સાહિત્ય પલ્લવ – ભાગ ૩/કળાકાર મહર્ષિ નિકોલસ રોરિક
પ્રો. નિકોલસ રોરિક આ યુગના એક મહાન અને વિશ્વપ્રસિદ્ધ કલાકાર છે. મહાન ચિંતક, પ્રવાસી અને પ્રાચ્યવિદ્યાવિશારદ તરીકે પણ તેમનું સ્થાન બહુ ઊંચું છે. ઈ.સ. ૧૮૭૪ના સપ્ટેમ્બરની ૨૭મીએ લેનિનગ્રાડમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતા આગેવાન ધારાશાસ્ત્રી હતા, એટલે કુમાર રોરિકને વિદ્યાલય અને મહાવિદ્યાલયની સંપૂર્ણ કેળવણી મળી હતી તેમ જ ધારાશાસ્ત્રીની પરીક્ષા ઉત્તમ રીતે પસાર કરી શક્યા હતા. પરંતુ સાથે સાથે રજાના દિવસોમાં ‘ઈશ્વારા’ નામની બાપીકી જાગીરમાં ગામડાની રખડપટ્ટીઓ કરી કુદરતી સૌંદર્યનું તત્ત્વ પિછાની લીધું હતું અને નવસર્જનનાં રજકણો ભેગાં કરી લીધાં હતાં. નાનપણમાં તેમણે વીરકાવ્યો, વીરકથાઓ, સાહિત્ય, ભૂતકથાઓ, શિકાર, કુદરત વગેરે વિષે પર ખૂબ લખ્યું હતું. એ સાથે નજીકનાં ખંડેરોમાંથી પ્રાચીન કાળના કેટલાક અવશેષો શોધી કાઢ્યા હતા. વિદ્યાલયના અભ્યાસની સાથે તેમણે કેટલાક અગ્રગણ્ય કલાકારોનો સમાગમ સાધી તે વિષયમાં અસાધારણ પ્રગતિ દાખવી હતી. અને ધારાશાસ્ત્રીની પરીક્ષા આપી તે સાથે જ કલાનાં ઉચ્ચ ધોરણ પસાર કરી તેમણે પોતાની પ્રતિભાની પ્રતીતિ આપી હતી. ઈ.સ. ૧૮૯૬માં ‘સંદેશવાહક’ નામનું તેમનું ચિત્ર પ્રસિદ્ધ થયું અને તે ચિત્ર ટ્રેશ્યાકોફના ચિત્રાલય માટે રાખી લેવામાં આવ્યું. યુવાન ચિત્રકાર માટે રશિયામાં આથી વધુ કોઈ સન્માન નહોતું. ઈ.સ. ૧૯૦૦માં તેમણે યુરોપનાં મહાન કલાધામોની યાત્રા કરી પોતાના કલાસર્જન માટે વિશેષ શ્રદ્ધા અને શક્તિ એકાગ્ર કરી. રશિયામાં તેમને શાહી કળાશાળાના નિયામકની જગ્યા મળી તે સાથે આખા દેશની કળાસમિતિના મંત્રી બન્યા. એ પ્રસંગે ઝાર નિકોલસ બીજાની સાથે તેમને કળા વિષે લાંબા વાર્તાલાપો કરવાના અનેક પ્રસંગો મળતા. તેમણે સ્થપતિ તરીકે, લેખક તરીકે, કેળવણીકાર તરીકે અને મહાન સર્જક તરીકે દેશમાં પ્રમુખ પદ મેળવ્યું હતું. લગભગ ત્રણ હજાર વિદ્યાર્થીએ તેમની પાસે ચિત્રદીક્ષા લઈ રહ્યા હતા. ઈ.સ. ૧૯૧૭માં મૅકસીમ ગોર્કીએ વિશ્વકલા પરિષદ બોલાવી. તેના પ્રમુખ તરીકે તેમની પસંદગી થઈ હતી. રશિયામાં રાજ્યક્રાન્તિ થયા બાદ ૧૯૨૦માં તેમને અમેરિકાએ આમંત્રણ મોકલ્યું. તેમની નવી કળાકૃતિઓનાં પ્રદર્શનો ભર્યાં અને તેમને અમેરિકન નાગરિકત્વ અર્પણ કર્યું. ન્યૂયોર્કમાં તેમના નામ પર રોરિક મ્યુઝિયમ નામનું પંદર મજલાનું મહાલય બંધાયું છે તેને અંગે તેમની ભાવના પ્રમાણે કળાની અનેક શાખાઓનો અભ્યાસ, શિક્ષણ અને પ્રચારનું કાર્ય ત્યાં થઈ રહ્યું છે. કળા દ્વારા પોતે કયા આદર્શો ઝંખી રહ્યા છે તે તે વ્યાખ્યાનો દ્વારા સ્વમુખે સમજાવતા. તેમનાં ચિત્રો જોઈ હજારો માનવીઓ તેમના પ્રશંસક અને ભક્ત બન્યા છે. એમનાં ચિત્રો માત્ર બુદ્ધિ કે હસ્તકૌશલ્ય દાખવી અટકતાં નથી. તે ચિત્રોનાં દર્શનથી ભવ્યતા, પ્રકાશ અને રંગ કાવ્ય દ્વારા કોઈ દૈવી છાયા જોનારના મન અને હૃદય પર છાપ પાડી શકે છે. અમેરિકામાં તેમનાં ચિત્રપ્રદર્શનો આગળ અશ્રુતપૂર્વ માનવમેદની જામી પડતી. દ્રવ્યપૂજક અમેરિકા તેની આગળ ભાવભીનું બની ગયું. એક વિદ્વાને કહ્યું કે, ‘આ પુરુષ જગતની જૂની યજ્ઞવેદીઓ પ્રજ્વાળશે અને સૌંદર્ય જ સંસારનું ઉદ્ધારક બનશે.’ રોરિક મ્યુઝિયમ તરફથી અને રોરિક અમેરિકન સેન્ટ્રલ એશિયાટિક શેાધકમંડળ અને બીજી કેટલીક સંસ્થાઓના સહકારથી ૧૯૨૨માં પ્રો. રોરિકે હિમાલયને કેન્દ્ર રાખી એશિયાનો માનવસંઘ યોજ્યો. તે સંઘમાં તેમના મોટા પુત્ર ડૉ. જ્યૉર્જ રોરિક સંઘનેતા બન્યા હતા. તે ઇતિહાસના અઠંગ જ્ઞાતા છે. તિબેટની ઘણી ઉપભાષાઓ બોલી જાણે છે અને તેમણે તિબેટની ભાષાનો એક કોષ રચ્યો છે. ૧૯૨૬માં રોરિકે હિંદ, બૃહદ તિબેટ અને કારાકોરમ પર્વતો ઓળંગી મોંગોલિયા અને અસલ તિબેટ વગેરે એશિયાનાં હૃદયસ્થાન સર કરી લીધાં. તેની ફળપ્રાપ્તિરૂપે અપૂર્વ કલાદર્શનો અને સંસ્કાર સામગ્રી એકઠી કરી લાવ્યા છે. એમણે એ અઢી વર્ષના પ્રવાસમાં અનેક વિઘ્નો અને વિકટ જોખમો ખેડ્યાં હતાં અને પાર કર્યાં હતાં. એમના આખા કાફલાને ચિનાઈ તુર્કસ્તાનના એક જાલિમ સૂબાએ પાંચ માસ સુધી કેદ રાખ્યા હતા. હથિયાર સુધ્ધાં ખેંચી લીધાં હતાં. પંદર કે વીસ હજાર ફૂટની ઊંચાઈએ અસહ્ય ઠંડી અને શારીરિક યાતના સહન કરતાં તેમના કાફલાનો એક આદમી અને નેવું જેટલાં ભારવાહી જાનવર મરી ગયાં. એમ છતાં હિમાલયના એ દસ હજાર માઈલના પ્રવાસ દરમિયાન તેમણે ૩૫૦ જેટલાં ચિત્રો તૈયાર કર્યાં અને એશિયાની સંસ્કૃતિ, ચમત્કૃતિ અને દંતકથાઓ પ્રકટ કરતી અપૂર્વ ચિત્રમાળા જગતને આપી. એમ કહેવાય છે કે એમણે આ પ્રવાસ ખેડ્યો ન હોત તો બીજાં હજાર વર્ષ સુધી હિમાલય વિષે આટલું મર્મસ્પર્શી જ્ઞાન અને દર્શન કરાવનાર બીજા પુરુષની જગતને રાહ જોવી પડત. એમના પ્રવાસથી હિમાલય અને ઉત્તર એશિયાની બીજી અનેક માહિતીઓ આજના જગતને મળી છે. કેટલાંક સ્થળો અને પ્રજાઓની ચોક્કસ હકીકત તેઓ મેળવી શક્યા છે. તેમણે મેળવેલી ૪૦૦૦ જેટલી વનસ્પતિઓ અને ઔષધિઓનાં નામો, ચિત્રો અને ગુણો ઉપર અન્વેષણ અને પૃથક્કરણ સાથે રોરિક મ્યુઝિયમે ગ્રંથો બહાર પાડવા માંડ્યા છે. હિમાલયના પરિચય અને અભ્યાસથી પ્રો. રોરિકને એ પ્રદેશો ઉપર એટલી પ્રીતિ ઊપજી કે, તેમણે પ્રવાસ પૂરો થતાં પંજાબની પૂર્વે સીમલાની દક્ષિણે એકસો માઈલ ઉપર કુલ્લુ પ્રાન્તમાં વ્યાસ નદીને કાંઠે પહાડ ઉપર આવેલા નગર ગામમાં પોતાનું ઉરુસ્વાતિક નામનું મથક બનાવી ત્યાં જ વાસ કર્યો છે. એમનાં પત્ની શ્રીમતી હેલિના રોરિક પણ પ્રતાપી બાઈ છે. હિમાલયના આખા પ્રવાસમાં તે તેમની સોબતમાં જ હતાં અને એશિયા અને હિંદની સંસ્કૃતિ તરફ બહુ જ મમતાથી જુએ છે. તેમના બીજા નાના પુત્ર સ્વેટોસ્લાવ રોરિક પણ બહુ જ નામીચા ઉત્તમ પંક્તિના ચિત્રકાર છે અને તેમણે પોતાના પિતાના આદર્શો પાર પાડવામાં જીવનનું ધ્યેય અને સફળતા માન્યાં છે. આ પરિવાર સત્તર વર્ષથી હિમાલયમાં હિંદને વતન બનાવી રહ્યો છે અને તેમના પરિચયમાં આવનાર અનેક હિંદવાસીઓ પોતાને ધન્ય માને છે. પ્રો. રોરિકનાં ચિત્રો કળાની અનુપમ લીલા છે એટલું જ કહેવાથી તેના ગુણોની મર્યાદા બાંધી શકાય એમ નથી. તેમનાં મોટાં રંગ-સુરખી-ભર્યાં ચિત્રો પહેલી જ વાર જોનારને પણ એક પ્રકારનો ઉન્માદક આનંદ આપ્યા વિના રહેતાં નથી. આવો અનુભવ સર્વોચ્ચ શક્તિમત્તા અને સર્જક પ્રાણના સંસ્પર્શની પરીક્ષા છે. એ ચિત્રોની ખૂબી તો એ છે કે તેમાં તેજ અને પ્રભાવ આગળ બીજું બધું ઝાંખું થઈ જાય છે અને સ્થળ તેમ જ કાળથી આપણને તે જુદા પાડી અનિર્વચનીય વાતાવરણમાં ખેંચી જાય છે. છાપેલાં નાનાં ચિત્રો અસલ ચિત્રોની હજારમા ભાગની છાપ રજૂ કરી શકતાં નથી એટલે વર્ણનથી તેનો ખરો ખ્યાલ મળી શકે નહિ. કળા કે રંગોની તેમાં કરામત માત્ર નથી પણ જીવન અને તેજનાં તત્ત્વોવાળાં વિરલ દર્શનો છે. દિવ્ય અને ભવ્ય વેદઘોષ સમી કળા દ્વારા તેમણે જગતને ઉન્નત સૌંદર્યના થાળ પીરસ્યા છે. એકલે હાથે કરેલાં એવાં હજારો ચિત્રો દ્વારા જગતનાં કેટલાંય સ્થળોમાં તે શાંતિ અને સ્નેહનો ધ્વજ ફરકાવી રહ્યા છે. એમનાં ચિંતનો અને ઉદ્ગારોમાં ઋષિવાણી છે. આજના યુગના તે એક અદ્વિતીય પુરુષ છે. ભાવી જગતના દૃષ્ટા અને વિધાયક છે. સ્થાપત્યવિશારદ, પુરાણજ્ઞાતા, શિક્ષણવિધાયક, કવિ, ચિત્રકાર અને પયગંબર સર્વે કોઈ આ સૌંદર્યવિધાતા રોરિકમાં દૃશ્યમાન થાય છે. તેમને સર્વ કળાઓ એકરૂપે દર્શન દે છે. કોઈ મહાન કવિની તન્મયતા અને આર્ષ દૃષ્ટિ તેમનાં ચિત્રો અને મહાલયપટો (ફ્રેસ્કો)માં તેમના નિત્યજીવનના સહજ પ્રસાદ જેવાં વ્યાપક છે. આવાં તો તેમનાં વચનો છે: ‘કળા સર્વદેશી, સર્વવ્યાપી બનવી જોઈએ. ન કોઈ રાજસત્તા કે પ્રજામત, સંપ્રદાય કે પરિસ્થિતિ તેમાં અંતરાય બને. કળા પરમ પ્રકાશ આપનારી છે. પ્રત્યેક શાળામાં સર્જનપંથનાં દ્વાર ખોલો.’ બધાં દિવ્યદ્વારો સૌંદર્યનાં કિરણોથી ઊઘડશે. જેમનાં જીવન સૌંદર્યમય છે તે જ એ કિરણો પામશે. પ્રેમ-સૌંદર્ય અને કર્તવ્ય-દરેક મનુષ્યનો ધ્યાનમંત્ર બનો. કવિઓ, પયગંબરો ને ઋષિઓ યુગોથી એમ કહેતા આવ્યા છે.
સ્વાધ્યાય