સમૂળી ક્રાન્તિ/2. ભાષાના પ્રશ્નો – ઉત્તરાર્ધ

2. ભાષાના પ્રશ્નો – ઉત્તરાર્ધ

સંસ્કૃતિની દૃષ્ટિએ પહેલા ખંડમાં આ વિષય ઉપર કેટલોક વિચાર કર્યો છે. અહીં કેળવણીની દૃષ્ટિએ તેનો વધારે વિચાર કરીશું. ઉપર શિક્ષણ એટલે પુસ્તકો દ્વારા જ્ઞાનપ્રાપ્તિ અને કેળવણી એટલે વાણી અને કર્મો દ્વારા જ્ઞાનપ્રાપ્તિ વચ્ચેના ભેદનો ઉલ્લેખ કર્યો છે. દેખીતું છે કે કેળવણીનું સારામાં સારું અને સફળ વાહન કેળવણી આપનારની નહીં, પણ કેળવણી લેનારની સ્વભાષા છે. એ અણખેડાયેલી, અશુદ્ધ, અનેક ભાષાના શબ્દોની ખીચડીવાળી હોય તોયે તેને જ કેળવણી લેનાર વધારેમાં વધારે સમજી શકે. એ મારફતે આપવાનું જ્ઞાન પ્રાથમિક હોય કે ઉચ્ચ હોય – ભલે ખીચડીભાષા દ્વારા થાય – પણ કેળવણી લેનારની ભાષા દ્વારા થવું જોઈએ.

કેળવણીની સરખામણીમાં શિક્ષણ એટલે પુસ્તક દ્વારા જ્ઞાન એક રીતે ઓછી કિંમતનું છે. પણ આજે જ્ઞાનનો એટલો મોટો ભંડાર પુસ્તકોરૂપી પેટીઓમાં બંધ થયેલો છે કે ઘણે અંશે એણે કેળવણી કરતાંયે વધારે મહત્ત્વનું સ્થાન લઈ લીધું છે. ભાષા અને લિપિ એ પેટીઓને ઉઘાડવાની ચાવીઓ જેવાં છે. જેને એ ચાવીઓ પ્રાપ્ત થાય તેને જ્ઞાનનો મોટો ભંડાર ઊઘડી જાય છે. આથી બહોળે હાથે અને ઝપાટાબંધ અક્ષરજ્ઞાન ફેલાવવાની આવશ્યકતા ઊભી થઈ છે.

જેમ રસ્તા ઉપર સાર્વજનિક વપરાશ માટે ઊભા કરેલા નળની ચકલી એવી ન હોવી જોઈએ કે તેને ઉઘાડવા માટે ખૂબ બળ કે કુનેહ કે ખાસ તાલીમ લેવી આવશ્યક થાય, તેમ પુસ્તકોને ઉઘાડવાની ચાવીઓ પણ જેમ બને તેમ સર્વને સુલભ થઈ શકે, ઝપાટાબંધ વાપરવાની રીત આવડી જાય એવી હોવી જરૂરી છે. એ ચાવીઓનાં અનેક અટપટાં ‘પેટંટો‘ હોવાં ઇષ્ટ નથી. જેમ સાઈકલ જેવી સાર્વજનિક વપરાશની ચીજો બનાવનારાં કારખાનાં સેંકડો હોય, તોયે તેનો ઢાંચો અને વિવિધ ભાગો બધાં થોડાંક નિશ્ચિત કદ અને માપનાં જ કરવા તરફ આપણું વલણ છે, તેમ ભાષા અને લિપિને વિશે પણ હોવું જોઈએ.

ભાષા અને લિપિ પૈકી ભાષાની વિવિધતા ટાળવી વધારે કઠણ છે; લિપિની તેથી ઓછી છે. જગતની બાજુએ રહી, હિંદુસ્તાન જેવા વિશાળ દેશની, કે એના કોઈ એક જ ભાષાવારી પ્રાંતનીયે ભાષામાં વિવિધતા ઉત્પન્ન ન થાય એ સંભવનીય નથી. પહેલો બોલવામાં ફેર પડે, તે ધીમે ધીમે લખવામાંયે આવે. લિપિની વિવિધતા તદ્દન ન ટાળી શકાય તોયે વધારે સહેલાઈથી ઓછી થઈ શકે.

પરંતુ વિવિધતા છતાં આપણાં સંકુચિત મમતો ઓછા થાય, તો નીચેના વહેવારુ માર્ગો લઈ શકાય :

ભાષાની બાબતમાં – (ક) મૌખિક વ્યાખ્યાનોમાં શ્રોતાની, કેળવણી લેનારની ભાષાને મહત્ત્વ આપવું જોઈએ : એટલે કે જે ભાષા એ સહેલાઈથી સમજી શકતો હોય તે ભાષામાં બોલવું એ બોલનારનું પહેલું કર્તવ્ય છે. બોલનાર શિક્ષક કે વ્યાખ્યાનકારે સાંભળનારની ભાષા શીખવી ઘટે, ન કે તેથી ઊલટું. આનો અર્થ એ નથી કે સાંભળનારની ભાષાની વ્યાકરણ કે ઉચ્ચારણની અશુદ્ધિઓ એણે રાખવી જ પરંતુ બોલનાર કરતાં સાંભળનારની સગવડ વધારે મહત્ત્વની ચીજ છે. કેટલેક અંશે સભ્યતા પણ આ નિયમમાં છે. ધારો કે મારી સાથે વાત કરવા આવનાર કોઈ એવો મદ્રાસી કે પારસી છે. જે સહેલાઈથી હિંદી કે (પારસી હોવા છતાં) ગુજરાતી બોલી શકતો નથી. ત્યાં અંગ્રેજી પરાઈ ભાષા હોવા છતાં એમાં જ વાતચીત કરવામાં સભ્યતા ગણાય. એ જ રીતે જે વિષય પર મારે વાતચીત કરવાની હોય તે વિષયમાં આવતા ખાસ શબ્દો જે ભાષામાં બોલવાનું ચાલતું હોય તેથી જુદી ભાષાના હોય તોયે તે જ વાપરવા ઘટે. જો આ નિયમ આપણે સમજીએ તો હિંદી, ઉર્દૂ, હિંદુસ્તાની વગેરેના વિવાદો ઓછા થઈ જાય. ભાષાને અમુક જ પ્રાચીન વાણીમાંથી વિકસાવવાનો ખોટો આગ્રહ દૂર થઈ જાય. સામાન્ય રીતે લોઢું શબ્દ પણ વાપરશું, ખાસ જગ્યાએ લોહભસ્મ જેવો શબ્દ પણ વાપરશું, રસાયનવિદ્યામાં ફેરમ શબ્દ અને Fe સંજ્ઞા પણ વાપરશું. ઍલ્યુમિનિયમ કે નિકલને માટે નવા શબ્દો ઘડવાની જરૂર નહીં માનીએ. એક બાજુથી મારગેજ શબ્દ વાપરીએ તેથી, મારગેજર, મારગેજી પણ લેવા જ જોઈએ એવો આગ્રહ નહીં હોય. બીજી બાજુથી, મારગેજર નથી વાપરતા માટે કન્ટ્રાક્ટર પણ ન વપરાય એવો આગ્રહ ન હોય. કન્ટ્રાક્ટર વાપરીએ માટે કરાર ને કરારનામું શબ્દો છોડવા જોઈએ અને કન્ટ્રાક્ટર અને કન્ટ્રાક્ટ–ડીડ કહેવું જોઈએ એમ પણ ન હોય. ‘સિગ્નેચર‘ માટે સહી કે હસ્તાક્ષર શબ્દ વાપરવો તે સાંભળનારની સગવડ પર આધાર રાખશે; અને હસ્તાક્ષર વાપર્યો માટે ‘સાઈન્ડ‘નું હસ્તાક્ષરિત કે ‘સિગ્નેટરી‘નું હસ્તાક્ષરી કરવાનું આવશ્યક નહીં લાગે; સહી કરેલો, સહી કરનાર એ શબ્દો અત્યાજ્ય નહીં થાય.

(ખ) પુસ્તકની ભાષા બાબતમાં અનેક સ્થાનિક બોલીઓ અને શબ્દો કરતાં ખેડાયેલી વ્યાકરણશુદ્ધ ભાષા અને વધારેમાં વધારે પ્રચલિત થયેલા શબ્દો વાપરવા જોઈએ. મૌખિક વ્યાખ્યાનમાં શ્રોતાની સગવડ મુખ્ય હોય; પણ પુસ્તકી લખાણમાં લેખક, વાચક અને પુસ્તકનો વિષય ત્રણેની અરસપરસ સગવડ જળવાવી જોઈએ. લેખક પોતાની જ સગવડ અને સંતોષની દૃષ્ટિએ લખે તો જેને ગરજ હશે તેટલા જ વાંચશે. પણ લેખક વાચકના હિતાર્થે અને પુસ્તકના વિષયને સારામાં સારી રીતે રજૂ કરવા માટે લખતો હોવાથી એને ભાષાની યોજનામાં કેટલીક મોકળાશ અને સ્વતંત્રતા પણ જોઈએ જ. પણ તે સાથે જ કેળવણીના ક્ષેત્રમાં આવતાં અન તેને માટે જ લખાયેલાં પુસ્તકોમાં ભાષાની જે પ્રકારની યોજના કેળવણી લેનારને માટે યોગ્યમાં યોગ્ય વાહન થઈ શકે એવી હોય તે થવી જોઈએ. એમાં કેળવણી લેનારને ભાષા સમજવા કશી જ મહેનત ન કરવી પડે એવું ન બને. પણ ભાષા સમજી લેવા પર જ ઘણું ધ્યાન રોકવું પડે તેવી પણ તે યોજના ન હોવી જોઈએ. એમાં કેળવણના વિષય કેટલા સાર્વજનિક છે તેનો પણ ખ્યાલ હોય. દા.ત. ખેતી, ગ્રામોદ્યોગ, વેપાર, સ્વચ્છતા વગેરેની વ્યાવહારિક કેળવણી એક બાજુથી સ્થાનિક મહત્ત્વની છે; બીજી બાજુથી તે સમગ્ર દેશ કે જગતને વ્યાપનારી થાય. દાક્તરી વિદ્યાઓ, વિજ્ઞાનની વિવિધ શાખાઓ, મોટા ઉદ્યોગો અને તેને લગતી વિદ્યાઓ વગેરે જગતવ્યાપી વિષયો છે. સામાન્ય રાજનીતિ, અર્થશાસ્ત્ર વગેરેના વિષયો રાષ્ટ્રીય મહત્ત્વના કહેવાય. સંસ્કૃત, ફારસી, અરબી, દ્રાવિડી વગેરે ભાષાઓનો પ્રાંતો તથા સમગ્ર હિંદુસ્તાન અને એશિયાના મોટા ભાગની ભાષાઓ સાથેનો સંબંધ મૂળતત્ત્વો અને તેમાંથી નીપજેલાં વિવિધ રસાયન જેવો ગણાય; અંગ્રેજી તથા આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પરિભાષા એ ભાષાઓમાં ઉપરથી પડેલા મસાલાઓ જેવી ગણો. હિંદુસ્તાનની સર્વે પ્રાંતીય ભાષાઓ એ બધી જ ભાષાઓથી પોષાયેલી ભાષાઓ છે. એમાં ટકાવારી કોની કેટલી છે એ બહુ મહત્ત્વની બાબત નથી, કોઈક ભાષાના પાંચ ટકા જેટલા શબ્દોયે ન હોય, છતાં જેમ ક્ષારો અને વિટામીનની ટકાવારી શરીરના સ્વાસ્થ્ય અને બંધારણમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે, તેમ મહત્ત્વની હોઈ શકે છે. માટે એ ભાષાઓ તરફ વટાળવા આવેલી કે રોગોત્પાદક ઝેરો હોય તેવી દૃષ્ટિએ જોવું બરાબર નથી.

આ બધી દૃષ્ટિનો વિચાર કરતાં મને એમ જણાય છે કે (1) પ્રાથમિકથી માંડી ઉચ્ચ કેળવણી સુધીના મૌખિક શિક્ષણમાં બનતા સુધી સ્થાનિક ભાષાનો જ ઉપયોગ હોય, ભલે તેને અંગે વાંચવાનાં પુસ્તકો તે ભાષામાં ન હોય, અને ભલે અપવાદરૂપે વિશિષ્ટ પરિસ્થિતિમાં કોઈ અધ્યાપકને હિંદુસ્તાનીમાં શીખવવાની છૂટ હોય; (2) પ્રાંતીય મહત્ત્વના વિષયોમાં અને શરૂઆતમાં પુસ્તકોનું લેખન પ્રાંતની સાહિત્યિક ભાષામાં હોય; (3) આંતરપ્રાંતીય મહત્ત્વના વિષયોનું લેખન હિંદુસ્તાનીમાં હોય અને યથાસંભવ પ્રાંતીય ભાષાઓમાંયે હોય; અંગ્રેજી ભાષાનાં પુસ્તકોનો ઉપયોગ કામચલાઉ ગણાય; એ જેમ બને તેમ ઓછો કરવા તરફ વલણ હોય; (4) આંતરરાષ્ટ્રીય મહત્ત્વના વિષયો માટે અંગ્રેજી પુસ્તકોનો ઉપયોગ તેમ જ લેખન હોય; અને (5) છેલ્લું પણ મહત્ત્વનું, બોલવાની કે લખવાની ભાષા ગમે તે હોય, સર્વે ભાષાઓ પ્રચલિત બનેલા શબ્દોને ગમે તે ભાષામાંથી તે આવેલા હોય તોયે તેને કાઢીને નવા નિપજાવવાનું વલણ ન રાખે; પારિભાષિક શબ્દો પાશ્ચાત્ય વિદ્યાઓ, ધંધાઓ, સંસ્થાઓને લગતા હોય તો તે વિદ્યા, ધંધા કે સંસ્થાઓમાં પ્રચલિત હોય તો બનતા સુધી તે જ રખાય; ભલે એ સંજ્ઞાઓ હોય, ક્રિયાઓ હોય, ગુણો હોય, મૂળ હોય કે સાધિત હોય કે વ્યાકરણનાં બીજાં કોઈ અંગો હોય; અને એવા શબ્દો જ્યાં નવા બનાવવામાં જ આવે ત્યાં સર્વે પ્રાંતોમાં અનિવાર્ય કારણ વિના એક જ રાખવાં જોઈએ. કોઈ નવીન વિષયનો લેખક કે નવો શોધક અલબત્ત પોતાને યોગ્ય લાગે તેવો શબ્દ રચી શકે; અને બનતા સુધી તે જ શબ્દ સર્વ પ્રાંતો સ્વીકારે.

હિંદુસ્તાની તરીકે જે ભાષાનું હું સૂચન કરું છું તે કોઈ બનાવટી, બેઝિક અંગ્રેજીની જેમ અમુક જ શબ્દભંડારની કે વ્યાકરણની મર્યાદામાં રાખેલી ભાષાનું નથી, પણ ઊંચામાં ઊંચું, સારામાં સારું, લેખકની સર્વ ભાષા–શક્તિને ક્ષેત્ર આપનારું સાહિત્ય ઉત્પન્ન કરી શકે તેવી ભાષાનું છે. એનો શબ્દભંડાર, વાક્યરચના, શૈલી ભલે સંસ્કૃત, અરબી, ફારસી, અંગ્રેજી કે બીજી કોઈ ભાષાના શબ્દોનો ઉપયોગ કરે. એનાં વ્યાકરણ તથા રૂઢિપ્રયોગ સાહિત્યિક ગણાતી હિંદી તેમ જ સાહિત્યિક ગણાતી ઉર્દૂ બંને પર રચાયેલાં હોય અને બીજી કોઈ બીજી ભાષાનોયે ઉમેરો કરતાં હોય. પણ જો એ કોઈ શાસ્ત્રીય વિષયનાં પુસ્તકો તરીકે વાપરવાનાં હોય અને કેળવણીની સંસ્થાઓમાં તથા રોજના સામાજિક કાયદા કે વેપાર કે બીજાં ક્ષેત્રોના વ્યવહારમાં ઉપયોગી વિષયોનું નિરૂપણ કરતાં હોય, તો તે પ્રચલિત થયેલા શબ્દોનો તથા આંતરપ્રાંતીય તથા આંતરરાષ્ટ્રીય પરિભાષાનો જ ઉપયોગ કરે. સાહિત્યિક નિબંધ, કાવ્ય, કથા વગેરેમાં લેખકને પોતાની રુચિ અનુસાર જેવી ગમે તેવી ભાષા વાપરવાને સ્વતંત્રતા હોય જ. જેટલે અંશે તે ભાષા સમાજને પ્રિય થશે, તેટલે અંશે તે બીજાં ક્ષેત્રોમાં તેમ જ વ્યવહારમાં દાખલ થતી જશે, અને ભાષાને સમૃદ્ધ કરતી જશે.

ભાષાઓની બાબતમાં આપણા દેશમાં વ્યાપેલા એક વધારે પડતા શોખ વિશે કેળવણીની દૃષ્ટિએ થોડુંક કહેવા જેવું લાગે છે. વિવિધ કારણોથી આપણા દેશના બ્રાહ્મણ અને વેપારી વર્ગમાં જુદી જુદી ભાષાઓ શીખી લેવાની હથોટી જેવું આવી ગયું છે. અલબત્ત, બંને વર્ગોની શીખવાની રીતે અને તે પર કાબૂ અને વિદ્વત્તા જુદા પ્રકારનાં છે. પણ એકાદ વધારે ભાષા શીખવી તેમને સહેજે કરી શકાય એવી વસ્તુ બનેલી છે, અને તેવી કુશળતા સિદ્ધ થયેલી હોવાથી, તેનો શોખ પણ વળગેલો છે. બારતેર ભાષાઓ જાણનારા વિદ્વાન મળી આવી શકે છે. શિક્ષણનું તંત્ર મોટે ભાગે તેમની અસર તળે રહેતું હોવાથી કેળવણીમાં ભાષાઓની સંખ્યા વધારવા તરફ જ તેમનો ઝોક રહે છે. સ્વાભાવિક હોવાને લીધે માતૃભાષા, દેશજન તરીકે – હિંદી ઉર્દૂ બંને શૈલી સાથે – હિંદુસ્તાની ભાષા, સ્વભાષાની જનની હોવાને લીધે સંસ્કૃત કે ફારસી ભાષા, ધર્મને કારણે સંસ્કૃત–પ્રાકૃત, કે અરબી કે ઝંદ ભાષા, પાડોશી ધર્મની રૂએ જેડેના પ્રાંતની ભાષા, એકાદ દ્રાવિડી કુળની ભાષા અને આંતરરાષ્ટ્રીય હોવાને કારણે તેમ જ પાશ્ચાત્ય વિદ્યાઓના દ્વારરૂપ હોવાથી અંગ્રેજી ભાષા – એમ છ–સાત ભાષાઓ શીખવા સુધી સૂચનાઓ પહોંચી જાય છે.

આપણા આવા મોટા દેશમાં પાંચદસ હજાર એવા ભાષાપંડિતો હોય એમાં કાંઈ ખોટું નથી. પોતાની હોંશ અને શોખથી કોઈ માણસ એક પછી એક નવી ભાષા શીખ્યા જ કરે, તો ભલે, એવું શીખવા ઇચ્છનારને તેવી સગવડ હોય તો બસ. વળી વેપારીથી અથવા ઉર્દૂ (બજારુ) પદ્ધતિએ – એટલે કે કોઈ પરપ્રાંતના લોકોની વચ્ચે વસીને તેમના પ્રત્યક્ષ સહવાસમાં આવી – માણસો જુદી જુદી ભાષાઓ શીખી લે તે વિશે પણ કંઈ કહેવાપણું હોય નહીં. પણ શિક્ષણના તંત્રમાં ભાષાજ્ઞાનને સ્થાન આપવાનો પ્રશ્ન હોય, અને વળી તે ભાષાઓ સાથે વિવિધ લિપિઓ પણ હોય ત્યારે ભાષાઓની સંખ્યા પર કાંઈક મર્યાદા હોવી જોઈએ. બીજા અનેક ઉપયોગી વિષયોને ભોગે જે વિવિધ ભાષાઓને સ્થાન આપી શકાય. આ દૃષ્ટિએ મારા મત પ્રમાણે બે જ ભાષાઓના વ્યવસ્થિત શિક્ષણને આવશ્યક સ્થાન હોય : એક, પ્રાંતની સાહિત્યિક ભાષા અને બીજી હિંદુસ્તાની, એ બંને ભાષાઓ સારામાં સારી રીતે શીખવવી જોઈએ. બીજી બધી ભાષાઓનું શિક્ષણ આવશ્યકતા ઊભી થાય ત્યારે અને આવશ્યકતાને અનુસરીને હોય. દા. ત. ઉચ્ચ શિક્ષણમાં વિજ્ઞાનની વિવિધ શાખાઓમાં અંગ્રેજી અને જર્મનમાંથી એક કે બંનેની જરૂર પડે એ સમજી શકાય; રાજતંત્રના વિષયો શીખનારને અંગ્રેજી અને દુનિયાની કોઈ બીજી એક કે વધારે ભાષાઓ પણ શીખવી પડે એમ બને; દર્શનશાસ્ત્રાોના અભ્યાસી, ભાષાશાસ્ત્રી વગેરેને એક કે વધુ પ્રાચીન ભાષા શીખવી આવશ્યક બને. અંગ્રેજી ઘણાખરાને સમાન હોવાથી, ઉચ્ચ શિક્ષણમાં પુસ્તકો વગેરે સમજી શકાય એટલું અંગ્રેજીનું શિક્ષણ બધાને ફરજિયાત કરવાને આ જમાના પૂરતી આવશ્યકતા માની શકાય. પરંતુ, તે સિવાય બીજી ભાષાઓ કેવળ ભાષાના ખાસ વિદ્યાર્થીઓ જ શીખે; અને તે ઉચ્ચ શિક્ષણ લેવા માંડયા પછી જ.

ધાર્મિકવૃત્તિ તથા ચારિત્રની ઉન્નતિ કે આત્મજ્ઞાન માટે પ્રાચીન ભાષાઓનું જ્ઞાન આવશ્યક નથી; વ્યવહારો ચલાવવા માટે અનેક ભાષાઓનાં વ્યવસ્થિત – વ્યાકરણબદ્ધ શિક્ષણની જરૂર નથી. કેટલીક ભાષાઓ કેવળ સમજતાં અને વાંચી લેતાં આવડે એટલું બસ થાય છે; એમાં લખતાં અને બોલતાં આવડવાની જરૂર નથી.

પ્રાંતીય ભાષા અને હિંદુસ્તાનીના વ્યવસ્થિત શિક્ષણમાં તે ભાષાના જ વ્યાકરણરૂપે તેની રચનામાં ઈંટ–ચૂનો–રેતી વગેરે રૂપે બનેલી પ્રાચીન કે અર્વાચીન ભાષાઓનાં આવશ્યક અંગોનો સમાવેશ થવો જોઈએ. એ માટે દરેકને તે પ્રાચીન કે અર્વાચીન ભાષાઓ જ શીખવી જરૂરી નથી.

જો ભાષાજ્ઞાનનો મહિમા અને તેને લગતા વહેમો ઓછા ન થાય તો ઉદ્યોગપરાયણ, વ્યવહારકુશળ અને પ્રસન્ન (તાજી) બુદ્ધિની પ્રજા નિર્માણ થવી કઠણ છે. ગમે તેટલી ફરિયાદ કરીએ, પંડિતાઈ અને તર્કકુશળતા જ શિક્ષણમાં અગ્રસ્થાન લેશે.