સરળ અલંકાર-વિવેચન/સ્મરણ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(૧૨) સ્મરણ :

એક પદાર્થ કે વસ્તુને દેખતાં તેને બરોબર મળતી, પૂર્વે જોયેલી, અનુભવેલી, કોઈ એવી જ વસ્તુનું તાદૃશ સ્મરણ થાય ત્યારે સ્મરણ અલંકાર ઉદ્ભવે છે. આમ સ્મરણાલંકારમાં સ્મૃતિ મુખ્ય ભાગ ભજવે છે. એટલે સ્મરણાલંકારમાં, પહેલાં કરેલો કોઈ અનુભવ કે દર્શન મહત્ત્વનું બને છે; ભૂતકાળના કોઈ અનુભવ કે પદાર્થોને મળતો જ પદાર્થ ફરી જોવા કે અનુભવવામાં આવે છે; ને તેથી તુલના દ્વારા પેલા ભૂતકાળના પદાર્થનું તીવ્ર સ્મરણ થાય છે. આમ તુલનાનું તત્ત્વ સ્મરણ અલંકારમાં રહેલું છે તે પણ ભૂલવું ન જઈએ. હવે આપણે થોડાં ઉદાહરણો જોઈએ. “હું ઘેર ગયો. મારા ભાઈના પત્રમાં દરિયાનું વર્ણન જોઈ મને દરિયો ખૂબ યાદ આવ્યો.’—આ સ્મરણાલંકાર નથી, કેમકે અહીં પત્ર વાંચનારનો પોતાનો કોઈ ભૂતકાળનો અનુભવ નથી, કશી સમાનતા પણ નથી; દરિયાનું વર્ણન વાંચી એનો એ દરિયો જ યાદ આવે, એમાં અલંકારત્વ કશું નથી. એવો જ આ દાખલો જુઓ: ‘રાઈના પર્વત’માં વંજુલમિશ્ર નામનું વિદૂષકનું પાત્ર સંવાદમાં કહે છે કે “મને રાઈ (જાલકાનો પુત્ર જગદીપ) જોઈને રાઈમાં દીધેલું સૂરણ યાદ આવતું હતું. સાચો સ્મરણાલંકાર તો એજ.” અહીં સ્મરણાલંકાર છે ખરો; પણ તેમાં ગૌરવ નથી, હીનોક્તિ છે. રાઈનું ગૌરવ કરવું, તેનો પ્રભાવ સિદ્ધ કરવો, એ લેખકનો-નાટ્યકારનો આશય છે: તેથી રાઈ જેવા રાજકુમારના દર્શનથી રાઈ દીધેલું સૂરણ યાદ આવે એ હાસ્યપ્રધાન ઉક્તિ તરીકે ઠીક છે, પણ આ સ્મરણાલંકારમાં ગૌરવ નથી. ઉપરનાં ઉદાહરણોની તુલનામાં આ દષ્ટાંતો જુઓ: “નદીનાં શાંત પાણી ધીમે ધીમે ઘોધ તરફ જતાં જોઈ મારા મનમાં બલિદાન માટે જતાં ઘેટાંનાં ઝુંડનું ચિત્ર ખડું થયું.” (લોકમાતા) —અહીં જોગના ધોધ તરફ ધપતાં ને તેમાં પડીને છેવટે વિલીન થતાં નદીનાં પાણી જોઈને કાકાસાહેબને બલિદાન માટે જતાં ઘેટાંની યાદ આવે છે, માટે આ સ્મરણાલંકાર કહેવાય. ‘લોકમાતા’માંનો આ બીજો દૃષ્ટાંત પણ શુદ્ધ સ્મરણાલંકાર છે : “અત્યારે એ ઐરાવતીના પ્રવાસનું સ્મરણ કરું છું ત્યારે ચાણોદ કર્નાળીનો દ્રૌપદી સમી નર્મદાનો પ્રવાસ, સીતા સમી તાપીનો સાગરસંગમ સુધીનો પ્રવાસ, કાશીતલવાહિની ભારતમાતા ગંગાનો પ્રવાસ, મથુરા વૃંદાવનનો કૃષ્ણસખી કાલિંદીનો પ્રવાસ.. ...એક સામટા યાદ આવે છે.” અહીં એક નદીના દર્શનથી લેખકને તેવી જ બીજી નદીનું કાવ્યમય સ્મરણ થાય છે, માટે આ સ્મરણાલંકાર છે. ‘સરસ્વતીચંદ્ર’માંનું નીચેનું ઉદાહરણ પણ સ્મરણાલંકારનું છે : “...ઘીના દીવા બે પાસ બે દીવીઓમાં બળી રહ્યા છે, અગરબત્તીનો ધૂપ આખો ખંડ સુવાસિત કરે છે. યોગીશ્વરી જેવી પતિવ્રતા સૌભાગ્યદેવીને જોઈ નવીનચંદ્રને ‘કાદંબરી’માંની મહાશ્વેતા સ્મરણમાં આવી.”