સમૂળી ક્રાન્તિ/1. બે વિકલ્પો

1. બે વિકલ્પો

લાંબા વખતથી હું માનતો આવ્યો છું અને ઘણી વાર કહી પણ ચૂક્યો છું કે આપણા અનેક વિચારો અને માન્યતાઓનું આપણે મૂળથી જ સંશોધન કરવાની જરૂર છે. આપણા ક્રાંતિના વિચારો મોટે ભાગે ઉપર ઉપરની મરામતના છે, મૂળ સુધી પહોંચતા નથી. આ વિચારોના કેટલાક અંશોને વ્યવસ્થિત રીતે મૂકવા અહીં પ્રયત્ન કરું છું.

તેમાં સૌથી પહેલાં આપણી ધાર્મિક અને સામાજિક રચના બાબત : આપણે બેમાંથી એક રીતે નિશ્ચિત થઈ જવાની જરૂર છે.

1. કાં તો સંજાણા વગેરે ટીકાકારો કહે છે તેમ આપણે સમજી લેવું જોઈએ કે હિંદુ સમાજમાંથી જ્ઞાતિભાવના એ કદી ન ટળનારો સંસ્કાર અને સંસ્થા છે. જ્ઞાતિવિરહિત હિંદુ સમાજની રચના થાય એમ કદી બની શકવાનું નથી. માટે દેશની રાજકીય તથા બીજી વ્યવસ્થાઓ એ હકીકત સ્વીકારીને જ વિચારવી જોઈએ. મનુ વગેરે સ્મૃતિકારોએ એમ જ કરેલું. સૌને જુદા જુદા રાખીને એક પ્રકારની એકતા આણવાનો તેમનો પ્રયત્ન હતો. મુસલમાનોના આક્રમણ પહેલાં એમ થવામાં મુશ્કેલી નહોતી આવી. તેનાં બે કારણો હતાં : એક, દેશ સૌને જુદા જુદા રાખીને જીવવાની સગવડ આપે એવો વિશાળ અને સમૃદ્ધ હતો. આજનો જેટલો લોકસંખ્યામાં આબાદ અને નિચોવાયેલો નહોતો; અને બીજું, મુસલમાન પહેલાંના સર્વે સમાજો પરદેશી કે દેશી અનેક દેવદેવીઓ અને યજ્ઞોની ઉપાસના કરવાવાળા હતા. આથી પચાસ દેવમાં એકાવનમાં દેવને માન્ય કરવામાં અને એક કે બીજા મુખ્ય દેવમાં તેને કોઈક રીતે સમાવેશ કરવામાં બહુ મુશ્કેલી આવતી નહોતી. દેશ એટલો વિશાળ હતો કે બધી જાતિઓ પોતપોતાનાં પાકિસ્તાનો કરીને વસી શકતી હતી.

અનેક દેવોની ઉપાસના અને જ્ઞાતિભેદ એ બંને એકબીજાની જોડે સંકળાયેલાં છે. અનેક દેવોમાં એક જ દેવ જોવાનો અને અનેક જ્ઞાતિઓમાં એક જ હિંદુ ધર્મ અથવા ચાર જ વર્ણ જોવાનો પ્રયત્ન બુદ્ધિનું સમાધાન – મનને મનાવી લેવાનો પ્રયત્ન – છે. એનો વ્યવહારમાં અમલ નથી. બુદ્ધે આ વ્યવસ્થા મૂળથી જ બદલવા પ્રયત્ન કર્યો, પણ બૌદ્ધ ધર્મમાં મહાયાન પંથ ઊભો કરી હિંદુસ્તાને બૌદ્ધ ધર્મને જ ઓગાળી નાખ્યો.

કાં તો આ વસ્તુ આપણા રોમેરોમમાં રહેલી છે એમ સમજી એમાંથી જ માર્ગ કાઢવાનો નિશ્ચય કરો. એટલે એક નહીં, પણ અનેક, સામાજિક વ્યવહારોમાં એકબીજાથી દૂર અને અલગ રહેનારી નાની નાની કોમો અને જ્ઞાતિઓને ટાળી ન શકાનારી વસ્તુ માનો, અને બધાંની આકાંક્ષાઓ સંતોષાય એ માટે અનેક જાતનાં પાકિસ્તાનો, જુદાં જુદાં મતદાર મંડળો, સંખ્યા પ્રમાણે પ્રતિનિધિઓ વગેરે રચો.

આમ ન જ થઈ શકે એમ નથી. પણ એનાં પરિણામો માટે પણ તૈયાર રહેવું જોઈએ, એમાંથી બહુ બળવાન સંગઠિત દેશ ન થઈ શકે અને નાનાં નાનાં રાજ્યોમાં દેશને વિભક્ત રહેવું પડે એ સમજી લેવું જોઈએ. ઉપરાંત તેમાંથી કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓનું ભાવિ યહૂદીઓના જેવું જ કાળાંતરે થાય. મોડી વહેલી નીચ ગણાતી જ્ઞાતિઓ ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મમાં ભળી જવામાં જ પોતાનું હિત જોશે. ઉચ્ચ જ્ઞાતિઓ રાજકીય મહત્ત્વાકાંક્ષા છોડી દઈ કેવળ બુદ્ધિબળ પર કેટલીક મોટી નોકરીઓ કરવામાં અને વેપાર ખેડવામાં સંતોષ માનશે તો સુખેથી પોતાના અલગ ચોકામાં અને દેવપૂજાઓમાં બીજાઓની કનડગત વિના જીવી શકશે, જેમ ઈરાન, અરબસ્તાન વગેરેમાં આજે પણ કેટલાક હિંદુઓ રહે છે તેમ. અને તેમ નહીં કરે તો યહૂદીઓ જેમ તિરસ્કાર પામતા સમાજ તરીકે ભટકશે. જેમ જેમ નીચેના થરો જાગ્રત થતા જશે તેમ તેમ જાતિઅભિમાની લોકોને પાછળ હઠવું જ પડવાનું છે.

અથવા, ઉચ્ચ જ્ઞાતિઓને માટે બીજો માર્ગ રહેશે, બળવાન પ્રયત્ન કરી ફાસિસ્ટ સંસ્થા બનવાનો. બીજી સર્વ કોમો, જ્ઞાતિઓ, ધર્મો વગેરેને દાબી દઈ ત્રિવર્ણશાહી સ્થાપવાનો. ઊંડે ઊંડે આવી વૃત્તિ રાખનારો વર્ગ આપણામાં છે એમ હું માનું છું. રાજાઓ, બ્રાહ્મણ, પંડિતો, વેપારીઓ અને મોટા ખેડૂતો એ ચારેનું ચાલે તો આવું જરૂર કરે.

જે આ સ્થિતિ પસંદ કરવા અને તેને બંધ બેસે એવા જ હિંદુસ્તાનની રચના કરવા તૈયાર છે, તેમનો માર્ગ તે રીતે સ્પષ્ટ છે. એમને એ ધ્યેય પ્રત્યે નેમ રાખી બીજા કશાનો વિચાર કર્યા વિના પ્રવૃત્તિ કરવી સૂઝી શકે એમ છે.

2. પણ જેને આ સ્થિતિ પસંદ ન હોય, અને તેનાં પરિણામો પર પહોંચવું માન્ય ન હોય, તેમણે બીજી રીતે પણ એટલા જ નિશ્ચિત થઈ જવાની અને તેના ઉપાયોમાં સ્થિર પગલે લાગી જવાની જરૂર છે. તે, આપણા લોહીથી જ્ઞાતિભાવનાનો સંસ્કાર અને સમાજમાંથી જ્ઞાતિસંસ્થા નાબૂદ કરવાનો; અને સમગ્ર હિંદી જનતા પોતાને એક અને સમાન માનવજાતિ માનતી થાય અને તેવી રીતે વ્યવહાર કરતી થાય એવી ક્રાન્તિ નિર્માણ કરવાનો.

આવી ક્રાન્તિ લાવવા શું કરવું અનિવાર્ય છે તે વિચારી લેવું ઘટે છે.

9-8-’47