સાહિત્યિક સંરસન — ૪/ટફ ગેમ

17. ટફ ગેમ

સંજય ચૌધરી

Sanjay Chaudhary 1.jpg

"હાઉઝ ઘેટ?" સહેજ ખચકાઈને તેણે તરત જ આંગળી ઊંચી કરી દીધી. ડાઇવ મારેલ ખેલાડી ઊભો થતાં થતાં તેની સામે તાકીને જોઈ રહ્યો. તે સ્ટમ્પ સરખા કરવા ગયો ત્યારે અકળાઈને બોલ્યો, ‘આર યુ સ્યોર?’ ધીમે ધીમે ચાલતાં તે બબડતો રહ્યો, ‘યૉર રોંગ ડીસીશન હેઝ સ્પોઈલ્ડ માય ઇનીંગ.’ તેણે વિકેટકીપર સામું જોયું તો લાગ્યું તે તેની સામે મૂછમાં હસી રહ્યો હતો. તે થોડી વાર ગૂંચવાઈ ગયો. શું આને મેં ખોટો આઉટ આપ્યો? પાછો મનમાં ને મનમાં બોલવા લાગ્યો. ના બને. અમ્પાયર તરીકે આ મારી નેવુંમી મેચ છે. આજ સુધી ક્યારેય ખોટો નિર્ણય આપ્યો હોય તેવું બન્યું છે ખરું? ક્યારેય કોઈ ખેલાડી મારી સામે આ રીતે આંખો પહોળી કરીને જોઈ રહ્યો છે ખરો? થોડી જ વારમાં બેટીંગ કરનારી ટીમની ઇનીંગ પૂરી થઈ. ફિલ્ડીંગ કરનારી ટીમના ખેલાડીઓ એકબીજાને અભિનંદન આપી રહ્યા હતા. મેચના અંતે એકબીજાની સાથે હાથ મિલાવતી વખતે હારેલી ટીમના કોચ તથા રનઆઉટ થયેલો ખેલાડી આગળપાછળ હતા. કોચ તેને સંભળાય તે રીતે બોલી રહ્યો હતો, ‘મૅન, વન રોંગ ડિસીશન, એન્ડ વી આર આઉટ ઑફ ધીસ લીગ ટુર્નામેન્ટ.’ તેણે પોતાના સાથી અમ્પાયરને કહ્યું, ‘યુ કૅન ગો. આવતી કાલે મારે અહીં બીજી મેચનું અમ્પાયરીંગ કરવાનું છે. થોડીક વાર રહીને નીકળું છું.’ તે મેદાનની વચ્ચે જઈ ઊભો રહ્યો. સૂરજ બરાબર માથે આવી ગયો હતો. આજુબાજુ દૂર સુધી નજર કરી. ટેકરીઓ જ ટેકરીઓ. એકબીજા સાથે કોઈ લગાવ ના હોય તે રીતે એકમેકથી અલગ અલગ ઊભેલી ટેકરીઓ. કોઈ કોઈ સાવ પીળી અને કોઈ કોઈ સાવ ભૂખરી. ક્યારેક આવનારા વરસાદના આગમનની આશાએ ટેકરીઓને વળગીને ટકી રહેવા મથતું પીળું પીળું ઘાસ. ગરમ પવનના આછા આછા સૂસવાટા વચ્ચે થોડી વાર માટે ગોગલ્સ હટાવ્યા તો આંખોને ઝાળ લાગી ગઈ. તેનાથી બોલી જવાયું, ટકી રહેવા ખરેખર ઘણું મથવું પડે છે. ધીમે ધીમે ચાલતો ચાલતો પાર્કિંગ તરફ ગયો. મનમાં ને મનમાં યાદ કરતો રહ્યો. પંદરેક વર્ષ પહેલાં કેલિફોર્નિયા આવ્યો ત્યારે શરૂઆતના દિવસોમાં ઑફિસના કામ સિવાય કોઈને ખાસ મળવાનું થતું નહીં. કયારેક રવિવારે મંદિરમાં જવાનું થતું. એક વાર રવિસભા પત્યા પછી મંદિરના વહીવટદારે તેને પૂછ્યું. ‘તમે મુંબઈથી આવો છો ને?’ તેણે માથું ધૂણાવીને હા કહ્યું. ‘ક્યારેક તો ક્રિકેટ રમ્યા હશો ને?’ તેણે ફરી વાર માથું ધૂણાવ્યું. વહીવટદારે દૂર ઊભેલા એક ભાઈને ઇશારો કરીને બોલાવ્યો, ‘પરેશભાઈ, તમારે એક ખેલાડી ખૂટે છે ને? આ રહ્યા તે ખેલાડી.’ પરેશે વાતને આગળ વધારતાં પૂછ્યું, "તમારું નામ શું?" "વિજય." "વિજય, તમે કૉલેજમાં તો ક્રિકેટ રમ્યા છો ને?" "યસ યસ. મુંબઈ યુનિવર્સિટીની ટીમમાં હતો." "તો તો જામશે. જુઓ, અમેરિકામાં ક્રિકેટની લીગ ટુર્નામેન્ટ તૈયાર કરી રહ્યા છીએ. બધી મેચ શનિ-રવિમાં જ રમાશે. બે મહિના પછી મેની પંદર તારીખથી ટુર્નામેન્ટ શરૂ થશે અને જુલાઈના છેલ્લા રવિવારે પૂરી થશે." "મને ટીમમાં જોડાવું ગમશે. પણ ભર ઉનાળામાં જ આ ટુર્નામેન્ટ?" ‘એમ જ કરવું પડે ને ભાઈ. અહીં શાળાઓને વેકેશન ચાલુ થાય પછી જ આપણને બેઝબોલનાં ગ્રાઉન્ડ મળે ને? ચાલો ત્યારે આવતા શનિવારે મળીએ છીએ. બીજી વિગતો તમને ઇમેઇલ પર મોકલી દઈશ."

*

બીજા દિવસે વહેલી અમ્પાયરીંગ કરતી વખતે સાથી અમ્પાયર સાથે પીચ તરફ જઈ રહ્યો હતો ત્યારે બંને ટીમના ગોળાકારે એકમેક ખભા પર હાથ મૂકીને જુસ્સાભેર બોલી રહ્યા હતા. પહેલી ઓવરમાં બોલરે લાંબો રન-અપ લઈને બૉલ નાખ્યો અને બેટસ્મેન કંઈ કરે તે પહેલાં તેના બેટની બિલકુલ બાજુમાંથી નીકળી જઈને વિકેટકીપરના ગ્લોવ્ઝમાં ધડામ્ લઈને અથડાયો. સ્લીપના ફિલ્ડરો બોલી ઊઠ્યા, "વોટ અ બોલ, મલ્લી. વોટ અ બોલ." બોલર તેની કૅપ લેવા પાછો આવ્યો ત્યારે તેની સામું જોઈને માથું હલાવ્યું. બોલર સહેજ મલક્યો. યુનિવર્સિટી લેવલની તેના જીવનની પહેલી ટુર્નામેન્ટની ફાઈનલ મેચ એક રીલની માફક તેની સામેથી પસાર થઈ ગઈ. ફાઈનલ મેચમાં તેની કૉલેજની ટીમ લંચ પહેલાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી. લંચ દરમ્યાન નીચું માથું રાખી સહુ ખેલાડીઓ જમતા હતા ત્યારે કૉચ લાલભાઈએ ગાળોના વરસાદ વરસાવતાં કહી દીધું હતું કે, "સાલાઓ, રમવા આવો છો કે લંચ લેવા?" લંચ પછી સામેની ટીમના દાવ વખતે કચકચાવીને તેણે બાઉન્સર પર બાઉન્સર નાખ્યા હતા. ત્રણેક બેટસ્મેનના માથામાંથી લોહી નીકળ્યું હતું અને એકની આંગળીમાં ફ્રેકચર થયું હતું. સામેની ટીમ બીજી ઇનીંગ રમવા પણ આવી ન હતી. ટ્રોફી સાથે ઊભી રહેલી ટીમના સહુ ખેલાડી સાંભળે તે રીતે લાલભાઈએ કહ્યું હતું, "તારો રનઅપ અને બોલિંગ જેફ થોમસન જેવો છે." ત્યારે હાજર સહુએ તેનું નામ પાડ્યું હતું – "થોમો."

*

બીજા દિવસે વહેલી સવારે તેના સાથી અમ્પાયર સાથે પીચ પર જઈ રહ્યો ત્યારે પવનના સૂસવાટામાં માથા પરની ટોપી ઊડી ન જાય તે માટે પકડી રાખવી પડતી હતી. બેટીંગ કરનારી ટીમ રન નહોતી કરી શક્તી. ત્યારે પેવેલિયનમાં બેઠેલા તે ટીમના ખેલાડીઓ બોલ્યા કરતા, "કીપ રોટેટીંગ કીપ રોટેટીંગ. વન રન ઓર ટુ રન." ડ્રીંક્સ બ્રેક વખતે ટીમનો કેપ્ટન બીજા બેટસ્મેનને કહી રહ્યો હતો. "ધે હેવ ગુડ બોલર્સં. ઇટ ઇઝ અ ટફ ગેમ. લેટ અસ સ્ટીક ટુ ધ પ્લાન." મેચ પૂરી થયા પછી ગ્રાઉન્ડની બહારના ગોળાકાર પાથવે પર ચાલવા લાગ્યો. ઠેર ઠેર ઝાડ પરથી પડીને સુક્કાં ભઠ્ઠ થઈ ગયેલાં પાંદડાંને જોતો રહ્યો. ગયા શુક્રવારે કંપનીના વાઇસ પ્રેસિડન્ટ સાથેની મીટિંગમાં થયેલી વાતો તેના મનમાં પડઘાતી રહી. પાંદડાં પર ચાલતાં ચાલતાં ચરચર આવતો અવાજ તેને અકળાવી રહ્યો. કૉલેજના અભ્યાસ પછીની મથામણના દિવસો એક પછી એક સરકવા લાગ્યા.

*

બાયોટેકનોલૉજીમાં માસ્ટર ડિગ્રી માટે આગળ ભણવા બૅન્ગલોર જવાનો નિર્ણય કર્યો ત્યારે લાલભાઈએ તેને કૉલેજના ગ્રાઉન્ડ પર બોલાવ્યો હતો. "હમણાં હમણાંથી તું ક્યાં ગુમ થઈ ગયો હતો? દેખાતો જ નથી! આ વેકેશનમાં પ્રેકટિસ કરીશ તો તું જરૂર વધુ સારો પેસ બૉલર બની શકીશ." થોડીક વાર રોકાઈને બોલ્યા, "તારે રણજી ટ્રોફી સુધી નથી જવું?" "ખરું સર. ક્રિકેટ તો ખૂબ ગમે છે. પણ હવે કેરિયરનું વિચારવું પડશે ને?" "મને તો એમ હતું કે તું પ્રોફેશનલ કૉચિંગ લઈશ તો ઘણો આગળ જઈશ. નેશનલ ટીમ નહીં તો આઈપીએલ તો જરૂર રમી શકીશ." તે કશું બોલી નહોતો શક્યો. લાલભાઈએ તેના ખભા પર હાથ મૂકીને કહ્યું હતું; "થોમા, આ વખતે તું કોઈ પણ નિર્ણય કરે તે પહેલાં બરાબર વિચારજે." બૅન્ગલોરમાં જૉબ માટે ઇન્ટરવ્યૂ ગયો ત્યાં સ્નેહા મળી હતી. મેડિકલ હેલ્થકેરની કંપનીમાં તે હ્યુમન રિસોર્સ ટીમમાં હતી. તેણે તમામ ઉમેદવારોને કંપની તથા જોબ પ્રોફાઇલ વિશે માહિતી આપી હતી. કંપનીમાં જોડાયા પછી સૉફ્ટવેર ડેવલપ કરવાના કામમાં તે બરાબર ખૂંપી ગયો હતો. ક્યારેક ક્યારેક સાંજે ઘરે જતી વખતે સ્નેહા આવીને તેને કહેતી, "તમને એન્જિનિયરોને કામ સિવાય બીજું કંઈ સૂઝે ખરું? બહાર ગાર્ડનમાં જવાનું પણ ના ગમે?" માથું ધુણાવીને તે ના કહેતો ત્યારે સ્નેહા કહેતી, "ચાલ, કૉફી પીવા જઈએ. પછી તું તારા આ આસન પર ગોઠવાઈ જજે." ક્યારેક ક્યારેક બંને ચાલવા માટે કેમ્પ્સના ગાર્ડનમાં જતાં ત્યારે તે રનઅપ લઈને બોલિંગ કરતો હોય તે રીતે દોડતો પણ ખરો. કોઈ એક સાંજે કૉફીહાઉસમાંથી બહાર નીકળીને ચાર રસ્તાના સર્કલ પર સ્નેહાએ તેને પૂછ્યું, "શું રોજ રોજ આપણે આ રીતે જ મળ્યા કરીશું કે પછી...?" તરત જ તેણે સ્નેહાને પોતાની તરફ ખેંચીને ઝકડી લીધી. સ્નેહા તેની છાતીમાં માથું સંતાડીને તેને વળગીને ઊભી રહી. આજુબાજુમાંથી પસાર થતાં વાહનો તેમની તરફ ડીપર લાઈટ કરી જોતાં રહ્યાં. પાંચેક વર્ષમાં તો તેની કંપનીએ તેને અમેરિકા ખાતેની ઓફિસમાં મૂક્યો હતો. સ્નેહાને ઘણા સમય પછી એક કંપનીમાં રિસેપ્શનીસ્ટની નોકરી મળી હતી. ક્યારેક બંને જણાં આ અંગે વિચારતાં ત્યારે સ્નેહા કહેતી રહેતી, "કંઈ વાંધો નહીં. તારી કેરિયર તો બરાબર ગોઠવાઈ રહી છે ને?" નવા નવા પ્રોજેક્ટમાં જોડાવાનું થતું અને એ બધું તો તેને બરાબર લાગતું. વર્ષના અંતે જ્યારે પણ તેના પ્રોજેક્ટ તથા તેનું એપ્રેઝલ થતું ત્યારે ક્યારેક આડકતરી રીતે થતી વાતોમાં તેને ખ્યાલ આવતો કે અન્ય કર્મચારીઓને પગારમાં ટકાવારીની રીતે તેને મળે છે તેનાથી વધારે રેઈઝ મળે છે. ધાર્યા કરતાં પગારવધારો ઓછો મળે છે તે અંગે સ્નેહા પાસે ગણગણાટ કર્યા કરતો. તે મનમાં ને મનમાં અમયાળા કરતો - આટઆટલું કરો તોપણ!

*

ગયા શુક્રવારે લંચ પહેલાં વાઇસ પ્રેસિડન્ટે તેને તથા તેના મેનેજરને બોલાવીને જણાવ્યું હતું, "વિજય, આપણી પ્રૉડક્ટના બિઝનેસ અંગે તમે જાણો છે. તમને હવે પ્રોડક્ટ ડિલીવરી હેડ બનાવીએ છીએ. આપણા જે પણ ક્લાયન્ટ છે તેમની સાઈટ પર જઈ તેમની સિસ્ટમ પર આપણી પ્રૉડક્ટનું સેટિંગ અને ખાસ કરીને સિક્યુરિટી તથા યુઝર ટ્રેનિંગ માટે સીનિયરે જવું પડશે. અમે ઇચ્છીએ છીએ કે તે જવાબદારી તમે લો." "જરૂર. ક્યારથી?" "આવતા અઠવાડિયાથી. હવે તો આપણી પાસે પેન્ડિંગ ઑર્ડર છે. યુ વીલ ગેટ ઓલ ધ ડિટેલ્સ. થેંક યુ." તે રાતે જમતી વખતે તેણે સ્નેહાને વાત કરી તો તે સહેજ અકળાઈને બોલી ઊઠી, "હજી ક્યાં સુધી આ રીતે આમતેમ આમતેમ થવાનું? વોટ અબાઉટ અવર ફેમિલી ટાઈમ?’ થોડીક વાર અટકીને બોલી. "બાય ધ વે, તારે કેટલા દિવસ માટે ક્લાયન્ટ સાઈટ પર જવું પડશે?" "ક્યારેક બે-ત્રણ દિવસ, તો ક્યારેક અઠવાડિયું." થોડી વાર બંને એકમેકની સામું ટગર ટગર જોતાં રહ્યાં. ડાઈનીંગ ટેબલ પરથી ઊભાં થતાં તે બોલ્યો, "લેટ અસ થિન્ક. નહિતર આપણે પછી પાછા ... સ્નેહા તેને અટકાવીને બોલી, "તારે કાલે મેચનું અમ્પાયરીંગ કરવાનું છે ને. તું ડીકુને સ્કૂલમાં ડ્રોપ કરીને જજે. સાંજે હું તેને લઈ આવીશ. પછી આપણે વાત કરીશું."

*

હળવે હળવે વાતા પવનમાં પાથવે પરથી ઊડવા મથતાં પાંદડાંઓને જોતો જોતો ચાલતો રહ્યો. પાર્કિંગમાં ગયો અને ગાડીમાં બેસીને દૂર દૂર ફેલાયેલી ટેકરીઓમાં તેની નજર ખોડાઈ ગઈ. ગાડી ચાલુ કરી અને સ્ટેડિયમની બહાર નીકળીને ચઢવાનો ઢાળ તેને આકરો લાગ્યો. ધીરે ધીરે ગાડી ચલાવતાં તેણે ડેશબોર્ડ પર સ્નેહાનો આવેલો વોઈસમેસેજ સાંભળ્યો. તે કહી રહી હતી કે ‘હું ડ્રાઈવ કરી રહી છું. ડીકુને લઈને કલાકેકમાં ઘરે પહોંચું છું. તું ક્યારે પહોંચે છે?’ તેણે સ્નેહાને વોઈસમેસેજ મોકલ્યો. ‘જો, મેં વિચારી લીધું છે. હમણાં હું આવજાવ કરતો રહીશ. પછી જોઈશું. જરૂર પડશે તો કંપનીના હેડ ક્વાર્ટર પાસેની જગ્યાએ રહેવા જતાં રહીશું.’ થોડી વારે ડેશ બોર્ડ પર સ્નેહાનો સ્માઈલી અને થમ્સ અપનો સિમ્બોલ દેખાયો. દૂર દૂરથી કોઈ બોલી રહ્યું હોય તેમ તેને સંભળાઈ રહ્યું હતું. ‘ઇટ ઇઝ અ ટફ ગેમ. લેટ અસ સ્ટીક ટુ ધ પ્લાન.’ ટેકરીના ઢાળ પર ગાડી ઝડપથી સરકી રહી હતી. તેણે સ્પીડ ઘટાડવા એક્સીલેટર પરથી પગ હટાવી દીધો.

= = =

સમ્પાદકીય સમીક્ષાત્મક નોંધ

આ વાર્તાના ‘સર્વજ્ઞ કથકે’ ગેમને ટફ કહીને બરાબર સૂચવી દીધું છે કે શરૂમાં કૅરિયર વિકસાવવી, વ્યાવસાયિક કારકિર્દી બનાવવી, કે ગેમ, પ્રેમ, અંગત જીવન, વિદેશગમન, વગેરે વચ્ચે સરજાતા તણાવને કારણે બધું કેવું તો મુશ્કેલ થઈ પડે છે, એટલું જ નહીં, નષ્ટ થઈ જાય છે.

પ્રારમ્ભે એમ લાગે કે સંજયની આ વાર્તા ક્રિકેટની ગેમ વિશે છે. ઇનિન્ગ પૂરી થયા પછી કોચ વિજયને સંભળાય તે રીતે ટૉણો મારે છે કે, ‘મૅન, વન રોંગ ડિસીશન, એન્ડ વી આર આઉટ ઑફ ધીસ લીગ ટુર્નામેન્ટ’, અને સર્વજ્ઞ કથક જ્યારે એમ કહે છે કે ‘તેનાથી બોલી જવાયું, ટકી રહેવા ખરેખર ઘણું મથવું પડે છે’, ત્યારે વાચકને લાગે કે આ રચના માત્ર ગેમમાં ટકી રહેવા વિશે નહીં પણ કશાક ખરા કે ખોટા ડીસિસનના પરિણામે ટકી રહેવા વિશે હશે. વાચકની એ ધારણા રચનાના ઉત્તરાર્ધમાં સાચી પડે છે. સારી વાત એ છે કે રચના ધીરે ધીરે ઊઘડે છે તેથી વાચકનું કુતૂહલ વિકસ્યા કરે છે. ક્રમે ક્રમે એ જોઈ શકે છે કે એમાં બે વિરોધી બાબતોનું સાયુજ્ય છે: એક છે, વિજયને ક્રિકેટર તરીકે ગમતી બાબત ગેમ અને બીજી છે, એની શરૂઆતની મથામણ, સ્નેહા સાથેનો સમ્બન્ધ. આ સાયુજ્ય સૂચક છે, વાચક એને વિચારીને માણી શકે, અન્તની વાસ્તવિકતાને સહજ ગણીને સ્વીકારી શકે. પણ રચનામાં એ બન્ને બાબતોના વારાફેરા નથી બલકે ચોખ્ખા પડી જતા વિભાગો છે. પૂર્વ ભાગે નિરૂપાયેલું ગેમનું રૂપક જરા વધારે લંબાઈ ગયું છે, વળી, રચના એકાએક પૂરી થઈ ગઈ છે. ગેમ ટફ ખરી પણ શક્ય છે કે સહજીવનની ગેમને હજી વધુ સંકુલ બતાવાય. આ કારણોથી સંભવ છે કે કેટલાક વાચકો વાર્તાને બહુ ન માણી શકે, એમને રસ ઓછો અનુભવાય. કથકે કરેલાં સૂચક વર્ણનોનાં કેટલાંક દૃષ્ટાન્તો -- (નિરૂપણમાં વધારે ઉપકારક શબ્દો કે શબ્દગુચ્છોને મેં અવતરણચિહ્નમાં મૂકીને હાઇલાઇટ કર્યા છે). -- આજુબાજુ ‘દૂર સુધી’ નજર કરી. ટેકરીઓ જ ટેકરીઓ. એકબીજા સાથે ‘કોઈ લગાવ’ ના હોય તે રીતે એકમેકથી ‘અલગ અલગ’ ઊભેલી ટેકરીઓ...ક્યારેક આવનારા વરસાદના આગમનની આશાએ ટેકરીઓને ‘વળગીને ટકી રહેવા’ મથતું પીળું પીળું ઘાસ. -- પહેલી ઓવરમાં બોલરે ‘લાંબો’ રન-અપ લઈને બૉલ નાખ્યો અને બેટસ્મેન ‘કંઈ કરે તે પહેલાં’ તેના બેટની ‘બિલકુલ બાજુમાંથી’ નીકળી જઈને વિકેટકીપરના ગ્લોવ્ઝમાં ‘ધડામ્’ લઈને અથડાયો. -- યુનિવર્સિટી લેવલની તેના જીવનની પહેલી ટુર્નામેન્ટની ફાઈનલ મેચ ‘એક રીલની માફક’ તેની સામેથી પસાર થઈ ગઈ. -- ઠેર ઠેર ઝાડ પરથી પડીને ‘સુક્કાં ભઠ્ઠ’ થઈ ગયેલાં પાંદડાંને ‘જોતો’ રહ્યો. ગયા શુક્રવારે કંપનીના વાઇસ પ્રેસિડન્ટ સાથેની મીટિંગમાં થયેલી વાતો તેના મનમાં ‘પડઘાતી’ રહી. પાંદડાં પર ચાલતાં ચાલતાં ‘ચરચર આવતો’ અવાજ તેને અકળાવી રહ્યો. -- ક્યારેક ક્યારેક બંને ચાલવા માટે કેમ્પ્સના ગાર્ડનમાં જતાં ત્યારે તે ‘રનઅપ લઈને’ બોલિંગ કરતો હોય તે રીતે ‘દોડતો’ પણ ખરો. -- આજુબાજુમાંથી પસાર થતાં વાહનો તેમની તરફ ‘ડીપર લાઈટ’ કરી જોતાં રહ્યાં.

= = =