સરળ અલંકાર-વિવેચન/અલંકાર-ચર્ચા--શબ્દાલંકાર
આગળ આપણે જોઈ ગયા છીએ તે પ્રમાણે અલંકાર માત્ર વાણીને જ નહિ પણ વક્તવ્યને શોભાવવા—ખરું કહીએ તો માત્ર શોભાવવા નહિ પણ સચોટ બનાવવા—યોજાતા હોય છે. અલંકારોને બીજી રીતે આપણે ભાવ-પ્રતીકો પણ કહી શકીએ; કેમકે કવિ જે વિશિષ્ટ અલંકારનો ઉપયોગ કરતો હોય છે તે અલંકાર ખરું જોતાં ભાવનું વિશિષ્ટ ને ઉત્કૃષ્ટ પ્રતીક પણ બનતો હોય છે, બનવો જોઈએ. આ અલંકારો બે પ્રકારના હોય છે : શબ્દાલંકાર અને અર્થાલંકાર. જે અલંકારની રચના મુખ્યત્વે શબ્દને જ અવલંબીને થતી હોય છે, અર્થાત્ જે અલંકારને અર્થ કરતાં શબ્દ સાથે જ સીધો સંબંધ હોય છે, તે અલંકાર શબ્દાલંકાર કહેવાય. આવા શબ્દાલંકારો અનેક છે. પણ આપણી આ બધી ચર્ચા પરથી જણાયું હશે તેમ, જે અલંકારને અર્થ સાથે, ભાવ સાથે, કવિતાના આત્મા સાથે સંબંધ નથી, માત્ર શબ્દ સાથે સંબંધ છે, તેવા અલંકાર બહુ ઊંચી કોટિના ગણી શકાય નહિ. આવા શબ્દાલંકારોના વધુ પડતા પ્રયોગથી કવિતાનું સાચું તત્ત્વ ઘણીવાર હણાતું હોય છે ને કવિતા કૃત્રિમ, કરામતી, કારીગરીરૂપ બની જતી હોય છે. અલબત્ત કવિતામાં શબ્દનુંયે મહત્ત્વ છે જ. પ્રત્યેક શબ્દને જેમ પોતીકી અર્થચ્છટા છે તેમ પોતીકું સૌંદર્ય પણ છે. સાચો અને સારો કવિ આવા શબ્દો પાસેથી ધાર્યું કામ લે છે, કહો કે તેનો કસ બરાબર કાઢે છે. નીચેનાં ઉદાહરણોથી આ બધું સ્પષ્ટ થશે. કહેવાતી પ્રેમાનંદની કૃતિ (હવે તો તે અપ્રેમાનંદીય છે એ જ સિદ્ધ છે.) “દ્રૌપદીહરણ”માંની આ પંક્તિઓ વાંચો :
દીઠી દાસી પડી કુમાં વિલપતી, જે જ્યાં અતિશે રડી
કોલુમાં ધરી પીલતાં દીન થઈ જાણે હશે શેરડી;
પૂછે સારથિ દ્રૌપદી-પ્રિય સતી દાસી અરે શે રડી,
જો આ પાંડુ સૂનુ પૂછે વદ સખે વેરી સ્ત્રી રે’શે રડી.
આ ચારે પંક્તિમાં આવતા છેવટના ત્રણે અક્ષરો ‘શેરડી’ શબ્દની જુદી જુદી ગોઠવણીથી જુદા જુદા અર્થ ઊપજાવે છે, તે જણાશે. પરંતુ એથી કાવ્યમાં કશી ચમત્કૃતિ-રસની ચમત્કૃતિ-આવતી નથી ને ચિત્તને ઊલટો કલેશ થાય છે. ‘લીમડી ગામે ગાડી મલી’ જેવી રચના, જે આગળ પાછળથી, ગમે તે બાજુથી વાંચો તોયે એની એ જ લાગે, એમાં માત્ર શબ્દરચનાનો વિલાસ છે, પણ ભાવની કશી ઉદાત્તતા તેમાં નથી એ સ્પષ્ટ છે. કુશળ કવિ મોટે ભાગે આવા શબ્દવિલાસ કે શબ્દચ્છલમાં પડતો નથી. એવી જ કચાશવાળી કલાપીની આ પંક્તિ જુઓઃ ‘હમોને ના તમા તારી, હમો ના નાતમાં તારી.’ છતાં અપવાદરૂપે શ્રી. ઉમાશંકર જોષીએ ‘સમરકંદ બુખારા’માં
‘જોયું નકશામાં તે જાણે જોયું ન કશામાં’.
આવી શબ્દરમતનો ખૂબ સ્વાભાવિક ને મનોહર—બાલમાનસના અચ્છા પ્રતિબિંબરૂપે—પ્રયોગ કર્યો છે, તે નોંધવા જેવું છે. એવો જ એમનો બીજો સુંદર પ્રયોગ જુઓ : ‘ઉરદીવડે સ્નેહ પૂરંતી રડશે કંપતી કોક કુમારી.’ (ગંગોત્રી) ‘સ્નેહ’નો અર્થ શ્લેષથી અહીં ‘તેલ’ પણ છે. અંતર્લાપિકા, બહિર્લાપિકા, જુદા જુદા પ્રબંધોરૂપ આવી રચના ઘણી થઈ છે, પણ આપણે અહીં તેની ચર્ચા આટલેથી જ અટકાવીશું. ત્યારે કવિતાના હાર્દને અનુકૂળ શબ્દાલંકાર બે ગણાવી શકાય. (૧) યમક અને (૨) અનુપ્રાસ. આ અલંકારોનું ભયસ્થાન એ છે કે એમાં કૃત્રિમતા અથવા અતિશયતા ન આવવી જોઈએ. વાક્યે વાક્યે યમક ને અનુપ્રાસ આવે તો આપણું ચિત્ત માત્ર શબ્દચમત્કૃતિ તરફ ખેંચાઈને બંધાઈ રહે ને ભાવાસ્વાદ કરી શકે નહિ; કવિ પોતે પણ જો આની અતિશયતામાં સરકી પડે તો ભાવની સમૃદ્ધિ કે સુંદરતાનો ભોગ જ આપવો પડે.