સહરાની ભવ્યતા/નિરંજન ભગત

નિરંજન ભગત


1959-60માં હું અમદાવાદની ઝેવિઅર્સ કૉલેજમાં ભણતો ત્યારે નિરંજનને જોયેલા. સ્કૂલ દરમિયાન શ્રી ભોળાભાઈ પટેલ મારા શિક્ષક તે તેમની સાથે રાજેન્દ્ર, નિરંજન, પ્રિયકાન્ત વગેરેનાં કાવ્યો વાંચેલાં. અહોભાવ અને ઊંડો આદર હતો. એક દિવસ હું શહેરમાંથી આવું. બસમાં નિરંજન ચડ્યા. મેં ઊભા થઈને મારી બેઠક એમના માટે ખાલી કરી. એમણે ના પાડી. હું એમને આગ્રહ કરું ને એ મને સમજાવે. કોઈપાછું ન પડ્યું. હું પણ ઊભો જ રહ્યો. મારી જગાએ કોઈ બીજું બેસી ગયું. નિરંજન અને અમદાવાદનો એક સાથે પરિચય હતો.

એમ. એ.ના અભ્યાસ દરમિયાન મેં નિરંજનના ‘અમદાવાદ’ કાવ્યનો હિન્દી અનુવાદ કર્યો. અનુમતિ માગી. બનતા સુધી એમનો જવાબ નહોતો આવ્યો. કાવ્ય છપાયેલું. પછી નજીકમાં મળવાનું થયેલું નહીં. થયા કરે કે આ માણસ કેમ મન આપતો જ નથી?

એમના પ્રેમ વિશે સાંભળેલું. એમણે કોઈને પ્રેમ કર્યો હશે એ માનવું આશ્વાસનરૂપ નીવડતું, આવો અતડો અને આત્મકેન્દ્રિત લાગતો માણસ કોઈને પ્રેમ કરી ચૂક્યો છે એમ માની લેવાથી એમના વ્યક્તિત્વ વિષે ઉદાર થઈ શકાતું. એ સિવાય પણ એમના પ્રેમ વિશેની કથાઓ–દંતકથાઓમાં ભારે રસ પડતો. ‘રે પ્રીત ભર્તુહરિના ફલમાં તું મૂર્ત. રે ધિક તને છલમયી છટ હા તું ધૂર્ત.’ એ પંક્તિઓ યાદ હતી અનેકાવ્યનાયક એમને જ ધારી રાખેલા. પ્રેમનો અનુભવ ન હોય તો આવાં કાવ્ય ક્યાંથી લખાય? પણ પછી તો સૌંદર્યાનુભૂતિની કંઈક સમજકેળવાઈ અને લૌકિક અનુભવ અને કલાની અનુભૂતિનો ભેદ કરવાનું સહજ બન્યું, નિરંજનના ભૂતકાળ વિશેનો રસ ઘટતો ગયો. પણએમનો વર્તમાન કાળ તો એટલો જ આકર્ષક કેમ કે જીવંત રહ્યો.

એ ગમે ત્યાં ગમે તેની સાથે વિવાદમાં ઊતરે. હારજીત નક્કી ન થાય ત્યાં પણ છેવટે થાકે તો સામેનો જ માણસ. એ સ્થળ કૉલેજનોઅધ્યાપક ખંડ હોય, રસ્તો હોય, બસ–સ્ટેન્ડ હોય, હૉટલ હોય, પોસ્ટ–ઑફિસની ટિકિટબારી હોય કે રિક્ષામાંથી ઊતરવાની કોઈ જગા હોય.

ત્યારે રિક્ષાનું ઓછામાં ઓછું ભાડું આઠ આના થતું. ટાઉન હૉલથી લૉ કૉલેજ જવાનું થાય તો રિક્ષા. એક દિવસ રિક્ષાવાળો એવો મળ્યો કેવધુ માગે. વધુનો હક બતાવે. સમજાવી શકાય એટલો સમજાવ્યો. પેલો ન સમજ્યો. અનુભવી હશે. પણ એવી ખોટી માગણી સંતોષે તોનિરંજન શેના? એમના હાથમાં રોકડો રૂપિયો હતો. એ મીટરના મશીન પર મૂક્યો. અને કહ્યું: ‘એક, બે ને ત્રણ કહું ત્યાં સુધીમાં આમાંથીઆઠ આના લેવા હોય તો લઈ લો, નહીંતર મારે કરવું હશે તે કરીશ.’ એ બોલ્યા: ‘એક બે ત્રણ.’ અને પેલા રિક્ષાવાળાએ એ રૂપિયો નઉપાડ્યો. એમણે ઉપાડીને સામેના બાગમાં ફેંકી દીધો અને કહ્યું: જાઓ. આઠ આના તમારા ગયા, આઠ આના મારા ગયા. રિક્ષાવાળો જોતોરહ્યો. અને એ પીરિયડ લેવા ચાલ્યા ગયા.

ઉમાશંકરના ભાઈ દેવુભાઈ, સ્વ. મડિયા, ભાનુભાઈ ત્રિવેદી અને નિરંજન ખાસ મિત્રો. ભાનુભાઈ તો મોટે ભાગે કૌંસમાં બોલે પણ બાકીત્રિમૂર્તિ ભારે ધમાલ કરે. કોઈ સાંસ્કૃતિક ક્ષેત્રના મહારથીની વાત હોય. એના એકાદ છૂપા દોષ વિશે માહિતી મળી હોય તો તૂટી પડે. ક્યારેક ઉમાશંકરની હાજરીમાં જ ઉગ્ર ચર્ચાઓ થાય અને પ્રતિમાખંડનનો કાર્યક્રમ અટકાવવામાં ઉમાશંકર સફળ ન પણ થાય. ઉમાશંકરનાવિરોધનેય એ ત્રિમૂર્તિ ન ગણે. પછી ઉમાશંકર પેલી વ્યક્તિ કે વિભૂતિ વિશે કંઈક કહે. અલબત્ત નકારાત્મક! ઓહો, આપણા કરતાં પણ એમાણસ વિશે ઉમાશંકર વધુ જાણે છે! ખુમારી ઘટી જાય અને ઊભરો શાંત થાય. પણ આવા પ્રસંગો તો સતત ઊભા થતા જ રહે. સ્થાપિતકે પ્રતિષ્ઠિત સામેનો નિરંજનનો વિરોધ બલ્કે વિદ્રોહ ગઈ કાલ સુધી અતિ ઉગ્ર હતો. મડિયા અને નિરંજને એક ‘ખોદણી–કોશ’ તૈયારકરેલો અને અધિકારપૂર્વક જાહેર કરેલું કે હવેથી કોઈને ખોદણી કરવાનો હક્ક નથી.

સાતમા દાયકામાં નિરંજનનું કાવ્યલેખન અટક્યું. વિવેચનસંગ્રહ અડધો છપાવેલો તે અટકાવી દીધો. છાપેલા ફર્માનું ખર્ચ પ્રકાશકના માથેરહેવા દીધેલું નહીં. કવિતા છૂટી એને કારણે, ઉપનિષદ આદિના વાચનના લીધે કે ગમે તે કારણે પણ નિરંજન અંતર્મુખ થતા ગયા. આગ્રહોની ધાર ઘસાઈ એની સાથે જ અજંપો ઓસરી ગયો. પૂર્વે કવિતામાં કહેતા ત્યારે અભિનિવેશથી કહેતા.

શૂન્યત્વ — માણસની ગેરહાજરી એ એમનો એક તીવ્ર અનુભવ છે. ‘ગાયત્રી’ કાવ્યનું એક કલ્પન મને બહુ ગમે છે:

કાફેમાં સામસામા બે અરીસા નિજને લહે,
શૂન્યત્વ એકબીજાનું અનંતે વિસ્તરી રહે.

સામસામે દોરાવા ત્રાંસા ગોઠવેલા અરીસાનાં અનંત પ્રતિબિંબ એ જાણીતો લૌકિક અનુભવ છે. પણ અહીં તો જેનું પ્રતિબિંબ પડે એ જગેરહાજર છે. જે હોય એ નથી. છે શૂન્ય. શૂન્યત્વનું પ્રતિબિંબ અનંતે વિસ્તરે છે. માત્ર સાક્ષી બનીને અરીસા એટલે કે આજની નાગરિકપરિસ્થિતિ આ ઊંડાણ પામતા ખાલીપાને જોઈ રહે છે અને માણસની ગેરહાજરીને પરિમાણ બક્ષે છે.

અધ્યાપક તરીકેની એમની નામનાથી કોણ અજાણ્યું છે? પણ એ આજના સાંખ્યવાદી શિક્ષણ–માળખાથી નિરાશ થઈ ગયેલા છે. અધ્યાપકમંડળના અમુક કાર્યક્રમો સ્વીકારી ન શકે, પરિણામે ગેરસમજ પણ થાય. દૂરથી જોનારને એ સંચાલક તરફી દેખાય, પણ જાણનાર જાણે કેહિતવાદીઓનો વિરોધ કરવાની એમની શક્તિ તો અકબંધ જ રહી છે, માત્ર રીત બદલાઈ છે, પાર્લામેન્ટના વિરોધપક્ષના સભ્ય ધમાલ કરેકે ‘સહ’ — કાર્યકરો ધમાલ કરે, એમને સૂગ ચડે. બોલે. વિસ્તારથી બોલે. છેવટે આશ્વાસન મેળવે: અનુભવથી શીખશે.

એક વાર મેં પૂછેલું: ‘તમને એકાંત સાલતું નથી?’ હું પ્રશ્નને વધુ સ્પષ્ટ કરવા જાઉં એ પહેલાં જ એમણે કહેલું: ‘શી ખાતરી કે પછી એકાંતબેવડાય નહીં?’

નિરંજન એકલા છે અને એમણે પોતાની એકલતાને પચાવવા માંડી છે તેથી લૌકિક ભૂમિકાએ એ એકલા નથી. મિત્રોમાંથી કોઈ સાજું–માંદુંહોય તો દોડી જાય. ગમે તે કૉલેજનો કોઈ ભલોભોળો છતાં ઉત્સાહી વિદ્યાર્થી કશુંક સમજવા માંગે તો એને કલાકો આપે. વચ્ચે બીજી બેકૉલેજોમાં અઠવાડિયે એક એક પીરિયડ લેવા જતા. કશું લેતા નહીં — રિક્ષાભાડું પણ નહીં. એવામાં સાઈકલ લાવેલા. પહોંચી જતા. નિવૃત્તથયા પછી વાયા ઇંગ્લેન્ડ ફ્રાન્સ જાય છે. ફ્રેંચ ભાષાની નીવડેલી કૃતિઓ ગુજરાતીમાં ઉતારશે. પ્રવાસ ડાયરી લખે છે. કદાચ છપાવે પણખરા.

ભાઈ અજિતના અકાળ અવસાનનો આઘાત જીરવવાનો હતો. એથીય વિશેષ તો બા એ આઘાત જીરવી શકે એ રીતે વર્તવાનું હતું. ભારેસંયમનો સમય હતો એ. ક્યારેક અજિતનો પત્ર કાઢ્યો હોય. જાણે નિરંજનના જ અક્ષર જોઈ લો. અજિત ઓછું બોલે, પણ શક્તિએઅસાધારણ. નાનો ભાઈ. એ દિવસોમાં જોઈ શકાયું હતું કે નિરંજનભાઈ અડધા નિરંજનનું મૃત્યુ જીરવી રહ્યા છે.

અજિતની જે કાંઈ બચત હતી તે, ઘર–ઘરેણાંની મિલકતમાંથી એનો જે કાંઈ ભાગ હોઈ શકત તે ઉમેરીને નિરંજને ટ્રસ્ટ કર્યું છે. એનું પહેલુંવ્યાખ્યાન આપવા પ્રો. ગોલબ્રેથ ભારત આવેલા. આ વ્યાખ્યાનશ્રેણીની પ્રતિષ્ઠા છે.

*

નિરંજનભાઈએ 1980માં સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિના સન્માન્ય સભ્યપદેથી રાજીનામું આપ્યું. સ્વાગત સમિતિએ સ્મરણિકાનાપ્રકાશનનો કાર્યક્રમ બાબુભાઈના પ્રમુખપદે રાખ્યો હતો એની એમને ખબર હતી. વાંધો ન હતો. પરંતુ સંમેલનના પ્રમુખ અને વિભાગીયપ્રમુખોનું રાજ્યના મુખ્યમંત્રી કે કોઈપણ ઇતર વ્યક્તિના હાથે સન્માન થાય એનું ઔચિત્ય એમના ગળે ઊતર્યું નહીં.

સાહિત્યકલાએ સ્વાયત્ત રહેવું જોઈએ. વ્યક્તિ–સ્વાતંત્ર્યના જેમ એ ઉગ્ર હિમાયતી છે તેમ કલાની સ્વાયત્તતાના પણ. રાજ્ય સરકાર કે કેન્દ્રસરકાર પ્રજાની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે આર્થિક મદદ કરે એ એની ફરજ છે. બદલામાં એણે સાહિત્ય કે કલાના કાર્યક્રમોમાં ઊંચું આસનમાગવાનું નહીં. દુર્ગાતાઈનાં રાજકીય પક્ષો વિશેનાં વિધાનોથી, જે. પી.ના કેટલાક ઉદ્ગારોથી એ ભારે અકળાયેલા. આ બે વ્યક્તિઓનાઅમુક ખ્યાલો વિશે આટલું નકારાત્મક મેં બીજા કોઈની પાસેથી સાંભળ્યું નથી. કદાચ બીજા કોઈની પાસે તો સાંભળી પણ ન શકું, લડી પડું. પણ નિરંજનભાઈ દ્વેષરહિત છે, નિર્મળ છે એની પ્રતીતિ હોવાથી એમને સાંભળતાં બેચેન થઈ જવાય ત્યારે વાતનો વિષય બદલું.

વાત તો શું, એ ઘણુંબધું છોડી શકે છે. બીજું તો ઠીક, એ કવિતા લખવાનું પણ છોડી શક્યા! એમને 1970ના વર્ષમાં રણજિતરામસુવર્ણચંદ્રક આપવાની જાહેરાત થઈ એની નોંધ મેં ‘ગ્રંથ’માંની મારી વૈશખનંદનની ડાયરીમાં આ રીતે લીધેલી: ‘કહે છે કે છેલ્લાં બારવર્ષથી એમણે કવિતા લખી નથી. એક તપ પૂરું થયું છે. એમના આ સંયમને ધ્યાનમાં લઈ ગુજરાતી સાહિત્ય સભાએ એમને રણજિતરામસુવર્ણચંદ્રક અર્પણ કરવાનો નિર્ણય લીધો છે.’ અહીં તો એવો ખાસ વ્યંગ–કટાક્ષ નથી પણ તમે નિરંજનના ભોગે સાચો કટાક્ષ કરીને સહુનીસાથે બલ્કે સહુથી વધુ એમને હસાવી શકો. એ કલાકો સુધી બોલી શકે છે એ સાચું છે. રણજિતરામ સુવર્ણચંદ્રક સ્વીકારતી વખતનું એમનુંવ્યાખ્યાન છપાતાં એક મોટું પુસ્તક બન્યું: ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’ એમની ગંભીરતા પ્રભાવક હોય છે. નજીકના મિત્રો જાણે છે કે એહસી–હસાવી પણ શકે છે.

નજીકના મિત્રો?

હા, જ્યારે જે એમની નજીક હોય તે મિત્ર. મોહમાયા હવે શક્ય નથી. એમના એકાંતમાં કોઈ પણ દાખલ થઈ શકે છે. પેલાં સાત પાત્રોને જનહિ, સિત્તેર પ્રકારના માણસોને એમના સમયમાં સ્થાન છે. વ્યાખ્યાન તૈયાર કરવાનું હોય તો પછી આખી રાત ક્યાં નથી? એ ઉજાગરા કરેકે પછી ઘરમાં બેસીને ઉગ્ર ચર્ચાઓ કરે એની સામે એમનાં માતુશ્રી મેનાબહેનને વાંધો નહોતો, માત્ર બહાર જાય તો કહ્યા મુજબ આવીજાય. જવામાં તો એ સમય સાચવે છે પણ પાછા આવવામાં કાયમ મોડા પડે છે. બેચાર જગાએ ફોન કરીને બહેન પત્તો મેળવવા પ્રયત્નકરતાં. મોટે ભાગે સફળ ન થાય. રસ્તામાં એ કોઈની સાથે ચર્ચા કરતા હોય ત્યાં એમનો અવાજ પહોંચાડવાની કોઈ યુક્તિ વિજ્ઞાને શોધીરાખી હોત તો સારું થાત.

નિરંજન પ્રથમ પ્રબળ આધુનિક છે. પણ એ સંસ્થાઓના વિરોધી નથી. સંસ્થાઓ ચોખ્ખી ચાલે એના આગ્રહી છે. એ પ્રતિકાર કરશે પણએલફેલ નહીં બોલે. એ શૂન્યવાદી કે નાસ્તિક નથી. એ બહુ મોટા વ્યવસ્થાપક છે. ઉમાશંકરની જેમ વ્યવસ્થાની જવાબદારીઓ માથે ન લેપણ લે તો વધુ કાર્યક્ષમતાથી પાર પાડી શકે. સાહિત્ય ત્રૈમાસિકનું એમણે જે સંપાદન કર્યું છે! એ બંધ થયું તે ગુજરાતી પત્રકારત્વ માટેખરાબ થયું. કેવું સુંદર મુદ્રણ! પણ એ બંધ થયું એ નિરંજનભાઈ માટે સારું થયું. એમનો બહુ સમય જતો હતો. જ્યારે જુઓ ત્યારે પ્રેસમાંને પ્રેસમાં! એક મોટા લેખકને એકાંગી — ‘વન ડાઈમેન્શનલ’ બનાવી દે એ સામયિક શું કરવાનું? મને લાગે છે કે ખોટના બહાને સાહિત્યત્રૈમાસિકને બંધ કરીને ડગલીએ મિત્રધર્મ અદા કર્યો હતો. એ મુક્ત હોય તો એ સહુને મળી શકે. ગમે ત્યાં, ગમે ત્યારે. વટેમાર્ગુઓ એમનેઓળખે છે. કોઈ નવલકથાકાર પણ અમદાવાદમાં આટલો જાણીતો નથી. નિરંજન તો છાપામાં કોઈ ‘કટાર’ પણ નથી ચલાવતા. પણ એજાણીતા છે, મધ્યયુગમાં જેમ માણેકનાથ જાણીતા હતા તેમ, આ સ્વાતંત્ર્યોત્તર આધુનિક યુગમાં નિરંજન જાણીતા છે. ફેર એટલો જ છે કેકોટ બાંધનાર અને સાદડી ઉકેલી નાખનાર બંનેના એ ટીકાકાર છે.

*

ભગતસાહેબ ક્યારેક કોઈક બ્રિટિશરથી પણ વધુ ઔપચારિક લાગે તો ક્યારેક અમદાવાદની કોઈપણ પોળના વૈષ્ણવની જેમ નાનામાંનાની વાતેય નિખાલસ ચર્ચામાં ઊતરતા લાગે. એમણે ધર્મ અને તત્ત્વજ્ઞાનમાં ઊંડા ઊતરેલા કવિઓને પરમ આદરથી જોયા છે પણ પોતાનાવિશે નોંધ્યું છે: ‘અટક ભગત છે. છતાં ઘરમાં પૂજાપાઠ કરતો નથી, મંદિરમાં જતો નથી, ભગવાન સાથેનો સંબંધ ખાનગીમાં વિચારરૂપે કેજાહેરમાં વાણી અને વર્તનરૂપે વ્યક્ત કરતો નથી.’ એ નિરીશ્વરવાદી છે એમ કહી શકાય એમ નથી, લાભશંકર કહે છે કે પોતે છે. ભગતસાહેબે કૃષ્ણ વિશેની રાધાની ફરિયાદ ગાઈ છે. નાનપણમાં રમકડાં ભેગાં લાલજીને નિર્વસ્ત્ર જોઈ કાકાના કબાટમાંથી વાઘા ચોરેલા. ભગવાન માટે આ ચોરી કરવા ઉપરાંત એ દિશામાં બીજું કોઈ નોંધપાત્ર કામ કર્યું નથી. સાહિત્યિક સમારંભોના આરંભે થતી પ્રાર્થનાઓનીટીકા કરી છે. નાનપણમાં હવેલી સંગીત સાંભળ્યું, ક્યારેક મંજિરા–કરતાલ વગાડી જોયાં. એ બધામાંથી લય સાચવીને બીજું બધું પ્રભુનેપરત કરી દીધું લાગે છે. અમદાવાદ નગરનો સંક્રાન્તિકાળ એમના વ્યક્તિત્વનો ઘડતરકાળ હોઈ એમાંથી કશી બાદબાકી શક્ય નહોતી. 1977માં પોતાની કવિતા વિશે બોલવાની ફરજ પડી ત્યારે કહેલું:

‘હું નગરનું સંતાન છું. એટલું જ નહીં, હું એક ઔદ્યોગિક નગરનું સંતાન છું. મારો જન્મ અમદાવાદમાં. અમદાવાદ મધ્યયુગની ઇસ્લામનીમુસ્લિમ સરજત છે. એના કોટ–કિલ્લા અને મસ્જિદ–મિનારા એ સાંપ્રદાયિક ધાર્મિક સંસ્કૃતિના અવશેષો છે. મારો જન્મ થયો ત્યારે એનીચારેકોર દરવાજાઓ સાથેનો કોટ હતો. અમદાવાદ એક નિબદ્ધ નગર હતું. પણ એ કોટની પેલી પાર ઉત્તર, દક્ષિણ અને પૂર્વમાં પાછલાંપચાસ–પંચોતેર વરસોમાં નાનીમોટી પચાસ–પંચોતેર મિલોની સ્થાપના કરવામાં આવી હતી. એની ચિમનીઓમાંથી રોજ રોજ ધૂણીનો પૂંજઆકાશને આચ્છાદી રહ્યો હતો. આ મિલો એ બિનસાંપ્રદાયિક ઔદ્યોગિક સંસ્કૃતિનું પ્રતીક છે. મારો જન્મ 1926માં. ત્યારે કોટની પેલી પારજ નહીં પણ સાબરમતી નદીની પણ પેલી પાર પશ્ચિમમાં દસેક વરસથી ગાંધીજીએ એમનો આશ્રમ સ્થાપ્યો હતો. એમના રેંટિયામાંથી રોજરોજ પ્રેમનો મંત્ર ગુંજી રહ્યો હતો. આ રેંટિયો એ ભાવિયુગના અમદાવાદને જ માત્ર નહીં પણ ભારતને અને જગતને એક મહાત્માનીમહાન અને ભવ્ય ભેટ છે. આ રેંટિયો એ સત્ય અને અહિંસાની નૂતન સંસ્કૃતિનું પ્રતીક છે. આમ, ત્યારે અમદાવાદ એ ભૂત, વર્તમાન અનેભાવિનું સંગમસ્થાન હતું. એમાં યંત્ર અને મંત્રનો સંઘર્ષ હતો અને એની પર અને પાર કોઈ એક અભૂતપૂર્વ અને અદ્ભૂત તંત્ર — અર્થતંત્રઅને રાજ્યતંત્ર દ્વારા એ બંનેના સંવાદ–સમન્વયનું આહ્વાન હતું. નાનપણમાં મેં આ કોટનું ઉત્ખન્ન થતું જોયું છે. અમદાવાદની શેરીઓનારસ્તાઓ પર ધૂળ અને માટીને રસ્તાને પત્થર અને ડામર, એના રાજમાર્ગોની સડકો પર ઘોડાગાડીઓને સ્થાને બસ, મોટરો, ઘરોમાંદીવેલનાં કોડિયાં અને પોળોમાં થાંભલા પર કેરોસીનનાં કાચનાં ફાનસોને સ્થાને વીજળીના દીવા — ક્રમે ક્રમે આ પરિવર્તન થતું જોયું છે, અને એલિસપુલ પાસેની ગાંધીજીની દાંડીકૂચનું દૃશ્ય પણ જોયું છે. આ સંઘર્ષ અને સમન્વય એ મારા શૈશવનો અને મારી આજ લગીનીઅને હવે પછીની કવિતાનો, એના કટાક્ષ અને કારુણ્યનો, એની વક્રતા અને વેદનાનો, એક જ શબ્દમાં મારી સંવેદનાનો સંદર્ભ છે.’ (‘કવિલોક’ નવે–ડિસે. 1977)

વિશદતાથી મુદ્દાસર વાત કરવી એ ભગતસાહેબના ગદ્યનો સહુથી મોટો ગુણ છે. એ ગોળ ગોળ બોલતા કે લખતા નથી. એમને વિસ્તારનોબાધ નથી. પુનરુક્તિ કરીનેય એ કહેવાના. પોતે માનતા અને જાણતા હશે તે જ કહેવાના. દેખાડો નહીં કરે, કદી અકળ નહીં લાગે, એકમાત્ર એમનો ગુસ્સો અણધાર્યો હોય છે. હિંસક વાણીમાં વિદ્યુતવેગે બોલતા હોય છે ત્યારે ખાસ યાદ રાખવું પડે છે કે વિચારથી એપરમ અહિંસક છે. એમની કવિતા ‘લાવો તમારો હાથ મેળવીએ’ યાદ હોય તોપણ ચાલે. ગેરસમજ ન થાય અને થશે તો એ જીરવી લેશે, ટેવ છે.

1997માં ગૂર્જર દ્વારા પ્રકાશિત ‘સ્વાધ્યાયલોક’ના આઠ ભાગ ગુજરાતી વિવેચન–સાહિત્યમાં ઉમેરાયા એ એક વિરલ સાહિત્ય ઘટનાગણાશે. કવિ અને કવિતા, અંગ્રેજી સાહિત્ય, યુરોપીય સાહિત્ય, અમેરિકન તથા અન્ય સાહિત્ય, ગુજરાતી સાહિત્ય પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ, બલવંતરાય, ન્હાનાલાલ, સુન્દરમ્, ઉમાશંકર અને અંગત લેખો અહીં સંગ્રહીત થયા છે. વિશ્વસાહિત્યને અભિમુખ સહૃદય માટે વિવેચનનીસૂકી સાબરમતી ગંગા બની રહે એમ છે.