સાહિત્યચર્યા/એક અપૂર્વ કાવ્યસંચય


એક અપૂર્વ કાવ્યસંચય

અલબત્ત, આ પૂર્વે ગુજરાતી ભાષામાં કાવ્યસંચયો હતા. બે નામ તો ગુજરાતીભાષી સૌ કવિતાપ્રેમીઓ તરત જ હોંસે હોંસે બોલી જશે : ‘કાવ્યમાધુર્ય’ અને ‘આપણી કવિતાસમૃદ્ધિ’ અને પછી બીજાં બે નામ તરત એટલા જ ઉમળકાથી ઉમેરશે : ‘કાવ્યસમુચ્ચય’ અને ‘કાવ્યપરિચય.’ પણ આ કાવ્યસંચય પૂર્વેના આ અને આવા સૌ કાવ્યસંચયોથી નિરાળો છે. અહીં ભિન્ન ભિન્ન સમય – વેદકાળથી ગઈકાલ – નાં કાવ્યો છે. અહીં ભિન્ન ભિન્ન ભાષાઓ – સંસ્કૃત, વ્રજ, હિન્દી, ઉર્દૂ, ગુજરાતી – નાં કાવ્યો છે. અહીં ભિન્ન ભિન્ન કવિઓ – વેદના ઋષિથી જવાહર બક્ષી સુધી – નાં કાવ્યો છે. અહીં ભિન્ન ભિન્ન વસ્તુવિષય – પરમેશ્વરથી પતંગિયું – નાં કાવ્યો છે. અહીં ભિન્ન ભિન્ન શૈલીસ્વરૂપ – સૉનેટ, સ્તોત્ર, ગીત, ગઝલ, ભજન, પદ, મુક્તક, હાઈકુ યુગ્મ, લોકગીત, અછાંદસ, ગદ્યકાવ્ય – નાં કાવ્યો છે. અહીં ભિન્ન ભિન્ન ભાષાઓ – ભારતની કેટલીક ભગિની ભાષાઓ, કેટલીક યુરોપીય ભાષાઓ (અલબત્ત, અંગ્રેજી અનુવાદો દ્વારા), અંગ્રેજી – માંથી અનુવાદો છે. (એકમાત્ર કવિતાના પ્રકારમાં વૈવિધ્ય નથી. અહીં એકમાત્ર કવિતાપ્રકાર છે, ઊર્મિકાવ્ય.) આ વૈવિધ્ય એ સંચયનું અનોખું આકર્ષણ છે. એવું જ અનોખું આકર્ષણ છે પ્રત્યેક કાવ્ય પરની સંપાદકની નોંધ. આ નોંધો અતિ મિતાક્ષરી છે. છતાં એમાં પણ સંપાદક હરીન્દ્ર દવે (સ્વયં કવિ અને ગદ્યકાર છે એથી સ્તો!) એમની રસિકતા પ્રગટ કરી શક્યા છે. આ નોંધો એ અન્ય કવિતારસિકોને કવિતાના રસાસ્વાદમાં સહભાગી થવાનું સંપાદકનું નિમંત્રણ છે. આ કાવ્યસંચય ગુજરાતના કવિતારસિકોને રસસંતર્પક નીવડશે એવી શ્રદ્ધા છે. (હરીન્દ્ર દવે સંપાદિત ‘કાવ્યસંચય’નું ઉપરણું. ૮ મે ૧૯૭૧)