સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્/વિવેચનનો રસ
છેલ્લાં દસબાર વરસથી આપણી વિવેચનપ્રવૃત્તિ વધારે વિકસી છે અને તે વિષે આપણે વધારે જાગ્રત થયા છીએ. એ જાગૃતિમાંથી વિવેચન અંગે કેટલીક અપેક્ષાઓ ઉત્પન્ન થઈ છે. એ અપેક્ષાઓમાંની એક એ છે કે વિવેચન એક રસાત્મક પ્રવૃત્તિ બનવી જેઈએ. એ તો સ્પષ્ટ છે કે સર્જનાત્મક સાહિત્યમાં શું શૃંગાર, કરુણ કે વીર, બીભત્સ અને હાસ્ય વગેરે જે રસોની નિષ્પત્તિ થાય છે તેવા રસોની અપેક્ષા તો વિવેચન પાસેથી ન જ હોય. વિવેચક પોતાને સર્જકની કોટિમાં, કવિની સમાન કક્ષાનો ગણાવવા ઇચ્છતો હોય તોપણ તેનું કાર્ય કવિની પેઠે સીધા રસનિર્માણનું નથી. ત્યારે વિવેચનના કાર્યમાં કયા રસનો કેવી રીતે પ્રવેશ થાય છે? આજનો વિવેચક કહે છે કે હું પણ કળાકૃતિના સ્પર્શને અંતે ઊર્મિઓ અનુભવું છું અને તે બીજાના ચિત્તમાં સંક્રાન્ત કરું છું. આ ઊર્મિઓ કઈ છે? કળાકૃતિની અંદર જે રસ રહ્યો છે, જે ઊર્મિઓને જાગ્રત કરવાનું તેનું લક્ષ્ય હોય છે તે જ ઊર્મિઓ ફરીથી વાચકને સંક્રાન્ત કરવી એ તો વિવેચકનું કાર્ય નથી. એ તો ઉત્તમ રીતે સર્જકે જ કરેલું હોય છે. વિવેચક માટે મૂળ કૃતિમાંથી જન્મતી ઊર્મિથી સ્વતંત્ર એવી જે ઊર્મિ માટે અવકાશ છે તે માત્ર એ કૃતિના નિર્માણ અંગે જન્મેલી ઊર્મિ. કૃતિના કળાગુણોના પ્રમાણમાં વિવેચક તેના પ્રત્યે પ્રસન્નતા, મુગ્ધતા કે અહોભાવ, કે પછી ખેદ વિષાદ કે તિરસ્કાર અનુભવે છે. વિવેચકનો આ ભાવ તેના લખાણને એક પ્રકારનો રંગ આપે છે. તેની પ્રસન્નતા કે તેનો પુણ્યપ્રકોપ વિવેચનને રસમય કરે છે તેમાં શંકા નથી. પરંતુ એ વિચારવાનું રહે છે કે વિવેચકનું કાર્ય શું પોતાની આવી ઊર્મિને વાચકમાં સંક્રાન્ત કરવામાં જ સમાપ્ત થઈ જાય છે? માની લઈએ કે વિવેચકનું કાર્ય એટલું જ છે તોપણ આ ઊર્મિઓને પટ ઘણો સાંકડો છે, કાવ્યશાસ્ત્રની પરિભાષામાં કહીએ તો તેમાં ઉત્સાહ અને વિષાદ જેવા બે ચાર ભાવોને જ સ્થાન છે. અને તેની રસવત્તા ઘણી મર્યાદિત રહે છે. બેશક, વિવેચકની પ્રતિષ્ઠાના પ્રમાણમાં તેની પ્રસન્નતા કે અપ્રસન્નતા કળાકૃતિ વિષે લોકમત ઘડવામાં અગત્યનો ભાગ ભજવે છે. પણ લોકોને કેવળ પોતાની ઊર્મિના આવેગથી ખેંચી જવાની ક્રિયા વિવેચનમાં હમેશાં ઇષ્ટ ગણાય ખરી? વિવેચકની પોતાની ઊર્મિનું મહત્ત્વ સ્વીકારવા છતાં એ વાત તો હરકોઈ વિવેચક સ્વીકારશે કે વિવેચનને કેવળ એક ઊર્મિવ્યાપાર બનાવી દેવામાં કળાને કે વિવેચનને હમેશાં લાભ નથી. વિવેચકની ઊર્મિની કીમત પણ તે જેટલા પ્રમાણમાં કૃતિમાંના કળાતત્ત્વના સત્યાંશ ઉપર પ્રતિષ્ઠિત હોય છે તેટલા પ્રમાણમાં જ રહે છે. કૃતિના કળાસત્યને બાજુએ મૂકી પોતાના જ્ઞાન અજ્ઞાનમાંથી કે રાગદ્વેષમાંથી જન્મતી, અસત્ પ્રતિષ્ઠિત ઊર્મિઓની લીલાને ક્લુષિત વ્યાપાર વિવેચનજગતમાં સાવ અજાણ્યો નથી. અને એવો કેવળ ઊર્મિવ્યાપાર વિવેચનને ભાગ્યે જ કશી પ્રતિષ્ઠા અપાવે છે. વસ્તુસ્થિતિ એ છે કે વિવેચકનું કાર્ય તત્ત્વતઃ ઊર્મિસર્જનનું નથી. કલાકૃતિમાં રહેલા સૌન્દર્ય અને સત્યનું સ્વરૂપ પ્રકટ કરવું, સામાન્ય દૃષ્ટિને ન સમજાય તેવી કલાનિર્મિતિની ખૂબીઓ, સૌન્દર્યના અંશે, તેનાં ગૂઢ રહસ્યો છતાં કરવાં એ તલસ્પર્શી સૂક્ષ્મદ્રષ્ટા વિવેચકનું કાર્ય છે. આ કાર્ય તે કેટલા યથાતથ્યથી કરી શકે છે, સૌન્દર્યની પરખમાં તે કેવી દક્ષતા બતાવે છે, તેના પર તેના કાર્યની સફળતાનો આધાર છે. વ્યુત્પન્ન અને મર્મગ્રાહી વિવેચક પોતે દર્શાવેલા સૌન્દર્ય તત્ત્વને પરિણામે વાચક અને સર્જક ઉભયમાં કૃતજ્ઞતાનો ભાવ જન્માવે છે. વળી સૌન્દર્યગ્રહણમાં ઊણપ કે અશક્તિ ધરાવતો વિવેચક વ્યુત્પન્ન અને મર્મગ્રાહી વાચક કે સર્જક પાસે ઉપહાસ અને દયાનું પાત્ર પણ બને છે એ પરિણામ પણ ધ્યાનમાં રાખવા જેવું છે. બીજાનું મૂલ્ય આંકવા નીકળનાર સાથેસાથે પોતાનું મૂલ્ય પણ હમેશાં અંકાવતો જાય છે. સૌન્દર્યપરીક્ષણની આ પ્રવૃત્તિની પાછળ જે નિયામક વ્યાપાર છે તે ઊર્મિનો નહિ પણ બુદ્ધિનો હોય છે. વિવેચક પ્રસન્નતા આદિ જે ઊર્મિઓ અનુભવે છે તેનો પાયો પણ કળાકૃતિમાં રહેલું સૌન્દર્યનું તત્ત્વ છે. એ તત્ત્વથી ભિન્ન રીતે વિવેચનમાં ઊર્મિને સ્થાન નથી. વિવેચકની ઊર્મિની કેવળ ઊર્મિ તરીકે કશી કિંમત નથી. વળી વિવેચકની મુગ્ધતા કે પ્રસન્નતા કે તેનો તિરસ્કાર કૃતિનો માનદંડ ન બની શકે. એ ઊર્મિઓએ પણ પોતાની સત્યતા કૃતિના અંતઃસ્થ સૌંદર્ય અને સત્યમાંથી સિદ્ધ કરવાની રહે છે. વિવેચકના કાર્યની કરોડ છે સૌંદર્યદર્શન. એનું ગ્રહણ તે જે સૂક્ષ્મ પટુતાથી કરે, સર્જકની પેઠે સૌંદર્યનિર્માણનાં તત્ત્વોને પણ જે સહજબુદ્ધિ—intuition-થી પકડી લે, અને તીક્ષ્ણ બુદ્ધિપ્રભાવથી તેનો જે સ્ફોટ કરે એ છે વિવેચકનો કાર્યપ્રદેશ. આ ક્રિયામાં જે રસ છે તે વિવેચનનો રસ છે. આ ક્રિયા છે તત્ત્વપ્રકાશની; અનધિગતને અધિગત કરવાની, અજ્ઞાતને જ્ઞાત કરવાની. એનો એક જ રસ છે અને તે છે શાંત રસ, જ્ઞાન હંમેશાં માણસને શાંતિમાં લઈ જાય છે. જ્ઞાન તેના મેળવનારને પુલકિત કરે છે, પ્રસન્ન કરે છે, તેના ચિત્તનો વિકાસ કરે છે, તેની અંદર ઉત્સાહ અને અહોભાવ જન્માવે છે. જ્ઞાનનું તત્ત્વ ઘણું અસાધારણ હોય તો તે અદ્ભુતનો ભાવ જન્માવે છે. પરંતુ એ બધાને અંતે મનુષ્યનું ચિત્તતંત્ર એક પ્રકારની સમતા અને સ્થૈર્ય પામે છે. પ્રકાશની હેઠળ પહોંચતાં તેની બીજી ક્લુષિતતાઓ ઓગળી જાય છે અને તે તત્ત્વાધિગમની શાંત સ્થિતિમાં પહોંચે છે, તે કશીક પૂર્ણતા અનુભવે છે. કેવળ વિવેચન જ નહિ, બધી જાતના વિશુદ્ધ બુદ્ધિવ્યાપાર આવી શાંત અવસ્થા તરફ માણસને લઈ જાય છે. મનુષ્યના હૃદયની વિવિધ ઊર્મિઓ, તેના અનેકવિધ વ્યભિચારી અને સ્થાયી ભાવો ઉત્કટ રસરૂપતા પામીને પણ પોતાનું અંતિમ સમાંતર શાંતની ભૂમિકામાં પામે છે. ભરત મુનિએ શાંત રસને બીજા રસોની મૂળ પ્રકૃતિ તરીકે વણવ્યો છે. તે માત્ર રસોની જ મૂળ પ્રકૃતિ નથી, પરંતુ ચિત્તતંત્રની બીજી પ્રવૃત્તિઓની પણ મૂળ પ્રકૃતિ છે. વિવિધ રીતે સૌંન્દર્યને અને સત્યનો તત્ત્વપ્રકાશ કરતું વિવેચન પણ જ્યારે ઉત્તમ સત્યનિષ્ઠાથી પ્રવર્તે છે ત્યારે વાચકની શંકાકુશંકાઓનો, તેના રાગદ્વેષોનો અને અજ્ઞાનનો પરિહાર કરતું તેને આ શાંતની પ્રકાશમય પરમ ભૂમિકામાં લઈ જાય છે. કેટલાંક વિવેચનો ખરેખર આપણને જીતી લેનારાં હોય છે. તે પણ આપણને સર્જનના જેવો આનંદ આપે છે. તેનું કારણ વિવેચકનો ઉત્સાહ કે મુગ્ધતા નહિ પરંતુ જે કૌશલથી તેણે કૃતિનું સૌન્દર્ય પ્રકટ કરી આપ્યું હોય તે છે. એકના એક તત્ત્વનો સ્ફોટ કરવામાં વિવેચકોની શૈલીની વિશિષ્ટતાઓ જુદી જુદી રીતે પ્રવૃત્ત થાય છે. ત્યાં પણ કહેવું જોઈએ કે વિવેચકની ઉત્તમમાં ઉત્તમ શૈલી તો તે કે જે વાચકને વધારેમાં વધારે પ્રસાદપૂર્વક અને ઓછામાં ઓછા અંતરાય દ્વારા કૃતિના સૌન્દર્ય પાસે લઈ જાય. જે વિવેચન વાચકમાં કેવળ ક્ષોભ મૂકી જાય, તેનામાં કોઈ રાગનું કે દ્વેષનું સિંચન કરવા પ્રયત્ન કરતું લાગે તેમાં કંઈક તત્ત્વની વિકૃતિ હોય છે. સર્વગ્રાહી વિવેચક વસ્તુઓનો ઊહ અને અપોહ કરે છે, સાચું અને ખોટું, શુદ્ધ અને વિકૃત જુદું તારવે છે, એમ તેને કરવું પડે છે; તથાપિ એ સર્વેને અંતે તે સમન્વયની કે સર્વ અંશોને આલોકિત કરતી પ્રકાશની ભૂમિમાં લઈ ગયા વગર રહેતું નથી. અને એ સ્થિતિમાં પહોંચી મનુષ્યનું ચિત્ત એક મધુર તેજસ્વી સૌમ્ય અને શાંત ભાવ અનુભવે છે. ત્યારે વિવેચનની પાસેથી જે રસની અપેક્ષા રખાવી જોઈએ તે આ શાંતરસની. એ રસનો મુખ્ય આધાર છે વિવેચનમાં ક્રમેક્રમે દગ્ગોચર થતું સૌંદર્યતત્ત્વનું પ્રકટીકરણ. આજકાલ આ વસ્તુ પરત્વે આપણી દૃષ્ટિ જોઈએ તેટલી સ્પષ્ટ નથી. પોતાના વિવેચનને રસમય કરવા વિવેચક વિવિધ શૈલીઓ પ્રયોજે છે. વિવેચનનો વાર્તાની પેઠે ઉપાડ કરે છે. તેને પત્રનું રૂપ આપે છે. સંવાદનો ઘાટ આપે છે.અથવા વાચકના ચિત્તને ચમક આપે તેવી રંગાત્મક અને આવેશાત્મક શબ્દાવલિથી કામ લે છે. સામાન્ય વાચક આવી શૈલીથી અંજાય છે, મુગ્ધ બને છે, એને સર્જનાત્મક અને રસાત્મક વિવેચન કહે છે. પણ વિવેચકને આવી શૈલીની ભંગિઓની આરાધના કરવાની હંમેશાં જરૂર છે ખરી? વિવેચકને નૈસર્ગિક રીતે જે શૈલી મળી હોય તેથી ભિન્ન ધર્મવાળા વાગ્વ્યવહારનું રસાત્મક થવાને ખાતર આલંબન કરવાની, નટ વિટ કે ચેટના જેવી પ્રવૃત્તિ કરવાની વિવેચકને જરૂર હોય એવું નથી. વિવેચકનું લક્ષ્ય પોતાના અર્થને વધારેમાં વધારે પ્રાસાદિક રીતે, પારદર્શક રીતે, રજૂ કરવાનું છે. તેની વાણીમાં પ્રસાદ અને ઓજસ યથાપ્રસંગે આવી શકે. પણ મૂળ વક્તવ્યને અપ્રસ્તુત હોય, તેની સાથે કશી આંતરિક અને તત્ત્વગત સંલગ્નતા ન હોય તેવી વાણીભંગિનો આશ્રય લેવાથી લેખકનું કથન ગૌણ બનીને શૈલીના જાળામાં ગોટવાઈ જાય છે. મૂળ તત્ત્વને પહોંચતા વાચક અને વિવેચક બંનેને શ્રમ અને સમયનો નિરર્થક વ્યય કરવો પડે છે. જનરંજનના હેતુથી આવી ‘રસાત્મકતા’ સાધવા જો મહેનત થતી હોય તો તે પણ સરવાળે લોકવર્ગને હાનિકારક છે. શુદ્ધ વિચારનું ગ્રહણ કરવાની શક્તિ મેળવવી એ લોકોને માટે પણ જરૂરી છે. ઊર્મિઓ, આવેગો અને આવેશોનાં રંગબેરંગી શરબતોમાં જ રાચી શકતા – અને તે સ્થિતિ માટે પણ સમાજને વિચારક વર્ગ જ જવાબદાર ગણાય – સામાન્ય મનુષ્યને-આમવર્ગને એ હકીકત પણ સમજાવવાની અને સિદ્ધ કરી આપવાની જરૂર છે કે વિચારમાં વિચાર તરીકેનો પણ એક નિર્મળ સ્વચ્છ રસ રહેલો છે, અને એ રસ લેવાની શક્તિ સાંસ્કારિતાનું અને બુદ્ધિશક્તિનું એક અગત્યનું લક્ષણ છે, જે સમાજ શુદ્ધ રીતે વિચારને નથી કરી શકતો કે વિચારને શુદ્ધ રૂપમાં સમજી શકતો નથી, જેને હરકોઈ પ્રવૃત્તિમાં પ્રેરવા માટે ઊર્મિઓના માદક અનુપાનની જરૂર રહે તે સમાજ ભાગ્યે જ વિકાસ પામેલો ગણાય. લોકબુદ્ધિનો આ વિકાસ કરવો એ પણ ખરા વિવેચકનું કર્તવ્ય છે. એ કર્તવ્ય સાધવામાં પણ વિવેચકને માટે ઘણી મોટી કૃતાર્થતા વસેલી છે. જનતામાં વિશુદ્ધ બુદ્ધિવ્યાપાર પ્રવર્તાવવો. તેની બુદ્ધિને પટુકરણ કરવી, તેનામાં નિર્ભેળ સત્યને પેદા કરવાની, સૌંદર્યને બુદ્ધિના ઉપકરણથી પણ ગ્રહણ કરવાની જરૂર સમજાવવી, અને પોતે પણ ઊર્મિના ચંચલ અને અસ્થિર પાયા ઉપર ઊભા રહેવાને બદલે વિશુદ્ધ બુદ્ધિના શિખર ઉપર ઊભા રહી, કળામાં થતી સૌન્દર્ય અને સત્યની ગતિનો આલેખ કરવો એ બધાં નાનાં સૂનાં કામો નથી. સર્જનથી આ ભિન્ન પ્રકારની પ્રક્રિયા છે. એ વિશુદ્ધ બુદ્ધિવ્યાપાર છે. એનું પોતાનું ગૌરવ છે અને તેની આગવી ચરિતાર્થતા છે. વિવેચનનો આ પોતાને સ્વધર્મ એટલો મહાન છે કે તેણે સર્જનનું અભિધાન મેળવવા માટે પોતાની જાતને આકુલવ્યાકુલ કરવાની કશી જરૂર નથી. એ સ્વધર્મમાં એને નિધન મળે તો પણ તે શ્રેયસ્કર છે. પણ ખરા વિવેચક માટે તો નિધન છે જ નહિ, પણ સર્જકના જેવી જ અમરતા સર્જાયેલી છે.