સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી/૨.૧ સાહિત્યિક તથ્યોની માવજત

વિભાગ-૨ : સંશોધનવિચાર

૨.૧
સાહિત્યિક તથ્યોની માવજત

આદરણીય પ્રમુખશ્રી, ગુરુજનો, સાહિત્યપ્રેમી સજ્જનો અને સન્નારીઓ,

વિવેચનની આજની સ્થિતિ આપ સૌએ પ્રેમપૂર્વક જે સ્થાને મને બેસાડ્યો છે એ સ્થાન વિશેનો મારો ખ્યાલ ઘણો મોટો છે અને મારી જાત વિશેનો મારો ખ્યાલ ઘણો નાનો છે. આપણા મૂર્ધન્ય કવિ કાન્ત એક વખતે અંગ્રેજી કવિતાથી એટલા પ્રભાવિત થયા હતા કે ઘણીબધી સંસ્કૃત કવિતા એમને કચરા જેવી ને પ્રેમાનંદ માત્ર પદ્યજોડુ લાગ્યા હતા અને “આપણી આ બાલ્યાવસ્થામાં કવિતા કરવી કેવી મુશ્કેલ છે” એનો અફસોસ એમણે એક મિત્ર સમક્ષ વ્યક્ત કર્યો હતો. હું સંસ્કૃત કે પાશ્ચાત્ય સાહિત્યવિચારણાનો અભ્યાસ કરું છું ત્યારે વિવેચક એટલે કે સાહિત્યવિચારકની એક મોટી મૂર્તિ મારી સમક્ષ ખડી થાય છે. સૂક્ષ્મ પર્યેષક બુદ્ધિથી અને મૌલિક દૃષ્ટિથી સાહિત્યવિચારનાં નૂતન પરિમાણો પ્રગટ કરે તે વિવેચક. આવો વિવેચક આપણે ત્યાં ક્યાં છે? આપણી સાહિત્યવિચારણા બહુધા પરોપજીવી છે અને આપણે સૌ વિવેચકો અવલોકનકારો કે સમીક્ષકો છીએ એવું જાણે લાગે છે. એક સમયે આપણે ત્યાં આનંદશંકર, બલવંતરાય કે રામનારાયણ જેવાઓએ પોતાનો કાવ્યવિચાર રચવાનો ને એ કાવ્યવિચારને પોતાની વિવેચનપ્રવૃત્તિના કેન્દ્રમાં સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો. એમના કાવ્યવિચારમાં અસ્પષ્ટતા કે એકાંગિતા જેવા દોષો દેખાય તોપણ પોતીકી સાહિત્યવિચારણાની એ મથામણ નોંધપાત્ર હતી. નવલરામથી સુરેશ જોષી સુધી આપણને વિવેચનના અનેક પંડિતો મળ્યા છે જેમણે આપણી સાહિત્યદૃષ્ટિને અજવાળવાના સમર્થ પ્રયત્નો કર્યા છે ને આજે મારા કેટલાક વડીલો ને મિત્રો સાહિત્યવિચારના પુરાતન કે અધુનાતન પ્રવાહોને ઝીલી આપણા સંદર્ભમાં એની પ્રસ્તુતતા સિદ્ધ કરવાનો ઉદ્યમ કરી રહ્યા છે. આ બધાનું મારે મન ઓછું મૂલ્ય નથી, તેમ છતાં મન એક એવા વિવેચનના શાસ્ત્રકારને ઝંખે છે, જેનાં મૂળિયાં આપણી ધરતીમાં જ હોય અને જે વર્તમાનને અનુલક્ષીને પોતાનો સાહિત્યવિચાર રચી આપે. આવો વિવેચક તો કદાચ પચીસ, પચાસ કે સો વર્ષે મળે. આપણે તો દર બે વર્ષે આ સ્થાન પર બેસવા માટે એક વિવેચક જોઈએ. આ પરિસ્થિતિમાં મારા જેવા પર કળશ ઢોળ્યા વિના બીજો રસ્તો પણ શો? વિવેચનની પ્રવૃત્તિ માટે આજે કટોકટીભરી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહેલું જણાય છે. એક બાજુથી આપણે પશ્ચિમમાં રોજેરોજ નવી અસ્તિત્વમાં આવતી સાહિત્યિક વિચારસરણીઓની ભીંસ અનુભવીએ છીએ ને એથી આપણા વિવેચનને કોઈ સ્થિર ભૂમિકા પ્રાપ્ત થતી નથી. ચુસ્ત વૈજ્ઞાનિક વિશ્લેષણની પદ્ધતિઓને વિકસાવતું વિવેચન જાણે વિશેષજ્ઞ-પ્રવૃત્તિ બનવા લાગ્યું છે અને વિશાળ વાચકવર્ગ સાથેનો એનો નાતો આછો ને આછો થતો જાય છે. બીજી બાજુથી, ગુજરાત સાહિત્ય અકાદમીની ઉદાર સહાયને કારણે ઘણા એવા વિવેચનસંગ્રહો આપણી સમક્ષ આવી રહ્યા છે જેમાં સરેરાશ અધ્યાપકની વર્ગનોંધોથી કશું વિશેષ હોતું નથી. વિધિવક્રતા તો એ છે કે મોટા પ્રમાણમાં વિવેચનસંગ્રહો બહાર આવી રહ્યા છે ત્યારે એના માટેનું બજાર તૂટી રહ્યું છે. કૉલેજશિક્ષણના વિસ્તારને કારણે વિવેચનગ્રંથો માટેનું એક બજાર ઊભું થયું હતું, પણ હવે ભાષાસાહિત્યનો અભ્યાસ પાંખો થઈ રહ્યો છે ને કૉલેજ-ગ્રંથાલયોનાં બજેટ પણ ટાંચાં બની રહ્યાં છે, એટલે એ બજાર તૂટવા લાગ્યું છે ને પુસ્તક છપાવીને ભેટ આપી દેવા જેવી સ્થિતિ ઊભી થઈ રહી છે. વિવેચનની પ્રવૃત્તિને લોકાશ્રય તો રહ્યો જ નથી. ઘણાં વર્તમાનપત્રો સાહિત્યની કટાર ચલાવવા હવે ઉત્સુક નથી. શિક્ષણસંસ્થાઓનો આશ્રય ઓછો થઈ રહ્યો છે ને આપણાં કેટલાંક સાહિત્ય-સામયિકો બંધ થતાં વિદ્વત્પ્રવૃત્તિ તરીકે એને મળતો આધાર પણ જાણે ખસી જઈ રહ્યો છે. સાહિત્ય પરિષદમાં પણ ‘વિવેચન’ અને ‘સંશોધન’ એવા બે વિભાગોને સ્થાને એક વિભાગ થઈ ગયો એયે વિવેચનને મળતી જગ્યા ઓછી થયેલી ન ગણાય? વિવેચનની આ સ્થિતિ પ્રથમ દૃષ્ટિએ આપણને લાગે છે એટલી ચિંતાજનક ન પણ હોય. એક પ્રકારનો ફુગાવો થયો હતો તે શમી જતાં વિવેચનની પ્રવૃત્તિ ધીમા શાંત પ્રભાવે પણ ધીરગંભીર રીતે ચાલતી થાય. વિવેચનને ટકી રહેવા માટેની નવી ભૂમિકાઓ પણ પ્રાપ્ત થાય. વસ્તુતઃ આજના યંત્રવૈજ્ઞાનિક ને સમૂહમાધ્યમોના પ્રસારના યુગમાં પ્રજાજીવનમાં સાહિત્યનું સ્થાન અને મૂલ્ય પણ બદલાઈ રહ્યાં છે – સાહિત્ય સામે તેમ સાહિત્ય-વિવેચન સામે ઘણા નવા પડકારો ઊભા થઈ રહ્યા છે. આપણી પરિસ્થિતિના કેટલાક વિશિષ્ટ પ્રશ્નો પણ છે – સાહિત્યમાં પરદેશી પ્રભાવ અને પોતાપણું, સાહિત્ય અને સમકાલીન સમાજજીવનનો સંબંધ, વિવિધ પ્રજાવર્ગોના સંદર્ભમાં સાહિત્યની વિભાવના, કેળવણીનો પાયો વિસ્તૃત થતાં ઊભી થયેલી સાહિત્યશિક્ષણની સમસ્યાઓ, સમૂહમાધ્યમોએ ઊભી કરેલી સાહિત્ય માટેની નવતર પરિસ્થિતિઓ, સાહિત્ય પ્રત્યેના રચનાલક્ષી અને જ્ઞાનલક્ષી અભિગમો, વિવેચનના નૂતન ઉન્મેષો ને એમની ઉપયુક્તતા વગેરે. આ બધા પ્રશ્નોની ચર્ચા કરવાનો અત્રે અવકાશ નથી અને મારી સજ્જતા પણ નથી. પરંતુ હું, કેટલાક સમયથી મને સાહિત્ય-અભ્યાસના એક વિશિષ્ટ અનુભવમાં મુકાવાનું થયું છે એને અનુલક્ષીને થોડીક વાતો કરીશ.

કૃતિલક્ષી વિવેચનમાં હકીકતોનું મૂલ્ય આપણા આ સમયમાં સાહિત્યકૃતિની સ્વાયત્તતા પર ઘણો ભાર મુકાઈ રહ્યો છે અને આસ્વાદમૂલક કે વિશ્લેષણપરક કૃતિલક્ષી વિવેચનની સવિશેષ પ્રતિષ્ઠા થઈ રહી છે. વિવેચનની આ પદ્ધતિમાં સાહિત્યકૃતિવિષયક અન્ય હકીકતોની ઉપેક્ષા કરવાનું વલણ હોય છે. આ વલણ કેટલે અંશે ઇષ્ટ છે એ વિશે મારા મનમાં શંકા છે. હું જોઉં છું કે સાહિત્યપ્રકૃતિની બહારની હકીકત સાથે અમારે કંઈ લેવાદેવા નથી એમ માનનાર વિવેચકના ચિત્તમાં પણ કેટલીક હકીકતો પડેલી જ હોય છે અને એ હકીકતો એને સાચી કે ખોટી દિશામાં દોરતી પણ હોય છે. કાન્તના ‘ઉપહાર’ કાવ્યની શુદ્ધ કૃતિલક્ષી વિવેચના કરવાની પ્રતિજ્ઞા સાથે પ્રવૃત્ત થનારના મનમાં કાન્તનો બલવંતરાય સાથેનો મૈત્રીસંબંધ વિચ્છિન્ન થયો હતો એ હકીકત નથી પડેલી હોતી એમ ખાતરીપૂર્વક કહી શકાતું નથી. છેલ્લી બે પંક્તિઓનું અર્થઘટન એ જે રીતે કરે છે તે પરથી આ કળાય છે. છેલ્લી બે પંક્તિઓ આ પ્રમાણે છે :

અને તેને આજે તરલ ધરું તારા ચરણમાં,
ગમે તો સ્વીકારે ગત સમય કેરા સ્મરણમાં.

‘ગમે તો’ એટલે ‘તને ઇચ્છા થાય, મરજી થાય તો’ એ ગુજરાતી ભાષાનો જાણીતો પ્રયોગ છે અને એ રીતે એમાં રીસનો કાકુ ને તેથી સંબંધવિચ્છેદનો સંકેત જોઈ શકાય. પરંતુ ‘ગમે તો’ એટલે ‘રુચે, પસંદ પડે તો’ એમ અર્થ પણ થઈ શકે અને એ અર્થ સ્વીકારીએ તો આપણો સંબંધ વિચ્છિન્ન થયો હોવાથી મારાં કાવ્યો સ્વીકારવાનું તને ન ગમે એમ નહીં પણ આ ઉદ્‌ગારો તરલ હોવાથી તને ન ગમે એમ અભિપ્રેત બને. કૃતિને જ લક્ષમાં લઈએ તો સંબંધવિચ્છેદનો કોઈ સંકેત કાવ્યમાં નથી, ઉદ્‌ગારોની તરલતાનો – અને ત્રુટિતતાનો – છે એ ભૂલવું ન જોઈએ આપણા વિવેચનમાં કોઈ વાર કાવ્યની આ પંક્તિઓને ખ્રિસ્તીધર્મસ્વીકાર પછી કાન્તનો બલવંતરાય સાથેનો મૈત્રીસંબંધ તૂટ્યા જેવો થઈ ગયો હતો એ હકીકત સાથે પણ જોડી દેવામાં આવી છે. આમ કરતી વખતે, એ હકીકત ખ્યાલમાં નથી રહી કે ૧૯૨૩માં પ્રસિદ્ધ થયેલા ‘પૂર્વાલાપ’માં અર્પણકાવ્ય તરીકે મુકાયેલી આ કૃતિ છેક ૧૮૯૨-૯૩ (જ્ઞાનદર્શન, પોષ ૧૯૪૦)માં પ્રગટ થઈ ચૂકી હતી. અને બલવંતરાયના જણાવ્યા મુજબ એ રચાઈ હતી ૧૮૯૧ના ચોમાસામાં; કાન્તે ખ્રિસ્તીધર્મ સ્વીકાર્યો તે તો ૧૯૦૦ના આરંભમાં. ૧૯૦૦ના આરંભની સ્થિતિનો સંકેત ૧૮૯૧ની રચનામાં કેવી રીતે જોઈ શકાય? બલવંતરાયે આ કાવ્યનો ઉત્તર આપેલો તે કાવ્ય ‘ગમે તો સ્વીકારે’ પણ ૧૮૯૨-૯૩માં જ છપાઈ ચૂકેલ છે અને ‘ભણકાર’માં ગ્રંથસ્થ થયેલ છે. પૂનાવાસી થયેલા બલવંતરાયને કાન્તે પોતાના કાવ્યમાં સહઅધ્યયન ને સહવાસના જૂના આનંદદાયક દિવસોની યાદ અપાવી છે એટલું જ. તેથી, આપણે કહી શકીએ, આ સમયે, કાવ્યમાંથી જેની ગંધ આવે છે તેવો કોઈ પણ રીતનો પડદો બંને વચ્ચે રચાયો હતો કે કેમ, એ, ઓછામાં ઓછું ચર્ચાસ્પદ છે. હકીકતોનું આ રીતે સાહિત્યના અર્થઘટન અને આસ્વાદમાં ચોક્કસ રીતનું સ્થાન છે અને તેથી તથ્યદૃષ્ટિ સાહિત્યના વિવેચનનો એક અગત્યનો અંશ બની રહે છે. સાહિત્યનો શબ્દ પોતે એક તથ્ય છે. ભલે એ શબ્દની તથ્યમૂલકતાને લોપવાનો પ્રયાસ થતો હોય. કાન્તના ‘વત્સલનાં નયનો’ના ‘સારસ’ શબ્દે વિવેચકોને કેવા ભરમાવ્યા છે એ જાણીતું છે. જેમાં ‘સારસ’ માટે ‘lilies’ એવો અંગ્રેજી શબ્દ પ્રયોજતો કાન્તનો પત્ર છપાયો છે એ ‘કાન્તમાળા’નું સંપાદન કરનારા બલવંતરાય પણ ‘આપણી કવિતાસમૃદ્ધિ’માં ‘સારસ’ એટલે સારસ પક્ષી એવો અર્થ કરે છે! ભૃગુરાય જેવા કોઈ ખણખોદિયા માણસ આ શબ્દના સાચા અર્થ ને એ અર્થને પ્રમાણિત કરતા એકથી વધુ સંદર્ભો તરફ આપણું ધ્યાન દોરે છે. કાન્તની એ કાવ્યપંક્તિઓમાં વત્સલ પ્રિયતમાનાં નયનોને ‘નિર્મલ સ્નેહસરોવર સારસયુગ્મ સમા પરિપૂર્ણ દયારસ’ તરીકે વર્ણવવામાં આવ્યાં છે. ‘સારસ’ શબ્દના ‘કમળ’ એ અર્થના અપરિચયે આંખોને સારસ પંખી કહેવામાં કેટલું સ્વારસ્ય એ તરફ દુર્લક્ષ કરાવ્યું અને સરોવરમાંનાં જલાર્દ્ર કમળો જેવાં સ્નેહાર્દ્ર નયનોનું કલ્પનારમ્ય ચિત્ર પણ આપણને ચુકાવ્યું. ભોળાભાઈ પટેલ ભૃગુરાયે કહેલો અર્થ જાણવા છતાં બલવંતરાયે કરેલા અર્થને ટેકો આપે છે, પરંતુ એમને કાન્તે પોતે જ કરેલો lilies એ અનુવાદ ને ભૃગુરાય પૂરા પાડેલા અન્ય સંદર્ભો લક્ષમાં હશે કે કેમ એ શંકા છે. મતિસારની ‘કર્પૂરમંજરી’માં નાયક રૂપસેનને એનો પ્રધાન ચાર ઘાતોમાંથી બચાવે છે એવું વર્ણન આવે છે. એમાંની એક ઘાત એ ઘેર આવે છે ત્યારે માતા તેને ઝેરના લાડુ આપે છે તે છે. સંપાદક ડૉ. સાંડેસરાને વાર્તામાં આ અંશ અપ્રતીતિકર લાગ્યો છે ને એ નોંધે છે કે “વિષના લાડુ ખવડાવનાર ઓરમાન માતા હતી એમ કર્તાને કદાચ કહેવું હશે પણ તેમ એણે સ્પષ્ટ કર્યું નથી.” ડૉ. સાંડેસરાના લક્ષ બહાર એ વાત રહી છે કે અહીં ‘મંત્રેઈ’ શબ્દ વપરાયો છે, જેનો અર્થ છે અપરમાતા. આ રાજસ્થાની પરંપરાનો શબ્દ છે અને કેટલીક ગુજરાતી કૃતિઓમાં એ ‘મંત્રેવી’, ‘માત્રેઈ’ એવાં રૂપોથી પણ મળે છે. એ સ્પષ્ટ છે કે શબ્દનો આ અર્થ જાણવા મળતાં કથાપ્રસંગમાં કશી અપ્રતીતિકરતા રહેતી નથી. મધ્યકાલીન કૃતિને તો એના શબ્દાર્થ ઉપરાંત સંસ્કાર-પરિવેશ અને છંદ આદિ કાવ્યરીતિઓની પરંપરાના જ્ઞાન વિના સાચી ને સારી રીતે ભાગ્યે જ આસ્વાદી કે મૂલવી શકાય. મધ્યકાલીન કૃતિનો પાઠ પ્રવાહી હોવાનો મોટો કોયડો છે અને કર્તૃત્વનો પ્રશ્ન પણ ઘણી વાર જટિલ બનતો હોય છે. કૃતિના જે અંશ પર આપણે વારી જઈએ કે જેને આપણે અનન્ય કવિકર્મનું ઉદાહરણ માની બેસીએ તે અત્યંત પરંપરાગત વસ્તુ હોય. અખાજીના સોરઠામાં દરેક ચરણમાં આવતા વર્ણસગાઈના વિનિયોગથી આપણે પ્રભાવિત થઈએ અને આપણે જાણતા ન હોઈએ કે દુહા-સોરઠાનું એ લગભગ અનિવાર્ય ગણાયેલું લક્ષણ છે. રઘુવીર-સંપાદિત ‘નરસિંહ મહેતા : આસ્વાદ અને સ્વાધ્યાય’માં શબ્દાર્થ પદ્યબંધ, પ્રાસ, અલંકાર, કથનરીતિ, કૃષ્ણચરિત આદિની મધ્યકાલીન પરંપરાના અજ્ઞાનમાં થયેલાં ખોટાં અર્થઘટનો ને નરસિંહ પર અસ્થાને વેરાયેલાં પ્રશંસાપુષ્પોનું પ્રમાણ એટલું મોટું છે કે આપણી વિદ્વત્તા જાણે સાહસયાત્રાએ નીકળી હોય એવું લાગે છે. નરસિંહનું યથાતથ દર્શન એમાંથી પ્રાપ્ત થતું નથી. કૃતિલક્ષી આસ્વાદ કે અભ્યાસનો અર્થ એ નથી કે કૃતિને ઇતર જગતથી સંપૂર્ણ રીતે વિચ્છિન્ન કરીને જોવી. એવો વિચ્છેદ શક્ય પણ નથી, કેમ કે ઇતર જગત આપણા ચિત્તમાં પડેલું જ હોય છે. કૃતિને નિમિત્તે કૃતિબાહ્ય જગતમાં વિહરવું, કૃતિમાં કૃતિબાહ્ય બાબતોનું આરોપણ કરવું એ જુદી વાત છે, પણ કૃતિમાં જે કંઈ પડેલું છે તેને સમજવા માટે કૃતિની બહાર જવું પડે તો એનો સંકોચ આપણે ન અનુભવવો જોઈએ. કૃતિની તપાસમાં અન્ય સાહિત્યિક તથ્યોનો વિનિયોગ હંમેશાં આવશ્યક નથી હોતો. જેમ કે, કૃતિને કેવળ આંતરિક રચનાની દૃષ્ટિએ પણ જોઈ શકાય છે – પણ સાહિત્યિક તથ્યો આપણે જેટલાં વધુ પ્રાપ્ત કર્યાં હશે એટલું આપણું દર્શન વધારે યથાતથ, વધારે સંગીન, વધારે અર્થપૂર્ણ, વધારે માર્મિક ને વધારે સમૃદ્ધ પણ બનશે.

હકીકતનિષ્ઠ સર્જક-અભ્યાસનાં સુફલ સાહિત્યની અનેક હકીકતોમાં સજીવ, ઊંડો, ચીવટભર્યો રસ લેનાર એક અભ્યાસી તરીકે મને પ્રભાવિત કરનાર ભૃગુરાય અંજારિયા અહીં મને યાદ આવે છે. સાહિત્ય તેમ જ સાહિત્યકારો વિશેની હકીકતો માટે એ કેટલા કૌતુકથી છલકાતા હતા? પણ એ કેવળ કૌતુકપ્રિય વ્યક્તિ ન હતા. હકીકતો સાથે કામ પાડનાર, હકીકતોનાં મૂળ સુધી જનાર, પ્રમાણભૂત હકીકતોને માટે મથનાર અને હકીકતોને આધારે પોતાનું દર્શન રચનાર એ પંડિત હતા. એમણે અધૂરો મૂકેલો કાન્ત-અભ્યાસ આના નમૂનારૂપ છે. ભૃગુરાય કાન્તે સ્વીડનબૉર્ગ ક્યારે અને ક્યાંથી વાંચ્યા એની શોધ આગળ અટકે નહીં, સ્વીડનબૉર્ગ કોણ હતા, એમની શી પ્રતિભા હતી અને પશ્ચિમની કેવીકેવી વિભૂતિઓ સ્વીડનબૉર્ગીય ધર્મદર્શનથી પ્રભાવિત હતી – આ બધું એ શોધે. આ બધાને આધારે કાન્તના ધર્માન્તરને એ યોગ્ય પરિપ્રેક્ષ્યમાં પણ મૂકી આપે. આ ભૃગુરાય કાન્તનું ‘ઈશ્વરસ્તુતિ’ કાવ્ય માત્ર ક્રિશ્ચિયન નથી, સ્વીડનબૉર્ગી છે એમ અધિકારપૂર્વક સ્ફુટ કરી શકે. ‘પૂર્વાલાપ’ની છંદયોજના વિશેનો ભૃગુરાયનો લેખ એમની નૂતન રસદૃષ્ટિને કારણે સૌ અભ્યાસીઓને અનન્ય લાગ્યો છે, પણ એ આપણી છંદપ્રવૃત્તિની કેટલીબધી હકીકતોથી સભર લેખ છે! ઓછું હતું તે ભૃગુરાયે એ લેખની પોતાની નકલમાં આપણી છંદપ્રવૃત્તિ વિશેની ઘણી વીગતો પાછળથી પણ ઉમેરી છે. ‘પૂર્વાલાપ’ની છંદયોજનાનું ભૃગુરાયનું આ નૂતન દર્શન હકીકતોની પીઠિકા પર રચાયેલું છે તેથી જ આટલું પ્રભાવક બન્યું છે. કોઈ પણ સર્જક વિશેના અભ્યાસમાં હકીકતોનું મૂલ્ય સ્વાભાવિક રીતે જ વધારે હોવાનું. કર્તૃત્વના, પ્રભાવ અને પ્રેરણાના, સર્જકના ઘડતર ને મનોભાવનાના, કૃતિઓના રચનાક્રમ ને એના ઐતિહાસિક સંદર્ભના –આવાઆવા કેટલાબધા પ્રશ્નોનો મુકાબલો એમાં કરવાનો આવે! સર્જકનો અભ્યાસ કરતાંકરતાં સમયના અભ્યાસમાં પણ જવું પડે અને અનેક આનુષંગિક વીગતો તમારા માર્ગને દોરતી રહે. ઉમાશંકર જોશી સંપાદિત ‘ક્લાન્ત કવિ’નાં કાવ્યોના કર્તૃત્વની તપાસ કરતાંકરતાં ભૃગુરાયને ક્યાંક્યાં ભમવું પડ્યું! એ જૂનાં સામયિકો અને કાવ્યગ્રંથો ખૂંદી વળ્યા, બાળાશંકરના સમકાલીનોનાં સગાંસંબંધીઓ સુધી પહોંચી જઈને ઉપયોગી માહિતી શોધી લાવ્યા. વર્તમાનપત્રની અવસાનનોંધોમાં કોઈ ઉપયોગી ઉલ્લેખ આવ્યો તો એ પણ એમની નજરમાંથી છટક્યો નહીં ને આમ એ કર્તૃત્વના કોયડાને ઉકેલવાની ચાવીઓ મેળવતા રહ્યા. બાળાશંકરની વાચન-અધ્યયનની પ્રવૃત્તિને એ તપાસી વળ્યા અને એમ કરતાંકરતાં બાળાશંકરનો શબ્દકોશ, એમનું છંદોવિધાન, એમની વિચારસૃષ્ટિ અને એમની કાવ્યશૈલી – આ બધાંની ચાવીઓ પણ એમણે હસ્તગત કરી લીધી. ‘ક્લાન્ત કવિ’ની બીજી આવૃત્તિમાં ભૃગુરાયે કરેલી નોંધો બાળાશંકરના કવિત્વના ચિત્રને વધુ ચોખ્ખું બનાવે છે. ઉમાશંકરના એક મોટા કાર્યની આવી મૂલ્યવાન પૂર્તિ ભૃગુરાય કરી શક્યા તે સાહિત્યના હકીકતનિષ્ઠ અભ્યાસની એમની ઊંડી સૂઝને આભારી છે.

મધ્યકાલીન સાહિત્યની શુદ્ધિવૃદ્ધિ સાહિત્યના કોઈ ક્ષેત્રની કે કોઈ વિષયની હકીકતોને કોઈ એક વ્યક્તિ ભાગ્યે જ પૂરેપૂરી સાફ કરી શકે. એ માટે તો વિદ્વાનોની પેઢીઓ જોઈએ. એક વિદ્વાને કરેલા કામને તપાસનાર, એને આગળ લઈ જનાર વિદ્વાનો મળતા રહેવા જોઈએ. ઉમાશંકરને ભૃગુરાય મળ્યા એને એમનું ને એમના કાર્યનું હું સદ્‌ભાગ્ય ગણું છું. પણ એવું સદ્‌ભાગ્ય આપણા અત્યારના પ્રમુખ શ્રી કે. કા. શાસ્ત્રીને મળ્યું? એમણે ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ કરી, ‘આપણા કવિઓ’ અને ‘કવિચરિત’ લખ્યાં, ‘ગુજરાતના સારસ્વતો’ તૈયાર કર્યું. આ બધા ગ્રંથોમાં રજૂ થયેલી હકીકતોમાં શુદ્ધિવૃદ્ધિને અવકાશ નથી એવું શાસ્ત્રીજી પણ નહીં માનતા હોય. પણ એ કરનાર ક્યાં છે? મધ્યકાળના સાહિત્ય પરત્વે તો શાસ્ત્રીજી જ ‘એકમ્‌ એવ અદ્વિતીયમ્‌’ એવી સ્થિતિ રહી છે. એ સાહિત્યના કેટલાક અંશો કાં તો શાસ્ત્રીજીએ જ લખ્યા કરવા પડે છે, કાં આપણે એમના ગ્રંથોના આધાર લખવા પડે છે. હવે, સાહિત્ય પરિષદ તરફથી તૈયાર થતા સાહિત્યકોશને નિમિત્તે મધ્યકાળ પૂરતું તો સાહિત્યવિષયક માહિતીની શુદ્ધિવૃદ્ધિનું ગંજાવર કામ થઈ રહ્યું છે – એટલું ગંજાવર કે મધ્યકાળના સાહિત્ય પરત્વે કોશે કરેલી શુદ્ધિવૃદ્ધિની નોંધ લેતો ગ્રંથ તૈયાર કરીએ તો એ હજારેક પાનાંનો સહેજે થાય. આપણી સાહિત્યિક માહિતીમાં કેવી અશુદ્ધિઓ પડેલી છે તેનો અંદાજ આપવા માટે સાહિત્યકોશે કરેલી શુદ્ધિવૃદ્ધિનાં થોડાં દૃષ્ટાંત હું તમને આપીશ. સાહિત્ય પરિષદે જ તૈયાર કરાવેલા સાહિત્યના બૃહદ્‌ ઇતિહાસમાં ઇન્દ્રાવતી નામનાં સ્ત્રીકવિનો ઉલ્લેખ આવે છે, જેમણે કેટલીક પ્રકીર્ણ કવિતા લખી હોવાનું નોંધાયું છે. આ માહિતી ‘પ્રાચીન કાવ્યસુધા’ને આધારે જ અપાયેલી એમાં શંકા નથી. ‘પ્રાચીન કાવ્યસુધા’ના સંપાદકને તેમ પરિષદ-ઇતિહાસના લેખકને ખબર નથી કે આ ઇન્દ્રાવતી સ્ત્રીકવિ નથી, એ તો છે પ્રણામી સંપ્રદાયના પ્રાણનાથ સ્વામીનું, એમની આધ્યાત્મિક પરિભાષામાંથી યોજાયેલું કવિનામ. અને એ પ્રાણનાથ સ્વામી થોડીક પ્રકીર્ણ કવિતાના કર્તા નથી, એમની કૃતિઓનો ‘તારતમસાગર’ નામે દળદાર ગ્રંથ પણ પ્રગટ થયેલ છે. આ પ્રાણનાથ સ્વામીનું સંસારી નામ મેહેરાજ હતું. ‘પ્રાચીન કાવ્યસુધા’ના સંપાદક છગનલાલ રાવળે ‘ગુજરાતના જૂના કવિઓની હકીકત’ નામે એક સાહિત્યસૂચિ તૈયાર કરી છે એમાં ઇન્દ્રાવતી ઉપરાંત મેહેરાજનો પણ ઉલ્લેખ થયેલો છે અને મેહેરાજની અનેક ભાષાની કૃતિઓ પણ નોંધાયેલી છે. છગનલાલ રાવળને ખબર નથી કે આ ઇન્દ્રાવતી અને મેહેરાજ એક જ વ્યક્તિ છે અને તે પ્રણામી સંપ્રદાયના પ્રાણનાથ સ્વામી છે. શ્રી યશવંતભાઈ શુક્લ પાસે ‘તારતમસાગર’ એ ગ્રંથ આવ્યો ત્યારે એમણે મારું ધ્યાન ખેંચ્યું કે અખાજીના પ્રકારનું જ્ઞાનમાર્ગી સર્જન કરનાર આ કવિની નોંધ આપણા સાહિત્યના ઇતિહાસોમાં આવેલી હોય એમ જણાતું નથી, ત્યારે મેં એમને આ સમગ્ર પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો અને જણાવ્યું કે ગુજરાતી સાહિત્યકોશે તો પ્રાણનાથ સ્વામી વિશે ઘણી વિસ્તૃત નોંધ આપી છે. આપણા વિદ્વાન પ્રમુખશ્રી એમના ‘કવિચરિત’માં ગોપાલદાસ વ્યાસવાળાની ‘પ્રાકટ્યસિદ્ધાંત’ નામની કૃતિનો પરિચય આપે છે. એમને એ જાણવામાં નથી આવ્યું કે ‘પ્રાકટ્યસિદ્ધાંત’ એ ‘ગોકુલેશરસાબ્ધિક્રીડાકલ્લોલ’ નામક કૃતિના પાંચ તરંગો માંહેનો પ્રથમ તરંગ-માત્ર છે. એ કૃતિના અન્ય તરંગો ‘અનુગ્રહ’ માસિકમાં જ પછીથી પ્રકાશિત થયેલા છે. વૈષ્ણવ આચાર્ય ગોકુલનાથજીની જીવનલીલાનું વિસ્તારથી વર્ણન કરતી એ કૃતિ એમાંની ઐતિહાસિક માહિતી તથા બીજી કેટલીક વિશેષતાઓને કારણે નોંધપાત્ર ઠરે એવી છે.

હકીકતો સાથે કામ પાડવાની તાલીમ મધ્યકાળના સાહિત્યના ઘણા વિશિષ્ટ પ્રશ્નો છે. એક નામને કારણે આપણે એક કર્તા માની લઈએ તે વસ્તુતઃ જુદા કર્તા હોય, તો બીજી બાજુથી જુદા કર્તા માન્યા હોય તે તપાસ કરતાં એક જ નીકળે. પર્યાયશબ્દથી, શ્લેષથી નામ ગૂંથવાની પદ્ધતિને કારણે કર્તાઓળખ આપણે માટે ઢંકાયેલી રહે. ભ્રાતૃચંદ્રનો ઉલ્લેખ ‘સહજકલાનિધિ’ તરીકે થાય ને દેવજી ઋષિ પોતાને ‘અમરાભિધ’ તરીકે ઓળખાવે. આથી ઊલટું આ પદ્ધતિને કારણે આપણે કર્તાનામનો સંકેત ન હોય ત્યાં કર્તાનામ બેસાડી દઈએ અને ખોટું બેસાડી દઈએ એમ પણ બને. આવું જ કૃતિનામ પરત્વે પણ થાય. ‘પ્રેમચંદસંઘવર્ણનરાસ’ અને ‘સિદ્ધાચલરાસ’ને આપણે અલગ કૃતિ ગણીએ, પણ એ પ્રેમચંદ શેઠે સિદ્ધાચલનો સંઘ કાઢેલો એનું વર્ણન કરતી એક જ કૃતિ હોય. મધ્યકાલીન કૃતિઓમાં રચનાસમય સંકેતશબ્દોથી દર્શાવવામાં આવતો તેથી પણ ગૂંચવણ થાય. કવિના ગુરુ, પિતા, સંપ્રદાય વગેરેના ઉલ્લેખ કૃતિમાં આવતા હોય કે ન આવતા હોય તેથી પણ આપણા માટે કવિઓળખના કોયડાઓ સર્જાય. આ બધામાંથી માર્ગ ત્યારે જ કાઢી શકાય કે જ્યારે આપણે પૂરતી પ્રમાણભૂત સામગ્રી એકઠી કરી શકીએ અને એ સામગ્રીને આધારે તારણો કાઢવાની વૈજ્ઞાનિક પદ્ધતિ વિકસાવી શકીએ. મધ્યકાળની સાહિત્યસામગ્રીનો અમારો અનુભવ તો એવો છે કે આપણે અનવધાનથી, અણસમજથી ને નિરાધાર અટકળોથી ઘણી ભેળસેળ કરી છે અને ઘણી ખોટી માહિતી વહેતી કરી છે. ‘અમરકીર્તિ’ નામ વાંચીને એ ૧૩મી સદીના અપભ્રંશના કવિ અમરકીર્તિ હોવાનું જોડી દીધું છે અને ‘અમૃત’ ને ‘અંબા’ની નામછાપ જોઈ એમને ‘અમૃતબાઈ’ ને ‘અંબાબાઈ’ કરી નાખ્યાં છે. પોતાને વેત્રવતીકાંઠે મચ્છનગરના વાસી તરીકે ઓળખાવતા એક અને ધોળકાના વાસી તરીકે ઓળખાવતા બીજા એમ બે જીવણને આપણે એક માની લીધા, કેમ કે ધોળકા પણ વેત્રવતી એટલે વાત્રકને કાંઠે ખરું ને! આ અનુભવોએ અમને હકીકતો સાથે કામ પાડવાની એક ચુસ્ત શિસ્ત ઊભી કરવાની ફરજ પાડી. એમાં અમારી નજર સામે હંમેશાં રહ્યા ડૉ. હરિવલ્લભ ભાયાણી. દંતકથાઓને, હકીકતોના નક્કર આધાર વિનાની સ્થાપનાઓને, અટકળોને એ પ્રશ્નસૂચક દૃષ્ટિથી જ જુએ. પરીક્ષિત અને અપરીક્ષિત સાહિત્યસામગ્રીને એ જુદી પાડે. એમના પોતાના પરિષદ-ઇતિહાસના લેખમાંની એક હકીકતનો અમારી સામગ્રી સાથે મેળ ન બેઠો અને એમને અમે પૂછ્યું ત્યારે એમણે તરત જવાબ આપ્યો કે એ લેખમાં મેં આપેલી માહિતી અન્યત્રથી સંકલિત કરેલી છે, તમારી માહિતી સાથે એનો મેળ બેસતો ન હોય તો તમારે એને આધારભૂત માનવી નહીં ને છોડી દેવી. કોશમાં જાતભાતના અનેક કોયડાઓનો સામનો કરતાં કરતાં અમે ઘડાતા ગયા અને પ્રાપ્ત હકીકતોને શંકાની નજરે જોતા થયા, હકીકતનાં મૂળને શોધતા ગયા, ખોટાં અર્થઘટનોને જુદાં પાડતા થયા અને પ્રમાણભૂત હકીકતને ચોકસાઈથી વળગતા થયા. કર્તાનામ ‘અંબા’ મળતું હોય તો એનું ‘અંબાબાઈ’ અમારાથી ન થાય તેમ ‘અંબારામ’ પણ ન થાય, સિવાય કે એમ કરવા માટેની કોઈ ચાવી અમને મળે. હકીકતો સાથે કામ પાડવાની વૈજ્ઞાનિક બુદ્ધિનું અદ્‌ભુુત શિક્ષણ અમને કોશમાં મળ્યું. સૂક્ષ્મ, તીક્ષ્ણ વૈજ્ઞાનિક પરીક્ષાના દાખલા આ પૂર્વે આપણને નથી મળ્યા એવું કંઈ નથી. પ્રેમાનંદને નામે પ્રસિદ્ધ થયેલાં નાટકોના કર્તૃત્વનો પ્રશ્ન નરસિંહરાવે એવી ચીકણાશથી ને સમર્થતાથી ચર્ચ્યો કે પછીની પેઢીએ નરસિંહરાવના અભિપ્રાયને પૂરેપૂરો પ્રમાણભૂત માની લીધો અને આજે હવે પ્રેમાનંદનાં નાટકોની નોંધ લેવાનું પણ આપણે જરૂરી ગણતા નથી. ઉમાશંકરની ‘દુરારાધ્ય સંશોધનવૃત્તિ’એ અખાના જીવનની ત્રણચાર બિના જ સંશયાતીત ગણી – દંતકથાઓને દંતકથાઓ જ લેખી અને પેઢીનામા તથા શિષ્યપરંપરાનો પણ અસ્વીકાર કર્યો. કોશે વિપુલ સામગ્રી સાથે કામ પાડ્યું માટે એને વિવિધ પ્રકારના – કેટલાક તો નવતર પ્રકારના – સંશોધનના પ્રશ્નોમાં જવું પડ્યું અને તેથી એને વૈજ્ઞાનિક બુદ્ધિનો વિનિયોગ મોટા પાયા પર, વધારે સૂક્ષ્મતાથી અને વધારે સજ્જતાથી કરવાનો પ્રસંગ આવ્યો. ઇતિહાસની, સામાજિક સંદર્ભની, સાહિત્યિક પરંપરાઓ ને રૂઢિઓની – એવી ઘણી ચાવીઓ હસ્તગત કરવી પડી અને સમસ્યાઓને ઉકેલવાનું એક વિશિષ્ટ કૌશલ બતાવવું પડ્યું. આ બધી ક્ષમતાઓ કેળવતાં ઠીકઠીક સમય લાગ્યો, તેથી કેટલીક વાર તો અમને એમ લાગે છે કે કોશ કરવાની પાત્રતા હજુ હવે અમારામાં આવી રહી છે! કોશ કરવાનો હોય તો કેવી ભૂલોમાંથી બચવું જોઈએ ને કેટલી સજ્જતા મેળવ્યા પછી એનો આરંભ કરવો જોઈએ એ હવે સમજાય છે.

મધ્યકાલીન સાહિત્યનું બદલાયેલું દર્શન કોશને કારણે મધ્યકાળની એટલી વિપુલ સાહિત્યસામગ્રીની વચ્ચે અમને મુકાવાનું થયું છે કે અમારું મધ્યકાળના સાહિત્યનું દર્શન જાણે બદલાઈ ગયું છે. થોડા સમય પહેલાં મધ્યકાળના સાહિત્યમાં જૈનોના પ્રદાન અંગે મેં લેખ કરેલો અને જૈન સાહિત્યની આપણા સાહિત્યના ઇતિહાસોમાં પર્યાપ્ત નોંધ નથી લઈ શકાઈ એની ફરિયાદ કરેલી. કેટલાક લોકોને એમ લાગ્યું કે મારો આમાં જૈન તરીકેનો પક્ષપાત વ્યક્ત થાય છે. મધ્યકાળમાં જૈન સાહિત્યનું પ્રમાણ અસાધારણ મોટું હોવાથી એની નોંધ લેવાનો પ્રશ્ન થોડો વિશિષ્ટ બની જાય છે, પરંતુ વસ્તુસ્થિતિ એવી છે કે મધ્યકાળના સાહિત્યમાં વૈષ્ણવોનું પ્રદાન, કંઠસ્થ પરંપરાના ભજનિક ને સંતકવિઓનું પ્રદાન, ખોજા કે ઇસ્માઈલી સંતોનું પ્રદાન, અરે સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રદાન એ વિશે પણ લેખો કરવાનું મને મન થાય છે. એટલે કે આવા ઘણા સાહિત્યપ્રવાહોને આપણે આપણા સાહિત્યના ઇતિહાસોમાં જગ્યા આપી શક્યા નથી કે એમને પૂરતો ન્યાય કરી શક્યા નથી એમ મને લાગ્યા કરે છે. કદાચ બ્રાહ્મણપરંપરાના સાહિત્ય તરફ, પૌરાણિક કથા ને વ્યક્તિના, વેદાન્તના ને લોકવાર્તાના સાહિત્ય તરફ આપણું વધારે લક્ષ રહ્યું છે. વ્યાપક લોકરુચિમાં તો બરાબર, પણ આપણા સાહિત્યવિવેચનમાં અને સાહિત્ય-ઇતિહાસોમાં પણ પાંચસાત મોટા કવિઓ જ વધુમાં વધુ જગા રોકે છે. આનું કારણ એ છે કે સાહિત્યની ઘણીબધી સામગ્રી સુધી હજુ આપણે પહોંચી જ શક્યા નથી. પ્રાણનાથ સ્વામીનો દાખલો મેં આ પૂર્વે ટાંકેલો છે. ઇસ્માઈલી સંત ઇમામશાહના સાહિત્ય વિશે આપણે શું જાણીએ છીએ? રવિસાહેબનો આપણો પરિચય ‘સોરઠી સંતવાણી’ જેવા ગ્રંથોમાં છપાયેલાં એમનાં થોડાંક પદો-ભજનો પૂરતો જ મર્યાદિત ને? એમનાં ૪૦૦ જેટલાં પદો ને ‘રવિગીતા’, ‘કવિતછપ્પય’ જેવી દીર્ઘ કૃતિઓ છપાયેલી છે એ આપણા કેટલા અભ્યાસીઓ પણ જાણતા હશે? કંઠસ્થ પરંપરાના કવિઓની અમે લાંબી યાદી કરી એ વિષયના કેટલાક જાણકારોને મોકલેલી – અમને મદદરૂપ થવાની વિનંતી સાથે. જયમલ્લભાઈ પરમારે એ યાદી જોઈને મને લખ્યું કે રૂખડિયા સંતકવિઓની આપણા સાહિત્યમાં પહેલી વાર નોંધ લેવાશે એ જાણીને મને ઘણો આનંદ થાય છે. તાત્પર્ય એ છે કે ઘણી સાંપ્રદાયિક ને અન્ય સાહિત્યપરંપરાઓ, ઘણા નાનામોટા કવિઓ, ઘણી કોઈ ને કોઈ રીતે નોંધપાત્ર ઠરે એવી કૃતિઓ મધ્યકાલીન સાહિત્યના આપણા અભ્યાસથી હજુ ઓઝલ રહી છે. સાહિત્યકોશને નિમિત્તે ઘણું કામ થયું છે. છતાં સાહિત્યકોશના કામને પણ કેટલીક મર્યાદાઓ સ્વાભાવિક રીતે જ વળગેલી છે. એને ઘણી સામગ્રી પ્રાપ્ત થઈ છે છતાં બધી સામગ્રી પ્રાપ્ત થઈ નથી. મધ્યકાલીન સાહિત્યની બધી સામગ્રીનો આપણે અભ્યાસ કરી શકીશું ત્યારે આપણા સંસ્કારજીવનનું, આપણી કાવ્યપ્રણાલિકાઓનું અને આપણી સાહિત્યિક સિદ્ધિનું જે ચિત્ર ઊભું થશે તેમાં ઘણા જુદા ને નવા રંગો હશે.

અર્વાચીન સાહિત્ય વિશેની હકીકતોના પ્રશ્નો અર્વાચીન સાહિત્યના અભ્યાસના પ્રશ્નો જુદા હોય એ સ્વાભાવિક છે. અર્વાચીન સાહિત્યની વધુ સામગ્રી પ્રાપ્ય છે તે ઉપરાંત એનાં વિવિધ અંગોના નાનામોટા અભ્યાસો પણ થયા છે. તેથી માહિતીના પ્રશ્નો અર્વાચીન સાહિત્ય પરત્વે ઓછા નડે એ સાચી વાત છે, છતાં એ સાવ ઓછા નહીં હોય એવો મને વહેમ છે. બટુભાઈ ઉમરવાડિયા વિશે મારે એક વખતે એક નાનકડી નોંધ તૈયાર કરવાનો પ્રસંગ આવ્યો હતો ત્યારે માહિતીભિન્નતાના ને શંકાસ્પદ માહિતીના દશબાર મુદ્દાઓ મારી સમક્ષ ઉપસ્થિત થયા હતા. આ મુદ્દા બટુભાઈના જીવનપ્રસંગોનાં વર્ષને લગતા, એમની કૃતિઓનાં શીર્ષક અને પ્રકાશનવર્ષને લગતા, એમના તખલ્લુસને લગતા ને એમના નામે નોંધાયેલાં પુસ્તકોના ખરેખરા પ્રકાશનને લગતા હતા. મેં જોયું કે લેખક પોતે પણ કેટલીક વાર નાનામોટા માહિતીદોષ કરે છે. જેમ કે, બટુભાઈના પહેલા નાટકસંગ્રહનું નામ એ ગ્રંથ પર ‘મત્સ્યગંધા અને ગાંગેય તથા બીજાં ચાર નાટકો’ એમ છે. જ્યારે લેખક પોતે પછીના સંગ્રહોમાં એ ગ્રંથનો ઉલ્લેખ ‘મત્સ્યગંધા અને ગાંગેય’ એ રીતે જ કરે છે. સાચું ગ્રંથનામ તો ગ્રંથ પર હોય એ જ ગણાય ને? આ દાખલો હું એટલા માટે આપું છું કે હકીકતની પૂરેપૂરી ચોકસાઈ એ શી ચીજ છે એનો ખ્યાલ આવે. હકીકતની એક હકીકત તરીકે નોંધ લેવાની હોય ત્યારે આવી ચોકસાઈથી જ લેવી જોઈએ. એક નાનકડો ફેરફાર પણ ભવિષ્યમાં આપણે માટે શી મૂંઝવણ ઊભી કરશે એ આજે કહી ન શકાય. એકલા બટુભાઈ ઉમરવાડિયામાં જ હકીકતોના દશબાર સવાલો ઊભા થતા હોય તો આખા અર્વાચીનકાળમાં કેટલા ઊભા થાય? મને એવું સ્મરણ છે કે ‘ગુજરાતના સારસ્વતો’ પ્રગટ થયા પછી પ્રકાશ વેગડે એમાં નોંધાયેલી લેખકોની જન્મતારીખોથી અન્યત્ર જુદી માહિતી મળતી હતી તેની એક લાંબી નોંધ પ્રગટ કરી હતી. જન્મતારીખો ઉપરાંત બીજી અનેક બાબતોમાં આવી સ્થિતિ નીકળી આવવા સંભવ છે. અધિકૃત માહિતી આપતો અર્વાચીન સાહિત્યનો પણ કોશ તૈયાર કરવો હોય – અને એક વખત તો એ કામ કરવું જ જોઈએ – તો હકીકતના મૂળ આધાર સુધી જવું જોઈએ. સરતચૂકથી, છાપભૂલથી હકીકતનું સ્વરૂપ બદલાઈ ગયું તો નથી ને એ ચકાસવું જોઈએ. પ્રકાશિત ગ્રંથોની બાબતમાં એની પહેલી આવૃત્તિને જોઈને જ એના વિશે માહિતી આપવી જોઈએ. હકીકતોની ઉપેક્ષા કરીને સાહિત્યનો યથાર્થ ઇતિહાસ કેવી રીતે રચી શકાય?

શાસ્ત્રશુદ્ધ માહિતી આપવાનું કેમ બનતું નથી? પણ સવાલ એ છે કે હકીકતનું એવું મૂલ્ય આપણા મનમાં વસ્યું છે ખરું? હકીકતોની ચોકસાઈ કરવાનો આપણે આગ્રહ રાખીએ છીએ? પ્રમાણભૂત હકીકત અને અનુમાનને અળગાં રાખતાં આપણને આવડે છે? લેખકની કે કૃતિની માહિતી આપવાની હોય ત્યારે કેટલી અને કેવી રીતે આપવી એનાં કોઈ ધોરણો આપણે સ્થાપિત કરી શક્યા છીએ ખરા? માહિતીદોષ થયો હોય ત્યાં એ સુધારી લેવાની આપણી તત્પરતા હોય છે ખરી? પ્રમાણભૂત હકીકતો હાથવગી બને એવી સાધનસામગ્રી આપણે ઊભી કરીએ છીએ ખરા? મને આ બધી બાબતોમાં શંકા છે. કોશના અમારા અનુભવમાં શાસ્ત્રશુદ્ધ માહિતી આપવાના પ્રયાસો અમારી નજરે ઓછા ચડ્યા છે ને અપરીક્ષિત સામગ્રીનો સંચય કરવાના પ્રયાસો વધારે નજરે ચડ્યા છે. મધ્યકાળના સાહિત્યની કેટલીબધી નાનીમોટી સૂચિઓ અવારનવાર તૈયાર થયેલી છે! પણ પ્રત્યક્ષ સામગ્રી જોઈને, ચકાસણીપૂર્વક શાસ્ત્રીય ઢબે થયેલી સૂચિઓ કેટલી ઓછી! પ્રત્યક્ષ અવલોકનપૂર્વક મધ્યકાળની સાહિત્યસામગ્રી આપનાર જૈન સાહિત્ય પરત્વે મોહનલાલ દલીચંદ દેશાઈ અને જૈનેતર સાહિત્ય પરત્વે શ્રી કે. કા. શાસ્ત્રી. એટલે જ મધ્યકાળના સાહિત્ય વિશે લખવાનું થાય ત્યારે અનેક ગૌણ વીગતો પરત્વે વધારે તો આ બે આદ્ય પુરુષોનો જ આધાર આપણે લેવો પડે છે. પણ પેલી, ચકાસણી કર્યા વગરની યાદીઓનો ઉપયોગ આપણે ટાળી શકતા નથી ને સાચીખોટી માહિતીમાં આપણે ફસાવાનું થાય છે. એમાંથી બચવાનો માર્ગ પણ આપણને જડતો નથી. મોહનલાલ દલીચંદ દેશાઈએ જૈન હસ્તપ્રતોની વિપુલ સામગ્રી સાથે આજે આપણને આશ્ચર્ય થાય એવી સજ્જતાથી કામ પાડ્યું ને અદ્યતન વૈજ્ઞાનિક બુદ્ધિથી આધારપૂર્વક સામગ્રીને રજૂ કરી. એમની વૈજ્ઞાનિક બુદ્ધિ છેક વિસ્તૃત શબ્દસૂચિઓ સુધી પ્રવર્તી અને એમની ભૂલો પકડવાની ચાવીઓ પણ એમણે જ આપી. જૈન સાહિત્ય પરત્વે જેવી એમની ‘જૈન ગૂર્જર કવિઓ’ની ગ્રંથશ્રેણી, એવી જૈનેતર સાહિત્ય પરત્વે શ્રી કે. કા. શાસ્ત્રીની ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી.’ ‘સંકલિત યાદી’ને એ વર્ણનાત્મક ન હોવાનો ને પ્રાપ્ત માહિતીનું સંકલન હોવાનો ગેરલાભ છે, પણ એમાં માહિતીને મૂકવાની રીત પણ કેટલેક ઠેકાણે મૂંઝવનારી બની ગઈ છે. કાલિદાસની એક ચોક્કસ ઓળખ આપીને એના નામે કેટલીક કૃતિઓ નોંધવામાં આવે અને વળી પાછું કહેવામાં આવે કે એમાંની અમુક કૃતિનો કર્તા તો બીજો કોઈ કાલિદાસ છે. આ પરથી આપણને વહેમ જાય કે બધી કૃતિઓ પરત્વે પહેલી ઓળખવાળા કાલિદાસ જ કર્તા હોવાની ખાતરી થઈ શકી હશે ખરી? એ જ રીતે ‘મુનિરાજ પુણ્યવિજયજી સંગ્રહગત ગૂજરાતી હસ્તપ્રતોની સૂચિ’માં પણ કર્તાર્ઓળખ બહારથી જોડી દેવાની મોટી ભૂલ થઈ ગઈ છે અને એથી ઘણી મુશ્કેલીભરી પરિસ્થિતિ સર્જાઈ છે. સૂચિને વધુ ઉપયોગી બનાવવાના ખ્યાલથી આ ભૂલ થઈ ગઈ છે એ હું સમજું છું, પણ આવાં મહત્ત્વનાં કામોમાં પણ માહિતીને શાસ્ત્રશુદ્ધ રીતે રજૂ કરવાનું આપણાથી કેમ બની શકતું નથી એનું મને આશ્ચર્ય થાય છે. હકીકતોની ચોકસાઈ માટેનો આપણો આગ્રહ ઓછો પડે છે કે હકીકતો સાથે કામ પાડવાની પદ્ધતિની તાલીમ આપણામાં ખૂટે છે? જે હોય તે, પણ એનાં પરિણામોની કલ્પના આપણે કરી લેવી જોઈએ. આપણા સાહિત્યિક જ્ઞાનકોશને આપણે તથ્યપૂર્ણ રાખવા માગતા હોઈએ તો જૂની વિદ્વત્પરંપરાનો આદર કર્યા વિના ને એને ટકાવી રાખ્યા વિના ચાલશે નહીં.

સામગ્રી-રજૂઆતનાં ધોરણો સ્થાપીએ હકીકતોનાં સંકલન-સંશોધનનું કામ જટિલ છે, પણ આપણે આપણા ગ્રંથોમાં કેટલીક માહિતી આપવાની થાય છે ત્યારે એને માટેના કોઈ ચોક્કસ ધોરણને અનુસરીએ છીએ ખરા? લેખક વિશેની પરિચયપુસ્તિકાઓ હોય કે સાહિત્યનો કોઈ કોશ હોય કે સાહિત્યનો ઇતિહાસ હોય, એમાં જીવનવિષયક તેમ સાહિત્યસર્જનની હકીકતો કેટલી આપવી, કેમ આપવી, સંદર્ભગ્રંથોની સૂચિમાં કેટલી માહિતી મૂકવી ને સૂચિ કેવી રીતે રજૂ કરવી અને મુદ્રણશૈલી કેવી રાખવી એના પણ નિર્ણયો કરવાના હોય છે. આપણી કોઈ સાહિત્યસંસ્થા પણ આવા નિર્ણયો કરીને ચાલે છે ખરી? આપણી ભારતીય સાહિત્ય અકાદેમીએ પ્રકાશિત કરેલ નરસિંહરાવ ઉપરની અંગ્રેજી પુસ્તિકા મારા હાથમાં આવતાં મેં જોયું કે એમાં નરસિંહરાવની ‘દીવેટિયા’ એ ઓળખનો ક્યાંય નિર્દેશ નહોતો, એમની શૈક્ષણિક કારકિર્દીની માહિતી નહોતી ને એમની વ્યાવસાયિક કારકિર્દીની પણ આવશ્યક વીગતો નહોતી. છેલ્લે ગ્રંથનામસૂચિમાં “વિલ્સન ફાય્‌લોલોજિકલ લેક્ચર્સ’, ‘ઠક્કર વસનજી માધવજી લેક્ચર્સ’ વગેરે નામો હતાં, કેમ જાણે એ ગ્રંથનામો હોય. કેટલાક ગ્રંથોનાં પ્રકાશનવર્ષો નોંધેલાં હતાં તો કેટલાંકનાં નોંધેલાં ન હતાં. આ દાખલો હું એટલા માટે ટાંકું છું કે આપણી રાષ્ટ્રીય સંસ્થા, જેનાં પ્રકાશનો ભારત બહાર પણ પહોંચતાં હોય, તે પણ જો આવશ્યક માહિતી પૂરી પાડવાનાં ચોક્કસ ધોરણો પોતાનાં પ્રકાશનો પરત્વે પ્રસ્થાપિત ન કરી શકતી હોય તો બીજા કોનો દોષ આપણે કાઢવો? આપણા ‘ગુજરાતના સારસ્વતો’માં લેખકોની માહિતી કેટલાં વિવિધ ધોરણે અપાયેલી છે? એમાં એના તૈયાર કરનારનો શો દોષ કાઢીએ? આ બધી બાબતો વિશે આપણા વિદ્વત્સમાજે ગંભીરતાથી વિચાર્યું હોવું જોઈએ ને કેટલીક પ્રણાલિકાઓ ઊભી કરી હોવી જોઈએ ને? હવે આપણે ઇચ્છીએ કે ગુજરાતી સાહિત્ય પરિષદ કે ગુજરાત સાહિત્ય અકાદમી જેવી સંસ્થાઓ આવી બાબતોનો વિચાર કરીને દૃઢ પ્રણાલિકાઓ ઊભી કરે અને બીજાઓને માટે માર્ગદર્શક બને. એ સાચી વાત છે કે ચોકસાઈથી, નિશ્ચિત ધોરણોથી ને સુનિશ્ચિત વ્યવસ્થાથી કામ કરવું અઘરું છે. એ કેળવાયેલી દૃષ્ટિ માગે તેમ સમય, શ્રમ ને ખર્ચનો પણ ભોગ માગે. ગુજરાતી સાહિત્યકોશનું કામ પરિષદને કેટલું મોઘું પડી રહ્યું છે એ પરિષદના કાર્યવાહકોને જ પૂછો. કોશમાં હકીકતોની ચકાસણીની જે કઠોર શિસ્તથી કામ થયું છે તેનો ખ્યાલ મેં આગળ આપ્યો છે તે ઉપરાંત, એની સલાહકારસમિતિએ પૂરા ત્રણ-ત્રણ કલાકની બેઠકો કરીને કોશમાંની નોંધોમાં આપવાની વીગતોથી માંડીને મુદ્રણશૈલી સુધીની અનેક બાબતો ઝીણવટથી વિચારી છે અને નિશ્ચિત કરી છે. કોશે આ રીતે કેટલાંક ધોરણો સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. પણ સામાન્ય રીતે આપણે ઝડપથી ને આર્થિક કરકસરથી કામો પતાવવા ચાહીએ છીએ. અત્યારે તો આટલું કરીને મૂકી દઈએ, પછી કોઈ સુધારશે એવી વૃત્તિથી આપણે ચાલીએ છીએ. એ વાત સાચી છે કે આપણે આપણાં સાધનો ને સંયોગોને લક્ષમાં લઈને કેટલાંક નિયંત્રણો ને કેટલીક મર્યાદાઓ સ્વીકારી લેવાં પડતાં હોય છે. પરંતુ કેટલીક પાયાની શાસ્ત્રીય શિસ્ત તો સાચવવી જ જોઈએ ને સામગ્રી-રજૂઆતનાં કેટલાંક ધોરણો તો પાળવાં જ પડે. આપણે આપણી મર્યાદામાં રહીને પણ શક્ય એટલું આધારભૂત કામ જ કરીએ ને થોડાં પણ વધુમાં વધુ શ્રદ્ધેય કામો કરવાનો આગ્રહ રાખીએ. એક શ્રદ્ધેય વિદ્યાકીય કાર્ય અનેક લોકોના સમય-શ્રમને બચાવે છે અને નવું જ્ઞાન સિદ્ધ કરવા માટેની અનુકૂળ ભૂમિકા રચી આપે છે. પરંતુ કાચું નબળું કાર્ય પોતે સંશોધન માટેની સામગ્રી બની જાય છે. અને પછી આવતી પેઢીની મહેનતમાં વધારો કરે છે. અમારું કોશનું કાર્ય અઘરું બન્યું છે એમાં આધારસામગ્રીની ગરબડોનો ઓછો ફાળો નથી.

મુદ્રણશુદ્ધિ ને જોડણીસુધાર કોશનું કામ અઘરું બનાવવામાં એની આધારસામગ્રીમાં રહી ગયેલા મુદ્રણદોષોનો પણ ઠીકઠીક ફાળો છે. સંખ્યાઓમાં તો એકાદ આંકડાની આઘાપાછી પણ કેવો ઉલ્કાપાત સર્જી નાખે! મુદ્રણશુદ્ધિનીયે કાળજી ન રાખી શકનાર પ્રજા પાસે બીજાં ધોરણોની આશા કેવી રીતે રાખી શકાય? ઉમાશંકર જોશીને ‘સંસ્કૃતિ’નું પ્રૂફ ચીવટથી ને ચોકસાઈથી જોતા જાણીને આપણને આનંદ થાય. ડૉ. ભાયાણી ‘ભાષાવિમર્શ’ની સામગ્રીને કાળજીથી જોઈ-તપાસીને, અંગ્રેજી શબ્દોની ગુજરાતી જોડણી, ભાષા વગેરેની દૃષ્ટિએ બરાબર સુધારીને જ પ્રેસમાં મોકલે એ જોઈને આપણને પ્રેરણા મળે. પણ આપણા ‘પરબ’માં આવતી ઘણીબધી છાપભૂલો પરત્વે એના તંત્રી ભોળાભાઈ પટેલ તો અત્યંત હળવાફૂલ રહી ફરી શકે. રઘુવીર મંત્રી હતા ત્યારે મેં ધમકી આપેલી કે મારે આ વિશે જાહેરમાં લખવું પડશે ત્યારે એમણે એક કાર્યક્ષમ વ્યવસ્થા ઊભી કરી હતી, પણ એ લાંબું ન ચાલી. હમણાં શ્રી ચી. ના. પટેલે મારી પાસે પરિષદપ્રકાશિત ‘ગદ્યસંચય’ના બીજા ભાગમાં રહી ગયેલી ગંભીર છાપભૂલો વિશે ફરિયાદ કરી અને આગ્રહ કર્યો કે હું મારા વ્યાખ્યાનમાં આ મુદ્દો સમાવી લઉં, એટલું જ નહીં, પરિષદ જેવી સંસ્થા મુદ્રણ અંગેની સર્વ બાબતોને આવરી લેતી, અંગ્રેજીમાં ‘સ્ટાઇલ મૅન્યુઅલ’ હોય છે તેવી, પુસ્તિકા તૈયાર કરે એવું સૂચન પણ કરું. રાષ્ટ્રીય સાહિત્ય અકાદેમીનાં ગુજરાતી પ્રકાશનોમાં પણ કેટલીક વાર ઘણા મુદ્રણદોષો રહી જાય છે. એણે તો લેખક ઉપર પ્રૂફની જવાબદારી નાખી છે. મારે કહેવું પડ્યું કે લેખક સારો પ્રૂફરીડર હોય એવું કેમ માની લેવાય? આપણા લેખકો સારી પ્રેસકૉપી પણ તૈયાર કરી શકતા નથી. માટે પ્રૂફરીડિંગની કાર્યક્ષમ વ્યવસ્થા અકાદમીની પોતાની જ હોવી જોઈએ. પણ મને વિશ્વાસ બેસતો નથી કે અકાદમી આવી કોઈ વ્યવસ્થા નિપજાવે. નવજીવન જેવી થોડીક સંસ્થાઓ જ આપણે ત્યાં હશે જે મુદ્રણ અંગેનાં ધોરણો એકંદરે જાળવી રહી છે. જોકે સારા પ્રૂફરીડર ઓછા થતા ગયા હોવાની ફરિયાદ સતત સાંભળવા મળે છે. મને થાય છે કે આપણી ઉચ્ચ સાહિત્યસંસ્થાઓ પણ શુદ્ધ જોડણીથી પોતાનાં પ્રકાશનો છાપી શકતી ન હોય તો આપણે આપણી જોડણી વિશે ફેરવિચાર કરવાનો સમય પાકી ગયો ન કહેવાય? મારું તો દૃઢ મંતવ્ય છે કે ગુજરાતી ભાષામાં હ્રસ્વ-દીર્ઘ ઈ-ઉનો ભેદ હવે નકામો થઈ ગયો છે. હ્રસ્વ-દીર્ઘ ઈ-ઉની જોડણીના નિયમો, પેટાનિયમો, અપવાદો અને છેવટે સ્વરભાર કે પ્રચલિતતાને લક્ષમાં લેવાની જોગવાઈ સમગ્ર વ્યવસ્થાને એવી જટિલ કરી નાખે છે કે ભલભલા પ્રૂફરીડરો પણ ક્યાંક ને ક્યાંક ગોથું ખાઈ ગયા વિના રહેતા નથી. જોડણીમાં એક જ ઈ ને ઉ રાખીએ તો વિદ્યાર્થીઓને કેવા ત્રાસમાંથી ને શિક્ષકોને કેવા નકામા શ્રમમાંથી આપણે બચાવી શકીએ તથા ભવિષ્યની પેઢીઓના કેવા આશીર્વાદ આપણા ઉપર ઊતરે એની કાલ્પનાથી પણ મારું મન રોમાંચ અનુભવે છે. બીજા કેટલાક મિત્રો પણ આ રીતે વિચારે છે ને મારું સ્મરણ છે કે ડૉ. ભાયાણીએ૧ [1] અને આપણા પ્રમુખશ્રીએ પણ મારી સાથેની વાતચીતમાં આ વિચાર સાથે સંમતિ દર્શાવેલી. તો હવે પરિષદ જોડણી સુધારનું આ કામ સત્વર ઉપાડી લે એવી આગ્રહભરી વિનંતી આ સ્થાનેથી કરવાની હું તક લઉં છું.

ભૂલો સુધારવાની તત્પરતા છે ખરી? જોડણીને એક ભાષાકીય તથ્ય તરીકે હું જોઉં છું, તેથી મારી વાતને હું છેક જોડણીસુધાર સુધી ખેંચી ગયો. પરંતુ મારી મુખ્ય વાત એ હતી કે હકીકતની શુદ્ધિ માટે આપણે પૂરતો આગ્રહ કેળવી શક્યા નથી. આ વાતનું સમર્થન હું એક બીજી રીતે પણ કરવા ઇચ્છું છું. કોઈ પણ કામ સંપૂર્ણ શુદ્ધ રીતે કરવું ઘણું મુશ્કેલ હોય છે. નાનીમોટી થોડી ભૂલો રહી પણ જાય. પણ એ ભૂલોની જાણ થયા પછી એ સુધારવા માટે જે કંઈ ઉપાયો હાથમાં હોય તે ઉપાયો કરવાની તત્પરતા આપણે બતાવીએ છીએ ખરા? ભૂલો વધારે હોય તો થયેલા કામને રદ કરવાની આપણામાં હિંમત હોય છે ખરી? ગાંધીજીએ ગોખલેના લેખોના નબળા અનુવાદની છપાયેલી નકલો પસ્તીમાં પણ ન કાઢતાં બળાવી મુકાવી હતી અને આ એ ગાંધીજી હતા જે વપરાયેલાં કવરોને પણ ફાડીને ઉપયોગમાં લેતા હતા. પ્રજાને સાચું જ્ઞાન, સાચી માહિતી ન આપી શકીએ; પણ ખોટું જ્ઞાન, ખોટી માહિતી તો કેમ અપાય? ‘ગુજરાતના સારસ્વતો’ જેવા સંદર્ભગ્રંથનો તો કેટલાબધા લોકો – શિક્ષકો, પાઠ્યપુસ્તક તૈયાર કરનારાઓ, અધ્યાપકો, પત્રકારો – ઉપયોગ કરે? એમાં એક લેખકના નામે બીજા જ લેખકનો પરિચય હોય ને તેથી લેખક હયાત હોવા છતાં મૃત્યુ પામ્યાનું વર્ષ દર્શાવાય એ તો કેમ ચાલે? આવી નાનીમોટી ભૂલો જાણવામાં આવે એટલે ઓછામાં ઓછું પુસ્તકનું વેચાણ તરત અટકાવી શકાય અને આવશ્યક સુધારાની કાપલીઓ ચોડી કે વૃદ્ધિની પુરવણી જોડીને પછી જ એને લોકોના હાથમાં મૂકવાનું ગોઠવી શકાય. હમણાં રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીએ એક ગુજરાતી પુસ્તક અંગે માંડમાંડ આવો નિર્ણય કર્યો છે.૨ [2]પણ સામાન્ય રીતે આટલીયે તૈયારી આપણી સાહિત્યસંસ્થાઓની ને એની સાથે સંકળાયેલા આપણા સાહિત્યના અગ્રણીઓની હોતી નથી. ભૃગુરાય અંજારિયાનું પુસ્તક ‘કાન્ત વિશે’ પ્રગટ થયું ત્યારે જ સુધાબહેને એનું ટાઇટલ ને એમાંના ફોટા જોયાં. એમણે સંકોચપૂર્વક મારું ધ્યાન દોર્યું કે આમાં એક નાનકડી ભૂલ રહી ગઈ છે – ભૃગુરાયના પિતાનું નામ ‘દુર્લભરામ’ નહીં પણ ‘દુર્લભજી’ જોઈએ. મેં કહ્યું કે નામ એ કંઈ નાની ચીજ છે? ને લોકો તો આ પુસ્તકમાં અપાયેલી માહિતીને જ અધિકૃત ગણીને ચાલવાના; આપણે આ ભૂલ સુધારવી જ જોઈએ. મેં ભગતભાઈ શેઠને જણાવ્યું કે કહો તો હું આવીને બધી નકલો સુધારી જાઉં, પણ આ ભૂલનો ઉપાય જરૂર કરો. ભગતભાઈએ પુસ્તકમાં બંને સ્થાને સુધારેલી કાપલી ચોડવાની ગોઠવણ કરી. આવી બાબતોમાં હું કદાચ વધારે સંવેદનશીલ હોઈશ. ‘સંસ્કૃતિ’નું પ્રૂફ ઝીણવટથી તપાસતા ઉમાશંકરભાઈ ‘પ્રતિભા અને પ્રતિભાવ’માં લેખનું એક આખું પાનું છપાવાનું રહી ગયું હોય અને તેનો ઉપાય ન કરે એ મને ન ગમે. જો ઉમાશંકરભાઈ પાસે નહીં તો બીજા કોની પાસે હું આવાં ધોરણોની આશા રાખું? એટલે જ શ્રી ચી. ના. પટેલનો મેં આવો આગ્રહ જોયો ત્યારે મને ઘણો આનંદ થયો. એમના ‘વાલ્મીકીય રામકથા’ એ પુસ્તકમાં વિષ્ણુભાઈ(વિ. ર. ત્રિવેદી)ની પ્રસ્તાવનાની સાથે પુસ્તકની છાપભૂલોનું શુદ્ધિપત્રક પણ છપાઈ ગયું. પછી ખ્યાલમાં આવ્યું કે વિષ્ણુભાઈની પ્રસ્તાવનામાં પણ બેચાર નાનકડી છાપભૂલો રહી ગઈ છે. શ્રી ચી. ના. પટેલે આગ્રહ રાખ્યો કે કઢંગું લાગે તોયે આગલાં ચાર પાનાં છાપવાં બાકી છે એમાં કોઈ પણ રીતે આના શુદ્ધિપત્રકની વ્યવસ્થા કરો; મારા લખાણની ભૂલો ન સુધરે તો ચાલે, પણ વિષ્ણુભાઈના લખાણની ભૂલો તો સુધરવી જ જોઈએ. એમ નથી લાગતું કે આવી નાની-નાની ચોકસાઈઓ ને નાનીનાની બાબતોના આગ્રહો જ અંતે આપણાં વિદ્યાકીય કાર્યોને વધુ ઊજળાં બનાવે?

પાયાનાં જ્ઞાનસાધનો ઊભાં કરીએ આપણો સાહિત્યિક જ્ઞાનકોશ પ્રમાણભૂત બને એ માટે આપણે આપણી તથ્યદૃષ્ટિને તીક્ષ્ણ બનાવવાની જરૂર છે, કેટલાંક ધોરણો સર્વમાન્ય કરવાની જરૂર છે ને શુદ્ધિ માટેની તત્પરતા કેળવવાની જરૂર છે તે ઉપરાંત કેટલીક સાધનસામગ્રી પણ ઉપલબ્ધ કરવાની જરૂર છે. સાહિત્યકોશનું કામ મેં સંભાળ્યું ત્યારે ભૃગુરાયનું માર્ગદર્શન હું ઇચ્છ્યા કરતો હતો. પરંતુ ભૃગુરાય મને કશો જવાબ વાળતા ન હતા. છેવટે એમણે લખ્યું કે “મેં તમને જવાબો લખ્યા નથી. મારી priorityમાં ગુજરાતી ભાષાનો એક સાચો વૈજ્ઞાનિક કોશ – જે હજુ સુધી નથી, તે પહેલો આવે છે. પછી સાહિત્યનો ઇતિહાસ અને સાહિત્યનો કોશ. તેમ જ પહેલાં બધી જ છપાયેલી ગુજરાતી ચોપડીઓની પહેલી આવૃત્તિઓ અને જૂનાં સામયિકો – સાહિત્યિક તેમ જ journalisticને સાચવતું લાઇબ્રેરીનું મકાન પહેલું આવે છે, પરિષદનું ગમે તે પ્રકારનું મકાન નહીં. તેમ જ ગયા સૈકામાં છપાયેલાં પુસ્તકોનું યથાતથ મુદ્રણ પહેલું આવે છે.” ‘મરાઠી વાઙમયકોશ’ના મુખ્ય સંપાદક શ્રી ખાનોલકરને મળવાનું મારે થયેલું. મેં જોયું કે એમની પાસે લગભગ એકેએક મરાઠી ગ્રંથને સમાવતું મરાઠી ગ્રંથસંગ્રહાલય હતું. મરાઠી ગ્રંથસૂચિ પણ હતી. ગુજરાતી સાહિત્યકોશ પાસે આમાંનું કશું નથી. એણે અનેક ગ્રંથાલયોનો આશરો લેવો પડે છે ને ગ્રંથસૂચિ-લેખસૂચિ જાતે જ ઊભી કરવી પડે છે. ભૃગુરાયની વાત સાચી હતી. અમુક કામની પછી જ અમુક કામ આવે, પણ એ રીતે વિચારપૂર્વક આયોજન કરીને આપણે આપણી સાહિત્યિક પ્રવૃત્તિને ક્યાં ગોઠવીએ છીએ? મધ્યકાલીન સાહિત્યકોશ કરવો હોય તો સૌપ્રથમ મધ્યકાલીન ગુજરાતી હસ્તપ્રતોની વર્ણનાત્મક સૂચિઓ જોઈએ ને મુદ્રિત સાહિત્યની સંદર્ભસૂચિ જોઈએ. વર્ષો પહેલાં ‘જૈન ગૂર્જર કવિઓ’માં વર્ણનાત્મક પદ્ધતિએ હસ્તપ્રતોની યાદી થઈ અને ફાર્બસ ગુજરાતી સભા તથા ગુજરાત વિદ્યાસભાએ પણ પોતાને ત્યાંની હસ્તપ્રતોની વર્ણનાત્મક સૂચિ પ્રગટ કરી. પણ પછી તો સૌ સાદી નામસૂચિથી જ સંતોષ માને છે. એ નામસૂચિઓએ અમારે માટે કેટલા પ્રશ્નો ઊભા કર્યા છે એ અમે જ જાણીએ છીએ. વર્ણનાત્મક સૂચિમાં સૂચિકારની ભૂલ થઈ હોય – જે થવી ઘણી સહજ છે – તો એ પકડવાની ચાવી પણ પડેલી હોય છે. ઓછામાં ઓછું, લાંબી કૃતિઓની તો વર્ણનાત્મક સૂચિ જ કરવી જોઈએ અને હવે એ સત્વર કરી લેવી જોઈએ એવો મારો અસંદિગ્ધ અભિપ્રાય છે. એમાં પૈસાની કરકસરનો વિચાર ન કરાય. ગુજરાતી સાહિત્યકોશે પોતાના હેતુ માટે મધ્યકાળના સાહિત્યની સંદર્ભસૂચિ તૈયાર કરી છે જે ઘણી મોટી છે ને એનું પ્રકાશન પણ એક મોટું સાહસ બની રહે. પરંતુ ગુજરાત સાહિત્ય અકાદમીએ એના આરંભકાળમાં જ પ્રકાશ વેગડની એક ઘણી ઉપયોગી નાનકડી મધ્યકાલીન સાહિત્યની સૂચિ પ્રગટ કરી એ માટે મને એને અભિનંદન આપવાનું મન થાય છે, કેમ કે હું એને એક અનિવાર્ય જ્ઞાનસાધન માનું છું. ગુજરાત સાહિત્ય અકાદમી હવે અર્વાચીન સાહિત્યની સૂચિ પણ પ્રગટ કરે એની હું રાહ જોઉં છું. સાહિત્યસંદર્ભસૂચિ ન હોય તો કોશનું કે ઇતિહાસનું કામ કરવામાં ઘણી અગવડ પડે. પ્રાણનાથ સ્વામી વિશે પરિષદના અહેવાલ અને નિબંધસંગ્રહમાં લેખ છપાઈ ગયો હોય, પણ આપણે જાણીએ નહીં ને ‘ઇન્દ્રાવતી’ નામમાં જ આથડ્યા કરીએ. સાહિત્યસંદર્ભસૂચિને અભાવે આપણી ચાલુ જ્ઞાનસાધનાની ગતિ પણ ધીમી જ રહે. કેમ કે સાહિત્યના આ કે તે વિષયમાં પૂર્વે કંઈ કામ થયું છે કે નહીં એ આપણે જાણી ન શકીએ તેથી કામ બેવડાયા કરે ને આપણાં સમય-શક્તિનો નિરર્થક વ્યય થયા કરે. સાહિત્યસંદર્ભસૂચિથી આપણા વિદ્વત્સમાજના સમય અને શ્રમની કરકસર થાય છે. સાહિત્યસંદર્ભસૂચિના અનુસંધાનમાં જ એક બીજી વાત કહેવા જેવી લાગે છે. આપણા સાહિત્યવિષયક ગ્રંથોને અંતે શબ્દસૂચિઓ આપવાનો રિવાજ સ્થિર કરવા જેવો છે. એથી આજના કે આવતી કાલના અભ્યાસીઓ માટે જે સગવડ ઊભી થાય છે એ ઘણી મોટી હોય છે. એ સગવડ કેવડી મોટી હોય છે એ તો જ્યારે મર્યાદિત પ્રયોજન માટે ગ્રંથો ફંફોસવાનો પ્રસંગ આવે છે ત્યારે જ સમજાય છે. એકબે માણસને સૂચિ કામ લાગે તોયે એ ચાર-છ પાનાં બગાડ્યાં સાર્થક બની જતાં હોય છે. પરિષદ જેવી સંસ્થાઓએ આ રિવાજને સ્થિર કરવામાં અગ્રણી થવું જોઈએ. ગુજરાતી ભાષાનું એકેએક પુસ્તક ને એકેએક સામયિકની ફાઇલો જ્યાં હોય એવું ગ્રંથાલય ઊભું કરવાનું કામ ઘણું કપરું છે. પરિષદ ગ્રંથાલયે કેટલોક પ્રયત્ન કર્યો છે, પણ એને ઘણી મર્યાદાઓ નડવાની એ હું જોઈ શકું છું. આ કામ તો સરકાર અથવા પૂરા સરકારી અનુદાનથી જ કોઈ સંસ્થા કરી શકે. કૉપીરાઇટ ગ્રંથાલયમાં નવાં પ્રકાશનો બધાં જ આવતાં હશે કે કેમ એ શંકા છે ને જૂનાં તો ઘણાં નથી એવો મારો અનુભવ છે. ગુજરાત સરકાર ગાંધીનગરમાં એક ગ્રંથાલય ઊભું કરવાનું વિચારી રહી છે તેમાં આવી વિશાળ દૃષ્ટિ રખાય તો એક ઉત્તમ કામ થાય. કેટલાંક જૂનાં પુસ્તકો ને સામયિકો જૂનાં રજવાડાંનાં ગ્રંથાલયોમાં નકામાં પડ્યાં હશે, કેટલાંક જૂનાં પુસ્તકો ને સામયિકોની કેટલાંક ગ્રંથાલયોમાં એકથી વધારે નકલો પણ હશે એ મેળવવાનો પ્રયાસ કરી શકાય, તેમ કેટલાંક અપ્રાપ્ય પુસ્તકો ને સામયિકોની ઝેરોક્સ નકલ કરીને પણ રાખી શકાય. એ સ્પષ્ટ છે કે પૂરા શ્રમ અને પૂરા આર્થિક રોકણ ઉપરાંત વિસ્તરણની પૂરી ક્ષમતાવાળા મકાનના આયોજન સાથે જ આવા સંપૂર્ણ ગ્રંથાલયનો વિચાર કરી શકાય. ત્યાં સુધી આપણાં ગ્રંથાલયો પોતપોતાના વિશિષ્ટ રસનાં ક્ષેત્રો પસંદ કરીને એકબીજાને પૂરક બને તોયે ઉપયોગી કામ થાય. કેટલાંક વિરલ પુસ્તકો પણ કોઈ ને કોઈ ગ્રંથાલયમાંથી મળી આવવાનો સંભવ હોય છે પણ બધાં ગ્રંથાલયો સુધી પહોંચવું આપણે માટે શક્ય નથી હોતું. જૂના સમયમાં કેટલાંક ગ્રંથાલયોએ પોતાને ત્યાંના ગ્રંથોની યાદીઓ પ્રગટ કરી છે અને સંકલિત યાદીના પણ એકબે પ્રયાસો થયા છે. આવી યાદીઓ પુસ્તકપ્રાપ્તિ અંગે આપણને ખૂબ મદદરૂપ થઈ શકે. પરંતુ ઘણાં વર્ષોથી આવી કોઈ યાદી પ્રગટ થઈ હોવાનું જાણ્યું નથી. આ પ્રવૃત્તિને સરકાર તરફથી પણ ઉત્તેજન મળવું જોઈએ અને ખાસ કરીને જૂનાં પુસ્તકોની સંકલિત ગ્રંથાલયયાદીનું કામ સત્વર હાથ ધરાવું જોઈએ. એમાં તબક્કાવાર જવાનું પણ વિચારી શકાય. જેમ કે, પહેલાં ૧૯મી સદીમાં પ્રગટ થયેલાં પુસ્તકોની યાદી થાય, પછી ૧૯૩૦ સુધીનાં પુસ્તકોની યાદી થાય, વગેરે (કૉપીરાઇટ ગ્રંથાલયે પોતાને ત્યાંના ૧૯૦૦ સુધીના ગ્રંથોની સાઇક્લોસ્ટાઇલ્ડ સૂચિ તૈયાર કરી હોવાનું જાણવા મળ્યું છે.) હસ્તપ્રતસૂચિ, મુદ્રિતગ્રંથસૂચિ, ગ્રંથાલય-ગ્રંથસૂચિ, સાહિત્યસંદર્ભસૂચિ અને એક સંપૂર્ણ ગ્રંથાલયની રચના – આ આપણાં પાયાનાં કામો છે જેના પર સાચા સમૃદ્ધ સાહિત્ય-ઇતિહાસ ને સાહિત્યકોશનું ચણતર વિશ્વાસપૂર્વક થઈ શકે. આપણે આપણાં સાહિત્યિક તથ્યોની બરાબર માવજત કરવા માગતા હોઈએ તો આ બધી સાધનસામગ્રીનું નિર્માણ કરવાનો કાર્યક્રમ આપણે આજથી જ ઉપાડી લેવો જોઈએ. હું સમજું છું કે મારા આ વ્યાખ્યાનમાં હું આપને સાહિત્યના રસાળ પ્રદેશોમાં લઈ જવાને બદલે હકીકતોની કઠોર કર્કશ દુનિયામાં લઈ ગયો છું. પણ મને આશા છે કે સાહિત્યના વિશાળ હિતમાં આપ એને સહી લેશો. મારી પરીક્ષા પણ આપને કદાચ થોડી કઠોર લાગશે પણ એ જાતપરીક્ષા છે એમ સમજશો. મારે અનિવાર્યપણે કેટલાક દાખલાઓ અને કેટલાંક નામો લેવાં પડ્યાં છે, પણ મારે જે ચિત્ર ઉપસાવવું હતું એ તો આપણી પ્રજાકીય શક્તિ-અશક્તિનું અને આપણે સૌ આ પરિસ્થિતિમાંથી આવશ્યક બોધપાઠ લઈને આપણી વિદ્વત્પ્રવૃત્તિને વધારે તેજસ્વી બનાવીએ એટલું જ ઉદ્દિષ્ટ છે. આપ આ રીતે જ મારી વાતને લેશો એવી મારી અપેક્ષા છે. ગુજરાતી સાહિત્ય પરિષદે મને મારા અનુભવની વાતો કરવા માટે આ ઉત્તમ તક પૂરી પાડી તે માટે એનો હું અત્યંત ઋણી છું.

સંદર્ભનોંધો :

  1. ૧. પૂનામાં આ વ્યાખ્યાન અપાય તે પૂર્વે ડૉ. ભાયાણીનો સંદેશો મને મળેલો કે જોડણીસુધારની આ વાત સાથે એ સંમત નથી. ઓછામાં ઓછું તદ્‌ભવ શબ્દોની જોડણીમાંથી હ્રસ્વદીર્ઘ ઈ-ઉના ભેદ કાઢી નાખવામાં એમને આપત્તિ નહોતી લાગી એવું મારું પાકું સ્મરણ છે. પણ પછી વધુ વિચાર કરતાં એમને એમાં પણ મુશ્કેલી જણાઈ હોય એમ બને.
  2. ૨. સલાહકાર સમિતિએ કરેલો નિર્ણય પછીથી કારોબારીએ ન સ્વીકાર્યો.

[‘સાહિત્યિક તથ્યોની માવજત’]

* ગુજરાતી સાહિત્ય પરિષદના પૂના-અધિવેશન(૧૯૮૫)માં વિવેચન-વિભાગના અધ્યક્ષ તરીકે કરેલું વક્તવ્ય – સંપાદક

*