સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/સંક્ષેપકારનું નિવેદન

સંક્ષેપકારનું નિવેદન

રામાયણ, મહાભારત, કાદંબરીના સંક્ષેપ આપણે ત્યાં થયા છે. જગતની શ્રેષ્ઠ અતિકાય કે મહાકાય કૃતિઓના સંક્ષેપ દેશદેશમાં થાય છે; તે મુજબ લગભગ ૧૮૦૦ (ક્રાઉન કદ, ર૦૦૦ ઉપરાંત) પાનાંની મહાકાય નવલકથા ‘સરસ્વતીચંદ્રનો સંક્ષેપ થાય, તો બે ભાગ પછી હવે ઉપેક્ષિત બનતી આ મહાનવલ જનતા માટે વધુ ઉપભોગ્ય બને, સંસ્કારી વાચક આ નાનકડા સંક્ષેપ પરથી મૂળને વિસારે ન પાડતાં એ મહાનવલ વાંચવા કદાચ વધુ પ્રેરાય; આવી માન્યતાથી પ્રેરાઈને ‘સરસ્વતીચંદ્ર’ની મૂળ કથા-સરસ્વતીચંદ્ર-કુમુદવાળું કથાવસ્તુ જ – સ્વ. ગોવર્ધનરામની અનુપમ સૌન્દર્યસર્જક શૈલીમાં રજૂ કરવા પ્રસ્તુત સંક્ષેપ દ્વારા નમ્ર પ્રામાણિક પ્રયત્ન કર્યો છે. એટલે જ વસ્તુસંકલનાના બીજા બધા તાણાવાણા, આડકથાઓ કે તત્ત્વચર્ચાઓ વગેરે છોડી દેવું પડ્યું છે. એ રીતે આ મૂળનો સર્વાંગસંક્ષેપ નથી, માત્ર મૂળ કથાનો જ કથારૂપ સંક્ષેપ છે. પ્રકરણોને જ્યાં જ્યાં સાંધવા-સાંકળવાં પડ્યાં ત્યાં ત્યાં નછૂટકે તેમ કર્યું છે. (કેમ કે મૂળ સાથે છૂટ ઓછામાં ઓછી લેવી, નછૂટકે જ લેવી, એ નિયમ રાખ્યો છે.) અનિવાર્ય જણાતાં કદીક પ્રકરણોનો ક્રમ ઉલટાવ્યો છે; ને નવાં શીર્ષકો પણ આપવાં પડ્યાં છે. ક્યાંક ગાંઠનાં વાક્ય મૂકવાં પડ્યાં છે, કેમ કે સારગ્રહી રીતિ પણ ક્યાંક ક્યાંક સ્વીકારી છે. અતિ ઉદ્દીપક ચિત્રો જતાં કર્યાં છે કે ટૂંકાવ્યાં છે. કઠિન શબ્દોના અર્થ નીચે પાદનોંધમાં આપ્યા છે. જોડણી ઘણે અંશે અર્વાચીન રાખી છે. ‘સરસ્વતીચંદ્ર'ની અનેક આવૃત્તિઓ થઈ છે. તેથી પાઠાંતરો ને મુદ્રણદોષોની મુશ્કેલીઓ જે અહીં નડી છે, તેનું તો માત્ર સૂચન કરું છું. મૂળનું સૌન્દર્ય, સામર્થ્ય, સર્જકત્વ બને તેટલું અખંડકલ્પ રાખી તે સંક્ષેપમાં ઉતારવા પ્રયત્ન કર્યો છે. જોકે તે તો, નાનકડી છીપોલી ગગનમાં ચોમેર ઘૂમતા ઘનશ્યામ મેઘનાં જળને ઝીલવા મથે તેવો જ! ભિન્ન ભિન્ન રૂચિ અનુસાર શું રાખવા જેવું હતું ને શું કાઢી નાખવા જેવું હતું, એ હેયોપાદેય વિશે ઘણાને મતભેદ પણ રહે. તે અંગે કોઈ ભારે મોટી કસૂર થઈ ગઈ હોય તો અધિકારી વાચકવર્ગની ક્ષમા જ માગવી રહે છે, કેમ કે મારે માટે તો આ એક ઘણું મોટું સાહસ છે  ને તેથી ન્યાય કરવાની વાત તો ક્યાં કરું, પણ આ મહાસર્જકની પ્રતિભાપ્રભાને જો ઓછામાં ઓછો અન્યાય થયો હોય, તો તેયે મારે માટે ઘણું છે. બાકી, મારા વડીલ બંધુ સ્વ. શ્રી કાન્તિલાલ છગનલાલ પંડ્યાએ સ્વ. શ્રી ગોવર્ધનરામ(મામા)નું જીવનચરિત્ર લખ્યું ને મારા સરખાને ‘સરસ્વતીચંદ્ર’નો કથારૂપ સંક્ષેપ કરવાનો થયો, એ તો મારા જીવનનું પરમ સદ્ભાગ્ય સમજું છું. ‘સરસ્વતીચંદ્ર’ની પૂર્ણાહુતિની અર્ધશતાબ્દીએ આ સંક્ષેપ પ્રગટ થાય છે, એ પણ એક યોગાનુયોગ છે! એક પ્રતીતિ આ લખનારને અવશ્ય થઈ છે. ‘સરસ્વતીચંદ્ર’નો વિસ્તાર મહાકાન્તાર જેવો સંકુલ, અટપટો ને ભુલભુલામણો છે ખરો; પણ એ મહાકાન્તારમાંયે કલાપૂર્ણ નવલકથાનું નંદનવન વિલસે છે ખરું. પ્રસ્તુત સંક્ષેપથી આ પ્રતીતિ વાચકોને – નવયુવક-યુવતીઓને વધુ સારી રીતે થઈ શકે ખરી? આ તો માત્ર કથારૂપ સંક્ષેપ છે. સ્વ. ગોવર્ધનરામને મને કથા તો મહત્ત્વની હોવા છતાં ગૌણ હતી, વક્તવ્ય જ મુખ્ય હતું. એ દૃષ્ટિએ ‘સરસ્વતીચંદ્ર'નો મૂલાનુસારી બૃહતસંક્ષેપ મારા વિદ્યાગુરુ પ્રા. શ્રી અનંતરાય મ. રાવળ સાથે કરવાની યોજના તો છે. એ દિશામાં કાર્ય પણ શરૂ કર્યું છે. અહીં મારા બે પૂજ્ય ગુરુઓ પ્રત્યે અંતરની કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. ગુજરાતના સમર્થ વિવેચક શ્રી પાઠકસાહેબે એમની અનેક જવાબદારીભરી પ્રવૃત્તિઓમાં ‘આમુખ' લખવાનું સોત્સાહ સ્વીકાર્યું ને એ રીતે એમના જેવા શક્તિશાળી મૌલિક વિચારનાં સૂચનોનો લાભ મળ્યો તે માટે ખરેખર ઉપકૃત છું. ‘સરસ્વતીચંદ્ર'ના ઊંડા અભ્યાસી પ્રો. અનંતરાય રાવળે આ કથારૂપ સંક્ષેપ આત્મીયભાવે ચીવટથી વાંચી જઈ મને જે સૂચનો કર્યાં છે ને મારામાં આ કાર્ય માટે જે પુરુષાર્થ ને પ્રેરણા જગાવ્યાં છે તે માટે એમનો આભાર જેટલો માનું તેટલો ઓછો છે. સાક્ષર શ્રી બળવંતરાય ઠાકોર વગેરે જે વિદ્વાન સાહિત્યકારોએ ને અધ્યાપક બંધુઓએ આ કાર્યના આરંભમાં એમની વિચારણાનો લાભ મને આપ્યો છે તેમનું સૌનું ઋણ પણ સ્વીકારું છું. આ સંક્ષેપના પ્રકાશન અંગે મુ. શ્રી. રમણીયરામ ગો. ત્રિપાઠીએ મને સંમતિ આપી છે ને વખતોવખત સૂચનો કર્યાં છે તે માટે તેમનોય આભારી છું. છેવટે, આ પ્રયત્ન સર્વથા દરિદ્ર કે વામણો નહિ ગણાય એવી આશા સાથે, સૌ વાચકો, વિવેચકો ને અભ્યાસીઓનાં સૂચનો ને સમભાવને યાચતો, જેવો છે તેવો આ સંક્ષેપ ગુજરાતને ચરણે સાદર રજૂ કરું છું. બલવદપિ શિક્ષિતાનામાત્મન્યપ્રત્યયં ચેત:! ત્યાં મારા જેવાની તે શી વાત?

ઉપેન્દ્ર છ. પંડ્યા

ભાવનગર, 
૨૭-૭-૫૧

બીજી આવૃત્તિનું નિવેદન

સરસ્વતીચંદ્ર'ના સંક્ષેપની આ બીજી આવૃત્તિ એક-દોઢ વર્ષમાં જ ફરી પ્રગટ થાય છે, એ તો ‘સરસ્વતીચંદ્ર' પ્રત્યેના ગુજરાતના અસાધારણ આદર અને અનુરાગનો જ પડઘો છે. ગુજરાતની જનતાએ તથા વિવિધ વિદ્યાસંસ્થાઓએ આ ગ્રંથને જે આવકાર આપ્યો છે, તે માટે સૌનો અંત:કરણથી આભાર માનું છું. બીજી આવૃત્તિમાં કેટલાંક સ્થળે જે નાનામોટા ઉમેરારૂપ સુધારા કર્યા છે, તે જિજ્ઞાસુ જાતે જ જોઈ લેશે એવી આશા છે.

ઉપેન્દ્ર છ. પંડ્યા

રાજકોટ, ૨૭-૧૧-૫૨

ત્રીજી આવૃત્તિનું નિવેદન

ઘણા લાંબા સમયગાળા પછી, ‘સરસ્વતીચંદ્ર’ના લઘુસંક્ષેપનું નવી આવૃત્તિ રૂપે આજે પુન: પ્રકાશન થાય તેથી સંતોષ અનુભવું છું. એન. એમ. ત્રિપાઠી કંપનીના મુખ્ય સંચાલક શ્રી દ્રુમનભાઈ ત્રિવેદીએ આ આવૃત્તિના પ્રકાશનમાં પહેલેથી જે રસ લીધો તેને કારણે જ વર્ષો બાદ આ પ્રકાશન શક્ય બન્યું છે. શ્રી અરવિંદભાઈ પંડ્યાએ તથા શ્રી ચંદ્રકાંતભાઈ યાજ્ઞિકે આ સંક્ષેપના મુદ્રણ પરત્વે જે ઉત્સાહ ને સહાયકવૃત્તિ દાખવ્યાં છે તે માટે તેમનો પણ ખૂબ આભારી છું. ઉપેન્દ્ર છ. પંડ્યા

રાજકોટ, 
૩૧-૫-૮૩