સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્‌/નિબંધનું સ્વરૂપ

ગુજરાતી સાહિત્યમાં નિબંધ
નિબંધનું સ્વરૂપ

સાહિત્યમાં નિબંધનો પ્રકાર એવી રીતે વિકાસ પામ્યો છે કે તેના સ્વરૂપનું સ્પષ્ટ રેખાંકન એક કાળે વિવેચક માટે ઘણું કઠણ કામ હતું. અંગ્રેજી સાહિત્યમાં તો પદ્યમાં થયેલી રચનાઓને પણ તેમના લેખકોએ નિબંધ તરીકે ઓળખાવી છે. વિસ્તૃત ગ્રંથ રૂપે ગદ્યમાં લખાયેલી રચનાઓને પણ તેમના લેખકે નિબંધનું નામ આપ્યું છે. પરંતુ ક્રમેક્રમે આ પદ્યરૂપવાળી તથા વિસ્તૃત નિરૂપણવાળી રચનાઓનો નિબંધના ક્ષેત્રમાં સમાવેશ થતો બંધ થયો છે. અને એક સંક્ષિપ્ત સ્વરૂપવાળી એકાગ્ર અને સુશ્લિષ્ટ રીતે ગદ્યમાં લખાયેલી રચના તે નિબંધ, એવો વિચાર સર્વસ્વીકૃત બન્યો છે. પરંતુ આવી સુશ્લિષ્ટ અને સંક્ષિપ્ત સ્વરૂપવાળી હરકોઈ ગદ્યરચના તે નિબંધ ગણાય ખરી? અત્યાર લગીનો વ્યવહાર જોતાં તો જવાબ હામાં આવે, પણ નિબંધને નામે જે કંઈ રચનાઓ થઈ છે તેમનું સ્વરૂપ તપાસતાં તેમના બે મુખ્ય વિભાગ પડે છે. અને એમાંથી એક વિભાગની રચનાઓ તે જ ખરો નિબંધ. અને તે સિવાયની બીજી રચનાઓ તે તે-તે વિષયના લેખો, એવી રીતની દૃષ્ટિ વ્યાપક થવા લાગી છે. આ દૃષ્ટિનો સ્વીકાર થાય તો સાહિત્યના પ્રકારોમાં નિબંધનું એક સર્જનાત્મક લેખનપ્રકાર તરીકેનું સ્વરૂપ વિશેષ રીતે આકારિત બને છે. નિબંધના આ બે વિભાગોની ભેદરેખા કંઈક આ પ્રમાણે આંકી શકાય. છાપવાનાં યંત્રો શોધાયાં પછી વર્તમાનપત્રો અને સામયિકોનું પ્રકાશન થવા લાગ્યું એને અંગે સાથેસાથે ગદ્યલેખન પણ, જાણ્યે-અજાણ્યે, અનેક રીતે ખેડાવા લાગ્યું. વર્તમાનપત્રોની મર્યાદાને લીધે એ લખાણો આપોઆપ ટૂંકાં તો થતાં જ હતાં. વળી એ લખાણોને રસાવહ બનાવવાને માટે તેમની વિવિધ શૈલીથી લખાવટ તથા સજાવટ થવા લાગી. અને ત્યાંથી એમાં બે ભેદ ધીરેધીરે સ્પષ્ટ થવા લાગ્યા. એક પ્રકારનાં લખાણો કેવળ અમુક વિષયનું નિરૂપણ કરવાને ખાતર જ લખાતાં હતાં, તેમાં તેના વસ્તુનું પ્રાધાન્ય રહેતું અને એ વસ્તુનું યથાસ્થિત નિરૂપણ થઈ જતાં એ લેખનનું પ્રયોજન સિદ્ધ થઈ જતું. બીજા પ્રકારનાં લખાણો લેખનને રસાવહ કરવાની દૃષ્ટિથી લખાતાં અને તેથી તેમાં વસ્તુ ઉપરાંત લેખકની કલ્પનાશક્તિ પણ ઘણો ભાગ ભજવતી. બલકે, એવા લખાણનું મૂલ્ય એની પાછળ પ્રવર્તેલી કલ્પનાશક્તિના વ્યાપારમાંથી જ પ્રગટવા લાગ્યું. આમ આ લઘુલેખન વસ્તુપ્રધાન અને કલ્પનાપ્રધાન એમ બે રૂપે ખીલવા લાગ્યું. વર્તમાનપત્રો અને સામયિકોનું પ્રકાશન વસ્તુતઃ સમાજના જીવનમાં આવેલી એક જાગૃતિ અને એક નવી ભૂખનું પરિણામ હતું. વળી નવું જીવન સંગઠન અને નવવિધાનની અવસ્થાએ પહોંચે તે પહેલાં તેમાં વિચારનો તણખો મૂકવાનું કાર્ય વર્તમાનપત્ર ઉપરાંત વ્યાખ્યાનપીઠ દ્વારા પણ થતું રહ્યું છે. અને એ બંનેનાં ભિન્ન સાધન, લેખન અને વ્યાખ્યાન, એકબીજામાં ભળી જતાં રહ્યાં છે. ઘણાં વ્યાખ્યાનો પહેલાં લેખન રૂપે જન્મેલાં હોય છે, અને ઘણાં વ્યાખ્યાનો પછીથી લેખન રૂપે ગ્રંથસ્થ થાય છે. આમ વ્યાખ્યાનની એક શૈલી પણ આ લઘુલેખનનું એક ઘટનાત્મક તત્ત્વ બની રહે છે. આ જીવનજાગૃતિને લક્ષમાં રાખીને થયેલી લેખનપ્રવૃત્તિ એ બધી મોટે ભાગે વસ્તુપ્રધાન પ્રકારની હોય છે. સમાજસુધારક, રાજકીય નેતા, ધર્મનો સંસ્કારક, નીતિનો આચાર્ય, તત્ત્વનો શોધક, કલાનો વિવેચક, કે વિવિધ વિદ્યાઓનો અભ્યાસક પોતાના કથનને આ વસ્તુપ્રધાન રીતે શબ્દબદ્ધ કરે છે. અને એમાંથી આપણને એ અનેકવિધ વિષયો વિષેની દ્યોતક અને પ્રેરક તત્ત્વસામગ્રી મળે છે. આવી રીતનું લખાણ એ પેલી વિવિધ પ્રવૃત્તિઓનું એક આનુષંગિક પરિણામ હોય છે. એને એના મૂલ્યની સ્થિરતા સામાન્ય રીતે એની અંદરના તત્ત્વની યથાર્થતા તથા ચિરંજીવિતા ઉપર આધાર રાખે છે. સામયિકોમાં કલ્પનાપ્રધાન રીતે લખાવા લાગેલાં લખાણો આવી રીતની સહેતુકતાથી મુખ્યત્વે કરીને મુકત રહ્યાં હોય છે. કોઈ વિષયનું નિરૂપણ કરવું એ એનું મુખ્ય લક્ષ્ય નથી હોતું. અને જ્યાં કોઈ વિષય નિરૂપવો હોય છે ત્યાં પણ તે છન્ન રીતે વ્યંગ્યનો, કટાક્ષનો કે રૂપકનો આશ્રય લઈને કરવામાં આવે છે. આવી રીતે લખાણોમાં બનાવટી પાત્રો, બનાવટી પ્રસંગો રચાવા લાગે છે. સમાજની સારીનરસી ખાસિયતોને પાત્રોનું રૂપ આપીને આલેખાય છે. સૂચક પ્રસંગો ઉપજાવી કાઢી એની આસપાસ વસ્તુ ગૂંથાય છે. ટૂંકામાં, હરકોઈ પ્રકારના વસ્તુને લેખકની કલ્પકશકિત કોઈ રસપ્રદ રંગથી રંગીને આલેખે છે. સામયિકોમાંનાં આવાં લખાણો, પેલાં વસ્તુપ્રધાન લખાણો કરતાં વધારે લોકપ્રિય અને વધારે અસરકારક થવા લાગે છે. અને કલ્પકશક્તિવાળા લેખકોનો અને લખાણોનો એક નવો વર્ગ ઊભો થવા લાગે છે. નિબંધના વિકાસમાં અહીં એક બીજો તબક્કો ઊભો થાય છે. ગદ્યલેખનમાં પ્રગટ થતી આ કલ્પકશક્તિ એક ડગલું આગળ ભરે છે. વાસ્તવિક ઘટના કે પરિસ્થિતિ સાથે સીધો સંબંધ રાખ્યા વિના તે પોતાનું વસ્તુ આપોઆપ ઉપજાવે છે, અને એને શુદ્ધ કલાત્મક ઘાટ આપે છે. છૂટક પાત્રચિત્રો કે કાલ્પનિક સંવાદોમાંથી શુદ્ધ કલામય વાર્તા, નવલિકા, નાટક અને નવલકથાનાં સ્વરૂપો વિકસે છે. વધારે સર્જકશક્તિવાળો લેખક સીધેસીધો એ રૂપો તરફ વળે છે. વિકાસના આ તબક્કાએ એમ પ્રશ્ન થાય છે કે આ કલ્પનાપ્રધાન લેખનપ્રકારે વાર્તા વગેરેને જન્મ આપ્યા પછી હવે તેનું પોતાનું કોઈ વિશિષ્ટ પ્રયોજન રહે છે ખરું? સાહિત્યના ઇતિહાસનું અવલોકન કરતાં એનો જવાબ હામાં મળે છે. વાર્તા, નાટક વગેરે પ્રકારો પૂરેપૂરા ખીલવા છતાં, સાહિત્યમાં નિબંધ ટકી રહ્યો છે અને વિકસ્યો છે. હવે તે વસ્તુપ્રધાન અને કલ્પનાપ્રધાન એ બંને લેખનપ્રકારોના સમન્વય જેવો બનીને એક વિશિષ્ટ રચનાપ્રકાર બને છે. સાહિત્યના બીજા પ્રકારોની સાથે સરખાવી જોતાં નિબંધના આ સ્વરૂપનો કાંઈક વિશેષ ખ્યાલ આવશે. એના પોતાના જ સહોદર વસ્તુપ્રધાન લેખનથી તે મહત્ત્વના અંશોમાં જુદો પડે છે. આ બંને પ્રકારનાં લખાણોમાં સંક્ષિપ્તતા એ સમાન લક્ષણ છે. પણ વસ્તુપ્રધાન લખાણ, જેને વધારે ઔચિત્યપૂર્વક ‘લેખ’ કહી શકાય, તેમાં સંક્ષિપ્તતા એ બાહ્ય આવશ્યકતામાંથી આવેલી હોય છે. એવા લેખો સહેલાઈથી એ વિષયના ગ્રંથનું પ્રકરણ બની શકે. અથવા કેટલીક વાર તે એ વિષયના પ્રવેશક, પ્રસ્તાવના, ઉપોદ્‌ઘાત યા સાર જેવા બને છે. લેખના વિષયનો વિસ્તાર કરી શકાય છે, તેનો સાર કાઢી શકાય છે. કલ્પનાપ્રધાન લખાણમાં આ શક્ય નથી હોતું. એમાં વસ્તુ એવી રીતે રજૂ થાય છે કે એની અંદર એક સ્વયંપર્યાપ્ત સમગ્રતા આવી જાય છે. તેને બીજા કોઈ સાથે જોડી શકાતું નથી, તેને વિસ્તારી કે ટૂંકાવી શકાતું નથી. એની રચના એમાંનાં તત્ત્વબિંદુઓ કે મુદ્દાઓ પર અવલંબતી નથી. લેખક પોતાના વિષયનો સમગ્ર રચનામાં એવી રીતે વિન્યાસ કરે છે કે સમગ્ર ભાવે જ તેનો આસ્વાદ લેવાનો હોય છે. અને આ બાબતમાં તે કલાકૃતિની નજીક જ જઈને બેસે છે. વસ્તુપ્રધાન લેખનું બીજું તત્ત્વએ છે કે તે એકમાર્ગી હોય છે. લેખમાં એનો વિષય પ્રધાન પદે હોય છે અને એ વિષયને લગતી જ સામગ્રી તેનો લેખક સંકલિત કરીને તેને વ્યવસ્થિત રીતે રજૂ કરીને અટકી જાય છે. લેખના લખનારને પોતાના વિષયને અંગેની જરૂરી માહિતીથી વિશેષ સંપત્તિ મેળવવાની હોતી નથી. કોઈ પણ વિષય લઈને તેની જે બાજુ રજૂ કરવી હોય તેનો અભ્યાસ કરીને લેખ તૈયાર કરી શકાય છે. કલ્પનાપ્રધાન નિબંધની રચના આથી ઘણી ભિન્ન રીતે થતી જોવામાં આવે છે. એમાં પણ વિષય તો હોય છે છતાં તેનું વિષય તરીકે તેમાં પ્રાધાન્ય હોતું નથી. અભ્યાસ કરીને કે માહિતી ભેગી કરીને આવી રચના થઈ શકતી નથી. વિષય માત્ર એક સ્થૂલ આલંબન રૂપે હોય છે, અને એ આલંબનને આધાર કરીને લેખક તેને પોતાની શક્તિ અને કલ્પનાબળ પ્રમાણે અનેક રીતે ખીલવે છે. આ ખિલાવટ એ જ નિબંધની વિશેષતા છે. એમાં વાગ્‌વ્યાપારની બધી કળાનો યથેચ્છ પ્રયોગ કરી શકાય છે; એવો અવકાશ બીજા કોઈ પણ સાહિત્યપ્રકારમાં શક્ય નથી. નિબંધનું સ્વરૂપ આમ એક રીતે તંત્ર વિનાનું લાગે છે પણ એ કારણે જ તેને ગમે તે રીતે ગમે તેટલી હદ સુધી લઈ જઈ શકાય છે. લલિત વાઙ્‌મયના બીજા પ્રકારો રસપર્યવસાયી હોવા છતાં, લેખની પેઠે પોતાના વસ્તુની મર્યાદામાં, તથા વિશેષ તો પોતાના કલારૂપની આવશ્યકતાઓમાં નિબદ્ધ હોય છે. નિબંધ એ રીતે નિબંધ કહેવાવા છતાં વધારેમાં વધારે અનિબદ્ધ છે. વાર્તાકારે કે કવિએ કે નાટકકારે પોતાના વસ્તુને જ કશાય વિષયાન્તર વગર રજૂ કરવાનું છે. નિબંધકારને તો આ વિષયાન્તરની શક્યતા એ જ એક મોટો લાભ છે. તે પોતાના વસ્તુના આલેખનમાં વાર્તા કે કાવ્ય આદિના જેવા દૃઢ રૂપમાં સીમિત થયા વિના એ સર્વ પ્રકારોનાં મૂલગત તત્ત્વોનો ઉપયોગ કરે છે. એ પોતાની એક જ રચનામાં વાર્તા, નાટક, કાવ્યની વિવિધ રીતો અજમાવી શકે છે. એ વાર્તા માંડે છે, ટુચકા કહે છે, વસ્તુને નાટ્યાત્મક ઉઠાવ આપે છે, અને કવિની પેઠે કલ્પનાને પણ ચગાવી શકે છે. લેખોના લખનારની પેઠે તે માહિતી પણ આપે છે, જ્ઞાન પણ આપે છે, ડહાપણ પણ પીરસે છે. આ બધું જોતાં જાણે સાહિત્યના બધા પ્રકારોનો એ એક સમન્વિત પ્રકાર જેવો બની રહે છે. લેખકની સર્વ પ્રકારની સંપત્તિને એકીસાથે વ્યક્ત થવાની તક નિબંધમાં મળે છે. પોતાનું જ્ઞાન, અનુભવ, વિદ્વત્તા, સંસ્કારિતા, સૌન્દર્યદૃષ્ટિ, તત્ત્વસમૃદ્ધિ, ભાવનાવૈભવ, વાક્‌પાટવ, આદિ સર્વ પ્રકારની માનસિક સમૃદ્ધિને તે એક જ પ્રસંગમાં જેટલી ધારે તેટલી પ્રગટ કરી શકે છે. બીજી રીતે કહીએ તો, નિબંધની અંદર લેખક પોતાના સમગ્ર વ્યક્તિત્વનો એકીસાથે, નિક્ષેપ કરી શકે છે. લેખકના વ્યક્તિત્વને તેની પૂર્ણ વિવિધતામાં પ્રગટ થવાની તક નિબંધમાં જેટલી મળે છે તેટલી બીજે નથી મળતી. નિબંધની આ શક્યતા એને સમગ્ર વાગ્વ્યાપારમાં એક વિશિષ્ટ સામર્થ્યવાળું સ્થાન આપાવે છે. સાહિત્યના બીજા પ્રકારોમાં લેખક પશ્ચાદ્‌ભૂમાં સરી જાય છે, જ્યારે અહીં તે પોતે મોખરે આવી શકે છે. બલકે, જેટલા કૌશલથી, જેટલી આહ્‌લાદકતાથી તે પોતાના વ્યક્તિત્વની મુદ્રા નિબંધમાં આંકી શકે છે તેટલા પ્રમાણમાં એ કૃતિ ઉત્તમ નીવડે છે. અહીં લેખક વાચકની નિકટમાં નિકટ આવી શકે છે. નિબંધ એ વાચક અને લેખક વચ્ચેની એક વિશ્રમ્ભપૂર્ણ મિલનભૂમિ બની રહે છે. રસાવહતાની, આહ્‌લાદકતાની પ્રતિજ્ઞા જાળવીને લેખક વાચકને એક વ્યક્તિ તરીકે પોતાની સાથે યથેષ્ટ વિચરણ કરાવે છે. આવો નિબંધ તેના લેખક સાથેના, એક વ્યક્તિત્વવાળી વ્યક્તિ સાથેના મિલન જેવો, એકાદ મધુર સંભાષણ જેવો, આહ્‌લાદક વાર્તાલાપ જેવો બને છે. એમાં નિકટતાનો રણકાર આવે છે, લેખકના સામીપ્યની હૂંફ પમાય છે, તેની સાથે બે ઘડીકનું કોક રસદાયક સહજીવન અનુભવાય છે. આવા નિબંધોનો લેખક સાહિત્યજગતમાં પોતાની રુચિ અને શક્તિના પ્રમાણમાં, વાચકવર્ગનો પીઢ મુરબ્બી, હૂંફાળો મિત્ર અને આહ્‌લાદક દોસ્ત બને છે. તે પોતાના અંતરની બધી વાતો કરે છે. પોતાના જીવનની ઘટનાઓ આલેખે છે, પોતાની રુચિઅરુચિઓ જણાવે છે, પોતાના આદર્શો આલેખે છે, પોતાનાં સ્વપ્નોને શબ્દબદ્ધ કરે છે, પોતાના જીવનના ઊંડામાં ઊંડા અભ્યંતરમાં એ નિખાલસ ભાવે વાચકને લઈ જાય છે. એ હસે છે, હસાવે છે, ટોળટપ્પાં કરે છે, તો કદીક ગંભીર ભાવે બોલે છે. કદીક તે અસંબદ્ધ રીતે ગમે ત્યાંથી ગમે ત્યાં ગતિ કરે છે, તો કદીક એક જ બિન્દુ ઉપર તે સ્થિર રહે છે. પણ એ બધાં પાછળ, તેની હળવાશ, અસંબદ્ધતા એ બધાંને સાંકળતો એક સૂક્ષ્મ દોર હોય છે. એ દોર છે નિબંધકારનું રસિક વ્યક્તિત્વ. આ રીતે નિબંધ આત્મકથાના પ્રકારની ઘણો નજીક પહોંચે છે. તોપણ તે આત્મકથા નથી હોતો. પોતાના જીવનની વાર્તા કહેવી એ એનું લક્ષ્ય નથી હોતું. એ પણ લખે છે તો કોઈ વિષયનું આલંબન લઈને. પણ તે વિષયને તે માનવજીવનની સાથે કોઈ છૂપા કૌશલથી સાંકળી દે છે. માનવજીવનના વિશાળ અને વિવિધ સંદર્ભોમાં એ વિષય કેવી રીતનું સ્થાન ધરાવે છે, કેવાં કેવાં સ્ફુરણોનો આધાર બને છે, તે નિબંધકાર આલેખે છે. એમ કહો કે, વિષયના આધારે તે માનવજીવનનું એક સ્ફુરણ આલેખે છે. એ આલેખવામાં તે પોતાના અનુભવોનો આશ્રય લે કે બીજાના અનુભવોનો એ મહત્ત્વની વાત નથી. નિબંધનો લેખક જ્યાં ‘હું’ તરીકે બોલતો હોય છે ત્યાં પણ તે ‘હું’ કેટલો વાસ્તવિક છે કે કેટલો કલ્પનાસૃષ્ટ છે તે પણ મહત્ત્વનું નથી. એ ‘હું’ હોય છે સકલ માનવતાનો પ્રતીક. વળી ‘હું’ નો આશ્રય લીધા વિના પણ તે પોતાના વિષયને માનવજીવનની સાથે સાંકળી આપે છે. પણ એ હમેશાં પોતાના વિષયને માનવતાનો પાશ આપે છે, માનવજીવનના વ્યાપારનું એક જીવતું અંગ બનાવી આપે છે. એ પદાર્થની આસપાસ માનવની ચેતનાની, અને રસ, સૌન્દર્ય, આનન્દ, કે તત્ત્વની કોઈ આહ્‌લાદક, ચમત્કૃતિવાળી સ્ફુરણા રચે છે. અત્યંત નિર્બંધ રીતે, કશા દૃઢ આકારમાં વિષયને જકડ્યા વિના, કશા સ્પષ્ટ લક્ષ્ય તરફ સ્પષ્ટ રીતે ગતિ કર્યા વિના, સ્વયંભૂ રીતે વિકાસ પામતા જીવનની પેઠે, એ પોતાના વિષયને ખીલવે છે, જીવનનાં વિધવિધ પાસાં સાથે વિષયને અથડાતો કરી મૂકીને, કહો કે, તેને આપોઆપ જ ખીલવા દે છે. એવી કૃતિ, અમુક નામ ધારણ કરતી હોય છે, છતાં એની ગતિ અને રીતિ, જીવતા માણસના જેવી, માણસના વૈવિધ્યપૂર્ણ જીવનવ્યાપાર જેવી બહુરંગી, બહુગુણ અને બહુરસ હોય છે. આ રીતે નિબંધ એ કાવ્ય કે વાર્તા કે નાટકના જેવા આયોજન કે સંવિધાનના દૃઢ આકારમાં બંધાયા વિનાની, છતાં પોતાની અતંત્રતાથી જ એક તંત્ર રચતી, તેના લેખકના કલાપાટવ ઉપર નિર્ભર રહેતી એક છન્ન કલાવાળી અને સહજ રૂપની, કલાનિર્મિતિ છે.

નિબંધનું વર્તમાન અને ભાવિ

આપણા નિબંધની આવતી કાલ કેવી હશે તે કહેવું મુશ્કેલ છે. ગુજરાતના લેખકો જો કાકા કાલેલકરનું શાસન સ્વીકારે તો નિબંધની પ્રવૃત્તિ વધારે ખીલવાનો સંભવ ખરો. તેઓને મતે સાહિત્યનું સર્વોત્કૃષ્ટ અને સમર્થ રૂપ નિબંધ છે. નિબંધની સર્વોત્કૃષ્ટતાનો પ્રશ્ન બાજુએ મૂકીએ તોપણ એ સમર્થ રૂપ છે એ બાબતમાં તો શંકા નથી. આપણે શરૂઆતમાં જોયું તેમ સાહિત્યના બીજા પ્રકારોમાં લેખકની પ્રતિભા એકાંગી અને આંશિક રૂપે જ વ્યક્ત થઈ શકે તેમ છે. નિબંધ લેખકની સર્વ પ્રકારની શક્તિઓને એકીસાથે પ્રગટવાની તક આપે છે, અને જીવનના, વિચારના કે ઊર્મિના અનેક પ્રદેશોને તે સ્પર્શી શકે છે. કલ્પના અને વાસ્તવિકતા બંનેને સાથે લઈને તેમાં ગતિ કરી શકાય છે એ રીતે તે બહુવિધ શક્યતાઓથી ભરેલો લેખનપ્રકાર છે. પણ તે ક્યારે? એ સમર્થની રીતે લખાયો હોય ત્યારે. નિબંધને ઉત્કૃષ્ટતા આપનારાં તત્ત્વોનું બાહ્ય અનુકરણ કરવાથી એ ન બને. લેખક પોતાનું વ્યક્તિત્વ એમાં નિક્ષિપ્ત કરે, ટુચકા, કહાણીઓ, વિનોદ-નર્મ-મર્મને પ્રયોગ કરે, કલ્પનાઓ કરે, ચિંતન કરવા પ્રયત્ન કરે; પરંતુ તે બધાંની પાછળ કોઈક આંતરિક સમૃદ્ધિ ન હોય, કોઈ તત્ત્વની, ચિંતનની, કલ્પનાની કે અનુભવની અસાધારણતા, ચમત્કૃતિ ન હોય, તેની પાછળ સર્જક કલ્પકતાનો વ્યાપાર ન થયો હોય તો એવી રચના રંક રહે છે. ભીમની ગદાનો પ્રહાર મર્મભેદક અને સર્વજિત હોય છે એ ખરું પરંતુ તે હાથમાં ભીમનું બાહુબળ જોઈએ. એટલું જ નહિ, એનું એ ગાંડીવ અને એનો એ અર્જુન હોવા છતાં પણ કાળબળે પરિણામ બહુ દયાજનક આવે. નિબંધ લખવાને ખાતર, કીર્તિના કે પછી લેખનના મોહને લીધે કશી આંતરિક સમૃદ્ધિ વિના, અને આલેખનના ખરેખર કળામય સર્જક ઉઠાવ વિના, લખાયેલી રચના ઉત્તમ નિબંધ નહિ નીવડે. સાહિત્યના સસ્તા યશઃપ્રાર્થીઓને હાથે આવું લખાણ નથી થતું એમ નહિ, અને એ ભયની સામે પણ આપણા લેખકોને ચેતવવાની જરૂર રહે છે.૧[1] કોઈક રીતે પણ કંઈક ખરેખર અસાધારણ કહેવાય તેવી સમૃદ્ધિ વિના નિબંધ લખવાનો પ્રયત્ન ન કરવો એ ઉત્તમ નિબંધોને ઉત્તમ થવા દેવાનો ઉત્તમ માર્ગ છે. ગુજરાતના વિદ્યમાન લેખકવર્ગનો વિચાર કરતાં કાકાના જેવા કલ્પનાસૃષ્ટ નિબંધોનું સર્જન વધવું એ બહુ નજીકની શક્યતા જણાતી નથી. જેઓમાં સર્જક પ્રતિભા છે તેઓમાં પણ બહુદેશીય સમૃદ્ધિ કેટલી છે તે તો તેઓ નિબંધ લખે ત્યારે ખબર પડે. બેશક, પોતાનાં લખાણને શૈલીની, વાક્‌ચાતુર્યની, બુદ્ધિપ્રભાવની તેમ જ બીજી રસાત્મક ગ્રંથોની રોનક આપવાની શક્તિ આપણા ઘણાએક લેખકોમાં છે. પરંતુ એ શક્તિ કેટલી સફળતાથી અને ઉત્કૃષ્ટતાથી શબ્દદેહ લે છે તે અત્યારે ન કહી શકાય. નિબંધના સ્વરૂપની ચર્ચા વધારે વ્યાપક બને, તેની ખૂબીઓનું પૃથક્કરણ ઉદાહરણો સાથે કરાય, અને તે અંગે યોગ્ય વાતાવરણ ઊભું થાય તો સાહિત્યના આ સૌથી વધુ વ્યાપક છતાં સૌથી વધુ ઉપેક્ષિત અંગ વિષે જાગૃતિ આવે. પણ તે માટે એક બીજી વસ્તુ બહુ ભાર દઈને કહેવાની જરૂર છે. તે એ છે કે આપણી શાળાઓમાં, ખાસ કરીને માધ્યમિક શાળાઓમાં, નિબંધનું જે રીતે શિક્ષણ અને લેખન થઈ રહ્યું છે તે તદ્દન બંધ થવું જોઈએ. નિબંધને એક લાકડા જેવી શુષ્ક અને મડદા જેવી ઠંડી, ઉષ્મા અને ચેતન વગરની રચના બનાવી મૂકવામાં આ શિક્ષણપ્રથા, તેના કલ્પનાહીન શિક્ષકો અને એ યંત્રજડ અભ્યાસક્રમ ઘણાં જવાબદાર છે. ખરી વસ્તુ તો એ છે કે વિદ્યાર્થીઓ પાસે કાચી વયે, અપક્વ બુદ્ધિની અવસ્થામાં લેખનનો વ્યાપાર ઉપરથી લાદીને ન કરાવવો જોઈએ. ભૂમિતિના પ્રમેયો પેઠે વિષયનું નિરૂપણ, વ્યાખ્યા, સમજૂતી, દાખલાદલીલો સાથેની ચર્ચા અને ઉપસંહારનાં માપેલાં પગથિયાંની બનેલી સીડી પેઠે ન થવા દેતાં, વિષયને છોડની પેઠે અંકુરાતો અને ફાલતો અને ફોરતો થવા દેવો જોઈએ. વિદ્યાર્થીની કલ્પકશક્તિ જેમાં સક્રિય બને, તેવી રીતની લેખનપ્રવૃત્તિ થવી જોઈએ. અને આ માટે શાળામાં નિબંધનું તો શું પણ કોઈ પણ પ્રકારનું લેખન ફરજિયાત ન હોવું જોઈએ; પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની એક કઠોર આવશ્યકતા તરીકે આજે લેખન વિદ્યાર્થીને હાથે મને-કમને સેવાય છે, તેને સ્થાને તે વિદ્યાર્થીની આંતરિક ઊર્મિનો સ્વયંભૂ આવિર્ભાવ બનવો જોઈએ. વિદ્યાર્થીઓ પાસે લેખન કરાવવું હોય તો તે હસ્તલિખિત પત્રોની પ્રવૃત્તિ દ્વારા થવા દેવું જોઈએ. સાહિત્યનાં અંગોથી, તેના વ્યાકરણથી વિદ્યાર્થીને સુપરિચિત કરીને શિક્ષકે અટકી જવું જોઈએ. વળી એ પરિચયની ક્રિયા પણ કલ્પનાત્મક રીતે થવી જેઈએ. લેખનનું પુષ્પ વિદ્યાર્થીના ચિત્તમાંથી પછી કથાકાળે ખીલશે. અને જો ન ખીલ્યું તો તેથી કશો અફસોસ કરવાની જરૂર નથી. દરેક વિદ્યાર્થીએ લેખક થવાની જરૂર પણ નથી.

‘લેખ’ અને ‘નિબંધ’

છેવટે એક વાત નિબંધના વિવેચનને અંગે કહેવાની રહે છે. અત્યાર લગી નિબંધના સ્વરૂપ વિષે આપણે જે વિચાર્યું તેમાં જો સત્ય હોય તો હવે નિબંધને અંગેની આપણી કલ્પનાને આપણે વધારે નિશ્ચિત સ્વરૂપવાળી કરી લેવાની ભૂમિકાએ આપણે પહોંચ્યા છીએ. આપણે હવે ‘લેખ’ અને ‘નિબંધ’ વચ્ચેનો ભેદ બરાબર કરી શકીએ તેમ છીએ. પૂર્ણ રીતે સુશ્લિષ્ટ વ્યવસ્થિત અને ઉત્તમ પ્રકારે વિષયને ન્યાય આપતી હોય છતાં જે વસ્તુપ્રધાન અને એકવિષયી રચના હોય તેને આપણે ‘લેખ’ કહીએ; અને જેમાં વસ્તુ કરતાં આલેખનનું પ્રાધાન્ય હોય, જેની પાછળ સર્જક કલ્પકતા પ્રવૃત્ત રહી હોય અને જે કશીક રસવત્તા ધ્વનિત કરતી હોય તેવી રચનાને ‘નિબંધ’ કહીએ. આ રીતે વસ્તુપ્રધાન લખાણોનું મહત્ત્વ ઓછું આંકવાનો આશય નથી. સાહિત્યમાં એવાં લખાણોને તદ્વિદોના અભ્યાસના ઉત્તમ રૂપે થયેલા નિષ્કર્ષને મહત્ત્વનું અને કીમતી સ્થાન હમેશાં છે. એ રીતે દરેક વિષયનાં અંગઉપાંગોનો તલસ્પર્શી અને વ્યાપક સ્વાધ્યાય અને તેનો વિનિમય હમેશાં થતો રહેવો જોઈએ. એ જાતના લખાણનું મહત્ત્વ અને ગૌરવ એવું સ્વયંસિદ્ધ છે કે તેને ‘નિબંધ’ના આલંકારિક અભિધાનની અપેક્ષા રહેવી ન જોઈએ. પોતાની તત્ત્વસંપત્તિ અને તેનો સમુચિત વિનિમય એ જ તેની મોટામાં મોટી કૃતાર્થતા છે. બીજી બાજુ ‘નિબંધ’નો જે કલ્પનાપ્રધાન અથવા સર્જનાત્મક પ્રકાર છે તેને વિનોદપ્રધાન કટાક્ષાત્મક નિબંધિકાનો પર્યાય પણ ન થઈ જવા દેવો જોઈએ. યદૃચ્છાવિહાર, રસળતી શૈલી, કટાક્ષ વગેરેવાળું લખાણ એ નિબંધનું એક ઉપાંગ છે. વિનોદ કે કટાક્ષના અંશ વિના પણ નિબંધ ઉત્તમ રીતે બને છે. ભરતીનું વર્ણન કરતા ‘રણ કે સરોવર’ યા ‘મધ્યાહ્નનું કાવ્ય’ જેવા કાકાના નિબંધો લો. શૈલીના રસળાટ કે નિરૂપણની હળવાશ વિના પણ, માત્ર પ્રગલ્ભ કલ્નાશક્તિના બળે થયેલી અને સૌન્દર્ય અને તત્ત્વની ગહનતાથી સાદ્યંત સંપન્ન થયેલી એ રચનાઓ છે. નિબદ્ધ-અનિબદ્ધ, ગંભીર-અગંભીર, ભાવનાત્મક-વાસ્તવિક, વગેરે દ્વંદ્વોની દૃઢ વ્યાખ્યામાં ગયા સિવાય કેવળ સર્જનાત્મકતાના ધ્રુવ પાયા પર નિબંધની માંડણી થવા દેવી અને તેમાં શૈલીના અને તત્ત્વના નવા નવા આવિર્ભાવોને માટે હમેશાં અવકાશ રહેવા દેવો એ નિબંધને ખીલવા દેવાની ઉત્તમ રીતિ છે. આપણે આશા રાખીએ કે હવે દાયકા પછી જ્યારે ફરીથી આ૫ણી નિબંધની પ્રવૃત્તિનું અવલોકન થાય ત્યારે આ પ્રકારે નિબંધ પુષ્કળ ફાલ્યોફૂલ્યો હોય અને આ અવલોકનમાં આ લેખકને નિબંધના ઉત્તમ સ્વરૂપને સ્પષ્ટ કરવા ‘શુદ્ધ’, ‘કલ્પનાપ્રધાન’, ‘સર્જનાત્મક’ એવાં એવાં વિશેષણોને જે પ્રયોગ કરવો પડ્યો છે તે ભવિષ્યના અવલોકનકારને કરવાનો ન રહે.

પાદનોંધ :

  1. ૧. આવા મધ્યમ અને નબળી કોટિનાં લખાણોની સંખ્યા ઇંગ્લૅન્ડમાં વધી ગયેલી ત્યારે તેની ટીકા કરતાં એ. એ. કૂપર – અર્લ ઓફ શૅક્ટ્‌સબરીએ (૧૬૭૧-૧૭૧૩) નિબંધને અર્ધદગ્ધ બુદ્ધિવાળાઓને લેખક થવાના સાધન રૂપે વર્ણવેલો અને કહેલું કે આ સાહિત્યપ્રકાર એવો છે કે જેમાં ‘the most confused lead, if fraught with a little invention, and provided with commonplace book-learning, might exert itself to as much advantage, as the most orderly and well-settled judgment.’ – The English Essay and Essayists, પૃ. ૧૨૭.