સિગ્નેચર પોયમ્સ/કાજળ ભર્યાં નયનનાં – ઘાયલ

ગઝલ

ઘાયલ


કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.

લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.

જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,
એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે.

ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાનાં તો પણ મને ગમે છે.

હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું,
દીવાનગીતણું આ ડ્‌હાપણ મને ગમે છે.

આવી ગયાં છો આંસુ લૂછો નહીં ભલા થઈ,
આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે.

લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે.

દિલ શું હવે હું પાછી દુનિયા ય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીનાં! વળગણ મને ગમે છે.

ભેટ્યો છું મોતને કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે!

‘ઘાયલ’, મને સુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઈ ને ભર્યાં છે, એ રણ મને ગમે છે.