સાહિત્યચર્યા/પથેર પાંચાલી’ : જોયા વિના કેમ જિવાય?


પથેર પાંચાલી’ : જોયા વિના કેમ જિવાય?

હાર્ડીએ એમની નવલકથા ‘ધ મેયર ઓફ કેસ્ટરબ્રીજ’ના નાયક હેન્ચાર્ડ પાસે એનું ટૂંકું ને ટચ વસિયતનામું પેન્સીલથી કાગળના ડૂચા પર લખાવ્યું છે. કરુણતાની આ પરાકાષ્ઠામાં એમની નવલકથાનો અંત આવે છે. ત્યાંથી જ ‘પથેર પાંચાલી’નો આરંભ થાય છે. કાગળના ડૂચાથી, ચિત્રના આરંભે કલાકારોનો નામનિર્દેશ કર્યો છે લાંબા કાગળના ડૂચા પર, એમને લાંબા પહોળા પાથરીને. આમ, ચિત્રની કથામાંનું જીવન કાગળના ડૂચા જેવું કરુણ છે એમ તો થિયેટરની બત્તીઓ બુઝાતા વેંત ચિત્રના આરંભે જ આગળથી સૂચવાય છે. ભારતવર્ષમાં ભાષણોમાં જેમ ગામડાં સાત લાખ બની ગયાં તેમ સાહિત્યમાં ગામડાં ગપ્પાં બની ગયાં. ગામડાંને નામે ગ્રંથગરબડ ઘણી થઈ ગઈ. સાહિત્યમાં ગામડાં ક્યાં તો સ્વપ્ન જેવાં સુન્દર ક્યાં તો દુ:સ્વપ્ન જેવાં દુ:ખદ, ક્યાં તો સ્વર્ગ, ક્યાં તો નરક. ગામડાં એકબાજુથી ભીરુઓની ભાગેડુવૃત્તિનાં અને બીજી બાજુથી સસ્તી સેવાવૃત્તિનાં ભોગ બની ગયાં. એથી સાહિત્યમાં ગામડાંનું નર્યું અવાસ્તવિક અને અસત્ય આલેખન થયું. વિભૂતિભૂષણ બંધોપાધ્યાયની નવલકથામાં આ બેમાંથી એકે બાજુનો અતિરેક નથી. એમાં ગામડાનું સમતોલ દર્શન છે. વાસ્તવ છે, સત્ય છે. જગતને જરીય જાણ ન થાય એમ ગામડાનું એક કુટુંબ ભાંગીને ભુક્કો થાય છે એની આ કરુણ કથા છે. આમ, આ ચિત્રની સફળતામાં, સિદ્ધિમાં કથાનો ફાળો કંઈ ઓછો નથી. છતાં કથા ગમે તેવી સુન્દર હોય તો યે એનું ચિત્ર થતાં એનું મોત નીપજી શકે ને? ‘મળેલા જીવ’માંથી મરેલા જીવ જરૂર જન્મી શકે. ‘પથેર પાંચાલી’ની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ એના આયોજનમાં છે. નવલકથાનાં પાનાંઓને કચકડાની પટીમાં પલટતાં, એક કલાપ્રકારને બીજા કલાપ્રકારમાં પ્રગટતાં સત્યજિત રાયે જે સૂઝ અને સમજથી, જે કલ્પના અને કસબકારીગરીથી, જે સંયમ અને સરલતાથી, જે લાઘવ અને લાલિત્યથી, જે કુમાશ અને કાળજીથી ચિત્રની માવજત કરી છે એમાં જ એની મહાનતા છે. ચિત્રસર્જકે કચકડાની પટીનો પૂરો કસ કાઢ્યો છે. એની સમગ્ર શક્યતાઓનો એમણે આ એક જ ચિત્રમાં સરવાળો કર્યો છે. ચિત્રના દૃશ્ય અને શ્રાવ્ય માધ્યમની શક્તિનો એમને પૂરો પરિચય છે. એટલે જે રીતે એમણે આ કથા ચિત્રરૂપે કહી છે એ રીતમાં જ એમની સર્જકતાનો પરચો, એમની કલાદૃષ્ટિની પ્રતીતિ થાય છે. હજારો ઝીણી ઝીણી વિગતોને વીણી વીણીને એમણે ચિત્રમાં એવી ચાતુરીથી વણી છે કે અંતે એક સુગ્રથિત, સુશ્લિષ્ટ, સુરેખ આયોજનનો આકાર ધારણ કરે છે અને પ્રેક્ષકના ચિત્તમાં સમગ્રતાની છાપ છપાઈ જાય છે. બધું એકમેકમાં એવું એકાકાર અને ઓતપ્રોત થાય છે કે જાણે પછી છૂટું પાડીને ભાગ્યે જ છણી શકાય. સત્યજીત રાયે આ કીમિયો કર્યો છે અનેક પ્રતીકો (symbols) અને અનેક અવાજો (sounds) દ્વારા. એમણે કશુંયે સીધેસીધું, સાફ સાફ, સ્પષ્ટ કરીને કહ્યું જ નથી. માત્ર વારંવાર આદિથી અંત લગી સૂચન કર્યું છે, ધ્વનિ દ્વારા આડકતરી રીતે કહ્યું છે. એમની કલ્પનામાં સાહસ છે એટલે એમને આપણી કલ્પનામાં શ્રદ્ધા છે. કોઈપણ કલાકાર ભાવકનો આથી વિશેષ શો આદર કરી શકે? એમણે કશું છડેચોક છતું કર્યું જ નથી, બધું જ, લગભગ બધું જ છાનુંમાનું આપણી કલ્પના પર છોડી દીધું છે. આથી જ આ ચિત્ર ગ્રામજીવનનો દસ્તાવેજ તો છે જ પણ એથીયે વધુ તો એ ગ્રામજીવનનું દર્શન છે. નિશ્ચંદપુર નામના નાનકડા ગામડાના એક કુટુંબની આ કથા છે. માત્ર પાંચ જ પાત્રો છે. હરિહરરાય, એમની પત્ની સર્વજ્યા, એમની ઘરડી બહેન ઇન્દિરા ઠાકુર, એમની પુત્રી દુર્ગા અને એમનો પુત્ર અપૂર્વ. કથાના કેન્દ્રમાં આ કુટુંબની ગરીબાઈ છે. અને ભારતવર્ષ એટલે ગરીબાઈ. ભારતનું ગામેગામ એટલે ગંજાવર ગરીબાઈ. આથી આ એક કુટુંબ સમગ્ર ભારતવર્ષનું પ્રતીક છે. એની કથા એ ભારતવર્ષની કથા છે. ગરીબાઈ એ કોઈ બજાર વચ્ચે બેસીને ગાવા બજાવવાની કે વગોવવાની વસ્તુ નથી. એક પણ પાત્ર પાસે ‘અમે ગરીબ છીએ’ એમ એકવાર પણ ન કહેવડાવીને આ કલાકારે ગરીબાઈનું કેવું ગૌરવ કર્યું છે! એની પવિત્રતાનો કેવો પરિચય કરાવ્યો છે! આ સંયમ કેટલો અસાધારણ અને અપૂર્વ કલામય છે. આ આખુંયે કુટુંબ અને સવિશેષ તો સર્વજયા કેટલી ઠંડી તાકાતથી ગરીબાઈનો મૂંગે મોઢે સામનો કરે છે. આ ગરીબાઈનું માત્ર પ્રતીકો અને પ્રસંગો દ્વારા સૂચન જ કર્યું છે. મીઠાઈની કાવડ, ઠાકુરદિદિની ચાદર, ભૂખે પેટે ભટક્યા કરતો કૂતરો. સખીના ઘરમાંથી દુર્ગાએ ચોરેલી માળા વગેરે પ્રતીકો દ્વારા ગરીબાઈ પ્રગટ થાય છે. દીકરી એટલે તો દેવું ને દીકરો એટલે દીવો એવી માતાની મનોદશા પણ ગામડાની ગરીબાઈનું જ પરિણામ છે. એથી જ સર્વજયા પુત્રપુત્રી પ્રત્યેના પ્રેમમાં કેવો પક્ષપાત કરે છે (એનો અર્થ એ નથી કે એને દુર્ગા પ્રત્યે પ્રેમ નથી. દુર્ગાના મૃત્યુ પછી આ ખુમારીથી ખમી ખાનારી સ્ત્રી કેવી તૂટી પડે છે! હલાહલોને હસતાં હસતાં પીનારી સ્ત્રી કેવી ભાંગી પડે છે, ધ્રૂસકે ધ્રૂસકે રુવે છે! દુર્ગા પર એને પ્રેમ તો છે પણ અપૂર્વ પર એને વધુ પ્રેમ છે એટલો એમાં ભેદ છે) પુત્રી ચોરી કરે તો એ લડે, પણ પુત્ર ચોરી કરે તો યે લાડ લડાવે, ભાવથી ભોજન ખવડાવે. રોજ દ્હાડે ગરીબાઈ સાથે ઠંડું યુદ્ધ અને રોજ રાતે જીવતરને ઠીંગડાં કેમ દેવાં એની મુંઝવણ અને મથામણ. રસોડામાં પાટલા પર અને રાતે ખાટલા પર એનો એ જ પ્રશ્ન. આમ, પ્રતીકો અને પ્રસંગો દ્વારા જ ગરીબાઈ પ્રગટ થાય છે. આ ચિત્રનું સર્વશ્રેષ્ઠ પાત્ર છે ઠાકુરદિદિ. એ ભારતવર્ષના ગામપ્રદેશનું મૂર્તિમંત જીવંત પ્રતીક છે. એનો પુરાતન આત્મા છે. પોતે કૂતરાની અને બિલાડીના બચ્ચાંની જેમ જ ગરીબ ભાઈને ઘરે આવી પડી છે. દુર્ગા ચોરીને ફળ લાવે ત્યારે એના હીજરાયલા હોઠ પણ કેવા ફરર ફરર ફરકે છે. કેવું મોહક મરકે છે. ભાઈને ઘેર પુત્રનો જન્મ થાય ત્યારે હડધૂત થયેલી આ હતભાગિણી હેતના હડકવાથી ભત્રીજાને ભારે હોંસથી કેવી હાલરડે હુલાવવા પાછી ફરે છે. દુર્ગા પર ચોરીનો આરોપ આવે તે એને કેવો અસહ્ય લાગે છે અને દુર્ગાને માર પડે ત્યારે એને પણ કેવો વાગે છે. અને દુર્ગાની ડબ્બીમાં કેવી કીડિયાં વીણવાના કામમાં વળગી જાય છે. છેલ્લે જતાં જતાં પણ એને ભલે કોઈ પાણી ન પાય પણ એ તો એના આંગણાના છોડ પર પાણી છાંટીને પછી જ મરે છે. જીવમાત્ર પ્રત્યે પ્રેમ અનુભવતો આ ભારતવર્ષનો પ્રાચીન આત્મા છે. ઠાકુરદિદિ અને દુર્ગા સાથે જ જીવે અને સાથે જ મરે. એકબીજા વિના એમનું જીવન અશક્ય છે. એટલે આ બન્નેનું મૃત્યુ થાય છે. દુર્ગાનો આથી અન્ય કોઈ અંત કલ્પી શકાય છે? એનું મૃત્યુ ન થાય તો? એની સખીનું લગ્ન થાય પણ એનું ન પણ થાય, ક્યાંથી થાય? ને તો પછી ભવિષ્યમાં એ અપૂર્વને ઘેર બીજી ઠાકુરદિદિ જ બને ને! આમ, જો એ જીવતી રહે તો એ વધુ કરુણ છે, એથી ઠાકુરદિદિની કરુણતાનું પુનરાવર્તન જ થાય એમ સૂચવીને એના મૃત્યુથી એનો એક ભવ્ય સુન્દર અને સુખદ કલામય અંત આણ્યો છે. અપૂર્વનું પાત્ર પણ એટલું જ નિર્દોષ અને નિખાલસ છે. એટલા જ સંયમ અને એટલી જ સહજતાથી સર્જ્યું છે. દુર્ગાને ઘરમાંથી દૂર કરવામાં આવે ત્યારે અંતે એની એકલતાની અસહ્યતા અનુભવતા ચોપડીમાં માથું ઘાલીને મોટેથી વાંચતો અપૂર્વ, તીરકામઠાની રમતમાં જીવ છે એમ બહાનું કાઢીને મા પાસે સહાનુભૂતિથી કૂતરાને અન્ન અપાવતો અપૂર્વ, ભવાઈનો ખેલ જુવે પછી એની નકલ કરવામાં જ એના જીવનમાં વીરરસની શક્યતા છે એમ હસતો અપૂર્વ, દુર્ગા મૃત્યુશૈયા પર જે જીભથી એને અનેકવાર ચીડવ્યો છે એ જ જીભ ડોક્ટરને બતાવે ત્યારે એનો અર્થ સમજ્યા વિના જ રાજી થતો અપૂર્વ, દુર્ગાના મૃત્યુ પછી પોતાનું મૃત્યુ હવે માતાને ન પાલવે એમ સમજીને વરસાદમાં બહાર જતાં છત્રી લેવાનું ન ભૂલતો અપૂર્વ, દુર્ગાના મૃત્યુ પછી ઘરનું વાતાવરણ વધુ વેધક બનાવતો શાંત અપૂર્વ, અને અંતે જતાં પહેલાં મૃત બહેનના કલંક જેવી માળાને ક્લુષિત જલમાં ફગાવતો રોષભર્યો અપૂર્વ આખાયે ચિત્રનું આશ્વાસન છે. કારણ કે ચિત્રના મોટામાં મોટા પાત્ર ઠાકુરદિદિની જેમ જ ચિત્રના નાનામાં નાના પાત્ર અપૂર્વની આંખમાંથી આંસુનું એક ટીપું પણ ન પડાવીને ચિત્રકારે આપણને કેટકેટલું આશ્વાસન આપ્યું છે. ચિત્રનું સર્વશ્રેષ્ઠ પ્રતીક છે અંધારામાં જેને દોરાથી પરોવવાનો અશક્ય પ્રયત્ન ઠાકુરદિદિ કરે છે તે સોય. અંધારામાં જો સોય પરોવી શકાય તો અહીં જીવી શકાય. આ ગ્રામ પ્રદેશની કરુણતા, આ જીવનની અશક્યતા, અને આ કુટુંબના સર્વનાશનું કારણ છે યાંત્રિક સંસ્કૃતિ અને એની આગવી સરજત જેવી મોહમયી મહાનગરીઓ. પણ આ કરુણતાનું રહસ્ય કલાકારે સીધેસીધું કહ્યું નથી પણ પ્રતીક દ્વારા પ્રગટ કર્યું છે. જ્યારે જ્યારે ચિત્રમાં કોઈ નવી મુસીબત, મથામણ કે મૂંઝવણ આવે છે, માંદગી આવે છે કે મૃત્યુ આવે છે ત્યારે ત્યારે અત્યંત સબૂઝ અને સભાન રીતે ટ્રેઈનનો અવાજ અચૂક આવે છે. નણંદ ભોજાઈની તકરારથી એક જ ઘરના મનુષ્યો વચ્ચેનો જીવનભરનો માનવસંબંધ તૂટી જાય છે ત્યારે હજારો માઈલો વચ્ચે ક્ષણવારમાં યાંત્રિક સંબંધો સ્થાપતા તારના થાંભલાનો સૂસવાટ દુર્ગાના અને અપૂર્વના અને આપણાય તે કાનમાં કેવો સણકે છે. ટ્રેઈનનું દર્શન તો એક જ વાર કરાવ્યું છે પણ તે પાટાની બન્ને બાજુ પર કેમેરા ગોઠવીને. હર્યાભર્યા હરિયાળા ખેતરના પાક પર એન્જિનનો ધુમાડો કેવી એક સળંગ કાળી લીટી લગાવે છે. અને પસાર થતી ટ્રેઈનના પૈડાં વચ્ચેથી છોડ કેવા ઝૂકતા ને નમતા દેખાડ્યા છે. અપૂર્વને નકલી અને હરિહરને સાચા શહેર તરફ આકર્ષતા ‘દિલ્હી દેખો, બમ્બઈ દેખો’ના અવાજો કેવા સતત સંભળાવ્યા છે. આટલું જાણે કે ઓછું હોય એમ કુદરત પણ આ કુટુંબના નાશમાં કેવો સક્રિય ભાગ ભજવે છે! વરસાદ ને વાવાઝોડામાં ઘરનું અને દુર્ગાનું અસ્તિત્વ નાશ પામે છે અને એ દ્વારા આખુંયે કુટુંબ નાશ પામે છે. દીવાના અને મૂર્તિના કંપ દ્વારા, બારીના પડદાના ફફડાટ દ્વારા અને કમાડના કિચુડ કિચુડ અવાજ દ્વારા ઘરમાં ધસમસ પ્રવેશતા મૃત્યુને કેવું મૂર્તિમંત કર્યું છે. જાણે આપણી સમક્ષ એને સાક્ષાત્ સગી નજરે જોતા ન હોઈએ! ચિઠ્ઠીમાં પતિને શહેરમાં નોકરી-ધંધો મળ્યાના સમાચારથી પત્નીનો આનંદ કેવો પાણી પરના જંતુનૃત્ય અને કમળપત્રો દ્વારા અને ચાઈનીઝ ચિત્ર જેવા સરલ સુરેખ ભ્રમરનૃત્યના દૃશ્ય દ્વારા પ્રગટ કર્યો છે અને પછી વરસાદ-વાવાઝોડા સમયે એ જ પત્રો વળી વળીને વિલાય છે એમાં સર્વજયાના હૃદયપત્રની જ છબિ પ્રગટ થાય છે. તૂટું તૂટું થતા જીવતરના પ્રતીક જેવું પેલું કૂવાનું દોરડું કેવું એકલું લટકે છે. પુત્રજન્મની પ્રસૂતિ સમયે તંગદશાને તીવ્ર કરતો પિતાના પગલાનો અવાજ, દુર્ગાના મૃત્યુ પછી સ્તબ્ધતાના વાતાવરણને વાચા આપતો પતિના સ્વાગતમાં પ્રક્ષાલન માટે રેડાતા પાણીનો અવાજ, ઠાકુરદિદિને ઘરમાંથી હડધૂત કરીને હડસેલતાં પડતા લોટાનો અવાજ, મીઠાઈની કાવડની ઘંટડીનો દુર્ગાની માંદગી સમયે અગાઉથી જુદો જ અવાજ વગેરે અવાજો કેટલા અર્થપૂર્ણ, અસરકારક અને સૂચક છે. આ અવાજો નથી, ‘ધ્વનિ’ છે. ભવાઈના દૃશ્ય દ્વારા પરદેશી સામ્રાજ્યના શાસન નીચે નિર્જીવ અને નિ:સત્વ બનેલાં ભારતનાં ગામડાંનો ભૂતકાળ અને દુર્ગાની સખીનું ઘર, આરંભમાં ગામઠી નિશાળ, અંતમાં વિદાયવેળા સમુદાય અને એ સૌની સાથોસાથ સર્વજયાને સહાય કરતી એની સખીની સહાનુભૂતિ વગેરે દ્વારા ગામડાંના વર્તમાનને અત્યંત લાઘવથી વણી લઈ ચિત્રના ફલકને વિકસાવ્યું છે, વિસ્તાર્યું છે. કૂતરું, બિલાડીનાં બચ્ચાં, વરસાદ વાવાઝોડા પછી ઘરના ભંગારછાયા ચોકના ખાબોચિયામાં પડેલું મરેલું દેડકું, અંતમાં અભરાઈ પરથી દુર્ગાએ જેમાં માળા સંતાડી છે તે કચોરાને ઉતારતાં લસરી જતો કરોળિયો અને હંમેશને માટે ઘર ખાલી કરતાં, ગામડામાં ગાંસડાંપોટલાં મેલીને ગામ છોડતાં... આપણે સૌ અહીંથી એક દિવસ સદાયને માટે ચાલ્યા જશું પછી પડીને પાધર થતા આપણાં ઉજ્જડ ઘરોમાં જે નવા સાચા અને સદાયના વસનારા આવી પહોંચશે એમના પ્રતિનિધિ જેવો બે પથ્થરોની વચ્ચેથી પસાર થતો સાપ (બીજો કોઈ ચિત્રકાર હોય તો આપણાં ચિત્રોમાં આખો સાપ સળંગ સરકાવ્યા વિના રહી શકે કે?) વગેરે પ્રાણીજંતુઓ પાસેથી પણ કલાકારે કેટકેટલો અર્થ કઢાવ્યો છે. આમ, અનેક અવાજો અને આદિથી અંત લગી રવિશંકરનાં વાદ્યોના કરુણ મધુર અવાજ દ્વારા અને અનેક પ્રતીકો અને આદિથી અંત લગી આ સમગ્ર પ્રતીકોના સરવાળા જેવા એક સૂચિત પ્રતીક દ્વારા ‘પથેર પાંચાંલી’ના ચિત્રકારે એક સર્વાંગસુન્દર અને સાંગોપાંગ સંપૂર્ણ કલાકૃતિનું સર્જન કર્યું છે. બંગાળી ભાષાની બારાખડી પણ ન જાણી હોય તો યે આ ચિત્ર માણી શકાય છે કારણ કે એમાં પ્રતીકો અને અવાજોની ભાષા એ માનવહૃદયની સાર્વભૌમ ભાષા છે. ‘પથેર પાંચાલી’ જોવું એ જીવનનો એક લ્હાવો છે. ‘પથેર પાંચાલી’ જોયા વિના કેમ જિવાય? ૯ ડિસેમ્બર ૧૯૫૬