સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ/નિજમાં નિમગ્ન કવિ જીવનાનંદ દાસ
પ્રથમ વિશ્વયુદ્ધના આખરીકક દિવસોમાં કવિ જીવનાનંદાસે જ્યારે કવિતા લખવાનો આરંભ કર્યો હતો ત્યારે બંગાળી સાહિત્ય અને જનજીવન પર રવિ ઠાકુરની અદ્ભુત મોહિની હતી. વિરાટ વટવૃક્ષની જેમ વિસ્તીર્ણ આ કવિન્દ્રની છાયામાંથિ બહાર નીકળી પોતાના આગવા, કવિવ્યક્તિત્વને કૉળવા દેવાનું કોઈ પણ કવિને માટે મુશ્કેલ હતું. જે તરુણ કવિઓ આ સમયે બંગાળી કાવ્યક્ષિતિજે આવતા જતા હતા, તેમાં હતા બુદ્ધદેવ બસુ, વિષ્ણુ દે, સુધીન્દ્રનાથ દત્ત આદિ. આ કવિઓ માટે રવીન્દ્રવિરોધ તેમના કવિઅસ્તિત્વના પ્રાણપ્રશ્નરૂપ હતો. ‘કલ્લોલ’ નામના સામયિક સાથે જોડાઈ આ કવિઓ રવિછાયામાંથી મુક્ત થઈ લખવા પ્રવૃત્ત થયા હતા. તેઓ અંગ્રેજી સાહિત્યના વિદ્યાર્થીઓ હતા અને યુરોપના સાહિત્યથી દીક્ષિત હતા. રવીન્દ્રપ્રભાવમાંથી છૂટવાનો પ્રયત્ન જીવનાનંદને છંદોગુરુ કવિ સત્યેન્દ્રનાથ દત્ત અને વિદ્રોહી કવિ કાજી નજરુલ ઇસ્લામની કાવ્યરીતિ ભણી આકૃષ્ટ કરે છે, પણ ધીરે ધીરે આ કવિ, કોઈ પણ સાચા કવિની જેમ, પોતાની કેડી પર ચાલવા લાગે છે, તે એટલે સુધી કે આ બધા સમકાલીનો કરતાં સાવ અલિપ્તપણે જાણે એકાકી વિહરે છે. તેમની ભાવભંગી અને ભાષાભંગી અ–દ્વિતીય બની આવે છે. છેક સુધી આ કવિ પોતાના કાવ્યમાર્ગ પર નિર્જન યાત્રિક રહે છે. ૧૯૨૮માં કવિ જીવનાનંદદાસ પોતાનો પહેલો કાવ્યસંગ્રહ ‘ઝરા પાલક’ (ખરેલું પીછું) આપે છે. તેમાં અહીંતહીં પૂર્વસૂરિઓની છાયા જોઈ શકાય. આ સંગ્રહ તે વખતના કાવ્યરસિકોનું ખાસ ધ્યાન ખેંચતો નથી, પણ તે પછી પ્રગટ થતો સંગ્રહ ‘ઘૂસર પાંડુલિપિ’ (૧૯૩૬) જીવનાનંદને એકદમ કવિ તરીકે સ્થાપી તો દે છે, પરંતુ તેમની કવિતા વિરોધનો વાવંટોળ પણ જગાવે છે. સર્જાતી કવિતાની વિડંબના કરવા તેમની કવિતાની પંક્તિઓ ટાંકવામાં આવે છે. ૧૯૪૨માં ‘વનલતા સેન’ની બુદ્ધદેવ બસુ સંપાદિત કવિતાભવનની આવૃત્તિ પ્રકટ છે. તે પછી ‘મહાપૃથિવી’ (૧૯૪૪), ‘સાતટિ તારાર તિમિર’ (સાત તારાનું તિમિર : ૧૯૪૮), વનલતા સેન (સંવર્દ્ધિત-સિગ્નેટ પ્રેસની આવૃત્તિ–૧૯૫૨)– આમ એક પછી એક ઉત્તમ કવિતાઓ લઈ આવતા કાવ્યસંગ્રહો તેમને અનેકના માનીતા કવિ બનાવી દે છે. ૧૯૫૪માં તેમની ચૂંટેલી કવિતાઓનું સંકલન ‘જીવનાનંદ દાશેર શ્રેષ્ઠ કવિતા’ પ્રગટ થાય છે. કવિનાં મરણોત્તર પ્રકાશનોમાં એક નિબંધસંગ્રહ અને બે કાવ્યસંગ્રહ છે. ‘કવિતાર કથા’ (૧૯૫૬) સાહિત્યિક નિબંધોનો સંગ્રહ છે. ‘રૂપસી બાંગ્લા’ (૧૯૫૭)ની રચનાઓ તો એક વિશેષ ‘ભાવથી આક્રાન્ત’ થઈને લખાઈ હતી ૧૯૩૨માં, પણ કવિએ ન જાણે ક્યાં કારણોસર પોતાના જીવનકાળ દરમ્યાન તે પ્રગટ નહોતી કરી. ૧૯૫૯માં ‘બૅલા અબૅલા કાલબૅલા’ સંગ્રહ પ્રગટ થયો. ૧૯૭૧માં બેંગાલ પબ્લિશર્સ તરફથી તેમની સમગ્ર કવિતા ‘જીવનાનંદ દાસેર કાવ્યગ્રંથ’ નામથી બે ખંડમાં પ્રકાશિત થઈ છે. જીવનાનંદ દાસની કવિતા હેમંતની સાંજવેળાની ઘૂસર આબોહવાનો અનુભવ લઈ આવે છે. એમ તો રવીન્દ્રનાથની જેમ જીવનાનંદ વિશેષે તો પ્રકૃતિના કવિ છે, પણ રવીન્દ્રનાથની કવિતામાં જ્યારે વસંત, વર્ષા કે શરદના સૌન્દર્યનો રાગસભર ઉલ્લાસ છે, કવિ જીવનાનંદ દાસની કવિતામાં હેમંતની નિર્જનતા, રિક્તતાનો મ્લાન અવસાદ છે. એલિયટના ‘વેસ્ટ લૅન્ડ’ની જેમ જીવનાનંદની હેમંત આ યુગની વંધ્યતાનું સૂચન કરી રહે છે; પણ આ કવિએ આ યુગની કલાન્તિ, નિરાશા, દૈન્ય, સંઘર્ષ આદિનું મુખ ‘રૂપસી’ બાંગ્લાના મુખની લગોલગ જોયું છે, અને તેથી તીવ્ર મૃત્યુબોધ સાથે સંસારમાંથિ એક પલાયનનો ભાવ જો તેમની કવિતામાં છે, તો સાથે ફરીથી પોતાની ભૂમિ પર ધાનસિડિને કાંઠે પાછા આવવાની ઈચ્છા પણ છે; અંધકારમાં પ્રવેશી તેમાં ભળી જવાની લાલસા છે, તો કોઈ ઘાસમાતાને પેટે ઘાસ થઈ અવતરવાની આકાંક્ષા પણ છે. હેમંતમાં ફસલ કપાઈ ગયા પછી ખાલી ખેતરોમાં માત્ર નિર્જનતા છવાયેલી છે. વર્ષાનું ફસલદાયી જળ નહીં. હેમંતમાં ઝાકળનું શીતળ જળ ઝરે છે, બરફ જેવો ચંદ્ર ફુવારો રેડે છે, લીલાં પાંદડાં પીળાં થઈ ખરી પડે છે. ખરેલાં પાંદડાં પર એક નિસ્તબ્ધતા પથરાય છે. પ્રકૃતિમાં આવતી આ હેમંતની જેમ પ્રેમના માનવીય સંબંધોમાં પણ હેમંતનો અનુભવ કવિ કરે છે. હેમંતની પડછે આવતી પ્રેમની વાત વિફળતાની સૂચક બની રહે છે. પ્રેમ આ કવિને મન શું છે?
કોઈ એક માનુષીના મનમાં
કોઈ એક મનુષ્યને માટે
જે વસ્તુ જીવતી રહે છે હૃદયની ગભીર ગુફામાં—
–‘પ્રેમ’તે આ ‘વસ્તુ’ છે. પ્રેમને વસ્તુ (જિનિસ) કહીને કવિએ તેની મૂર્તતા સૂચવી છે. જીવનાનંદ દાસની કવિતામાં આ પ્રેમની એક લગાતાર ખોજ છે, જે ખોજમાં સ્થળ–સમયની સીમા નથી, ઇતિહાસ-પ્રસિદ્ધ નગરીઓમાં ભૂગોળના સીમાડાઓ વટાવી હજાર વરસ સુધી કવિની ખોજ ચાલે છે, તો ક્યારેક નિષ્ફળ રહેવા સર્જાયેલી ચિર પ્રતીક્ષા પણ રહે છે.
આ પ્રેમની શોધમાં નારીચિત્તની ચંચલતાની મર્મભેદી યાતનાનો પણ અનુભવ છે. કોઈ વસંતની રાતે હરણીના વ્યાજ પોકારથિ અરણ્યના ઊંડાણમાં રહેલ હરણ જૈવ આકર્ષણથી દોડી આવે છે અને શિકારીની ગોળીથિ વીંધાય છે, તેમ કવિના હૃદયનો પ્રેમ પણ ધૂળમાં, લોહીમાં ભળી જાય છે અને પેલી હરણીની જેમ પેલી નારી તો જીવતી રહે છે ! શાશ્વત પ્રેમની ઇચ્છા કરવા છતાં પ્રેમ પદ્મપત્રપરના જળનો અનુભવ બની રહે છે, પદ્મપત્ર જેવા નારી હૃદયમાંથી જળ જેમ પ્રેમ ખૂટી જાય છે. જીવનાનંદ દાસની અનેક કવિતાઓમાં ભર્તૂહરિના ફલમાં મૂર્ત થતી પ્રીતિ છે.
અને તેમ છતાં પ્રીતિનો ઘનરસ પણ એટલો જ છે, અવશ્ય એના પર મૃત્યુનો કરુણ ઓછાયો ઝળુંબેલો છે. ‘પૃથ્વીનો બધો પ્રેમ આપણા બે જણાના મનમાં’– એવી ગાઢ પ્રણયોક્તિ જેને સંબોધીને કહેવાઈ છે, તે નારી તો ચંદનચિતા પર ચઢી ચૂકી છે, કવિ હવે તેને કોઈ દહાડો જોવા નહિ પામે, તે પોતાનું રૂપ લઈને સદાને માટે ચાલી ગઈ છે. ક્યારેક કોઈ જલધરભીની બપોરે, ધાનસિડિને નિર્જન તટે ક્રંદન કરતી સમડીનો સૂર નેતરના ફળ જેવી તેની પીળી આંખોની તીવ્ર યાદ જગાડે છે.
તો પૃથ્વીને પથે રઝળતાં રઝળતાં ક્યારેક તે નારી કોઈ અરણ્યને છેડે અંધારામાં બોલાવી કહે છે–‘તમને ચાહું છું.’ એ નારીની પણ શોધ ચાલતી હોય છે, પણ આ ‘શંખમાળા’ને તો પૃથ્વી એક જ વાર પામતી હોય છે. ક્યારેક તે કોઈ નિસ્તબ્ધતામાં ભેટી જાય છે, પૂછે છે–‘આટલા બધા સુકાઈ ગયા છો?’ પણ તે પણ ભ્રાંતિ છે કેમ કે નક્ષત્રો તે નારીને ચોરીને ક્યારનાંય લઈ ગયાં છે. ક્યારેક તે નારી માગશરના વગડામાં મળે છે–પણ ત્યાંય તે સરી જાય છે. કવિને લાગે છે કે આપણે મન પ્રેમનું ગમે તેટલું મૂલ્ય કેમ ન હોય– વિશ્વને એની કૈં પડી નથી, પોતાના વિકાસમાં એ તો નીરવ છે.
પ્રેમનાદ આવા વિશ્વાસ અને નિશ્વાસના અંતરાલમાં કવિને રઝળપાટ ચાલ્યા કરે છે. દિશા ભૂલેલા નાવિકની જેમ ચારે બાજુ ઘૂઘવતા સાગરનો અનુભવ કવિને કલાન્ત કરે છે–તે હજાર વરસથી પૃથ્વીના માર્ગે ભમી રહ્યા છે. બિંબિસાર અશોકનું ધૂસર જગત, સિંહલસમુદ્ર કે મલયસાગર–કવિની ભ્રમણાયાત્રાને કોઈ અંત નથી, કોઈ દિશા નથી. આ કલાન્તપ્રાણ યાત્રિક જુએ છે એ નારી, જેનો ઉષ્મા ભર્યો અવાજ સંભળાય છે :
આટલા દિવસ તમે ક્યાં હતા રે?
આ નારી–આ વનલતા સેન–નાટોર ગામની આ વનલતા સેન—ભેટી જતાં રઝળતો યાત્રિક જાણે ઘેર પહોંચે છે; બધાં પંખી, બધી નદી પણ ઘેર પાછી ફરે છે. જીવનની બધી લેણદેણને અંતે હવે અંધારાના એકાંતમાં આ વનલતા સેનની સામે મોઢામોઢ બેસવાનો સમય છે.... આપણા યંત્રયુગને કવિ જીવનાનંદ દાસે ‘વ્યાઘ્રયુગ’ એવું નામ આપ્યું છે. આ આધુનિક અરણ્યમાં પદેપદે હરણનો શિકાર થાય છે. કદાચ આપણે જ હરણ છીએ–આપણો શિકાર થાય છે : વસંતની ચાંદનીમાં એ મૃત મૃગો સમા આપણે સૌ. કદાચ આપણે હાથે પણ શિકાર થાય છે, જીવનમાં જે સૌન્દર્ય છે, પ્રેમ છે, અનાગસ છે તેના આપણે શિકારી છીએ. એક હરણ નદીની લહેરોમાં કેટકેટલી આશા, આકાંક્ષાથી ઊતરે છે, એક અદ્ભુત અવાજ થાય છે અને નદીનું પાણી ‘લાલ’ બની જાય છે. માનવસંસારમાંક થતો આ સૌન્દર્યપ્રણાશ કવિને સંસારમાંથી દૂર ચાલ્યા જવા પ્રેરે છે. ‘ફરીવાર હવે જાગવું નથી’ એમ કરીને ધાનસિડિને કિનારે એ સૂઈ જવા ચાહે છે. જાગૃતિ તેના હૃદયને ઘૃણાના આક્રોશથી ભરી દે છે. એ અંધકારમાં અનંત મૃત્યુની જેમ તે ભળી જવા ચાહે છે, કહે છે : ગભીર અંધકારની ઊંઘના આસ્વાદથી મારા આત્માનું લાલન થયું છેઃ
મને કેમ જગાડવા ઈચ્છો છો?
આ અંધકારની ઊંઘ, તે જ મુમૂર્ષા, મૃત્યુની સ્પૃહા.
આ મૃત્યુચેતના કવિની આરંભની રચનાઓથી જોવા મળે છે. અનેક આધુનિક કવિઓમાં મૃત્યુચેતનાની વાત આવે છે, એમ તો રવીન્દ્રનાથમાં પણ મૃત્યુને કેટલાં લાડ લડાવવામાં આવ્યાં છે, પણ મૃત્યુનો બોધ આધુનિક એક સંયત વિષાદના સ્તર પર છે. જીવનાનંદ દાસમાં જીવનની અભિજ્ઞતા મૃત્યુના સમાન્તર સાન્નિધ્યમાં છે, એટલે જીવનની જેમ મૃત્યુનો સહજ સ્વીકાર છે. અને તેથી મૃત્યુની પહેલાં મૃત્યુનો પરિચય !
જાણતા નથી કે અરે,
બધી રંગીન કામનાઓને ઓશીકે દીવાલની જેમ આવીને જાગે છે
ઘૂસર મૃત્યુનું મુખ?
જીવનાનંદનીક કાવ્યચેતનાના જ એક અંશનો આવિષ્કાર છતાં ક્યારેક હાઇડ્રન્ટ ખોલીને પાણી ચાટતો કોઢિયો, કે મગફળી જેવો સુક્કો પવન કે શણચામડાની ગંધ અને ઊંઘરેટી યહૂદી રમણીની વાત લઈ આવતી નગરની રાત્રિ, જે કોઈ નીગ્રોની આંખે લીબિયાના જંગલ જેવી છે, અલગ અપરિચિત લાગે છે. તેવી જક છે નરમુંડોની છાયા અને હોંગકોંગના તૃણ અને શાંધાઈના વિનાશની વાત. અને વાંઢા ભિખારીઓ અને ભિખારણની વાત તો વ્યંગ્યવિદ્રુપ ભરી હોવાં છતાં છેવટે તો તે કરુણા જ જગાવે છે. જીવનાનંદ દાસની કવિતાઓમાંથી પસાર થનાર તેમની ઇતિહાસ ચેતના અને સુરરીયલ ચેતનાને લક્ષ્ય કર્યા સિવાય નહિ રહે. નાટોરની વનલતા સેનની ખોજ બિંબિસાર, અશોકના ધૂસર જગતમાં લઈ જાય છે, વિદિશા અને શ્રાવસ્તીની સ્મૃતિ તાજી કરાવે છે; ક્યારેક વિલુપ્ત એસીરીય કે મિસરની સંસ્કૃતિ સાથે અનુસંધાન કરે છે. કોઈ પવનભરી રાતે હજાર વર્ષ પહેલાં મૃત નક્ષત્રોની સાથે એસીરિયા, મિસર અને વિદિશામાં મરી જતાં જોયેલી રૂપસીઓને આકાશના સીમાડા પર કતારબંધ ઊભેલી જુએ છે. ક્યારેક કોઈ ફાગણનો અંધકાર કોઈ વિલુપ્ત નગરીના મલ્યવાન અસબાબથી ભરેલા ધૂસર મહેલનું રૂપ મનમાં જગાડે છે (જાણે અરબ–રાત્રિઓનું નવું રૂપ !), કવિને શ્યામલી જેવી નારીનું મોં ક્યારેક આ અતીતની–ભૂતકાળની શક્તિ જેવું લાગે છે, જે વાતેલા અસંખ્ય યુગની કલાન્તિનો બોધ જગાડે છે–નારી મોહિની સાથે સાથે. હજાર હજાર વર્ષ અહીં અંધારામાં આગિયાની જેમ રમ્યા કરે છે. ઇતિહાસની–સમયની આ અભિજ્ઞતા સામ્પ્રત અનુભૂનિના સંદર્ભમાં પ્રગટવાને લીધે એક નવું પરિણામ ધારણ કરે છે. ફાગણની કોઈ રાત્રિના અંધકારમાં કોઈ વિલુપ્ત નગરીના કોઈ એક ધૂસર મહેલમાં રક્તિમ ગલાસમાં તરબૂજ–શરાબ સાથે નગ્ન નિર્જન હાથની પરિકલ્પના અતિયથાર્થની–સુરરીયલની સૃષ્ટિ લઈ આવે છે. દિવસનો પ્રસિદ્ધ પ્રકાશ આથમ્યા પછી પહાડના વનમાં પ્રવેશ કરી ચાંદનીમાં બરફના ઢગલા જોતાં શિયાળ; કે કારતકની ચાંદની ભરી સીમામાં, આજે પણ ઘાસના લોભથી ચરતા મહીનના (પાષાણયુગના જાણે) ઘોડા અને બિલાડીના બચ્ચાંની જેમ ઊંઘતા, પછી પાઇસ રેસ્તોરામાં ખસી જતા ચાના પ્યાલા; રૂપેરી કે પીળી પીળી ચાંદનીના નીલ મ્લાન અજવાળામાં દિનરાત તણાયે જતું મૃણાલિની ઘોષાલનું શબ પણ આવી સુરરીયલ ઇમેજરી (કલ્પનાવલિ)નાં પરિચાયક છે. જીવનાનંદ દાસની કવિતાની ઇમેજરી–તેમની ઉપમાદિ અલંકારસૃષ્ટિ, કલ્પન અને પ્રતીકરચના વગેરે પ્રાચુર્ય અને વૈવિધ્યને કારણે એકદમ ધ્યાન ખેંચે છે એટલું જ નહિ, પોતાના સમકાલીનોમાં પણ તેમને નોખા–નિર્જન (અહીં અ-દ્વિતીય) બનાવી દે છે. ‘પંખીના માળા જેવી આંખ’ કે ‘રબરના બૉલ જેવું નાનું હૃદય’–એવી ઉપમાઓ આશ્ચર્યથી વાચકની આંખને વિસ્ફારિત કરી દે છે. પંખીના માળા જેવી આંખ?–પણ અહીં સાદૃશ્ય–સૌન્દર્ય નથી, પંખીનો માળો સુંદર ન પણ હોય પણ તે આશ્રય આપે છે, હૂંફ આપે છે. તેનો આ સ્વીકારી–ભાવ વનલતા સેનની આંખોમાં વરસોથી રઝળતા પથિકે જોયો. આકાશમાં ઊડતાં પંખીઓનાં હૃદયને આપેલી રબના બૉલની ઉપમા હૃદયની મૃદુતા અને ધડકનનો અનુભવ કરાવે છે. કવિ જ્યારે ‘હજાર વરસ અંધારામાં આગિયાની જેમ રમે છે’ એવી ઉપમા પ્રયોજે છે ત્યારે એ સહસ્રાબ્દીનું પરિણામ કેવું બદલાઈ જાય છે! સન્ધ્યા કેશવતી કન્યાની જેમ ઊતરી આવે છે. કેશવતી કહી, તેની દૃશ્યક્ષમતાને સ્પર્શક્ષમ બનાવે છે, તે સાથે કેશ સાથે જોડાયેલ ઉર્વરતા કે જાતીય સંવેગનું પણ સૂચન કરી લે છે. શંખમાલાના સ્તનને જ્યારે કરુણ શંખ જેવાં–દૂધે આર્દ્ર કહે છે, ત્યારે એ ઉપમાનની તાજગી જ નહિ, ગહન અર્થપરિણામ પણ સિદ્ધ થાય છે. ‘ઉપમા એ જ કવિતા’ એવી કવિતાની કવિ જીવનાનંદે આપેલી આત્યંતિક પરિભાષા તેમની કવિતા માટે તો સાચી લાગે છે. ઘણી રચનાઓ–‘શિકાર’ જેવી–તો એક પછી એક ઉપમાઓની શૃંખલા રચતી આવે છે. કવિની ઉપમાઓનાં ઉપમાનમાં એવો વિસ્તારનો ગુણ છે કે વાચકની ચેતનાને અનેક સ્તરે સ્પર્શે છે : અંધારી રાતે પીપળાની ટોચપર પ્રેમિકા નર-સમડીની ઝાકળભીની આખની જેમ ચમક ચમક થતાં નક્ષત્રો / ચાંદની રાતે બેબિલોનની રાણીના ખબા ઉપરની ચિત્તાનીકક ચામડીની શાલની પેઠે ઝળાંઝળાં થતું વિશાળ આકાશ / આકરા તડકામાં પગ લાંબો કરી પ્રૌઢ રૂપસીની જેમ ડાંગર ખાંડતો ગીત ગાતો બપોરનો પવન, કે સિંહના હુંકારથી ઊછળી પડેલા લીલા વગડાના અજસ્ર જીબ્રા જેવો આકાશની છાતીમાંથી ઊતરી બારીમાં આવતો સૂ સૂ કરતો પવન / મિલનોપ્રેમ કર્યો છે–છતાંય જેનું મુખ જોયું નથી તે નારીના જેવો અંધકાર મિસરની નારીએ તેની છાતી પર લટકતું જે મોતી મારા નીલ શરાબની પ્યાલીમાં રાખ્યું હતું હજાર હજાર વર્ષો પૂર્વે એક રાતે તેના જેવા તારો ... ... ઇન્દ્રિયઘનતા જીવનાનંદ દાસની ઇમેજરીની વિશેષતા છે, એમાંય એક ઇન્દ્રિબોધથી વિભિન્ન ઇન્દ્રિયબોધ જગાવતાં કલ્પનો–ઇન્દ્રિયવ્યત્યય સાધતાં કલ્પનો એક આકર્ષણ બની રહે છે. કવિ જ્યારે ઘાસની ઘ્રાણને હરિત મદની જેમ ગલાસ પર ગલાસ ભરીને પીવાની આકાંક્ષા કરે છે ત્યારે જે ઘ્રાણનો વિષય છે તે સ્વાદનો અને હરિત કહેતાં દૃશ્યનો પણ અનુભવ બને છે. રંગ, ગંધ, સ્પર્શ, શ્રુતિ, સ્વાદ પરસ્પરમાં ભળતાં ઠેર ઠેર અનુભવાય છે. જીવનાનંદ દાસની કવિતામાં પ્રકાશ (આલો)નાં પણ અનેક રૂપ છે, રંગની વૈવિધ્યસભર સૃષ્ટિ છે. એક લાલ રંગ પણ કેટલી જાતનો છે! કવિએ પંચેન્દ્રિયોથી પૃથ્વીને ગાઢ રીતે ગ્રહી છે, તેમાં આંખનું પ્રાધાન્ય છે. અનેક ચિત્રો સ્મૃતિપટ પર અંકિત થઈ જાય છે; રૂપસી બાંગલાનું મુખ કવિએ ભરી ભરીને જોયું છે, જ્યાં છે : કિશોરીના ચોખા ધોયા ભીના હાથ, કિશોરના પગ તળે દબાયેલું ઘાસ, નરમધાનની ગંધ, ચોખાના શાન્ત કણોને છાતીમાં લઈ ઝરી જતી ડાંગર, સીતાફળ પર નરમ હાથ રાખતો લાલ તડકો, પીપળાની છાતી પર ઊભેલા સૂર્યના આઘાતને હોલવી દેતો સાન્ત્વના જેવો પવનનો હાથ, અડધી ખીલેલી ચાંદનીમાં એક ડાળેથી બીજી ડાળે ઊડી જતું ઘુવડ, મેઘના રંગોથી પથભૂલ્યો કાગ, પગે લાલ ઘૂઘરા પહેરેલો કિશોરીનો બતક, આંગણાના ઘાસ પર ધાણી વેરતું શિશુ, રૂપસાના ડહોળા જળમાં ફાટેલા શઢવાળી હોડી ચલાવતો કિશોર, છૂંદાયેલા લાલ ટેટાની છવાયેલો ખેતરાઉ રસ્તો, ધુમ્મસભર્યા વગડાને રસ્તે આવજા કરતી શાહુડીઓ, અંધારી રાતે પીપળાની ટોચપર પ્રેમિક નર–સમડીની ઝાકળભીની આંખ, અવ્યક્ત ઊંઘથી ભરાઈ જતું લીલીભમરીનું હૃદય, મોંમાં ખડ લઈ ચુપચાપ ઊડી જતી કાબર, આખી રાત ઘાસ સાથે વાત કરતાં તમરં, નીલ આકાશને પાંખોમાં નિચોવી લઈ ને ઊડી જતાં બક–ચાષ, ચાંદનીમાં ઊડાઊડી કરતાં સફેદ સફેદ ટીપકીવાળાં કાળાં પારેવાં, નિર્જન ખડનાં ખેતરોમાં પોષની સાંજ, ખેતરની પેલે પાર ઘુમ્મસનાં ફૂલ વિખેરતી નરમ નદીની નારી, ફસલ વગરના ખેતરને ઓશીકે ચુપચાપ ઊભેલો ચંદ્ર, ખડના છાપરા પર સાંભળેલો પાંખોનો સંચાર, ચાંદનીના આંગણામાં પડતી ખડના છાપરાની છાયા, શિશુના મોંની ઘ્રાણ, નારી હાથનો સ્પર્શ પામતું ઊંઘરેટિયું બતક, સમડીને પોતાની બારીમાં બોલાવતો મિનારા જેવા મેઘ, (બેહુલા અને) શ્યામાનાં નરમ ગાન, લાલ કોરની સાડી પહેરી ચંદનચિતા પર ચઢતી સુંદરી, શંખમાલા–ચંદ્રમાલાનાં બજી રહેતાં કંકણ, અને પ્રિય ધાનસિડિ.... આ બધાંની સાથે કવિ જાણે તદ્રૂપ છે, મૃત્યુની કામના કરવા છતાં આ ભૂમિનો ગાઢ નેહ કેવી રીતે છૂટે? એટલે કદાચ માણસ રૂપે ભલે નહિ–પણ, કવિ કહે છે....
ફરીથી આવીશ પાછો ધાનસિડિ કાંઠે–આજ બંગાળમાં
–કદાચ સમડી કાબરને વેશે
કદાચ કાગડો થઈ સવારનો....
૧૯૭૬
(કાલપુરુષ)
૦૦૦