સાહિત્યચર્યા/‘કવિલોક’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘કવિલોક’

પ્રિય ભાઈશ્રી રાજેન્દ્ર, તમે મુંબઈના કવિમિત્રોએ મળીને અંતે કાવ્યપ્રકાશનની એક સ્વાશ્રયી સંસ્થા સ્થાપવાનું કાવ્યમય સાહસ કર્યું એ જાણીને આનંદ થયો. મારે ‘કવિલોક પ્રકાશન’નું વિસર્જન કરવું અને તમારે એ જ વિચારને વિસ્તારીને ‘કવિલોક’નું સર્જન કરવું એમ આપણે વરસ દોઢ વરસ પર વાત થઈ ત્યારે ‘કવિલોક’ આવો વ્યાપક અને સહેજ વિચિત્ર આકાર લેશે એવી કલ્પના ન હતી. એ તો એનું બંધારણ વાંચ્યું ત્યારે જ જાણ્યું. નામ ‘કવિલોક’ પાડ્યું છે એટલે તમારી સંસ્થાને બાલાશંકરના આશીર્વાદ તો છે જ. મૂળ શબ્દ એમણે યોજ્યો હતો, જો કે મૂળ કલ્પના ગોવર્ધનરામની. ‘સરસ્વતીચંદ્ર’ના ૪થા ભાગના ઉત્તરાર્ધમાં એમણે કુમુદસુંદરી સમક્ષ સરસ્વતીચંદ્ર પાસે કલ્યાણગ્રામનો આદર્શ રજૂ કરાવ્યો છે. એવો જ કોઈ આદર્શ બાલાશંકરને એમના ‘કવિલોક’માં અભિપ્રેત હશે. આ ‘કવિલોક’ માત્ર પ્રકાશનસંસ્થા છે પણ તે કવિમિત્રોની સ્વાશ્રયી પ્રકાશનસંસ્થા છે એટલે એક રીતે એ ગોવર્ધનરામના કલ્યાણગ્રામના નહિ તો બાલાશંકરના ‘કવિલોક’ના એક અલ્પસ્વરૂપ જેવી કહી શકાય. ‘કલ્યાણગ્રામ’ અને ‘કવિલોક’ એ એક સુખી સમાજરચનાના સંદર્ભમાં આદર્શ કવિનગરીનાં સ્વપ્નો હતાં. ૧૮મી સદીના લંડનમાં ગ્રબસ્ટ્રીટ, ૧૯મી સદીના પેરીસમાં લેટીન ક્વાર્ટર્સ ને ૨૦મી સદીના ન્યૂયોર્કમાં ગ્રીનીચ વિલેજ એ પણ કવિઓ અને કલાકારોની જ ઉપનગરીઓ. પણ સમાજ સાથે કવિકલાકારના આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક સંઘર્ષોનાં સરજત જેવી, એવી ઉપનગરીઓ પણ આપણે ત્યાં ભવિષ્યમાં, જ્યારે ઔદ્યોગિક સંસ્કૃતિ પૂર્ણ વિકસશે ત્યારે, અવશ્ય અસ્તિત્વમાં આવશે. અત્યારે કવિઓ આધ્યાત્મિક એકાંત અનુભવતા હશે. જો કે સાચો સર્જક માત્ર એ એકાંત તો સર્વત્ર અને સદાય અનુભવતો હોય છે – પણ ત્યારે એ ભૌગોલિક એકાંત Physical Isolation પણ અનુભવતો થશે. ક્યારેક ‘કલ્યાણગ્રામ’ અને ‘કવિલોક’નું સ્વપ્ન સિદ્ધ તો થશે પણ ગોવર્ધનરામે કે બાલાશંકરે કલ્પ્યું પણ નહિ હોય એ સ્વરૂપે. ‘કવિલોક’ કવિતાનું પ્રકાશન કરશે (નાટકનું પ્રકાશન ભવિષ્યમાં કરશે એટલે કે સાચું પદ્યનાટક રચાશે ત્યારે? પછી ગદ્ય કે પદ્ય ગમે તે પ્રકારમાં સાચું નાટક રચાશે ત્યારે?) પદ્ય અને ગદ્યના શિષ્ટ પ્રકારનાં પ્રકાશનો વિશે એક-બે વિચાર સૂઝે છે. મુદ્રણયંત્રના અસ્તિત્વ પૂર્વે પણ પદ્યનું વ્યાપક પ્રમાણમાં પ્રકાશન થતું હતું, મનુષ્યના મુખ દ્વારા. કારણ કે પદ્યમાં લય અને છંદ હોવાથી સ્મૃતિમાં એને સંઘરી રાખવું સરળ હતું. ત્યારે ગદ્યનું પ્રકાશન વિરલ હતું, તો ગદ્યનું લેખન પણ એટલું જ વિરલ હતું. મુદ્રણનો અને ગદ્યનો વિકાસ સાથોસાથ થયો છે એ કેટલું સૂચક છે. ગદ્ય લખનારને ‘પુસ્તક પ્રકાશન’ વિના છૂટકો જ નહિ. પદ્ય લખનાર એક રીતે સદ્ભાગી છે. એને કોઈ અન્ય પ્રકાશનનો આધાર અનિવાર્ય નથી. સ્વમુખે પદ્યનું પ્રકાશન કરી શકે. (અલબત્ત સેંકડો ને હજારો પંક્તિનું પદ્ય હોય ત્યારે અન્ય પ્રકારના પ્રકાશનનો પ્રશ્ન ઉદ્ભવે, પણ એવું પદ્ય તો અત્યારે અસ્તિત્વમાં જ નથી એમ કહું તો ભાગ્યે જ અતિશયોક્તિ ગણાય!) મુદ્દો એ છે કે કવિતાનું પ્રકાશન ગ્રંથ કે પુસ્તક રૂપે જ તમે કલ્પો છો એમાં સહેજ કલ્પનાને વિસ્તારો તો સામયિકો, સમારંભો, રેડિયો, રેકર્ડ વગેરે પદ્યનાં અનેક પ્રકાશનસાધનોની યોજનાઓ શક્ય છે એ સહેજમાં સમજાશે. તમે ‘કવિલોક’ના ઉપક્રમે એક દ્વૈમાસિકની યોજના વિચારી છે ને એનો અમલ પણ અલ્પ સમયમાં જ કરશો. પણ ‘કવિલોક’ના ઉપક્રમે અન્ય વાહનો, માધ્યમો, સાધનો દ્વારા પણ કવિતાનું પ્રકાશન કરો એવું સૂચન કરવાની લાલચ રહે છે. કાવ્યને, કાવ્યના પ્રકાશનને ગ્રંથ કે પુસ્તક કે મુદ્રિત સ્વરૂપે એટલે કે દૃશ્ય સ્વરૂપે કલ્પવા કરતાં શ્રાવ્ય સ્વરૂપે કલ્પવામાં વિશેષ અર્થ છે. કારણ કે કવિતા અંતે તો કાનથી વાંચવાની છે, એ કાનની કળા છે, શ્રાવ્ય કળા છે. તમે કલ્પો છો એ પ્રકારનું કવિતાનું પ્રકાશન હવે આપણે ત્યાં સરળ અને સુલભ બન્યું ગણાય. જો કે હજુ આપણા પ્રકાશકો ગદ્યમાં જેટલો રસ અને ઉત્સાહ ધરાવે છે એટલો પદ્યમાં ધરાવે છે? અને એ જ તો ‘કવિલોક’ના જન્મનું એક સાર્થક્ય છે. જો કે એમાં પ્રકાશકોનો ભાગ્યે જ દોષ હોય! સાચી કવિતા સર્જનારા જૂજ હોય છે, એ વિશે સાચું વિચારનારા તેમ એના વાંચનારા પણ એટલા જ વિરલ હોય છે અને ધંધાદારી પ્રકાશકો એમની પ્રવૃત્તિ વ્યવહારુ હોવાથી રૂપિયા આના પાઈનું ગણિત ન ગોખે તો પેઢીનું પાટિયું ઉઠાવવું પડે. અંગ્રેજી જેવી વિશ્વભાષામાં અને અંગ્રેજી જેવી કવિતારસિક, સંસ્કારી અને સમજુ પ્રજામાં પણ સારા ને સાચા કાવ્યસંગ્રહની કેટલી નકલો વેચાય છે એનો આંકડો જો જાણવા જઈએ તો તો આઘાત અનુભવવો પડે એવી સ્થિતિ છે! પાંચસો કે હજાર નકલો વેચાય તો કવિનું સદ્ભાગ્ય! આપણે ત્યાં, એકંદરે, એમ કહી શકાય કે ’૩૦ની આસપાસ જે કવિઓએ કવિતા કરવાનો આરંભ કર્યો તેઓ કાવ્યસંગ્રહના પ્રકાશનની બાબતમાં એમના પુરોગામીઓની સરખામણીમાં વિશેષ સદ્ભાગી હતા (જોકે એમાં એમની કવિતામાં વસ્તુ અને સ્વરૂપનો તથા ગુજરાતની વાચનરુચિના વિકાસનો પણ ફાળો હતો). ત્યાર પછી જે કવિઓએ પોતાની કાવ્યપ્રવૃત્તિનો આરંભ કર્યો એ સૌના સંગ્રહો હમણાં જ મુંબઈની એક પ્રકાશન સંસ્થાએ પ્રગટ કર્યા છે. એક પ્રકાશક સંસ્થા તરીકે તેમને, અલબત્ત, અનુભવ થશે જ કે પ્રકાશનયોગ્ય સાચી અને સત્ત્વશીલ કવિતા વિરલ હોય છે (હોય જ ને! કવિતા એ દુ:સાધ્ય અને દોહ્યલી કળા છે. જીવનભર શોધો ને બેચાર રસની ચીજ હાથ લાગે તો લાગે.) અંગત અનુભવ કહું? ‘કવિલોક પ્રકાશન’ની અંગત અને અનૌપચારિક સંસ્થા પોતાના કાવ્યો છાપવા નહોતી કાઢી! પણ એ સમયે સૌંદર્ય, સર્જકતા, મૌલિકતા, અભિવ્યક્તિ, વાસ્તવપ્રિયતા વગેરેની તાજગી પ્રિયકાંત અને હસમુખની કવિતામાં હતી. પ્રિયકાંતના ‘પ્રતીક’નું પ્રકાશન કર્યું પછી હસમુખની કવિતાનું પ્રકાશન કરવાની કલ્પના હતી. પણ એમણે ગ્રંથસ્થ કરી શકાય એટલી સંખ્યામાં કાવ્યો હજુ નથી કર્યાં. એમનો સંયમ અસાધારણ છે. એમની પ્રમાણિકતા પ્રશસ્ય છે! અને ત્રીજા કોઈ કવિની કવિતામાં આટલી તાજગી ન હતી એટલે સંસ્થાનું આપમેળે વિસર્જન થયું. એનો અર્થ એ નથી કે ત્રીજા કોઈ કવિની કવિતાનું પ્રકાશન ન થાય. આ તો અંગત અભિપ્રાય હતો. જો કે કાવ્ય કરતાં અકાવ્ય જ વિશેષ રચાય છે ને પ્રગટ થાય છે, પણ એ વિના છૂટકો જ નથી. વિકલ્પ જ નથી. બીજો માર્ગ જ નથી. કાવ્ય, અકાવ્ય બધું જ ભલે છપાય. વળી કાવ્ય કયું અને અકાવ્ય કયું એ પણ એકાએક તો કેમ કહેવાય? વિવેચકોનો વિવેચક કાળ ભગવાન જ એ તો કહી શકે. જે જીવવાને લાયક હશે તે જ જીવશે અને તે જીવશે જ. અંતમાં બે વાત બંધારણ વિશે. ‘કવિલોક’માં કવિ શબ્દની વ્યાખ્યા નાટક લગી વિસ્તારી તો પછી અન્ય ગદ્યપ્રકાર એના લાભથી વંચિત કેમ? ને તો પછી કવિતા લગી જ મર્યાદિત કેમ નહિ? માત્ર સમકાલીનોની કવિતાનું જ પ્રકાશન કેમ? પૂર્વજોની, પ્રાચીન કવિઓની કવિતાનું સટીક, અભ્યાસપૂર્ણ, સમગ્ર સંગ્રહરૂપ કે સંચયરૂપ કે સંકલનરૂપ પ્રકાશન કેમ નહિ? ને અત્યારે ધંધાદારી પ્રકાશકો કે ધંધાદારી વિદ્યાસંસ્થાઓ કે કહેવાતી સાહિત્યસંસ્થાઓને એ સૂઝતું જ નથી ત્યારે ‘કવિલોક’ જેવી એક સ્વાશ્રયી પ્રકાશન સંસ્થાએ આ પ્રકારનું પ્રકાશન કરવું એ એનું કર્તવ્ય છે. (જો કે આપણી કહેવાતી સાહિત્યસંસ્થાઓ તો સમકાલીનોની કવિતાનું પ્રકાશન પણ ક્યાં કરે છે? એમાં બિનસાહિત્યિક તત્ત્વોનું વર્ચસ્ છે અને પ્રપંચોથી પીડાય છે. જાણે સાહિત્ય સાથે સ્નાનસૂતકનો સંબંધ પણ ન ધરાવવાના એમણે શપથ લીધા છે, સમ ખાધા છે!) માત્ર ગ્રંથસ્થ પ્રકાશન જ કેમ? મૌખિક કેમ નહિ? સમારંભો યોજી શકાય, કવિને સ્વમુખે કે અન્ય સમૃદ્ધ કંઠ હોય એવા વાચક-પાઠકને મુખે વાચન-પઠનના કાર્યક્રમો અને ટેઈપ રેકડીંગ્સ કેમ નહિ? ઇંગ્લેન્ડ, અમેરિકામાં ડિલન ટોમસે પોતાનાં અને બીજાનાં કાવ્યોનાં કાવ્યવાચનો કર્યાં એથી અનેક પરિચિત કાવ્યોને જાણે કે નવો જ અર્થ પ્રાપ્ત થયો હોય એવો અનુભવ થયો હતો અને જો માત્ર સમકાલીનોનાં કાવ્યોનું માત્ર ગ્રંથસ્થ પ્રકાશન જ અભિપ્રેત હોય તો ‘ન્યૂ રાઈટીંગ’ના આરંભે જે આદર્શ જ્હોન લેહમેને સેવ્યો હતો એનું સ્મરણ કરશો તો કંઈક સૂચનોનો લાભ લેવાશે. કવિ જુવાન હોય કે ન હોય પણ એની કવિતા તો જુવાન હોવી જ જોઈએ. અલબત્ત, આ તો આદર્શ છે. જેટલો આચરણમાં આવે એટલું ‘કવિલોક’નું સદ્ભાગ્ય ને સાર્થક્ય. શુભમ્ ભૂયાત્! ૧૫ જૂન ૧૯૫૭