સાહિત્યચર્યા/ફ્રેન્ચ સાહિત્ય


ફ્રેન્ચ સાહિત્ય

ફ્રેન્ચ સાહિત્યનો નવમી સદીથી આજ લગીનો બારસો વરસનો ઇતિહાસ. એમાં પાંચ યુગો છે : મધ્યકાલીન યુગ, પુનરુત્થાન યુગ, પ્રશિષ્ટતાનો યુગ, રંગદર્શિતાનો યુગ અને અર્વાચીન યુગ. મધ્યકાલીન યુગ : સાહિત્ય તરીકે ફ્રેન્ચ સાહિત્યનો આરંભ ૧૨મી સદીમાં થયો હતો. ફ્રાંસ ત્યારે યુરોપનું બૌદ્ધિક અને સાંસ્કૃતિક કેન્દ્ર હતું. પણ ફ્રેન્ચ પ્રજા અને એની ભાષાની અસ્મિતાનો અને ઓળખનો આરંભ તો ૯મી સદીમાં થયો હતો. ૮૪૨માં જેમાંથી આજની ફ્રેન્ચ ભાષાનો વિકાસ થયો છે તે નવજાત ફ્રેન્ચ ભાષા – roman, romana lingua, રોમાં, રોમાના લિંગ્વામાં રાજકીય વિષયનું દસ્તાવેજી લખાણ થયું હતું. આ પ્રથમ લખાણ પછી ૯મીથી ૧૨મી સદી લગીમાં મોટા પ્રમાણમાં સાહિત્યિક લખાણ થયું હશે પણ એમાંથી થોડું જ લખાણ અસ્તિત્વમાં છે અને તે પણ મુખ્યત્વે લૅટિન ભાષામાં છે અને વિદ્વદ્ભોગ્ય એવું બોધપ્રધાન લખાણ છે. મધ્યકાલીન યુગમાં ફ્રાંસમાં સામંતશાહી સમાજ અસ્તિત્વમાં હતો. એમાં ખ્રિસ્તી ધર્મનું વર્ચસ્ હતું. સમાજમાં મુખ્ય ત્રણ વર્ગો હતા : ધાર્મિક વર્ગ, ઉચ્ચ વર્ગ અને મધ્યમ વર્ગ. ખેડૂતો અને ગુલામોનું અસ્તિત્વ હતું પણ એમનું મહત્ત્વ ન હતું. ધાર્મિક વર્ગ અને ઉચ્ચ વર્ગ વચ્ચે પરસ્પર આદાનપ્રદાનનો સંબંધ હતો અને મુખ્યત્વે આ બે વર્ગોએ જ સાહિત્ય રચ્યું હતું. સમાજના કેન્દ્રમાં ધર્મ હતો એથી ધર્મનિરપેક્ષ સાહિત્યમાં પણ ધર્મનો પરોક્ષ પ્રભાવ હતો. ૧૦૯૫થી ૧૨૭૦ લગીમાં ફ્રાંસે પવિત્ર ભૂમિની મુક્તિ અર્થે વિધર્મીઓ વિરુદ્ધ કુલ ૮ ધર્મયુદ્ધો ખેલ્યાં હતાં. એની પ્રેરણાથી ધાર્મિક વર્ગના કવિઓએ શાંસોં દ જેસ્ત (મહાકાવ્યકલ્પ વીરરસપ્રધાન દીર્ઘ કથનાત્મક કાવ્યો) રચ્યાં હતાં. એનું વસ્તુ ઇતિહાસમાંથી વીરપુરુષોનાં જીવનચરિત્રમાંથી ઉદ્ધૃત કરવામાં આવ્યું હતું. આવાં કુલ ૮૦ કાવ્યો ઉપલબ્ધ છે. એમાં જે સૌથી પ્રથમ રચવામાં આવ્યું હતું તે શાંસોં દ રોલાં સૌથી વધુ પ્રસિદ્ધ છે. એમાં સમકાલીન સમાજ અને એની જીવનશૈલી પ્રગટ થાય છે. આ ઉપરાંત ૧૧મી સદીથી સંતોનાં જીવનચરિત્રો તથા પશુ-પંખીઓનાં પાત્રોને આધારે બોધપ્રધાન કાવ્યો પણ રચાયાં હતાં. ૧૧૬૦થી ૧૨૫૦ લગીમાં ઉત્તર ફ્રાંસમાં બેન્વા, બેટુલ, મારી દ ફ્રાંસ, ક્રેતીમાં દ ત્રોય અને અન્ય ત્રુવેર કવિઓએ રાજસભાના શિષ્ટાચારને આધારે તથા ઍલેક્ઝાન્ડર, હેક્ટર આદિ ગ્રીક, રાજા આર્થર અને એના અમીર યોદ્ધાઓ આદિ અંગ્રેજ, ત્રિસ્તાં અને ઇસોત આદિ પાત્રોને અંગે શૌર્યરંગી પ્રેમના વસ્તુવિષય પર અમીર વર્ગના આનંદપ્રમોદ અર્થે વીરરસપ્રધાન પ્રશિષ્ટ શાંસોંથી સંપૂર્ણપણે વિરોધી એવાં અનેક શૃંગારપ્રધાન રંગદર્શી કથનાત્મક કાવ્યો – રોમાં કુર્ત્વા – રચ્યાં હતાં. લગભગ આ જ સમયમાં દક્ષિણ ફ્રાંસમાં પ્રોવાંસ પ્રદેશમાં ત્રુબાદુર કવિઓએ ગેય પ્રેમકાવ્યો – આમુર કુર્ત્વા – રચ્યાં હતાં. એમાં પરિણીત એવી પ્રેયસીને એવા ઉચ્ચ સ્થાને પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી કે એની પ્રત્યેનો પ્રેમ સદાય વિફલ જ હોય. આ પ્રેમ મોહ રૂપે નહિ, પણ ભક્તિ રૂપે, પૂજા રૂપે પ્રગટ થાય છે. ૧૧૪૦થી ૧૪૬૨ લગીમાં બોદેલ, ગીલોત્ર દ લોરિસ, યુસે, રુતબફ, ઝાં દમ્યુંગ, માશો, દેશાં, શાર્લ દોલેંઆં, વિયોં આદિ કવિઓએ ઊર્મિકવિતાનું સર્જન કર્યું હતું. એમાં લોરિસનું સંપૂર્ણ કાવ્ય ‘લ રોમાં દ લા રોઝ’ અતિપ્રસિદ્ધ છે. ૪૦ વર્ષ પછી આ અપૂર્ણ કાવ્ય ઝાં દ મ્યુંગે પૂર્ણ કર્યું હતું. વિયોં ફ્રેન્ચ કવિતાના ઇતિહાસમાં આધુનિક અર્થમાં પ્રથમ મહાન કવિ છે. એનાં ‘લ તેસ્તામાં’, ‘લ લે’ અને અન્ય કેટલાંક બાલાદ કાવ્યો જગપ્રસિદ્ધ છે. ૧૨મી સદીના ઉત્તરાર્ધમાં બાઇબલના વસ્તુવિષય પર ધાર્મિક નાટકો રચવાનો આરંભ થયો હતો. એમાં ‘લ ઝ દાદમ’ અને બૉદેલનું ‘ઝ દ સેં નિકોલા’ તથા રુતબફ, ગ્રેબાં અને નિશેલનાં નાટકો પ્રસિદ્ધ છે. આ ધાર્મિક નાટકોમાં ગૌણપણે હાસ્યરસ પણ હતો. ૧૩મી સદીમાં લ બોસુ આદિનાં સંપૂર્ણપણે ધર્મનિરપેક્ષ નાટકો રચાયાં હતાં. ૧૨મીથી ૧૪મી સદી લગીમાં સમકાલીન મધ્યમ વર્ગના સમાજના સંદર્ભમાં રુતબફ આદિનાં કટાક્ષકાવ્યો – ફાબ્લિઓ – રચાયાં હતાં. એમાં ‘લ રોમાં દ રનાર’ નીતિકથાકાવ્ય અતિપ્રસિદ્ધ છે. ૧૪મી સદીમાં ફ્રેન્ચ સાહિત્યના ઇતિહાસના આ પ્રથમ યુગના અસ્તનો આરંભ થયો હતો. ૧૫મી સદીમાં ઊર્મિકવિતામાં હજુ સર્જકતા સક્રિય હતી. પણ ખ્રિસ્તી ધર્મની ગ્લાનિ અને સામંતશાહી સમાજની અધોગતિ તથા ૧૩૩૭થી ૧૪૫૩ લગી શતવર્ષીય યુદ્ધને કારણે ૧૫મી સદીના અંત લગીમાં આ યુગ પૂરેપૂરો અસ્ત થયો હતો. ૧૪મી-૧૫મી સદીમાં ઊર્મિકવિતાના અપવાદ સાથે સર્જકતા એકંદરે લુપ્ત હતી. પુનરુત્થાન યુગ : પુનરુત્થાનનો જન્મ ૧૪મી-૧૫મી સદીમાં ઇટલીમાં થયો હતો. પુનરુત્થાન એક વિજ્ઞાનવાદી, ભૌતિકવાદી, ધર્મનિરપેક્ષતાવાદી, બિન-સાંપ્રદાયિકતાવાદી, ઉદારમતવાદી, સમાનતાવાદી, વૈયક્તિકતાવાદી, માનવતાવાદી એવું પ્રચંડ બૌદ્ધિક આંદોલન હતું. ૧૪મી સદીના આરંભે ફ્રાંસમાં માનવતાવાદનો સ્વતંત્ર, મૌલિક વિકાસ થયો હોત પણ શતવર્ષીય યુદ્ધને કારણે એમાં અવરોધ થયો હતો. ૧૪૯૪થી ૧૫૫૯ લગી ઇટાલિયન યુદ્ધોને કારણે ફ્રાંસ ઇટલી તથા એની રાજસભાઓ અને અમીર વર્ગના સંપર્કમાં આવ્યું હતું. એક યુદ્ધે જેનો હ્રાસ કર્યો એનો અન્ય યુદ્ધોએ વિકાસ કર્યો. ૧૪૯૪થી ૧૫૩૦ લગીમાં આ આંદોલન ફ્રાંસમાં પ્રસર્યું હતું. ૧૫૫૦-૧૫૬૦માં એની પરાકાષ્ઠા હતી. આ સમયમાં કળા અને વિદ્યાના ક્ષેત્રમાં ગ્રીક-લૅટિન પ્રાચીન પ્રશિષ્ટ ગ્રંથોનો અભ્યાસ થયો હતો અને ધર્મગ્રંથોનો પણ ટીકાત્મક અભ્યાસ થયો હતો. એથી મધ્યકાલીન ખ્રિસ્તી ધર્મવ્યવસ્થા અને સામંતશાહી સમાજવ્યવસ્થા વિરુદ્ધ પ્રચંડ વિદ્રોહ પ્રગટ થયો હતો. વિશ્વના કેન્દ્રમાં પરમેશ્વરને સ્થાને મનુષ્યને સ્થાપવામાં આવ્યો હતો, જેમાં સૌંદર્યની ઉપેક્ષા હોય, શૈલીસ્વરૂપની અવજ્ઞા હોય; નીતિનિયમોને આધારે જ કળા અને સાહિત્યનું મૂલ્યાંકન થવું જોઈએ, દેહ ને આત્માના દમન દ્વારા સદ્-આચરણ થવું જોઈએ એવો આગ્રહ – બલકે દુરાગ્રહ હોય એવી ધર્મવ્યવસ્થા અને સમાજવ્યવસ્થાનો એમાં અસ્વીકાર – બલકે તિરસ્કાર કરવામાં આવ્યો હતો. એમાં ગ્રીક માનસ અને વ્યક્તિસ્વાતંત્ર્યનો મૌલિક મિજાજ પ્રગટ થયો હતો. ધર્મની શ્રદ્ધાળુતાને સ્થાને વિજ્ઞાનની બૌદ્ધિકતાનો મહિમા થયો હતો. ધર્મનિરપેક્ષ અને બિન-સાંપ્રદાયિક ઉદાર માનવતાવાદ તથા ધર્મશોધન અને ધર્મસંશોધનમાં પુનરુત્થાનનું બૌદ્ધિક અને સાહિત્યિક સ્વરૂપ પ્રગટ થાય છે. ફ્રાંસ્વા રાબલે એમની કટાક્ષના મહાકાવ્ય સમી મહાકાય નવલકથા ‘ગાર્ગાંતુઓ’ અને ‘પાન્તાગ્રએલ’માં પુનરુત્થાનના પ્રથમ સર્જક રૂપે પ્રગટ થાય છે. વ્યવસાયે એ વૈજ્ઞાનિક બુદ્ધિના તબીબ હતા. એ નિરીશ્વરવાદી, માનવતાવાદી, સુધારાવાદી પ્રચારક હતા. એમની આ નવલકથામાં સમકાલીન સમાજનાં સ્ખલનોનું ખંડનાત્મક વિવેચન છે. હ્યુગો અને બાલ્ઝાકની જેમ એમનામાં અખૂટ સર્જનશક્તિ હતી. એમના સાહિત્યમાં ફાબ્લીઓ અને રોમાં કુર્ત્વાની પરંપરાનું અનુસંધાન છે. માર્ગરિત દ નાવાર એમની અફલાતુની પ્રેમની ૭૨ ટૂંકી વાર્તાઓના સંગ્રહ ‘હેપ્તામૅરોન’માં પુનરુત્થાનના પ્રથમ સ્ત્રી-સર્જક રૂપે પ્રગટ થાય છે. એમણે મારો આદિ અનેક કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો. એમણે સૌંદર્યદર્શી કલાકાર રાણી તરીકે રાજસભાની સંસ્કારિતાનું સર્જન કર્યું હતું. લગ્નેતર પ્રેમની એમની ટૂંકી વાર્તાઓમાં પ્રેમપાત્ર વ્યક્તિ ભક્તિના, પૂજાના ભાજન રૂપે પ્રગટ થાય છે. એમાં આદર્શવાદ અને વાસ્તવવાદ વચ્ચે સંઘર્ષ પણ પ્રગટ થાય છે. આ વાર્તાઓમાં ફાબ્લીઓ અને આઝુર કુર્ત્વાની પરંપરાનું અનુસંધાન છે. ક્લેમા મારો માનવતાવાદી રાજ્યાશ્રયી કવિ હતા. એ પુનરુત્થાન યુગના પ્રથમ કવિ હતા. એમણે સમકાલીન ધર્મપુરુષો પર કટાક્ષનાં પ્રાસંગિક કાવ્યો રચ્યાં હતાં. ધર્મક્ષેત્રના સુધારકો સાથે એમનું સામ્ય છે. એમની કવિતામાં ભાષા અને શૈલીની અનેક વિચિત્રતાઓ પ્રગટ થાય છે. એથી એ વાગ્મિતાના કવિઓની પરંપરાના પ્રણેતા હતા. રોંસા પુનરુત્થાન યુગના સર્વશ્રેષ્ઠ કવિ છે. એ અને એમની આસપાસ એવા અન્ય છ કવિઓનું કવિવૃન્દ ‘પ્લેઇઆદ’ – સપ્તર્ષિ – ના નામે પ્રસિદ્ધ છે. પ્રત્યેકને એમની વિશેષતા હતી. રોંસા અને એમના કવિમિત્ર દ્ધુ બલેએ ગ્રીક અને લૅટિન ભાષા અને સાહિત્યના સૂક્ષ્મ અભ્યાસ દ્વારા ફ્રેન્ચ ભાષા પણ મહાન સાહિત્યના માધ્યમ તરીકે એ બન્ને ભાષાઓ જેટલી જ સધ્ધર અને સમૃદ્ધ થાય એ માટે પ્રબળ પુરુષાર્થ કર્યો હતો. આ સાત કવિઓ દ્વારા મધ્યકાલીન સાહિત્યનાં મૂલ્યો અને ધોરણોનો આખરી અંત આવ્યો હતો, અને માત્ર ગ્રીક અને લૅટિન સાહિત્યનાં જ વસ્તુવિષયો અને શૈલીસ્વરૂપો જ નહિ પણ સૉનેટ જેવા ઇટાલિયન સ્વરૂપનો પણ ફ્રેન્ચ કવિતામાં આરંભ થયો હતો. રોંસા મુખ્યત્વે પેટ્રાર્કની પરંપરાના પ્રેમના કવિ છે. એમણે આલેકઝાંદ્રિન છંદ પર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હતું. ત્યારથી અંગ્રેજી કવિતામાં બ્લૅંક વર્સની જેમ ફ્રેન્ચ કવિતામાં આલેક્ઝાંદ્રિન છંદનું વર્ચસ્ રહ્યું છે. આ છંદની ભેટ માટે સૌ ફ્રેન્ચ કવિઓ રોંસાના સદાયના ઋણી છે. પછીથી રાસિને એમનાં પદ્યનાટકોમાં આ છંદ એના પૂર્ણ સ્વરૂપે યોજ્યો હતો. દ્ધુ બલે માનવતાવાદી કવિ છે. એમની પ્રેમની કવિતામાં ગ્રીકથી વિશેષ તો લૅટિન કવિતાની પ્રેરણા છે, રોમના વિલીન ભૂતકાળ અને ગત વૈભવ વિશેની વેદનાનાં એમનાં ઘટ્ટવણાટી સૉનેટ એમની કવિપ્રતિભાની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. બેફ એમનાં ચિન્તનોર્મિકાવ્યો માટે પ્રસિદ્ધ છે. એમણે ફ્રેન્ચ ભાષાના પિંગળમાં પણ સંશોધન કર્યું હતું. બેલો એમનાં ગોપકાવ્યો માટે પ્રસિદ્ધ છે. જોદેલની કવિતામાં લૅટિન સંસ્કૃતિનો સવિશેષ પ્રભાવ છે. જોદેલ એમનાં નાટકો માટે પણ પ્રસિદ્ધ છે. પેલેતિયે અથવા પછીથી એમના વિકલ્પ રૂપે જેમનું નામ સૂચવવામાં આવ્યું હતું તે દોરા ‘સપ્તર્ષિ’ના સાતમા કવિ છે. ‘પ્લેઇઆદ’ના કવિઓ માટે પ્રશિષ્ટ કૃતિઓ જ આદર્શરૂપ હતી. એમના સર્જનમાં પ્રશિષ્ટ કૃતિઓના અનુકરણનો સિદ્ધાંત હોવાથી એમાં માત્ર ક્યાંક ક્યાંક વસ્તુવિષય અને શૈલીસ્વરૂપમાં પરિવર્તનો હતાં. એમાં પુનરુત્થાન યુગનો માનવતાવાદ એ જ સાહિત્યના મૂલ્યાંકનનું એકમાત્ર અને અંતિમ ધોરણ હતું. જોદેલ અને ગાર્નિયેનાં નાટકોમાં ગ્રીક-લૅટિન નાટકોની પ્રેરણા છે. એ દ્વારા મધ્યકાલીન ધર્મ-આધારિત નાટકની પરંપરાનો અંત આવ્યો હતો અને ધર્મનિરપેક્ષ, બિન-સાંપ્રદાયિક નાટકની પરંપરાનો આરંભ થયો હતો. આ નાટકકારોએ લૅટિન વિવેચકોના દૃષ્ટિબિંદુથી એરિસ્ટોટલનો અભ્યાસ કર્યો હતો. એથી એમનાં નાટકો ગ્રીક અને લૅટિન નાટકોની પરંપરાઓના સમાધાનરૂપ છે. એમાં ત્રિવિધ એકતા નથી, એના કેન્દ્રમાં કાર્ય અને સંઘર્ષ નથી, પણ પાત્રની નિષ્ક્રિયતા અને કરુણતા છે. મધ્યકાલીન નાટકની જેમ આ નવું નાટક લોકપ્રિય ન હતું, પણ વિદ્વદ્ભોગ્ય હતું. મોન્તેન એ પુનરુત્થાન યુગની સર્વશ્રેષ્ઠ સર્જકપ્રતિભા છે. અંગ્રેજી સાહિત્યમાં જેમ શેક્સ્પિયર સર્વોચ્ચ સ્થાને છે તેમ ફ્રેન્ચ સાહિત્યમાં મોન્તેન સર્વોચ્ચ સ્થાને છે. પુનરુત્થાનના આરંભમાં નિશ્ચિતતા હતી એને સ્થાને હવે મોન્તેનના નિબંધોમાં સંશય છે. ૧૫૩૦ લગી રાબલે આદિ માટે જ્ઞાન એ સાધન નહિ, સાધ્ય હતું. એક પ્રચંડ શક્તિરૂપ હતું. હવે ૧૫૭૦માં એને સ્થાને સંશય છે. મોન્તેનને એમના પુરોગામીઓના વિચારોમાં વિરોધાભાસનું દર્શન થયું હતું. એથી એમના ચિત્તમાં સંશય ઉત્પન્ન થયો હતો. મનુષ્યને બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે પણ એ બન્ને સાધનો સીમિત છે, અપૂર્ણ અને સ્ખલનશીલ છે, એથી ક્યાંય નિશ્ચિતતા નથી, કશું અપરિમેય નથી, બધું પરિવર્તનશીલ છે, સાપેક્ષ છે. અંતિમ સત્ય તો અજ્ઞેય છે. એમનામાં માનવતાવાદી તટસ્થ વૈજ્ઞાનિક દૃષ્ટિ હતી. એથી એમના નિબંધોમાં સત્ય અને નિશ્ચિતતાની શોધ છે, સિદ્ધિ નથી. પરમેશ્વરનો અનુગ્રહ હોય તો જ શ્રદ્ધા અને નિશ્ચિતતા સિદ્ધ થાય એવા દર્શનમાં પાસ્કાલના આગમનનો આગોતરો અણસાર છે. એમના નિબંધોમાં સિદ્ધાંત કે ફિલસૂફી નથી, અંગત અનુભવો છે. મોન્તેન અંગત નિબંધના પિતા છે. એમના નિબંધોમાં અનુભવસિદ્ધ જ્ઞાન છે, વ્યવહારુ ડહાપણ છે. એમને વિચારમાં રસ નથી, વર્તન અને વ્યવહારમાં, નીતિમાં રસ છે અને નીતિ એ એક રૂઢિ છે. નીતિ-અનીતિને સ્થળકાળનો સંદર્ભ છે. એથી એ સાપેક્ષ છે, પરિવર્તનશીલ છે. એને બુદ્ધિ સાથે કોઈ સંબંધ નથી. એમના નિબંધોમાં અંગત અનુભવો કેન્દ્રમાં છે એથી એમાં એમનું સમૃદ્ધ એવું વ્યક્તિત્વ સંપૂર્ણપણે વ્યક્ત થાય છે. એક વ્યક્તિનું જીવન સમગ્ર મનુષ્યજીવનનું પ્રતીક છે એથી એમાં વૈશ્વિકતા પ્રગટ થાય છે. મોન્તેનના જીવન અને સર્જનનું સારસર્વસ્વ એમના જ એક પ્રશ્નમાં, ‘ક સે ઝ?’ – ‘હું શું જાણું છું?’માં પ્રગટ થાય છે. મોન્તેનના અંગત નિબંધોમાં અંતે તો એમનું ભર્યું ભર્યું વ્યક્તિત્વ જ પરમ આસ્વાદ્ય છે. ૧૫૬૦થી ૧૫૯૬ લગી પ્રૉટેસ્ટંટ ધર્મના પ્રભાવમાં પ્રગતિ થતી જતી હતી એથી કૅથલિક ધર્મે સ્વરક્ષણ અર્થે પ્રતિ-સુધારાનો સંઘર્ષ કર્યો અને આંતરવિગ્રહો થયા. અંતે પ્રોટેસ્ટંટોને એમના ધર્મનું મુક્તપણે પાલન કરવાની અનુમતિની નીતિ અપનાવવામાં આવી અને શાંતિની સ્થાપના કરવામાં આવી હતી. આ વિગ્રહો દરમ્યાન પુનરુત્થાન યુગની ઇટાલિયન રાજસભાની સંસ્કારિતાની પરંપરાઓનો સમાજ સંપૂર્ણપણે અદૃશ્ય થયો. રાજકીય ને પ્રાસંગિક વસ્તુવિષયના સાહિત્યનું સર્જન થયું. અગ્રીપ્પા દોબિન્યેનાં પ્રોટેસ્ટંટપક્ષી દીર્ઘ કાવ્યો અને લરોયના કૅથલિકપક્ષી કટાક્ષકાવ્યોના અપવાદ સાથે સર્જનાત્મક સાહિત્યનું નહિવત્ સર્જન થયું. શાંતિની સ્થાપના પછી ૧૭મી સદીના આરંભથી જ કળા અને સાહિત્યનું પુનર્જીવન થયું. પ્રશિષ્ટતાનો યુગ : ૧૬૧૦થી ૧૭૮૯ લગીનો, ૧૭મી-૧૮મી સદીનો દીર્ઘ સમય એ ફ્રેન્ચ સાહિત્યના ઇતિહાસમાં પ્રશિષ્ટતાનો યુગ છે. ૧૬૧૦થી ૧૬૬૦ લગીમાં એનું ઘડતર થયું હતું. આ સમયમાં સાહિત્યમાં પ્રશિષ્ટતાનો આદર્શ પ્રતિષ્ઠિત થયો. પ્રશિષ્ટતાનાં મૂલ્યો, સિદ્ધાંતો અને ધોરણોનો સ્વીકાર-પુરસ્કાર થયો, પૂર્વનિશ્ચિત નિયમો, શિસ્ત અને સંયમ તથા રૂઢિ-પ્રણાલીને આધારે સાહિત્યનું સર્જન થયું. પુનરુત્થાન યુગના બૌદ્ધિક માનવતાવાદીઓ વિદ્યમાન ન હતા. હમણાં જ જોયું તેમ, ઇટાલિયન રાજસભાની સંસ્કારિતાની પરંપરાનો સમાજ પણ અદૃશ્ય થયો હતો. એથી હવે જેમાં બૌદ્ધિકતામાં, વિચારોમાં નહિ, પણ વાણી, વર્તન અને વેશમાં સંસ્કારિતા પ્રગટ થાય એવો સમાજ અસ્તિત્વમાં આવ્યો હતો. એમાં સામાજિક શિષ્ટાચારની પરંપરાનો મહિમા થયો હતો. આ સમાજને સર્જનાત્મક સાહિત્યમાં રસ ન હતો. એથી એક નવો સંસ્કારી વાચકવર્ગ અસ્તિત્વમાં આવ્યો હતો. સન્નારીઓ એમાં સૂત્રધારરૂપ હતી. આ સમાજમાં ભાષાની શુદ્ધિ, સામાજિક વ્યવહારમાં ભાષાની શુદ્ધિ અને શિષ્ટતાનો આગ્રહ હતો. આ આગ્રહ પદ્યને પ્રતિકૂળ હતો, પણ ગદ્યને અત્યંત અનુકૂળ હતો. એથી સ્પષ્ટ, સ્વચ્છ, પ્રવાહી, પારદર્શક ગદ્ય અને સામાજિક કવિતાનું એક નવું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું હતું. માલ્હર્બના ક્રૂર અને કઠોર વિવેચનમાં આ આગ્રહ વ્યક્ત થાય છે. આ સમાજમાં એમનું આગમન અનિવાર્ય હતું. એમના વિવેચનને કારણે સાહિત્યમાંથી હીન અને મલિન શબ્દોને ભાષાવટો આપવામાં આવ્યો, ઉચ્ચ અને સ્વચ્છ શબ્દોની પ્રતિષ્ઠા કરવામાં આવી. કવિતામાં મધ્યયતિસહિત અને અંત્યયતિસહિત તથા પ્રવાહિતારહિત એવો જડ અને ચુસ્ત આલેકઝાંદ્રિન છંદ પ્રચલિત અને અચલપ્રતિષ્ઠ થયો. ૧૬૩૫માં કાર્ડિનલ રિશેલ્યુએ ભાષાની શુદ્ધિ અર્થે અને કોશની વૃદ્ધિ અર્થે ૪૦ સભ્યોની આકાદમી ફ્રાંસેસ સ્થાપી હતી. દેકાર્ત ગણિતશાસ્ત્રી અને ફિલસૂફ હતા. એમણે સરલ ગદ્યમાં એમની કાર્તેઝિયન પદ્ધતિના ચાર નિયમો રજૂ કર્યા. મોન્તેનની ફિલસૂફીનો જ્યાં અંત હતો ત્યાંથી દેકાર્તની ફિલસૂફીનો આરંભ થાય છે. એમણે મોન્તેનનો સંશયવાદ એ નિશ્ચિતતાનું સાધ્ય સિદ્ધ કરવાનું સાધન છે એવું પ્રતિપાદન કર્યું. એમાં એમનું વૈજ્ઞાનિક માનસ અને દર્શન પ્રગટ થાય છે. એમનું ગદ્ય એક પ્રખર પ્રતિભાશાળી ચિંતકનું ગદ્ય છે. કોર્નાઇએ ૧૬ વર્ષમાં કુલ ૧૨ કરુણરસપ્રધાન નાટકો રચ્યાં છે. એમાં હાસ્યમિશ્રિત કરુણરસપ્રધાન નાટક ‘સિદ’ જગપ્રસિદ્ધ છે. એનું વસ્તુ રોમૅન્ટિક છે, સ્પેનિશ છે. પણ એમાં એમણે એરિસ્ટોટલના ત્રિવિધ એકતાના વિચારનું પાલન કર્યું છે એથી અસલ વસ્તુમાં આમૂલ પરિવર્તન કર્યુ ંછે. નાટિકા શિમેનના કરુણ પાત્રમાં પ્રેમ અને કર્તવ્ય વચ્ચેનો સંઘર્ષ આ નાટકના કેન્દ્રમાં છે. પાસ્કાલ પણ ગણિતશાસ્ત્રી હતા. એમનામાં વૈજ્ઞાનિક દૃષ્ટિ હતી. સાથે સાથે એમને રહસ્યમયતાનો અનુભવ હતો. એમનું ધાર્મિક માનસ હતું. એ નીતિશાસ્ત્રી હતા. એમના ‘પાંસે’માં એમનું સંશયવાદી દર્શન પ્રગટ થાય છે. માનવસ્વભાવ ભ્રષ્ટ અને નિર્બળ છે એથી કેવળ સંકલ્પ દ્વારા, મનોબળ દ્વારા પાપ અને મૂર્ખતામાંથી મુક્ત થવાય એવું માનવું એ મનુષ્યનું મિથ્યાભિમાન માત્ર છે. પરમેશ્વરના અનુગ્રહ વિના મનુષ્ય નિ:સહાય, નિરાધાર છે એથી એને શ્રદ્ધાની અનિવાર્યતા છે. મનુષ્યમાં દિવ્યતાની ખોજ છે. એ માટે સંશયવાદ સાધન છે, સાધ્ય તો શ્રદ્ધા જ છે. આમ, એમનામાં સ્ટૉઇક પરંપરાની સહનશીલતા છે. એમની ફિલસૂફીમાં તર્કબદ્ધતા, આધ્યાત્મિકતા અને સહજસ્ફુરણાનું અદ્ભુત મિશ્રણ થયું છે. ૧૬૬૦થી ૧૬૮૫ લગી પ્રશિષ્ટતાનો સુવર્ણ યુગ હતો. ૧૬૬૨ લગીમાં પુનરુત્થાન યુગની પ્રથમ પેઢીના મહાન સર્જકો વિદ્યમાન ન હતા. પણ એમના ઘડતર પર આ સમયના સર્જકોએ મહાન ગ્રંથોનું ચણતર કર્યું હતું. લા રોશફૂકોના ‘માક્ઝિમ’ જગપ્રસિદ્ધ છે. એમાં એમનાં મુક્તકો અને સુભાષિતોનો સંચય થયો છે. સમકાલીન સમાજમાં સામાન્ય વાતચીતમાં એનાં અવતરણોનો છૂટથી ઉપયોગ થતો હતો, એટલાં એ લોકપ્રિય અને પ્રચલિત હતાં. અખાના છપ્પાની જેમ આજે પણ એ એટલાં જ પ્રસિદ્ધ છે. માનવજાત અધ:પતનની અવસ્થામાં છે અને મનુષ્યના સૌ વ્યવહારોમાં સ્વાર્થ પ્રેરણારૂપ છે એવું એમનું દર્શન એમાં પ્રગટ થાય છે. મોલિયેરે ૩૦ વર્ષમાં ૪૦ હાસ્યપ્રધાન નાટકો રચ્યાં છે. એમાં ‘લાવાર’ જગપ્રસિદ્ધ છે. આ નાટકો વસ્તુલક્ષી નહિ, પણ પાત્રલક્ષી છે. મોલિયેરે વસ્તુસંકલના પર નહિ, પણ પાત્રાલેખન પર એમનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એમાં એક સંશયાત્મા તરીકે એમણે માનવસ્વભાવનું નિરીક્ષણ કર્યું છે. મોલિયેર એક નવા પ્રકારની કૉમેડી – કૉમેડી ઑવ્ મૅનર્સ – ના સર્જક છે. અંગ્રેજી નાટ્યસાહિત્યમાં જેમ કૉમેડીના સર્જક તરીકે શેક્સ્પિયર સર્વોચ્ચ સ્થાને છે તેમ ફ્રેન્ચ નાટ્યસાહિત્યમાં કૉમેડીના સર્જક તરીકે મોલિયેર સર્વોચ્ચ સ્થાને છે. રાસિન ફ્રેન્ચ નાટકના ઇતિહાસમાં કરુણરસપ્રધાન પદ્યનાટકના સર્વશ્રેષ્ઠ સર્જક છે. એ મોલિયેરથી સંપૂર્ણપણે ભિન્ન પ્રકારના નાટકકાર છે. પ્રશિષ્ટતાની પરંપરામાં એમનું શિક્ષણ થયું હતું. ગ્રીક નાટકો – સવિશેષ યુરિપીડીસનાં નાટકોમાં એમનાં નાટકોની પ્રેરણા છે. એમાં ત્રિવિધ એકતા છે. પણ કેન્દ્રમાં તો પાત્રોની ઊર્મિઓ – સવિશેષ પ્રેમની વિફળતા, ઈર્ષ્યા, તિરસ્કાર આદિ – ઊર્મિઓ જ છે. કેટલાંક નાટકોમાં પાત્રોની હત્યા અથવા આત્મહત્યામાં અંત આવે છે. રાસિને એમનાં પાત્રોનું સૂક્ષ્મ મનોવિશ્લેષણ કર્યું છે. રાસિન એક કલાકાર કવિનાટકકાર છે. એથી એમની ભાષામાં વૈભવ છે, ગૌરવ છે. એમનાં નાટકોમાં આલેક્ઝાંદ્રિન છંદને પૂર્ણત્વ પ્રાપ્ત થયું છે. ફ્રેન્ચ કવિતાના ઇતિહાસમાં એમની આ લયસિદ્ધિ અદ્વિતીય છે. બ્વાલોએ પ્રકૃતિકાવ્યો અને કટાક્ષકાવ્યો રચ્યાં છે. પણ એ કવિથી વિશેષ તો વિવેચક તરીકે પ્રસિદ્ધ છે. એમણે એમના વિવેચનમાં ગ્રીક એરિસ્ટોટલનો મહિમા નથી કર્યો પણ રોમન હૉરેસનો મહિમા કર્યો છે. એમના વિવેચનમાં બુદ્ધિપ્રધાનતાનો આગ્રહ છે. પછીની પેઢીઓના સાહિત્યકારો પર એમના વિવેચનનું વર્ચસ્ રહ્યું છે. આ સમયમાં નવલકથાને મહત્ત્વનું સ્થાન ન હતું. એમણે સમકાલીન નવલકથાનો પ્રતિકાર કર્યો છે. ૧૬૮૫થી ૧૭૧૫ લગીનો સમય ફ્રેન્ચ સાહિત્યના ઇતિહાસમાં પાનખર અને પરિવર્તનનો સમય હતો. એમાં સર્જનાત્મક, કલ્પનાશીલ સાહિત્ય નહિ, પણ રાજકીય, સામાજિક, ધાર્મિક વસ્તુવિષયના ચિન્તનાત્મક સાહિત્યનું સર્જન થયું હતું. આ સાહિત્યમાં ધર્મ અને રાજ્યની સત્તા પ્રત્યે તિરસ્કાર અને વ્યક્તિના સ્વાતંત્ર્યનો પુરસ્કાર પ્રગટ થાય છે. લા બ્રુએર, ફેનેલોં, ફોંતનેલ, બેઇલ આદિનાં ગદ્યલખાણો એ આ સમયનું મહત્ત્વનું સાહિત્યસર્જન છે. ૧૭૧૫થી ૧૭૮૯ લગી સમગ્ર ૧૮મી સદી દરમ્યાન ફ્રેન્ચ સાહિત્યમાં શૂન્યાવકાશ સર્જાયો હતો. સર્જક શક્તિના અભાવે એની અનુપસ્થિતિમાં ફિલસૂફી, ચિંતન અને વિચારોનું, રાજકીય, સામાજિક અને ધાર્મિક સુધારાનું સાહિત્ય સર્જાયું હતું. આ સાહિત્ય પ્રચારમાં પરિણમ્યું હતું. મોન્તેન ક્યુતાંનાં લખાણોમાં આક્રમક સંશયવાદ અને વૈજ્ઞાનિક પદ્ધતિ છે. વોલ્તેરની નવલકથાઓ ‘ઝાદિગ’ અને ‘ડાંદિદ’માં વિશેષ તો સિદ્ધાન્તો અને વિચારોનો પ્રચાર છે. રુસોની નવલકથાઓ ‘એમિલ’ અને ‘લા નુવેલ એલ્વાસ’ તથા આત્મકથા ‘કોંફેસિયોં’માં ‘ચાલો નિસર્ગે’ અને ‘ઉદાત્ત પ્રાકૃતજન’નો મહિમા થયો છે. મારિવોનાં હાસ્યપ્રધાન નાટકોમાં અને સવિશેષ તો બોમાર્શેના હાસ્યપ્રધાન નાટક ‘મારિઆઝ દ ફિગારો’માં સમકાલીન સમાજની લાક્ષણિકતાઓ પ્રગટ થાય છે. શેનિયેની કવિતામાં જાણે કે મધ્યકાલીન યુગના મહાન કવિ વિયોંની કવિતાનું પુનશ્ચ દર્શન થાય છે. જોકે મુખ્યત્વે તો એ ગ્રીક ઊર્મિકવિતાની પરંપરામાં શૃંગાર અને કરુણ રસના કવિ છે. દિદેરોએ પ્રશિષ્ટ નાટકના પ્રતિકારમાં એક નવું દૃશ્ય નાટ્યસ્વરૂપ ‘દ્રામ’ સર્જ્યું હતું અને કેટલીક નાટ્યકૃતિઓ રચી હતી. એમણે જ્ઞાનવિજ્ઞાનના સૌ વિષયોની અદ્યતન માહિતી એકેએક નાગરિકને સુલભ થાય એ માટે ‘આંસીક્લોપેદી’-વિશ્વકોશ-ના ૨૮ ગ્રંથોનું સંપાદન કર્યું હતું. રંગદર્શિતાનો યુગ : ૧૭૮૯થી ૧૯૭૪ લગીનો સમય એ ફ્રેન્ચ સાહિત્યના ઇતિહાસમાં રંગદર્શિતાનો યુગ છે. જોકે ૧૮૫૦માં રંગદર્શિતાનો પ્રતિકાર થયો હતો. પણ એ પ્રતિકારમાં પણ એક અર્થમાં રંગદર્શિતાનું અનુસંધાન જ હતું. ૧૮૫૦થી ૧૯૧૪ લગી એ પ્રતિકાર એટલે વાસ્તવતા. ફ્રેન્ચ ક્રાંતિ એ મનુષ્યજાતિના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ મહાન ઘટના છે. એની મંત્રત્રયી – સ્વાતંત્ર્ય, સમત્વ, બંધુત્વમાં મનુષ્ય અને વિશ્વ તથા એ બન્નેના સંબંધ વિશેનું એક નવું વૈશ્વિક દર્શન છે. સાહિત્યમાં રંગદર્શિતા એ આ દર્શનનું એક અંતર્ગત, અનિવાર્ય અને અવિચ્છેદ્ય અંગ છે. સાહિત્યના સંદર્ભમાં રંગદર્શિતા એ પ્રશિષ્ટતાનો પ્રતિકાર છે. આગળ જોયું તેમ, વિયોં અને શેનિયેની કવિતામાં તથા રુસોની આત્મકથામાં રંગદર્શિતાના આગમનનો આગોતરો આછો અણસાર હતો. માદામ દ સ્તાલ અને શાતોબ્રિઆંના વિવેચનનિબંધોમાં એની નાન્દી છે. ૧૯૨૦માં લામાર્તિનના કાવ્યસંગ્રહ ‘મેદિતાસિઓં’નું પ્રકાશન થયું હતું. એમાં એમની પ્રેમ અને પ્રકૃતિની કવિતા – સવિશેષ તો એમના પ્રસિદ્ધ કાવ્ય ‘લ લાક’માં તથા વિન્યીની નિરાશાવાદી કવિતા – સવિશેષ તો એકલતા અને સહનશીલતાના પ્રતીક સમા ‘મ્વાસ’માં એના અંકુર છે. હ્યુગોની કવિતામાં તો રંગદર્શિતા એક વિરાટ વૃક્ષની જેમ ફૂલીફાલી છે. હ્યુગોમાં રવીન્દ્રનાથની જેમ અખૂટ સર્જકશક્તિ હતી. એમણે કવિતા, નાટક, નવલકથા આદિ અનેક સાહિત્યસ્વરૂપોમાં અઢળક લખાણ કર્યું છે. એમણે કવિતાની લગભગ બે લાખ પંક્તિઓ રચી છે. ‘લે કોંતામ્પ્લાસિઓં’માં પ્રેમ અને મૃત્યુ વિશેની ઊર્મિકવિતા, ‘લા લેઝાંદ દે સિએકલ’માં મનુષ્યજાતિની પ્રગતિ વિશેની કથનાત્મક કવિતા, ‘લે શાતિમાં’માં શાસનની અમાનુષિતા પરની કટાક્ષકવિતા – એ એમની કવિ તરીકેની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. પ્રત્યેક મનુષ્યને એમની કવિતામાં આત્મીયતાનો અનુભવ થાય છે, એવી એમની માનવતા છે. ફ્રેન્ચ કવિતાના ઇતિહાસમાં હ્યુગો સર્વશ્રેષ્ઠ કવિ તો છે જ, પણ વિશ્વકવિતાના ઇતિહાસમાં પણ સર્વોચ્ચ કવિઓમાં એમનું સ્થાન છે. મ્યુસે રંગદર્શિતાનો અંતિમ કવિ છે. એ નિરાશા અને નિર્ભ્રાન્તિના, વેદનાના કવિ છે. એમની કવિતામાં પ્રેમમાં સ્વર્ગનો આનંદ અને ધિક્કારમાં નરકની યાતનાનો અનુભવ એકસાથે પ્રગટ થાય છે. એમના પ્રસિદ્ધ કાવ્ય ‘લે કાત્ર નુઈ’માં જૉર્જ સાં સાથેના એમના પ્રેમસંબંધના કરુણ અનુભવની પ્રેરણા છે. હ્યુગોએ ૧૨ નાટકો રચ્યાં હતાં. ‘ક્રોમવેલ’ની પ્રસ્તાવનામાં રંગદર્શિતાનું ઘોષણાપત્ર છે. નાટકમાં પ્રાચીન પ્રશિષ્ટ પૂર્વજોનું અનુકરણ નહિ, પણ પ્રકૃતિનું અનુકરણ; ત્રિવિધ એકતા નહિ, પણ સ્થાનિક રંગો – એ હ્યુગોની રંગદર્શિતાના નાટકની વિભાવના છે. ‘એરનાની’માં વસ્તુવિષય અને શૈલીસ્વરૂપમાં, શબ્દાવલિ અને પદ્યાવલિમાં રંગદર્શિતાની પરાકાષ્ઠા છે. નાટકમાં હ્યુગોએ ઇતિહાસ સર્જ્યો હતો. ‘કોમેદી ફ્રાંસેસ’ નાટ્યગૃહમાં પ્રથમ પ્રયોગ સમયે જ પ્રશિષ્ટતાવાદીઓ દ્વારા વિરોધમાં સતત ધાંધલધમાલ અને શોરબકોર વચ્ચે આ નાટક રજૂ થયું હતું. એ દિવસે હ્યુગોએ પ્રશિષ્ટતાના બાસ્તિયને જમીનદોસ્ત કર્યો હતો. આ ઘટના ફ્રેન્ચ સાહિત્યના ઇતિહાસમાં ‘એરનાનીનું યુદ્ધ’ તરીકે પ્રસિદ્ધ છે. હ્યુગોએ ૬ નવલકથાઓ રચી છે. એમાં વસ્તુવિષય છે સમકાલીન ઇતિહાસ. એમની પ્રસિદ્ધ નવલત્રયી – ‘નોત્ર દામ દ પારિ’, ‘લે મિઝેરાબ્લ’ અને ‘લે ત્રાવાઈઅર દ લા મેર’ – માં એમણે અનુક્રમે ધર્મ, રાજ્ય અને પ્રકૃતિના મનુષ્ય પરના ક્રૂર અને કઠોર અમાનુષી અત્યાચારો વિરુદ્ધ તહોમતનામું રજૂ કર્યું છે. ‘લે મિઝેરાબ્લ’ તો પીડિતોનું મહાકાવ્ય જ છે. બાલ્ઝાકમાં પણ હ્યુગો જેટલી જ અખૂટ સર્જનશક્તિ હતી. ૧૪૩ નવલકથાઓ રચવાની એની યોજના હતી. એમાંથી એ બે તૃતીયાંશ નવલકથાઓ જ રચી શક્યા હતા. ‘કોમેદી હ્યુમેન’ એ એમની પ્રસિદ્ધ નવલશ્રેણી છે. એમાં એમણે સમકાલીન સમાજ જેવો છે તેવો હૂબહૂ રજૂ કર્યો છે. પણ એમાં નિરીક્ષણની સાથે કલ્પનાનો પણ સુમેળ થયો છે. એમાં એમના સંજોગોને અધીન અને વાતાવરણવશ એવાં મધ્યમવર્ગ અને અવચ વર્ગનાં પાત્રોને એમના અસ્તિત્વ માટે સંઘર્ષનો અનુભવ થાય છે. એથી એમાં સમાજના ભ્રષ્ટાચારનું આલેખન છે. અને એથી બાલ્ઝાક નીતિવાદી, નિરાશાવાદી અને વાસ્તવવાદી એવા નવલકથાકાર છે. જોર્જ સાં બાલ્ઝાકથી સંપૂર્ણપણે વિભિન્ન એવા નવલકથાકાર છે. ‘લા માર ઓ દિઆબ્લ’ આદિ એમની નવલકથાઓમાં એમણે સુંદર ગ્રામપ્રદેશ અને એનાં સુખી પાત્રો રજૂ કર્યાં છે. એથી એ આશાવાદી અને આદર્શવાદી નવલકથાકાર છે. એમણે અંગત અનુભવની નવલથાની પરંપરામાં પ્રેમમાં જે સામાજિક અન્યાયનો અનુભવ થાય છે એનું આલેખન કર્યું છે. છતાં પ્રેમ એ એક દિવ્ય ભાવોદ્રેક છે એવું એમનું દર્શન એમાં પ્રગટ થાય છે. ૧૯૩૦માં રંગદર્શિતામાં અંગત ઊર્મિનું જે આલેખન છે એમાં પરિવર્તનનો આરંભ થયો હતો. એ સમયમાં સ્તાન્ધાલે ૧૮મી સદીની બૌદ્ધિક પરંપરામાં એમની નવલકથાઓ રચી હતી. એમાં ‘લ રુઝ એ લ ન્વાર’ પ્રસિદ્ધ છે. એમાં વસ્તુવિષય છે પ્રેમના અનુભવમાં સુખ માટેની શોધ. એમાં કલ્પના નહિ, પણ વાસ્તવનો; ઊર્મિમયતા નહિ, પણ બૌદ્ધિકતાનો પુરસ્કાર થયો છે. આ સમયમાં મેરિમેએ ‘કારમેન’ આદિ કલાત્મક લઘુ નવલકથાઓ રચી હતી. એમાં એમની વક્રતા અને તટસ્થતા તથા એમનું દોષૈકદૃષ્ટિનું દર્શન પ્રગટ થાય છે. ૧૮૫૦ની આસપાસ રંગદર્શિતાનો પ્રતિકાર થયો. સાહિત્યનો એક અપૂર્વ સિદ્ધાંત અસ્તિત્વમાં આવ્યો. સાહિત્યના સંદર્ભમાં કળા, સૌંદર્ય, સ્વરૂપ આદિનો મહિમા થયો. એમાં દૃશ્ય કળાઓ – સવિશેષ ચિત્રકળાનો પ્રભાવ હતો. કવિતા એ કવિના વ્યક્તિત્વની અભિવ્યક્તિ માત્ર નથી, કવિની અંગત ઊર્મિઓનું આલેખન માત્ર નથી; એમાં પ્રત્યક્ષ એવો આત્મલક્ષી સ્વાનુભવ નહિ, પણ પરોક્ષ પરલક્ષી સર્વાનુભવ હોવો જોઈએ. કવિતા એ કળા છે અને કળા એ સૌંદર્યનો અનુભવ છે. આ સમયમાં રસરુચિહીન રાતોરાત ધનિક થયા હોય એવા મધ્યમવર્ગ – નુવો રિશ, પતી બુર્ઝ્વાનાં નૈતિક મૂલ્યોનો પણ પ્રતિકાર થયો. કળા એ નીતિની દાસી નથી, કળા એ નીતિનું સાધન નથી, કળાનું સાધ્ય નીતિ નથી, કળાનું સાધ્ય, એકમેવ સાધ્ય કળા છે. કળાને નીતિ, નૈતિકતા, નૈતિક મૂલ્યો સાથે, વ્યવહારુતા અને ઉપયોગિતા સાથે કોઈ સંબંધ નથી. કળા સ્વાયત્ત, સ્વતંત્ર અને સ્વાશ્રયી છે. આમ, કલા ખાતર કલાનો વાદ અસ્તિત્વમાં આવ્યો હતો. આ સમયમાં આમ થવું અનિવાર્ય હતું પણ પછી જોકે એનો અતિરેક થયો અને નૈતિકતાનો પ્રતિકાર અનૈતિકતાના પુરસ્કારમાં, આઘાત ખાતર આઘાતની ચેષ્ટામાં પરિણમ્યો હતો. આમ, સાહિત્યમાં સૌંદર્ય પર, કલાત્મકતા પર; વસ્તુવિષય નહિ પણ શૈલીસ્વરૂપ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ગોતિયેની નવલકથા ‘માદમ્વાઝેલ દ મોપેં’ની પ્રસ્તાવનામાં કલા ખાતર કલાના વાદનું ઘોષણાપત્ર છે. એમના કાવ્યસંગ્રહ ‘એમો એ કામે’માં એમણે ‘લાર્ત’ કાવ્યમાં એમનું શ્રદ્ધાવચન ઉચ્ચાર્યું છે : ‘વિનશ્વર બધું, અનશ્વર સદા કલા એકલી.’ આરંભમાં એમને ચિત્રકળાનો અનુભવ હતો. એથી એમણે શબ્દોમાં અંગત ઊર્મિઓનું નહિ, પણ બિન-અંગત ચિત્રોનું આલેખન કર્યું છે. બોદલેરે એમના કાવ્યસંગ્રહ ‘લે ફ્લર દ્યુ માલ’માં મનુષ્યના ચિત્તમાં જે દૂષિત છે, જીવનમાં જે દૂષિત, દોષિત છે; જગતમાં જે કુરૂપ, કુત્સિત છે એમાંથી સૌંદર્યનું સર્જન કર્યું છે, એક સંતના અપાર ધૈર્યથી અને વિજ્ઞાનીના એકાગ્ર ધ્યાનથી એમણે એમનું કવિકર્મ સિદ્ધ કર્યું છે. એમાં પૅરિસ, આધુનિક નગર, નગર સંસ્કૃતિ, નાગરિકતા, નાગરિક, આધુનિક મનુષ્ય વિશેની કવિતા પ્રતીક દ્વારા પ્રગટ થાય છે, બોદલેર સાચ્ચે જ આધુનિક કવિતાના પિતા છે. આ સમયમાં રંગદર્શિતાના પ્રતિકાર રૂપે પાર્નેસિઆનિઝમ – વર્ણનવાદ અસ્તિત્વમાં આવ્યો હતો. લકોંત દ લિલ અને હેરેદિઆ એના પુરસ્કર્તા છે. એમની કવિતામાં અંગત ઊર્મિઓનું આલેખન નથી, પણ બિનઅંગત વર્ણન માત્ર છે. આ પાર્નેસિઆનિઝમના પ્રતિકાર રૂપે પ્રતીકવાદ અસ્તિત્વમાં આવ્યો હતો. વર્લેન, માલાર્મે, લાફોર્ગ અને કોર્બિયે એના પુરસ્કર્તાઓ છે. વર્લેનની કવિતામાં કવિતાનું સંગીત છે. સંગીત મનુષ્યના ચિત્ત પર જેવી અને જે રીતે અસ્ફુટ અને અસ્પષ્ટ અસર કરે તેવી અને તે રીતે કવિતા અસર કરે તેવો કવિતામાં લય અથવા અવાજ એ જ કવિતાનું સંગીત. ‘સંગીત’ શબ્દના આ વિશિષ્ટ અર્થમાં વર્લેનની કવિતામાં કવિતાનું સંગીત છે : ‘સંગીત પહેલું, બીજું બધું પછી’ એ એમના કાવ્ય ‘આર પોએતિક’ની એ પ્રસિદ્ધ પંક્તિ છે. માલાર્મેની કવિતામાં શબ્દ સ્વયં પદાર્થ રૂપે પ્રગટ થાય એ માટેનો ભવ્ય પુરુષાર્થ છે. એમાં ભાષાની આકૃષ્ટ અભિવ્યક્તિ છે એવી એમની કવિતામાં દુર્બોધતા છે. ‘મારી કળા એ મૃત્યુ છે.’ એમના આ ઉદ્ગારમાં એનું સૂચન છે. લાફોર્ગ અને કોર્બિયેની કવિતામાં બોલચાલની, વાતચીતની ભાષાના લય, લહેકા એને કાકુઓ છે. વર્લેને એમની કવિતામાં વેર લિબેરે – મુક્ત છંદનો પ્રયોગ કર્યો હતો. પછીથી એના અનુસંધાનમાં રેંબોએ વેર લિબ્ર – વધુ મુક્ત એવા છંદનો પ્રયોગ કર્યો અને અંતે બોદલેરે ગદ્યકાવ્યને પ્રચલિત કર્યું હતું. તેને રેંબોએ અચલપ્રતિષ્ઠ કર્યું. આજે જગતભરની ભાષાઓમાં ગદ્યકાવ્ય પ્રચલિત છે. રેંબોમાં પરાવાસ્તવવાદની કવિતા છે. મનુષ્યના અસંપ્રજ્ઞાત ચિત્તમાં જ સત્યનું, વાસ્તવનું રહસ્ય છે એ પરાવાસ્તવવાદનું દર્શન છે. રેંબોના પ્રસિદ્ધ કાવ્ય ‘બાતો ઇવ્ર’માં આ દર્શન પ્રગટ થાય છે. આ સમયમાં રંગદર્શિતાના પ્રતિકાર રૂપે વાસ્તવવાદ અસ્તિત્વમાં આવ્યો હતો. કલાકારને સમકાલીન સમાજમાંથી અને તે પણ સામાન્ય વર્ગમાંથી ગમે તેવા અનૈતિક વસ્તુવિષય વિશે કલાકૃતિ રચવાનો જન્મસિદ્ધ અધિકાર છે. આ વાસ્તવવાદનો આદર્શ છે. ફ્લોબેર વાસ્તવવાદી નવલકથાકાર છે. એમણે ‘માદામ બોવારી’માં મધ્યમવર્ગની બિનપરંપરાગત એવી એક અનૈતિક નાયિકાનું સર્જન કર્યું છે. આ સર્જન એમણે એટલા સંયમ અને તાટસ્થ્યથી કર્યું છે કે એમની આ નવલકથા એક સંપૂર્ણ કલાકૃતિ રૂપે સિદ્ધ થાય છે. એમાં સ્વરૂપની પૂર્ણતા છે; ભાષા અને ગદ્યનું સૌંદર્ય છે. ભાષાનું સૌંદર્ય તો એવું છે કે સ્વર્ગમાં પણ આવું અને આટલું સૌંદર્ય હશે કે કેમ એવો પ્રશ્ન થાય. ગદ્યનું સૌંદર્ય પણ એવું છે કે એમાં ગદ્ય અને પદ્યના, ગદ્ય અને કવિતાના ભેદ ભૂંસાઈ ગયા છે. એદમોં ગોંકુર અને ઝુલ ગોંકુર – આ ગોંકુર બંધુઓએ એમની નવલકથાઓમાં મજૂર વર્ગનાં પાત્રોનું સર્જન કર્યું છે. તો એમના અનુયાયી ઝોલાએ મજૂર વર્ગનાં પાત્રોનું મજૂર વર્ગના વિસ્તારમાં જ સર્જન કર્યુ ંછે. ઝોલાની નવલકથાઓમાં આ પાત્રો વંશ અને વાતાવરણની સરજત છે એવું વૈજ્ઞાનિક દર્શન છે. પછીથી આ નવલકથાઓનો પ્રતિકાર થયો હતો. મોપાસાંએ ઝોલાની પરંપરામાં નહિ, પણ ફ્લોબેરની પરંપરામાં એમની ૩૦૦ જેટલી ટૂંકી વાર્તાઓનું સર્જન કર્યું છે. જોકે અંતે મોપાસાં કોઈ એક શાળા કે સંપ્રદાયના સર્જક નથી. એમણે જગતસાહિત્યમાં ટૂંકી વાર્તાની એક આગવી પરંપરા રચી છે. આંદ્રે જિદની નવલકથાઓમાં કિશોર વયનાં પાત્રોની વાસ્તવિકતાનું દર્શન થાય છે. એથી એ પ્રથમ વિશ્વયુદ્ધ પછીના સમયમાં યુવાન પેઢીના નેતા રહ્યા હતા. આ સમયનાં નાટકોમાં પૂર્વોક્ત વાદોનો પ્રભાવ છે. રોસ્તાં, મેતરલિંક, દ્યુમા આ સમયના અગ્રણી નાટકકારો છે. એકંદરે નાટકના સ્વરૂપમાં કોઈ મહાન સિદ્ધિ ન હતી એથી એમાં ૧૭મી સદીના નાટકકારો કોર્નાઈ, રાસિન કે મેલિયેની સર્જકપ્રતિભાનું દર્શન થતું નથી. અર્વાચીન યુગ : ૧૯૧૪થી ૧૯૩૯ લગીનો બે વિશ્વયુદ્ધો વચ્ચેનો સમય એ ફ્રેન્ચ સાહિત્યના ઇતિહાસમાં અર્વાચીન યુગ છે. પ્રથમ વિશ્વયુદ્ધના અનુભવને કારણે ૧૯૧૪ લગી પુનરુત્થાનના અનુસંધાનમાં જે સમાજ અને સંસ્કૃતિનું પ્રશિષ્ટતા અને રંગદર્શિતાનું સાહિત્ય અસ્તિત્વમાં હતું તેનો આ સમયમાં એકાએક અંત આવે છે. આ સમયના સાહિત્યમાં ૧૯મી સદીના ઉત્તરાર્ધના વાદો – સવિશેષ તો પરાવાસ્તવવાદ અને પ્રતીકવાદનું અનુસંધાન છે. એમાં બર્ગસોંની કાળ અને સ્વયંસ્ફુરણા વિશેની ફિલસૂફી અને ફ્રૉઈડના અજ્ઞાત-અર્ધઅજ્ઞાત માનવમન વિશેના મનોવિજ્ઞાનની પાર્શ્વભૂમિકા છે. હવે બાહ્ય જગતમાં અને બાહ્ય જીવનમાં નહિ, પણ આંતરજગતમાં અને આંતરજીવનમાં સાહિત્યની પ્રેરણા છે. માનવમનમાં ભૂતકાળની સ્મૃતિઓ અને ભવિષ્યકાળની ઇચ્છાઓનો અખૂટ સંચય છે. એમાંથી આ સમયના સાહિત્યનું સર્જન થયું છે. આપોલિનેર અને ત્રિસ્તાં ઝારાની કવિતામાં રેંબોના પરાવાસ્તવવાદનું અનુસંધાન છે. આપોલિનેરની કવિતામાં સિનેમા અને કૅલિડોસ્કોપની જેમ કલ્પનો, શબ્દો અને સંદર્ભોની યોજના છે. પૅરિસ વિશેનું કાવ્ય ‘ઝોન’ એ આપોલિનેરનું પ્રસિદ્ધ કાવ્ય છે. ત્રિસ્તાં ઝારાની કવિતામાં સ્વયંસંચાલિત લેખન છે. વાલેરીની કવિતામાં માલાર્મેના પ્રતીકવાદનું અનુસંધાન છે. એમનામાં માનવતાવાદી ફિલસૂફનું વૈશ્વિક માનસ છે. ‘લ સિમેતિએર મારાં’ એ વાલેરીનું પ્રસિદ્ધ કાવ્ય છે. ઝુલ રોમેંની નવલકથાઓમાં સમૂહમાં વ્યક્તિના વ્યક્તિત્વનો લોપ, સામૂહિક ચેતના, સ્વયંસ્ફુરણા આદિ મનોવૈજ્ઞાનિક વસ્તુવિષય છે. દ્યુહામેલની નવલકથાઓમાં મનુષ્યજાતિની કરુણતા પ્રત્યે કરુણા છે. માર્સલ પ્રુસ્તની નવલકથા ‘આ લા રશેર્શ દ્યુ તાં પેર્દ્યુ’માં કોઈ પદાર્થ કે વ્યક્તિના દર્શનની ઉત્તેજના દ્વારા અજાગ્રત ચિત્તમાં, સ્મૃતિમાં લુપ્ત ભૂતકાળની વર્તમાનકાળમાં પુન:પ્રાપ્તિની શોધ છે. મોરાં, ઝિરોદુ, કોક્તો, મોરિઆક આ સમયના અન્ય અગ્રણી નવલકથાકારો છે. દ્વિતીય વિશ્વયુદ્ધ પછીના સમયમાં આરાગોં અને એલ્વુઆએ પરાવાસ્તવવાદી કવિતાનું સર્જન કર્યું છે. કામૂ અને સાર્ત્રેએ અસ્તિત્વવાદી નવલકથાઓ રચી છે. બેકેટના એબસર્ડ નાટક ‘આનાંતાંદાં ગોદો’માં ૨૦મી સદીના ઉત્તરાર્ધના ફ્રેન્ચ સાહિત્યની પરાકાષ્ઠા છે. ૧૯૯૮