સિગ્નેચર પોયમ્સ/આપણે તો એટલામાં રાજી – રમણીક સોમેશ્વર

આપણે તો એટલામાં રાજી

રમણીક સોમેશ્વર


આપણે તો એટલામાં રાજી
આખાયે જંગલમાં રોજ રોજ ફૂટે છે
ક્યાંક એક કૂંપળ તો તાજી
આપણે તો એટલામાં રાજી

એકાદું પંખી જો ડાળ ઉપર બેસે તો થાય,
મળ્યું આખું આકાશ
એકાદું ગીત કોઈ મોસમનું ગાય
તોય રોમરોમ ફૂટે પલાશ
એકાદી લહેરખી પવનની જ્યાં સ્પર્શે
ત્યાં રણઝણતી ઝાલરી બાજી
આપણે તો એટલામાં રાજી...

પાણીની એકાદી છાલકમાં હોય કદી
રીમઝીમ રેલાતો મલ્હાર
છાતીમાં નાંગરેલ સપનામાં હોય કોઈ
એકાદી ક્ષણનો વિસ્તાર
એક એક કૂંપળમાં જંગલ ઊભરાય?
કોઈ પૂછે, તો કહીએ કે હાજી
આપણે તો એટલામાં રાજી