સરળ અલંકાર-વિવેચન/સર્જક-પરિચય

સર્જક-પરિચય

ઉપેન્દ્ર છગનલાલ પંડ્યા (જ. ૨૫-૧૨-૧૯૧૯; અવ. ૧૩-૧૧-૧૯૯૮): વિદ્યાર્થીવત્સલ અધ્યાપક ઉપેન્દ્ર છ. પંડ્યા વિવેચક અને સંપાદક તરીકે પણ સતત કાર્યશીલ રહ્યા છે. એમનો જન્મ સાક્ષરભૂમિ નડિયાદમાં થયેલો. એમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પણ ત્યાં જ મેળવ્યું. ૧૯૩૭માં તેઓ મૅટ્રિક થઈ અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે, પ્રથમ વર્ગ મેળવીને ૧૯૪૧માં બી.એ. થયા અને ૧૯૪૩માં એમ.એ. કર્યું. સંસ્કૃતના વિદ્વાન પિતા છગનલાલ પંડ્યા તથા મામા ગોવર્ધનરામ ત્રિપાઠી તરફથી સાહિત્યના સંસ્કારો એમને વારસામાં મળ્યા હોઈને પૌરસ્ત્ય અને પાશ્ચાત્ય સાહિત્યવિવેચનના સિદ્ધાંતો‌ — તેમની તુલના અને ગુજરાતી વિવેચનસાહિત્યમાં વિનિયોગ, એ વિષય પર સંશોધન-અભ્યાસ કરીને ૧૯૭૩માં તેઓ પીએચ.ડી. થયા. એમ.એ. પછી ૧૯૪૩માં તેઓ મુંબઈની પ્રકાશનસંસ્થા એન. એમ. ત્રિપાઠી લિ.માં જોડાયા અને ત્યાર બાદ એક વર્ષ એમણે ભારતીય વિદ્યાભવન, મુંબઈમાં અધ્યાપનકાર્ય કર્યું. ૧૯૪૫થી ૧૯૭૪ સુધી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવાઓ આપી અને ૧૯૭૪થી ૧૯૭૭ દરમિયાન એ જ કૉલેજમાં આચાર્ય તરીકે ફરજ બજાવી. ૧૯૭૭થી ૧૯૭૯ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષાસાહિત્યભવનમાં રીડર તરીકે રહ્યા અને ૧૯૭૯માં નિવૃત્ત થયા. એમનું અવસાન રાજકોટમાં થયું.

– નીતિન વડગામા
‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ (ગ્રંથ ૬)માંથી સાભાર