સાહિત્યચર્યા/ફ્રી વર્સ


ફ્રી વર્સ

ફ્રી વર્સને ગુજરાતીમાં ‘મુક્ત પદ્ય’ કહી શકાય. પણ ફ્રી વર્સ – મુક્ત પદ્ય એ શબ્દપ્રયોગ વદતોવ્યાઘાત છે. પદ્યમાં લયનું નિયંત્રણ-નિયમન અનિવાર્યપણે હોય જ, એટલે પદ્ય મુક્ત ન હોય. પદ્ય હોય તો મુક્ત નહિ અને મુક્ત હોય તો પદ્ય નહિ. એથી સ્તો એલિયટ કહે છે, ‘મુક્ત પદ્ય – ફ્રી વર્સ – નું અસ્તિત્વ જ નથી.’ છતાં વિશિષ્ટ અર્થમાં ‘ફ્રી વર્સ’ એવો શબ્દપ્રયોગ થાય અને આજે જગતની સૌ ભાષાઓના પિંગળમાં એ પ્રચલિત અને પ્રતિષ્ઠિત થયો છે. પ્રાચીન યુગમાં વેદોના આર્ષ પદ્ય અને હીબ્રૂ કવિતા અને બાઇબલના પદ્ય – વર્સેટ અને પેરેલાલિઝમ – સાથે તથા અર્વાચીન યુગના વ્હીટમેનના પદ્ય સાથે ફ્રી વર્સનું સામ્ય છે. પણ નથી એ સૌમાં ફ્રી વર્સની પ્રેરણા કે નથી એ સૌનો ફ્રી વર્સ પર પ્રભાવ. ઐતિહાસિક દૃષ્ટિએ ફ્રી વર્સનો જન્મ ફ્રાંસમાં ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં થયો હતો. ૧૨મી સદીમાં એલેક્ઝાન્ડર વિશેના કાવ્યમાં ૧૨ શ્રુતિ (syllable)ની પંક્તિ યોજવામાં આવી હતી. એથી એનું ‘આલેક્ઝાંદ્રિન’ એવું નામાભિધાન કરવામાં આવ્યું હતું. પછી ૧૬મી સદીમાં રોંસા આદિ કવિઓએ એમનાં કાવ્યોમાં એનો એવો તો મહિમા કર્યો કે ૧૯મી સદીના ઉત્તરાર્ધ લગી ફ્રેંચ કવિતામાં અને પદ્યનાટકમાં એનું એકચક્રી વર્ચસ્ રહ્યું હતું. ‘આલેક્ઝાંદ્રિન’ની પંક્તિમાં ૧૨ શ્રુતિની નિશ્ચિત સંખ્યા હોય છે અને પંક્તિની બરોબર વચમાં ૬ શ્રુતિ પછી દૃઢ-સુદૃઢ યતિ (caesura) હોય છે. વળી બબ્બે પંક્તિઓને અંતે પ્રાસ અને યતિ હોય છે. આમ, ‘આલેક્ઝાંદ્રિન’નું પદ્ય એ પ્રશિષ્ટ તથા દૃઢ અને ચુસ્ત એવું પદ્ય છે. ૧૯મી સદીના ઉત્તરાર્ધ ફ્રેંચ કવિઓએ અનેક કારણોસર – મુખ્યત્વે બાહ્યજગતમાં આધુનિક નગરસંસ્કૃતિ અને આંતરજગતમાં આધુનિક નાગરિક માનસના કારણોસર – પદ્યમાં મુક્તિ અને પદ્યમાંથી મુક્તિ માટે આ પદ્ય વિરુદ્ધ વિદ્રોહ કર્યો અને અંતે ફ્રી વર્સ – વેર લિબ્ર – મુક્ત પદ્ય તથા પ્રોઝ પોએમ – પોએમ આં પ્રોઝ – ગદ્યકાવ્ય અસ્તિત્વમાં આવ્યું. ૧૮૬૬માં વર્લેને વેર એંપેર અને વેર લિબેરેનો તથા ૧૮૭૨માં રેંબોએ વેર લિબ્રનો પ્રયોગ કર્યો. એમણે પંક્તિમાં ૧૨ શ્રુતિની નિશ્ચિત સંખ્યાનો, પંક્તિની બરોબર વચમાં સુદૃઢ યતિનો તથા પક્તિને અંતે પ્રાસ અને યતિનો ત્યાગ કર્યો. એથી શ્લોકભંગ – શ્લોકરહિતત્વ, મધ્ય-અંત્ય-યતિભંગ – યતિરહિતત્વ તથા પ્રાસભંગ – પ્રાસરહિત્વને કારણે એકસરખા માપની નહિ પણ ભિન્ન ભિન્ન માપની લાંબી-ટૂંકી પંક્તિઓ સાથેનું તથા પરિચ્છેદ – વાક્યોચ્ચય (verse – paragraph) સાથેનું પદ્ય – ફ્રી વર્સ – મુક્ત પદ્ય સિદ્ધ થયું. ૧૬મી સદીથી અંગ્રેજી ભાષાની કવિતામાં તથા પદ્યનાટકમાં બ્લેંક વર્સ – પ્રવાહી પદ્ય – નું વર્ચસ્ હતું. એમાં. પ્રાસરહિત અને યતિરહિત એવી પાંચ આયંબ ગણની પંક્તિ હતી. પણ પંક્તિમાં પાંચ આયંબ ગણના વિકલ્પમાં અન્ય ૧૩ ગણો યોજવાની સુવિધા છે એથી અંગ્રેજી ભાષાના કવિઓએ બ્લેંક વર્સની વિરુદ્ધ વિદ્રોહ કર્યો નથી અને ફ્રી વર્સનો સવિશેષ મહિમા કર્યો નથી કે એનું શાસ્ત્ર રચ્યું નથી. એમ કરવાની એમને જરૂર નથી. અંગ્રેજી ભાષાના કવિઓ સદ્ભાગી છે. બ્લેંક વર્સમાં પ્રવાહિતા અને મુક્તિ છે, લવચીકતા અને મોકળાશ છે, છતાં પણ ફ્રી વર્સમાં સહેજ વધુ પ્રવાહિતા અને મુક્તિ, લવચીકતા અને મોકળાશ છે એથી ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં અંગ્રેજી ભાષાની કવિતામાં પણ ફ્રી વર્સ – મુક્ત પદ્ય પ્રચલિત અને પ્રતિષ્ઠિત થયું હતું. આજે હવે જગતની સૌ ભાષાઓની કવિતામાં ફ્રી વર્સ – મુક્ત પદ્ય પ્રચલિત અને પ્રતિષ્ઠિત છે. ૧૯૯૮