સિગ્નેચર પોયમ્સ/ભરતી – કૃષ્ણલાલ શ્રીધરાણી

ભરતી

કૃષ્ણલાલ શ્રીધરાણી


સહસ્ર શત ઘોડલાં અગમ પ્રાન્તથી નીકળ્યાં,
અફાટ જલધિ પરે અદમ પાણીપન્થાં ચડ્યાં;
હણે હણહણેઃ વિતાન, જગ, દિગ્ગજો ધ્રૂજતાં,
ઊડે ધવલ ફેન શી વિખર કેશવાળી છટા!

ત્રિભંગ કરી ડોકના, સકળ શ્વાસ ભેગા કરી,
ઉછાળી નવ દેહ અશ્વ ધમતા પડી ઊપડી;
દિશા સકળમાં ભમી, ક્ષિતિજ-હાથ તાળી દઈ,
પડંત પડછંદ વિશ્વભર ડાબલા ઉચ્ચરી,

કરાલ થર ભેખડે, જગતકાંઠડે કારમા,
પછાડી મદમસ્ત ધીંક : શિર રક્તનાં વારણાં;
ધસી જગત ખૂંદશે? અવનિ-આભ ભેગાં થશે?
ધડોધડ પડી – ખરી ગગનગુંબજો તૂટશે?
ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે!
દિશાવિજય કૂૂચનાં કદમ ગાજતાં ઊપડે!