સાહિત્યચર્યા/ત્રિસ્તાં ઝારા


ત્રિસ્તાં ઝારા

(જ. ૪ એપ્રિલ ૧૮૯૬, મ્વાનેસ્ત, રુમાનિયા; અ. ૨૫ ડિસેમ્બર ૧૯૬૩, પૅરિસ) ફ્રેન્ચ કવિ. ‘દાદા’ આંદોલનના પ્રણેતા અને પ્રચારક. પ્રથમ વિશ્વયુદ્ધ સમયે યુરોપના ભિન્ન ભિન્ન દેશોના યુવાન નિર્વાસિતો ટૂંક સમય માટે સ્વિટ્ઝર્લૅન્ડમાં ઝુરિકમાં વસ્યા હતા ત્યારે ઝારા પણ નિર્વાસિત તરીકે ઝુરિકમાં હતા. ૧૯૧૬માં હ્યુગો બાલ, હાન્સ આર્પ આદિએ ‘દાદા’ આંદોલનનો આરંભ કર્યો હતો અને ફેબ્રુઆરીની ૬ઠ્ઠીએ સાંજના ૬ વાગ્યે લેનિનના ઘરની નિકટ કાફે દ લા તરાસમાં ઝારાએ ફ્રેન્ચ શબ્દકોશનું જે પાનું અનાયાસ ખૂલ્યું તે પાનાના જે શબ્દ પર કાગળ કાપવાની છરી અનાયાસ પડી તે શબ્દ પરથી એટલે કે ‘દાદા’ પરથી એનું નામાભિધાન કર્યું હતું. પછી આ નામ અત્યંત સાર્થ પુરવાર થયું હતું. આ આંદોલનને ક્યૂબિઝમ અને ફ્યુચુરિઝમની પ્રેરણા હતી. યુરોપના બુર્ઝ્વા મધ્યમ વર્ગે પ્રથમ વિશ્વયુદ્ધની ભીષણતા અને ભયાનકતાનો સ્વીકાર – પુરસ્કાર કર્યો હતો એથી એનાં આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિક મૂલ્યોની વિરુદ્ધ આ આંદોલનનો સંપૂર્ણ સર્વતોમુખી વિદ્રોહ હતો, ઉગ્ર રોષ અને ઉદ્દામ આક્રોશ હતો. કાફે ગૅલરી થિયેટર આદિમાં ચિત્રવિચિત્ર સાહસિક પ્રયોગો, સંગીત, નૃત્ય, નાટક, કાવ્યવાચનના કાર્યક્રમો, ચિત્રપ્રદર્શનો, લખાણો, સામયિકો, પ્રકાશનો, ઘોષણાપત્રો આદિ દ્વારા આ આંદોલન સક્રિય હતું. ૧૯૧૯માં ઝારા પૅરિસ ગયા. બ્રેતોં, આરાગોં, એલ્વાર, સુપો આદિ કવિ-લેખકોના સહકારથી પૅરિસમાં ઝારા આ આંદોલનના નેતા હતા. આ આંદોલનના પ્રોત્સાહન અને ઉત્તેજનથી ૧૯૨૨માં પરાવાસ્તવવાદ (surrealism)નો આરંભ થયો ત્યારે ‘દાદા’ આંદોલન એના નામમાં સૂચન છે તે પ્રમાણે લાકડીના ઘોડાની બાલક્રીડાનું બાલોચિત – બલકે ક્યારેક બાલિશ – આંદોલન હતું. એ નકારાત્મક, નાસ્તિવાચક આંદોલન હતું, એમાં અનેક વિરોધાભાસો, વિસંગતિઓ હતી. એથી પરસ્પર આક્ષેપો, આક્રમણો, વિરોધો, વિવાદો, ક્યારેક તો શારીરિક દલીલો અને દંગલોને પરિણામે એનો અંત આવ્યો. ૧૯૨૨માં સ્વયં ઝારાએ એનો મૃત્યુલેખ લખ્યો હતો. ૧૯૨૮ લગી ઝારા નિષ્ક્રિય રહ્યા. ૧૯૨૯થી ૧૯૩૪ લગી પરાવાસ્તવવાદીઓ સાથે સક્રિય રહ્યા. ૧૯૩૫ પછી વધુ વિદ્રોહી પ્રવૃત્તિઓમાં અને દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે ‘પ્રતિકાર’ આંદોલનમાં સક્રિય રહ્યા. ‘દાદા’ આંદોલનનું સામ્યવાદ સાથે સામ્ય હતું. એથી સામ્યવાદી પક્ષના સભ્ય થયા. એમના મુખ્ય કાવ્યસંગ્રહો છે : ‘વેંત સેંક પોએમ’ (૧૯૧૮), ‘લોમ આપ્રોક્સિમાતિફ’ (૧૯૩૧) અને ‘મિદિ ગાન્યે’. ૧૯૯૬