સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/ચાર નિપુણતા વિશે

ચાર નિપુણતા વિશે


સરસ વક્તવ્ય કે શુદ્ધ લેખન ન કરી શકતો હોય, ચર્ચા-સંવાદ જાણતો ન હોય, વાચનવૃત્તિ વિનાનો હોય, તો તેવાને, મારું ચાલે તો સાહિત્યમાં પ્રવેશ ન આપું. ઍડમિશન માટે ઇન્ટરવ્યૂ રાખું. એક વૅલ-ઍરેન્જ્ડ થિક ફિલ્ટર રાખું. વાત વધારે પડતી લાગશે, પણ જરૂરી છે. સાહિત્યનાં યુનિવર્સિટી લેવલનાં અધ્યયન તેમજ અધ્યાપન માટે વક્તવ્ય, લેખન, ચર્ચા અને વાચન મારી દૃષ્ટિએ ૪ પાયાની વસ્તુઓ છે. કૉલેજમાં આવનારા વિદ્યાર્થીમાં એ માટેનાં રસ-રુચિ ખીલેલાં હોવાં જોઈએ. અધ્યાપક તો એ દરેકમાં નિપુણ હોવો જોઈએ. એની નિપુણતાનો નિરન્તર વિકાસ થવો જોઈએ. એ એની વ્યાવસાયિક જરૂરિયાત છે. આ બાબતોની તાલીમનો વિચાર પ્રાથમિક અને માધ્યમિકમાં પહેલેથી થયેલો છે. એવી સમજથી કે વિદ્યાર્થી પાસે જો વક્તવ્ય લેખન ચર્ચા અને વાચનના ચૉક્કસ સંસ્કારો હશે તો આગળની સાહિત્યવિદ્યા એને કઠિન નહીં લાગે. શિક્ષકોએ એને જોડણી શીખવી છે. ‘સ’ ‘શ’ કે ‘ષ’ જેવા ભેદો બતાવીને શુદ્ધ ઉચ્ચારો કરવાની ટેવ પાડી છે. વ્યાકરણ ઉપરાન્ત અર્થવિસ્તાર કે સંક્ષેપ વગેરે લેખનનું બધું ચીવટથી શીખવાડ્યું છે. સમાસ, સન્ધિ, અલંકારો શીખવ્યાં છે. ગામડું સારું કે શહેર -જેવા ‘ચર્ચા-સંવાદો’માં કોઈ વાર એનો નમ્બર આવેલો. વક્તૃત્વ-સ્પર્ધાથી જાણેલું કે સારું વક્તવ્ય કે વ્યાખ્યાન કોને કહેવાય. ‘તૂટેલા ચમ્પલની આત્મકથા’ લખી ત્યારથી એને ખબર પડી છે કે આલંકારિક લેખન કેવુંક હોય. શિક્ષકોએ કહેલું કે દુનિયામાં ઘણા ઘણા મોટા લેખકો થઈ ગયા છે; અભ્યાસમાં ન હોય તેવાં પણ આ સંસારમાં વાંચવાલાચક અગણિત પુસ્તકો છે. આમાં મારે ૪ હકીકતો જોડવી છે: ૧: ભાષા-સાહિત્યનું આ ચતુર્વિધ જ્ઞાન પામેલાં મોટાભાગનાં છોકરા-છોકરીઓ ઇજનેરીમાં કે દાક્તરીમાં જાય છે. તે દિવસથી કવિતા નિબન્ધ જેવા ‘પાઠ’ એમના બારામાં કાયમ માટે ડુલ થઈ જાય છે: ૨: ગુજરાતી વિષય સ્વરુચિથી પસંદ કરનારાં બહુ ઓછાં હોય છે. ક્યાંય ઍડમિશન ન મળ્યાં હોય એવાં બધાં છેલ્લે ગુજરાતીમાં આવે છે. ટોટલ લૉટનો ‘રેસિડ્યુ’-અવશેષ: ૩: મોટી વિડમ્બના એ કે કૉલેજમાં આવતાંની વારમાં જ વિદ્યાર્થીનું આ ચતુર્વિધ જ્ઞાન ગાયબ થઈ જાય છે!: ૪: એવી અછતગ્રસ્ત ભૂમિકાએ ‘તૈયાર’ થયેલા વિદ્યાર્થીઓ ગુજરાતીના અધ્યાપકો બને છે એ ચૉથી કરુણ પણ હકીકત છે. અધ્યાપકોની ભાવિ પેઢીઓ એ ભૂમિકાએથી આવતી હોય છે. કૉલેજમાં આવતાં, વિદ્યાર્થીનું એ જ્ઞાન ગાયબ થઈ જાય છે એનું પ્રમાણ આપું: સન્નિષ્ઠ પરીક્ષકો ઉત્તરવહીઓમાં આટલી ક્ષતિઓ વરસોથી જોતા આવ્યા છે: જોડણીની અરાજકતા. ગલત શબ્દપ્રયોગો. અશુદ્ધ વાક્યોની દોડાદોડી. ધરાર ખોટી માહિતી આપે. લખે, હાસ્યકાર જ્યોતીન્દ્ર દવે ‘નર્મદના જમાનામાં’ થઈ ગયા! પહેલાં, કૉલેજોમાં ફરતી વક્તૃત્વ-સ્પર્ધાઓ હતી. જીતે તે કૉલેજ, ટ્રૉફિ લઈ જાય. હવે વક્તૃત્વ-સ્પર્ધાઓ આઉટ ઑફ ફેશન ગણાય છે -એમ કે એ તો નિશાળોમાં શોભે! એટલે, માધ્યમિકમાં સારો ગણાયેલો પેલો વક્તા, સૂનો પડી જાય છે. સાહિત્યસભાઓમાં વિદ્યાર્થીને બેઠકનું સંચાલન સોંપાય છે -સારી વાત. વક્તા તરીકેની એની ગુંજાઈશ જોવા મળે. પણ એની પાસે બેઠકના વક્તાઓનાં નામથી વિશષ કંઈ હોતું નથી. કહેતાં હોય -સુમન શાહનો પરિચય આ સભાને થોડો આપવાનો હોય! આખું ગુજરાત જાણે છે! હવે તો, કોઈ કોઈ જગ્યાએ સંચાલક બેનડી ઝૂકીને મને સ-સ્મિત પૂછતી હોય છે -સર, મારે તમારો ઇન્ટ્રો આપવાનો છે, ખાસમાં શું કહું, બોલો સર, લખી લઉં. પૅડ ને ખુલ્લી બૉલપેન તત્પર હોય. હું પણ એને સ-સ્મિત કહેતો હોઉં છું -ખાસમાં, ‘સુમન શાહ’ કહેશો તો પૂરતું છે. અને, મજા તો એ કે પૅડને બગલમાં દબાવતીક માઇકને સજ્જડ પકડી રાખી એટલો ઇન્ટ્રો એ સુખે પતાવતી હોય છે. માધ્યમિકમાં તરવરિયાં હતાં એ બધાં આમ સાવ જરૂરતમંદ અને ગરજમતલબી થઈ જાય છે. આભારદર્શનમાં પણ આળસુ અને ગરીબડાં લાગે! ‘એમનો પણ આભાર માનું છું’, ‘એમનો પણ આભાર માનું છું’ જેવા ધ્રુવવાક્યથી કામ પતાવતાં હોય છે. આમ ને આમ, ઍમ.એ. અને પીઍચ.ડી. થઈને એક દિવસ અધ્યાપક બની જાય છે. મેં અનેક ઇન્ટરવ્યૂ લીધા છે. અધ્યાપકપદના આકાંક્ષીને વાચન બાબતે પૂછું -લાભશંકર ઠાકરને વાંચ્યા છે? તો કહે -નામ સાંભળ્યું છે! ભલે, એ ઉમેદવારની લેખન-શક્તિ શી રીતે જાણવી? ઇન્ટરવ્યૂમાં એની જોગવાઈ હોતી નથી. ઇન્ટરવ્યૂમાં એક એવો સૅગ્મૅન્ટ પણ હોવો જોઈએ જેથી ઉમેદવારના લેખનને પરખી શકાય. આ વાત પણ વધારે પડતી લાગશે, પણ જરૂરી છે. સ્વીકારવું જોઈશે કે ગુજરાતીના અધ્યાપકોની પ્રવર્તમાન પેઢીઓ, આગળના આવા દુષ્કર દાયકાઓનું પરિણામ છે. આ વાતોને હું દોઢ-બે દાયકા જેટલી જૂની ગણતો’તો, પણ મને અનેક હમદર્દીઓએ કહ્યું કે ના, આ બધું આજે પણ એટલું જ સાચું છે બલકે દરેકમાં ખાનાખરાબી અનેકગણી વધી ગઈ છે. લોકોને તો શું કે ગુજરાતીના સાહેબ છે, એમ સમજે, કે એમને આલંકારિક લખતાં-બોલતાં બહુ આવડે. જેમકે, પડોશી પોતાની દીકરીનાં લગ્નની કંકોત્રીનો ડ્રાફ્ટ એની પાસે કરાવે. સોસાયતીવાળા નવરાત્રના ગરબા-કાર્યક્રમનો ઍન્કર એને બનાવે. ઘરેલુ ચર્ચામાં દલીલો એની વખણાય. વિદ્યાર્થીઓ પણ એમ જ માને છે કે આપણા સાહેબ ઍચોડી છે, ગુજરાતીમાં ખાંટુ છે. યુનિવર્સિટી પણ એમ જ માને કે પ્રૉફેસર છે. આપણા જ નીમેલા, સર્વથા સજ્જ છે. ટૂંકમાં, એકેય કારણ એવું નથી કે આ ચતુર્વિધ નિપુણતા માટે અધ્યાપકે વિશિષ્ટ પુરુષાર્થ કરવો પડે. અભ્યાસક્રમોમાં એ માટેનાં કમ્પલઝન્સ નથી. વિદ્યાર્થીઓએ પણ સાહેબને સાંભળવા સિવાયનું કંઈપણ કરવું જ પડે એવું જરાય નથી. એકીટશે જોતા શાન્ત શ્રોતા બની ગયા હોય છે. કૉલેજ પૂરી થાય ત્યાં લગી બેસવાનો અધ્યાપકો માટે હવે કડક નિયમ કરાયો છે. પણ વિદ્યાર્થીઓની હાજરી બાબતે વરસોથી આંખમીંચામણાં ચાલે છે. ગુલ્લી મારે! કૉલેજ આવે જ નહીં! એ ભૂતિયાંઓને બિલકુલ ચલાવી લેવાય છે. આચાર્યો જ કહેતા હોય -નથી આવતા, શું કરીએ. મને રમૂજ થાય કે અરે યાર, પૈણનારો મૂરતિયો જ જો હાથમાં નહીં રહેતો તો ફલાણી ને ઢીંકણી આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજ -નામના મોટા મોટા માંડવા ઊભા કર્યા છે તે શેને માટે? કયા હેતુની સિદ્ધિ માટે આ ગેરરીતિને ચલાવી લેવાની? વિદ્યાર્થી તો સિસ્ટમનો બેઝિક યુનિટ છે. એમાં ગેરહાજરી સીરિયસ ડીફૉલ્ટ કહેવાય. કહેવાય કે નહીં? હું સર્વસામાન્ય પરિસ્થિતિની એટલી જ સર્વસામાન્ય વાત કરી રહ્યો છું. બાકી, ચિત્રમાં ઊજળા રંગ નથી એમ નથી. વ્યાકરણશુદ્ધ બોલી શકતા પ્રભાવક વ્યાખ્યાતા; સારા લેખક, અવલોકનકાર, સમીક્ષક; નવું વિચારવા પ્રેરે એવા પ્રશ્નકાર; ગુજરાતી, ભારતીય અને વિશ્વ-સાહિત્યમાં દિલચસ્પીથી હરફર કરતા વાચક; નથી એમ નથી, જરૂર છે. નામો આપી શકું. સંખ્યા નાની છે, પણ છે. જોકે નામો આપીને મારે દીવાલ નથી ઊભી કરવી. મૂળે મને અમુક થોડાંકની નહીં પણ સૌની કારકિર્દીમાં રસ છે. સરવાળે તો મારે એમ કહેવું છે કે વ્યાખ્યાન અને લેખન કલા છે; ચર્ચા વિદ્યાનન્દ છે; વાચન વિદ્યાવ્યાસંગ છે. એટલે કે, આ નિપુણતાઓને ચાલો આપણે સર્જકતા સાથે જોડીએ.

= = =