સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્‌/ગીતનું સ્વરૂપ

ગીતનું સ્વરૂપ

ગીતનાં તત્ત્વો

ગીત માનવકંઠના જેટલી જૂની વસ્તુ છે. ગુજરાતમાં પણ આદિવાસીઓના કાળથી માંડી આજની ઘડી સુધી ગીતો રચાતાં અને ગવાતાં આવ્યાં છે. કાવ્યનો પ્રદેશ આજે વિવિધ રીતે ખીલ્યો છે. એનાં વિવિધ રૂપોનો આપણે ત્યાં જેટલો શાસ્ત્રીય ચોક્કસતાથી અભ્યાસ થઈ રહ્યો છે તેટલો આ ગીતના વિશિષ્ટ રૂપનો નથી થયો. પરિણામે કાવ્ય અને અકાવ્યનો ભેદ જેટલી સ્પષ્ટતાથી આપણે કરી શકીએ છીએ તેટલી સ્પષ્ટતાથી ગીત અને અગીતનો ભેદ નથી કરી શકતા. અને ગીતને નામે ઘણી અગીતાત્મક પ્રવૃત્તિ આપણે હાથે, નિર્દોષ ભાવે પણ, થઈ જાય છે.

સહિયારા સીમાડા પરનો છોડ

ગીત કવિતા અને સંગીતના સહિયારા સીમાડા ઉપર ઊગતો છોડ છે. સંગીત અને કવિતાના મધ્યવર્તી અને શિખરિત પ્રદેશોમાં ગીતને ઓછું સ્થાન છે. પણ આ બંને કળાઓના સીમાન્ત પ્રદેશમાં તેને ખીલવાની અને સંગીત અને કવિતાની ઉભયવિધ કલાત્મકતાવાળી પોતાની વિશિષ્ટ રંગલીલા કરવાની પૂરતી મોકળાશ છે. કવિતા અને સંગીતમાંથી પરસ્પરને અનુકૂળ નીવડે એવાં તત્ત્વો લઈ તેમનું એક વિશિષ્ટ પ્રકારે મિશ્રણ કરી ગીત પોતાનો ઘાટ રચે છે. અર્થાત્‌, ગીતમાં કવિતાનાં મૂળ તત્ત્વો, સંગીતનાં મૂળ તત્ત્વો અને ગીતનાં પોતાનાં તત્ત્વો એમ ત્રિવિધ તત્ત્વપટ ઊભો થાય છે. એ ત્રણ તત્ત્વોના સંગમથી ગીત લોકોને રસાસ્વાદનું શુદ્ધ સંગીત કે શુદ્ધ કવિતા કરતાં ઘણું વધારે સુલભ સાધન બને છે. પરંતુ આ એની સુલભતા તેના કળાતત્ત્વને દરિદ્ર તથા ક્લુષિત કરવામાં મોટો ભાગ ભજવે છે. કવિતા, સંગીત અને ગીત એ ત્રણેની પૂરેપૂરી પકડ વિના જ્યારે ગીત વિષે કશી પ્રવૃત્તિ થાય છે ત્યારે. દેખીતી રીતે ઘણી વાર સફળતા મળતી જણાય છે, છતાં તેમાં કેટલીક ગંભીર ઊણપો રહી જાય છે. કવિતા, ગીત કે સંગીતમાંથી કોઈ એક કે બેના બળે માણસ લોકોનું રંજન કરી લે છે, ગીતના આ ત્રણ પાયામાંથી એકાદ લાંબો ટૂંકો, ઢીલો પોચો હોય તોપણ કામ ચાલી જાય છે, છતાં સાંગોપાંગ રીતે કળાસંપન્ન બનેલી કૃતિમાંથી જે ઉચ્ચ આનંદ મળે છે તે એવા ગીતમાંથી નથી મળતો.

ગીતનાં ત્રણ ઘટક તત્ત્વો

ગીતનાં ઘટક તત્ત્વો સંગીત, કવિતા કે ગીતત્વ એ ત્રણમાંથી કોઈએક તત્ત્વની ઊણપ હોતાં ગીતમાં વિકૃતિ આવે છે. માણસમાં કાવ્ય રચવાની સારી હથોટી હોય છે, પણ ગીતના સ્વરૂપની સમજણ વિના તે કાવ્યની રીતે જ ગીત રચે છે. કાવ્ય તરીકે એ કૃતિ સારી ગણાય છતાં તે ગીત બનતી નથી. માણસ સંગીતજ્ઞ હોઈને કોઈ ગીતને ઘણી અસરકારક રીતે રજૂ કરે છે, પરંતુ તે ગીતમાં કાવ્યત્વ કે ગીતત્વ હોતું નથી એવું ઘણી વાર જોવામાં આવે છે. અને કેટલીક વાર ગીતમાં એકલું ગીતત્વ હોય છે પણ કાવ્યત્વ અને સંગીતત્વ વગર તે ઘણું દુર્બળ અને દરિદ્ર બને છે. આ ત્રણે ઊણપોમાંથી ગીતને બચાવવું જોઈએ.

કવિ, ગીતકાર અને સંગીતકારને સુમેળ

આદર્શ સ્થિતિ તો એ છે કે ગીતના રચનારમાં કવિ, સંગીતકાર અને ગીતકાર ત્રણેની શક્તિઓ હોય. ગીતની સાથે સાથે જ એનો સમુચિત સ્વરદેહ અને રસગર્ભ પણ નિર્માણ પામતો આવે. ટાગોર જેવામાં આપણે આ ત્રણેની સહસ્થિતિ જોઈ છે. સંસ્કારિતાના વિકાસ સાથે આપણા કળાકારોમાં આ ત્રણે કળાઓની અભિજ્ઞતા વધશે અને એક જ પ્રતિભામાંથી આપણને પૂર્ણ ગીત મળશે એવી આશા રાખીએ. અત્યારે તો કવિ, ગીતકાર અને સંગીતકાર બધા જુદા જુદા રહે છે અને ત્રણેનો મેળ બહુ ઓછો મળે છે.

ગીતત્વ અને કાવ્યત્વ

ગીતની સંગીતની બાજુને હું અત્રે સ્પર્શવા માગતો નથી. તે વિષય ચર્ચવા સપ્રયોગ સંગીત સાથે વિષયનું નિરૂપણ થવું જોઈએ. એ વિષય વધારે અધિકારવાળાને માટે રાખી ગીતમાં રહેલા ગીતત્વ અને કાવ્યત્વનો થોડો વિચાર કરવા ઇચ્છા રાખું છું. ગીતમાં કવિતાના પૂરેપૂરા ગુણ હોવા જોઈએ એ બાબત બહુ વિસ્તાર કરવાની જરૂર નથી. કાવ્ય શબ્દ અને અર્થ દ્વારા પોતાનો વિષય, કલ્પનાની સર્જનાત્મક ક્રિયા દ્વારા નિરૂપે છે, અને તેને સંવાદિતા ઔચિત્ય તથા સૌન્દર્ય દ્વારા સંવેદનની એવી આર્દ્ર અને દ્રાવક અવસ્થાએ લઈ જાય છે કે જેને આપણે રસાનુભવ કહીએ છીએ. ગીતનો હરેક વિષય રસની આ વિશિષ્ટ કોટિએ પહોંચવો જોઈએ. સંગીત કે ગીતત્વની મદદ વિના પણ ગીતનું એકલું શબ્દનિર્માણ કાવ્યની રીતે થતા રસપ્રકર્ષને પામેલું હોવું જોઈએ. બેશક, એ વસ્તુ સ્વીકારવી જોઈશે કે ગીતને નામે જે કંઈ ગવાય છે તેમાં આવું કાવ્યત્વ હમેશાં અપેક્ષિત નથી હોતું. સંગીતકાર જેવી રીતે ગીતનો ને જેવો જ આધાર લઈ સંગીત કરે છે અને ઘણે ભાગે એને અડતો પણ નથી તેવી જ રીતે ગીત ગાનારો વર્ગ અમુક શબ્દરચના ઉપાડી લે છે, અને તેમાં કાવ્યની તે બહુ અપેક્ષા રાખતો નથી. એ શબ્દરચના તે તે પ્રસંગની ઊર્મિને વ્યક્ત થવાની એક ખીંટી જેવી હોય છે. અને માનવજીવનના વિશાળ વ્યવહારમાં આવા પ્રસંગો પણ આવવાના. સભાઓમાં, સરઘસોમાં, મેળાઓમાં, એમ અનેક સ્થળે લોકો ગાય છે, ઊભાંઊભાં શબ્દો ગોઠવી દે છે અને પોતાની ઊર્મિને ગીતમાં ઉછાળે છે. એવે પ્રસંગે ગાનનો ઉમંગ એ પ્રધાન તત્ત્વ હોય છે. અને ત્યાં કાવ્યત્વની અપેક્ષા હમેશ પ્રસ્તુત નથી. આવાં ‘ગેયકો’ – જોડકણાંનો એક જુદો વર્ગ પણ ભલે રહે. પણ આપણે સંગીત અને કવિતાની ઉત્તમ કલામયતાથી સજ્જ બનેલું એવું ગીત માગીએ છીએ કે જે પોતે જ એક વિશિષ્ટ પ્રકારની કલાનિર્મિતિ બને છે, જેને સભાન રહીને અને સાવધાનીપૂર્વક ખેડી શકાય છે, અને જે દ્વારા એક ખાસ પ્રકારની રસાનુભૂતિ પામી શકાય છે.

ગીતનાં ત્રણ મુખ્ય અંગો

ત્યારે હવે આપણે ગીતનું ગીતત્વ શાથી રચાય છે તે સમજવા પ્રયત્ન કરીએ. ગીતનાં ત્રણ મુખ્ય અંગ છે, તેનો શબ્દદેહ, તેને રસપુદ્‌ગલ, અને તેનું વિષયનિરૂપણ. આમાંનાં પહેલાં બે અંગોનો આપણને ઠીક ઠીક પરિચય છે. ગીતનો શબ્દદેહ લય અને તાલના આધારે રચાય છે. આપણાં લોકગીતો, ભજનો, રાસ, ગરબા, ગરબી વગેરેમાં ઘણા પ્રકારના લય કે જેમાં કેટલીક વાર અમુક પ્રકારની માત્રામેળ રચના પણ આવી શકે છે તે અને તાલ રહેલા છે. આપણે તેમને કર્ણપરંપરાથી ઝીલતાં રહ્યાં છીએ. સંગીતશાસ્ત્રની મદદથી તેમનું ચોક્કસ સ્વરૂપ આકારી શકાય છે, તેનાં નવાં સંયોજનો થઈ શકે છે, અને તેના વિકાસ તથા અભ્યાસ માટે ભૂમિકા ઊભી કરી શકાય છે. આ દિશામાં પણ હજી ઘણું કામ કરવાનું આપણી પાસે પડેલું છે. આ લય અને તાલનાં તત્ત્વો ગીતમાં શબ્દની રચનાને નિયંત્રે છે, એ પ્રમાણે પંક્તિનું, ચરણોનું, કડીઓનું સ્વરૂપ બંધાય છે.

વિસ્તારની સીમા

ગીતના સ્થૂલ આકારનું બીજું એક અગત્યનું લક્ષણ છે તેના વિસ્તારની સીમા. લયમેળ કે માત્રામેળ છંદમાં થયેલી બધી રચનાઓને ગીત નહિ કહેવાય. આપણા ઊર્મિકાવ્યમાં વિસ્તારની જે સીમા છે તેવી જ સીમા ગીતની પણ છે. વસ્તુતઃ ગીત એ ઊર્મિકાવ્ય જ છે અને ઊર્મિકાવ્યનાં ઘણાંએક લક્ષણો ગીતમાં છે. અર્થાત્‌, ઊર્મિકાવ્યની પેઠે ગીત પણ એક જ ઊર્મિ કે વિચાર કે ઘટનાને રજૂ કરે છે. એના વિષયમાં ઘટનાઓ કે વિચારો કે ઊર્મિઓને ગોફ રચાતો નથી. આ રીતના વિષયને માટે જેટલો જરૂરી જણાય તેટલો વિસ્તાર ગીતમાં આવી શકે. એક કે બે કડીની રચનાઓથી માંડી વલ્લભના ગરબા જેટલા વિસ્તારમાં ગીત ફેલાઈ શકે. ત્રિભુવન વ્યાસનો ‘રતનબાનો ગરબો’ કે હંસરાજ કવિનું ‘ટોપીવાળાંનાં ટોળાં’ એ પણ ગીત જ કહેવાય.

વિષયનિરૂપણની રીતિ

ગીતના વિષયોને તેના રસપુદ્‌ગલને કોઈ પ્રકારની મર્યાદામાં નહિ બાંધી શકાય. ગીતમાં ઊર્મિનું જ નિરૂપણ આવે એવી એક માન્યતા છે. પરંતુ આપણાં ગીતો જોતાં એમાં અનેક વિષયો એક સરખી રસવત્તાથી નિરૂપાયેલા મળી આવે છે. ઊર્મિકાવ્યમાં જેવી રીતે વિષયોનું નિરવધિ સ્વાતંત્ર્ય છે તેમ ગીતમાં પણ છે. વિચારસંભાર, ઊર્મિઓ, ઘટનાઓ વગેરે ગીતમાં પણ આવે છે. આમ, ગીત અને ઊર્મિકાવ્ય પોતાની વિસ્તારસીમા અને વિષયો તથા રસપુ્‌ગલની બાબતમાં એકબીજાનાં સમાનધર્મી છે. વસ્તુતઃ ગીત ઊર્મિકાવ્યનો જ એક પેટા પ્રકાર છે. તો પછી ગીતની આ વિશિષ્ટતા શામાંથી જન્મે છે? તેની લયમેળવાળી અને સંગીતક્ષમ શબ્દરચનામાંથી આ ભેદક તત્ત્વ પ્રગટતું હોય તેમ પહેલી નજરે લાગે છે. પરંતુ વસ્તુતઃ તેમ નથી. લયમેળમાં રચાયેલી અને સંગીતક્ષમ બનેલી રચના પણ ગીત ન હોઈ શકે. ગીતનું ગીતત્વ રહ્યું છે વિષયનિરૂપણની તેની વિશિષ્ટ રીતિમાં. આ રીતિ તેને બીજાં ઊર્મિકાવ્યોથી જુદું પાડે છે, અને તેને વિશિષ્ટ રસાસ્વાદ, તેનું અનોખું સૌન્દર્ય અને માધુર્ય રચે છે. આ વિશિષ્ટતાને લીધે ગીત ગીત બને છે. દરેક ગીત ઊર્મિકાવ્ય હોય છે. પણ દરેક ઊર્મિકાવ્ય ગીત નથી હોતું. ઊર્મિકાવ્યના વિષયે જો ગીત બનવું હોય તો તેણે ગીતની વિશિષ્ટ રીતે પોતાના વિષયને માંડવો જોઈએ. ત્યારે ગીતની પોતાની જે વિશિષ્ટ નિરૂપણરીતિ છે તે સમજવા પ્રયત્ન કરીએ. સંસ્કૃત અને અંગ્રેજી શિષ્ટ સાહિત્યના પરિચયમાં આવ્યા પહેલાં આપણાં બધાં ઊર્મિકાવ્યો ગીતનું સ્વરૂપ જ લેતાં હતાં. પરંતુ આ બે સાહિત્યનો પરિચય થયા પછી આપણા ઊર્મિકાવ્યે નિરૂપણની એક બીજી રીત ખીલવી. એ રીતે આપણા ઊર્મિકાવ્યની શક્તિનો કીમતી વિકાસ થયો. પરંતુ સાથે સાથે આપણી ગદ્યપદ્ધતિની જે કળા હતી તેનાથી આપણે દૂર પણ જતા ગયા. અને, અર્વાચીન કવિતામાં ગીતનો પ્રકાર પહેલાંના જેવી કળામયતા અને ઉત્કૃષ્ટતા જાળવી શક્યો નહિ. આપણે એક નવી શૈલી અપનાવી અને જૂની શૌલીના ઉપરથી કાબૂ ગુમાવતા ગયા. ઇષ્ટ સ્થિતિ તો એ છે કે આપણી કવિતા આ બંને નિરૂપણપદ્ધતિઓનો પ્રયોગ એકસરખા પ્રભુત્વથી કરતી થાય અને આપણું ઊર્મિકાવ્ય પોતાની સમૃદ્ધિને જાળવી રાખે. ગીતની નિરૂપણરીતિ રચાઈ છે આપણા કાવ્યવ્યવહારની સ્થૂલ મર્યાદામાંથી. આપણે ત્યાં મુદ્રણકળાનો વિકાસ નહોતો થયો ત્યાં લગી કાવ્યને વ્યવહાર ગાન અને શ્રવણનું રૂપ લેતો. કાવ્યની રચના કવિ ગમે તે રીતે કરતો હોય, પોતે મનમાં ગોઠવતો હોય કે લખવાનાં સાધનો લઈને લખતો હોય, પણ શ્રોતાની પાસે તો તેને પોતાનું કાવ્ય ગાન દ્વારા જ લઈ જવું પડતું. અને શ્રોતાએ સાંભળીને તેનો આસ્વાદ લેવાનો રહેતો. કાવ્યનો રસ શ્રવણ દ્વારા લેવાનો હોય છે ત્યારે કાવ્યને એકાંતમાં પાઠ કરતાં મળે છે તેટલી મોકળાશ રહેતી નથી. કાવ્યનું ગાન શરૂ થયા પછી કથનનાં અંગો એક પછી એક આવ્યે જાય છે. કાવ્યનું એક ચરણ પૂરું થતાં બીજું ચરણ ઊભું જ હોય છે. અહીં સાંભળનારને વિશ્રાંતિ મળતી નથી. જે સાંભળેલું હોય તેમાં જે કાંઈ ન સમજાયું હોય તો તેને સમજવા માટે તે થોભી શકતો નથી, નિરૂપાતા વિષયના સમગ્ર રૂપને જોવા માટે તે યથેચ્છ થોભીને આગળપાછળ અવલોકન કરી શકતો નથી. કાવ્યના શ્રવણ દરમિયાન તેને કાવ્ય ચિંતન, મનન, નિદિધ્યાસન, પુનઃ સ્મરણ કે શબ્દકોષના જેવા જ બીજા આશ્રય લેવાની તક રહેતી નથી. આ મર્યાદાને લીધે કાવ્યે પોતાના વિષયની માંડણી એવી રીતે કરવાની હોય છે, તેને એવી પદાવલિમાં એવા વસ્તુસંયોજન દ્વારા મૂકવાનો હોય છે કે જેમ જેમ કાવ્ય સંભળાતું જાય તેમ તેમ તેના સંસ્કારો ઇષ્ટ પ્રમાણમાં શ્રોતાના ચિત્ત પર તરત જ અંકાઈ જાય. આ આવશ્યકતામાંથી આપણા કેવળ ગીતમાં જ નહિ પણ આખી પ્રાચીન કવિતામાં વિષયનિરૂપણની એક ખાસ પદ્ધતિ નિર્માઈ.

રાગીયતા

પ્રાચીન કવિતાની નિરૂપણરીતિના આ પ્રાણતત્ત્વને હું રાગીયતા–melodiousness – એ શબ્દ દ્વારા ઓળખાવું. એ તત્ત્વ કેવળ સંગીતનો ‘રાગ’ – melody -નથી, તથા રાગમાં ગાઈ શકાય કે કે ગુંજી શકાય તેવી માત્ર પદ્યની ‘ગેયતા’ નથી. કાવ્યને શ્રવણ દ્વારા સંક્રમણ કરવા જતાં તેના છંદ, શબ્દ, બાની – diction અને સમગ્ર અર્થવિન્યાસ એ સર્વમાં આ તત્ત્વ એકીસાથે પ્રગટ થાય છે. તથા વિષયનિરૂપણનાં બધાં ઉપકરણોમાં અને નિરૂપણની પ્રક્રિયામાં સાદ્યંત અને સર્વત્ર વ્યાપક બનીને રહે છે. ‘રાગ’ તથા ‘ગાન’થી એની સ્વતંત્ર હસ્તી છે. ‘રાગ’ના સૂક્ષ્મ સત્ત્વનો એમાં વિશાળ અને વ્યાપક આવિર્ભાવ છે. એ ‘રાગ’ની એક વિશાળ સૃષ્ટિ છે. જેમાં તે ‘રાગીયતા’ - melodiousness બનીને કાવ્યમાં પ્રગટ થાય છે. આ તત્ત્વ કેવી રીતે કાવ્યમાં આવે છે?

ઉક્તિલાઘવ અને અર્થલાઘવ

કાવ્યના છંદમાં તે વધારે નિયમિત આવર્તનવાળા તાલથી બંધાયેલાં લયપ્રધાન રૂપમાં પ્રગટ થાય છે. સંગીતની આવશ્યકતાઓ સૌથી વધારે આમ પહેલી છંદમાં દેખાય છે. અર્થાત્‌, સંગીતના વિવિધ તાલોમાં વહેંચાયેલી માત્રાઓનાં વિવિધ ચોકઠાં પ્રમાણે કાવ્યનો છંદોદેહ બંધાય છે. ત્યાંથી આગળ જતાં એ શબ્દના સંયોજનને ઘડે છે. શબ્દોએ અમુક માત્રાઓના બનેલા એક ચરણમાં જ પૂરેપૂરા અર્થવાહી બનીને આવી જવાનું રહે છે. અર્થાત્‌, ચરણને અંતે વાક્યનો કે વાક્યાંશનો પૂર્ણ, અર્ધ, અલ્પ કે અલ્પાલ્પ પણ વિરામ આવી જાય છે. પંક્તિના કે ચરણના વિરામ સાથે વાક્યાર્થના વિરામની આ આવશ્યકતા અર્થના નિરૂપણમાં કેટલાંક મહત્ત્વનાં પરિણામ લાવે છે. એમાંનું પહેલું પરિણામ છે ઉક્તિનું લાઘવ. ટૂંકા ચરણમાં ત્રણચાર કે પાંચસાતથી વધારે શબ્દોને સ્થાન નથી. એટલા શબ્દોમાં જ વિચાર કે ઊર્મિ કે ઘટના કે પદાર્થના સ્વરૂપે પોતાનો આકાર નિપજાવી લેવાનો રહે છે. ગદ્યમાં, અથવા પ્રવાહી પદ્યરચનાઓમાં અર્થના યથેચ્છ વિસ્તારને જે સ્થાન છે, બ્લેન્ક વર્સમાં જે આખા ને આખા પૅરૅગ્રાફોની રચના શક્ય છે, તે અહીં નથી. પ્રવાહી પદ્યરચનાનો આ એક મોટો લાભ છે. તો તેમાં અર્થવિસ્તારને નિયંત્રણ કરનાર કોઈ સ્થૂલ મર્યાદાના અભાવને લીધે અર્થને નિરર્થક પ્રસ્તાર પણ આવી શકે છે. અહીં ચરણની મર્યાદા આ નિરર્થક પ્રસ્તારને રોકે છે. અને બધી ઉક્તિઓને લાઘવ આપે છે. પણ પ્રવાહી પદ્યની પેઠે આની પણ મર્યાદા છે. અહીં ઉક્તિલાઘવ સિદ્ધ થતું હોવા છતાં હમેશાં અ અર્થલાઘવ સધાતું નથી. વસ્તુતઃ કાવ્યકળામાં આવશ્યક એવું અર્થલાઘવ એ છંદના ઉપર આધાર નથી રાખતું. પણ કવિની શબ્દ-શક્તિ ઉપર જ તેનો બધો આધાર છે. મર્યાદિત શબ્દશક્તિવાળો કવિ ટૂંકા ચરણમાં ઉક્તિલાઘવ સાધી શકે પણ અર્થલાઘવ નથી સાધી શકતો. દલપતરામની રચનાઓમાંથી આનાં ઘણાં ઉદાહરણો મળી શકે. છતાં એ વસ્તુ સ્વીકારવી જોઈશે કે આ ચરણાન્ત વિરામનું તત્ત્વ, સભાન અને મર્મજ્ઞ કવિના હાથમાં, અર્થલાઘવ સાધવાને માટે ઘણું સહાયક બળ પૂરું પાડે છે. આ પ્રમાણે ચરણે ચરણે ઉક્તિલાઘવથી નિરૂપાતો વિષય કાવ્યની બાની અને અર્થવિન્યાસમાં આથીયે વધારે સૂક્ષ્મ પરિણામ લાવે છે. ચરણને અંતે વિરામ પામતો વાક્યાર્થ પંક્તિને અથવા કડીને અંતે પહોંચતાં સુધીમાં તો પોતાનો આખો વિચાર પૂરેપૂરો નિરૂપી દે છે. આને આપણે અર્થનું મુક્તક સ્વરૂપ, કે બિંદુ સ્વરૂપ કહીએ છીએ. પ્રત્યેક કડીમાં કાવ્યના વસ્તુનો એક અંશ સાંગોપાંગ સ્વયંપર્યાપ્ત અનન્યાવલંબી એવો કથનદેહ પામે છે. જેવી રીતે દુહાઓમાં, ગઝલની દરેક કડીમાં, કે શ્લોકબદ્ધ રચનાઓમાં એક આખી પરિસ્થિતિ આલેખાઈ જાય છે તેવું અહીં બને છે.

અર્થનો સૂક્ષ્મ પિંડ

આવી રીતે કડીએ કડીએ મુક્તકની સુરેખતા ધારણ કરતો અર્થ આખા કાવ્યમાં, અને પ્રત્યેક કડીની અંદર પણ અર્થવિન્યાસનું એક જુદું રૂપ લે છે. એ અર્થવિન્યાસમાં પ્રવાહી પદ્યની પેઠે તર્ક પ્રધાન રીતિ નથી હોતી. આપણે જેને ‘વિચારપ્રધાન’ રીતિ તરીકે સામાન્ય રીતે ઓળખીએ છીએ તે વસ્તુતઃ આ તર્કપ્રધાન રીતિ છે. કાર્યકારણના અંકોડા પૂરેપૂરા રજૂ કરવા, એ માટે અર્થનાં જુદાં જુદાં ગૌણપ્રધાન પાસાંને ગદ્યમાં જે રીતે ખીલવી શકાય છે, કૃદંતો અને ઉપવાક્યોનો જોઈએ તેટલો ઉપયોગ કરી, વાક્યોને અનેક રીતે ‘જ્યારે-ત્યારે’, ’જેતે’, ’યથા-તથા’ એવી રીતે પૂર્વાપરની, કાર્યકારણની સાંકળ દ્વારા નિરૂપાય છે, તેવા પ્રકારની રચનાને અહીં સ્થાન નથી. અહીં કાવ્યના સમસ્ત અર્થને પહેલેથી જ સૂક્ષ્મ પિંડરૂપે સિદ્ધ કરી લેવાનો છે. દ્યોતક કે પે.ષક તત્ત્વોને, કાર્યકારણની સાંકળોને, પૂર્વાપરતાની પરિસ્થિતિઓને પણ પોતપોતાનો સ્વયંપર્યાપ્ત એકમ જેવો પિંડ આપવાને છે. અર્થવિન્યાસમાં આ પિંડો એક પછી એક ગોઠવાતા આવે છે. વ્યાકરણની, વિચારની કે તર્કની જટિલ ભૂમિકાઓમાં પ્રત્યક્ષ રીતે ગયા વિના જ અહીં કાવ્ય, એ ક્રિયાઓનાં જે પરિણામો હોય છે તેમને કવિ પોતાના ચિત્તમાં જ પહેલેથી તૈયાર કરી લઈને, તેને પુદ્ગલત્વ યા પિંડત્વ આપીને પછી ગીતમાં પ્રગટ થવા દે છે. આમ શ્રવણની આવશ્યકતા કૃતિને ગાનમાં–રાગમાં લઈ જતાં તેના અર્થ વિન્યાસની સૂક્ષ્મ ક્રિયા સુધી તેને એક પ્રકારનું પિંડપ્રધાન રાગીય રૂપ આપે છે.

ગીતનું ઝળકતું શિખર

આ છે આપણી પ્રાચીન કવિતાની નિરૂપણપદ્ધતિનું સ્વરૂપ. ગીતમાં આ નિરૂપણપદ્ધતિનો એક સવિશેષ અંશ ખીલે છે. એ પરિણામ પણ આ શ્રવણની આવશ્યકતામાંથી જ આવેલું છે. અર્વાચીન રીતિના ઊર્મિકાવ્યમાં અને ગીતમાં નિરૂપણનો આ એક મોટો ભેદ છે. તર્કપ્રધાન રીતે નિરૂપાતો વિષય, ઊર્મિકાવ્યમાં, વિવિધ રૂપે પુષ્ટ થતો, કાવ્યને અંતે સમાહાર પામે છે, અને પરાકાષ્ઠાએ પહોંચે છે. એનો પૂર્ણ ધ્વનિ કાવ્યને અંતે ગમ્ય થાય છે. કાવ્યનો સારી રીતે પાઠ કરવાની શક્તિ હોય, અને શ્રોતાનું ચિત્ત ઠીક ઠીક તર્કપટુ હોય તો આ રીતિમાં લખાયેલાં કાવ્યોનો રસ માત્ર સાંભળીને પણ લઈ શકાય છે. છતાં તેના ગ્રહણની પદ્ધતિ વસ્તુના આવા ક્રમિક ઉપમય ઉપર જ અવલંબેલી રહે છે. ગીત આવી રીતે નિરૂપણ નથી કરતું. તર્કપ્રધાન રીતમાં જે પરાકાષ્ઠા કાવ્યને અંતે આવે છે તે પરાકાષ્ઠા – Climax-થી જ ગીત પોતાનો પ્રારંભ કરે છે! ગીતની પહેલી પંક્તિ જ કાવ્યના ઝળકતા શિખર જેવી એકદમ આંખ આગળ આવીને ઊભી રહે છે. એ પહેલી પંક્તિમાં જ કાવ્યનો વિષય પોતાના સમગ્ર તત્ત્વને એકાગ્ર કરીને ઊભો રહે છે. ગીતની પહેલી પંક્તિમાં ન્હાનાલાલ જેને ‘ઉમંગ ઊપડતો ઉછાળ’ કહે છે એના કરતાં કંઈક વિશેષ રહેલું હોય છે. આ પહેલી પંક્તિ એ ગીતના કેન્દ્ર જેવી હોય છે. આખું ગીત એ પંક્તિમાં વ્યક્ત થયેલા ધ્રુવ તત્ત્વની આસપાસ ફરે છે. ગીતની કડીએ કડીએ ધ્રુવપદનું અનુસંધાન જાળવે છે, એ ધ્રુવપદનો વિકાસ વિસ્તાર યા પ્રસ્તાર કરે છે. આમ ગીતમાં પ્રથમ પંક્તિ ઘણી મહત્ત્વની ઠરે છે. ગીતના સમગ્ર વિષયને વધારેમાં વધારે અર્થવાહક દ્યોતક ચોટદાર રીતે રજૂ કરી શકે એવી ટૂંકામાં ટૂંકી શબ્દસૃષ્ટિ ઊભી કરવી એના ઉપર ગીતની સફળતાને અર્ધો અને કહો કે તેથી યે વધારે મદાર છે. ગીત રચનારની શક્તિની એ પહેલી કસોટી છે. કાવ્યના કોઈ પણ પ્રકાર કરતાં ગીતનો પ્રકાર આ રીતે કવિની પાસે વધારેમાં વધારે અર્થના સંક્ષેપની પોતાના વિષયને કલ્પનાત્મક રીતે સાકાર કરવાની આવડત માગી લે છે.

ધ્રુવપદના વિષયની પુષ્ટિ

આપણી એક બીજી માન્યતા એવી છે, અને તે તદ્દન નિરાધાર નથી, કે ગીતમાં ધ્રુવપદ પછી કશો ચમત્કારમય વસ્તુવિકાસ નથી હોતો. પરંતુ બધાં ગીતોમાં એવું જોવામાં નથી આવતું. કેટલાંક ગીતોમાં ધ્રુવપદના વિચારના નિર્જીવ અને પછીથી ઓછાં ને ઓછાં ચમત્કૃત થતાં પુનરાવર્તન આવે છે. પરંતુ એમ થવું આવશ્યક નથી. વધારે સર્જનશક્તિવાળા લેખકને હાથે ગીતમાં, તેની રાગીયતા પૂરેપૂરી જળવાઈને, ધ્રુવપદના વિષયની પુષ્ટિ વિવિધ રીતે ચમત્કૃતિપૂર્વક સધાય છે. તેનો વિકાસ સધાય છે, અને કૃતિને અંતે પ્રારંભની પરાકાષ્ઠાના અનુસંધાનમાં તેની જ કોટિની યા તો તેથી યે ઊંચી કોટિની બીજી પરાકાષ્ઠા આવે છે. ચમત્કૃતિનો અભાવ એ ગીતના સ્વરૂપની જ મર્યાદામાંથી નહિ પણ લેખકની મર્યાદામાંથી જન્મે છે.

ગીત : રસાર્દ્ર પિંડસૃષ્ટિનું નિર્માણ

આ પ્રમાણે ગીતનું બાહ્ય કલેવર છે. બીજા કાવ્યપ્રકારો અને ઊર્મિકાવ્યની બીજી તર્કપ્રધાન શૈલી કરતાં, ગીત પોતાના વસ્તુનિરૂપણમાં, ભાષાને અને વિષયને, છંદ, શબ્દ, અર્થ અને તેના સમસ્ત વિન્યાસને રાગીયતાના પાયા પર રજૂ કરે છે. કાવ્યનો વિચાર ઊર્મિ કે પ્રસંગ કે વસ્તુ આમ ચરણે ચરણે પંક્તિએ પંક્તિએ કડીએ કડીએ પોતાનો આગવો ધારદાર પિંડ પામતું જાય છે. એ પિંડો અદૃશ્ય એવી સાંકળથી એકબીજા સાથે સંકળાતા જાય છે, અથવા એમ કહો કે, ધ્રુવપદમાં પ્રગટ થયેલી વસ્તુની તેજસ્વી થાળમાં ગોઠવાતા જાય છે. તેઓ પરસ્પર સંધાતા કે ગંઠાતા નથી કે એકબીજામાંથી જન્મતા નથી. પણ પેલી થાળના આધારે જ તેઓ એકબીજાની સાથે સહસ્થિતિ જાળવે છે. અને તેમના ક્રમશઃ થતા ઉપચયમાંથી એક રસાદ્ર પિંડસૃષ્ટિનું નિર્માણ થાય છે. એ છે ગીત.

ગીત અને કાવ્ય

કાવ્યરીતિ તથા તેના રસ પરત્વે ગીતની કોઈ મર્યાદા યા વિશેષતા છે કે કેમ તે પણ એક વિચારવા જેવી વસ્તુ છે. ગીતની કાવ્યરીતિ લાલિત્યપ્રધાન હોય, તેમાં વર્ણમાધુર્ય, લલિત પદાવલિ, કોમળ અર્થરચના, હળવો અર્થભાર અને ઊર્મિપ્રધાન વિષયો જ હોય એવી એક માન્યતા છે. પરંતુ, આપણા ગીતનો બધો પ્રદેશ જોઈ વળતાં આ પ્રકારની માન્યતાને ટેકો મળતો નથી. ગીત તત્ત્વતઃ કાવ્ય જ છે. કાવ્યમાં જેટલી રીતિઓ છે, કાવ્ય જે જે પ્રદેશો ખેડે છે તે બધી રીતિઓને અને વિષયોને ગીતમાં પણ સ્થાન છે, અને આપણું એ ગીત એ પ્રમાણે અનેક રીતિઓમાં અને અનેક પ્રદેશોમાં વિચરેલું છે. કાવ્યમાત્રની રચનારીતિમાં જે વ્યાપક અને બહુરંગી માધુર્ય તથા વર્ણસંવાદ છે તે માધુર્યને અને વર્ણસંવાદને ગીતમાં મર્યાદિત બનવાની જરૂર નથી. સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓ જેને માધુર્યગુલ કહે છે તેવી માત્ર લલિતકોમલપદાવલિ જ ગીતમાં આવે એવું નથી.

ખબડદાર મનસુબાજી, ખાંડાની ધારે ચડવું છે.

અથવા,

ભક્તિને મોરચે ભડ કોક આંગમે.

જેવી પંક્તિઓ પણ ગીતની જ છે. અહીં ગીત જાણે શબ્દમાં લાલિત્ય કરતાં ખાંડાનો ખણખણાટ અને રણભેરીના ધ્વનિ સંભળાય છે. એની શબ્દરચના કઠોર છે, ઓજસ ગુણવાળી છે. અને છતાં તેમાં વર્ણસંવાદ છે અને તેમાંથી જન્મતું લલિતપદાવલિથી ભિન્ન એવું માધુર્ય છે. ગીત કાવ્યની પેઠે અનેક રસોને પોતાનો વિષય કરે છે અને એ રસને પોષક એવી માધુર્ય, ઓજસ અને પ્રસાદ ગુણવાળી પદાવલિ તે પ્રયોજે છે. એ જ પ્રમાણે ગીતમાં અર્થનિરૂપણ પણ વિષય પ્રમાણે હળવું ગંભીર બને છે. એમાં ફૂલ જેવા હળવા સુગમ શબ્દો હોય તો,

ચિત્ત ચૈતન્યવિલાસ તદ્રૂપ છે.

અથવા,

શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.

જેવી પારા જેવી ઘન અને તત્ત્વના ભારથી ઝૂકી પડતી શબ્દરચના પણ આવે છે. ગીત એ માત્ર નાજુક લલિત, હળવી અને ઊર્મિલ રચના નથી. પણ જીવનના બધા પ્રદેશોને અને વિષયોને આલેખતી એક વ્યાપક કલાશક્તિવાળી રચના છે. માત્ર એ પોતાનું કામ વિશિષ્ટ રીતે, પોતાના રાગીયતાના મંચ ઉપરથી કરે છે, એટલું જ.

ગીતની છેલ્લી આવશ્યકતા

ગીતની છેલ્લી આવશ્યકતા છે કાવ્યત્વ. આપણે જોઈ ગયા તેવા પોતાના વિશિષ્ટ નિરૂપણ દ્વારા ગીત ગમે તે રીતે પ્રવૃત્ત થાય પણ તેનો આદિ અને અંત, તેનો ઊગમ અને નિગમ તો કાવ્યની સર્જનાત્મક રીતે જ થવો જોઈએ. કાવ્યનાં અંગઉપાંગમાં, તેના વાણીસ્વરૂપમાં, તેના અર્થવિન્યાસમાં જે સંવાદનું તત્ત્વ હોય છે તે ગીતમાં પણ હોવું જોઈએ. તેની બધી સામગ્રી વિષયની તથા રસની આવશ્યકતાઓને પૂરી પાડે તેવા ઔચિત્યથી રસાયેલી હોવી જોઈએ. એનો ઊગમ શુદ્ધ સર્જનના લક્ષ્યમાંથી, કાવ્યેતર હેતુઓથી લલચાઈને નહિ, પણ સૌન્દર્ય અને આનંદની કોઈ પ્રબળ અને ગૂઢ અભિવ્યક્તિ અર્થેની વૃત્તિમાંથી, સાચી પ્રેરણામાંથી થવો જોઈએ. ગીતના લેખકમાં પણ પોતાની કળા પ્રત્યે પૂરેપૂરી સહૃદયતા, સચ્ચાઈ હોવી જોઈએ. યશ, ધન કે બીજી ક્ષણોપજીવી અથવા તો પામર વૃત્તિઓને ખાતર ગીત ન રચાવું જોઈએ. અને એ રચનાને અંતે ગીત પોતે એક સર્જનાત્મક તત્ત્વ બનવું જોઈએ. એમાંથી કળાકૃતિનું વ્યક્તિત્વ, આહ્‌લાદકતા અને રસવત્તા પ્રગટવાં જોઈએ. કાવ્ય તરીકેની બધી અપેક્ષાઓ ગીતે પણ પૂરી કરવી જોઈએ. આપણાં ગીતોનો અભ્યાસ કરતાં મળી આવતાં આ તત્ત્વોને હવે આપણે થોડાં ઉદાહરણો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ગીતનાં પોતાનાં તત્ત્વો, – લયવાહિતા, ઉક્તિલાઘવ, મુક્તકતા-પિંડત્વ, અર્થાત્‌ એ સૌના સમાહાર જેવું રાગીયતાનું તત્ત્વ, તેના વિષયનિરૂપણમાં થતો પરાકાષ્ઠાથી પ્રારંભ, અને કાવ્યનાં તત્ત્વો–સંવાદિતા, ઔચિત્ય અને સર્જનાત્મકતા ગીતમાં કેવી રીતે ખીલે છે તે આપણે જોઈશું. એ જોતાં આપણે એવાં પણ થોડાં ઉદાહરણો લઈશું જેમાં આ તત્ત્વોની ઊણપ રહેલી હોય. આ તત્ત્વોના અભાવવાળી કૃતિઓ આપણને ગીતના સ્વરૂપનો ખ્યાલ વિશેષ આપશે. ગીતોની આ ચર્ચામાંથી બીજી પણ એક વસ્તુ જણાશે કે ગીતનો પ્રશ્ન સરવાળે તો કાવ્યનો પ્રશ્ન જ બની રહે છે. ગીતનો આંગિક વ્યવહાર સફળ રીતે સધાય ત્યાં પણ તે સારું કાવ્ય બની શકતું નથી. અર્થાત્‌, ગીત પાછળ પણ સર્જકશક્તિએ સંપૂર્ણ રીતે જાગૃત અને સક્રિય. રહેવાનું છે.