સરળ અલંકાર-વિવેચન/ભ્રાન્તિમાન

(૧૩) ભ્રાન્તિમાન :

ભ્રાન્તિ-ભ્રમ-આ અલંકારના મૂળમાં છે. જ્યારે એક વસ્તુને કોઈ બીજી વસ્તુ–બે વચ્ચેના સરખાપણાને લીધે—માની લેવામાં આવે, ત્યારે આ અલંકાર થાય છે. બીજી રીતે કહીએ તો ઉપમેયને ઉપમેય ન ગણતાં, ઉપમાન માની લેવામાં આવે, સાચેસાચ ભ્રાન્તિથી, ત્યારે ભ્રાન્તિમાન અલંકાર થાય. સ્મરણાલંકારમાં જેમ તુલના-સરખામણી-બે પદાર્થો વચ્ચે રહેલી છે, તેવું જ અહીં પણ છે. પણ સ્મરણાલંકારમાં એક જ પદાર્થ વર્તમાનમાં હોય છે, બીજાનું અસ્તિત્વ નથી હેતું, તે ભૂતકાળનો અવશેષ થવાથી; જ્યારે અહીં તો ભ્રાન્તિથી એક વસ્તુને બીજી-સત્ વસ્તુને-અસત્ વસ્તુ-માની લેવાતી હોય છે. આ દૃષ્ટિએ જોઈએ તો છીપોલીમાં રજતની ભ્રાન્તિ કે દોરડામાં સર્પની ભ્રાન્તિ, ભ્રાન્તિમાન અલંકારનું ઉદાહરણ બની શકે; પણ તેમાં નવીનતા ન હોવાથી એ યોગ્ય ઉદાહરણ નથી. નીચેનાં ઉદાહરણો ભ્રાન્તિમાન અલંકારનાં છે. “વનભૂમિમાં સ્નિગ્ધશ્યામ વર્ણના રામને જોઈ શ્યામ મેઘની ધારણાથી, મયૂરો નૃત્ય કરે છે.” અહીં મયૂરોને રામમાં શ્યામ મેઘની ભ્રાન્તિ થાય છે, માટે ભ્રાન્તિમાન અલંકાર થયો. એવું જ નીચેનું ઉદાહરણ છે : ઠામમાં પડતાં ચંદ્રનાં કિરણોને દૂધ માનીને બિલાડી ચાટવા જાય છે ને વૃક્ષોની જાળીઓમાંથી સરતાં ચંદ્રકિરણોને કમળતંતુ માનીને હાથી પકડવા જાય છે ! નીચેના ઉદાહરણમાં પરસ્પરની ભ્રાન્તિમાંથી જન્મતી ચમત્કારકતા જુઓ : અહો, ભમરો પલાશમુકુલ માનીને પોપટની ચાંચ પર પડે છે ને પોપટ ભમરાને જાંબુ માનીને પકડવા જાય છે ! “વન-ગજોના કર્ણનો મનોહર તાલશબ્દ સાંભળી મયૂરમંડળ નાચી ઊઠતું હતું.” (કાદંબરી) અહીં અસંખ્ય હાથીના કાનના પછડાટમાં મયૂરોને મેઘગર્જનની ભ્રાન્તિ થાય છે, માટે ભ્રાન્તિમાન અલંકાર છે.