સાહિત્ય પલ્લવ – ભાગ ૩/દલપતરામ

દલપતરામ

[આકાશનો નથી અન્ત કે નથી મળી શકતો એનો તાગ, અને કાળની પણ એ જ સ્થિતિ છે. એ બેને કવિ જૂના જોગી તરીકે વર્ણવે છે, અને જાણે સમસ્યામાં પૂછે છે કે કોણ છે એ જૂના જોગી? એકબીજાને વળગ્યા છે, કદીય વિખૂટા નથી પડતા–પણ આશ્ચર્ય તો એ છે કે એક સ્થિર છે જ્યારે બીજો સતત દોડ્યા જ કરે છે! અને એમનાં આભૂષણો! તારા અને નક્ષત્રો રૂપી મણિની માળાઓ અને સૂરજ ને ચાંદા રૂપી માદળિયાં એમણે પહેર્યાં છે. અને સાચે જ એ જોગી જેવા જ છે ને! પળ પળ કંઈ કેટકેટલા જીવ જન્મે છે. ને કેટકેટલા જીવ મરે તો છે : પણ એ તો છે તેના તે જ!]