સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/જીવનશ્રી

જીવનશ્રી


જીવનકલા એટલે, જાણીતું છે કે જીવન જીવવાની કલા. પરન્તુ કલા એટલે તો હિકમત, કરામત, યુક્તિ. આપણને તરત સવાલ થાય : શું જીવન યુક્તિપ્રયુક્તિથી જીવવાની વસ્તુ છે? જોકે, સુન્દર રચનાને પણ કલા કહેવાય છે. એટલે કલાના પ્રસંગમાં સુન્દરતા અને તેનું સર્જન કરનારી માણસની સર્જકતા પણ દાખલ થાય છે. સર્જકતાથી જીવનને સુન્દર રૂપે જીવવું તે જીવનકલા એવો અર્થ કરાય તો વધારે સારો અર્થ કર્યો કહેવાય. બાકી, વિદ્વાનોએ યુક્તિપ્રયુક્તિભર્યા ઘણા નુસખા શોધી કાઢ્યા છે. જીવન સફળ કેવી રીતે કરશો? મિત્રો કેવી રીતે સધાય? સફળ જિન્દગીની ચાવી, સુખી દામ્પત્યજીવન જીવવાની રીત, જીવન-રહસ્ય વગેરે વગેરે વિષયો લઈને ખૂબ લખાયું છે અને લખાયા કરે છે. સંસારની દરેક ભાષામાં આવું સાહિત્ય સુ-લભ હોય છે. આ પુસ્તકોનાં લેખક-લેખિકાઓનો, આમ તો આભાર માનવો જોઈએ કેમકે તેથી, તેના બધા નહીં તો અરધાએક વાચકો તો જરૂર સુખી થયા હશે, અથવા કહો કે, તેમને લાગ્યું હશે કે પોતે સુખના માર્ગ છે અને એક દિવસ જરૂર સુખી થશે. પેલા લેખકોની વાતોથી, સંભવ છે કે કોઈ-કોઈના કોયડા ઉકલી ગયા હોય, અમુકને જીવન-મંઝિલ દેખાઈ ગઈ હોય, તો અમુકને જીવનરાહ જડી ગયો હોય, કોઈ દમ્પતી લડતાં-ઝઘડતાં બંધ થઈ ગયાં હોય, તો વળી, બધે દુશ્મનો મળતા હોય તેને, સંભવ છે કે મિત્રો જ મળવા લાગ્યા હોય. લેખકોનાં સલાહસૂચન અને માર્ગદર્શનની એવી એવી અસરો જરૂર થાય. બાકી હું પોતે આવા કશા નુસખાઓમાં માનતો નથી. જીવન એટલું બધું આસાન નથી કે એવી કશી ફૉર્મ્યુલાથી, રેડીમેડ ફૉર્મ્યુલાથી ઉકલી જાય. બીજી રીતે જોઈએ તો, જીવન સાવ સરળ છે ને એની મેળે જ જિવાય છે, જિવાયા કરે છે. એ વિશે કશું ચિન્તન-મનન કરવાની કે એ માટે માર્ગદર્શન મેળવવા ચોપડીઓના બજારમાં ચાલી જવાની જરૂર નથી. એવું બને કે એવા ટૂંકા ઇલાજ શોધવા જતાં જીવનમાં માણસ વગર કારણનો ડખો કરી મૂકે. વળી, પોતાનું જીવન જીવવાને બીજા પાસેથી મળેલી સલાહ કેટલીક કામ આવે? દરેક વ્યક્તિનું જીવન એટલું બધું અંગત છે કે ન પૂછો વાત. એમાં અન્યનો આછોતરો ઇશારો ય ખપ આવતો નથી. બીજી રીતે જોઈએ તો, જીવન જરાય અંગત નથી. કહો કે એમાં અંગત-જાહેરના ભેદ છે જ નહીં. એવા પરમ અર્થમાં એ સરળ છે, કે જેને વર્ણવવા ભાષા પાછી પડી જાય…! આવું વિચારતાં, હમેશાં મને પશુ-પક્ષીઓની જીવનશૈલી દેખાવા માંડે છે : એક કબૂતરની સવાર જુઓ. એક મોરની દિનચર્યાની કલ્પના કરો —શું કરતો હશે એ આખો દિવસ? એક સિંહની બપોર વિચારી જુઓ. બધાં મનુષ્યેતર પ્રાણીઓની રાત ક્યારે પડે છે, તેમની નિદ્રા કેવી હોય છે —પૂછીને જાતને જાતે જ જવાબો આપી જુઓ. મનુષ્ય સિવાયનો કોઈ જીવ પોતાના શરીરને કપડાંથી ઢાંકતો નથી. પોતાની સહજ વૃત્તિઓ છુપાવતો નથી. છતાં, તેમની સૃષ્ટિમાં, એટલે કે મનુષ્યેતર સૃષ્ટિમાં ખૂન, બળાત્કાર, આપઘાત, અપહરણ, લૂંટફાટ કદી થતાં નથી. ત્યાં હડતાળો દેખાવો ધરણાં બંધ ક્યારેય થતાં નથી. ત્યાં કદી ખાદ્ય ચીજોની અછત જન્મતી નથી, ત્યાં મૉંઘવારી-સૉંઘવારી નથી. માણસની બનાવેલી દુનિયા જ દીનહીન, સડેલી-બગડેલી, ગંદી-ગોબરી ને કંગાલ છે. એમાં પ્રભુતા નથી, ઐશ્વર્ય નથી, શ્રી નથી. હવે, એવું માણસ નામનું બેહાલ પ્રાણી, જીવન જીવવાની કલા કરવા જાય, કે શીખવા જાય, તો કહો જોઈએ, શો દા’ડો વળવાનો? જીવનને સર્જકતાથી જોવું ને સુન્દર રૂપે જીવવું કે સુન્દર બનાવવું એ વાત આમ તો બરાબર દીસે છે, પણ મને તો એમાંય વિશ્વાસ નથી. કલા પોતે જ એક પ્રપંચ છે, જીવનપ્રપંચમાં એથી કયો ફેર પડવાનો? વળી કલાનું સત્ય આભાસનું સત્ય છે. જીવનને તો વાસ્તવની એવી નક્કી અને નકરી ભૉંય મળેલી છે કે આભાસ તો ત્યાં ઢૂંકી શકે જ નહીં. વળી અહીં કેટલાક ગૂંચવાડિયા સવાલો પણ છે : જેમકે, જીવનના સંદર્ભમાં ‘સર્જકતા’ એટલે શું? માણસ પોતાનાં દુ:ખોને ભાવ-ભાવનાના ઓપ આપી ગાય કે તેનું ગીત બનાવે, તેની ગઝલ કે તેનું કાવ્ય કરે, તો તેણે પોતાની જિન્દગીને સર્જકતાથી સુન્દર બનાવી લીધી એમ કહેવાય? એ જ રીતે, અહીં ‘સુન્દર’નો શો અર્થ કરવાનો? કેવું કરીએ તો જીવન સુન્દર બને? શું કરીએ તો જીવન સુન્દર કહેવાય? આ પ્રશ્નોના ઉત્તર, સૂઝે એવા કંઈ સાચા નથી હોતા. કલા, સૌન્દર્ય, સર્જકતાની દરેક વ્યક્તિની સમજ તેની પોતાની હોય છે અને તે મુજબ જ તે પોતાના જીવનને ઢાળે-વાળે છે. ખરી વાત જ એ છે કે દરેકે પોતાનો ક્રૉસ પોતે જાતે ઉપાડવાનો છે. એમાં પ્રામાણિક રહેવાય, સાચદિલ રહેવાય, તો પૂરતું છે. બાકી જીવન જીવવાની કોઈ કલા અસ્તિત્વમાં નથી.

= = =