સાહિત્ય પલ્લવ – ભાગ ૩/આકાશ અને કાળ વિષે ગરબી

આકાશ અને કાળ વિષે ગરબી
‘મારું સોનાનું છે બેડું રે, છેલ છબીલા છોગાળા’
—એ રાગ.


જોયા બે જૂના જોગી રે, કહે સહિયર તે કોણ હશે?

નથી નિર્બળ કે કાંઈ રોગી રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.


અધઘડી નથી થાતા અળગા રે, કહે સહિયર તે કોણ હશે?

એકમેક બીજાને વળગ્યા રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.


મન ધારી પરસ્પર માયા રે, કહે સહિયર તે કોણ હશે?

બંનેની એક જ કાયા રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.


એક સ્થિર રહે, બીજો દોડે રે, કહે સહિયર તે કોણ હશે?

પણ જણાય જાણે જોડે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.


મણિઓની પહેરી માળા રે, કહે સહિયર તે કોણ હશે?

દીસે છે રૂડા રૂપાળા રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.


વળી વસ્ત્ર ધર્યાં વાદળિયાં રે, કહે સહિયર તે કોણ હશે?

બે ગેાળ ધર્યાં માદળિયાં રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.


વસ્તીમાં વળી વગડામાં રે, કહે સહિયર તે કોણ હશે?

ગિરિરાજ તણી ગુફામાં રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.


છે પવનપાવડી પાસે રે, કહે સહિયર તે કોણ હશે?

અંતરિક્ષે પણ એ ભાસે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.


પાતાળે પણ તે પેસે રે, કહે સહિયર તે કોણ હશે?

જઈ સ્વર્ગ નરકમાં બેસે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.


એની ઉંમર કંઈક ગણે છે રે, કહે સહિયર તે કોણ હશે?

પણ ભૂલી ફરી ભણે છે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
૧૦


કંઈ ઊપજે અને ખપે છે રે, કહે સહિયર તે કોણ હશે?

પણ એ તો એના એ છે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
૧૧


કોણ જાણે જનમ્યા ક્યારે રે? કહે સહિયર તે કોણ હશે?

ક્યાં સુધી કાયા ધારે રે? જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
૧૨


એનો આદિ અંત ન આવે રે, કહે સહિયર તે કોણ હશે?

સખી કોણ મુજને સમજાવે રે? જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
૧૩


અચરજ સરખું આ ઠામે રે, કહે સહિયર તે કોણ હશે?

દિલે દીઠું દલપતરામે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
૧૪

સ્વાધ્યાય

૧. બે જોગીમાંથી કયો સ્થિર છે અને કયો દોડે છે?
૨. કવિ એમને જોગી તરીકે કેમ ઓળખાવે છે?
૩. એ જોગીઓ ક્યાં ક્યાં વસે છે તે જણાવો.
૪. તમારા મન પર આકાશ અને કાળની શી અસર થાય છે તે જણાવો.