સિગ્નેચર પોયમ્સ/દિવસો જુદાઈના જાય છે – ગની દહીંવાલા
Jump to navigation
Jump to search
ગની દહીંવાલા
દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી,
મારો હાથ ઝાલીને લઈ જશે મુજ શત્રુઓ જ સ્વજન સુધી.
ન ધરા સુધી ન ગગન સુધી નહિ ઉન્નતિ ન પતન સુધી,
ફક્ત આપણે તો જવું હતું હર એકમેકના મન સુધી.
હજી પાથરી ન શક્યું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાથી હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.
છે અજબ પ્રકારની જિન્દગી, કહો એને પ્યારની જિંદગી,
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.
તમે રાંકનાં છો રતન સમાં ન મળો હે આંસુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી.
તમે રાજરાણીના ચીર સમ અમે રંક નારની ચુંદડી,
તમે તન ૫ર રહો ઘડી બેઘડી અમે સાથ દઈએ કફન સુધી.
જો હૃદયની આગ વધી ‘ગની’ તો ખૂદ ઈશ્વરે જ કૃપા કરી
કોઈ શ્વાસ જ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી