ‘તદ્રૂપત્તાનુસંધાન વલાત્‌’ એ વચનમાં કેટલાક પંડિતો પ્રેક્ષક અને નટ વચ્ચેના સંબંધનું સૂચન માને છે; અને પ્રેક્ષક પણ નટમાં રામાદિરૂપતાનું અનુસંધાન કરે છે, અર્થાત્‌ પ્રેક્ષક અનુકર્તા નટમાં અનુકાર્ય રામાદિનું આરોપણ કરે છે એવું લોલ્લટના મતનું તાત્પર્ય માને છે અને કહે છે કે : --नटे तु तुल्यरूपतानुसंधानयशाद आरोप्यामाणः सामाजिकानां चमत्कारहेतुः (स्थायीरत्यादिकः) અર્થાત્‌ સામાજિકો નટમાં, રામરૂપતાનું અનુસંધાન કરીને, રત્યાદિભાવનું આરોપણ કરે છે. અને એ રીતે નટમાં આરોપિત રત્યાદિભાવ સામાજિકોના ચમત્કારનો હેતુ બને છે. લોલ્લટનો આવો મત સામાજિકની રસાનુભૂતિ વિશેનો હોય તો તે પ્રતીતિજનક નથી, કારણ કે આ પ્રમાણેનો આ મત પણ નટમાં રત્યાદિભાવના આરોપણથી અટકે છે. સામાજિકના ચિત્તમાં રસનિષ્પત્તિ શી રીતે થઈ એનો એમાં ખુલાસો નથી. સામાજિક નટમાં રત્યાદિનું આરોપણ કરે અને એ રીતે એ નટમાં રતિભાવનો બોધ કરે એટલાથી જ, એ જ્ઞાનમાત્રથી, અલૌકિક રસાનુભૂતિ નિષ્પન્ન થતી નથી. મનુમાં અમુક ભાવ છે એ જ્ઞાન માત્રથી કનુના ભાવાનુભાવનો ખુલાસો નથી થતો. ડૉ. કાન્તિચંદ્ર પાંડે તો એમ જ કહે છે કે લોલ્લટે સામાજિકની રસાનુભૂતિની દૃષ્ટિથી આ પ્રશ્ન વિચાર્યો જ નથી. એણે રંગભૂમિ ઉપરના પ્રયોગને જ, અને નટને જ, લક્ષમાં રાખીને ભરતના સૂત્રનો વ્યવહારસંગત અર્થ કર્યો છે.[2]

શંકુકનો અનુમિતિવાદ

લોલ્લટે રસની નિષ્પત્તિનો વિષય રંગભૂમિના પ્રયોગની દૃષ્ટિથી ભૂમિકા ભજવનાર નટના ધર્મની અને અનુભવની દૃષ્ટિથી, ચર્ચ્યો હતો. રસાસ્વાદ માત્ર સામાજિક જ – પ્રેક્ષક જ – કરી શકે છે એ જોનાર અને રસાનુભવની રસનિષ્પત્તિના – વિષયની સામાજિકની દૃષ્ટિથી આલોચના કરનાર ભટ્ટ શંકુક પ્રથમ છે. ભટ્ટ લોલ્લટે અનુકાર્ય રામાદિનો ભાવ તે જ એનો રસ છે એમ કહ્યું હતું. પણ એ ભૂતકાલીન રામ દુષ્યન્તાદિએ પોતાના પોતાના જીવન દરમ્યાન જે ચિત્તવૃત્તિ અનુભવી હતી તે તો કેવળ લૌકિક ચિત્તવૃત્તિ હતી. અને એવી લૌકિક મનોવૃત્તિઓ આપણે જોઈએ તેથી આપણને રસાસ્વાદનો આનંદમય અનુભવ થતો નથી એ આપણે જાણીએ છીએ. રસનો એવો આનંદમય આસ્વાદ કાવ્યનાટકાદિ સાહિત્યકૃતિમાંથી જ લભ્ય છે. એ અનુભવ લૌકિક અનુભવથી ભિન્ન છે અર્થાત્‌ અલૌકિક છે અને એની સામગ્રી પણ અલૌકિક છે એ આપણે જોઈ ગયા છીએ. ભટ્ટ શંકુકે એ અલૌકિક રસાનુભૂતિ શી રીતે થાય છે એ વિશે પોતાનો મત જણાવ્યો છે. રંગભૂમિ ઉપરની સુંદર સજાવટ અને નટની અભિનયકુશલતા પ્રેક્ષકને એવો ખ્યાલ ઉપજાવે છે એ નટ તે જ (જેની ભૂમિકા એ ભજવે છે તે) નાયક છે. પ્રેક્ષકને થતા આ બોધને શંકુકે લૌકિક જ્ઞાનથી જુદા પ્રકારનો, અલૌકિક બોધ કહ્યો છે. પ્રેક્ષકો રામની ભૂમિકા ભજવતા નટને જુએ છે. ત્યારે આ અમુક નામનો અમુક નટ છે, એવું એમને આગળ તરી આવતું ભાન હોતું નથી : તેમ આ નટ નથી, રામ જ છે એવો નિશ્ચય પણ પ્રેક્ષકો કહી બેસતા નથી; તો વળી આ તો નટ જ છે, આ રામ નથી એમ પણ માની લેતા નથી. આ રામ છે? અથવા આ રામ નથી? એવો સંદેહ પણ એમને થતો નથી. આ નટ રામના જેવો છે એવું સાદૃશ્યનું જ્ઞાન પણ પ્રેક્ષકને થતું નથી, નટ પરત્વે પ્રયોગકાળ દરમ્યાન પ્રેક્ષકમાં જે રામ-બુદ્ધિ ઉપજે છે તે નથી સમ્યક્‌જ્ઞાન, નથી મિથ્યાભાન, નથી સંશય, નથી સાદૃશ્યજ્ઞાન. સમ્યક્‌જ્ઞાન નિશ્ચયાત્મક હોય – પણ એવું નિશ્ચિત અબાધિત જ્ઞાન પ્રેક્ષકને થતું નથી, મિથ્યાજ્ઞાન હોય તો તે, એથી ઉલટા પ્રકારનું સાચું જ્ઞાન થાય ત્યારે, નષ્ટ થાય, પણ પ્રયોગ પૂરો થયા પછી પણ નટમાં જે રામબુદ્ધિ પ્રયોગ દરમ્યાન ઉપર હતી તે લુપ્ત થતી અનુભવાતી નથી; આમ હોઈને નટ પરત્વે પ્રેક્ષકોને જે જ્ઞાન થાય છે એને લૌકિક બોધનો કોઈપણ પ્રકાર માની શકાય એમ નથી. એ પ્રતીતિ લૌકિક જ્ઞાનના પ્રકારોથી વિલક્ષણ છે, અર્થાત્‌ અલૌકિક છે. શંકુક આ પ્રતીતિને ચિત્રમાં થતી તુરગપ્રતીતિ જેવી માને છે, કોઈએ અશ્વનું તાદૃશ ચિત્ર ચીતર્યું’ હોય એ જોઈને આપણે કહીએ છીએ કે આ અશ્વ છે. એ જ ન્યાયે રામના આકારમાં સજ્જ થયેલા નટને જોઈને આપણે માનીએ છીએ કે આ રામ છે. સામાજિકની રસનિષ્પત્તિના ક્રમો શંકુકને મતે સંક્ષેપમાં આ પ્રકારના છે : નટ રામના અનુભાવોનું અનુકરણ કરે છે; એ નટ તે રામ છે, એવું લૌકિકજ્ઞાનથી વિલક્ષણ પ્રકારનું જ્ઞાન પ્રેક્ષકને થાય છે, અને એથી નટનો અભિનય જોનારો પ્રેક્ષક વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ એ ત્રણ જોઈ જાણીને એ ઉપરથી સ્થાયીભાવનું અનુમાન કરે છે. અર્થાત્‌ ભરતે વાપરેલા રસનિષ્પત્તિ શબ્દનો શંકુક રસની અનુમિતિ એવો અર્થ સ્વીકારે છે. નટની અભિનયકુશળતા એવી હોય છે કે એ નાયકના જેવા અનુભાવો કરી શકે છે. એના સૂક્ષ્મ અભિનય દ્વારા પ્રેક્ષકને વ્યભિચારી ભાવોની પણ પ્રતીતિ થાય છે, અને વિભાવ, અનુભાવ અને વ્યભિચારના જ્ઞાનને પરિણામે પ્રેક્ષક નટમાં સ્થાયીભાવનું અનુમાન કરે છે, અને રામરૂપ ધારી નટમાં જે સ્થાયીભાવનું અનુમાન થાય છે એમાં જ સામાજિકને આનંદનો અનુભવ થાય છે. સ્થાયીના અનુમાનથી નિષ્પન્ન થતો આહ્‌લાદમય અનુભવ તે જ રસ. એ સ્થાયીભાવ નટમાં જ રહેલો છે પણ સામાજિક એ સ્થાયીભાવની ચર્વણા કરે છે તેથી એને રસની અનુભૂતિ થાય છે. શંકુકના આ સિદ્ધાંત પરત્વે કેટલીક શંકાઓ રજૂ કરવામાં આવી છે, અને એનું સમાધાન પણ કરવામાં આવ્યું છે. આપણે એ શંકાઓને અને એમાં સમાધાનોને સંક્ષેપમાં જોઈ જઈશું. એક શંકા એ છે કે નટ તો નાયકના જે અનુભાવ વગેરે હોય તેનું કેવળ અનુકરણ કરે છે. એ અનુભાવો વાસ્તવિક મનોભાવનાં વાસ્તવિક પરિણામો નથી, અનુભાવો કૃત્રિમ હોય છે તો તેના ઉપરથી એવું અનુમાન શી રીતે કરી શકાય કે નટ સ્થાયીભાવનો અનુભવ કરે છે? આનું સમાધાન એ છે કે નટના અનુભાવો ભલે કૃત્રિમ હોય, પરંતુ સામાજિક એને અકૃત્રિમ માની લે છે. એ અનુભાવોનો સ્થાયીભાવ કાર્યકારણ સંબંધ નથી એવો પણ ખ્યાલ પ્રેક્ષકને હોતો નથી. અભિનવપટુ નટ એ અનુભાવોનો અભિનય એવો સારો કરે છે કે એ અનુકરણ છે એવું પ્રેક્ષકને લાગતું નથી. તેથી અનુભાવ વગેરેને પ્રત્યક્ષ જોતો સાંભળતા પ્રેક્ષકને સ્થાયીભાવનું પરોક્ષ એટલે અનુમિતિરૂપ જ્ઞાન ઉદ્‌ભવે છે. બીજી શંકા એ છે કે નટમાં જે સ્થાયીભાવ ખરેખરો વિદ્યમાન નથી તો પછી અનુભાવાદિથી એનું અનુમાન કરવામાં આવે એ સાચું શી રીતે મનાય? આનો જવાબ એ છે કે સ્થાયીભાવનું જે અનુમાન કરવામાં આવે છે તે ખરું ન હોય, ભ્રમમાત્ર હોય, તો પણ એ ભ્રમ અભિપ્રેત ફલનો ઉત્પાદક બને છે, એટલે કે એથી સહૃદયનાં રસાસ્વાદને બાધ આવતો નથી. જ્ઞાનની અસત્યતા સત્યનું જ્ઞાન થાય ત્યારે જ જણાય. રજ્જુમાં સર્પનો ભ્રમ થાય છે એ અસત્ય છે એમ ક્યારે સમજાય? જ્યારે રજ્જુનું રજ્જુરૂપે સાચું જ્ઞાન થાય ત્યારે, એટલે કે ભ્રમમૂલક જ્ઞાન અને યથાર્યજ્ઞાન વચ્ચે વિરોધ પ્રકટ થાય ત્યારે. લૌકિક વ્યવહારમાં આવો સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ જાણવો આવશ્યક બને છે. પણ કલાના ક્ષેત્રમાં એવું સત્યાસત્યનું ભેદ દર્શન મહત્ત્વનું નથી. કારણ કે કલાના આનંદોપભોગમાં વ્યાવહારિક ઉપયોગિતાનો કે નિરુપયોગિતાનો પ્રશ્ન જ નથી. એને લૌકિક વ્યવહાર જોડે સંબધ નથી. એને કાંઈ જ વ્યાવહારિક પરિણામ સાધવાનું હોતું નથી. કલાનું ક્ષેત્રવ્યવહારના જગતથી નિરાળું છે. કલાનો ધર્મ કાલ્પનિક જગતમાં મુક્તવિહારનો આનંદ આપવાનો છે. કલાનો કોઈ વ્યાવહારિક હેતુ હોતો નથી. તેથી જ કલાજન્ય આસ્વાદ સત્યાસારના નિર્ણયથી પર છે અને એ જ એની અલૌકિકતા છે. નટના મનોભાવ વાસ્તવિક હોય તો એની અનુભૂતિ લૌકિક અનુભૂતિની કક્ષામાં આવે, એમાં અલૌકિકતાજન્ય ચમત્કૃતિ ન રહે. ત્રીજી શંકા આ છે : સામાજિક નટના અનુભાવાદિક દ્વારા, એનામાં સ્થાયીભાવનું અનુમાન કરે છે. પણ એકના ભાવનું અનુમાન અન્યને આનંદજનક શી રીતે બની શકે, એક માણસના સુખનું અનુમાન અન્ય માણસને આનંદકર શી રીતે બને? આનો ખુલાસો એ છે કે એકના સુખ વગેરેનું અનુમાન અન્યને સુખકારક ને અને એ લૌકિક જીવનમાં ખરું છે. પણ નાટકનો અનુભવ લૌકિક પ્રકારનો નથી, અલૌકિક છે. અને એ વિભાવાનુભાવાદિ સામગ્રી વડે નટના સ્થાયીભાવનું અનુમાન અર્પણ દ્વારા આનંદનો અનુભવ કરાવે છે, એ સૌના અનુભવની વાત છે. શંકુકના આ સિદ્ધાન્તની નબળી કડી છે એનો અનુકરણવાદ. નટ રામાદિના અનુભાવોનું અનુકરણ કરે છે એવો એનો મત છે. અભિનવગુપ્તને મતે આ અનુકરણ અશક્ય છે કારણ કે જે વસ્તુનું પ્રત્યક્ષ દર્શન કરેલું હોય તેનું અનુકરણ થઈ શકે. રામાદિના વિભાવ અનુભાવ વગેરેનું પ્રત્યક્ષ જ્ઞાન નટને હોવું અશકય છે, તો પછી એ અપ્રત્યક્ષીકૃત વસ્તુનું અનુકરણ નટ ક્યાંથી કરી શકે? વળી નટના અભિનયથી વ્યક્ત થતા ભાવની પ્રેક્ષકને જે અનુભૂતિ થાય છે તે અનુકરણરૂપ ભાવની પ્રતીતિ નથી, પણ વાસ્તવિક ભાવની અનુભૂતિ છે. એ અનુભૂતિ અનુકરણરૂપ નથી, પરંતુ અનુવ્યવસાયાત્મક છે; એટલે કે નટ જેની ભૂમિકા ભજવતો હોય એ અનુકાર્યનો જે ભાવ હોય તે જ ભાવનો પ્રેક્ષકને પણ અનુભાવ થાય છે.[3] નટના અનુભાવાદિક દ્વારા પ્રેક્ષક નટમાં સ્થાયીભાવનું અનુમાન કરે છે. એવો શંકુકનો અનુમિતિવાદ પ્રતીતિજનક નથી. અનુમાન ત્રણ પ્રકારે થાય; કાર્ય ઉપરથી કારણનું અનુમાન, કારણ ઉપરથી કાર્યનું અનુમાન, અથવા એક વસ્તુ ઉપરથી બીજી, એ વસ્તુ જોડે અવિનાભાવ સંબંધથી જોડાયેલી, વસ્તુનું અનુમાન. આ પ્રકારે સ્થાયીભાવનું અનુમાન પણ ત્રણ પ્રકારે થઈ શકે : અનુભાવાદિ કાર્ય ઉપરથી કારણભૂત સ્થાયીનું અનુમાન; અથવા વિભાવાદિ કારણ પરથી એના કાર્યભૂત સ્થાયીભાવનું અનુમાન; અથવા વ્યભિચારી ભાવો ઉપરથી એના નિત્ય નિયત સહચારી સ્થાયીભાવનું અનુમાન. આ ત્રણ પ્રકારે સ્થાયીભાવનું અનુમાન થાય ત્યારે એ અનુમાન વાસ્તવિક સ્થાયીભાવનું અનુમાન હોય, અનુકરણરૂપ ભાવનું ન હોય. કદાચ એમ કહેવામાં આવે કે આ વિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવ મૂળ રામાદિ વ્યક્તિ પરત્વે વાસ્તવિક હતા પણ એના અનુકર્તા નટના વિષયમાં તો એ અનુકરણાત્મક હોય છે. તેથી એ સામગ્રી ઉપરથી અનુમિત થતો સ્થાયીભાવ પણ અનુકરણ રૂપ હોઈ શકે, તો આ કથન પણ બરાબર નથી. કારણ કે વિભાવાદિ જે સામગ્રી રંગભૂમિ ઉપર જોવામાં આવે છે એ પ્રેક્ષકને અનુકરણરૂપ અર્થાત્‌ અવાસ્તવિક ભાસતી હોય તો એના ઉપરથી સ્થાયીભાવનું અનુમાન અશક્ય બનશે; અને જો એ સામગ્રી પ્રેક્ષકને વાસ્તવિક લાગતી હોય તો અનુમેય ભાવ અનુકરણરૂપ છે, એવી શંકુકની માન્યતાનો અવકાશ રહે.[4] શંકુકના અનુમિતિવાદની અને નટ રામાદિકના અનુભાવાદિકનું અનુકરણ કરે છે. એવા એ સિદ્ધાંતના અંગભૂત મતની ન્યૂનતાઓ અનુગામી પર્યેષકોએ બતાવી આપી છે પણ અનુમિતિવાદની સામે મુખ્ય વાંધો એ છે કે ચમત્કાર-જગતના પ્રત્યક્ષ જ્ઞાનમાં જ રહેલી છે, અનુમાનમાં નહીં એ સર્વનો અનુભવ છે. સામજિકનો અનુભવ “હું રસનો સાક્ષાત્કાર કરું છું” એ પ્રકારનો હોય છે, અર્થાત્‌ નાયકનો જે ભાવ હોય તે જ ભાવની પ્રેક્ષકને સાક્ષાત્‌ અનુભૂતિ થાય છે. (એ ભાવનો “અનુવ્યવસાય” કરે છે.) એવો સર્વનો અનુભવ છે તેથી શંકુકનો અનુમિતિવાદ સ્વીકાર્ય બન્યો નથી.

ભટ્ટ નાયક : ભુક્તિવાદ

પ્રક્ષેકને રસાસ્વાદ શી રીતે થાય છે, એ રસાસ્વાદ દરમ્યાન પ્રેક્ષકનો માનસિક અનુભવ કયા ક્રમોમાંથી પસાર થઈને પૂર્ણ આનંદની અનુભૂતિ પર્યંત પહોંચે છે એ સમજવા સમજાવવાનો ભટ્ટ નાયકે સુંદર પ્રયત્ન કર્યો છે. એના પુરોગામી લોલ્લટે અને શંકુકે પ્રેક્ષકના ચિત્તવ્યાપારની એવી પૃથ્થક્‌-ક્રિયા નથી કરી. લોલ્લટે એટલું જ કહ્યું છે રસનો આશ્રય રામાદિક ઐતિહાસિક વ્યક્તિ, એટલે કે અનુકાર્ય છે. નટ એની જોડે તદ્રૂપતાનું અનુસંધાન કરીને એ અનુકાર્યના સ્થાયીભાવનું પાત્ર બને છે (અને પ્રેક્ષક એ નટમાં અર્થાત્‌ અનુકર્તામાં એ સ્થાયીભાવનું આરોપણ કરે છે, અને એનો એ રીતે સાક્ષાત્કાર કરીને આહ્‌લાદ અનુભવે છે.) લોલ્લટના મતે સ્થાયીભાવની આ કાર્યમાં વિભાવાદિ સામગ્રીના સંયોગથી ઉત્પત્તિ થાય છે, પણ માત્ર નટગત સ્થાયીભાવનો પ્રેક્ષક શી રીતે સાક્ષાત્કાર કરે અને પ્રેક્ષકને આનંદાનુભાવ શી રીતે થાય એ સ્પષ્ટ કર્યું નથી. શંકુકના મતે, આપણે જોઈ ગયા તેમ, સામાજિકો વિભાવાદિ સામગ્રી દ્વારા નટમાં સ્થાયીભાવનું અનુમાન કરે છે, અને સ્થાયીભાવનું ચર્વણ એટલે કે સતત અનુસંધાન કરી રહેલો સામાજિક એ અનુસંધાનથી, વસ્તુની નિતાન્ત સુંદરતાને કારણે, અલૌકિક આનંદનો અનુભવ કરે છે. આ મતને અંગે પણ આપણને પ્રશ્ન એ ઉપજે છે કે નટગત સ્થાયીભાવનું અનુમાન કરવાથી પ્રેક્ષકને અલૌકિક આનંદ શી રીતે અનુભવાય? કોઈ બીજો માણસ સુખી છે કે અનુરક્ત છે, કે શૂરવીર છે, એના અનુમાનમાત્રથી આપણને આનંદ થતો નથી. આમ, લોલ્લટ કે શંકુક સહૃદયના રસાનુભૂતિની ક્ષણના આસ્વાદને, આનંદાનુભાવને, સંભાવ્ય કરતા મનોવ્યાપાર પર્યંત પહોંચ્યા નથી, સહૃદયના આનંદાનુભવનું પૃથક્કરણ કરવાનો પ્રથમ પ્રયત્ન ભટ્ટ નાયકે કર્યો છે. ભટ્ટ નાયકનો મત શો હતો તે પણ અભિનવગુપ્તની નાટ્યશાસ્ત્રની ટીકામાંથી જ જાણી શકાય છે. ભટ્ટ નાયક રસ ઉત્પન્ન થાય છે. અથવા અનુમાનથી અનુભવાય છે એ બંને મતોને ખોટા ગણે છે. રસ નથી ઉત્પન્ન થતો, નથી અનુમાનથી પ્રતીત થતો. રસનો આસ્વાદ માત્ર વ્યક્તિગત નથી. એટલે કે કેવળ સ્વગત અથવા આત્મગત નથી. મારો અનુભવ અને આનંદ મારો પોતાનો રહે, હું એનું વ્યક્તિગત આસ્વાદન કરું, એ તો લૌકિક જગતમાં બને છે. વાઙ્‌મયના જગતમાં કાવ્ય નાટકાદિના પરિશીલનમાં, જે અનુભવ થાય છે તે કેવળ સ્વગત નથી. એ અનુભવ પર-ગત નથી એ તો સ્પષ્ટ છે, કારણ કે એ પરગત હોય તો આપણને આસ્વાદ્ય ન બને પણ તો એ સ્વગત પણ નથી. એ અનુભવ સ્વગત હોય, રામનો શોક જોઈને સામાજિક એ પોતાનો શોક છે એમ માને, તો એ સામાજિક પણ વિયોગશોકથી દુઃખી થતા રામની માફક દુઃખી થાય. પણ એવો આપણો અનુભવ નથી; કરુણરસની નાટ્યકૃતિ જોઈને પણ સહૃદય આનંદમય રસાનુભવમાં નિમગ્ન બને છે. માટે રસાનુભવ સ્વગત નથી. વળી શકુન્તલાદિ નાયિકા પ્રત્યે ‘આ મારી કાન્તા છે’ એવી મમત્વની પ્રતીતિ પણ સહૃદયને થતી નથી. નાટકને જોતી વખતે સહૃદય આવું મમત્વ, સ્વગતત્વ, અનુભવતો નથી તેથી તો હનુમાને કરેલા સમુદ્રોલ્લંઘન જેવાં લોકાતીત અતિમાનુષ પરાક્રમ – જેને સહૃદય પોતાનાં માની શકતો નથી એવાં પરાક્રમ – એના નાટ્ય રસાસ્વાદમાં વિઘ્નકર બનતાં નથી. તો પછી રસાસ્વાદની અનુભૂતિ શી રીતે થાય છે? કેવળ શબ્દબોધથી એ અનુભૂતિ થાય એ શક્ય નથી. કવિએ નાયક નાયિકાના પ્રણયવ્યવહારનું વર્ણન કર્યું હોય તેના માત્ર શાબ્દબોધથી અલૌકિક કાવ્યાનંદ અનુભવાતો નથી. એટલું જ નહિ પણ જેમ લૌકિક વ્યવહારમાં બને છે તેમ રતિપ્રસંગનું વર્ણન શ્રોતાને લજ્જા જુગુપ્સા આદિનો અનુભવ કરાવે, અર્થાત્‌ શાબ્દબોધથી રસાસ્વાદનો આનંદ મળતો નથી. નાયકનાયિકોનો પ્રણયવ્યવહાર વાંચીને કે રંગભૂમિ ઉપર એનો અભિનય જોઈને સહૃદયને નાયકનાયિકાના રતિભાવનું સ્મરણ થાય છે અને એ સ્મરણથી આનંદ અનુભવાય છે એમ માનવું પણ બરાબર નથી. કારણ કે સ્મરણ તો પૂર્વે આપણે જે પ્રત્યક્ષ અનુભવ્યું હોય તેનું થાય : કાવ્યનાટક-નિરૂપિત પ્રસંગો આપણે અગાઉ પ્રત્યક્ષ જોયેલા હોતા નથી. કવિ દોષરહિત, ગુણસંપન્ન, અલંકારથી શોભતી, ભાષા વાપરે છે તે સામાન્ય વ્યવહારની ભાષાથી વિશિષ્ટ હોય છે; નાટકમાં વાચિક, આંગિક, સાત્ત્વિક અને આહાર્ય (વેષભૂષાદિથી સધાતો) એવો ચતુર્વિધ અભિનય કરવામાં આવે છે, એ પણ લૌકિક વર્તનવ્યવહારથી વિશિષ્ટ પ્રકારનો હોય છે. એ ભાષાપ્રયોગથી થતા ચમત્કારનો અને અભિનયથી થતા ભાવગ્રહણનો જે અનુભવ ભાવકને થાય છે તે લૌકિક અનુભવથી જુદો, લોકોત્તર હોય છે, અને એ દ્વારા જે આનંદનો ઉપભોગ થાય છે તે પણ સંસારસુખથી વિલક્ષણ પ્રકારનો હોય છે. ભટ્ટ નાયકે પોતાના ભુક્તિવાદમાં એ વિશિષ્ટ અનુભવની પૃથક્કરણયુક્ત પર્યેષણા કરી છે. સાહિત્યાનુભૂતિના અંગભૂત ત્રણ ક્રમિક વ્યાપારોની એણે કલ્પના કરી છે, એ ત્રણ વ્યાપારોને એણે અભિધા, ભાવના (અથવા ભાવકત્વ) અને ભોગીકૃતિ (અથવા ભોજકત્વ) એવાં નામો આપ્યાં છે. એનો મત એવો છે કે સહૃદયની રસાનુભૂતિ આ ત્રણ વ્યાપારો વડે સિદ્ધ થાય છે. અમુક શબ્દથી અમુક મુકરર અર્થનો બોધ થાય છે તે અભિધા વ્યાપારથી થાય છે. શબ્દ સમૂહરૂપ વાક્ય કે વાક્યસમૂહ વાંચીને કે સાંભળીને વાચક કે શ્રોતા પ્રત્યેક શબ્દનો અર્થ સમજીને એને સંકલિત કરીને વાક્યનો કે વાક્યસમૂહનો સંબદ્ધ સમગ્ર અર્થ કરે છે તેમાં પ્રત્યેક શબ્દની અભિધાશક્તિ અર્થસમર્પક બને છે. શબ્દની આ અભિધાશક્તિ કવિનો પોતાનો અભિપ્રેત અર્થ વાચકગમ્ય બનાવવાનું આદ્ય સાધન છે. આ અભિધાવ્યાપારથી થતો વાચ્યાર્થનો બોધ એ કાવ્યના સમગ્ર અર્થગ્રહણનું અને રસગ્રહણનું પ્રથમ પગથિયું છે. વાચ્યાર્થગ્રહણ પછીનો ભટ્ટ નાયકે જે ક્રમ કલ્પ્યો છે તેને એણે ભાવના એવું નામ આપ્યું છે એ “ભાવના” વ્યાપારથી સાધારણીકરણ થાય છે. અભિધાવ્યાપારથી કાવ્યગત વિભાવ, અનુભાવ, સ્થાયીભાવ અને સંચારીભાવ વાચકને પ્રતીત થાય છે, પણ આ ચતુર્વિધ સામગ્રીની વાચકને, કાવ્ય પરિશીલન દરમ્યાન, જે પ્રતીતિ થાય છે તે વ્યાવહારિક જગતમાં પ્રવર્તતા મનોવૃતિનાં કારણો (વિભાવ), કાર્યો ‘અનુભાવ’ અને મનોવૃત્તિઓે (ભાવ) એ સર્વની લૌકિક પ્રતીતિથી જુદા પ્રકારની હોય છે. લૌકિકવ્યવહારમાં આ મારું, આ અન્યનું, એવો ભેદ હોય છે. આપણા જીવનમાં આપણને કે આપણા સ્વજનોને સ્પર્શતી કોઈ ઘટના બને તો આપણે પોતે એનાથી પ્રભાવિત થઈએ છીએ, એમાં આપણી સ્વગતત્ત્વની બુદ્ધિ હોય છે. પણ આપણને જેની સાથે લેશ પણ નિસ્બત ન હોય એવી અન્યના જીવનમાં બનેલી અને આપણને સ્પર્શ ન કરનારી ઘટના પ્રત્યે આપણે ઉદાસીન રહીએ છીએ. લૌકિક જીવનમાં આ સ્વગત, આ પરગત એવો ભેદ શક્ય બને છે; અને અમુક ઘટનાઓમાં આપણું પૂરેપૂરું મમત્વ હોય તો બીજી કોઈ ઘટના પ્રત્યે આપણે પૂર્ણતઃ તટસ્થ રહીએ એ પણ લૌકિક જીવનમાં શક્ય છે. પણ કાવ્યનાટકગત ઘટનામાં કોઈ સામાજિકને “આ મારી મને જ લગતી ઘટના છે.” એવું સ્વગતત્ત્વ નથી લાગતું અને મમત્વ નથી ઉપજતું અર્થાત્‌ કાવ્યનાટકગત પ્રસંગમાં એ પ્રસંગનાં પરિણામોની દૃષ્ટિએ, એ પ્રસંગાનુરૂપ પોતાનું કાંઈ કર્તવ્ય ઉત્પન્ન થતું નથી એ દૃષ્ટિએ સામાજિક તટસ્થ રહે છે. પણ સંપૂર્ણ રીતે તટસ્થ રહે તે ભાવાનુભૂતિ અને રસાસ્વાદ શી રીતે ઉપજી શકે? એટલે કાવ્યનાટકના પ્રસંગમાં વાચક કે પ્રેક્ષક પ્રવૃત્તિની દૃષ્ટિએ તટસ્થ રહે છે, છતાં એમાં વ્યક્ત થતા ભાવની અનુભૂતિની બાબતમાં તટસ્થ રહેતો નથી. પણ જો તટસ્થ નથી રહેતો તો એ શું એમાં મમત્વ અનુભવે છે? શકુન્તલા એ મારી કાન્તા છે, એના પ્રત્યેની રતિ એ મારી રતિ છે એમ શું પ્રેક્ષક માની શકે છે? એ પણ શક્ય નથી અને યોગ્ય નથી. તો પછી પ્રેક્ષકની પ્રતીતિ કયા પ્રકારની હોય છે? આ મારી કાન્તા છે, એના પ્રત્યે હું રતિભાવ અનુભવું છું એવો અનુભવ પ્રેક્ષકને નથી થતો; પણ છતાં નાયકગત રતિભાવ પ્રેક્ષકના ચિત્તમાં પ્રતિબિમ્બિત થાય છે, તો તે શી રીતે થાય છે? આ સમસ્યાના ઉકેલ માટે ભટ્ટ નાયકે સાધારણીકરણ વ્યાપારની કલ્પના કરી છે. કાવ્યનાટકના અભિધાવ્યાપારથી થયેલા અર્થબોધના પછીના ક્રમે ‘ભાવનાવ્યાપાર’ આવે છે તેથી સહૃદયના ચિત્તમાં આ સાધારણીકરણવ્યાપાર થાય છે. કાવ્યની ગુણસંપન્ન, અલંકાર-શોભન ભાષાથી થતી રમણીય અર્થપ્રતીતિ, રંગભૂમિ ઉપરના સુંદર દૃશ્ય સંનિવેશનો અને મધુર ગીતસ્વરનો અથવા મધુર લલિત પદાવલિનો પ્રભાવ, સહૃદયને પોતાના વ્યક્તિત્વનું વિસ્મરણ કરાવે છે. નાયકના અનુભાવાદિથી વ્યક્ત થતો રતિભાવ સહૃદયના હૃદયમાં પ્રતિબિંબન પામે છે ત્યારે એ વ્યક્તિનિષ્ઠ રહેતો નથી. ત્યારે સહૃદય પોતાને દુષ્યન્ત માની બેસે છે એવું નથી, તેમ પોતાને દુષ્યન્તથી સર્વથા અભિન્ન માની લે છે. એવું પણ નથી. દુષ્યન્ત અમુક કાળનો હતો, અમુક દેશનો હતો, એ રાજા હતો, હું તે આ સમયનો છું, આ દેશનો છું. સાધારણ માણસ છું એવું સહૃદયનું ભાન સર્વથા લુપ્ત બનતું નથી તેથી એ દુષ્યન્ત જોડે સંપૂર્ણ તાદાત્મ્ય તો અનુભવી શકતો નથી; પણ છતાં એની જોડે એ એકાત્મતા અનુભવી શકે છે. એ જે ભાવને અનુભવતો જણાય છે એ ભાવને સહૃદય અનુભવી શકે છે. ભાવનાવ્યાપારની પ્રવૃત્તિથી, નાટકદર્શન સમયે કાવ્યવાચન સમયે, એ કાવ્યનાટકની સામગ્રીના પ્રભાવથી, સહૃદય પોતાનું વ્યક્તિત્વ તો વીસરી જાય છે પણ સાથોસાથ નાયકનાયિકા પણ સહૃદયના ચિત્તને દેશકાલ વ્યક્તિત્વની ઉપાધિથી રહિત સાધારણીકૃત રૂપે પ્રતીત થાય છે; દુષ્યન્ત સ્થલકાલવ્યક્તિત્વવિશિષ્ટ દુષ્યન્ત નથી રહેતો પણ સાધારણીકૃત નાયક બને છે. શકુન્તલા દુષ્યન્તની પ્રિયતમા છે એ પણ સ્થલકાલવ્યક્તિત્વવિશિષ્ટ શકુન્તલા રૂપે પ્રતીત નથી થતી પણ માત્ર કાન્તારૂપે—મારી કાન્તા કે અન્યની કાન્તા એ રીતે નહિ પણ કેવળ કાન્તા રૂપે—પ્રતીત થાય છે. નાયક નાયિકાની આવી સ્થલકાલવ્યક્તિત્વ આદિ વિશિષ્ટતાઓથી રહિત, કેવળ કાન્ત અને કાન્તા એ પ્રકારની પ્રતીતિ થાય અને એવી પ્રતીતિ માટે સહૃદયની મનોભૂમિ પણ પોતાના વ્યક્તિત્વના વિસ્મરણથી તૈયાર બની રહે એ ઘટનાને ‘ભાવના’ અથવા ‘ભાવકત્વ’ એવું નામ ભટ્ટ નાયકે આપ્યું છે. ભાવક નાયક નાયિકાદિની વ્યક્તિવૈશિષ્ટ્યરહિત સાધારણીકૃત પ્રતીતિ કરી શકે છે, અને તદ્‌ભાવભાવન કરી શકે છે. આ ભાવનાવ્યાપારનો મહિમા છે. આ પ્રતીતિની ક્ષણે સહૃદયના ચિત્તમાં મારાતારાના રાગદ્વેષની વૃત્તિ હોતી નથી. જીવનમાં અનુભવાતા મોહના અને મનોવિકારના કારણભૂત તમોગુણથી અને રજોગુણથી મુક્ત થઈને એનું ચિત્ત નિર્મલ દર્પણ જેવું સ્વચ્છ બન્યું હોય છે. અને પછી આવે છે છેલ્લો ક્રમઃ ભોગીકૃતિ. ભાવકના રજોગુણથી અને તમોગુણથી વિમુક્ત થયેલા નિર્મલ ચિત્તમાં સત્ત્વગુણનો ઉદ્રેક થાય છે અને ચિત્તના વિકારનો અને વિકાસનો અનુભવ થાય છે, એનું ચૈતન્ય પ્રકાશમય અને આનંદમય બને છે તથા પરમ વિશ્રાંતિ અને શાંતિ અનુભવે છે. અને ભાવક, પરબ્રહ્માસ્વાદને મળતો આવે, પરબ્રહ્માસ્વાદની નિકટ આવી રહે એવો, પરમ આનંદ અનુભવે છે. આ અસીમ આનંદાનુભૂતિ ભોગીકૃતિ વ્યાપારનું પરિણામ છે. ભટ્ટ નાયકે કલ્પેલી, અભિધા-ભાવના, ભોગીકૃતિ એ ત્રણ ક્રમિક વ્યાપારો વડે સિદ્ધ થતા રસાનુભવની, આ પ્રક્રિયાને મમ્મટે સંક્ષેપમાં આ પ્રમાણે વર્ણવી છે. न ताटस्थ्येन न आत्मगतत्वेन रसः प्रतीयते, न उत्पद्यते, न अभिव्यज्यते; अपि तु काव्ये नाटके च अभिघातः द्वितीयेन विभावादि साधारणीकरणात्मना भावकत्व-व्यापारेण भाव्यमानः स्थायी सत्त्वाद्रेक-प्रकाशानन्दमय-संविद् विश्रान्ति-सतत्त्वेन भोगेन, भुज्यते इति भट्टनायकः। મમ્મટના આ કથનનો અર્થ ઉપર કરેલું વિવેચન વાંચ્યા પછી સ્વયમેવ સ્પષ્ટ થશે. પણ આ વિવેચન દરમ્યાન ભટ્ટ નાયકના સિદ્ધાંતમાંના – ભુક્તિવાદમાંના – એક મુદ્દાનો ઉલ્લેખ મેં નથી કર્યો. એ મુદ્દો આ છે : ભટ્ટ નાયક કહે છે કે ‘રસઃ ન પ્રતીયતે, ન ઉત્પદ્યતે, ન અભિવ્યજ્યતે’[5] અર્થાત્‌ રસની પ્રતીતિ વ્યંજનાત્મક વ્યાપારથી થાય એ મતનો ભટ્ટ નાયકે સ્વીકાર કર્યો નથી. એનું કારણ એ કે જે પદાર્થ સિદ્ધરૂપે વિદ્યમાન હોય તેની જ અભિવ્યક્તિ, અથવા—વ્યંજના દ્વારા પ્રતીતિ, થઈ શકે. રસ એટલે એવી સિદ્ધ વિદ્યમાન વસ્તુ નહિ, પણ ભોગ એવો ભટ્ટ નાયકનો મત થયો. પણ અભિનવગુપ્તનો સર્વમાન્ય બનેલો મત એવો છે કે પ્રેક્ષકના ચિત્તગત ભાવની અભિવ્યક્તિ જ થાય છે. સ્થાયીની પ્રતીતિ વ્યંજનાથી થાય છે એ સિદ્ધાન્ત ખરી રીતે જોતાં ધ્વન્યાલોકના કર્તા આનન્દવર્ધનાચાર્યનો છે અને અભિનવગુપ્તે એને સ્વીકાર્યો છે. અભિનવગુપ્ત રસરૂપે નિષ્પન્ન થતા સ્થાયીભાવને સિદ્ધરૂપ[6] માને છે. એ ભાવ સહૃદયના હૃદયમાં અનાદિ વાસના રૂપે નિગૂઢ રહ્યો હોય છે અને એની, નાયકગતભાવ વ્યંજના દ્વારા પ્રતીત થતાં, અભિવ્યક્તિ થાય છે એવો એમનો મત છે. “આથી જે સિદ્ધ હોય તેની જ અભિવ્યક્તિ થાય” એવો ભટ્ટ નાયકનો કે એના અનુયાયીઓનો વાંધો આ અભિવ્યક્તિવાદને નડતો નથી. વિભાવાદિ સામગ્રી વ્યંજનાથી સ્થાયીભાવની પ્રતીતિ કરે એટલે પ્રેક્ષકચિત્તમાં વાસનારૂપે રહેલો એ ભાવ અભિવ્યક્ત થાય. અભિનવગુપ્તે ભટ્ટનાયકે સૂચવેલા સાધારીકરણનો સ્વીકાર કર્યો છે પણ એણે કલ્પેલા ભાવકત્વ અને ભોજકત્વ (ભોગીકૃતિ) વ્યાપારોને અનાવશ્યક અને ગૌરવદૂષિત માન્યા છે. સરલક્રમે જેનો ખુલાસો થઈ શકે તેમ હોય તેની સમજૂતી માટે અનેક ક્રમો કલ્પવા એમાં ગૌરવદોષ આવે છે. લોલ્લટે નટમાં રસની ઉત્પત્તિ માની; શંકુકે નટમાં સ્થાયીભાવનું અનુમાન માન્યું, અને કહ્યું કે એ નટગત સ્થાયીભાવને જોઈને જાણીને એનું ચર્વણ કરીને પ્રેક્ષક રસનો અનુભવ કરે છે. નટગત રતિભાવ પ્રેક્ષકના ચિત્તમાં રસાનુભાવ શી રીતે બને એનો એમણે પર્યાપ્ત ખુલાસો કર્યો નથી. એ સમસ્યાનો, પોતાની રીતે, પ્રથમ ઉકેલ સૂચવવાનો પ્રયત્ન કરનાર ભટ્ટનાયક જ પહેલો છે. ભટ્ટનાયકે એમ માન્યું કે પ્રેક્ષક નાયકના રતિભાવનો ‘ભોગ’ કરે છે. પણ દુષ્યન્તનો શકુન્તલા પ્રત્યેના રતિભાવનો ‘ભોગ’ પ્રેક્ષક શી રીતે કરી શકે? પ્રેક્ષક શકુન્તલામાં કાન્તા બુદ્ધિ સેવી શકે નહિ. પોતે દુષ્યન્ત જ છે એવું પણ માની શકે નહિ અને અન્યના રતિભાવ પરત્વે એ તટસ્થ હોય તો આસ્વાદ સંભવે નહિ. મમત્વ શક્ય નથી, તાટસ્થ્ય હોય તો રસાસ્વાદ શક્ય નથી. એવી બન્ને બાજુની મુસીબતનો માર્ગ ભટ્ટનાયકે બહુ બુદ્ધિમત્તાથી અને સુંદર રીતે કાઢ્યો. રંગભૂમિના વાતાવરણમાં પ્રેક્ષક પોતાનો અહંભાવ ભૂલી જાય છે, અને શકુન્તલાદિ વિભાવને પણ એમની સ્થળકાળવ્યક્તિત્વજન્ય ત્રિવિધ વિશિષ્ટતાથી રહિત કેવળ કાન્તા રૂપે, સાધારણીકૃત સ્વરૂપે જુએ છે અને એથી પ્રેક્ષકના ચિત્તમાં નાટકનો ભાવ સંક્રાન્ત થાય છે. આ પ્રમાણે એણે પ્રથમ ભોગીકૃતિની અથવા ભોજકત્વ વ્યાપારની કલ્પના કરી અને વ્યાપાર શક્ય બને તે માટે બીજી, સાધારણીકરણરૂપ, ‘ભાવના’ની કલ્પના ઊપજી. અભિધા તો હતી જ, અને એનું સ્થાન પહેલું હોય જ; બીજું સ્થાન પ્રેક્ષકના ભોજકત્વને શક્ય બનાવનાર ભાવનાવ્યાપારનું અને ત્રીજું સ્થાન ભોગનું. આ ભોગીકરણનો અર્થ એ થયો કે પ્રેક્ષક પ્રત્યક્ષ આત્મનિષ્ઠ સ્થાયીભાવનો નહિ પણ નાયકના સાધારણીભાવ પામેલા ભાવનો ભોગ કરે છે. ભોગ હોય ત્યાં ભોગવનાર વ્યક્તિ (વિષયી) અને ભોગ્ય વિષય એવું વિષય-વિષયીનું દ્વૈત આવીને ઊભું રહે છે. પણ ભટ્ટનાયકને મતે રસાસ્વાદ, સત્ત્વગુણપ્રધાન અને બ્રહ્માસ્વાદસહોદર છે. રજસ્‌ તમસ્‌ના ના પરિણામભૂત સુખદુઃખ ઉભયાત્મક પ્રપંચમાં પ્રવૃત્તિ અને અજ્ઞાનમય મોહ એ બંનેમાંથી મુક્તિ અપાવનારો છે તો એવો રસાસ્વાદ ‘ભોગ’ સાથે સંગત નથી કારણ કે ભોગ પોતે રજોમય છે ને મુક્તિનો વિરોધી છે. ભટ્ટનાયકે રસાસ્વાદનું સ્વરૂપ તો ખરું બતાવ્યું છે. પણ રસનિષ્પત્તિની પ્રકિયામાં એણે ભાવના અને ભોગીકૃતિ એ બે વ્યાપારની કલ્પના કરી છે તે અભિનવગુપ્તને મતે અવાસ્તવિક છે અને અનાવશ્યક છે. ભાવનાવ્યાપારનું કાર્ય છે સાધારણીકરણ, એ સાધારણીકરણ ભાવનાવ્યાપારની કલ્પના વિના સરળ રીતે શક્ય છે. અને ભોગીકૃતિ તો પ્રતીતિનો જ પ્રકાર છે. તેથી આ બે અનાવશ્યક વ્યાપારની કલ્પના કરવામાં ગૌરવનો દોષ આવે છે, એવો અભિનગુપ્તનો મત છે. ભટ્ટનાયકનું રસમીમાંસકોમાં સ્થાન મહત્ત્વનું છે સાધારણીકરણ જેવા યથાર્થ વ્યાપારનો પ્રથમ દૃષ્ટા એ હતો. એણે કરેલું રસાસ્વાદનું સ્વરૂપનિરૂપણ અભિનવગુપ્તે સ્વીકાર્યું છે. ભટ્ટનાયકને બે નવા વ્યાપાર કલ્પવા પડે છે. એટલી જ એની અયથાર્થતા. અભિનવગુપ્તે એ અયથાર્થતા દૂર કરી. સંભવતઃ ભટ્ટનાયકને મનમાં રાખીને અભિનવગુપ્તે કહ્યું છે કે :—

तस्मात् सतामत्र न दूषितानि मतानि तान्सेय तु शोधितानि।

અર્થાત્‌ અભિનવગુપ્તે ભટ્ટનાયકના મતનું શોધન કરીને પોતાનો સિદ્ધાંત સ્થાપ્યો.

પાદટીપ :

  1. तेन स्थायी एव विभावानुभाविदिभिः उपचितो सः। स्थायीभावस्तु अनुपचितः। स च मुख्यया वृत्या रामादौ अनुकार्ये, अनुकर्तरि च नटे रामादि रूपतानुसंधानबलात्।— ભરત નાટ્યશાસ્ત્ર અધ્યાય ૬મા રસસૂત્ર ઉપર અભિનવગુપ્તની ટીકામાં લોલ્લટના મતનો ઉલ્લેખ.)
  2. “The objector attributes a theoretic motive to Bhatta Lallats, while the latter’s outlook is essentially practical.”
    Comparative Esthetics by Dr. K. C. Pandey-Vol. I, P. ૩૨.
  3. જુઓ ભરતનાટ્યશાસ્ત્રના રસસૂત્ર ઉપર અભિનવગુપ્તની ટીકા.)
  4. જુઓ Comparative Aesthetics by Dr. Kantichandra Pande, Vol I. p. ૫૫
  5. ભરત નાટ્યશાસ્ત્ર, અધ્યાય ૬, રસસૂત્ર ઉપર અભિનવગુપ્તની ટીકા-પુસ્તક ન, પૃ. ૨૭૮
  6. अलौकिक-निर्विघ्नसंवेदनात्मकः चर्वणगोचरतां नीतः अर्थः, चर्व्यमाणेकसारः, न तु सिद्धस्वभावः, तात्कालिक एव नतु चर्वणातिरिक्त कालावलंबी, स्थायिविलक्षणं एव रसः। અભિનવગુપ્ત આ કથનમાંના ‘નતુ સિદ્ધસ્વભાવઃ’ એ શબ્દો રસને લાગુ પડે છે, સ્થાયી ભાવને નહિ.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.

(નાટ્યરસ)