સરળ અલંકાર-વિવેચન/યમક

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(૧) યમક :

‘યમક’ને સાધારણ રીતે ‘ઝડઝમક’માં આવતા ‘ઝમક’ નામથી પણ ઓળખવામાં આવે છે. ‘યમક’ અથવા ‘ઝમક’ જેને આપણે કહીએ છીએ તેમાં એક શબ્દ અથવા શબ્દખંડ રચનામાં બેવડાતો હોય છે ને તેનો અર્થ કવચિત્ જુદો થતો હોવા છતાં શબ્દ અથવા શબ્દખંડની આવી પુનરુક્તિ કવિતામાં રમણીયતા સર્જે છે. જેમકે :

ઘોરે જેવો મહાઘોરે ઘેરો તોફાનનો ધ્વનિ,
સમસ્ત જીવન કેરો ઘોરે એવો મહાધ્વનિ.

(ચિત્રદર્શનો)

આ પંક્તિમાં ‘ઘોરે’ શબ્દની ત્રણવાર પુનરુક્તિ અને ‘ઘેરો’ શબ્દ સાથેનું તેનું ઉચ્ચારસામ્ય એક જાતની સંવાદી નાદ-રમણીયતા સર્જે છે. અથવા નીચેની પંક્તિઓ જુઓ :

વસંત આવો હસંત, અંતરકુંજ કરો વિમળા વિકસંત,
શોકજર્જરિત ઇહ જીવનમાં રમો અમર યૌવન વિલસંત.

(પારિજાત)

આ પંક્તિઓમાં વસંત, હસંત, વિકસંત ને વિલસંત એ શબ્દોમાં ‘સંત’ શબ્દની યમક દ્વારા થતી પુનરુક્તિ રચનામાં રમણીયતા લાવે છે તે દેખાશે. શ્રી. ઉમાશંકરની નીચેની પંક્તિઓમાં યમક અલંકાર કેટલી સહજ રીતે ને છતાં કાવ્યના આંતરિક સૌંદર્યને હણ્યા વિના આવ્યો છે તે જણાશે :

કુંજે ને પુષ્પપુંજે, ગિરિવર-કુહરે, નિર્ઝરોનાં નૂપુરે,
સિંધુસ્રોતે પ્રચંડે, જલધિજલતરંગે, દિશાઅંતરાલે,
પંખીગાને સુરીલે, વન-રણ–ગગને, તારકાવૃંદસૂરે,
સન્મંત્રો ગુંજતા’તા સરલ, શુભ, સ્વયં સૃષ્ટિને બાલ્યકાલે.

(ગંગોત્રી)

પ્રેમાનંદ પણ આ અલંકારનો સુભગ પ્રયોગ અવારનવાર કરે છે. આવી રચના આખ્યાનમાં સંગીત-તત્ત્વને પોષક અને અનુકૂળ પણ બનતી હતી :

નૃપ ભીમકતનયા, રૂપ બનયા, રસીલી રંગપૂરણા,
નર–અંગના, દેવાંગના, માનની મનમદ-ચૂરણા.
દુખમોચની, મૃગલોચની, છે લલિત લક્ષણવંતી એ;...

(નળાખ્યાન)