સરળ અલંકાર-વિવેચન/સમાસોક્તિ

(૧૧) સમાસોક્તિ:

સમાસ દ્વારા એટલે કે લાઘવદ્વારા-સંક્ષેપ દ્વારા-ઉક્તિ તે સમાસોક્તિ. સમાસોક્તિ અપ્રસ્તુતપ્રશંસાને મળતી છે, પણ તેનાથી બરોબર ઊલટી છે. અપ્રસ્તુતપ્રશંસામાં અપ્રસ્તુતના કથનદ્વારા પ્રસ્તુતનું સૂચન થતું હોય છે, ત્યારે સમાસોક્તિમાં પ્રસ્તુત વસ્તુ વિશે કથન કરતાં, તે માટે વપરાયેલાં વિશેષણોને લીધે કોઈ બીજી-અપ્રસ્તુત વસ્તુ-સૂચવાય છે. આવાં વિશેષણો કોઈવાર શ્લેષપૂર્ણ (બે અર્થવાળાં) હોય છે; કોઈવાર શ્લેષ વિના પણ સાદાં વિશેષણોથી બીજો અપ્રસ્તુત અર્થ સૂચવાતો હોય છે. નીચેનાં ઉદાહરણો જુઓ:

છૂપી ઊંઘે ઘનપડ મહીં તારલા વ્યોમ–અંકે
નિદ્રા મીઠી ગિરિ નદ અને વિશ્વ આખુંય લે છે.
ને રૂપેરી શ્રમિત દીસતી વીજળી એક સ્થાને,
સૂતી સૂતી હસતી મધુરું સ્વપ્નમાંહીં દીસે છે.

(કલાપીને કેકારવ)

અહીં ‘બિલ્વમંગળ’માં આમ તો કુદરતનું જ વર્ણન છે. પણ ‘શ્રમિત દીસતી’, ‘સૂતી સૂતી હસતી મધુરું’ વગેરે વિશેષણો એવાં છે જે દ્વારા વીજળીમાં કોઈ શૃંગારરસિક સ્ત્રીનું આરોપણ થયું હોય ને તેથી શૃંગારરસિક યુવતીનું સૂચન થતું હોય તેમ લાગે; અને કવિ આવું સૂચવવા માગે પણ છે. માટે આ સમાસોક્તિનું ઉદાહરણ છે.

માથે, જાણે નિજ નિરખતાં નમ્ર કાંતિ કદાપિ
જાગે સૃષ્ટિ, કુસુમવસને, તેથી જ્યોત્સના લપાતી;
ને બીડેલા કમલ મહીં બંધાઈ સૌંદર્યઘેલો
ડોલે લોટે અલિ મૃદુ પદે, વાય આ વાયુ તેવો.

(ભણકાર)

અહીં જુદા જુદા અલંકારો રહેલા છે. પરંતુ તેમાંનો એક સમાસોક્તિ પણ છે. કેમકે કવિને ‘ભણકારા’ કાવ્યમાં નર્મદા નદી ને તેની આસપાસનું વર્ણન જ ઉદ્દિષ્ટ છે: પણ તે વર્ણન એવી રીતે કર્યું છે જેથી જ્યોત્સનાદ્વારા અપ્રસ્તુત નાયિકાનું સૂચન થાય છે. તે જ પ્રમાણે કમલ ને અલિ દ્વારા પણ નાયકનાયિકાના શૃંગારનું સૂચન થાય છે, માટે આ સમાસોક્તિ છે. સ્વ. રામનારાયણ પાઠકે દર્શાવ્યું છે તેમ કાન્તની નીચેની પંક્તિઓમાંથી પણ પ્રસ્તુત નદીના વર્ણન ઉપરાંત અપ્રસ્તુત (સુંદર સ્ત્રીનો) અર્થો ધ્વનિત થાય છે.

તરંગોનાં સ્વપ્નસ્મિત સરિતમાં જ્યાં વિલસતાં,
વિલોકીને વેર્યો વિમલ કુસુમોનો ગણ, અને
સરી ચાલ્યો તે તો રસિક રમણીના ઉર પરે,
અને ત્યાં પાસેનાં તરુવર રહ્યાં ઉત્સુક બની !

નદી ઉપરાંત તરુવરો દ્વારા પણ (નદી દ્વારા સૂચિત જેમ રસિક રમણી છે, તેમ) પ્રેમોત્સુક પુરુષોનું સૂચન થતું જણાય છે.