સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ/પાબ્લો નેરુદા

પાબ્લો નેરુદા

અશુદ્ધ કવિતાના ઉપાસક

૧૯૭૧ના વર્ષનું નોબેલ પારિતોષિક ચિલીના સ્પેનિશ ભાષાના કવિ પાબ્લો નેરુદાને આપવાની ઘોષણા થઈ છે. છેલ્લાં વીસ વર્ષથી સતત તેમનું નામ આ પારિતોષિક માટે સૂચવાતું રહ્યું હતું. પાબ્લો નેરુદા એ તો તેમનું તખલ્લુસ છે, એમનું નામ તો છે : રિકાર્દો એલિઝાર નેફતાલિ રિયેસ ય બાસોઆલ્ટો. નેરુદાનો જન્મ ૧૯૦૪ના જુલાઈની ૧૨મીએ ચિલીમાં થયો હતો. પિતા રેલવેમાં કર્મચારી હતા. ચારેક વર્ષના હતા ત્યારે માતાનું અવસાન થયેલું. તે પછી પિતા ફરીથી પરણ્યા અને આખું કુટુંબ ચિલીની દક્ષિણે રહેવા ગયું. અહીંની આદિમ પ્રકૃતિએ શિશુ નેરુદા પર જે સંસ્કાર પાડ્યા તે આજ સુધી તે કવિમાં રહ્યા છે. અહીં પ્રાથમિક–માધ્યામિક શિક્ષણની સાથે ભૂખાળવા બનીને આડેધડ વાંચવાનું શરૂ થયું અને તે સાથે આઠ વર્ષની નાની વયે કવિતા લખવાનું પણ. પોતાનો પુત્ર કવિ થાય એ પિતાને પસંદ નહોતું, એટલું જ નહિ પુત્રના કાવ્ય લખવાના આ કૃત્યને ધિક્કારની નજરે જોતા અને એની કાવ્યપોથીઓ હાથમાં આવતાં બાળી નાખતા. પિતાના ગુસ્સાનો ખ્યાલ કરીને કદાચ ઝેક સાહિત્યકાર યાન નેરુદાના નામ પરથી પાબ્લો નેરુદા એવું કવિનામ સ્વીકારી કવિતાઓ લખતા. પછી કાવ્યરસિકોમાં અને સર્વત્ર એ પાબ્લો નેરુદા જ બની રહ્યા. સોળ વર્ષના કિશોર નેરુદા સાન્ટિયાગોમાં ભણવા ગયા ત્યારે તેમનો એક કાવ્યસંગ્રહ તો પુરસ્કૃત પણ થઈ ચૂક્યો હતો. સાન્ટિયાગોમાં સાહિત્યના લહેરી છાત્ર બનીને રહ્યા પણ અતંદ્રપણે કવિતાઓ લખતા રહ્યા. ૧૯૨૩ થી ’૨૬ ના ગાળામાં પાંચેક જેટલાં કાવ્ય – ગદ્યકાવ્યના સંગ્રહો પ્રગટ કર્યા. ૧૯૨૩માં પ્રગટ થયેલ ‘સંધ્યા’ સંગ્રહમાં અનેક કવિઓના પ્રતિઘોષ સંભળાય છે. તે પછી નેરુદા કવિ તરીકે સર્વસ્વીકૃત અને સર્વપ્રિય લોકપ્રિય થયા તે તો આ સંગ્રહ પછી બીજે વર્ષે પ્રગટ થયેલ ‘વીસ પ્રેમકાવ્યો અને એક નિરાશાનું ગીત’ એ સંગ્રહથી. કવિની સર્વાધિક લોકપ્રિય રચના આ છે. તરુણ કવિઓને પ્રોત્સાહિત કરવાની લૅટિન અમેરિકાની પરંપરા પ્રમાણે ચિલીની સરકારે પોતાના આ કવિને એલચીખાતામાં નિયુક્ત કરીને પ્રથમ યુરોપ અને પછી પૂર્વના દેશોમાં મોકલ્યા – રંગુન, કોલંબો, જાવા, સિંગાપોર વગેરે સ્થળોએ, પછી આર્જેન્ટિના અને સ્પેન. ૧૯૩૪માં સ્પનેમાં માડ્રિડમાં કવિ પહોંચે તે પહેલાં ત્યાં તેમની કવિતા ક્યારનીય પહોંચી ગઈ હતી. તેમનું ઉમળકાભેર લોર્કા જેવા કવિઓ દ્વારા સ્વાગત થયું અને કવિનું ઘર અનેક કવિઓથી ઊભરાવા લાગ્યું. સમગ્ર સ્પેનિશ કવિતાનો આ ઉત્તમ દાયકો હતો. ૧૯૩૬માં થયેલ આંતરવિગ્રહથી કવિના દૃષ્ટિબિંદુમાં આમૂલ પરિવર્તન આવ્યું. પ્રગતિવાદીક દૃષ્ટિકોણ અપનાવી સામાજિક રીતે પ્રતિબદ્ધ થઈ કવિતાઓ લખવા લાગ્યા. એમની કવિતામાં પ્રવેશતી રાજકીય ચેતના તેમની ભીતરી માગનો જ આવિષ્કાર હતો. ૧૦૪૫માં સક્રિય રાજકારણમાં ઝંપલાવી સામ્યવાદી દળમાં જોડાઈ ચિલીની સેનેટમાં ચૂંટાયા, પરંતુ તે વખતના પ્રમુખ પર તહોમતનામું ગુજારવાને કારણે કવિને રાતોરાત દેશ છોડી ભાગવું પડ્યું. અને ‘૪૮ થી ૫૩’ સુધીનાં વર્ષો નિર્વાસનમાં ગાળ્યાં. આ ભાગદોડમાં જ અમેરિકન કવિ વ્હોટ વિટમેનની યાદ અપાવનાર ‘કેન્ટો જનરલ’ રચના પર કામ કરતા રહ્યા. ૧૯૫૦માં તે રચના પ્રગટ થઈ. ૧૯૫૩માં કવિ ચિલીમાં પાછા આવ્યા. એ વર્ષે એમને સ્ટાલિન પારિતોષિક મળ્યું. તે પછી તો તેઓ અતંદ્રપણે અને અજસ્રપણે લખતા જ રહ્યા છે. તેમનું લખાણ અનેક પૃષ્ઠોમાં થવા જાય છે. અત્યારે નેરુદા ફ્રાન્ચમાં એલચીની કામગીરી બજાવી રહ્યા છે. પોતાની જનમભોમકાના ગાઢ અનુરાગી આ કવિ જ્યારે પેરિસમાં ન હોય ત્યારે ઘણુંખરું ચિલીમાં ઈસ્લા નેગ્રામાં વસે છે. * નેરુદાની કવિતામાં ત્રણ તબક્કાઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આરંભમાં આધુનિકતાવાદનો પ્રભાવ, તે પછી અતિયથાર્થવાદ, અને તે પછી માક્‌ર્સવાદ. ૧૯૨૦માં સોળ વર્ષની વયનો કિશોર કવિ નેરુદા નામ ધારણ કરી સાન્ટિયાગો નગરમાં આવ્યો ત્યારે સ્પેનિશ કવિતામાં આધુનિકતાના પ્રણેતા રુબેન દારિયોનો પ્રબળ પ્રભાવ હતો. નેરુદા એ પ્રભાવ ઝીલે છે પણ ૧૯૨૦ના નેરુદા એટલે દક્ષિણ ચિલીના નિબીડ અરણ્યોનાં દર્શનથી ઉદ્દીપ્ત નેરુદા. આ પ્રાકૃતિક વિશ્વે કવિનો પીછો ક્યારેય છોડ્યો નથી. આ વિશ્વનું કવિએ પંચેન્દ્રિયથી ગાઢ આકલન કર્યું છે. નેરુદા આસપાસના વિશ્વની વાસ્તવિકતા ભણી હરદમ ખુલ્લા રહ્યા છે અને એટલે વાસ્તવિક પદાર્થોના વિશ્વ ઉપરાંત પેલા શૈશવનાં સ્મૃતિરૂપ કલ્પનો – રોપણી થયેલ ધરતી, હળના ચાસ, વૃક્ષો, પાણી (પાણી તો ઈશ્વરની જેમ સર્વત્ર હાજર – વરસાદ, નદીઓ, સમુદ્રો, આંસુ) વારેવારે આવે છે. એટલે ‘વીસ પ્રેમકાવ્યો....’ સંગ્રહમાં પ્રેમનો કોઈ આદર્શલોક નથી, એ ધરતી પરનો માંસલ પ્રેમ છે. કાવ્યોની સૃષ્ટિ પ્રાણીજ અને ઉદ્‌ભીજ સૃષ્ટિની એકદમ નિકટ છે. કવિ જાણે ઘઉં, દ્રાક્ષ કે પાઈનની જેમ મૂળિયાં નાખીને ઊગ્યા ન હોય ! કલ્પનો પણ એ સૃષ્ટિનાં. કવિએ એક વાર પછી કહ્યું હતું કે એ પ્રેમકાવ્યો મારા આખા શરીરમાંથી ફુવારાની જેમ ફૂટતાં હતાં. આ સંગ્રહનું છેલ્લું કાવ્ય — ‘નિરાશાનું ગીત’ જોઈએ; કવિએ જે નારીને પ્રેમ કર્યો છે, તે હવે કવિની સાથે નથી. અગાઉનાં કાવ્યોમાં તેના પ્રેમની સ્મૃતિઓ છે, એ સ્મૃતિઓમાંથી અત્યારની એકલતામાં કવિ સરી પડે છે, એને લાગે છે કે પ્રેમ હવે ભૂતકાળની વસ્તુ બની ગઈ છે. પ્રિયતમા હવે હંમેશને માટે તેને છોડી ગઈ છે અને તેની એકલતામાંથી હવે કોઈ છૂટકારો નથી. આ ખ્યાલ કવિના મનમાં ઉદાસી જન્માવે છે :

આજ રાતે હું ઉદાસમાં ઉદાસ કવિતા રચી શકું તેમ છું :
જેમ કે, ‘તારાભરી રાત છે.
અને તારા,, નીલ તારા દૂર સુદૂર કંપી રહ્યા છે.’
પણ રાતે વાતો પવન આકાશમાં ભટકે છે અને ગીત
ગાય છે.
આજે રાતે હું ઉદાસમાં ઉદાસ કવિતા રચી શકું તેમ છું.
હું તેને ચાહતો હતો અને ઘણીવાર તે પણ મને
ચાહતી હતી.
આજની આવી રાત્રીઓમાં મારા બાહુ-
પાશમાં તેને બાંધી હતી.
અનંત આકાશની નીચે અસંખ્ય વાર ચૂમી રહી,
તે મને ચાહતી હતી અને ઘણીવાર હું પણ તેને
ચાહતો હતો.
તેની આયત સ્વસ્થ આંખોને ચાહ્યા સિવાય રહેવાય જ
કેવી રીતે ?
આજે રાતે હું ઉદાસમાં ઉદાસ કવિતા રચી શકું
તેમ છું.
હવે તે મારી સાથે નથી એમ વિચારવાનું.
હવે તેને હું ખોઈ બેઠો છું એમ અનુભવવાનું.
અસીમ રાત્રિને સાંભળવાની, તેના વિના અધિક અસીમ
રાત્રિને.
અને મારી કવિતા આત્મા પર ઝરી પડે છે, ઝાકળ
ઘાસ પર ઝરે તેમ.
મારો પ્રેમ તેને બાંધી રાખી ન શક્યો તેથી શું ?
તારા ભરી રાત છે અને તે મારી સાથે નથી —
બસ દૂરદૂર કોઈ ગાઈ રહ્યું છે, દૂર દૂર.
તેને ખોઈને મારો આત્મા અશાંત છે.

તેને નજીક લાવવા જાણે મારી નજરો તેને ઢૂંઢે છે.
મારું હૈયું તેને ઢૂંઢે છે અને તે હવે મારી સાથે નથી.
આ એવી જ એક રાત છે, જે એનાં એ વૃક્ષો શ્વેત
દેખાડે છે.
તે વેળાંનાં અમે, તેનાં તે રહ્યાં નથી.
હું હવે એને ચાહતો નથી, એ સાચું, પણ હું એને
કેટલું ચાહતો હતો ?
તેના કાનને સ્પર્શવા મારો અવાજ પવનનો આશ્રય
લેતો હતો.

બીજાની છે, આજ તે બીજાની છે, મારાં ચુંબનો
પહેલાં જેમ તે હતી.
તેનો અવાજ, તેનું સરલ શરીર, તેની અનંત આંખો
બધું બીજાનું.

હવે હું તેને ચાહતો નથી, પણ કદાચ જરૂર ચાહું છું.
પ્રણયની ગતિ ક્ષિપ્ર છે પણ વિસ્મરણની ગતિ તો દીર્ઘ.
આવી રાત્રિઓમાં મારા બાહુપાશમાં તેને ધરી હતી.
એટલે તેને ખોઈને મારો આત્મા અશાંત છે.
હવે તેના દ્વારા મને અપાતી આ છેલ્લી વ્યથા છે.
અને તેને ઉદ્દેશીને લખાતી આ છેલ્લી કવિતા છે.

૧૯૩૩ પછી કવિ પર અતિયથાર્થવાદનો પ્રભાવ વરતાય છે. ‘પૃથ્વી પર નિવાસ’ નામે બે સંગ્રહો પ્રગટ થાય છે. અત્યાર સુધી સ્વીકારેલાં કાવ્યસ્વરૂપો કવિ છોડે છે. ઉઘાડી આંખે સતત આસપાસના વિશ્વને જોતા આ કવિ વિશ્વની અવ્યવસ્થા – અતંત્રતા જુએ છે. અને બધી અસંગતિઓને આક્રોશપૂર્વક અણુવીક્ષણથી જોતા હોય તેમ મોટા રૂપે મોટા કદમાં રજૂ કરે છે; કવિ નેરુદાની ખૂબી એ છે કે અતિયથાર્થવાદના સ્વીકાર છતાં કવિના ચરણ રહે છે તો ધરતી પર જ. ૧૯૩૯માં નવો સંગ્રહ પ્રગટ કરતાં કવિ કહે કે દુનિયા બદલાઈ ગઈ છે અને એટલે મારી કવિતા બદલાઈ છે. ૧૯૫૦ માં પ્રગટ થયેલ ‘કેન્ટો જનરલ’ નેરુદાની સૌથી ઉત્તમ અને મહાન રચના ગણાય છે. શીર્ષક સૂચિત કરે છે તેમ કવિ કોઈ એક ખાસ વિષય લઈને ચાલ્યા નથી. ભાગદોડનાં અનેક વર્ષો દરમ્યાન રચેલ આ ગ્રંથમાં કવિકલ્પનાની ઉર્વરતા આશ્ચર્યજનક છે, અલબત્ત બધી રચનાઓમાં એક સરખી ગુણવત્તા નથી. લુઈ મૉન્ગુએ લખ્યું છે કે ‘કેન્ટો જનરલ’ને સૃષ્ટિશાસ્રના ગ્રંથ તરીકે વાંચવો જોઈએ, તેમાં વિશ્વ અને અમેરિકન માનવ વિશેનું કવિ નેરુદાનું દર્શન છે. નેરુદામાં શૈશવની આજ સુધી કોઈ ધ્રુવબિન્દુ હોય તો તે છે તેની ભૂમિ સાથે તેણે સાધેલી તદ્રૂપતા. સ્પેનિશ આંતરવિગ્રહ એ કવિની કાવ્યયાત્રામાં મોટો વળાંક છે. કવિની જીવનદૃષ્ટિ બદલાય છે, અભિવ્યક્તિ બદલાય છે. અત્યાર સુધી કવિ એકલા પડી જવાનો, અટૂલા હોવાનો ભાવ અનુભવતા હતા, પણ હવે તેમને લાગ્યું કે તેઓ ફરી એક વાર બધા સાથે – સમષ્ટિ સાથે જોડાઈ ગયા છે. પહેલાં તેઓ પોતાની તીવ્ર સંવેદનાને અભિવ્યક્ત કરતાં ભાવક નિરપેક્ષ બની રહેતા, તર્કસંગતિ પણ કોરાણે મૂકતાં સંકોચ નહોતા કરતા. પણ હવે પહેલું સ્થાન આપ્યું – અવગમનને – સંપ્રેષણીયતાને. ભાવકને અર્થબોધ તો થવો જ જોઈએ, એટલું જ નહિ એમાં એને કષ્ટ ન પડવું જોઈએ. માનવજાત સાથે બાંધેલી બિરાદરીને કારણે કવિ હવે બધાને સમજવા માગે છે, એટલું જ નહિ બધા પોતાને પણ સમજે એવી અપેક્ષા રાખે છે. પોતાનાં કાવ્યો ‘ધાતુ કે ધાન્યની જેમ ઉપયોગી અને વપરાશી’ માલ બની રહેવાં જોઈએ. તેઓ અશુદ્ધ કવિતાની દિશા ભણી ડગ માંડે છે. કવિતા માટે કશુંય વર્જ્ય નથી – સુરુચિ, અપરુચિ જેવું કશું નહિ. કવિ સાદગીના – સામાન્યતાના ઉપાસક બની, લોકોમાં ભળી લોક બની રહેવા ઇચ્છે છે :

દરરોજ હું નવું નવું શીખું છું.
મારા વાળ ઓળાવતી વખતે
તમે જે વિચારો છો, તે હું વિચારું છું,
તમે જેમ ચાલો છો
તેમ ચાલું છું.
અને તમારી જેમ જમું છું.
જેમ તમે તમારા પ્રેમને ઘેરી વળો છો,
મારા પ્રેમને મારા હાથથી ઘેરી વળું છું.
અને પછી
બધું જાણી લીધું હોય છે.
દરેક જણ સરખા બની રહે છે.
હું લખું છું
હું તમારા અને મારા પોતાના જીવન વડે લખું છું.

પ્રગતિશીલ વિચારણાને કારણે નેરુદા સપાટ ભાષા અને સીધી અભિવ્યક્તિ સાધે એ સહજ છે, અને છતાં એ ‘મહાન’ રહી શકે છે. યિમેનિઝ જેવા બીજા સ્પેનિશ કવિ, જે ‘શુદ્ધ કવિતા’ના ઉપાસક અને એટલે નેરુદાની બિલકુલ સામે છેડેના કવિ છે, તેઓ પણ નેરુદાને ‘એક મહાન કવિ; એક મહાન–અપકવિ’ કહી બિરદાવે છે, અહીં ‘અપ’ વિશેષણ બન્નેની કાવ્યવિભાવનાઓ વચ્ચે કંઈ મેળ નથી તે દર્શાવે છે. બાકી પ્રગતિશીલ બનવા છતાં કવિએ ગીતિતત્ત્વને ખાસ અળપાવા દીધું નથી, એટલું જ નહિ લગભગ સાતેક હજાર પાનાંમાં પથરાયેલી તેમની કવિતાઓમાં ઘણી ઓછી કવિતાઓ શુદ્ધ રાજકીય રંગથી રંગાયેલી હશે.

રવીન્દ્રનાથ જેમ એક સમયે સમગ્ર બંગાળી કવિતામાં છવાઈ ગયા હતા, અને નવોદિત તરુણ કવિઓ માટે પડકાર રૂપ હતા, તેમ અત્યારે સમગ્ર દક્ષિણ અમેરિકામાં નેરુદા જ છવાઈ ગયેલા છે. રોબર્ટ બ્લાયે ચિલીના એક તરુણ કવિને શિકાયત કરતા ટાંક્યા છે : ‘હવામાં જ્યારે જ્યારે કોઈ નવો વિચાર આવે અને કોઈ તરુણ કવિ તેને વિશે એકાદ કાવ્ય રચે ન રચે ત્યાં નેરુદા એકદમ ત્રણ ત્રણ ગ્રંથો પ્રકટ કરી દે છે ! અને પાબ્લો પર અમે ગુસ્સે પણ કેવી રીતે થઈએ ? કવિતાઓ સારી જ હોય છે – અને આ સૌથી દુઃખદ છે !’ તેમ છતાં નેરુદાની કવિતા વિવાદનો વિષય બની રહેવાની. નોબેલ પારિતોષિકની ઘોષણા કરતી વખતે સ્વીડિશ અકાદમીના મંત્રીએ યોગ્ય રીતે કહ્યું હતું કે નેરુદાની કવિતાની મર્યાદાઓ ક્ષતિઓ શોધનારને બહુ દૂર સુધી જવાની જરૂર નથી, પણ સિદ્ધિઓ જોવા માગનારને તો શોધ કરવાનીયે જરૂર નથી.

૧૯૭૧
(‘પૂર્વાપર’)

૦૦૦